Tuesday, April 3, 2018

આપણે ‘ બીજા ’ પ્રત્યે ધીક્કારના વાતાવરણ અને વીચારોથી કેવું રાષ્ટ્ર બનાવી શકીશું?

આપણે ' બીજા ' પ્રત્યે ધીક્કારના વાતાવરણ અને વીચારોથી કેવું રાષ્ટ્ર બનાવી શકીશું?

ભારતના રાજકારણમાં દેશ આઝાદ થયા પછી સને ૨૦૧૪ના રાજકીય સત્તા પરીવર્તનની સાથે પહેલીવાર એવા સમયની શરૂઆત થઇ ગઇ છે કે જેમાં ' લવજેહાદ, ગાયના વેપારના મુદ્દે  ભયંકર અસહીષ્ણુતા, ખુના –મરકી, રાષ્ટ્રવાદની બાબતે અસહીષ્ણુતા,દેશના બંધારણની સામે મનુસ્મૃતી આધારીત કાયદા પ્રમાણે રાજ્ય સંચાલન માટેનું વાયુમંડળ, ઇરાદા અને આયોજનપુર્વકનું ઘોંઘાટમય વાતાવરણ ઉભુ કરવામાં આવી રહ્યું છે. આવા વાતાવરણનો લાભ લઇને સત્તા મેળવનારા જેટલા જવાબદાર છે તેના કરતાં સમાજમાં નાગરીકતા પેદા કરવાને બદલે  ભારતીય પ્રજાને ધર્મ, જાતી–જ્ઞાતી,  કોમ, પ્રદેશ વી. સંકુચીત અને વીધાતક પરીબળોમાં વહેંચીને, તેવી બીનલોકશાહી, અવૈજ્ઞાનીક અને અવીવેકી ( ઇરેશનલ), તેથી અમાનવીય લાગણીઓને બેફામ ઉપયોગ કરીને  સાત દાયકા સુધી સત્તાના ફળો ભોગવનારા રાજકીય પરીબળો બીલકુલ ઓછા જવાબદાર નથી.

વીશ્વના દેશો ખાસ કરીને યુરોપીયન દેશો જેવા કે, ઇગ્લેંડ, ફ્રાન્સ, જર્મની, નોર્વે, ડેનમાર્ક, સ્વીઝર્લેંડ, ઇટાલી, અમેરીકા, કેનેડા જેવા અનેક દેશોએ બીજા વીશ્વયુધ્ધના અંતે આશરે બે કરોડ માણસોના નરસંહાર પછી પોતાના દેશની સામાજીક, લઘુમતીઓ, નીરાશ્રીતો અને પરદેશી વસાહતીઓની સમસ્યાઓને કેવીરીતે ઉકેલી તે ભારતના તમામ પક્ષોના રાજ્યકર્તાઓએ તાતી સમજવાની જરૂર છે.  બીજા વીશ્વયુધ્ધ દરમીયાન આ બધા દેશો રાષ્ટ્રવાદના નામે એક બીજાની સામે શેરીમાંના કુતરાની જેમ સામ સામી સખત રીતે લડેલા હતા. સંસ્થાનવાદ ખતમ થતાં જ  હજારોની સંખ્યામાં અગાઉના ગુલામ દેશોમાંથી જુદા જુદા કારણોસર નીરાશ્રીતોના ધાડે ધાડાં  આ બધા પશ્રીમના દેશોમાં આવવા માંડયા હતા.  આ બધી લઘુમતી પ્રજાઓને કેવી રીતે પોતાના અનેક ગણા સાંસ્કૃતીક મતભેદો અને રીતરીવાજો સાથે પશ્રીમી જગતના અનેક દેશોની બહુમતી પ્રજાએ સામાજીક પરીપક્વતા બતાવીને દેશના મુખ્યપ્રવાહમાં ભેળવી દીધા એ ખુબજ મોટી અને અસાધારણ માનવીય ઇતીહાસની ઘટના છે. જર્મનીની બર્લીન વોલ તો તોડી નાંખી સાથે તે વોલને કારણે ઝેરી વૈચારીક વાતાવરરણ ફેલાયું હતું  તેને પણ તે પ્રજાએ પોતાના માનસમાંથી નેસ્તનાબુદ કરી દીધુ છે.  

 તેમ છતાં  વંશીય , ધાર્મીક અને સાંકૃતીક સંઘર્ષોને ક્યારેય  જે તે દેશોની સરકારોએ તેને  વીશાળ રૂપ આપીને વીસ્તારવા દેતી નથી. તે સંઘર્ષોને ઉગતાજ સ્થાનીક સ્તરે જ ડામી દેવામાં આવ્યા છે. જે તે દેશની સમાજની શાંતી અને કાયદો વ્યવસ્થા માટે ફુલીફાલીને કેન્સર બની જાય તેપ્રમાણે વીકસવા દેવામાં  આવતા જ નથી . દા;ત ફ્રાંસના પાટનગર પેરીસના કાર્ટુન સામાયીક ' શાર્લી હેબ્સો' પરનો આતંકી હુમલો!      યુરોપીયન યુનીયના દેશો હજુ પણ પડોશી તરીકે એક બીજાની સાથે રહીને  વીકસવાનો સતત પ્રયત્નો કરે છે. દેશની અંદર કે દેશની બહારના  વીભાજીત પરીબળોને  આ બધા દેશોના રાજ્યકર્તાઓએ અને રાજકીય પક્ષોએ ક્યારેય પોતાની અંગત સત્તાલાલસા પુરી કરવાના સાધન તરીકે ઉપયોગ કર્યો નથી. તેમજ  તે દેશના લોકશાહી મુલ્યોથી સજ્જ પરીપક્વ નાગરીકો આવા કોઇ રાજકીય પરીબળોના ભોગ બન્યા નથી. રાજકીય પક્ષોની સત્તા પ્રાપ્ત કરવા માટેની કથપુતલીઓ કે હાથા બનીને( Cannon Fodders-  an expendable or exploitable person, group, or thing.) કહેવાતા શહીદ પણ બન્યા નથી.

બીજા વીશ્વયુધ્ધ પછી આ યુરોપીયન પ્રજા શીખી ગઇ છે કે પોતાના દેશની બહુસાંસ્કૃત્તીક પ્રજા ( Multicultural society)સાથે કેવી રીતે જીવાય! જે તે દેશમાં લઘુમતીઓને  યુનાઇટેડ નેશન્સ ચાર્ટરના માનવ અધીકારોનો અમલ વાસ્તવીક રીતે મુર્તીમંત કરવા માટે તે બધાને પોતાની ધાર્મીક આસ્થાને ધ્યાનમાં રાખીને દા;ત મંદીરો, મસ્જીદો બાંધવાની સહજ સ્વતંત્રતા આપવામાં આવેલ છે. આ સમાજોની બહુમતી અને લઘુમતી પ્રજાઓએ એકબીજા સાથે સામાજીક સંવાદીતાથી કેવી રીતે જીવવું તે શીખી ગયા છે. જે તે દેશની લઘુમતી પ્રજાઓને ક્યારેય  એવો અહેસાસ  બહુમતી પ્રજા તરફથી થવા દેવામાં આવતો નથી કે તે આપણાથી જુદા, બીજા ( અધર) કે  બીજા સ્તરના નાગરીકો( સેંકંડ ક્લાસ સીટીઝન્સ) છે.

 આપણે પુર્વના દેશો બૌધ્ધીક જ્ઞાનના પશ્રીમી સુર્યના પ્રકાશને ક્યાં સુધી ઢાંકવાના પ્રયત્નો  સ્વઅભીમાનના નામે કર્યા કરીશું? શું આપણી પોતાની અને ખાસ કરીને આ પુર્વીય દેશોના રાજ્યકર્તાઓના જુદા જુદા તરંગી–તઘલઘી વીચારો અને કાર્યક્રમોના ક્યાંસુધી બલી બનતા રહીશું? અને બીજાને બલી બનાવતા રહીશું? 

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––                   

 

 



--
Sent with Mailtrack