Sunday, February 11, 2018

વીશ્વના બધાજ ધર્મો ચાર્લ્સ ડાર્વીનના ઉત્ક્રાંતીવાદના સંશોધનો સામે કેમ છે?

વીશ્વના બધાજ ધર્મો ચાર્લ્સ ડાર્વીનના ઉત્ક્રાંતીવાદના સંશોધનો સામે કેમ છે?

૧૨મી ફેબ્રુઆરી આજે  ચાર્લ્સ ડાર્વીનનો જન્મ દીવસ છે (૧૨–૦૨– ૧૮૦૯ મૃત્યુ ૧૯–૦૪– ૧૮૮૨) . ખાસ કરીને પશ્ચીમી જગતના બધાજ દેશો આ દીવસને 'ડાર્વીન ડે' તરીકે ઉજવે છે. તેની સામે ખ્રીસ્તી, હીંદુ અને ઇસ્લામ ધર્માના અનુયાઇઓ ડાર્વીનના 'કુદરતી પસંદગી અને સજીવોના જીવવા માટેના સંઘર્ષ' ના સીધ્ધાંતોને સંપુર્ણ રીતે અસ્વીકાર કરીને જબ્બર વીરોધ કરે છે. કેમ?

 દરેક ધર્મે આ પૃથ્વીપર માનવ સહીત સમગ્ર સજીવ સૃષ્ટીનું સર્જન પોતાના ઇશ્વરે કેવી રીતે કર્યું છે તેની વીગતો પોતાના ધર્મ પુસ્તકોમાં આપી છે. અને તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે  તે બધા ઇશ્વરી તારણો છે. જે માનવીય શંકા–કુશંકાઓથી પર છે. તેની કોઇ પુરાવા કે જ્ઞાન આધારીત તપાસ ન હોઇ શકે! તે તારણો અને તેના આધારીત ઉપદેશો અને રીતી–રીવાજો અમલમાંજ મુકવાના હોય! કારણકે માનવ સહીત દરેક સજીવની ઉત્પત્તી તે ઇશ્વરી ઇચ્છાનું જ પરીણામ છે. માનવીનો જન્મ, જીવન અને મૃત્યુ પછીનું જીવન બધુ જ ઇશ્વર સર્જીત છે. માનવી જો દૈવી નીયમો સામે બળવો પોકારે તો તેને આજીવનમાં તો ખરૂ જ પણ મૃત્યુ બાદ કેવી કેવી શીક્ષાઓ થાય અને મોક્ષ કે મુક્તી ન મળે. તેની અસંખ્ય દંતકથાઓથી દરેક ધર્મપુસ્તકો ચીક્કાર ભરેલા છે. દરેક ધર્મોના ઠેકેદારોનું ખાસ કામ અને ફરજ ઇશ્વરદત્ત હોય છે. તે બધા ઉપદેશોને આધારે પોતાના ધર્મના અનુયાઇઓની તમામ સામાજીક, રાજકીય, આર્થીક, નૈતીક, કૌટુબીક જેવી તમામ ઐહીક કે દુન્યવી પ્રવૃત્તીઓનું સંચાલન અને વ્યવહારો તે મુજબ જ થવા જોઇએ. બધાજ ધર્મોએ  તેના પ્રતીનીધ્ઓની મદદથી સદીઓથી માનવ પ્રવૃત્તોઓને નીયંત્રણમાં રાખી હતી. વધારામાં એક ખાસ અમાનવીય અને અતીનીંદનીય અને હીંસક શીખ દરેક ધમોએ પોતાના અનુયાઇઓને આપી છે કે " તેનો ધર્મજ સાચો ધર્મ છે,તેથી શ્રૈષ્ઠ છે અને સામાનો ધર્મ વર્જ્ય છે." માટે વીશ્વના બધાજ ધર્મોના અનુયાઇઓને તેમના ધર્મના સંરક્ષકોઓ સદીઓથી એક બીજા સામે હીંસક રીતે લડાવ્યા રાખ્યા જ છે. હજુ પણ લડાવે રાખે છે. ગાંધીજીએ પોતાનું સમગ્ર જીંવન ' હીંદુ– મુસ્લીમ એકતા અને સર્વધર્મ સમભાવ ' અને તેના આધારે એકબીજાના હ્રદય પરીવર્તનના પ્રયત્નો તેમની હયાતીમાં અને આજે પણ 'જળકમળવત' જ રહ્યા છે. સફળ થયા નથી.

  વીશ્વના તમામ ધર્મોની આ ધાર્મીક, સામાજીક અને બૌધ્ધીક વાસ્તવીક અને નગ્ન હકીકતો છે. આવા ધર્મોને ટકાવી રાખવામાંજ તે બધા પરોપજીવીઓનું અસ્તીત્વ અને સ્થાપીત હીતો રહેલાં છે.

 તેની સામે ચાર્લ્સ ડાર્વીને સને ૧૮૫૯માં એક જગવીખ્યાત પુસ્તક બહાર પાડયું,  તેનું નામ ' ઓરીજન ઓફ સ્પીસીસ એન્ડ થીયરી ઓફ નેચરલ સીલેક્શન' છે. સને ૧૮૭૧માં ડાર્વીને બીજુ પુસ્તક બહાર પાડયુ હતું. ' ધી ડીસેન્ટ ઓફ મેન'. ઉપરના જીવવીજ્ઞાનના બે પુસ્તકોના તારણોને સ્વીકારવા માટે એક વીસ્તૃત વૈચારીક ક્રાંતીની જરૂર છે. બીજા કોઇપણ જીવવીજ્ઞાની કરતાં ચાર્લસ ડાર્વીન એક માત્ર એવો જીવવૈજ્ઞાનીક હતો કે જેણે  સામાન્ય માણસના આ જગત વીશેના ખ્યાલને ધરમુળથી બદલવા કારણભુત બન્યો.

 ડાર્વીને જીવવીજ્ઞાનમાં ' જૈવીક ઉત્ક્રાંતી' નામની નવીજ્ઞાનની શાખાની શોધ કરી. આ જૈવીક ઉત્ક્રાંતીની શાખાની શોધનું મહત્વ એ છે કે તેની વ્યાપક અસરો જીવવીજ્ઞાનના ક્ષેત્રની બહાર પણ ઘણી જ અસરકારક છે, એક તો ડાર્વીને ઉત્ક્રાંતીવાદનો નવો ખ્યાલ વીકસાવ્યો. બીજુ તેણે સજીવ જૈવીક ઉત્ક્રાંતીના જુદા જુદા ફાંટાઓ–વીભાગો ( બ્રાન્ચીઝ ઓફ ઇવોલ્યુશન)શોધી કાઢયા. એટલું જ નહી પણ દરેક સજીવ જાતીને બીજી સજીવ જાતીસાથે ઉત્ક્રાંતીની દ્ર્ષ્ટીએ શું સંબંધ તે પણ શોધી કાઢયું. આ વીભાગીય જૈવીક સજીવ જાતીઓના દરેક ફાંટાઓ એક બીજા સાથે કેવી રીતે જોડાયેલા છે તે પણ શોધી કાઢયુ હતું. છેલ્લે તેણે આ પૃથ્વી પરની દરેક સજીવ જાતીનું મુળ જૈવીક એકમ શું છે તે પણ શોધી કાઢયું. એક જૈવીક વંશમાંથી સમગ્ર જૈવીક જગત પેદા થયું છે તેવો ધર્મના આધાર સીવાયનો સીધ્ધાંત શોધનાર ડાર્વીન પ્રથમ વૈજ્ઞાનીક બન્યો.

વધુમાં ડાર્વીને એવું તારણ કાઢયું કે આ ઉત્ક્રાંતીની પ્રક્રીયાનો વીકાસ લાખો વરસથી ક્રમશ થતો આવ્યો છે. આ ઉત્કાંતીની જીવવીકાસ અને તેમાં થતા જૈવીક ફેરફારોની સાંકળ કોઇ જગ્યા એ થી તુટેલી કે વેરણછેરણ નથી. આ ઉત્ક્રાંતીનું કારણ  'કુદરતી પસંદગીનો સીધ્ધાંત' ( ધી પ્રીન્સીપલ ઓફ નેચરલ સીલેક્શન) છે.

આમ  જીવઉત્પત્તીના ધર્મનીરપેક્ષ ખ્યાલે ( સેક્યુલર વે ઓફ લાઇફ) બધાજ ધર્મોએ પોતાના ધર્મપુસ્તકોમાં દર્શાવેલા જીવઉત્પત્તી અને માનવ ઉત્પત્તીના ખ્યાલોને બીલકુલ ખોટા, દંભી, પોકળ અને પુરાવા વીનાના સાબીત કરી દીધા. કોઇપણ સજીવના સર્જનમાં કશું દૈવી, ઇશ્વર આધીન નથી. દરેક સજીવનું અસ્તીત્વ ભૌતીક જ તેમ સ્પષ્ટ સાબીત કરી દીધુ છે.

ડાર્વીનના ઉપરના વીચારોની સ્ફોટક અસર વૈજ્ઞાનીક જગતમાં થઇ. વીજ્ઞાનના ક્ષેત્રમાંથી ઇશ્વરના ખ્યાલની બાદબાકી થતાં જ્ઞાન–વીજ્ઞાનના બધા જ ક્ષેત્રોમાં હકારાત્મક રીતે કુદરતી પરીબળોને સમજાવવાનું જ્ઞાન અને સંશોધન શરૂ થયું. ડાર્વીને તો  પોતાના વીચારોથી જ્ઞાન આધારીત વીશ્વ બનાવવાની ઇમારતનો પાયો નાંખી દીધો. તેણે તો બૌધ્ધીક ક્રાંતી પેદા કરી. ઇશ્વરને બદલે આ વીશ્વના સર્જનહાર તરીકે માનવીને કેન્દ્રમાં મુકી દીધો. માનવીય પ્રયત્નોની શરૂ થયેલી વીશ્વના સર્જનની પ્રક્રીયા માનવજાત જેટલી જ પુરાણી છે તેવું ડાર્વીનના ઉત્ક્રાંતીવાદે સાબીત કરી દીધું.  તેમજ તે માનવજાત જ્યાંસુધી આ પૃથ્વી પર અસ્તીત્વ ધરાવતી રહેશે ત્યાં સુધીતે માનવીય પ્રયત્નોથી વીશ્વ સર્જનની પ્રક્રીયા ચાલુ રહેવાની છે. આમ ડાર્વીને ઇશ્વરની જગ્યાએ માનવીને સર્જનહાર તરીકે કેન્દ્રમાં મુકીને  તેને ઇશ્વર કરતાંપણ વધુ સર્વશક્તીમાન બનાવી દીધો. ડાર્વીને ઉત્ક્રાંતીવાદની મદદથી માનવવાદનો પાયો દૈવી સર્જનને બદલે ભૌતીક બનાવી દીધો. બધાજ ધર્મો અને તેના સ્થાપીતહીત ધરાવતા તત્વોના ડાર્વીનના ઉત્ક્રાંતીવાદના વીરોધના મુળીયા અહીંયા રહેલા છે....................



--
Sent with Mailtrack

Saturday, February 3, 2018

ધર્મગુરુઓ અને સમાજ-વીક્રમ દલાલ



ધર્મગુરુઓ અને સમાજ

વીક્રમ દલાલ

'માણસ' એ હાથ વાપરતું, વીચાર કરતું અને સમાજ બાંધીને જીવતું પ્રાણી છે. બીજાં પ્રાણીઓ અને માણસ વચ્ચેનો પાયાનો તફાવત એ છે કે બીજાં પ્રાણીઓ માત્ર વૃત્તીથી દોરવાઈને વર્તે છે. જ્યારે વીચારશક્તીને કારણે માણસ સામાજીક વ્યવસ્થામાં ખલેલ ન પડે તે માટે વૃત્તી ઉપર સમઝણપુર્વક નીયન્ત્રણ રાખીને વર્તે છે. માણસમાં જેમ સમઝણ ઓછી તેમ તેના અને પ્રાણીના વર્તન વચ્ચેનો તફાવત ઘટે. બકરીને ગોથુ મારીને તેનું ઘાસ ચરી જતી ગાય, નાના બાળકનું રમકડું ઝુંટવી લેતું મોટું બાળક અને લુંટારો, એ ત્રણે વચ્ચે તાત્ત્વીક રીતે કોઈ ભેદ નથી. વાલીયા લુંટારા અને વાલ્મીકી ઋષી વચ્ચેનો તફાવત એ શરીરનો નહીં પણ સમઝણનો છે.

વીચારશક્તીને કારણે માણસ આદીકાળથી કુદરતી ઘટનાઓ બનવા પાછળનાં કારણો સમઝવા માટે અને સામાજીક સમસ્યાઓના ઉકેલ માટે મથ્યા કરે છે. દીવસ અને રાત, સુર્ય અને તારાસમુહોનું રોજ ચોક્કસ દીશામાં ઉગવું અને આથમવું, ચન્દ્રની કળાઓ, ભરતીઓટ અને ઋતુચક્ર જેવી કુદરતી ઘટનાઓનાં નીયમીત રીતે થતાં પુનરાવર્તનના અવલોકનથી તથા ગ્રહણ, ધુમકેતુ, ખરતા 'તારા' અને ધરતીકમ્પ જેવી ક્યારેક જ થતી (અને માટે અજ્ઞાતનો ભય પમાડતી) ઘટનાઓને લીધે માણસ અભાનપણે 'અવકાશ (space)' 'સમય (time)' વીશે વીચારતો થયો.

સર્જનશીલતા એ માનવપ્રાણીની વીશેષતા છે. અંગ્રેજીમાં કહેવત છે, 'Necessity is the mother of invention' (જરુરીયાત એ શોધની જનેતા છે). માણસે માટી, પાણી, પથ્થર, પાંદડાં, ઘાસ, વેલા, વાંસ, ડાળીઓ, હાડકાં, શીંગડાં અને ચામડાં જેવા કુદરતી રીતે મળી શકતા પદાર્થોનો ઉપયોગ કરીને બનાવેલી ચીજવસ્તુઓથી સગવડો ઉભી કરી. એકલે હાથે થઈ ન શકે તેવાં કામ માટે બીજાની મદદ લેવાની જરુર પડે. આ માટે હાવભાવ ઉપરાંત પોતે મુખથી કાઢી શકતા વીવીધ પ્રકારના અવાજને અર્થ આપીને માણસે ભાષા બનાવી. પ્રાણીઓ, વૃક્ષો અને કુદરતી દૃશ્યનાં ચીત્રો દોરી શકતા માણસે આગળ જતાં અવાજ માટે પણ આકૃતીઓ (અક્ષરો) નક્કી કરીને લીપી બનાવી. આમ, લખાણ દ્વારા માહીતી અને વીચારોને બીજાને દુર સુધી પહોંચાડવાની તથા આવતી પેઢીને વારસામાં આપી જવાની માણસે કરેલી શોધથી information technologyની શરુઆત થઈ. બીજું કોઈ પણ પ્રાણી આમ કરી શકતું નથી.

માણસ ટોળકીમાં રહે છે. ટોળકીના દરેક સભ્યની સુઝ સરખી ન જ હોય તેથી ટોળકી માટે કામની ચાલ નક્કી કરવાની સુઝ ધરાવનાર સભ્યની દોરવણી હેઠળ ટોળકી કામ કરે. સ્વાભાવીક રીતે જ આવો સભ્ય ટોળકીનો નેતા બને અને પોતાની સમઝણ અને કલ્પના પ્રમાણે કુદરતી ઘટનાઓ અને સામાજીક પ્રશ્નોના ઉકેલ આપે. હકીકત કે કલ્પના આધારીત અપાયેલા (ખરા કે ભુલભરેલા) ઉકેલને'ધર્મગણવામાં આવ્યો. આમ, ટોળકીનો નેતા 'ધર્મગુરુ' પણ મનાયો. 'જ્ઞાન' હમ્મેશાં અનુભવ પ્રેરીત ચીન્તનથી જ મળતું હોવાને કારણે સામાન્ય રીતે એવું બને કે ઉમ્મરની સાથે જ્ઞાન વધે; પણ શરીર નબળું પડતું જાય તેથી શારીરીક શ્રમ ઘટે. સમય જતાં પીડાદાયક શારીરીક શ્રમ છોડીને ધર્મગુરુઓ ફક્ત ચીન્તન કરવા માંડ્યા. લાઠી, પથ્થર અને વેલાથી બનાવેલા ગદા અને ગોફણ જેવાં હથીયારોની શોધને કારણે શરીરબળનું મહત્ત્વ વધ્યું અને તેથી ટોળકીનું નેતૃત્વ કરવાનું કામ સશક્ત સભ્યના હાથમાં આવ્યું. આમ છતાં 'જ્ઞાન'ને કારણે નેતા ઉપર અને તેની મારફત ટોળકી ઉપર ધર્મગુરુની પકડ રહી. ઈતીહાસ સાક્ષી પુરે છે કે એક કાળે દરેક પ્રદેશમાં રાજ્યની સત્તા મારફત ધર્મગુરુઓ પોતાના સમાજ ઉપર સમ્પુર્ણપણે છવાઈ ગયા હતા. પાકીસ્તાન જેવા સામ્પ્રદાયીક બંધારણવાળા દેશોમાં સમ્પુર્ણપણે અને ભારત જેવા બીનસામ્પ્રદાયીક બંધારણવાળા દેશોમાં થોડે ઘણે અંશે પણ આ જ હકીકત છે.

લખતા થયા પછી ઉકેલોને એકત્રીત કરીને ગ્રંથ બનાવવામાં આવ્યા. આમ, ધર્મગ્રંથો એ માનવીની જે તે કાળની સમઝણ પ્રમાણેના વીજ્ઞાન અને સમાજશાસ્ત્ર છે. જેમ ભૌગોલીક કારણોસર ખોરાક, પોશાક અને રીતરીવાજોમાં તફાવત હોય છે. તેવી જ રીતે જુદા જુદા પ્રદેશના વીચારકોએ પોતપોતાની ભૌગોલીક અને સામાજીક પરીસ્થીતીને ખ્યાલમાં રાખીને સ્થાપેલા ધર્મોના ઉપદેશો, ક્રીયાકાંડ અને રીતરીવાજોમાં પણ તફાવત હોય તે સ્વાભાવીક છે. આમ છતાંદરેક ધર્મનો પાયાનો સુર એક જ છે : સમાજના હીતમાં જ વ્યક્તીનું હીત સમાયેલું છે.

જે ઘટનાઓનાં કારણો આપી શકાય તેમ હતાં તે તો ધર્મગુરુઓએ આપ્યાં; પરન્તુ જન્મમરણ, અકસ્માત કે વરસાદ જેવી જે ઘટનાઓનાં કારણોથી પોતે અજાણ હતા તે માટે કેટલાકે સર્વજ્ઞ, સર્વવ્યાપી, અમર, સ્વયમ્ભુ, સર્વશક્તીશાળી અને માણસની માફક ઈચ્છા ધરાવતા ઈશ્વરની કલ્પના કરી. અને જેની કદીયે સાબીતી મળી ન શકે તેવા 'ઈશ્વરની ઈચ્છા, નસીબ અને ગયા જન્મનાં કર્મો' જેવા ઉકેલ આપ્યા. અને ત્યાં જ માણસ થાપ ખાઈ ગયો. તર્કની ગાડી 'હકીકત'ને બદલે 'માન્યતા'ના આડા પાટે ચડી ગઈ.

આપણો અનુભવ છે કે પોતે બનાવેલા નીયમને બાજુએ રાખીને માણસ તો હજીયે ભુલ માફ કરી દે; પરન્તુ ભુલ અજાણતાં થઈ હોય તો પણ પ્રકૃતીના નીયમમાં બાંધછોડ થતી નથી; કારણ કે પ્રકૃતી ઈચ્છારહીત છે. કોઈ છાપરેથી પડતું મુકે, કોઈ વીધવા માતાનો નવો પરણેલો એકનો એક કમાઉ દીકરો અકસ્માત ત્યાંથી પડી જાય છે કે છાપરાનું નળીયું ખસીને નીચે પડે એ ત્રણે જ્યારે ધરતી સાથે ભટકાય ત્યારે ત્રણેની ઝડપ સરખી જ હોય છે (5/14). આ ઉપરથી માની શકાય કે પ્રકૃતીને લાગણી જેવું કાંઈ હોતું નથી. પ્રકૃતી ક્રુર પણ નથી અને દયાળુ પણ નથી. To err is human but to forgive is divine એ વાક્યના ઉત્તરાર્ધનો અનુભવ થવો એ ક્યાં તો અકસ્માત છે અથવા ભ્રમણા છે; પણ હકીકત નથી.

ઈચ્છા ધરાવતા ઈશ્વરની કલ્પના કરવાની થયેલી ભુલની ભારે કીમ્મત માણસજાતને ચુકવવી પડી છે. સમાજમાં પ્રવર્તતી માનસીક આળસ(તમસ)ને કારણે અજ્ઞાત પરીબળોથી આવતાં પરીણામોના આવા સરળ ઉકેલો બહુજનસમાજને જચી તો ગયા; પરન્તુ તેથી તેની વીચારવાની શક્તી કુંઠીત થઈ ગઈ. ગુંચવાઈ ગયેલા માનવીમાં અજ્ઞાનતાનો ભય એટલો તો વ્યાપી ગયો કે પોતાના રક્ષણ માટે ઈશ્વરનું શરણું લેવામાં જ જીવનની સલામતી દેખાઈ. આપણા પ્રશ્નોના ઉકેલમાં 'ઈશ્વરેચ્છા જ સર્વોપરી છે' તેવી જે માન્યતા ઈશ્વરવાદીઓએ પ્રચલીત કરી છે, એ માણસજાતના વીકાસમાં મોટામાં મોટી આડખીલી સાબીત થઈ છે; કારણ કે તેનાથી પોતાની આળસ કે ઉણપ ઉપર માણસ આધ્યાત્મીકતાના સોનેરી વાઘા ચડાવી દઈને પ્રશ્નને ઢાંકી દઈ શકે છે; પણ તેથી કાંઈ પ્રશ્ન ઉકેલાતો નથી. આપણા મોટાભાગના ભજનોમાં લઘુતાગ્રંથી, અપરાધભાવ, ભીખારીવેડા, કાકલુદી અને ઈશ્વરની ભાટાઈ જોવા મળે છે તેના મુળમાં ધર્મગુરુઓએ ઉપદેશો મારફત સમાજમાં ફેલાવેલી વ્યક્તીપુજા, અન્ધશ્રદ્ધા, બીનજવાબદારી, ભય, લાલચ અને લાચારી છે.

ધર્મગુરુઓ પણ છેવટે તો માણસો જ છે. પોતાનું અજ્ઞાન છુપાવવા માટે અને સમાજ ઉપર પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવાની લાલસાને કારણે તેમણે ધર્મગ્રંથોની માન્યતાઓને 'અન્તીમ સત્ય' તરીકે ઠસાવી દીધી. આમ થવાથી તેમાં સંશય કરવાની કે ફેરફાર કરવાની મનાઈ થઈ એટલે ધર્મનો વીકાસ રુંધાઈ ગયો; કારણ કે વીકાસ એટલે જ 'યોગ્ય ફેરફાર'. ધર્મનો કુદરત સાથેનો સમ્બન્ધ નબળો પડતો ગયો. ક્ષીણ થઈ ગયેલા ધર્મમાં સડો પેસી ગયો. શ્રદ્ધાનું સ્થાન અન્ધશ્રદ્ધાએ અને ચીન્તનનું સ્થાન ક્રીયાકાંડે લઈ લીધું. 'સત્ય'ને બદલે 'માન્યતા'નો આધાર લેવાને કારણે તે અનેક સમ્પ્રદાયો અને ફીરકાઓમાં વીભાજીત અને વીકૃત થતો ગયો. માનવીની પ્રાણીસહજ વૃત્તીને કારણે કુતરાની ટોળીઓની માફક સમ્પ્રદાયો પણ આપસમાં ઝગડવા માંડ્યા. પોતાનો કક્કો ખરો કરાવવાની લહાયમાં યહુદીઓ, ખ્રીસ્તીઓ અને મુસ્લીમો વચ્ચે થયેલા 'ધર્મયુદ્ધો'માં હજારો માણસો ખપી ગયા અને માણસાઈ હોમાઈ ગઈ. કુદરતી ઘટનાઓ અંગે ધર્મગ્રંથો કરતા જુદો મત ધરાવતા વીજ્ઞાનીઓને યુરોપના ધર્મગુરુઓએ પાપી, શેતાન કે ધર્મનીન્દક ગણાવીને કો'કને જેલમાં નાંખ્યા તો કો'કને મારી નાંખ્યા. પોપે ગૅલીલીયોને કરેલા અન્યાયથી ગૅલીલીયો એકલો જ દુખી થયો હશે; પરન્તુ તેને કારણે વીજ્ઞાનના વીકાસમાં જે કાંઈ વીલમ્બ થયો હશે તેની કીમ્મત તો સમગ્ર માનવજાતને ચુકવવી પડી. અનેક દેવદેવીઓ અને એકથી વધારે ધર્મગ્રંથોની માન્યતાની આડપેદાશના રુપમાં અનાયાસે પાંગરેલી સહીષ્ણુતાને કારણે અન્ય ધર્મો કરતાં હીન્દુ ધર્મ વધારે ઉદાર હોવા છતાં ચાર્વાક નામના રૅશનાલીસ્ટ ઋષીના ગ્રંથોનો નાશ કરવામાં આવ્યો તથા ભારતમાં સ્થાપાયેલો હોવા છતાં બૌદ્ધ ધર્મ ભારતમાં ફાલી ન શક્યો.

માનવીની અદમ્ય જીજ્ઞાશાવૃત્તીને કારણે વીજ્ઞાનનો વીકાસ નીરન્તર થયા જ કર્યો છે. જેમ જેમ વૈજ્ઞાનીક જાણકારી વધતી ગઈ તેમ તેમ વીજ્ઞાનીઓ ઉપરની ધર્મગુરુઓની જોહુકમી ઘટતી ગઈ.વીજ્ઞાનની સીદ્ધીઓથી પ્રભાવીત થયેલા કેટલાક જાગ્રત અને નીખાલસ ધર્મધુરન્ધરો હવે પોતાના સમ્પ્રદાયને વીજ્ઞાન મારફત સમઝાવવાની કોશીશ કરે છે. આ છતાં, ધર્મગ્રંથોને 'સમ્પુર્ણ' માનતા કટ્ટરવાદી ધર્મગુરો વીજ્ઞાનની દરેક સીદ્ધીનો ઉલ્લેખ ધર્મગ્રંથોમાં પણ છે જ એમ લલકારીને મીથ્યાભીમાનમાં રાચે છે. તેમને ઍરોપ્લેનમાં પુષ્પક વીમાન, રેડીયોમાં આકાશવાણી, વર્ચુઅલ રીયાલીટીમાં પાંડવોનો મહેલ, ટૅલીવીઝનમાં સંજયદૃષ્ટી, અણુબોંબમાં બ્રહ્માસ્ત્ર અને હૉવરક્રાફ્ટમાં યુધીષ્ઠરનો રથ દેખાય છે. પછી ભલે જ્યારે પોતે માંદા પડે ત્યારે 'જીર્ણ થયેલા વસ્ત્ર'ને બદલવાને બદલે ઈશ્વરના દુત જેવા લાગતા ડૉક્ટર પાસે વસ્ત્રને થીગડું મરાવવા માટે અનુયાયીઓને દોડાવતા હોય કે ઍરોપ્લેનમાં ઉડીને પરદેશ જતા હોય. તેમના કહેવા પ્રમાણે ઈશ્વર જ તેમને મન્દીરને બદલે હૉસ્પીટલમાં જવાની તથા ડૉક્ટરને ઉપચાર સુઝાડવાની પ્રેરણા આપે છે. સ્વબચાવ માટે ડૉક્ટરો પણ દવા અને દુવાનું ગાણું ગાય છે.

ઈશ્વરના એજન્ટ બની બેઠેલા આધુનીક ભુવા જેવા ધર્મગુરુઓની ચુંગાલમા ફસાઈને સમાજ કેટલો બેવકુફ બની ગયો છે તેનું અનુમાન એક જ દીવસ માટે 'દુધ પીતા ગણેશ'ના વાહીયાત દાવાને અનુમોદન આપનારાની જંગી બહુમતી ઉપરથી આવી શકે તેમ છે. પોતાનું મહત્ત્વ વધારવા માટે તેમણે કેશાકર્ષણની સામાન્ય ભૌતીક ઘટનાને ચમત્કારમાં ખપાવી દીધી અને 'અભણ' સમાજે તેને સ્વીકારી પણ લીધી.(  મારા સાથી ગોવીંદભાઇ મારૂના અભીવ્યક્તીના બ્લોગ પરથી આભાર સાથે)

તા.ક. :

રસ ધરાવનારે લેખકના ઘરે*થી કે GraphonicsE – 214, G.I.D.C. Electronic Estate, Sector – 26, Gandhinagarટૅલીફોન : (079) 29 75 01 43 સરનામેથી 'રૅશનાલીસ્ટની દૃષ્ટીએ ગીતાનો સંદેશપુસ્તીકા મફત મેળવી લેવાની રહેશે.

 

`m�Q0

--
Sent with Mailtrack