Sunday, March 28, 2021

“ હું આસ્તીક રેશનાલીસ્ટ છું......લે. ગુણવંત શાહ.

" હું આસ્તીક રેશનાલીસ્ટ છું. મને ચમત્કાર અને વહેમમાં શ્રધ્ધા નથી." ગુણવંત શાહ. ( સૌ. સત્યાન્વેષણ માસિક– ૧૫મી માર્ચ અંક ટાઇટલ પેજ પાન નં–૨.)

અમારા એક સમયના સાથી ખીમજીભાઇ કચ્છીના દુ;ખદ અવસાન નિમીત્તે સ્મરણાંજલી આપતાં વડોદરાના જાણીતા લેખક ગુણવંત શાહે પોતાના સંદેશામાં ઉપર મુજબના શબ્દો પ્રથમ લખ્યા છે. સમગ્ર શોક સંદેશમાં તમામ નીજી વાતો ખીમજીભાઇ અને તેમની છે. જેના અંગે કશું કહેવાનં હોય જ નહી. આપણને  ધર્મનિરપેક્ષ રેશનાલીસ્ટ તરીકે ઉપરના પ્રથમ વાક્યમાં જ રસ છે.

 સામાન્ય રીતે ગુજરાતની રેશનાલીસ્ટ પ્રવૃત્તી સાથે જોડાયેલા સાથીઓનું મુખ્ય કામ અંધશ્રધ્ધા, વહેમો, અને બિનવૈજ્ઞાનીક અભીગમો સમાજમાંથી વ્યક્તીગત અને સામુહીક ધોરણે છે તેને જ્ઞાન અને જાગૃત્તા કેળવી દુર કરવાનું છે. સાથે સાથે એ પણ સમજ હોવી જોઇએ કે અંધશ્રધ્ધા, વહેમી અને અજ્ઞાનતાને ટકાવી રાખનાર કોઇ પરિબળો હોય તો તે પ્રજાનું આસ્તીક કે ઇશ્વરી આસ્થાનું વલણ. માનવીની ઇશ્વરી આસ્થા તેને પોતાના પ્રયત્નોમાં માટે જે માનસીક પ્રતીબધ્ધતા કેળવાવી જોઇએ તે પેદા કરતી નથી.જે પ્રજા કુદરતી પરિબળોને ભજે છે, પુજે છે તે ક્યારેય કુદરતી પરિબળોના નિયમોને સમજીને પોતાનો જીજીવિષા માટેનો જૈવીક સંઘર્ષ પર કાબુ મેળવી શકવાની છે ખરી?

આસ્તીકતા માનવીને પરોપજીવી બનાવે છે.સંઘર્ષજીવી કે આંદોલનજીવી બનાવી શકતી નથી. દેશ અને દુનીયાનો ઇતીહાસ પરોપજીવીઓએ બનાવ્યો નથી. પણ  વર્તમાન વ્યવસ્થાના અમાનવીય માળખા અને રીતરસમો સામે સંઘર્ષ કરનારાઓએ બનાવ્યો છે. આસ્તીકો હંમેશાં " જે સે થે વાદી" ઓ હોય છે. તે બધા હંમેશાં વર્તમાન ધર્મસત્તા, રાજ્યસત્તા , અર્થસત્તા અને સમાજસત્તાના છડીધરો જ હોય છે. તેમના નીજી હિતો અને પેલી બધી સત્તાઓના નીજી હિતો સાથે તેમના ઘનિષ્ઠ હિતો સંકળાયેલા હોય છે.

રેશનાલીસ્ટોનું પ્રેરકબળ ઇશ્વરના અસ્તીત્વની બાદબાકી થતાં માનવકેન્દ્રીત પ્રયત્નોમાં સંગઠીત થઇ જાય છે. રેશનાલીસ્ટોનું સત્ય ઇન્દ્રીયજન્ય અનુભવ, બાહ્યનિરિક્ષણ અને પુરાવાઆધારીત (Evidence based) હોય છે. રેશનાલીસ્ટ સત્યશોધક તરીકે  કોઇ ધાર્મીક ગ્રંથ, ગુરૂ, પાદરી, પોપ કે પૈયગમ્બરી હકુમતને સત્યના વાહક તરીકે સ્વીકારતો નથી. રેશનાલીસ્ટ ક્યારેય કોઇ સત્યને આખરી સત્ય કે બ્રહ્મવાક્ય તરીકે સ્વીકારતો નથી. નવું જ્ઞાન, માહિતી કે વૈજ્ઞાનીક શોધોની મદદથી તેના સત્યના તારણો હંમેશાં બદલતો રહે છે. રેશનાલીસ્ટનો અભીગમ હંમેશાં જ્ઞાન–વિજ્ઞાન આધારીત હોવાથી તે પરિવર્તનશીલ હોય છે. તેનો અભીગમ ક્યારેય હઠાગ્રહી કે મતાંધ હોતો નથી. તેનું વ્યક્તીત્વ અન્ય માનવો પ્રત્યે સહનશીલ, સહીષ્ણુ અને સહજ ભરોસાપાત્ર હોય છે.


--

Thursday, March 25, 2021

ચાલો સમજીએ રેશનાલીઝમને

ચાલો સમજીએ રેશનાલીઝમ–પ્રો. અશ્વિનભાઇ કારીઆ.

પુસ્તક પરિચય– ગુજરાતની રેશનાલીસ્ટ ચળવળને બળવત્તર બનાવવા માટે  '  ચાલો સમજીએ રેશનાલીઝમ' પુસ્તકની આ બીજી આવૃત્તી આપણને ઘણી મદદરૂપ થાય તેમ છે.ગુજરાતમાં આ ચળવળની સરળ ઓળખ માટે હજુ સર્વમાન્ય શબ્દ વિકસ્યો નથી અથવા સ્વીકૃત બન્યો નથી. રેશનાલીઝમને ગુજરાતીમાં તર્કવિવેકશક્તી, વિવેકબુધ્ધીવાદ, બુધ્ધિનીષ્ઠા જેવા શબ્દો દ્રારા ઓળખાવવાના ઘનિષ્ટ પ્રયત્નો થયા છે. પણ લોકભોગ્ય ભાષા કે તેના ચલણમાં રેશનાલીઝમ શબ્દ જ ગુજરાતીમાં ટકી રહ્યો છે. રેશનાલીઝમના પ્રચારકો તેમજ વિરોધીએ માટે  માધ્યમ તો રેશનાલીઝમ જ બની ગયો છે.

અંગ્રેજી ભાષામાં 'રેશનાલીઝમ' એક શબ્દ તરીકે ફક્ત સ્વીકૃત બન્યો નથી પણ આજથી  ૧૧૫ વર્ષ પહેલાં લંડન રેશનાલીસ્ટ એસોસીયેશને રેશનાલીઝમની વ્યાખ્યા વિશ્વ સમક્ષ રજુ કરી હતી. તે આજે પણ સર્વમાન્ય છે. તેનો ભાવાનુવાદ આ પ્રમાણે કરવામાં આવ્યો છે. " રેશનાલીઝમ એક માનસીક અભિગમ છે. જેમાં વિવેકશક્તિ તથા તર્કશક્તિ (રીઝન)ની સર્વોપરિતાનો બિનશરતી સ્વીકાર કરવામાં આવે છે. જેનો હેતુ ફિલસુફી તથા નીતિશાસ્રની એવી તરાહ સ્થાપવાનો છે કે  અધિકારી માનતા  કોઇપણ વ્યક્તી કે ગ્રંથ ( ઓથોરીટી) એકપક્ષીય માન્યતાઓથી સદંતર મુક્ત હોય. જે તરાહને  તર્ક તથા વાસ્તવિક અનુભવ– પ્રયોગ ચકાસી સત્ય– અસત્ય  સિધ્ધ કરી શકાય."

 રેશનાલીઝમની ઉપરની વ્યાખ્યાને સમજવી ખુબજ મહત્વની એટલા  માટે છે કે  તેની સ્પષ્ટ સમજણથી  આપણા પોતાનું રેશનલ વર્તન અને વ્યવહાર વિકસી શકે તેમ છે.  તે એક વિચાર કરવાની પ્રક્રીયા છે. એટલું જ નહી પણ તે વિવેકશક્તિની મદદથી સાચુ શું અને ખોટું શું અથવા કોઇપણ પ્રસંગ, બીના, કુદરતી ઘટના વી સમજવાનો કે સત્ય શોધવાનો માર્ગ છે.  દરેક પ્રસંગ કે ઘટના પાછળ કારણ હોય છે. કારણ સિવાય કશું બને જ નહી. કારણની સર્વોપરિતામાં વિશ્વાસ તે રેશનલાઝીમની કરોડરજજુ છે.  સત્ય શોધવા માટે રેશનાલીઝમ ક્યારેય ખાસ કરીને કોઇ પણ ધર્મગ્રંથો, તેના સર્જનહારમાં તેમજ  તેમાં નિરૂપણ કરેલા સત્યોને જ્ઞાન, નિરિક્ષણ ને તર્કની એરણ પર તપાસ્યા સિવાય સત્ય તરીકે સ્વીકારવામાં આવતા નથી. માનવીની અન્ય સજીવો સહિતની  રેશનલ વૃત્તી ( સત્ય શોધવાની કાબેલીયાત) જૈવીક છે. અને તે જીજીવિષા ટકાવવાની ઝંખના ( Urge to Exist)માંથી વિકસેલી છે. વધારામાં સદર રેશનલવૃત્તીને વિકસાવવામાં કુદરતી નિયમબધ્ધતાએ મુળભુત ભાગ ભજવેલ છે. કુદરતી બનાવો ઇશ્વરી, અલૌકીક, કે કોઇ દૈવી પરિબળની ઇચ્છાઓના પરિણામ ક્યારેય નહતા. આજે પણ નથી અને ભવીષ્યમાં પણ બનવાના નથી. માનવીનો તમામ વ્યક્તીગત વિકાસ તે આવી માનવીની 'રેશનલવૃત્તી' નું જ પરિણામ છે.

રેશનાલીસ્ટ વ્યક્તી વિશ્વના તમામ વ્યક્તીઓને ફક્ત માનવી જ ગણે છે. માનવી એટલે ફક્ત કાળામાથાનો માનવી. તેની જાતી, લીંગ, ધર્મ, જ્ઞાતી કે રાષ્ટ્ર જેવા કોઇપણ સામુહીક તફાવતોની વફાદારીમાં પોતાની જાતને ઓગાળી નાંખતો નથી.  આવા સમુહોના કોઇપણ બંધનોએ બનાવેલી બેડીઓથી તે હંમેશાં મુક્ત છે. સ્વતંત્ર છે. રેશનલ માનવીના તારણો હંમેશાં મુક્ત અને ખુલ્લા હોય છે. નવી માહિતી પોતાના તારણો સામે મલતાં તે સરળતાથી વિના વિઘ્ને કે વિરોધ વિના પોતાનું વલણ બદલીને તે પ્રમાણે કાર્ય કરતો થઇ જઇ જાય છે. નવા સત્યો તેને સહનશીલ કે સહિષ્ણુ અને પરિવર્તનશીલ બનાવે છે.

નૈતીક્તા અંગે રેશનલ અભિગમ– કોઇપણ રેશનાલીસ્ટ ધર્મ આધારિક નૈતીક વ્યવહારોમાં વિશ્વાસ ધરાવતો નથી. કારણકે તમામ ધર્મોના નૈતીક વ્યવહારોનું સર્જન મૃત્યુ પછીના જીવનને નિયમન કરવા માટે અસ્તીત્વમાં આવેલ છે. નર્ક, સ્વર્ગ, પાપ પુન્ય, કયામતનો દિવસ કે મુક્તિનો દિવસ ( ડે ઓફ સાલવેશન), વી. આધારીત રેશનાલીસ્ટનો નૈતીક વ્યવહાર કદાપી હોઇ શકે નહી. ઉચનીંચ, અસ્પૃશ્યતા, વર્ણવ્યવસ્થાને ઇશ્વરી સર્જન રેશનાલીસ્ટ ક્યારેય ગણતો નથી. માનવ માત્ર જન્મ થી જ સમાન છે. માટે એક છે. જે કોઇ ધર્મો, સામાજીક, આર્થીક  કે રાજકીય વ્યવહારો માનવ  માનવ વચ્ચે તફાવત કે અસમાનતા આધારીત વર્તનો કરે છે તે તમામ વર્તનો ઇરેશનલ અથવા  રેશનાલીસ્ટસ વર્તનો હોઇ શકે નહી.

 માનવી રેશનલ છે માટે તેનો વ્યવહાર નૈતીક જ હોવો જોઇએ. માનવીએ તેની નૈતીક્તા ( એક બીજા માનવીઓ સાથેનો નૈતીક વ્યવહાર) પોતાની જીજીવીષા ટકાવી રાખવાની ઝંખનામાંથી બહુજ જટિલ કુદરતી સંજોગો સામે સેંકડો સદીઓના સંઘર્ષો પછી વિકસાવી છે. માનવીએ તેની નૈતીકતાને હવે બંધારણીય મુલ્યોમાં કાયદાની મદદથી વિકસાવીને  આરક્ષીત કરી દિધી છે. વિશ્વમાં હજુ  એવા ઘણા બધા દેશો છે જ્યાંના નાગરીકોના અને રાજ્ય સત્તાના વ્યવહારો ધાર્મીક ગ્રંથો અને ઉપદેશો આધારીત નૈતીક વ્યવહારો અમલમાં છે. તે બધા દેશોના નાગરીકો વિષે જેટલું ઓછું કહીએ તે  જ યોગ્ય છે. આપણા દેશની વર્તમાન રાજકીય સત્તા તે તરફ ઝડપથી સરકતી જાય છે તેવા તાજેતરનાં વૈશ્વીક તારણો છે.

સદર પુસ્તકમાં લેખક શ્રી કારીઆ સાહેબે પોતાની સરળ ગુજરાતી ભાષામાં ' રેશનાલીઝમ અને અનુભવવાદ ( Empiricism), રેશનાલીઝમ અને ઇશ્વરનું અસ્તીત્વ, શું રેશનાલીઝમ માત્ર અંધશ્રધ્ધા સામેની લડત છે? રેશનાલીઝમ અને પુર્વગ્રહો, રેશનાલીઝમ અને લાગણીઓ તેમજ વૃત્તીઓ, રેશનાલીઝમ અને માનવવાદ, વિષયો પર ટુંકમાં સમજાવ્યું છે. શ્રી  કારીઆ સાહેબની સરળ ગુજરાતી કલમ દ્ર્રારા ગુજરાતીમાં પાયાના રેશનાલીઝમ, માનવવાદ,  વી. વીષયો પર આવી સરસ નાની પુસ્તીકાઓનું( સદર પુસ્તીકાના ૪૨ પાનાં છે.) ક્રમશ પ્રકાશન થતું રહે અને વાંચક મીત્રો તેમને આર્થીક સહયોગ પણ આપતા રહીએ તે જ અપેક્ષા.––બીપીન શ્રોફ.

પુસ્તકના પ્રકાશક અને પ્રાપ્તી સ્થાન – ગિરીશભાઇ સુંઢીયા, મહામંત્રી,  બનાસકાંઠા જીલ્લા અંધશ્રધ્ધા નિર્મૂલન સમિતિ, પાલનપુર (૩૮૫૦૦૧) મો. 94266 63821. સહયોગ ધનરાશી –૫૦/.


--

Saturday, March 20, 2021

માનવવાદ પુસ્તકનો પરિચય–

 પુસ્તક પરિચય –  " માનવવાદ "  (ઇતિહાસ, વર્તમાન, સિધ્ધાંતો અને પ્રસતુતા.)

 ગુજરાતી સાહિત્યમાં માનવવાદ અને રેશનાલીઝમ ઉપર તાત્વીક રજુઆત કરનારા આંગળીના વેઢે ગણાવી શકાય તેવા પુસ્તકો ઉપલબ્ધ છે. તેનાથી જુદી સ્થિતિ ભારતીય અંગ્રેજી સાહિત્યમાં પણ આ વિષયમાં નથી. એક સમયે એનડીટીવીના સન્માનીય પત્રકાર શ્રી રવીશકુમારને પોતાના વિષયના ટેકામાં અંગ્રેજીમાં રેફરન્સ માટે ' રેશનાલીઝમ' પર પુસ્તક સહેલાઇથી મલ્યું ન હતું તેવો ઉલ્લ્ખ તેઓશ્રીએ પોતાની અખબારી યાદીમાં જણાવેલો..

અમે, પ્રો. અશ્વીનભાઇ કારીઆ અને મેં સંયુક્ત રીતે ગુજરાતી સાહિત્યમાં ' માનવવાદ' ના વિષય પર સદર પુસ્તક તૈયાર કરીને તે જરૂરીયાતને નમ્ર પણે પુરી કરવાની કોશીષ કરી છે. અમે બંને એ આ વિષય પર શક્ય તેટલી માહિતી પણ સંક્ષીપ્તમાં રજુ કરીને વિષયને ન્યાય આપવાનો પ્રયત્ન કરેલ છે. પુસ્તક વિષે વિગતે લખવાને બદલે આ પુસ્તકમાં જુદા જુદા લેખકોએ પોતે તૈયાર કરેલા વિષયોને ખુબજ ટુંકમાં ક્રમશ વાંચીએ અને સમજીએ.

(૧)  માનવવાદનો સંક્ષિપ્ત ઐતિહાસિક પરિચય– લે– બિપીન શ્રોફ. (અ) માનવવાદી વિચારસરણી ઘણા માટે આ નવી વિચારસરણી લાગતી હશે. પરંતુ તેના મુળ ઘણા ઉંડા છે.તેનો પાયાનો સિધ્ધાંત એ છે કે માનવવાદ એક વિચારસરણી તરીકે ઇશ્વર,ધર્મ અને તેના એંજટોના કામોને માનવહિત વિરૂધ્ધના ગણીને નકારે છે. તે બધાના ઉપદેશો સિવાય માનવી નૈતીક, પ્રામણીક અને સદાચારવાળું જીવન સરળતાથી જીવી શકે છે. આવા વિચારો માનવજાત પાસે હજારો વર્ષોથી હતા. પાનું–૧.

(૨) આશરે ૨૭૦૦ વર્ષો પહેલા થઇ ગયેલા ગ્રીક તત્વચીંતક એપિક્યુરસે માનવવાદ અંગે નીચે મુજબના વિચારો તે જમાનામાં પ્રગટ કર્યા હતા. ( અ)  સમગ્ર બ્રહ્માંડ કોઇ ઇશ્વરી રચનના નથી પણ સંપુર્ણ ભૌતીક પદાર્થનું બનેલું છે. (બ) ઇશ્વરથી ડરવાની જરૂર નથી. (ક) મૃત્યુને કંઇ અનુભવવાનું ન હોય. (ડ)  સુખ, આનંદ અને સમૃધ્ધી આ જીવનમાં જ પ્રાપ્ત થઇ શકે તેમ છે.(ઇ) દુ;ખો સહન થઇ શકે અને તેના  ઉપાયો પણ થઇ શકે.....પાનું–૩...

(૩) માનવવાદી જીવન પધ્ધતીએ ત્રણ પાયાના પ્રશ્નો જે સદીઓથી વણઉકેલ્યા ચાલ્યા આવતા હતા તેના જવાબો શોધી કાઢયા છે. એક– આ જગતનું જ્ઞાન આપણને કેવી રીતે મળે છે અથવા તેને કેવી રીતે ઓળખી શકીએ? જ– આ જગતને આપણો ઇન્દ્રીયજન્ય અનુભવ તથા  બાહ્ય તાર્કીક નિરીક્ષણોને આધારે ઓળખી શકીએ. બે– આ બ્રહ્માંડનું સ્વરૂપ કેવું છે?  ખગોળવિધ્યા અને ભૌતીકશાસ્રની મદદથી તે આ વિશ્વ અને બ્રહ્માંડની ઉત્પત્તિ ને વિકાસને સમજાવે છે. જ્યારે માનવ ઉત્પત્તિ અને તેના સર્જન– વિકાસ ને સમજાવવા જીવવિધ્યા ( બાયોલોજી) ને માનવશાસ્ર્ ( સાયકોલોજી)નો આધાર લે છે.  ત્રણ–હું મારી જીંદગી કેવી રીતે જીવું ? માનવવાદ એક નૈતીક વિચારસરણી છે. તે માનવ શક્તિ અને પ્રયત્નોમાં વિશ્વાસ રાખી દરેક માનવીને પોતાની શક્તિ મુજબ શ્રૈષ્ઠ જીવન જીવવાની તક આપે છે...પાન..૯.

(૪) માનવવાદ–ત્રીજા વિશ્વની જરૂરીયાત . લે– ડૉ ઇન્દુમતી પારેખ– માજી પ્રમુખ, ઇન્ડીયન રેડીકલ હ્યુમેનીસ્ટ એસો. " આજે આપણે ગરીબી, અજ્ઞાનતા, વસ્તી વિસ્ફોટ, ધાર્મીક કટ્ટરવાદ, અને નસીબવાદી  વલણના વિષચક્રમાં ફસાયેલા છીએ. માનવવાદી દ્રષ્ટીકોણ આ વિષચક્રને તોડવામાં આપણને મદદરૂપ થશે."...પાનુ..૧૨.

(૫) માનવવાદના સિધ્ધાંતો અને મુલ્યો– લે– પોલ  કુત્સ, તંત્રી " ફ્રી ઇન્કાવયરી" યુ એસ એ. પ્રો પોલ કુત્સે માનવવાદી ઉદ્ઘોષણાઓ તરીકે ૨૦ સિધ્ધાંતો ઘણા બધા બૌધ્ધીકો તથા નોબેલ પ્રાઇઝ વિજેતા વૈજ્ઞાનીકોની મદદથી તૈયાર કર્યા છે. તેનો બિપીન શ્રોફે જે ભાવાનુવાદ તૈયાર કરેલો હતો તે અત્રે મુકવામાં આવ્યો છે. પાનું– ૧૧થી ૧૫.

(૬)  સદર માનવવાદી ઉદ્ઘોષણોનું ખુબજ સરસ રીતે શ્રી પ્રેમનાથ બજાજ જેઓ એક સમયના કાશ્મીરમાં ભારતની આઝાદી પહેલાં, સ્વતંત્રતા માટેની ચળવળમાં સંઘર્ષ કરતા રેડીકલ હ્યુમેનીસ્ટ હતા, તેઓએ અંગ્રેજીમાં મુલ્યાંકન કરેલું છે. તેનું શ્રી અશ્વિનભાઇ  ખુબજ સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ કરેલ છે. તેમના લેખમાં મોક્ષ અંગે આ પ્રકારના વિચારો રજુ કર્યા છે. " મોક્ષ અથવા નર્કની બીક ભ્રામક છે. તેથી નુકશાનકારક છે. આ બંને ખ્યાલો  માનવીને તેના વર્તમાન જીવનની ચિંતા કરતા અટકાવે છે. આ વલણથી સામાજીક અન્યાયો દુર કરવાની હિંમત લોકોમાં પેદા થતી નથી. માનવીને કે તેથી કોઇપણ સજીવના મૃત્યુ પછી જીવનના અસ્તીત્વનો કોઇ વિશ્વાસનીય  પુરાવો ઉપલબ્ધ નથી.પાનું ૧૯.  વધુમાં જણાવ્યું છે કે  ધર્મ અને રાજ્ય વચ્ચે સ્પષ્ટ ભેદરેખા જરૂરી છે. રાજ્યે એક ધર્મની તરફેણ કરવી જોઇએ નહી.સરકારી નાણાં કોઇધર્મના પ્રચાર માટે ખર્ચી શકાય નહી.ધાર્મીક  સ્વાતંત્રય અધિકારમાં કોઇ ધર્મમાં ન માનવાની પણ છુટ હોવી જોઇએ. નાસ્તીકો તરફે રાજ્યનું તિરસ્કૃત વલણ ન હોવું જોઇએ. પાનું.૨૧.  

(૭)  માનવવાદ શું છે? લે. માજી જસ્ટીસ વી. એમ. તારકુંડે. અનુવાદક પ્રો. દિનેશ શુક્લ. મનુષ્ય બધી જ વસ્તુઓનો માપદંડ છે. મનુષ્ય સ્વંયમેવ ધ્યેય છે. કોઇ નેતા, વિચારસરણી કે રાષ્ટ્રવાદ જેવા સમુહના ધ્યેય સિધ્ધ કરવાનું તે કોઇ સાધન નથી... સ્વાતંત્ર્યના મુલ્યનું ઉદ્ગમસ્થાન  માનવીના અસ્તીત્વ માટેના સંઘર્ષમાં રહેલું છે. તે સમગ્ર સજીવ જૈવીક જગતનું પાયાનું કે મુળભુત લક્ષણ છે...દરેક ઇષ્ટ સામાજીક ક્રાંતી કરતાં પહેલાં સાંસ્કૃતીક પરિવર્તન અનિવાર્ય છે..પાનું..૨૬.૨૭.

(૮) ભારતીય રેનેશાં પુર્નજાગરણ( દુન્યવી જ્ઞાન આધારીત) ક્રાંતી ની કસુવાડ. પ્રો. દિનેશ શુક્લ– ભારતમાં  લગભગ આઠમીસદીની આસપાસ  ઇહલોકને (વાસ્તવીક જીવન) બદલે પરલોક પર વિશેષ ભાર મુકતાં પ્રજા એવું માનવા લાગી કે ભૌતીક જગત એ માયા છે. માનવ શરીર આત્માને કેદમાં પુરનાર એક જેલ છે. જન્મમરણના ફેરામાંથી મુક્તિ એજ મનુષ્યના જીવનનો શ્રૈષ્ઠ આદર્શ છે. સંયમ, બ્રહ્મચર્ય, અનાશક્તિ, ધ્યાન વગેરે  સમાજના સર્વશ્રૈષ્ઠ આદર્શો ગણાયા...આખો સમાજ કર્મના સિધ્ધાંતના પ્રભુત્વ નીચે જબ્બરજસ્ત આવી ગયો. તેણે પ્રવર્તમાન જ્ઞાતીપ્રથાના ભાગરૂપે જેને જંગલી કહેવાય તેવી અસ્પૃશ્યતાને દ્રઢીભુત કરવાનું કામ કર્યું. યુરોપના અંધકાર યુગ જેવો જ સમય ભારત માટે હતો. સાંસ્કૃતીક અને બૌધ્ધીક અંધકાર આખા દેશપર છવાઇ ગયો.... પાનું–૩૨.

(૯) એમ.એન. રોયના ગ્રુપ રેડીકલ હ્યુમેનીસ્ટ દ્રારા સને ૧૯૪૬માં પ્રકાશીત કરેલ હ્યમેનીસ્ટ મેનીફેસ્ટોના ૨૨ સીધ્ધાંતો– કાર્લ માર્કસે સને ૧૮૪૮માં કોમ્યુનીસ્ટ મેનીફેસ્ટો બહાર પાડયો હતો.  ત્યારબાદ બરાબર આશરે ૧૦૦ વર્ષ પછી એમ. એન. રોયે પોતે અન્ય સાથીઓ સાથે લંબાણપુર્વક ચર્ચા કરીને માનવવાદી ઢંઢેરો સને ૧૯૪૬માં બહાર પાડયો હતો. જે માનવવાદી મુલ્યો કે સિધ્ધાંતો આધારીત વ્યક્તીગત જીવન અને રાજકીય, સામાજીક અને આર્થિક સમાજની ક્રાંતીકારી નવરચનાનું માળખું પુરુ પાડે છે. તેના બે અગત્યના બે સિધ્ધાંતો અત્રે તે પણ ટુંકમાં રજુ કરૂ છું.

 સિધ્ધાંત નં–૨. " સ્વાતંત્ર્યની ઝંખના અને સત્ય માટેની ખોજ એ મનુષ્ય– પ્રગતી પાછળની મુળભુત પ્રેરણાઓ છે. સ્વાતંત્રયની ઝંખના એ ઉચ્ચ સ્તરે એટલે કે બુધ્ધી અને ભાવનાના સ્તરે ખેલાતી અસ્તીત્વ માટેની જૈવીક  લડાઇ છે. સત્ય માટેની ખોજ પણ તેની આનુષિંગીકતા છે. પ્રકૃતી સંબંધી વધતું જતું જ્ઞાન, માનવીને પ્રાકૃતીક ઘટનાઓ, તેમજ ભૌતીક અને સામાજીક વાતાવરણના જકડી રાખતા પરિબળોથી ઉત્તરોત્તર મુક્તિ બક્ષે છે. જ્ઞાનનું વિષય વસ્તુ જ સત્ય છે."

સિધ્ધાંત નં ૪. " નિયત–નિયંત્રિત ભૌતીક પ્રકૃતિની પશ્ચાદભૂમીકામાંથી મનુષ્યનો આવિર્ભાવ થયો હોવાથી માનવી પણ તત્વત; બૌધ્ધીક ( રેશનલ) છે.. તે તેનો જૈવીક ગુણધર્મ હોવાથી તે મનુષ્યની સંકલ્પશક્તિથી વિપરીત ન હોઇ શકે. બુધ્ધીમત્તા અને ભાવના  એકજ જીવશાસ્રીય ઉદ્ગમસ્થાન ધરાવે છે એમ ઘટાવી શકાય! હકીકતમાં મનુષ્યની સંકલ્પશક્તી એ ઇતીહાસનું સર્જન કરવામાં સૌથી નિર્ણાયક પરિબળ છે..... પાનું–૪૮.

(૧૦)  આમુલ ક્રાંતીનો માર્ગ– લે– ભુતપુર્વ પ્રો. જયંતી પટેલ સમાજવીધ્યા ભવન ગુજ યુની. માજી પ્રમુખ, ઇન્ડીયન રેડીકલ હ્યુમેનીસ્ટ એસો. ––  " ક્રાંતિઓના  ઇતીહાસના અભ્યાસમાંથી તારણ નીકળે છે કે  ક્રાંતીનું પ્રેરક બળ સમગ્ર પ્રજા અથવા / અને અમુક વર્ગની વંચિતાની લાગણી જવાબદાર હોય છે......વિચારો અને સંસ્કારો માત્ર સમાજનું ઉપલકનું તંત્ર( સુપરસ્ટ્રક્ચર ) નથી. પણ તે પણ માનવ ઇતીહાસનું પ્રેરક બળ છે.....ભૌતીકવાદ અનુસાર પ્રથમ પદાર્થ અસ્તીત્વમાં આવ્યો ત્યારબાદ સભાનતા ( કોન્સીયસનેસ) કે ચેતનાનો તેમાંથી વિકાસ થયો..ખરેખરતો  સભાનતા કે ચેતના, મગજ અને વિચાર પદાર્થના જ શ્રૈષ્ઠ સ્વરૂપો છે.

 આ ઉપરાંત ઇન્દુકુમાર જાનીએ કોમવાદ અને જાતીવાદના પ્રશ્નો કેવી રીતે માનવવાદી વિચારસરણી દ્રારા ઉકેલી શકાય તે વાત ખુબજ સરસ રીતે પોતાના લેખમાં સમજાવી છે. સક્રીય કર્મનીષ્ઠ મનીષી જાની(અમદાવાદ) તથા પ્રો મિહિર દવે( પાલનપુર) એ માનવતાવાદ અને માનવવાદ વચ્ચે તાત્વીક રીતે કયો તફાવત છે તે બે તજજ્ઞોએ પોતાની રીતે ખુબજ સરસ રીતે સમજાવ્યું છે. માનવવાદી વિચારસરણીમાં કેવી રીતે લૈગિંક સમાનતા  અભિપ્રેત ( ઇન બીલ્ટ) છે તે તાર્કીક રીતે  હિમાશીં શેલતે સમજાવી છે. આ ઉપરાંત દેશના રાષ્ટ્રીય કક્ષાના માનવવાદી વિચારસરણીના વિચારકો તેમજ કર્મનીષ્ઠો જેવા કે ડૉ. ઇન્નૈઆહજી, પ્રો નિરંજન ધર, આબે સોલોમન,ઇદ ડોએર, માજી વાઇસ ચાન્સેલર આંધ્ર યુની. પ્રો.એચ નરસીંહૈયાહ વી. ના અભ્યાસપુર્ણ લેખોનો ભાવાનુવાદ પ્રો. કારીઆ સાહેબે કર્યો છે.

મારા મત મુજબ સમગ્ર પુસ્તકને ત્રણેક ભાગમાં વહેંચી નાંખીને તે બધા વિષયો પર અભ્યાસ શિબિરો કરવાની જરૂર છે.

 માનવવાદ  પુસ્તક કુલ ૮૮ પાનાનું છે. સહયોગ ધનરાશી રૂ–૭૦ છે.

પ્રકાશક અને પુસ્તકનું પ્રાપ્તિ સ્થાન ગીરીશ સુંઢીયા, મહામંત્રી, બનાસકાંઠા જીલ્લા અંધશ્રધ્ધા નિર્મૂલન સમિતિ,  ૬૯/૨ ચાણક્ય સોસાયટી,પાલનપુર( ૩૮૫૦૦૧) મો.94266 63821.


--

Tuesday, March 16, 2021

About Sonawala High School

  જુની – નવી સોનાવાલા હાઇસ્કુલનો વિવાદ– કિતના સચ– કિતના જુઠ.

બીપીન શ્રોફ. લુહારવાડ, મહેમદાવાદ. મો. 97246 88733.

 છેલ્લા થોડાક દિવસોથી નામ વિનાની પત્રીકા તથા વોટસપર નામ વિનના મેસેજ દ્ર્રારા  સોનાવાલા હાઇસ્કુલના જુના મકાનને નહી તોડવાના અંગે આપણા ગામના નગરજનો સમક્ષ કેટલીક વાતો રજુ કરવામાં આવે છે. સૌથી ખુબીની કે આશ્ચર્યજનક હકીકત આ વિવાદમાં મહત્વની બાબત એ છે કે  પત્રીકાઓ બહાર પાડનારા અને વોટસઅપ મેસેજ મુકનારાઓને પોતાના નામો  જાહેર કરવાની હિંમત નથી. જો સત્ય તેમની દલીલોમાં હોય તો કયા કયા કારણોસર આ રાવબહાદુરો પોતાના નામો પ્રજા સમક્ષ જાહેર કરવામાં ગભરાય છે. શા માટે ગભરાવ છો? તેમને ખબર હશે કે  નહી પણ હું તે બધાની જાણ માટે જણાવું છું કે નનામી પત્રીકા અને પત્રીકામાં પ્રેસનું નામ ન લખવું તે પોતે જ એક ક્રીમીનલ ગુનો બની ગયો છે. જેમાંથી તમે છટકી શકશો નહી. જો કે તે મારો વિષય નથી.

(૧) સૌ પ્રથમ સમસ્ત ગામના નગરજનોની માહિતી માટે  જણાવું છું કે આ સ્કુલનું મકાન સને ૧૯૪૦–૪૨માં બનેલ છે. આશરે ૮૦ વર્ષો પહેલાં અને તે પણ જે તે  સમયની ઉપલબ્ધ ટેકનોલોજીને આધારે. દા.ત સ્કુલના ધાબાનું તળિયું આર સી સીનું બનેલું નથી.

(૨) આવા જુના મકાનમાં આશરે પાંચ– સાત વર્ષ પહેલાં એક રાત્રે  ધાબા પરનો એક મોટો ટુકડો પહેલા માળની વહીવટી ઓફીસના બાજુના ક્લાસરૂમમાં શિક્ષકના ઉભા રહેવાના બેસવાના ટેબલ ખુરશી પર તુટી પડયો હતો.

(૩) તે સમયે સોનાવાલા હાઇસ્કુલ બોર્ડઓફ મેનેજમેંટનો વહીવટ  ટ્રસ્ટડીડની જોગવાઇઓ પ્રમાણે  ચાલુ ન હતો. કારણકે નગરપાલીકાનો વહીવટ તાલુકા મામલતદાર સાહેબ પાસે હતો . જે તે સમયના આચાર્યે બીજે દિવસે સવારે  મામલતદાર સાહેબને બોલાવીને  સ્કુલના ધાબાનો કેટલોક ભાગ તુટવાની હકિકતથી સ્થળ પર લઇ જઇને  વાકેફ કર્યા હતા. મામલતદાર સાહેબે તાત્કાલીક જીલ્લા કલેકટરને પરિસ્થીતીથી વાકેફ કર્યા.

(૪) નવી સ્કુલબોર્ડની રચના થતાં બોર્ડના તમામ સભ્યોએ ( દાતા સોનાવાલા શેઠના પ્રતીનીધીઓ સહિત) સ્કુલ જમીનના આજ સર્વે નંબર  ૯૩૭માં જેને ટ્રસ્ટની જોગવાઇઓ પ્રમાણ 'ફર્સ્ટ પ્રોપર્ટી' જાહેર કરી છે તેમાંજ  નવું મકાન બાંધવાનો નીર્ણય સદર જુના મકાનના પાછળના ભાગમાં કર્યો હતો. કારણકે ટ્રસ્ટડીડની જોગવાઇઓ મુજબ તેના સંલ્ગન સર્વે નંબર ૩૧૩–એ–૨ ' સેકંડ પ્રોપર્ટી ' તરીકે રમતગમતના મેદાન માટે ' ઓપન ટુ સ્કાય' ખુલ્લો રાખવાનો છે. નવા મકાન તૈયાર થતાં વીધ્યાર્થીઓને તાત્કાલીક જુના મકાનમાંથી નવા મકાનમાં ટ્રાન્સફર કરી દેવા. જેથી જુના મકાનમાં કોઇ અકસ્માત થાય તો વિધ્યાર્થીઓની જાન હાની થાય નહી. અને જુનું મકાન જમીનદોસ્ત કરી દેવું. આ બધીજ કાર્યવાહીમાં મુંબઇના સોનાવાલા શેઠના પ્રતીનીધીઓની ઠરાવોમાં સહીસીકકાઓ છે.નિર્ણય લેતા સમયે હાજરી પણ હતી.

(૫) સ્કુલનું નવું મકાન આશરે  ત્રણ કરોડ અને ૭૦ લાખ રૂપીયા મહેમદાવાદ નગરપાલીકાના સ્વભંડોળમાંથી જોગવાઇ કરીને માનનીય કલેક્ટર સાહેબે બાંધકામ માટે પોતાની સંપુર્ણ દેખરેખ નીચે ખર્ચ્યા છે.

(૬) નવા બિલ્ડીંગનું  નામ જુના બિલ્દીંગ પ્રમાણે શેઠ જે એચ સોનાવાલા હાઇસ્કુલ જ રાખેલ છે. સોનાવાલા શેઠના કુટુંબના જે ફોટાઓ હતા તે બધા જ ફોટાઓ સન્માનીય રીતે નવા બિલ્ડીંગના પ્રવેશદ્રાર નજીકની દિવાલો પર મુકેલ છે.

(૭) સોનાવાલા શેઠના પ્રતિનિધીઓ દ્રારા મહેમદાવાદની સીવીલ કોર્ટમાં જુનું મકાન ન તોડવા માટે મનાઇહુકમની માંગણી કરેલી. જેને બંને પક્ષકારોની રજુઆતો સાંભળીને નામદાર કોર્ટે ના મંજુર કરી છે. તેનો સાદો અર્થ થાય છે કે જુના જોખમકારક જર્જરીત મકાનને ઉતારી લેવાની સત્તા ટ્રસ્ટી તરીકે નગરપાલીકાને છે. જે પ્રમાણે કામ કરવું મહેમદાવાદ નગરપાલીકાની કાયદાકીય અને નૈતીક ફરજ થઇ પડે છે..   

(૮)  નવા બિલ્ડીંગની લોકાર્પણવિધીમાં મુંબઇવાળા સોનાવાલા શેઠના પ્રપૌત્ર માનનીય શ્રી અન્શુમનભાઇ મુકુલભાઇ સોનાવાલા હાજર રહ્યા હતા તેવી નોધં સ્કુલના રેકર્ડમાં છે.

(૯) ટ્રસ્ટડીડની કલમ૨૩ની જોગવાઇ મુજબ ગુજરાત સરકારના શિક્ષણખાતાના માન્ય અભ્યાસક્રમ અને પરવાનગીથી મળેલ ફરજો પ્રમાણે જ સદર સ્કુલનો વહીવટ સોનાવાલા હાઇસ્કુલ બોર્ડ ઓફ મેનેજમેંટ ( મહેમદાવાદ નગરપાલીકા–ટ્રસ્ટી) દ્રારા કરવો ફરજીયાત છે.જે છેલ્લા આઠ દાયકાથી ચાલતો આવેલો છે. તેથી વોટસઅપ પત્રીકામાં જણાવેલ ' માનવ ચેતના ટ્રસ્ટ' જેવી ખાનગી સંસ્થા સાથે  આ પત્રીકાના લખનારાઓએ જુના મકાનનો ઉપયોગ કરીને કરેલા સોદામાં ગામના બાળકો અને વાલીઓના શૈક્ષણીક કલ્યાણની વાત કરતાં  પોતાના કલ્યાણની મહેક વધારે આવે છે. આપણા ગામમાં નીજી ધંધા તરીકે ચાલુ શૈક્ષણીક સંસ્થઓની સંખ્યા આશરે ૨૨થી વધારે છે.

(૧૦) અમને વીશ્વાસ છે કે પત્રીકામાં વાપરેલી ભાષામાં ગામના નાગરીકો માટે  જે લાગણીસભર શબ્દો વાપરવામાં આવ્યા છે તેનાથી સાવધાન અને જાગૃત બની જો. તે તેમની બૌધ્ધીક કે શૈક્ષણીક લાયકાત કે ક્ષમતા બતાવે છે. નહી તો શા માટે આ બહાદુરોએ પોતાના નામો છુપાવ્યા છે. પ્રજા હિતમાં કામ કરનારાઓએ જે કામો કરેલ છે તેમાં છુપાવવાનો શો અર્થ?

મારે હેતુ આ પ્રશ્નમાં ગામના નાગરીકોને જાગૃત કરવા સિવાયનો કોઇ નથી.

 


--

mIlord, માનનીય ન્યાયાધીશ સાહેબો,


મી લોર્ડ, સાવધાન!

દેશની સર્વોચ્ચ અદાલતના તાજેતરના વલણથી  આજના ટાઇમ્સ ઓફ ઇંડીયાએ પોતાના તંત્રી લેખમાં ગંભીર ચીંતા વ્યક્ત કરી છે. તેમજ ચેતવણી આપતાં નમ્રપણે જણાવ્યું છે કે  ' માનનીય ન્યાયાધીશ સાહેબો ,(  Caution, Milords) તમે દેશના બીનસાંપ્રદાયીક પોત સાથે  આગની માફક ખેલી રહ્યા છો!.

(૧) સને ૧૯૯૧માં દેશની સંસદે કાયદો (  The places of Worship ( Special Provisions Act ) પસાર કરેલો છે કે હવે પછી  ફક્ત ' રામમંદિર બાબરી મસ્જીદ અયોધ્યા વિવાદ' સિવાય  દેશના તમામ ધાર્મીક સ્થળોની સ્થિતી સને ૧૯૪૭ને ૧૫ મી ઓગસ્ટે જે સ્થળ –સ્થિતી હશે તે પ્રમાણે તેનું ધાર્મીક લક્ષણ ( રીલીજીયસ કેરેક્ટર) ચાલુ રહેશે. તે અંગે દેશની કોઇ અદાલતમાં કોઇ વિવાદ ચાલશે નહી.  

(૨) મિ. લોર્ડ, આપની સદર કોર્ટેની બેન્ચે, સને ૨૦૧૯માં ' રામમંદિર– બાબરી મસ્જીદ વિવાદ અંગે ઐતીહાસીક ચુકાદો આપતાં લખેલું છે  કે ' સને ૧૯૯૧ના સંસદના કાયદાના ગુણગાના ગાતા પોતાની જાત સહિત, દેશની તમામ સરકારો અને દરેક નાગરીકને જણાવ્યું છે કે સદર કાયદો દરેકને બંધન કર્તા રહેશે! (  The Act  won high praise from the SC Bench that awarded  the disputed land to Hindus, noting that  it " addresses itself  to the state as much as to the every citizen" and that it norms " binds those who govern the affairs of the nation at every level.")

(૩) આ મુદ્દે કાયદાની ભાષામાં જે ને ' સેટલ્ડ લો' કહેવાય તેવી કાયદાકીય સ્થિતી છે. તેમ છતાં દેશની સર્વોચ્ચ અદાલતે સને ૧૯૯૧ના કાયદાનું જેને ઉપર જણાવેલ ચુકાદામાં પોતે વખાણેલો ( પ્રેઇઝ કરેલું) તે સંદર્ભમાં જાહેર હિતની અરજી (પી આઇ એલ) પોતાની સમક્ષ આવતાં નવેસરથી તપાસ કરવાનું નક્કી કર્યું છે. જે વિવાદમાં કોઇ બંધારણીય મુલ્યાંકનનો અથવા ન્યાયપાત્ર ઇન્સાફી તપાસ (  No  constitutional or justifiable issues at stake)નું કાયદાકીય અસ્તીત્વ જ  ન હોય તેવી અરજીને પ્રથમદર્શીય હકીકત જોતાં ખુબજ ગુસ્સે થઇને  દંડ સાથે કાઢી નાંખવાને બદલે તે કાયદાની હવે કાયદેસરતાનું મુલ્યાંકન કરવાનું નક્કી કર્યુ છે.

(૪) કેમ? કારણકે  દેશના કેટલાક હિંદુઉગ્રવાદી ધાર્મીક પરીબળોને ' હવે કાશી– મથુરાના મંદિર– મસ્જીદ વિવાદ' ને હવે ઇધન પુરુપાડવું છે. સને ૧૯૯૧ના કાયદામાં  દેશના સ્વતંત્ર દિવસ ૧૫મી ઓગસ્ટની જે ભાગલા પાડતી તારીખ( કટ ઓફ ડેટ) નક્કી કરી છે તે આ જાહેર હિતની અરજી કરનારને મનસ્વી, અતાર્કીક  અને પશ્ચાતવર્તી ( Arbitrary, irrational,& retrospective) લાગે છે. સદીઓ પહેલાં જે જંગલી ધર્મઝનુની પરદેશી આક્રમણખોરોએ  હીંદુઓના આસ્થા અને પુજાના સ્થળોનો કબજો જમાવી લીધો છે તેને  ચલવી લેવાય નહી! અમારે પ્રાચીન ઐતીહાસીક સત્યને હવે કાયમ માટે બદલી નાંખવું છે.

(૫)  ખરેખર તો પ્રથમદર્શીય હકીકત જોતાં સદર જાહેર હિતની અરજીને તે મનસ્વી, ગેરકાયદેસર અને ગેરબંધારણીય હોવાથી તરતજ રદબાતલ કરવાની જરૂરત હતી. કારણકે  આપણો દેશ સને ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે ખરેખર એક આધુનીક ધર્મનીરપેક્ષ કે બીનસાંપ્રદાયીક રાષ્ટ્ર બનવા અસ્તીત્વમાં આવેલો છે. એ હકીકત છે કે ભારતના પ્રાચીન અને મધ્યયુગી ઇતીહાસમાં ખુબજ જંગલી અને ધાર્મીક પવીત્રતાનું ખંડન કરતી પ્રવૃત્તીઓ પરદેશી આક્રમણખોરોએ કરેલી હતી. સમયની વેદી પર બલી બનેલા ભુતકાલીન સત્યોને આધુનીક પ્રજાસત્તાક દ્રારા પશ્ચાતવર્તી કેટલીય સદીઓ પછી તે કાર્યોને ન્યાયીક મુલ્યાંકન ન થઇ શકે ! આધુનીક ભારત સને ૧૧૯૨ના કાર્યોનું બંધારણીય મુલ્યાંકન કરી શકે નહી. તે અસંભવીત અને અશક્ય છે. ભારતનું પ્રજાસત્તાક દેશના નાગરીકોનું ભવીષ્ય (ભાવી) ઘડવા માટે અસ્તીત્વ આવેલું છે. ભુતકાળની ભુલો શોધવાની કસરતમાં રચ્યાપચ્યા રહેવાથી કોઇ દેશ પોતાને મજબુત રાષ્ટ્ર બનાવી શક્યો નથી. ખરેખરતો મરેલા ભુતકાળનું આધુનીક જ્ઞાનવિજ્ઞાનના સાધનોથી ચીરફાડ ( ડીસેક્શન) કરીને આપણી ભુતકાળની નબળાઇઓના વૈજ્ઞાનીક સત્યો લાગણીવહીન ( રેશનલ) બનીને, મુલ્યાંકન કરવાની જરૂર છે. મૃતપાય થઇ ગયેલા ભુતકાળને પંપાળ્યા કરવાથી કે રાખી મુકી, ગુણગાન ગાવાથી વર્તમાન ભારત કોઇ પ્રશ્નો ઉકેલાવાને બદલે ગુંચવાશે. દંભી રાષ્ટ્રપ્રેમના ગુમાનમાંથી મુક્ત બનવાની જરૂર છે.

(૬) છેલ્લા ૨૫૦૦ વર્ષ કરતાં વધારે સમયથી દેશના નાગરીકોને ધાર્મીક આધ્યાત્મીક અફીણના સેવનથી શું ફાયદા થયા છે તેની કોને ખબર નથી. નાગરીકોને હવે મૃત્યુ પછીના જીવનને બદલે જીવતે જીવ આ જન્મમાં જ ભૌતીક વીકાસ જોઇએ છીએ. અલા! રાજ્ય કર્તાઓ તમે અમને પાયોના માનવીય વિકાસની સગવડો તો પુરી પાડો!

(૭) સને ૧૯૪૭ના દિવસે ભારતના તમામ નાગરીકો એક બની ગયા છે. તેમની વચ્ચે તમારા રાજ્યકર્તોથી કેવી રીતે તફાવત પાડીને વહેરો વાંતરો કે ભાગલા પાડીને  નફરતનું વાતવરણ પેદા કરાય! મારા સાહેબો ! સને ૧૯૯૧માં સંસદે પસાર કરેલા કાયદાનું આ હાર્દ છે.  ' મી, લોર્ડ, આ જાહેર હિતની અરજી આપ સૌ એ કેવી રીતે મુલ્યાંકન માટે લીધી. ગોરીસરકારની હકુમતમાંથી મુક્તબનીને  આપણે સૌ એ નાગરીકો તરીકે એક થઇને સંસ્થાનવાદે પેદા કરેલા ભુતકાળમાંથી બહાર નીકળીને બંધારણે આમેજ કરેલી બંધારણીય નૈતીકતા અને બંધારણીય રાષ્ટ્રવાદ(Constitutional Morality & Constitutional Nationalism) ના પાયાપર જ આધુનીક ભારત બનાવવાનું છે. ધાર્મીક નૈતીક્તા અને ધાર્મીક ઉગ્રરાષ્ટ્રવાદના ઉન્માદ પર નહી.

(૮) આખરી મી લોર્ડ, તમે ૧૯૯૧ના સેટલ્ડ થઇ ગયેલા કાયદાને રદબાતલ કરીને એક એવી ' પંડોરા બોક્ષ' ન ખોલશો જેમાંથી દેશ ફરી પાછો ધાર્મીક અરજાકતામાં ગરકાઇ જાય., ડુબી જાય!  

ભુતપુર્વ અમેરીકન રાષ્ટ્રપ્રમુખ જોન એફ કેનેડીનું સદાબહાર વાક્ય છે.– " Let us not seek to fix the blame for  the past, Let us accept our own responsibility for the future."

( સૌ. ટા.ઇ. ઓફ ઇં ૧૫–૦૩–૨૧નો તંત્રી લેખનો ભાવાનુવાદ)

--

Monday, February 15, 2021

ગુજરાતમાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીઓ.

ગુજરાતમાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીઓ–  " મને ટિકીટ આપો, પેલાને ન આપશો, મારા દિકરાને ખુલ્લે બારણે ટીકીટ ન આપી તો હું પાછલે બારણેથી ટીકીટ મેળવીને રહીશ (ટીકીટ આપવાનાં કેટલા બારણાં રાખવામાં આવતા હશે )"... આ બધા પ્રવાહો પર એક વિહાંગલોકન...

આપણા રાજ્યમાં તારીખ ૨૧મી ફેબ્રુઆરી ૬ મહાનગરપાલીકા જેવી કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત,વી,અને૨૮મી ફેબ્રુઆરીના દિવસે ૮૧ નગરપાલીકાઓ, ૩૧જીલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતની ચુંટણી થવાની છે. લગભગ આપણે કહી શકીએ કે સદર ચુંટણી આ ગુજરાત વિધાનસભાની મધ્યસત્ર ચુંટણી જેટલા મતદાર વીસ્તારોને આવરી લેવાની છે. માટે તેનું મહત્વ લેશ માત્ર ઓછું નથી.

લોકશાહી ચુંટણીપ્રથામાં નાગરીકો સાર્વભૌમ ( Sovereign) એટલે કે સર્વસત્તાધીશ છે. તેમના મતથી પ્રતીનીધીઓ ચુંટાઇને પોતાના વિસ્તારના પ્રજાલક્ષી પાયાના તથા જે તે વિસ્તારના વિકાસના કામો કરે છે. પ્રતીનીધી સ્વરૂપની ચુંટણી પ્રથાની એક અતિ દુ;ખદ સ્થિતિ એ છે કે પેલા સાર્વભૌમ મતદારોએ દર પાંચ વર્ષે ચુંટણીના મંડપમાં જઇને મત આપ્યા પછી પોતાના મતથી જીતેલા ઉમેદવાર પર કે તેના કાર્યો કે પ્રવૃત્તીઓ પર કોઇજ નિયંત્રણ રહેતું જ નથી. આ પરિણામ સદર ચુંટણી પ્રથામાં લગભગ વૈશ્વીક છે. જે પક્ષ અને તેનો નેતા, મતદારોને લોલીપપ, લાલચ કે આકાશમાંના ચાંદ–તારા હથેળીમાં બતાવી શકે તે જ આવી ચુંટણીઓ જિતાડી શકે.  

 ખરેખર સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં મુદ્દાઓ પણ સ્થાનીક હોવા જોઇએ! હવે આવી રહેલી સદર ચુંટણીને લોકભાગીદારવાળી કે લોકસમિતીને બદલે રાજકીય પક્ષોએ આ ચુંટણીપ્રથાને હાઇજેક કરીને  કેવી રીતે પક્ષશાહી ચુંટણી બનાવી દીધી છે તેનો અભ્યાસ કરીએ. બીજું આ ચુંટણીમાં ચુંટણી લડતા ઉમેદવારો કે રાજકીય પક્ષો કયા કયા મુદ્દાઓ લઇને ચુંટણી લડે છે તે બધું છેલ્લા પંદર દિવસોના સ્થાનીક ગુજરાતી પેપરોમાં આવતા સમાચારોના મર્યાદિત અભ્યાસ પરથી સમજવાનો પ્રયત્ન કરીએ. આ ચુંટણીમાં તે લડવા માટે મતો લેવાના મતદારોના પણ  ઉમેદવારો બનવાનું રાજકીય પક્ષોનું ! વાહ ભાઇ! તો પછી આ ચુંટાયેલા રાવબહાદુરોની વફાદારી કોની? ટીકીટ મળેલ રાજકીય પક્ષની કે જે મતદારોના મતોથી ચુંટણી જીત્યા છે તે બધાની! તમે સ્થાનીક પેપરોના સમાચારો પરથી સરળ તારણ કાઢી શકશો કે પક્ષની ટીકીટ લેવા જે ધસારો, પડાપડી ને બાહુબળોની સર્વોપરીતા દેખાઇ આવે છે તે પેલા મતદારોની સર્વોપરીતા જેવા, લોકશાહી મુલ્યોનું તો તેમણે ક્યારનું બાષ્પીભવન કરી નાંખ્યું છે. બીજું કે યેનકેન પ્રકારે ચુંટણી જીતીને રાજકીય સત્તા મેળવવી એ ખુબજ ટુંકાગાળમાં  મર્યાદિત મુડીમાં આર્થીક– નાણાંકીય સામ્રરાજ્ય પેદા કરવાનો આપણા દેશમાં ૨૧મી સદીમાં સૌથી નફાકારક ધંધો બની ગયો છે. જેમાં ઉધારી,વ્યાજખાધ, દેવું, બાકીદારી અને આર્થીક બજારોની તેજીમંદીનો અવકાશ જ નથી. હવે ઉપરના તારણોને ન્યાયી ઠેરવતા સમાચારો જોઇએ.

(1)     નડીયાદ નગરપાલીકાની ચુંટણીમાં સગાવાદ– પુર્વ–સાંસદના પુત્ર, પક્ષપ્રમુખના પત્નિ અને સભાપતિના ટીકીટની લ્હાણી.

(2)    કપડવંજ, કઠલાલ અને કંજણરીમાં ક્ષત્રીય જ્ઞાતીના ઉમેદવારોને સૌથી વધુ ટીકીટ આપી.

(3)    મહાનગરપાલીકઓ બાદ જીલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલીકાના ભારતીય જનતા પક્ષના ઉમેદવારોની યાદી જાહેર થતાં પક્ષમાં ભડકો–– બુધવારે યાદી જાહેર થઇ હોત તો ભાજપના પક્ષની કચેરીઓ સળગી હોત ! એક સમયનો કહેવાતો શિસ્તબધ્ધ, કેડરબેઝ પક્ષ.

(4)    ખેડાજીલ્લાના કોંગ્રેસપક્ષના મહામંત્રી આ તબક્કે ભાજપમાં ભવ્ય આવકાર કે વાજતે–ગાજતે જોડાયા.

(5)    ખેડાજીલ્લાના પેટલાદ નગરપાલીકા માટે ભાજપના ઉમેદવારોનો રાફડો, કોંગ્રેસને ઉમેદવારો શોધવાના ફાંફા..

(6)    બોરસદ નગરપાલીકામાં ચુંટણી લડી નગરસેવકો બનવાની આશા રાખનારાઓએ બે દિવસમાં ૮ લાખ રૂપીયાનો વર્ષો જુનો પોતાનો બાકી તમામ કરવેરા ભર્યા!

(7)    અમદાવાદ મહાનગરપાલીકા– ભાજપમાં જમાલપુર, ગોમતીપુર, મકનપુરામાં અસંતોષીઓનો બળવો થવાની આશંકા...

(8)     મારો પુત્ર આપણા પક્ષ( ભાજપ) માટે છેલ્લા ૧૨ વર્ષોથી કામ કરે છે. તેના માટે ટીકીટ માંગવાનો મારો અધિકાર છે. ... ભુતપુર્વ મેયર અમદાવાદ મહાનગરપાલીકા.

(9)     વયમર્યાદા અને ૩ ટર્મ પછી નો રીપીટના મુદ્દે બંનેપક્ષોમાં ભારે ખેંચતાણ તથા અપક્ષ તરીકે ચુંટણી લડવાનું આયોજન...

(10) અમદા–મહા–નગર પેલા જુના ૧૭૧ સભ્યોએ પોતાના મતવીસ્તારમાં ૧૦ કરોડના બેસવાના બાંકડા બનાવી, પ્રજાના કરવેરાના પૈસાનું આધણ કર્યુ....

(11) અમદા–મહા– નગરના જુના ૩૯ કોર્પોરટર્સની ટીકીટો કપાશે.

(12) ગુજરાતની તમામ સ્થાનીક ચુંટણીઓમાં  પ્રથમવાર લેઉઆ– કડવા પટેલો એક મંચ પર....ફરી પાટીદાર પાવરની તૈયારી..

(13) ભાજપના કાર્યકરોના કાર્યાલય (કમલક) પરના ધસારાથી બચવા ગુજ–સરકારના ગૃહ્યમંત્રી જાડેજાએ હોટેલમાં જઇને મીટીંગ કરવી પડી.

(14) કોંગ્રસે પક્ષીય બળવાને ટાળવા માટે  પોતાના ઉમેદવારોના ઘરે  મેન્ડેટ મોકલવા પડયા.

(15) ભાજપે ગોમતીપુરમાં કોંગ્રેસ, બહુજન સમાજપાર્ટી અને અપક્ષ માંથી આવેલાને ટીકીટ આપી....

(16) સુરત મહા–નગરપાલીકા.. બીજેપીના ૧૫૦ કાર્યકરોને ટીકીટ ન મલતાં પક્ષમાંથી રાજીનામું ! પક્ષની ઓફીસે કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન બનતાં પોલીસ બોલાવવી પડી.

(17)રાજકોટ, સુરત ને અમદાવાદના બંને પક્ષોના ચુંટણી લડતા ઉમેદવારોએ ફુટપાથો પર મંડપોબાંધી ચુંટણી કાર્યાલયોના ઉદ્રઘાટન કર્યા.

(18) શૈક્ષણીક લાયકાતો––અમદા–મહા– નગરમાં ચુંટણી લડતા ૮૦ પક્ષીય ઉમેદવારોની શૈક્ષણીક લાયકાત ધોરણ ૧૨ પાસની પણ નથી. કેટલાક ધો–૭,૮,૯, ધોરણ પાસ છે. ગઇ ટર્મમાં કુલ ૧૯૨ સભ્યોમાંથી  ત્રીજા ભાગના સભ્યો ધો–૧૨થી ઓછું ભણેલા હતા.

(19) ઓવેસી જે મુસ્લીમ નેતા છે તેઓએ અમદા–મહા–નગર ની ચુંટણીમાં મુસ્લીમ બહુમતી મતદાર વિસ્તારો જેમાં ભાજપ કાયમ હારતી હતી ત્યાં પોતાના પક્ષના મુસ્લીમ ઉમેદવારો સ્થાનીક મુસ્લીમ ઉમેદવારો સામે ઉભા રાખ્યા. તેના પક્ષને રાજકીય વિવેચકો ભાજપની બી ટીમ તરીકે ઓળખાવે છે.

(20) ગુજ– તમામ છ મહા નગરપાલિકામાં ચુંટણી લડતા ઉમેદવારોનો ચુંટણી ખર્ચ ૨લાખ હતો વધારી ૬ લાખ કરી દીધા.

 

આ ચુંટણીઓના હાકોટા, લોલીપપ અને બાહુબળોમાંથી આવતી કાલનું ગુજરાત કેવું હશે? તેમાં શિક્ષણ, આરોગ્ય, રોજગારી, ઔધ્યોગીક વીકાસ અને કાયદો–વ્યવસ્થા વી ની સ્થીતી કેવી હશે?......


--

Sunday, February 14, 2021

માનવવાદ અને માનવતા વચ્ચે તફાવત.

શું માનવવાદ અને માનવતા બંને એક જ છે? તફાવત છે તો કયા કયા તફાવતો બંને વચ્ચે છે.

માનવવાદ એક માનવકેન્દ્રી વિચારસરણી છે. તે એક ધર્મનીરપેક્ષ વિચારસરણી છે. તેનું તારણ છે કે વીશ્વ ને બ્રહ્માંડમાં બનતા દરેક બનાવો કે ઘટનાઓ નિયમબધ્ધ છે. તેમાં દૈવી કે ઇશ્વરી સંચાલન હોતું નથી. માનવીના વૈજ્ઞાનીક ને બૌધ્ધીક પ્રયત્નોથી કોઇપણ ઘટનાને સમજાવી શકાય છે. તેના માટે ઇશ્વર કે દૈવી પરિબળોની જરૂર નથી. તે બધાની સમજણ માટે  માનવીય પ્રયત્નો જરૂરી અને પુરતા છે.

માનવી પોતે જ પોતાના ભાગ્યનો વિધાતા છે. તેનું ભાવી પુર્વનિર્ણીત બીલકુલ નથી. માટે તે તેના જેવાજ અન્ય માનવીના સહકારથી  તમામ ભૌતીક સર્જનો,વિસર્જનો ને નવસર્જનો કરતો આવ્યો છે અને ભવિષ્યમાં પણ કરતો રહેવાનો છે. દુન્યવી તમામ અસમાનતાઓ જેવીકે સામાજીક, આર્થીક અને રાજકીય વી. માનવસર્જીત હોવાથી તે સંયુક્ત માનવ પ્રયત્નોથી પરિવર્તનશીલ જ હોય છે.

તમામ માનવીય સંસ્થાઓનું કેન્દ્ર ઐહીક માનવ સુખ છે. માટે બધીજ સંસ્થાઓ માનવના કલ્યાણ માટે છે. પણ માનવીનો (બલી) સંસ્થાઓના હિત માટે ક્યારેય ઉપયોગ થાય નહી. ઐહીક માનવસુખ એટલે  મોક્ષ, પુન્ય, દાન જેવી પ્રવૃત્તીઓ નહી પરંતુ માનવી તરીકેનો તેનો ભૌતીક સંઘર્ષ કે જૈવીક સંઘર્ષને તેના જેવા અન્યના સહકારોથી સરળ બનાવવો.કુદરતી વિઘાતક પરીબળોમાંથી ક્રમશ; મુક્તી.

માનવવાદના તે માટેના માર્ગદર્શક મુલ્યો સ્વતંત્રતા, તર્કવિવેકબુધ્ધી અને ધર્મના આધાર સિવાયનો નૈતીક વ્યવહાર.

માનવતા એટલે શું? ધર્મ કે ધર્મના આધાર સિવાયની મદદ, દાન. જેમાં મદદ કે દાન લેનારનો હાથ નીચે હોય છે અને આપનારનો હાથ ઉપર હોય છે.માનવતામાં માનવીય અસમાનતાઓ અને તેને ટેકામાં સર્જન પામેલી તમામ સંસ્થો ક્યારેય માનવ સશક્તીકરણ ( Human Empowerment) માટે પ્રયત્ન કરતી નથી. કારણકે માનવીય સશક્તીકરણ તો માનવીને તે બધાના પરાવલંબનથી સ્વાવલંબન તરફ દોરી જાય છે. સ્વાવલંબી ક્યારેય પરોપજીવી હોતો નથી. સ્વાવલંબી પોતાના સશક્તીકરણ માટે સંસ્થાઓનું સર્જન કરે છે. માનવતાના ટેકેદારો અપરીવર્તનશીલ ને જૈસેથે વાદીઓ હોય છે. તે બધા હંમેશાં ભવ્યભુતકાળના પુજકો હોય છે.


--

કોનું માનવીય ગૌરવ વધારે?

 કોનું માનવીય ગૌરવ વધારે?

એક સમાચાર– પશ્ચીમી જગતના ખ્રીસ્તી સંચાલકો પોતાનાં ધાર્મીક (સ્થાનો) ચર્ચ વેચે છે જ્યારે પુર્વના હીંદુ ધર્મના કેટલાક સંપ્રદાયોના જેવા કે  સ્વામીનારાયણ સંપ્રદાય વી. ના સંચાલકો ચર્ચ ખરીદે છે?

(૧) સ્વામીનારાયણ ગાદી સંસ્થાએ લંડન, કેલિફોર્નીયા સહિત વિવિધ જગ્યાએ ચર્ચ ખરીદ્યા હતા. વિદેશમાં પહેલીવાર એકી સાથે ૯ ચર્ચની જગ્યાએ સ્વામીનારાયણ મંદિર સ્થપાયું. ..બ્રિટનના લંડન, અમેરીકાના બોસ્ટન, કેલિફોર્નીયા, ડેલાવર, કન્ટકી, વર્જીનીયા, તથા કેનેડા અને ઓસ્ટ્રેલીયામાં ચર્ચની જગ્યાએ ભવ્યમંદીરની સ્થાપના કરવામાં આવી છે.

(૨) અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે અત્યાર સુધીમાં ૧૫૯૦ કરોડ રૂપીયા દાનમાં મળ્યા છે. ( સૌ–બંને સમાચાર આજ નું દી. ભાસ્કર તા. ૧૪–૦૨ –૨૧. પાનું ૩ અને૧૦.

અમેરીકાના શિક્ષણ જગતના ઉપરના સમાચારો સામે  અગત્યના સમાચાર.–

શૈક્ષણીક વિશ્વની સર્વોત્તમ  યુનીવર્સીટો યુ એસ એ માં છે. હું તમને મને માહીતી છે તેવી એક જ યુની બોસ્ટન ની થોડીક વાત કરીશ. જેથી ત્યાંની પ્રજા અને સરકાર માનવ સંવર્ધનમાં ( ઇનવેસ્ટમટન્ટ ઇન હ્યુમન રિસોર્સીસ) કેટલા નાણાં રોકે છે અને આપણે અને અઅપણી સરકારો શે માં મુડી રોકાણો કરે છે. બોસ્ટન યુની. સ્થાપના સને ૧૮૩૯ અઅશરે ૧૮૨ વર્ષ પહેલા. કોલેજ કેમ્પસ ૧૩૪ એકરમાં.  ફીઝીયો થેરેપીમાં પોતાના દેશની ૫૬૪ કોલેજોમાં ૬ઠઠો નંબર, શિક્ષણમાં ૯૦૦ કોલેજોમાં ૯મો નંબર, દેશની સૌધી મોટી તમામ દ્ર્ષ્ટીએ ૧૩૧ મોટી કોલેજોમાં ૯માં નંબર, યુની કેમ્પસનું મુક્ત સ્વતંત્ર વાતાવરણમાં ( લીબરલ) લવ–જેહાદ વાળું નહી ૧૬૭૫ કોલેજોમાં ૧૧મો નંબર. બો. યુનીઆંતરરાષ્ટ્રીય જગતમાં ' પાવર હાઉસ નોલેજ' તરીકે ઓળખાય છે.

 થોભો! થોભો ! મેરા ભારત મહાન કારણકે અમે એક દિવસ વિશ્વગુરૂ બનવાના છે! કદાચ ૨૨મી સદીમાં!

સુચીત રામમંદિરનો ફોટો અને બોસ્ટન યુની નો ફોટો. 


--

Thursday, February 11, 2021

સીમ્પલ લીવીંગ એન્ડ હાઇથીકીંગ–

સીમ્પલ લીવીંગ એન્ડ હાઇથીકીંગ–

શું સાદુ જિવન ઉચ્ચવિચાર કરવા માટેની પુર્વશરત છે? આ વિચાર આપણા વ્યક્તીગત અને સમાજ જીવનના માપદંડનો જાણે એક અનિવાર્ય ભાગ બની ગયો છે. ઔધ્યોગીકરણ, મુડીવાદ,ઉપભોક્તાવાદ ( Consumerism) અને આધુનીકતા જેવા ખ્યાલો જાણે ' સીમ્પલ લીવીગ અને હાઇથીકીંગ ' વિચારસરણીના પાયાના દુશ્મનો બની ગયા હોય તેવી રીતે ગોઠવી દેવામાં આવ્યા છે.

પ્રથમ આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે વ્યક્તીગત સાદુ જીવન કોને કહેવાય? શું તેણે પોતાના જીવનની જીવવા માટેની કે ટકાવી રાખવાની તમામ પ્રવૃત્તીઓ સ્વપ્રયત્નથી જ કરવાની હોય? કે તેમાં બીજાથી ઉત્પન્ન કરેલ ઉપયોગી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવાનો હોય! માનવી તરીકે  આપણી પાયાની જરૂરીયાતોનો વિચાર કરીએ તો " રોટી કપડાં અને મકાન" જેવી અનીવાર્યતાઓ માટે અન્યનો સહકાર કેટલા પ્રમાણમાં જોઇએ. પેલા શિકારયુગના માણસની માફક જો આપણે ખોરાક માટે શિકાર, રહેઠાણ ને ખેતી બધું જ એકલદોકલ માણસે તેના પોતાના સ્વપ્રયત્નોથી કરવાનું હોય તો તે જીંદગી કેવી હોય! આપણો આ માણસ પોતાનું અસ્તીત્વ ટકાવવાના પ્રાથમીક જરૂરીયાતોના સંઘર્ષમાંથી જ જો સમય ન બચાવી શકતો હોય તો તે બીજા કયા ઉચ્ચ કે કહેવાતા આધ્યાત્મીક વીચારો કરી શકવાનો હતો?

આપણા દેશના ૨૧મી સદીના સામાન્ય નાગરીકની વાત કરીએ! બોલો ! તેના સાદા જીવન માટે ઘર જોઇશે રાજ મહેલ નહી, બાળકોના શિક્ષણ માટે કેટલી ફી  વાર્ષીક ભરવા માટેની સગવડ કરવી પડશે, મધ્યમ વર્ગના માણસની સ્થાયી નિયમીત આવક કેટલી જોઇશે, માંદગી અને અસલામતી માટેની નાણાંકીય જોગવાઇ કેટલી જોઇશે, નોકરી કે વ્યવસાયનું સ્થળ અને રહેવાનું સ્થળ બંને વચ્ચેના સતત વધતા જતા અંતર માટે કોઇ ટુ વ્હીલર, ચાર વ્હીલર જોઇશે ખરૂ? આવું સાદુજીવન જીવવા માટેના બે છેડા ભેગા કરવાના સંઘર્ષ સાથે પુછો તો ખરા ભાઇ! તેને કેવા અદ્ભુત ઉચ્ચ વિચારો આવે છે ! સાદા જીવન માટેની આપણી લઘુતમ યાદીનું લિસ્ટ  પેલા આપણને સાદા જીવનની સલાહ આપનારને પુછી જુઓ તો ખરા!  

હવે આપણે એ શોધવું જોઇએ કે આવી ઉત્તમ સલાહ આપનાર રાવબહાદુર કોણ છે? તે પોતે કેટલું સાદુ અને કહેવાતું ઉચ્ચ વિચારવાળું–કમ– પવિત્ર જીવન જીવે છે? આપણા સામાન્ય નાગરીક તરીકેના જીવવા માટેના સંઘર્ષમાંથી જે આપણી બચત મહામુશીબતે  ભેગી કરેલી હોય છે તેને આપણી આજુબાજુના કોણ પરોપજીવીઓ હા! પરોપજીવીઓ ફક્ત આપણા જ કલ્યાણ માટે કેવી સિફતભરી રીતે ઉઠાવી જાય છે? દરેક દેશના કાયદાઓ , બંધારણે તથા ન્યાયતંત્રે આવી લુંટને સદીઓથી કાયદેસરતા બક્ષી છે.

 જે દેશ અને દુનીયામાં મંદીરો, મસ્જીદો,ચર્ચો અને તમામ ધાર્મીક સ્થળો ભવ્ય નહી પણ ભવ્યાતીત હોય છે, તે દેશની મોટાભાગની પ્રજાને માથે છાપરુ પણ આ બધા ઉચ્ચ વીચારના ટેકેદારોએ રાખ્યું જ હોતું નથી. તમારે જો ઉચ્ચ વિચારવાળાઓની જમાતમાં ભળવું હોય તો તમે જેટલો બની શકે તેટલો પ્રજાના તારણહાર તરીકે  સાદાઇ ભર્યા જીવનનો દંભ કરો ! તેવી તમારી ઓળખનું પ્રતીક શોધી કાઢો!  તે પ્રમાણે પેલા મહેનતકશ  સાદુ જીવન જીવવા સંઘર્ષ કરનારા  લાખો–કરોડો લોકો તમારી પાસેથી ઉચ્ચવિચાર (?) મેળવવા સર્વસ્વ ન્યોચ્છાવર કરવા લાઇનો લગાવશે.

ખરેખર તો આપણો માનવી તરીકેનો સંઘર્ષ ભૌતીક જ છે. જે સંઘર્ષ તે સદીઓથી કરતો આવ્યો છે અને અત્યારે તે ૨૧મી સદી સુધીમાં પણ કર્યા કરે છે. પેલી પરોપજીવી જમાતે આ માનવીના જૈવીક સંઘર્ષને  પોતાના નીજી પણ નગ્ન સ્વાર્થ માટે તેને ઉચ્ચવિચારવાળો, આધ્યાત્મીક, પરલૌકીક, પાપ– પુન્ય વી.ના ચોકઠામાં ગોઠવીને આડાફાંટે કે રસ્તે ચઢાવી દીધો છે. તેમાંથી બહાર નીકળવું પેલા સાદાજીવનવાળા લાખો– કરોડો નાગરીકો માટે ખુબજ મુશ્કેલ બનાવી દીધું છે. આપણા કહેવાતા આ બધા ઉધ્ધારક ને ઉપકારક પરોપજીવીઓએ પોતે સમગ્ર સમાજના તારણહારો છે તેવો લેબાસ, વર્તન, વાણી અને તેમની જીવન પધ્ધતી આપણને સતત આધુનીક પ્રચારના સાધનોથી આપણા માથમાં દરરોજ આપણા પૈસાથી જ મારે છે.

 માનવીય ભૌતીક( જૈવીક) સંઘર્ષ એટલે શું? તેનો સાદો અર્થ ( ઉચ્ચવિચારવાળો નહી) એટલો જ કે તમામ કુદરતી પરીબળોના નિયમો સમજીને  માનવી તરીકે પોતાના જીવનને સુરક્ષીત અને બૌધ્ધીકરીતે ( મોક્ષ માટે નહિ) સતત વિકસતું બનાવતા જવું. પણ તે માટે કહેવાતા ઉચ્ચવિચારોની બિલકુલ જરૂર નથી. તેમજ તેવા વિચારોના ઠેકેદારો પેલા પરોપજીવીઓની જરૂર તો બિલકુલ નથી.

અરે દોસ્તો! આટલું તો વિચારો– કોરાના વાયરસ સામેની વેક્સીન માનવજાતનો જીવ બચાવવા કેટલી બધી મહત્વની છે કે તે માટે પેલા પરોપજીવીઓના બુમરાણો! આ વેક્સીનના સંશોધનો કેમ દેશ અને દુનીયાના કોઇ મંદીરો. મસ્જીદો, ચર્ચો કે સંસદ ભવનોને બદલે માનવ સર્જીત લંડન, ઓકસફર્ડ અને વીશ્વની પ્રયોગશાળાઓ અને વૈજ્ઞાનીક સંશોધન કેન્દો માં જ શોધાઇ! ૨૧મી સદીના સાદા સીધા મનુષ્ય માટે, આપણા માથાપર યેનકેન પ્રકારે ચઢી બેસીને આપણા વિચારોનો કબજો કરી દીધેલા પરોપજીવીઓને સાચા અર્થમાં  વ્યક્તીગત કલ્યાણ માટે આંદોલનજીવી બનીને આપણા માથેથી ફગાવી દેવાની  જરૂર છે.    

સાદર. આજનો લેખ જૈવીક ઉત્ક્રાંતીના શોધક ચાર્લસ ડાર્વીનની સ્મૃતીમાં. કારણકે આવતી કાલે તેઓનો જન્મદિવસ છે . ૧૨મી ફેબ્રુઆરી સને ૧૮૦૯.

 


--

Tuesday, February 9, 2021

જે લોકો કીસાન આંદોલનને ટેકો આપે છે..

  " જે લોકો કીસાન આંદોલનને ટેકો આપે છે તે બધા  આંદોલનજીવી અને પરોપજીવી! " વડાપ્રધાન રાજ્યસભામાં બોલ્યા.

 જે સીધા કે પરોક્ષરૂપે  મોદી સરકારને આ મુદ્દે તેમને ટેકો આપનારા જેવા કે ક્રીકેટર સચીન તેંદુલકર, અક્ષયખન્ના, વિગેરે જે બધાએ ક્યારે હળ પકડયું નથી કે દારતડાથી કોઇ પાકની લણણી કરી નથી તે બધાને મોદી સાહેબ કયા લેબલથી નવાજી શું ?.  આજના ઇન્ડીયન એકસપ્રેસના તંત્રી લેખમાં લખવામાં આવ્યું છે કે મોદીજી ! આવો આક્ષેપ કિસાન આંદોલનને ટેકો આપનારા કે આંદોલન કરનારા માટે ન વપરાય! સરકારી વડા તરીકે ને કાયદા લાવનાર તરીકે  જો તમારે સંવાદ અને  આપલે ની ભુમીકા પેદા કરવી હોય તો ભાઇ! તમારા આવા ઉચ્ચારણો તો બળતામાં ઘી ઉમેરનારા સાબીત થશે ! તમારા આવા ઉચ્ચારણો માટે આ પેપરના તંત્રી એ અંગ્રેજીમાં શબ્દો વાપર્યા છે...

(When the need is to build bridges, his taunt — the nation must protect itself from the new FDI, he said, of Foreign Destructive Ideology — is counter-productive.)

તમે આ બધુ અવિવેકી બોલી ગયા હવે જ્યારે સમધાન કે ચર્ચાને ટેબલ પર બેસશો ત્યારે આપ સાહેબને ! ત્યારે તમારા શબ્દકોશમાંથી આવા અપમાનજનક શબ્દો વાપર્યા પછી  પ્રશ્નના ઉકેલ માટે  કેવા શબ્દો શોધી લાવશો? હવે તો આખા વીશ્વને  સારી રીતે ખબર છે કે બે માસ કરતાં પણ વધારે સમયથી ચાલતું કિસાન આંદોલન જેમાં આશરે ૧૫૦ કરતાં વધારે કિસાનોએ પોતાની જાન ગુમાવી છે, બિલકુલ શાંતીમય પ્રમાણમાં રહ્યું છે. દેશની સર્વોચ્ચ અદાલતે સદર આંદોલનને શાંતીમય આંદોલન તરીકે ચલાવવાના હક્કને માન્ય રાખ્યો છે.

  તમારા રાજકીય અન્ય વીરોધીઓ માટે  તેમની મશ્કરી કરતા, હલકા શબ્દો વાપરીને  તમે તેમના તમારી નીતીઓ સામેના પ્રજામત કેળવવાના અધિકારને કેવી રીતે નકારી શકશો? તેમાં તમારી આબરૂ કે ગરીમા વધતી નથી.હજુ આ દેશમાં લોકશાહી રાજ્ય વ્યવસ્થા છે. મરી પરવારી નથી.

Now he must also find the vocabulary to communicate it to those who oppose it. Respecting their 

Now he must also find the vocabulary to communicate it to those who oppose it. Respecting their right to do so, rather than mocking them,

--

Wednesday, January 27, 2021

Kisan Movement

સત્તાધારી હીંદુત્વના અફીણીઓને , કીસાનોની રોટીના સંઘર્ષે પરાસ્ત કરી દીધા.

ગઇકાલે તા.૨૬મી જાન્યુઆરીના ૭૨મા પ્રજાસત્તાક દિવસે છેલ્લા બે માસથી ચાલતા સંયુક્ત મોરચા કીસાન આંદોલનની ટ્રેક્ટર પરેડે સરકારની ચીલાચાલુ પરેડને બીલકુલ ઝાંખી પાડી દીધી હતી. દેશના સત્તાધારી માંધતાઓને પ્રજાસત્તાકનો ખરો અર્થ સમજાવી દીધો. પ્રજાસત્તાક દેશમાં આખરી સત્તા વડાપ્રધાન ,પીએમઓ ઓફીસ,ગૃહખાતા પાસે નથી પણ લોકો પાસે છે. પ્રજાસત્તાનો સંદેશો હજુ રાજ્યકર્તાઓએ વાંચવો હોય, સમજવો હોય તો દીલ્હીની ત્રણે સીમાઓ પર બે માસથી વધુ સમયથી શાંતીપુર્વક આંદોલન કરતા કીસાનો પાસે જાવ.ગઇકાલે પાટનગરના તમામ રીંગરોડ પર ઉમટી પડેલા પરીવર્તનના મશાલચી તરીકે પુરા આત્મવીશ્વાસ સાથે ટ્રેકટરોના ધસમસતા પ્રવાહ અને તેમની સાથેનો ' માનવ મહેરામણનો' અદ્ભુત નજારોનો સંદેશો વાંચો, સમજો ને અન્યને સમજાવો.

(૧) સંસદમાં મળેલી બહુમતીને આધારે નહી, પણ  પ્રજાહીતને આધારે કાયદો બનાવતા પહેલાં, સંસદની અંદર ને બહાર ચર્ચાના તમામ ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરવાનો પુરો અવકાશ આપો.

(૨) ખેતી એ બંધારણની અંદર સત્તાની વહેંચણીમાં સ્પષ્ટ રીતે રાજ્યહસ્તક હોવા છતાં તેના પર કેન્દ્ર સરકાર કાયદો કરે તે  તો ' ચોરી પર સીના ચોરી' જેવી વાત છે. સરકાર પોતે આ મુદ્દે ગેરબંધારણીય રીતે વર્તે તો પ્રજાએ શું કરવું ! કયા સાધનોનો ઉપયોગ કરીને આ સત્તા–મદ્હોશી રાજકારણીને સતર્ક કે તર્કવિવેકબુધ્ધીથી સમજાવવા?

(૩) દેશની સર્વૌચ્ચ અદાલતે ત્રણેય કાયદાઓના અમલ પર હંગામી ધોરણે મનાઇ હુકમ મુકેલ છે. કીસાનો સાથેની મીટીંગમાં કૃષી પ્રધાને સદર કાયદાઓ દોઢ થી બે વર્ષ માટે મોકુફ રાખવા સંમત થયા હતા.દેશના કોઇ કીસાન સંગઠનોએ પોતે આવા કાયદા ગઢવાની કોઇ રજુઆત ક્યારેય કરી નહતી.

(૪) દેશમાં સત્તા પક્ષ સામે  કોઇપણ પ્રકારનો વિરોધ સત્તાધારીઓને માન્ય નથી. વિરોધ પક્ષો સામે વિરોધની ભાષામાં કેટલા શબ્દો અને વાક્યો સૌજન્યશીલ, સંસદીય અને બંધારણીય નૈતીક્તાને ધ્યાનમાં રાખીને  વાપરવામાં આવ્યા હોય તે એક સંશોધનનો વિષય બની જાય છે.

(૫) સત્તાપક્ષ સામેના તમામ વિરોધી દેશદ્રોહી, પાકીસ્તાની એજંટ, નક્ષલવાદી, ટુકડે ટુકડે ગેંગના પ્રતીનીધી, વિદેશી એજંટ, ખાલીસ્તાની, આતંકવાદી, વિધર્મી, લવજેહાદવાળા વી, વી. પોતાની સામેના તમામ વિરોધને યેનકેન પ્રકારે ( " BUY, BORROW & OR STEAL") ખત્મ કરી નાખો.

(૬) મઝાની વાત એવી બની છે કે ઉપરના તમામ શસ્રો સંયુક્ત કિસાન મોરચાની કિસાન ચળવળને  વેરવિખેર કરવામાં સુંપુર્ણ નીષ્ફળ ગયા છે. બુઠઠા થઇ ગયા.એટલું જ નહી સત્તાપક્ષના નેતઓના બેફામ અને બિનજવાબદાર વચનોથી સદર ચળવળ દિવસે દિવસે વધારે ને વધારે મજુબત બનતી ગઇ છે.

(૬)  કાર્લ માર્કસનું એક સરસ અને ચીર;સ્મરણીય વાક્ય છે.  ' માનવી ધર્મને બનાવે છે. પણ ધર્મ માનવીને બનાવતો નથી. ( Man makes religion;  religion does not make man .")  તેવીજ રીતે સંસદ અને વડાપ્રધાનને પ્રજા બનાવે છે. પણ  પ્રજાને સંસદ કે વડાપ્રધાન બનાવી શકતી નથી. જે સર્જનહાર હોય છે તેને પોતાના સર્જનમાં ફેરફાર કરવાનો કે નાશ કરવાનો પણ અબાધીત અધિકાર ધરાવે છે તેની ગવાહી માનવજાતનો ઇતીહાસ પુરી પાડે છે.   

(૭) મોદીજી, સંયુક્ત કિસાન ચળવળના નેતા રાકેશ ટીક્કેતને તેની બોલીમાં સમજો. ખુબજ શાંતીથી ખુબજ ઠંડે કલેજે અને પરીપ્ક્વ નેતા તરીકે  જણાવે છે કે અમારી કીસાનીયતની વિચારસરણીને સમજો. તમારા હિંદુ–મુસ્લીમ– શીખ વચ્ચે ભાગલા પાડવાની રીતરસમોતો  આઉટડેટેડ થઇ ગઇ છે. ભારતના સદીઓ જુના હિદું રાજોની ઉપરા ઉપરી નામોશીભરી હારો અને તેને કારણે પ્રજાની સદીઓની ગુલામી તેમના યુધ્ધના શસ્રૌ પુરાપર્વથી ચાલુ હતા તે જ વાપરતા આવ્યા જ્યારે વીદેશીઓના શસ્રો આધુનીક હતા.. તમારા શસ્રો કઇરીતે તમારા પૌરાણીક વારસાથી જુદા હોય? જયશ્રી રામના નારા મંદીરઓમાં અને કથા– પારાયણોમાં સારા લાગે અને શોભે! પણ નેતાજી સુભાષની સભામાં તો સુભાષજીને જ અપમાનજનક લાગે!  માટે તમારૂ ભાવી પણ રાકેશ તીક્કેત મન નક્કી છે. જુઓ ! તે બધા તો સને ૨૦૨૪ સુધીની અહીંસક લડાઇની તૈયાર કરીને આવ્યા છે. તેની ઝાંખી દેશ અને દુનીયાને  કીસાનયતે પ્રજા સત્તાક દિને બતાવી દીધી છે.

 તે બધાની વૈચારીક પરિપક્વતાને જેટલી કાચી કે ઓછી આંકશો તેમાં નુકશાન તમારા પક્ષે જ છે. 


--

Thursday, January 21, 2021

The God Market in India

 તમે અમને રાજકીય હીંદુ ધાર્મીકતાના ફક્ત પુરસકર્તા તરીકે જ ઓળખો!

એક સમાચાર–  વારાણસી (ગંગા),દિલ્હી (યમુના) સહિત ૮ શહેરથી કેવડીયા (નર્મદા)સુધી ટ્રેન શરૂ. ઇતિહાસમાં પહેલીવાર એક સાથે અલગ અલગ જગ્યાઓથી ૮ ટ્રેનને વડાપ્રધાને લીલી ઝંડી વીડીયો કોન્ફરન્સથી આપી.( સૌ. દી. ભાસ્કર ૧૮મી જાન્યુઆરી સોમવાર)

હવે, આ સમાચાર રેલ્વે સ્ટેશનોને નીસ્બત ધરાવે છે. તેમાં જે તે શહેરની નદીઓના નામો મુકવાની શી જરૂરત હતી? અને આવું પરાક્રમી કાર્ય કરવા માટે દેશના વડાપ્રધાન જ સમય ફાળવી શકે! પરંતુ રાજકીય ધાર્મીકતાનો આંચળ દરેક પ્રવૃતીને લગાવવો તે હીંદુ બહુમતી માનસને મજબુત બનાવવા ખાસ જરૂરી છે. અરે કહો કે તે અનીવાર્ય છે. વાંચકવર્ગને જે સંદેશો પહોંચાડવાનો છે કે , જુઓ આ સ્ટેશનો જે નદીઓના કિનારે વસેલા છે, તે આધારીત જે હીંદુ સંસ્કૃતી વિકસી છે તેને અમે રાજકીયસત્તા આધારીત મળેલા સાધનોથી  સંગઠીત કરીએ છીએ.

સાથે સાથે બીજો એક જબ્બરજસ્ત પ્રવાહ  શરૂ થઇ ગયો છે. તે છે વૈશ્વીકરણ. તેના કારણે પેદા થયેલા  ક્મ્પ્યુટર, ઇન્ટરનેટ, મોબાઇલ અને કૃત્રીમ બુધ્ધીએ (Artificial Intelligence) આર્થીક વીકાસ સાથે વીશ્વના જુદા જુદા ધર્મોની પ્રજાને પણ વધુ ધાર્મીક બનાવી છે. જેમાં ફ્રાન્સના પેરીસના પરગણાની સ્કુલના શિક્ષકનું તેના જ મુસ્લીમ વીધ્યાર્થી દ્ર્રારા ખુન અને અમેરીકાના ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણમાં તા. ૬– જાન્યુઆરીના અમેરીકાની રાજધાનીમાં ખ્રીસ્તી જમણેરીઓના હુમલાને પણ ગણાવી શકીએ.રાષ્ટ્રીય સીમાઓની પાર તે બધાને ધર્મના નામ પર સંગઠીત બનાવે છે. જે પોતાના ધર્મને નામે ઉશ્કેરાટ અને હીંસા ફેલાવી શકે તેવા યોધ્ધાઓ ( વોરિયર્સ) પેદા કરી શક્યા છે. તેણે રોજબરોજની ધાર્મીક વીધીવિધાનોને બદલે પોતાના દેશની રાજકીય, આર્થીક, સામાજીક, શૈક્ષણીક, ન્યાયતંત્ર, વહીવટ તંત્રોને પણ મુળભુત રીતે બદલી નાંખ્યાં છે. રાજ્ય– ધર્મ– આર્થીક સત્તાનું શક્તીશાળી ગઠબંધન ( State-Temple- Corporate Complex)પેદા કરી દીધું છે. પરદેશમાં સ્થાયી થયેલા આધુનીક (?) હીંદુઓએ પોતાના દેવ–દેવીઓ અને તેમની ધાર્મીક સંસ્કૃતીને પણ બીજા અન્ય ધાર્મીકોની માફક  જે તે રાષ્ટ્રોની ઉદારમતવાદી–વૈશ્વીકરણ વાળી નીતીઓને કારણે તે બધાનું સ્થળાંતર અને એકત્રીકરણ કરી શક્યા છે.

શહેરી હીંદુ મધ્યમવર્ગને માટે વર્તમાન રાજકીય વ્યવસ્થાએ નવા નવા ધાર્મીકસ્થળો વીકસાવી અને જુનાઓનો જીર્ણોધ્ધાર કરીને  જાત્રાના ધામો વીકસાવવા માંડીને તે આધારીત ધાર્મીક પ્રવાસો માટેના માળખાઓ ઉભા કરવા માંડયા છે. દેશનો મોટો પર્યટનનો ધંધો વીકસાવી દીધો છે.સને ૨૦૦૪માં બે કરોડ ત્રીસલાખ લોકોએ તીરૂપતી બાલાજી ને વૈષ્ણદેવીમાં એક કરોડ સીત્તેરલાખ લોકોએ મુલાકત લીધી હતી. સને ૨૦૦૦ની સાલમાં દેશમાં આશરે ૨૫લાખ રજીસ્ટર્ડ મંદીરો હતા. જ્યારે દેશમાં કુલ સ્કુલો ૧૫લાખ અને હોસ્પીટલ ફક્ત૭૫૦૦૦ હતી.( આ બધા આંકડાઓ જુના છે. તેમાં સને ૨૦૧૪ થી ૨૦૨૦ સુધી માં ખુબજ વધારો થયો છે.)

સાથે સાથે નવા હીંદુ મધ્યમવર્ગની ધાર્મીક વીધીવીધાનોની જરૂરીયાત પુરી કરવા પ્રતીવર્ષે નીષ્ણાત ગ્રેજ્યુએટ યુવાન પુરોહીતોની ફોજ પેદા કરવા માંડી છે. તે માટે ખાસ નિષ્ણાત કોલેજો ને વીશ્વવીધ્યાલયો  જરૂરી વીષયોના પ્રોફેસરો સાથે તૈયાર કરવા માંડયા છે.હરીદ્ર્રારમાં ગાયત્રી પરીવારના સંચાલકો તરફથી ધ્યાન અને યોગનાવીષયો પર સંશોધન કરવા ડીમ યુની છે. તેની શાખાઓ નોઇડા અને મથુરામાં પણ છે. આ બધા વીશ્વશાંતી માટે યજ્ઞો કરવા –કરવવામાં નિપુણ છે.

વોઇસ ઓફ ઇંડીયા નામની પુસ્તક પ્રકાશન સંસ્થા દીલ્હીમાં આ માટે ઉભી કરવામાં આવેલી છે. રાજ્ય સંચાલીત મંદીરોના પુજારીઓને ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કરવેરા દ્રારા એકત્ર કરાયેલા નાણાંમાંથી નિયમિત માસીક પગાર ચુકવવામાં આવે છે. આ મંદીરોની પોતાની આવકમાંથી પુજારીઓના પગાર ચુકવાય તેવી સ્થિતી નથી. કેન્દ્ર સરકાર તરફથી હીમાચલ પ્રદેશની સરકારને યાત્રાધામ વિકસાવવા અને જાણીતા મંદિરના સંચાલન માટે વાર્ષીક આઠથી દસ કરોડ રૂપીયા વર્ષોથી આપવામાં આવે છે.

મીરા નંદા નામની લેખીકાએ એક પુસ્તક બહાર પાડયું છે. તેનું નામ છે " The God Market".( How Globalization is making India More Hindu.}

 આ લેખની તમામ વીગતો તે પુસ્તકમાંથી સાભાર લીધેલી છે.

(1)     બધાજ ધંધાઓમાં સારામાં સારો ધર્મનો ધંધો છે. શરૂઆતનું મુડી રોકાણ તેમાં નહીવત હોય છે. તેમાં ક્યારેય માલના પુરવઠો કે માલ સામાનની વિગતવાર યાદી રાખવાની( Inventory) બીલકુલ જરૂર હોતી નથી. ધર્મ, તેના ગ્રાહકો પાસેથી રોકડમાં, ભૌતીક વસ્તુઓ ( Tangible)જેવી કે સોનુ,ચાંદી, હીરા, મોતી વી લે છે અને સામે (intangible)  સ્વર્ગ, પુન્ય, મોક્ષ વી.મલવાના તપાસી ન શકાય તેવા આધ્યાત્મીક વચનો આપવામાં આવે છે. પાન નં ૧૦૮.

(2)      જુના અને નવા ગોડ–મેન ( સત્ય શાંઇ બાબા પણ શીરડીવાળા નહી), બાબા રામદેવ, આશારામ, બાબા રામરહીમ, શ્રી શ્રી રવીશંકર, મોરારીબાપુ,( ૧૦ કરોડ રૂપીયા અયોધ્યાના રામમંદીર માટે એકત્ર કરી શક્યા),રમેશ ભાઇ ઓઝા,અને બીજા ગ્ણયા ગણાય નહી તેટલા થઇ ગયા છે. તે બધાનો આધ્યાત્મીક સુપરમાર્કેટનો ધંધો કુદકે અને ભુસકે વધતો ધંધો છે. તે બધાજ રામચરીત માનસ, ભગ્વદ ગીતા અને વેદાન્ત ઉપર વ્યાખ્યાનો, વી  ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેંટના શિક્ષણને બાજુ પર મુકી દે તેવી મેનેજમેંટ સાથે કરી રહ્યા છે. પાનું ૧૦૭.

 

 

(3)     આપણા દેશની ૯૦ ટકા પ્રજા હીંદુ ધાર્મીક છે. અમે તે ધાર્મીકતાને હીંદુ વોટ બેંકમાં સરળતાથી રૂપાંતર કરી નાંખીશું. પ્રવીણ તોગડીયા. પાનું ૧૦૮.

(4)      તીરૂપતી બાલાજીનો વહીવટ સુપ્રીમ કોર્ટના હુકમથી સને ૧૯૯૬માં તીરૂમાલા તીરૂપતી દેવસ્થાન નામનું ટ્રસ્ટ બનાવી સોંપ્યો તે પહેલાં તેના ૧૨ સંચાલકોની લાડુ વેચવાની આવક ફક્ત વાર્ષીક સાડા ચાર કરોડ હતી. દાનમાં મલતી આવક કેટલી હતી તેની માહિતી ન હતી. પાનુ. ૧૧૨.

(5)     દેશમાં  દરેક પ્રકારના ગુરૂકુલ, રૂશીકુલ,કર્મકાંડી અને વેદાંતી પાઠશાલાઓનો રાફાડો ફાટયો છે. તેમાંથી ડીગ્રીધારી પુરોહીતો બહાર પડે છે..... વૈદીક વીજ્ઞાનને અનુકુલ આધુનીક વીજ્ઞાનનો ઉપયોગ તેમાં કરવામાં આવે છે. પણ  આધુનીક વીજ્ઞાનના પાયા તરીકે કોઇપણ થીયરીનું તાર્કીક મુલ્યાંકન ( Critical Thinking) કરાવવામાં આવતું નથી.... આ બધા ધંધાકીય રીતે શીક્ષીત થયેલા ભારતીય સંસ્કૃતીના સંરક્ષકો છે.... તે બધા આધુનીક પુરોહીતો છે જે અંગ્રેજી ( પરદેશમાં જવાની તક મલે માટે) બોલી શકે છે, વૈજ્ઞાનીક સુત્રો જેવાકે સર આઇઝેક ન્યુટન ના ગતીના નિયમોના તથા આઇનસ્ટાઇનના રીલેટીવીટીના સુત્રો અને કહેવતો પણ પોતાની વીધી કરતાં–

 કરવાતાં બોલી શકે છે....પાનું..૧૨૧.

(6)      બીજેપી સરકારની મદદથી અને દેશની સુપ્રીમ કોર્ટના આશીર્વાદથી યુનીવર્સીટી ગ્રાંટ કમીશને ફલજ્યોતીષ, વાસ્તુશાસ્ર, હસ્તજ્યોતીષ,વી ને કોલેજ શિક્ષણના અભ્યાસક્રમમાં સામેલ કરી દીધા છે. રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન ( જેની સ્થાપના ૧૯૭૦માં થયેલી અને તેની આઠ શાખાઓ છે)અને મહર્ષી સાંદપની વેદ વીધ્યા પ્રતીષ્ઠાન ને આ બધા વિષયો શીખવાડનાર પ્રાધ્યાપકોને ગ્રાંન્ટેબલ પગાર મલે છે. ..૧૨૪.

(7)     સને  ૨૦૦૬માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે પોરબંદર મુકામે એરોડ્રામની નજીક, ૮૫ એકર જમીન નજીવા ભાવે (  Very Generously granted 85 Acres land) કથાકાર રમેશભાઇ ઓઝા જે અંબાણી કુટુંબના અંગત ગુરૂ છે.તેઓને આ જમીન  સાંદીપની વીધ્યાનીકેતન દ્ર્રારા પુરોહીતો બનાવવા આપી હતી. ...૧૨૬.

(8)      ટેલી– યોગ ગુરૂ બાબા રામદેવ જે હવે અબજો રૂપીયાની આર્યુવૈદીક અને યોગને લગતી દવાઓ વેચે છે તેને મધ્યપ્રેદશ અને ઉત્તરાંચલની સરકારોએ બે વિશ્વવીધ્યાલયો બનાવવા મબલખ જમીનો દાનમાં આપી દીધી છે. ઝારખંડની સરકારે હમણાંજ રામદેવને ૧૦૦ એકર જમીન દાનમાં આપી દીધી છે.....૧૨૬.

(9)     વિશ્વહીંદુ પરીષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દેશ વ્યાપી ટુંકાગાળાના હિંદુ ધાર્મીક કર્મકાંડ શીખવાડવાના પુરોહીતો કે ગોર મહારાજો બનાવવાના અભ્યાસક્રમો કર્યા જ કરે છે. ( Short term priest training camps) તેમાં ગુરૂકુલો અને મઠાધિપતીઓનો પુરો સહકાર હોય છે. પરિણામ સ્વરૂપે તેમાંથી ઘરગથ્થુ અને સ્થાનીક જરૂરરીયાતો ઉપયોગી ગોરમહારાજો,  જ્યોતીષશાસ્રીઓ,યોગ શીક્ષકો,વાસ્તુશાસ્રીઓ,અને પાનના ગલ્લેથી માંડીને હાલતા ચાલતા દરેક પ્રકારની આર્યુવૈદીક દવા વેચનારાઓ,ની ફોજ તૈયાર કરવામાં આવે છે. ....૧૨૭.

(10)આ બધા ગુરૂકુલો અને આશ્રમશાળાઓનું મુખ્ય ધ્યેય દેશમાં મવાળ હીંદુત્વવાદી (સોફ્ટ હીંદુત્વ) જીવનપધ્ધતી અને વીચારસરણીનાં ધરૂવાડીયા બનાવવાનું જ હોય છે. ચીનમાયાનંદ મીશન અને આર્ટ ઓફ લીવીંગ ' નવી બોટલમાં જુનો દારૂ પિરસવામાં આ બધામાં સર્વશ્રૈષ્ઠ સાબીત થયા છે.....૧૩૦.

મીરા નંદાનું આ પુસ્તક " ધી ગોડ માર્કેટ" ૨૪૦ પાનાનું પુસ્તક છે. જે ઉપર જણાવેલા ઇશ્વરી બજારોના  જુદા જુદા ગ્રાહકોને ઉપયોગી ચુંબકીય માલોની માહિતીથી ભરચક છે. તેના પ્રકાશકનું નામ " Random House Publishers India PVT Ltd."   અત્રે રજુ કરેલી માહીતી અમે અંગ્રજીનો ભાવાનુવાદ કરીને અત્રે રજુ કરી છે. માટે અમે તેમના આભારી છે.અમારો હેતુ આ રજુ કરવામાં શૈક્ષણીક અને બૌધ્ધીક છે.

 



--