Wednesday, January 25, 2017

૬૭માં પ્રજાસત્તાક દીવસની આગલી સાંજે થોડું ચીંતન


૬૭માં પ્રજાસત્તાક દીવસની આગલી સાંજે થોડું ચીંતન 
દેશની લોકશાહી પક્ષસત્તાક કે પ્રજાસત્તાક!
આપણા દેશે લોકશાહી પ્રજાસત્તાક રાજયવ્યવસ્થા પસંદ કરે ૬૬વર્ષ થઇ ગયાં.આ સમય ગાળો કોઇપણ દેશની રાજ્યવ્યવસ્થાના મુલ્યાંકન માટે પુરતો ગણાય.પ્રજાસત્તાકનો સામાન્ય અર્થ એ થાય છે કે આ દેશનું રાજ્યસંચાલન પ્રજા તેમના પ્રતીનીધીઓને ચુંટણી દ્રારા પસંદ કરી ને કરે છે.પ્રજા પોતાના સાર્વભૌમ હક્કનું હસ્તાંતર પોતાના પ્રતીનીધીને ચુંટીને કરે છે. કયા હીત માટે પ્રજા કે નાગરીકો મતદાર તરીકે પોતાની પવીત્ર ને મહામુલ્ય નાગરીક સત્તાનું હસ્તાંતર કરે છે
   માનવજાતના ઇતીહાસમાં લોકશાહી પ્રજાસત્તાક રાજ્યવ્યવસ્થાનો ક્રમશ; જે વીકાસ થયો છે તે રાજાશાહી, ધર્મશાહી, સામંતશાહી ને લશ્કરશાહી રાજ્યવ્યવસ્થાઓના અનુભવો અને પરીણામો ભોગવીને થયો છે. બધીજ વ્યવસ્થાઓ માનવ સર્જીત હતી અને માનવ હીત માટે અસ્તીત્વમાં આવેલી હતી. સમય જતાં આ બધી રાજ્ય વ્યવસ્થાઓમાં તેનો સર્જનહાર જે માનવી હતો તેને બાજુપર મુકીને કાંતો રાજા,પોપ, પુરોહીત, મૌલવી, જમીનદાર કે લશ્કરી સેનાપતી પ્રજાના ખભાપર બેસી ગયો અને પ્રજાને બદલે તેના પોતાના હીતો માટે પ્રજાનું જ સર્વપ્રકારનું શોષણ કરવા માંડયો. સાથે તે બધા લોકો પ્રજાને એવી પ્રતીતી કરાવવામાં સફળ થયા કે તેમના દ્રારા સંચાલીત રાજ્ય વ્યવસ્થા બહુજન સમાજના હીતાર્થે જ છે. આ ઉપરાંત પોતાની યેનકેન પ્રકારે મેળવેલી રાજયસત્તા સામે પ્રજા બળવો ન કરે માટે તમામ પ્રકારના લશ્કરી, હીંસક અને અન્યપ્રકારના સાધનોનો બેફામ ઉપયોગ સદીઓ સુધી કર્યા કર્યો છે.પ્રજાને પોતાની એડી નીચે સર્વપ્રકારે દબાવેલી રાખી હતી. હજુ કેટલાક દેશોમાં આ બધા સ્થાપીત હીતોની સત્તાઓ બેરોકટોક ચાલુ છે.જ્યાં નથી ત્યાં લાવવા માટે સીધા કે આડકતારા પ્રયત્નો આધુનીક સાધનોનો જેવાકે ઇન્ટેરનેટ,ટીવી, ફેસબુક, ટીવ્ટર અને અન્ય પ્રસાર માધ્યમોનો ઉપયોગ કરીને મોટાપાયે લાવવા કોશીષ કરવામાં આવે છે.
અઢારમી સદીના છેલ્લા દસકાઓમાં થયેલ ફ્રાંસની ક્રાંતી સાથે માનવ કેન્દ્રીત રાજ્યવ્યવસ્થાઓના પ્રયોગો શરૂ થયા. રાજ્ય વ્યવસ્થાનું સંચાલન ભગવાન કે તેના પૃથ્વીપરના પ્રતીનીધીઓ માટે નહી, રાજા માટે નહી, કોઇ લશ્કરી સેનાપતી કે જમીનદારના હીતો માટે નહી પણ જીવતા જાગતા સદેહે બે પગથી ચાલતા ફરતા માણસના સુખ, કલ્યાણ માટે રાજ્યવ્યવસ્થા કેવી હોઇ શકે તેના પ્રયોગો નહી પણ મોટા પાયે અમલ શરૂ થયા. લોક માટેની આ રાજ્યવ્યવસ્થા હોવાથી તે લોકશાહી રાજ્યવ્યવસ્થા તરીકે ઓળખાઇ ને વીકાસ પામી.આધુનીક રાજ્યનો વીસ્તાર પ્રાચીન ગ્રીક નગર રાજ્યો( સીટી સ્ટેટસ) કરતાં અનેક ગણો મોટો બની ગયો છે. આધુનીક રાજ્યની લોકહીતાર્થે કરવાના કામોની યાદી ખુબ મોટી બની ગઇ છે. તેમજ આધુનીક રાજ્યની વસ્તી સેંકડો કે હજારોને બદલે લાખ્ખો નહી પણ કરોડોની સંખ્યામાં થઇ ગઇ છે. લોકોનું સીધુ રાજ્યસંચાલન કે સીધી લોકભાગીદારી રાજ્યપ્રથા ને બદલે લોકપ્રતીનીધીવાળી પરોક્ષસ્વરૂપની પ્રજાસત્તાક રાજ્યવ્યવસ્થાઓ વીકસી. નાગરીક તરીકેની લોકોની સાર્વભૌમ સત્તા જે રાજાશાહી, સામંતશાહી કે ધર્મશાહી સામે બળવો કરી મહામહેનતે મેળવેલી તેને પ્રતીનીધી સ્વરૂપની ચુંટણી અને મતદાન પ્રથામાં પરોક્ષ રીતે પોતાના પ્રતીનીધોઓમાં પરીર્વતન થઇ ગઇ. પ્રજાસત્તાકના સાર્વભૌમ સીધ્ધાંતનું હસ્તાંતર પરોક્ષ પ્રતીનીધીવાળી રાજ્યવ્યવસ્થામાં થઇ ગયું.
આધુનીક રાજ્યમાં લોકોની સંખ્યા કરોડોમાં થયેલ હોવાથી રાજ્ય સંચાલન માટે લોકપ્રતીનીધીત્વનો દાવો કરનારા રાજકીય પક્ષો અસ્તીત્વમાં આવ્યા. લોકોએ નાગરીક હીતાર્થે જે રાજ્યસત્તા મેળવી હતી તે પરોક્ષરીતે સાવકાઇથી રાજકીય પક્ષોના પ્રતીનીધીઓમાં રૂપાંતર થઇ ગઇ. સમાંયતરે લોકોના મતથી ચુંટાયેલા લોકપ્રતીનીધો પક્ષપ્રતીનીધો બની ગયા છે. તેમના મુખ્ય કામો લોક હીતાર્થે ને બદલે પક્ષ હીતાર્થે બની ગયા. પેલા લોકશાહીના હીતેચ્છુ અબ્રેહામ લીંકને જે લોકશાહીની વ્યાખ્યા કરી હતી કે " લોકશાહી એટલે લોકો માટે, લોકો દ્રારા ને લોકોના મત વડે સત્તામાં આવે તે લોકશાહી" . હવે લોકશાહી એટલે પક્ષશાહી જે પક્ષ માટે, પક્ષદ્રારા અને ચુંટણીમાં ચુંટણી લડતા બધા ઉમેદવારોમાંથી સૌથી વધારે મત મેળવનાર પક્ષીય ઉમેદવારના સરવાળાથી મેળવેલ પક્ષીય બહુમતીની રાજ્ય સત્તા. લોકશાહીમાં લોકોની સત્તા સર્વોપરી કહેવાય પણ લોકોએ પોતાનો મત, રાજકીય પક્ષોએ પસંદ કરેલા પોતાના ઉમેદવારોમાંથી ગમેતે એક ને જ આપવાનો હોય છે. પક્ષશાહીમાં નાગરીકોને મત આપવાનો અધીકાર છે પણ રાજકીયપક્ષોએ પસંદ કરેલા ઉમેદવારોમાંથીજ. આ ઉમેદવારોની પસંદગી જે તે રાજકીય પક્ષોએ કરેલી હોય છે. નાગરીકોએ નહી. મને અને તમને સૌને ખબર છે કે આ બધા પક્ષીય ઉમેદવારોને રાજકીયપક્ષો તેમની કઇ કઇ લાયકાતોને આધારે પોતાના પક્ષીય ઉમેદવાર તરીકે પસંદ કરે છે. એક જ વાક્યમાં કહેવું હોય તો એમ કહેવાય કે સામન્ય નાગરીકના બધા હીતો બાજુપર મુકીને પોતાના ઉમેદવારને ,જ્ઞાતી,ધર્મ.પૈસા, બાહુબળ,અને પક્ષીય વફાદારી જેવી લાયકાતોને આધારે પસંદ કરવામાં આવે છે. જે રાજકીય પક્ષ અને તેના નેતાઓ નાગરીકોને ઠાલાં વચનો આપીને, આકાશના તારા હાથની હથેળીમાં બતાવી શકે તે પક્ષ રાજકીય સત્તા મેળવી શકે! દર પાંચવર્ષે આવતી ચુંટણીઓમાં દરેક રાજકીય પક્ષ અને તેના નેતાએ મળેલી સત્તા ટકાવી રાખવા વધુ ને વધુ બહેકાવનારા અને લોકરંજન વચનોની લ્હાણી કર્યા સીવાય બીજો કોઇ તેમનો છુટકો નથી.આવી રીતે મહામુલી જે નાગરીક સત્તા મેળવી હતી તે રાજકીય પક્ષોના સ્થાપીત હીતોને ગીરવે મુકાઇ ગઇ છે.
આપણા ૬૭માં પ્રજાસત્તાક દીવસે આપણી સમક્ષ ગંભીર પડકાર ઉભો થયો છે કે કેવી રીતે દેશ ને દુનીયાની લોકશાહી રાજયપ્રથાઓને રાજકીય પક્ષશાહી પ્રથાની પકડોમાંથી છોડાવીને નાગરીક હાથોમાં સલામતરીતે પાછી મુકવી! આપણે એવી વીચારસરણી વીકસાવી પડશે કે જેના મુખ્ય કેન્દ્રમાં કોઇ ધર્મ, પક્ષ, પ્રદેશ કે રાષ્ટ્ર ને બદલે માનવી હોય! માનવી માટે પક્ષ,ધર્મ કે દેશ હોય. પણ માનવીને કોઇ રાજકીય પક્ષો, ધર્મો કે કલ્પીત રાષ્ટ્રીય સામુહીક હીતોના ઝનુન માટે બલી બનવાનો ન હોય! કોઇપણ સામુહીક એકમો સમાજ, કુટુંબ,જ્ઞાતી, ટોળું,રાજકીય પક્ષો, પ્રદેશ કે દેશ વગેરે સુખ કે દુ;ખ અનુભવી શકતા નથી, વીચારી શકતા નથી. આ બધા સામુહીક એકમો અત્યારસુધી એક યા બીજા સ્વરૂપે નક્કી કરતા આવ્યા છે કે માનવી માટે સારૂ શું છે ખોટું શુ છે? ઘણા સામુહીક એકમો જેવા કે ધર્મો, તેમના સંપ્રદાયો, રાજકીય પક્ષો કે તે બધાનું સંચાલન કરતી મુઠઠીભર ટોળકીઓ આજદીન સુધી પોતાના સામુહીક હીતો માટે વ્યક્તીગત નાગરીકોના વીચારો, સંશોધનો અને સત્યોનો બલી વધેરતા આવ્યા છે.આપણી પાસે સવૈજ્ઞાનીક સત્યોને આધારે પુરાવા છે કે માનવી કોઇ ઇશ્વર, અલ્લાહ કે ગોડનું બનાવેલું સર્જન નથી. માનવી પોતે તેની આસપાસ કુદરતી પરીબળોના સંચાલનના નીયમો સમજીને પોતાનું અસ્તીત્વ તેના જેવા અન્ય માનવીઓનો સહકાર મેળવીને ટકાવી રાખતો અને વીકાસ કરતો આવ્યો છે. આપણે સૌ માટે નવેસરથી વીચારવાની જવાબદારી ઉભી થઇ ગઇ છે કે કેવીરીતે પેલી ફ્રાંસની માનવ ક્રાંતીએ આપેલા મુલ્યો ' સ્વતંત્રતા, સમાનતા અને ભાઇચારો( બંધુત્વ)ને આધારે માનવ કેન્દ્રી નવી રાજયવ્યવસ્થા પેદા કરવી જેમાં માનવીનો બલી કોઇ ધર્મ, રાજકીય પક્ષ કે રાષ્ટ્ર ન લેતુ હોય! આપણને ૨૧મી સદીના જ્ઞાન આધારીત માનવીય વારસામાં સંપુર્ણ વીશ્ચાસ હોવો જોઇએ કે વર્તમાનમાં મોટા પાયે ઉપલબ્ધ હાથવગા સાધનોની સરખામણીમાં જયારે માનવી પાસે ઘણા બધા પ્રકારની મર્યાદાઓ હતી તેમ છતાં તે બધા સંઘર્ષોમાથીં બહાર નીકળીને અહીંસુધી આવી શક્યો છે. તો આ રાજકીય પક્ષોની ચુંગાલમાંથી પણ તે ચોક્ક્સ બહાર નીકળી શકશે. દરેક માનવીય ક્રાંતી પોતાની સમસ્યો પ્રમાણે ક્રાંતીના નવા સાધનો અને માર્ગદર્શકો શોધી કાઢે છે. આવી માનવીય શક્તીઓમાં વીશ્વાસ રાખી વર્તમાન પડકારનો રસ્તો શોધી કાઢવામાં જ આપણા સૌનું શ્રેય સમાયેલું છે.

 

--

Monday, January 23, 2017

પોસ્ટ–ટ્રુથ એટલે શું?


પોસ્ટ – ટ્રુથ ( Post –Truth) એટલે વાસ્તવીક સત્યની શહીદી–

સને ૨૦૧૬ની સાલમાં વીશ્વફલક પર રાજકારણમાં એક શબ્દ રમતો થયો છે. ' પોસ્ટ –ટ્રુથ' આ શબ્દનું મહત્વ સમજીને ઓક્ષફ્રર્ડ ડીક્શનેરી તેને લાંબી ચર્ચા, ડીબેટ અને સંશોધન પછી પોતાના નવા શબ્દકોષમાં તેને ઉમેરી લીધો છે.

After much discussion, debate, and research, the Oxford Dictionaries Word of the Year 2016 is post-truth – an adjective defined as 'relating to or denoting circumstances in which objective facts are less influential in shaping public opinion than appeals to emotion and personal belief'.

આ ડીક્ષેનરીના મત પ્રમાણે સંજોગો આધીન પ્રજામતને કેળવવા માટે વાસ્તવીક સત્યોનો આધાર લેવાને બદલે લોકોની લાગણીઓને ઉશ્કેરવી અને પ્રજાની અંગત માન્યતાઓનો આધારે પ્રજામતનો ઉપયોગ રાજકીય સત્તા પ્રાપ્ત કરવા કરવો.  તેનું આત્યંતીક ઉદાહરણ બ્રીટનના દૈનીક ' ધી ઇકોનોમીસ્ટે' જણાવ્યું હતું કે "ઓબામાએ આઇ એસએસ આઇની સ્થાપના કરી હતી; અને જયોર્જ બુશનો જેના સમયમાં ન્યુયોર્કમા વર્લ્ડ ટ્રેડ સેન્ટરની દ્વંશ થયો હતો તેમાં પ્રમુખ બુશનો હાથ હતો.The Economist 

@TheEconomist

Obama founded ISIS. George Bush was behind 9/11. Welcome to post-truth politics http://econ.st/2eCASwE 

4:58 PM - 1 Nov 2016

 

પોસ્ટ –ટ્રુથ એટલે ખરેખર જે સત્ય ન હોય તેને સત્ય જ છે તેવો આભાસ આધુનીક મીડીયા વી સાધનોનો ઉપયોગ કરીને કરવો. તે એક વ્યક્તીગત ઘટના બનવાને બદલે જાણે સમાજનું હીત તેમાં જ છે તેવી રીતે તેનું વ્યવસ્થીત  બજારીકરણ કરી દેવું( માર્કેટીંગ). આ પોસ્ટ–ટ્રુથ પોલીટીક્સ યુગમાં તમને અનુકુળ હોય તે આંકડાઓ સંશોધનો કે તારણો ભેગા કરીને ( to cherry-pick) તમારી ઇચ્છા મુજબનનું તારણ "સત્ય' પોસ્ટ–ટ્રુથ" મેળવી  કોઇપણ પ્રકારના પ્રજામતને તમે તૈયાર કરેલા રાજકીય સત્તા મેળવવાના બીબામાં ઢાળી શકશો.

આ વીશેષણનો ઉપયોગ બ્રીટનમાં  યુરોપીયન કોમન માર્કેટીંગમાંથી નીકળી જવા માટે તૈયાર કરેલ પ્રજામતને ઓળખવા માટે તથા અમેરીકાના ડોનાલ્ડ ટ્રમ્પના ચુંટણીના પરીણામોને સમજાવવા ઉપયોગ થઇ રહ્યો છે.  પોસ્ટ– ટ્રુથ વીશેષણનો અર્થ હવે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સભાનતાને ઉજાગર કરવા મોટાપાયે વપરાઇ રહ્યો છે.

અંગ્રેજીમાં " The Post-truth Era by Ralph Keyes" નામની ચોપડી સને ૨૦૦૪ માં અમેરીકામાં પ્રકાશીત કરવામાં આવી હતી. હવે આ વીશેષણના લક્ષણો ખાસ કોઇ ઘટનાને સમજાવવાથી માંડીને આપણા યુગના સામાન્ય કે જાહેર લક્ષણો સમજાવથી થઇ ગઇ છે.

 

 

 

 

 

 

 

--

Monday, January 2, 2017

હું બોલ બોલ કરૂ એ જ જ્ઞાન બાકીના બીજા બધાનો–– બકવાસ (અજ્ઞાન.)


 હું બોલ બોલ કરૂ  એ જ જ્ઞાન બાકીના બીજા બધાનો–– બકવાસ (અજ્ઞાન.)

સને ૨૦૧૬ની સાલને વૈશ્વીક ફલક પર જોતાં એમ લાગે છે કે જે પ્રજાને તમે સતત તમારા સાચા કે કાલ્પનીક દુશ્મનો બતાવવાના સ્વપ્ના વેચી શકો, તો તમે તે પ્રજા પાસેથી રાજકીય સત્તા સરળતાથી પ્રાપ્ત કરી શકો. શરૂઆત આપણે તાજેતરની અમેરીકાની ચુંટણીથી કરીએ. અમેરીકાની ચુંટણીમાં તે દેશના બધાજ ઓપીનીયન પોલ અને ન્યુઝ મીડીયા ડોનાલ્ડ ટ્રમ્પ ચુંટણી જીતી જશે તેવા પ્રવાહો જોવામાં સરેયામ નીષ્ફળ સાબીત થયા. કોઇને તે દેશમાં અને વીશ્વભરમાં એમ લાગતું  નહોતું કે બૌધ્ધીક રીતે કે અભ્યાસથી હીલેરી કીલટ્ન ચુંટણી હારી જશે. ડોનાલ્ડ ટ્રમ્પે એવાં કયા સ્વપ્નાં પ્રજાને બતાવ્યાં જેથી જે અશક્ય હતું તેને શક્ય બનાવી દીધુ!

ટ્રમ્પે અમેરીકન ગોરી પ્રજાને અને અન્ય સુખી સમૃધ્ધ નીર્વાસીત મતદારો ( જુદાજુદા દેશોમાંથી આવેલા ઇમીગ્રન્ટસ) તેવા અમેરીકન નાગરીકોને બતાવ્યું કે તમારી બેરોજગારી, અસલામતી અને ત્રાસવાદ માટે કોણ કોણ જવાબદાર છે? તેઓએ જણાવ્યું કે દેશની ઉપરમુજબની આંતરીક અસ્થીરતા માટે ગેરકાયદેસર પ્રવેશ પામેલા મેક્ષીકન અને તે દેશ માટે  દરેક આતંકવાદી મુસ્લીમ હોવાથી હું સત્તાપર આવીશ નામે મુસ્લીમને દેશમાં આવવાનો પ્રતીબંધ મુકી દઇશ. દેશમાંથી સ્થળાંતર થયેલા ઉધ્યોગોને પાછા લાવીને નવી મજબુત ઇકોનોમી પેદા કરીશ. મેક્ષીકો અને અમેરીકા વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ જે ફક્ત ૨૫૦૦ માઇલ લાંબી છે તેના પર એટલી ઉંચી દીવાલ ચણી લઇશ કે તેને કુદીને કોઇ આવી ન આવી શકે. બરાક ઓબામાએ ' ઓબામા કેર' નામની જે દરેક અમેરીકન નાગરીક માટેની હેલ્થ કેર ની યોજના મુકી છે તે ભલે બંધારણીય રીતે કાયદેસર હોય તેને બંધ કરી દઇશ!  કારણકે તે ' હેલ્થ કેર' યોજના ચાલે છે સુખી સમૃધ્ધ અમેરીકન કરદાતાઓના પૈસાથી જ. અમેરીકન પ્રજાને ઉપરના સ્વપ્નાને આધારે દેશના દુશ્મન કોણ છે તે ટ્રમ્પ બતાવવામાં સફળ થયા. શું પરીણામ આવ્યું તે આપણને સૌને ખબર છે.

યુરોપમાં યુરોપીયન કોમન માર્કેટ નામની એક રાજકીય આર્થીક સંસ્થાની રચના આશરે ૨૫ વર્ષો પહેલાં કરવામાં આવી હતી. તેમાં યુરોપના ૨૮ દેશો સભ્યો હતા. જેની કુલ બધાજ દેશો મળીને તેની વસ્તી આશરે ૫૦ કરોડની છે. તે એક એવો રાજકીય– આર્થીક સમુહ હતો જેમાં મુક્ત વેપાર, માલ અને મજુરની હેરફેર તેમજ એકબીજા દેશોના નાગરીકો માટે ' નો વીસા' પધ્ધતી અમલમાં મુકવામાં આવી હતી.  તેના ચલણનું નામ 'યુરો' છે. જે ડોલર કે પાઉન્ડની માફક આંતરરાષ્ટ્રીય સ્વીકૃત ચલણ છે. તેના મુખ્ય સભ્યદેશો બ્રીટન, ફ્રાંસ, જર્મની વી છે.

ગ્રેટ બ્રીટન જેમાં ઇગ્લેંડ, વેલ્સ અને આયરલેંડ ત્રણ સમવાયતંત્રવાળા ( ફેડરલ) રાજયો છે તેમાં એવી ચળવળ ઉભી થઇ કે  ઇગ્લેંડની રોજગારી, બેકારી, આતંકવાદ અને અન્ય પ્રશ્નો માટે ઉપરનું  જેનું ટુકું નામ ' ઇ યુ'( યુરોપયન યુનીયન) છે તે જવાબદાર છે. તે જોડાણમાંથી બ્રીટને તેમાંથી નીકળી જવું જોઇએ કે જોડાણ ચાલુ રાખવું જોઇએ તેના પર પ્રજામત ( રફરન્ડમ) લેવાનું બ્રીટીશ સંસદે નકકી કર્યું. ઇગ્લેંડના બોરીસ જહોનસન નામના કેથોલીક ધર્મ અને ચર્ચ પ્રેરીત રૂઢીચુસ્ત પક્ષના લંડનના મેયરે ઇગ્લેંડની પ્રજાને રાષ્ટ્રવાદનો એવો દારૂ પાયો કે તેણે બ્રીટનવાસીઓને બતાવ્યું કે દેશનો દુશ્મન કોણ છે?પ્રજાએ રાજકીય પક્ષોને બાજુ પર મુકીને એકહથ્થુ સત્તાની ખ્વાઇશ ધરાવતા નેતામાં વીશ્વાસ રાખીને લેબરપાર્ટીની બહુમતી ધરાવતા વડાપ્રધાન ક્રેમલીન જે ઇ યુ ના જોડાણનું સમર્થન કરતા હતા તેની વીરૂધ્ધ જનઆદેશ આપ્યો અને ક્રેમલીન હારી ગયા. તેઓને રાજીનામું આપવું પડયું.

ભારતમાં મોદી વડાપ્રધાને સત્તા પ્રાપ્ત કરવા અને હવે ટકાવી રાખવા પ્રજાને જુદા જુદા સમયે પોતાના જુદા જુદા દુશ્મનો બતાવવા પડે છે. હવે નોટબંધીના મુદ્દા આધારીત પોતાની રાજકીય સત્તા ટકાવી રાખવા તેઓએ પ્રજાને નવા દુશ્મનો બતાવ્યા, જેવાંકે કાલાધન, ભ્રષ્ટાચાર, આતંકવાદ પ્રેરીત બનાવટી નોટોની સરહદપારની હેરાફેરી. સંસદમાં પોતાની સ્પષ્ટ અને મોટી બહુમતી છે. નોટબંધીનો મુદ્દો નાણાંકીય, આર્થીક અને કાર્યક્ષેત્રની દ્રષ્ટીએ જોઇએ તો આર બી આઇ અને નાણાંમંત્રાલયનો છે. તમે કયા કારણોસર નોટબંધી લાવ્યા તેની સરળ અને તેમની વાકચાર્તુયથી સંસદમાં પોતાની હકીકત રજુ કરી શક્યા હોત! મુદ્દો આર્થીક અને નાણાંકીય હોવાને નાણાંમંત્રાલયના પ્રધાન અરૂણ જેટલી સાહેબપાસે રજુ કરાવી શક્યા હોત. સંસદીય લોકશાહીમાંતો સત્તાનું વીકેન્દ્રીકરણ તો એક અનીવાર્ય અંતર્ગત  ભાગ છે. બીજું જે વીરોધ પક્ષોની બહુમતી નથી જેમાં કોઇ એકતા નથી તે સમુહ 'મને સંસદમાં બોલવા દેતો નથી' તેવો હુમલો કરવામાં તો તે માહેર જ છે. તેઓને ક્યારે ભુતકળમાં અને ભવીષ્યમાં પણ બંધારણીય માર્ગો દ્રારા પક્ષની અંદર કે સંસદીય પ્રણાલીમાં કામ કરવું ફાવે તેમ જ નથી. દા;ત ૩૧મી ડીસેમ્બરની સાંજે ૫૦ દીવસ પછી પોતાનું તંત્ર નોટબંધીની અસરોમાંથી પ્રજાને મુક્ત કરવા હવે કેશનો પુરવઠો વધારશે, લોકોને પોતાના નાણાં મેળવવા લાઇનોમાંથી ક્યારે મુક્તી મળશે તેના અંગે પોતાના ૪૪ મીનીટના ભાષણમાં એક લીટી પણ બોલવાની  નહી. અને જાણે  સંસદમાં નાણામંત્રી બજેટ રજુ કરતાં હોય તેમ જુદી જુદી યોજનાઓના મણકા મુકવાના. હજુ આ માણસ કોને, કેટલા પ્રમાણમાં અને ક્યાં સુધી ઉલ્લુ બનાવી શકે છે? 'મન કી બાત, મારા એક અબજ અને પચ્ચીસ કરોડ દેશવાસી ભાઇઓ અને બહેનો નામે એક તરફી પોતાને બોલાવાનું અને બીજાએ સાંભળવાનું તેઓને ગમે છે. જે બંધારણની વફાદારીના  સોંગદખાઇને વડાપ્રધાન પદ મેળવ્યું છે તેનાજ નીયમોનું વારંવાર ઉલ્લ્ઘંન કરવાનું તેઓને સરળ થઇ પડયું છે.

 આમ આપણે બધા જોઇ શકીએ છીએ કે અમેરીકા, બ્રીટન, જર્મની,ફ્રાંસ અને ભારતમાં એવા નેતૃત્વનો ઉદય થયો છે જે સંપુર્ણ વ્યક્તી કેન્દ્રીત છે. તે બધાએ પક્ષ. સંસદીય પ્રતીનીધીત્વવાળી ઉદાર લોકશાહી પધ્ધતીને  હોંશીયામાં ધકેલી દઇને  વ્યક્તીકેન્દ્રી રાજકીય સત્તા કબજે કરેલ છે. જેના માઠા પરીણામોથી કોણ અજાણ છે. પરંતુ દરેક દેશની પ્રજાને એમ જ મહેસુસ થાય છે કે આપણું સૌનું કલ્યાણ એક જ તારણહારના ખોળામાં માથું મુકી દેવાથી સલામત છે.આવા નેતાઓનાં મંદીરો ન બને તો જ નવાઇ લાગે!

--