Monday, November 28, 2016

રેશનાલીસ્ટની દ્રષ્ટીએ ધર્મ એટલે શું?


રેશનાલીસ્ટની દ્રષ્ટીએ ધર્મ એટલે શું?

(૧)આ વીશ્વમાં પ્રવર્તમાન કોઇપણ ધાર્મીક ખ્યાલો, વીચારો,વગેરે કોઇ દૈવી, ઇશ્વરી કે આધીભૌતીક પરીબળો દ્રારા માનવીએ ક્યારેય મેળવેલા હોતા નથી. આ બધા ખ્યાલો તે માનવીના મનનું જ સર્જન હોય છે. તે બધાનું સર્જન માનવીની લાગણીઓ,અપેક્ષાઓ કે ખેવનાઓનું પરીણામ જ છે. અવાસ્તવીક કે કાલ્પનીક ધાર્મીક ખ્યાલો અમર્યાદીત, સીમાહીન અને ક્યારેય સંતોષી ન શકાય તેવી લાગણીઓનું સર્જન હોય છે. તે તેની સંતોષાયા વીનાની છુપી કે ઘરબાયેલી અતૃપ્ત ઇચ્છાઓનું પરીણામ હોય છે. લાગણીઓ અને તેને બેફામરીતે વીહાર કરાનારા પરીબળો દ્રારા  આ બધા ધાર્મીક ખ્યાલો, વીચારોને અમર્યાદીત સત્તા મળે છે. આવા કાર્યકારણની શ્રંખલાઓ ધાર્મીક તત્વોનું ( રીલીજીઅસ સબસ્ટન્સ)નું સર્જન કરે છે.

       ખરેખર માનવી, વીજ્ઞાન અને તત્વજ્ઞાનના સહયોગથી તેની લાગણીઓને નીયમન કરનાર પરીબળોની મદદથી સંતોષ મેળવી શકે છે. જયારે વીજ્ઞાન અને તત્વજ્ઞાન માનવીને તેઓના જ્ઞાનથી મદદરૂપ થઇ શકતા નથી, ત્યારે માનવીના મનપર  ઘરબાઇ ગયેલી કે અતૃપ્ત લાગણીઓ કે વાસનાઓ તેના મનનો કબજો લઇને ગુલામ બનાવે છે. તેમાંથી માનવ મન વીકૃત અને અંધશ્રધ્ધાળુ અનુભવો, વીચારો અને સાબીત ન થઇ શકે તેવા તરંગોનું સર્જન કરે છે. જ્યાંસુધી માનવી, આ વીશ્વ અને માનવ શરીરના સંચાલનના પરીબળોને કુદરતી નીયમો ( લોઝ ઓફ નેચર, નોટ સુપર નેચરલ)ને આધારે  સમજવાની ક્ષમતા નહી ધરાવતો હોય ત્યાંસુધી તે પોતાની અંગત અને દુન્યવી સમસ્યો ઉકેલવા દૈવી પરીબળોમાં શ્રધ્ધા ધરાવશે. તેને કારણે તેનું મન અવાસ્તવીક કે કાલ્પનીક જગતમાં રચ્યુપચ્યું રહેશે. તેની આ અવાસ્તવીક કાલ્પનીક વૃત્તીઓને સંગ્રહવાનું કોઇ સ્થળ હોય તો તે ધર્મ છે.

(૨) ધાર્મીક દુનીયા, વાસ્તવીક દુનીયાની સરખામણીમાં જાદુઇ સત્તાઓ કે શક્તીઓથી ભરપુર હોવાનો દાવો કરે છે. તેનામાં શ્રધ્ધા ધરાવનારને ચમત્કારીક પરીણામોના લાભ આપી શકે છે. જે ઇચ્છાઓ વાસ્તવીક વીશ્વમાં અધુરી,અપુર્ણ કે સંતોષયા વીનાની રહે તેને  કાલ્પનીક રીતે સંતોષી શકાય તેવો દાવો ધર્મ અને તેને ટેકેદારો કરતા આવ્યા છે અને હજુ પણ કર્યા કરે છે. મોક્ષ, કાયમી જન્મ–મરણના ચક્રમાંથી મુક્તી, શાશ્વત શાંતી, વગેરે પ્રાપ્ત કરવાના દાવા બધાજ ધર્મો કરે છે. ધર્મના સ્થાપકોનો ધર્મની સ્થાપના પાછળનો મુળ હેતુ જે વાસ્તવીક જીવનમાં શક્ય નથી તે પ્રાપ્ત કરવાનો દાવો કરી તેની પાછળ પોતાના અનુયાઇને સતત દોડતા રાખવા સીવાય બીજો કશો જ હોતો નથી.

(૩) જે માનવીય સદગુણો અને ઇચ્છાઓ માનવી પોતે મેળવી શકે તેમ નથી તે ઇશ્વરના ખ્યાલમાં માનવી પોતે મુકીને તેને સર્વશક્તીમાન બનાવે છે. તેમાં દયા. લાગણી, અન્યો પ્રત્યે અનુકંપા, પીતા કે માતાતુલ્ય વડીલપણું અને અન્ય નેતૃત્વના લક્ષણો દરેક ધર્મના ઇશ્વરમાં આમેજ હોય છે. દૈવી,ચમત્કારીક કે સર્વગુણસંપન્નનો ઇશ્વરનો ખ્યાલ માનવીની માનસીક વીકૃતીનું પરીણામ જ છે. કુદરતી નીયમોના સંચાલનની માહીતીના અજ્ઞાન ને કારણે તે સતત ભ્રમમય જીવન જીવતો હોય છે. અને બીજાઓને તેવું જીવન જીવવવા મજબુર કરે છે. તે બધા દીવાસ્વપ્નોમાં રાચે છે. બધાજ ઇશ્વરી ચીત્રો અને ચરીત્રો માનવીના ચીત્રો કે ચરીત્રોથી બીલકુલ જુદા હોતા નથી.

(૪) જે લોકો પોતાની જાતને અસમર્થ અને અશક્તીશાળી ગણે છે તે બધા સહેલાઇથી ધાર્મીકતાનો ભોગ બને છે. અને બીજાને પણ બનાવે છે. જે લોકો પોતાની પાયાની ભૌતીક સુવીધાઓ પણ ત્યજીને પોતાના સાથી માનવોને સુખી કરવા પ્રેમ ને કરૂણાજનક વ્યવહાર કરે છે તે  બધા ધાર્મીકો  લોકો છે. રેશનલ તત્વજ્ઞાન ધર્મને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવવા માંગે છે.

(૫) વૈજ્ઞાનીક માનવવાદનો મુસદ્દો છે કે, વીજ્ઞાન અને તત્વજ્ઞાનની મદદથી માનવીની બધી સમસ્યો ઉકેલી તેને સુખી બનાવવો છે. માનવીય ગૌરવ સીવાયની કોઇપણ વાત ધર્મ કરતો હોય તો તે બકવાસ (હમબર્ગ) છે. ખરેખરતો ધર્મની બોગસ કે બકવાસભરી વાતોથી માનવીનું અધ:પતન થયું છે. માનવજાતને એવા તત્વજ્ઞાનની તાતી જરૂરીયાત છે જેનાથી તેનું સામાજીક અને રાજકીય જીવન વધારે સક્રીય રીતે સુખી અને સમૃધ્ધ બને. માનવજાતને ધર્મે બતાવેલ મોક્ષ કે મુક્તીની બીલકુલ જરૂરત જ નથી. માનવીની આ ખુબજ ટુંકી જીંદગીને સુખી અને સમૃધ્ધ બનાવવી છે. તેને નથી જોઇતો મોક્ષ કે અમરત્વ. માનવજાતને વધારે ચીંતા મૃત્યુ પહેલાંના જીવનને વધારે પાયાની ભૌતીક જરૂરીયાતોમાંથી મુક્ત કરવું છે. તેને ધર્મના ઉપદેશવાળા મૃત્યુ પછીના જીવનમાં કોઇ રસ નથી.        અમને માનવીઓના પાયાના પ્રશ્નો રોટી,કપડાં મકાન. દવા, શીક્ષણ, રોજગારી વગેરે સહેલાઇથી મળે તેવી રાજકીય, આર્થીક અને સામાજીક વ્યવસ્થામાં રસ છે. અમને ગરીબાઇ અને તેની ક્રુરતામાંથી આઝાદી જોઇએ છીએ. અમને અમારા સ્વજનને શ્રાધ્ધ દ્રારા મોકલેલ અનાજ પાણી તેને મળ્યું કે નહી તે જાણવામાં બીલકુલ રસ નથી. ટુંકમાં અમારે આ વીશ્વની બધી જ વ્યવસ્થાઓને માનવ કેન્દ્રીત ન્યાયી અને પ્રતીબધ્ધ બનાવવી છે. 

--

Friday, November 18, 2016

માનનીય વડાપ્રધાનજી આપના મોઢેં ગરીબોની ચીંતાની વાતો બીલકુલ શોભતી નથી.

માનનીય વડાપ્રધાનજી આપના મોઢેં ગરીબોની ચીંતાની વાતો બીલકુલ શોભતી નથી.

 ઓબામાની મુલાકાત સમયે તમે પહેરેલા તમારા કોટની કીંમત હરાજીમાં ફક્ત ૪,૩૧,૩૧૩૧૧( ચાર કરોડ એકત્રીસ લાખ એકત્રીસ હજાર ત્રણસો અગીયાર હતી.)ની બોલી બોલીને વેચાણ થયું હતું. સુરતના હીરાના વેપારી લાલજીભાઇ તુલસીભાઇ પટેલે હરાજીમાં સૌથી ઉંચી બોલીને ખરીદ્યો હતો. આ પ્રસંગને ગીનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યો છે. જે વીશ્વના કોઇ લોકશાહી દેશના કોઇ વડાપ્રધાન કે રાષ્ટ્રપ્રમુખના કોટની કીંમત ક્યારે ન હતી અને ભવીષ્યમાં ક્યારે નહી હોય. કારણકે તે બધા દેશના વડાઓ આપણા દેશ જેટલા પૈસાદાર ક્યાં છે?

 એ કોટ પહેરતી વખતે તમને ભારત દેશના ગરીબો માટે એક તસુ જેટલી પણ પ્રતીબધ્ધતા હોત તો ( જે પ્રતીબધ્ધતા તમે ગરીબો પ્રત્યે આજે દેખાડવાની કોષીશ કરો છો), તમને દેશના ગરીબોની તેજાબી એસીડ જેવી ગરીબાઇએ સખત રીતે દઝાડયા હોત! ભાઇ! તમે ગાંધીજીની માફક ' નંગા ફકીર' ન બની શકો !  આપનો ડ્રેસ કોડ દેશના સામાન્ય નાગરીક જીવનથી જોજન દુર તો ન હોવો જોઇએ. પણ સાથે  સાથે  અમેરીકાના રાષ્ટ્રપતી અને તમારા મીત્ર 'બરાક  બરાક' સાથે તમે પહેરેલા કોટ–પેન્ટની પેલી ઉભી સોનેરી લીટીઓ જે ટીવી મીડીયા વારંવાર બતાવતા હતા તે દ્શ્ય હજુ અમારા યાદદાસ્તાનમાંથી ભુલાતું નથી. શું આ માણસ દેશના ગરીબ તો ઠીક સામાન્ય નાગરીકનો ક્યારેય હમદર્દ બની શકે?

 તમે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી આજદીન સુધી વડાપ્રધાનના લગભગ અઢી વર્ષના સમયકાળ સાથે તમે  કેટલા જોડી કપડાં પહેર્યા ? તેની પાછળ આજદીન સુધીમાં કેટલો ખર્ચ થયો? તે પ્રમાણીક રીતે જણાવશો તો આનંદ થશે.( ઘણા સમયે,તો અમે  પ્રજા તરીકે એકજ દીવસમાં તમને ત્રણથી,ચારવાર જુદા જુદા ડ્રેસમાં જોયા છે) તેનો પ્રમાણીક જવાબ  ટ્વીટર કે ફેસબુકમાંકે પછી " "મનકી બાત"માં ચોક્કસ જણાવજો. જેથી કરીને 'ગરીબાઇના બેલી' હમદર્દ' તરીકે ઓળખવામાં ભુલ કરતા હોય તો સુધારી લઇએ!.

 

તમારી ફક્ત નહી પણ તમારા પક્ષ, તમારી માતૃસંસ્થા અને તેની બધી કહેવાતી ભગીની સંસ્થાઓનું અસ્તીત્વ અને વીકાસ 'હીંદુત્વ'વાદી અન્યને ધીક્કારતી વીચારસરણીમાંથી પેદા થયેલુ છે. જેમાં ગરીબો, દલીતો, બહેનો અને અન્ય ધર્મીઓનું સ્થાન અને તે બધાની સાથેનો વ્યવહાર બીલકુલ નીમ્નકક્ષાનો અમાનવીય જ છે. તમારા બધાનો રાષ્ટ્રવાદનોખ્યાલ અને વ્યવહાર પણ ઉગ્ર હીંદુત્વની નીપજ છે. હીંદુધર્મની નહી.


--

Wednesday, November 9, 2016

લોકશાહીની ચોથી જાગીર છે– જર્નાલીઝમ. રામનાથ ગોયેન્કા.


લોકશાહીની ચોથી જાગીર છે–  જર્નાલીઝમ. રામનાથ ગોયેન્કા.

પત્રકારીત્વના વ્યવસાયમાં મુખ્ય કામ હોય છે સવાલ પુછવાના.સવાલ કોને પુછી શકાય? જે સત્તાની ખુરશી પર બેઠા છે તેને સવાલ પુછી શકાય.  માટે જ લોકતંત્રમાં પત્રકાર અને સરકારની વચ્ચે કયારેય સારા કે સુમેળ ભર્યા સંબંધો ન હોઇ શકે. બંને વચ્ચે જેટલો ' તું તું મેંમેં' નો સંબંધ એટલું દેશ માટે સારુ. પત્રકારીત્વનો ધંધો એવો છે કે જેમાં તેના સંબંધો રાજકીય પક્ષો જોડે સંપુર્ણ નીરપેક્ષ અને સત્તાની સામેના જ હોવા જોઇએ. સરકાર જ્યારે પોતાની મેળેજ પોતાની  પીઠ ઠાબળતી હોય ત્યારે જર્નાલીસ્ટોએ સરકારના કાન આમળવાના હોય છે.

નવી દીલ્હીમાં બીજી નવેંબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામનાથ ગોયેન્કા પત્રકાર પુરસ્કારની વહેંચણી કરવામાં આવી. જે પત્રકારો બીજેપી વીરુધ્ધ સતત રીપોર્ટીગ કરતા હતા તે બધાને પણ મોદીએ એવોર્ડ આપવા પડયા! તેમાંના એક લેખક અક્ષય મુકુલે મોદીના હાથે એવોર્ડ લેવાની ના પાડી.

 આ કાર્યક્રમમાં વડાપ્રધાનના પ્રવચન પછી આભારવીધી કરવા આવેલા ધી ઇન્ડીયન એકપ્રેસના એડીટર રાજકમલ ઝા ના વીચારો નીચે પ્રમાણે હતા. શ્રી ઝા સાહેબે આ કાર્યક્રમના બાયકોટને બદલે સંવાદનો રસ્તો પસંદ કર્યો.

 બહુત બહુત શુક્રીયા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી જી. આપકી સ્પીચ કે બાદ હમ સ્પીચલેસ હૈ. લેકીન મુઝે આભાર કે સાથ કુછ બાતે કહની હૈ.

આજે અમારા પત્રકાર જગતમાં  ' સેલ્ફી પત્રકાર'ની સંખ્યા વધી ગઇ છે. જે પોતે ખુશ થાય અને બીજાને ખુશ કરે તેવું પત્રકારત્વ કરવામાં આનંદ અનુભવે છે. તે બધાને ઓળખવા સરળ હોય છે. જે બધા પોતાના ચહેરાના જ 'પ્રેમ' માં પડેલા હોય છે. ફોટો પડાવતા સમયે ખાસ ધ્યાન રાખે છે. કેમરો પોતાના મોંઢાની સામે જ રહેવો જોઇએ. તેઓ પોતાના ચહેરા અને પોતાના અવાજના જ પ્રેમ માં પડયા હોય છે. બીજું બધું તેમને મન બકવાસ હોય છે. આ સેલ્ફી પત્રકારીતામાં તમારી પાસે આધારભુત માહીતી નહી હોય તો ચાલશે, ફોટો ફ્રેમમાં એક ઝંડો લગાવી દેવાનો અને પછી બાજુમાં ઉભા રહી જવાનું.

માનનીય પ્રધાનમંત્રીશ્રી, તમે પત્રકારત્વના ક્ષેત્રમાં વીશ્વાસનીયતાની વાત કરી જે અમે તમારા પ્રવચનમાંથી શીખીશું. પણ તમે પત્રકારોની બાબતમાં જે સારી સારી વાતો કરી તેનાથી અમે નર્વસ થઇ ગયા છે. કારણકે, હવે જે વાત કરું છું તે આપશ્રીને વીકીપીડીયામાં નહી મળે.પણ તે વાત હું તમને ઇન્ડીયન એકપ્રેસના એડીટર તરીકેની હૈસીયતથી જવાબદારી સાથે કહું છું " જયારે રામનાથ ગોયેન્કાને એક રાજ્યના મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે તમારો રીપોર્ટર ખુબ સારૂ કામ કરે છે ત્યારે તે સાંભળી ને ગોયેન્કાએ તે રીપોર્ટરને નોકરીમાંથી કાઢી મુક્યો હતો. "

 આ સમયે અમારી પાસે એવોર્ડ માટેની હરીફાઇમાં ૫૬૨ અરજીઓ આવી હતી. જે છેલ્લાં ૧૧ વર્ષોમાં સૌથી વધારે હતી. આ તે લોકો માટે પુરતો જવાબ આપે છે કે  જે એમ દલીલ કરે છે કે ' સારી પત્રકારીતા દેશમાં મરી રહી છે અને પત્રકારોને સરકારે ખરીદી લીધા છે. દેશમાં સારૂ પત્રકારત્વ મરી રહ્યું નથી. પણ વધારે સારી ગુણવત્તાવાળુ બની રહ્યુ છે. એ હકીકત સાચી છે કે ખરાબ પત્રકારત્વ હાલમાં ખુબજ ઘંઘાટ મચાવી રહ્યું છે જે પહેલાંનાપાંચ વર્ષમાં ક્યારેય જોવા મળતું ન હતું.

--

Tuesday, November 8, 2016

શું દેશમાં ઓઝોન લેયર ઓફ લોકશાહી પ્રદુષીત થઇ ગયુ છે?

શું દેશમાં ઓઝોન લેયર ઓફ લોકશાહી પ્રદુષીત થઇ ગયુ છે? ખરેખર તમને નથી લાગતું કે તે પ્રદુષણથી બચવા સામ્યવાદી કમ મુડીવાદી ચાઇનાથી લાખોની સંખ્યામાં માનસ પ્રદુષણ રોકે તેવા માસ લાવવાની તાત્કાલીક જરૂર છે? રાજકીય પક્ષોના નેતાઓ જાતભાતના રાજકીય ફટાકડા ફોડી વાતાવરણ પ્રદુષીત કરતા હોય તો પ્રજા બોમ્બ(!) ફોડી ફેસબુક કે ટીવ્ટર મારફતે બીજે દીવસેનું વાતાવરણ પ્રદુષીત કરે તેમાં પ્રજાનો શું વાંક?  બીજેપી, કોગ્રેસ અને આપ પાર્ટીના દરરોજના  ટીવીના પડદે ફટાકડા યુધ્ધો જોઇને પ્રજા બીચારી ફક્ત ફુલઝરી પકડીને બેસી રહી છે.

દરરોજ રાતના ટીવી પર થતા સામસામી રાજકીય ગનપાવડરના હુમલાથી પ્રજાના બ્રેઇનમા ગાઢુ ધુમ્મ્સ છવાઇ ગયું છે.  જેથી વીવેકપુર્ણ, વૈજ્ઞાનીક ઢબે, તર્કપુર્ણ વાસ્તીકવીક રીતે નીરપેક્ષ વીચારવાનું છોડીને રાજકીય પક્ષો ઇચ્છે તેમ ઘેટાશાહીનો ભોગ બની ગઇ છે. પ્રજા આ મોટા (!) માણસોને પુછે છે કે હે રાજકીય વડીલો, અમારૂ દીવાળીનું પ્રદુષણ વધારે ખરાબ છે કે તમે રોજ રોજ જે અમારા કરવેરાના નાણાંનો ઉપયોગ કરીને જે બકવાસપુર્ણ માહીતી પ્રદુષણ કરો છો તે ખરાબ છે? મને અને તમને નથી લાગતું કે  આ બધા રાજકીય પક્ષોએ પેદા કરેલા અતીશય ઝેરી વાતવરણથી દેશની લોકશાહીનું ઓઝોન પળ જ સાવ ઘટી ગયું છે. જેની ઝેરી અસરોમાંથી બચવું મુશ્કેલ બનતું જાય છે.  


--

શા માટે અક્ષય મુકુલ જર્નાલીસ્ટે નરેન્દ્ર મોદીના હાથે એવોર્ડ લેવાની ના પાડી.


  "  આપ કી તારીફ નહી ચાહીએ સર"! અક્ષય મુકુલ.

  ' મારા ડ્રોઇગરૂમની દીવાલપર મારી ફોટો ફ્રેમમાં મારી સાથે વડાપ્રધાન મોદીનો ફોટો હોઇ શકે તેની હું કલ્પના કરી શકતો નથી.' અક્ષય મુકુલ સીનીયર જર્નાલીસ્ટ ડાઇમ્સ ઓફ ઇંડીયા. ( જેણે મોદીના હાથે ધી રામનાથ ગોયેન્કા એવોર્ડ લેવાનો બાયકોટ કર્યો.)"I Cannot Live With The Idea Of Modi And Me In The Same Frame": Akshaya Mukul Boycotts The Ramnath Goenka Awards. ૨ઘ 2nd November 2016.

અક્ષય મુકુલને 'ગીતા પ્રેસ એન્ડ મેકીંગ ઓફ હીંદુ ઇંડીયા' નામની ચોપડી લખવા મટે સદર એવોર્ડ મળેલો હતો. તે છેલ્લા વીસ કરતાં વધારે વર્ષોથી પત્રકારત્વના ક્ષેત્રે કામ કરી રહ્યા છે.તેઓની આ ચોપડીનું સારત્વ એ છે કે કેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજકારણ 'હીંદુત્વ'નો આધાર સ્તંભ છે. આ ચોપડીની ખુબજ ઉત્સાહપુર્વકની દેશના બૌધ્ધીક જગતમાં સમાલોચના થઇ  છે. પુસ્તકને ટાટા લીટચરેચર એવોર્ડ, બુક ઓફ ધી યર એવોર્ડ,અને અંગ્રેજીમાં પ્રકાશીત બેસ્ટ બેંગલોર લીટરેચર ફેસ્ટીવલ બુક પ્રાઇઝ મળેલ છે. મુકુલભાઇને માટે રામનાથ ગોયેન્કા એવોર્ડનું ખાસ સ્પેશીયલ આકર્ષણ ન હતું. તે  એવોર્ડ જીતવાનો આનંદ હતો પણ તેઓનો પ્રશ્ન હતો ' તે એવોર્ડ વડાપ્રધાનને હાથે લેવાનો હતો. ' હું અને મોદી ફોટાની એક ફ્રેમમાં જીવી શકીએ તેમ હતા જ નહી. હું તેઓની સામે હસતે હસતે એવોર્ડ લઇ શકું તેવી કેમેરા સામેની સ્થીતી જ મને સ્વીકાર્ય નહતી.'

પોતાનો એવોર્ડ મોદીના હાથે અસ્વીકાર કરવાના અભીગમને વ્યાજબી ઠેરવવા માટે  પોતાની હાજરીમાં દીલ્હીની પતીયાલા કોર્ટમાં ફેબ્રુઆરી માસમાં જ્યાં વકીલોએ કાળા કોટના લેબાસમાં ભારતીય જનતા પાર્ટીના ઓ .પી. શર્માની નેતાગીરી નીચે પત્રકારો અને વીધ્યાર્થીઓ પર સખત હુમલો કર્યો હતો, તે યાદ કર્યું. આવો બનાવ પહેલાં ક્યારેય ન થયો હોય તેવો વીરોધ મીડીયા જગતે કરેલો. તમે કલ્પના કરી શકો છો ખરા કે જર્નાલીસ્ટસ બીજેપી ને ટેકો આપે અને અમારો વીરોધ કરે?

ધી રામનાથ ગોયન્કા એવોર્ડ સમીતીના વ્યવસ્થાપકોએ એવોર્ડ વીતરણ સમારંભમાં મોદીને બોલાવવાના નીર્ણયને ઇન્ડીયન એકપ્રેસ દૈનીકના કેટલાક સીનીયર એડીટર્સને પણ વ્યાજબી નહી લાગેલો. મને એક જર્નાલીસ્ટે  જણાવ્યું હતું કે જે મોદી આદેશની પ્રજાનું ધર્મના આધારે ધ્રુવીકરણ કરીને ભાગલા પાડે છે તેના હાથે કેવી રીતે એવોર્ડ વીતરણ થઇ શકે? ટુંકમાં આ નીર્ણય પેપરની તંત્રી બોર્ડ ને બદલે ગોયન્કા એવોર્ડ વ્યવસ્થાપક સમીતી એ કરેલો હતો. સદર સમીતીએ મોદીની તરફેણમાં નીર્ણય લેવા માટે ભુતકાળમાં મનમોહનસીંગ ભુતપુર્વ વડાપ્રધાનથી માંડીને કેટલા બધા રાજકારણીઓને  એવોર્ડ વીતરણ માટે બોલાવ્યા હતા તેનું લાંબુ લીસ્ટ વહીવટ કરતા વૈદેહી ઠાકરે મને મોકલી આપ્યું. તેણીને મેં જણાવ્યું કે મોદી સતત મીડીયા અને અખબારી સ્વાતંત્ર વીરૂધ્ધની નીતી જ પોતાના પક્ષે અમલમાં મુકતા આવ્યા છે. મીડીયાને  હલકુ પાડવાની એક પણ તક ચુકતા નથી. મારી દલીલનો જવાબ આપવાને બદલે તેણીએ ટુંકમાં ફરી કહ્યું કે અમારૂ પેપર મોદી કે સરકારથી બીલકુલ મુક્ત રહીને જ અગાઉની માફક ચાલશે. મોદીના હાથે એવોર્ડ વીતરણથી પેપરની નીતીમાં કઇ ફેર પડશે નહી.

મારૂ ગોયેન્કા એવોર્ડ સમીતીના આયોજકોને કહેવું હતું કે  મોદીના ભારત અને મનમોહનસીંગના ભારત વચ્ચે આસમાન–જમીનનો તફાવત છે. કારણ કે બીજેપી એક પક્ષ તરીકે જે મોદી અને અમીત શાહ દ્રારા સંચાલીત છે તે ફક્ત પોતાની સરકારની તરફેણના સમાચારો પ્રકાશીત કરવા જ ઉદાર છે. દા;ત ૨૦૧૬ના ઓગસ્ટમાસમાં ઇન્ડીયન એક્ષપ્રેસના બે સીનીયર જર્નાલીસ્ટોએ એક સમાચાર મુક્યા હતા કે " બીજેપી પાર્ટીની બંધબારણેની મીટીંગમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે  દલીતો અને બીજી પછાતકોમો પણ રાષ્ટ્રવાદી છે તેથી આપણે, પક્ષ તરીકે તે બધાની સાથે ઘનીષ્ઠ રાજકીય સંબંધ કેળવવો જોઇએ." આ સમાચાર સામે બીજેપીની ખુબજ તીખી પ્રક્રીયા હતી. બીજેપીના ઓફીસ સેક્રેટરી મહેશ પાંડે બે પાનાની પ્રેસ રીલીઝ કરીકે ઇન્ડીયન એક્ષપ્રેસના જર્નાલીસ્ટસની આ સ્ટોરી બનાવટી છે. આ ન્યુઝપેપરનું બેજવાબદાર વલણ છે.ઇન્ડીયન એક્ષપ્રેસ, કોંગ્રેસએન્ડ કેજરીવાલ કુંપનીના મુર્ખાઇ ભરેલા વલણોના ગુનાહીત હાથો બનેલ છે.

વધુમાં શ્રીપાંડેએ આશા સાથે જણાવ્યું હતું કે " સદર ન્યુઝપેપર કાલ્પનીક કથનો પર વાર્તા બનાવવાને બદલે સર્જનાત્મક જર્નાલીઝમનું કર્તવ્ય બજાવશે. સરકાર સામે કાવતરાં કરીને બદનામ કરવાનું અધમ કે પાપી (નીફેરીયસ) કામ કરવાનું બંધ કરે; નકારાત્મક વીરોધ કરવાનું કામ બંધ કરે." આવી પ્રેસ રીલીઝ  ઇન્ડીયન એક્ષપ્રેસ ' જાહેર માફી માંગે' (પબ્લીક એપોલોજી) તેવી શ્રી પાંડેએ દેશના જુદાજુદા ન્યુઝ પ્રસારીત કરતી સંસ્થાઓને મોકલી આપી હતી. ઉપરની પ્રેસ રીલીઝનો ગર્ભીત કે છુપો સંદેશો(સબટેક્ષ્ટ) સ્પષ્ટ હતો; " દેશના વડાપ્રધાનને ગમેતેવું પ્રકાશન તે સારા જર્નાલીઝમનું લક્ષણ છે." સત્તાપક્ષને કોઇપણ આધારભુત રીપોર્ટીંગ પ્રત્યે ધીક્કાર, કે ધૃણા ( ડીસડેઇન ફોર સોર્સબેઝ્ડ રીપોર્ટીંગ) છે. આ સંદેશો પેલી ન્યુઝ સંદેશાં પ્રકાશીત કરતી સંસ્થાઓ માટે છે જે  મોદીને થોડીક ન ગમતી કે ચીઢ ચઢાવતી ( ટુ બી એન ઇન્ટ્રીગલ પાર્ટ ઓફ મોડીંઝ પેટ પીવ) વૃતીનો અંર્તગત ભાગ છે.

ન્યુ દીલ્હીમાં વડાપ્રધાનની દ્રષ્ટીએ "એક વૈચારીક કુડો–કચરો ભેગો થયેલો વીસ્તાર ( આઇડીઓલોજીકલ ડમ્પ યાર્ડ) છે. જે દીલ્હીના હ્રદય સમાન વીસ્તારમાં આવેલો છે. જેને તેઓ 'લ્યુટેન દીલ્હી' તરીકે ઓળખાવે છે. જ્યાં મોદી વીરોધી ( એન્ટી મોદી) બુમરાણ કરવાળા અંગ્રેજી મીડીયાવાળી પ્રેસ આવેલી છે. ( ભાવાનુવાદકની નોંધ– લ્યુટેન દીલ્હી વીસ્તાર ન્યુ દીલ્હીમાં આવેલો છે. એડવીન લ્યુટેન(1869-1944) નામના બ્રીટીશ આર્કીટેક્ચરેએ સને ૧૯૨૦ થી ૧૯૩૦ આ વીસ્તારની આર્કીટેક્ચરલ ડીઝાઇન, પ્લાનનીંગ કરી અને તેમાં બીલ્ડીંગો બાંધ્યા હતા. આ વીસ્તારમાં મોદી સાહેબનું ૮, લોક કલ્યાણ ભવન, ભુતપુર્વ વડાપ્રધાન મનમોહન સીંગ અને રાષ્ટ્રપતી પ્રણવ મુકરજીનું નીવાસ સ્થાન પણ આવેલ છે.તેનો સમગ્ર વીસ્તાર ૨૬ કીલોમીટર્સ છે જેમાં આશરે ૨૫૫ એકરમાં ખાનગી માલીકીની મીલકતો છે Lutyens Bungalow Zone (LBZ. તરીકે ઓળખાય છે.) આ ટોળાએ મોદીના ગુજરાતી પુરોગામીઓ મોરારજીભાઇ દેસાઇ અને સરદાર પટેલ જેવાઓની પણ ટીકા કરી હતી.

મોદી અને ઇન્ડીયન એક્ષપ્રેસ વચ્ચે મુળભુત તફાવત હોય તો તે 'મુક્ત–વકતવ્ય કે 'ફ્રી –સ્પીચ'ના મુદ્દે છે. ઇન્ડીયન એક્ષપ્રેસનો વારસો બીલકુલ કોઇની પણ શેહશરમ રાખ્યા સીવાય ( દેશના સત્તાપક્ષની તો ખાસ) નીર્ભય સત્યો  રજુ કરવાનો છે. પોતાના સમગ્ર પત્રકારત્વના વારસામાં આ પેપરે મે ૨૦૧૪માં દીલ્હીમાં મોદીસરકારના સત્તાગ્રહણ પછીના બે વર્ષોમાં ઉત્તરપ્રદેશ અને બીહારમાં જે કોમી તનાવની સ્થીતીમાં સતત વધારો થતો ગયો છે તે બધુ સતત પ્રકાશીત કરીને પેલા જુના વારસાના મુડીમાં વધારો કર્યો છે. આ ઉપરાંત તેના ઇનવેસ્ટીગેટીંગ જર્નાલીઝમના ભાગ તરીકે 'પનામા પેપર્સ, એક લાખ કરોડનું બેંકોના જે બાકીદારો હતા તેનું દેવું જે સને ૨૦૧૩થી ૨૦૧૫માં પેદા થયેલું તે માફ કર્યું. આ ઉપરાંત ૧૮મી સપ્ટેમ્બરનો ઉરી હુમલો, સર્જીકલસ્ટ્રાઇક વગેરે મુદ્દે સરકારી લાઇનની સામે તાર્કીક અને વાસ્તીક મુલ્યાંકનોએ સરકારી પક્ષની ઉંઘ હરામ કરી છે.

આવા ઇન્ડીયન એક્ષપ્રેસ સામે એક રાજકારણી જેનો મુક્ત પ્રેસ– મીડીયા સામેની ઘૃણા, અવજ્ઞા કે તીરસ્કાર એ સર્વસ્વીકૃત હકીકત બની ગઇ છે. તે મીડીયા વગેરેને બઝારૂ, બીકાઉ, વેચાઇ ગયેલો ગણે છે. મોદીએ વારંવાર દેશના મીડીયાને પોતાના નીયંત્રણ હેઠળ લાવવા સાચા અને ખોટા સાધનો( થ્રુ મીન્સ ફેર એન્ડ ફાઉલ)દ્રારા પ્રયત્ન કરેલ છે. આ મુદ્દે તેઓનું મુખ્ય પણ ખુબજ પસંદ અને અસરકારક સાધન હોય તો તે છે અપ્રાપ્યતા અને અગમ્યતા (ઇનૅડસેબીલીટી). સૌ પ્રથમ તો વડાપ્રધાન અખબારી જગત અને મીડીયાના લોકો પાસેથી પ્રશ્નો લેતાજ નથી. કદાચ તે પ્રશ્નો લેવાનું નક્કી કરે તો પસંદ કરેલા પત્રકારો ( હેંડ–પીક્ડ જર્નાલીસ્ટ) પાસેથી અને તે પણ પોતે માન્ય કરેલા પ્રશ્નો માંથી જ પુછવાના !  એક વરીષ્ઠ બીજેપીના ટેલીવીઝન રીપોર્ટરે મને કહ્યું કે " માહીતીનો પ્રવાહ એક તરફી ઉપરથી નીચે વહે છે( વનવે– ટોપ– ડાઉન).  ઉત્તરપ્રદેશના વડાપ્રધાનના ચુંટણી પ્રચારની વીગતો જેવી જગજાહેર સામાન્ય બાબત પણ બીજેપી પાર્ટી કે આર આર એસ તરફથી જ જાહેર થાય છે. કશું જ વડાપ્રધાન કાર્યાલય તરફથી બહાર પાડવામાં આવતું નથી.

સમગ્ર દેશમાં બીજેપી સંચાલીત રાજ્યો સહીત મીડીયાના વાસ્તવીક સમાચારો પ્રસાર કરવાના અધીકાર ઉપર સતત હુમલા કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષોમાં સરકારી આંકડાઓ અને સીધ્ધીઓ પર મુલ્યાંકન કરનાર ખબરપત્રીઓ તથા પેપરોને રાષ્ટ્રદ્રોહીનું લેબલ લગાડવામાં આવે છે.મોદીના વડાપ્રધાનપદ ગ્રહણ કર્યા પછી દેશમાં કોઇપણ પ્રકારના વીરોધ સામે અસહીષ્ણુ સંસ્કૃતીના ચીન્હો વધી ગયા છે. 'હુત' ( Hoot)નામની દેશમાં સ્વતંત્ર મીડીયાની તરફેણમાં કામ કરનારી સંસ્થાએ પોતાની વેબસાઇટ પર મે ૨૦૧૬માં રીપોર્ટ કર્યો હતો કે ' આ વર્ષના જાન્યુઆરીથી એપ્રીલમાસ સુધીમાં ઇન્ડીયન પ્રેસના સભ્યો પર ૨૨ વાર હુમલા કરવામાં આવ્યા છે. આ હુમલાઓ સૌથી વધારે છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ અને તામીલનાડુમાં થયા છે. બીજેપીને કેટલો બધો નગ્ન, ખુલ્લો ધીક્કાર, તીસ્કાર કે ઘૃણા પ્રેસ અને મીડીયા સામે છે તે તમે તેમના વહીવટના છત્તીસગઢમાં જોઇ શકો છો. સદર રાજ્યતંત્રની રહેમ નજર નીચે પોલીસ તંત્ર દ્રારા બૌધ્ધીકો,માનવ અધીકારવાળા કર્મનીષ્ઠો અને જર્નાલીસ્ટોની રાષ્ટ્ર–વીરોધી જાહેર કરીને તેમની નનામી બાળી હતી.

આપણો દેશ 'વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્ષ' ના તારણો પ્રમાણે નીચેથી શરૂ કરીએ તો ૧૮૦ દેશોમાંથી ૧૩૩ના નંબરે આવે છે. દેશનો નંબર સેન્ટ્રલ આફ્રીકા અને કોંગોથી પણ પાછળ છે. ' વર્લ્ડ વીધાઉટ બોર્ડર્સ' નામની આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતી બીનધંધાકીય નોન પ્રોફીટ સંસ્થાએ ઉપરના તારણો કાઢેલ છે. આ રીપોર્ટ સામે રાષ્ટ્રપ્રેમીઓ એવું કહે છે કે પાકીસ્તાન કરતાં અખબારી આઝાદીની સ્થીતી ભારતમાં ઘણી સારી છે. પણ પેલા વેશ્વીક રીપોર્ટે જણાવ્યું છે કે " દેશમાં જર્નાલીસ્ટસ અને બ્લોગર્સ ઉપર જુદા જુદા ધાર્મીક જુથો દ્રારા સતત હુમલા કરવામાં આવે છે. તે બધાને બોલતા બંધ કરી દેવામાં આવે છે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ બાબતે ઉદાસીનતા કે દુર્લક્ષ સેવે છે. તેઓના તરફથી જર્નાલીસ્ટોની સુરક્ષા માટે કોઇ તાંત્રીક વ્યવસ્થા રચવામાં આવેલી નથી."

આ બધામાં દુ;ખદ અને આઘાતજનક હકીકત છે ' લઘુમતી કોમના પત્રકારોને લક્ષ્યાંક બનાવીને કરવામાં આવતા હુમલા'. સંઘપરીવાર દ્રારા સતત પેદા કરવામાં આવતા કોમીતનાવના વાતાવરણને કારણે લઘુમતીકોમના પત્રકારો માટે સલામતી સાથે પોતાનું વ્યવસાઇ કામ કરવું લગભલ અશક્ય થઇ ગયું છે. દા;ત જોસી જોસેફ, જે  નેશનલ સીક્યોરીટી એડીટર ઓફ હીંદુ છે તેઓ એ 'ડીજીટલ ન્યુઝપ્લેટફોર્મ સ્ક્રોરોલ' ને જણાવ્યું કે " જ્યારે હું મનમોહન સીંઘની સરકાર સામે માહીતીઓ તૈયાર કરી પેપરમાં મોકલતો હતો ત્યારે મારાપર કોઇ આક્ષેપ મુકતું ન હતું કે હું બીજેપી, વીરોધપક્ષ, સામ્યવાદી પક્ષનો માણસ છું. કે પછી ખ્રીસ્તી છું. આજે જ્યારે સરકાર સામે સમાચાર તૈયાર કરી મોકલું છું ત્યારે મારા પર આક્ષેપો કરવામાં આવે છે કે 'હું ખ્રીસ્તી છું, ઇટાલીના વેટીકન ચર્ચે મોકલેલો સોનીયા ગાંધીનો એજંટ છું.' જોસેફ સાથે ' ' હીંદુ દૈનીક'માં કામ કરતા બીજા પત્રકાર મોહમ્દ અલીએ તેને જણાવ્યું હતું કે યુપીએ સરકારના ગાળામાં રીપોર્ટીંગના સમયે કોઇએ મારી ધાર્મીક કે અન્ય ઓળખ વીષે ક્યારે પુછયું ન હતું કે ટીકા પણ કરી ન હતી. અત્યારે તો સમય ખુબજ ખરાબ આવી ગયો છે. જ્યારે જ્યારે મારી સ્ટોરી ન્યુઝ બીજેપી કે  તેના ટેકાવાળાની વીરૂધ્ધ પ્રકાશીત થાય છે ત્યારે તરતજ તે બધા મારી મુસ્લીમ ઓળખને આધારે મારા લખાણો અંગે અભીપ્રાય આપે છે.

ભાઇ અલી દાદરીના મોહમંદ અખલખ ઉપર એક ચોપડી લખે છે. તે માટે તે ગામમાં જેઓ હુમલામા ભાગીદાર હતા કે સાક્ષી હતા તે બધાનો ઇન્ટરવ્યુ લેતા હતા. વાતો વાતોમાં સમય જતાં અલીને લાગ્યું કે તેણે આ બધીનો વીશ્વાસ મેળવી લીધો છે. તેથી તેની ઓળખ માટે એક ઉંમરલાયક સ્રીએ પ્રશ્ન પુછયો. તેણે જવાબમાં મુસલમાન જણાવ્યું. તરતજ પેલી સ્રીએ સુન્ન્ત કરાયેલ મુસ્લીમો માટે જે અપમાનજનક શબ્દ હીંદીમાં વાપરવામાં આવે છે તે શબ્દ વાપર્યો. અલીએ પોતાનો ઇન્ટરવ્યુ તરતજ બંધ કરી અને બહાનું કાઢી ઝડપથી દાદરી ગામ છોડી દીધું.

ઉપરની સ્ટોરીને પણ જર્નાલીસ્ટોને પેપરમાં નૈતીક રીતે હીંમતથી રજુ કરતાં વીચાર કરવો પડે છે. અક્ષય મુકુલ જેવા પત્રકારના વીચારોને ખુલ્લો ટેકો આપતાં અમારૂ જગત ગભરાય છે. પોતાની નોકરી ગુમાવવાનો ભય તેમના મનમાં છે. જે લોકો અક્ષય મુકુલના વડાપ્રધાનના હસ્તક એવોર્ડ નહી લેવાના પગલાનો વીરોધ કરે છે તેબધાની દલીલ છે કે આ તો જબ્બરજસ્ત લોકોચુકાદાથી ચુંટાયેલ વડાપ્રધાન છે તેઓની ખફામરજી એટલે તેમના વર્તમાન શાસન સામે નારાજગી વ્યક્ત કરવી જે સારી નહી ! આતો મોદીની દેશના મીડીયા જગતના મોઢે કેવી રીતે ડુચો મારી દેવો તેની આયોજનપુર્વકની નીતી છે. જેના દેશના બહુમતી લોકો ભોગ બની જઇને મોદી ભક્ત બની ગયા છે. આ બધા દરમ્યાન અક્ષય મુકુલને ઇન્ડીયન એક્ષપ્રેસના એવોર્ડ આયોજકો અને તેના વડીલો ( હીઝ પીયર્સ) તરફથી સખત માનસીક  દબાણ એવોર્ડ લેવા માટે  ઉભું કરવામાં આવ્યું હતું. તે એવોર્ડ સેરીમની  મુકુલની ગેરહાજરીમાં પુરી થઇ તેની તેને હાશ થઇ.અને છેલ્લ્ તે બોલ્યો "મારા નીર્ણયના પરીણામોથી હું બીલકુલ ગભરાતો નથી." મુળ લેખક સંદીપ ભુશન ( જે છેલ્લા વીસ વર્ષોથી ટેલીવીઝન જર્નાલીસ્ટ હતા હાલમાં સ્વતંત્ર મીડીયા રીસર્ચર છે.) ભાવાનુવાદક ( બીપીન શ્રોફ.) બાજુવાળો ફોટો અક્ષય મુકુલનો છે.

--

Wednesday, November 2, 2016

પહેલાંના બાલ ઠાકરે અને આજના રાજઠાકરેની ડાંડાઇને કેવી રીતે નાથી શકાય? –જુલીયો રીબેરો.


પહેલાંના બાલ ઠાકરે અને આજના રાજઠાકરેની ડાંડાઇને કેવી રીતે નાથી શકાય?  –જુલીયો રીબેરો.

(નીવૃત્ત આઇ પી એસ ઓફીસર, ભુતપુર્વ પોલીસ કમીશ્નર, મુંબઇ, ગુજરાત અને પંજાબ.)

તાજેતરમાં પાકીસ્તાની કલાકારવાળી કરણ જોહરની ફીલ્મ ' એ દીલ હૈ મુશ્કીલ' સામે રાજ ઠાકરે એ આપેલી ધમકી સામે મહારાષ્ટ્ર રાજયના યુવાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનાવીસે જે રીતે દલાલ હોય તેમ મધ્યસ્થી રહીને ઉકેલ લાવ્યા; તેથી તેઓની આબરૂ વધી નથી. મને તો તેઓના વર્તનથી ખુબજ આઘાત લાગ્યો છે. મહારાષ્ટ્રમાં બીજેપી સાથે રાજઠાકરેના મહારાષ્ટ્ર નવનીર્માણ સેનાનું એક રાજકીય પક્ષ તરીકે જોડાણ છે. તેમ છતાં છાશવારે  રાજઠાકરે નાનામોટા મુદ્દા ઉભા કરીને ધમકીઓ આપ્યા જ કરે છે. બાલ ઠાકરેના સમયથી તેઓનો પક્ષ આવી ઉગ્ર પ્રાદેશીક અને રાષ્ટ્રવાદના નામે ધમકીઓ આપીને જ પોતાનું રાજકીય અસ્તીતવ ટકાવી રાખતો આવ્યો છે. શીવ સેનાની બીજી કોઇ રાજકારણમાં વૈચારીક મુડી નથી. મારા મત મુજબ રાજઠાકરેને તેના ફસાઇ ગયેલા બનાવટી ધમકીરૂપ 'રાજકીય હુક' માંથી બહાર કાઢવામાં આ મુખ્યમંત્રીએ કોઇશાણપણ બતાવ્યું નથી. આવા સમાધાનમાં તેઓની કોઇ રાજકીય પરીપક્વતાના દર્શન પણ થતાં નથી. મુંબઇની પોલીસે ખુબજ ગણતરીપુર્વકનો નીર્ણય કર્યો હતો. જેવો કે  રાજઠાકરેના અગત્યના વીકેન્દ્રીત પદાધીકારીઓની (મેઇન લેફ્ટેનન્ટસ) રાતોરાત ધરપકડ કરીને તેની પાંખોને મજબુત પકડમાં લઇને  રફે તફે કરી નાંખવાની હતી. જયાંસુધી કરણ જોહરની ફીલ્મ આ ઓકટોબર માસના અંત સુધીમાં રીલીઝ ન થઇ જાય ત્યાં સુધી શીવસેનાના તોફાની શાખા પ્રમુખોને ( સ્ટ્રોમ ટ્રપુર્સ) ધરપકડ કરીને બહારની કોઇ જેલમાં મોકલી દેવાના હતા. તેથી રાજઠાકરેની ફીલ્મની રીલીઝ થવાની પ્રક્રીયામાં 'રોડા નાંખવાની ધમકીને' લગભગ અટકાવી શકાઇ હોત.

 હું મુંબઇના ૧૯૮૪ના કોમી તોફાનો સમયે મુંબઇનો પોલીસ કમીશ્નર હતો. તેની મને યાદ તાજી થાય છે. મુંબઇ લશ્કરને હવાલે સોંપી દેવામાં આવ્યું હતું. તેમ છતાં મુંબઇમાં ખુનામરકી,લુંટ અને ટોળાએ નક્કી કરેલી મીલ્કતોની આગજની ચાલુ  હતી. તે સમયે વસંતદાદા પાટીલની સરકારે મુંબઇ શીવસેનાના એકાવન શાખાપ્રમુખોને તાત્કાલીક અટકાયતમાં લેવાનો દ્રઢ રાજકીય ઇચ્છાશક્તીથી નીર્ણય કર્યો. આ બધા બાલઠાકરેના બાહુબલીઓ( મસલ્સ પાવરમેન) હતા જે બધાના દાદાગીરી ભરેલા કૃત્યો પર બાલઠાકરેની અને હવે રાજઠાકરેની રાજકીય જીંદગી આધારીત છે.

આવા સંજોગોમાં એક સાંજે મેં પોલીસ કમીશ્નર તરીકે મારા અધીકૃત ક્ષેત્રના સબઇન્સપેક્ટરોને હુકમ કરીને બોલાવ્યા અને તેમને શીવસેનાના તોફાન કર્તાઓના લીસ્ટની યાદી આપી દીધી.  જે બધાની કાયદો અને શાંતી જાળવવા માટે આગોતરી ધરપકડ કરવી અનીવાર્ય હતી. " તમારામાંથી કોઇપણ સદર હુકમના પાલનમાં નીષ્ફળ, ગાફેલ કે ઢીલાશ કરશે તો તેનાં બુરા પરીણામો જે તે અધીકારીએ ભોગવવાં પડશે." એકાવન શાખાપ્રમુખોમાંથી એક સીવાય બધાજ પોલીસ લોકઅપમાં આવી ગયા હતા. બીજે દીવસે બાલઠાકરે વસંતદાદા પાટીલનો પગ પકડતો ને પોતાની વફાદાર ટોળકીને છોડાવવા માટે આજીજી કરતો આવી ગયો.

 અમે શું કામ કર્યું? અમે શીવસેના પ્રમુખ બાલઠાકરેને પકડયા જ નહી. તેની ચંડાળ ચોકડી જે મનોહર જોષી દ્રારા સંચાલીત હતી તેને પણ અડક્યા નહી. કારણકે તે બધા સુખી મધ્યમ વર્ગના ( White collar gentry) સમાજમાંથી આવતા હતા. જે બધાની મજુર વર્ગના ગુંડા તત્વો પાસેથી આવું ઉશ્કેરણીજનક કામ લેવાની 'કુશળતા' જ નહતી. આ બધામાંથી ખાસ કરીને બાલ ઠાકરે ની ધરપકડ કરી હોત તો પેલા શાખાપ્રમુખોએ પોતાની કુશળતાથી ટોળાઓ પાસેથી હીંસાત્મક ધાંધલ ધમાલ કરાવી શક્યા હોત! અમારી આવી વ્યુહ રચનાથી મુંબઇની શેરીઓમાં સવેળાએ શાંતી સ્થપાઇ ગઇ.

મુંબઇના વર્તમાન ચીફ ઓફીસર દત્તાત્રય પેદસાલગીકર સ્વાભાવીક રીતે અમારી સફળ થયેલ આ વ્યુહ રચના પર જ કામ કરવા માંગતા હતા. ત્યાં અધવચ્ચેથી જ જાહેરાત કરવામાં આવી કે ભાજપના મુખ્યમંત્રીએ ફીલ્મ ઉત્પાદક અને રાજઠાકરે વચ્ચે દલાલી કરીને શાંતી વેચાતી(Brokered Peace) મેળવી લીધી છે. રીબેરો કહે છે કે મને સમજણ પડતી નથી કેમ મુખ્યમંત્રી આવા કામમાં વચ્ચે પડયા! કારણકે કરણ જોહર અને તેના જેવા મુંબઇના ફીલ્મ પ્રોડયુર્સસ વર્ષોથી સારી રીતે જાણે છે કે મહારાષ્ટ્ર નવનીર્માણ સેના પ્રમુખ રાજઠાકરે જેવા સાથે પનારો કેવી રીતે પાડવો?

મુખ્યમંત્રી તો રાજયસત્તાનો સ્રોત છે. તેઓને તે સત્તા દ્રારા રાજય સંચાલન કરવાનો લોકપરવાનો મળેલ છે. તેઓએ તો ખરેખર જેમ સને ૧૯૮૪માં વસંતદાદા પાટીલે શહેરની કાયદો અને વ્યવસ્થા જાળવવા મને સંપુર્ણ ટેકો આપી મારી પડખે ઉભા રહ્યા હતા તેવું કામ કરવાની જરૂરત હતી. રાજઠાકરે ફક્ત શેખીબાજ છે તે સાબીત કરવાનો અનોખો રાજકીય મોકો મુખ્યમંત્રી પાસે હતો. કયા કારણોસર આવી સરસ રાજકીય તક તેઓએ ગુમાવી તે સમજણ પડતી નથી. આવા તત્વો સામે કેવીરીતે શરણાગતી( Capitulated) કે હાર રાજયના સર્વોચ્ચ સત્તાધીશ સ્વીકારે? મને તો તેની પાછળ રાજકીય છળકપટ કે ગુપ્ત( Chicanery) વ્યવહારની બદબુ આવે છે. મુખ્યમંત્રીના આવા કૃત્યથી તેમની પાર્ટીની આબરૂ વધવાને બદલે ઘટી છે. અરે તેથી તો રાજયસત્તાની સર્વોપરીતા, કાર્યક્ષમતા અને કાયદેસરતા લોકોમાં બીલકુલ રહી જ નહી.

દેશના સામાન્ય માણસને એવી પ્રતીતી થવા માંડી છે કે આ રાજય સત્તાને ધમકી આપીને જેમ વાળવુ; કે દબાવવું હોય તેમ દબાવી શકાય તેમ છે. જેથી કાયદાના શાસનનો મરજી મુજબ ક્ષુલ્લક હેતુઓ માટે પણ ઉપયોગ થઇ શકે છે. રાજઠાકરે અધમકક્ષાની ગુનાહીત પ્રવૃત્તીઓમાં સતત સંડોવાયેલા છે; જેવીકે ચુંટણીના મતદાર બુથો સળગાવવા, અને તેઓની માંગણીઓ જે સરકારી ખાતાં ન સ્વીકારે તેના પર પથ્થર મારો કરાવવો વગેરે.

તાજેતરમાં ગોકુળષ્ટમીના દીવસે દેશની સર્વોચ્ચ અદાલતે 'ગોવીંદાઆલા' પીરામીડની ઉંચાઇ કેટલી રાખવી તેના માટેનો જાહેર હીતમાં ચુકાદો આપ્યો હતો. બંને ઠાકરભાઇઓએ, રાજઠાકરે ને ઉધ્ધવ ઠાકરે એ જાહેર કર્યું કે તેઓ સુપ્રીમ કોર્ટના સદર ચુકાદાનું ઉલ્લંઘન કરશે. તેને બદલે તે બંને એ સુપ્રીમ કોર્ટમાં ફેરવીચારણા માટેની ' રીવીઝન અપીલ કરી શક્યા હોત!

દેશમાં આવો કાયદો હાથમાં લેવાની પ્રવૃત્તીઓ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું છડેચોક ઉલ્લંઘન કરવાની પ્રવૃત્તીઓ વધતી જશે તો ભારતીય રાજય એ સત્તાધીશ રાજય તરીકે કામ કરતું જ બંધ થઇ જશે. વીશ્વ અને દેશના ઉધ્યોગપતીઓ જયાં કાયદાના શાસનનું મોટે પાયે સતત ધોવાણ થતું  હોય તે દેશમાં મુડીરોકાણ કોણ કરશે? વીશ્વફલકપર બીઝનેશ ગુરૂ બનવાનાનાં સ્વપ્નાં કયાંય હવામાં રાખ બની ફંગોળાઇ જશે! રાજઠાકરે જેવા રાજકીય પરીબળોને મહત્વ આપતાં મહારાષ્ટ્ર અને દેશના રાજકીય નેતાઓએ ગંભીર રીતે વીચાર કરવો જોઇએ.

        આ સમગ્ર પ્રકરણમાં બે મહત્વની વ્યક્તીઓ કે રાજકીય નેતાઓની સંડોવણી નકારી શકાય તેમ નથી. એક તો જુવાન મુખ્યમંત્રીની. જેનું રાજકીય ભવીષ્ય વધારે ઉજળું છે, તે પ્રમાણીક છે અને ગુણવત્તાપર નીર્ણય કરવાની કાબેલીયાત ધરાવે છે. પરંતુ આજ નેતાને  જો કોઇ બાહુબળના આધારે નમાવી શકે તો તે પ્રમાણે ઝુકી જવું એ તો મારા મત મુજબ રાજકીય આપઘાતને સામેથી આમંત્રણ આપવા બરાબર ગણાશે.

અને બીજી વ્યક્તી છે મારે દુખ; સાથે જણાવવું પડે છે કે તે  શ્રીમતી એન. સી. સૈઇનાની ભારતીય જનતા પાર્ટીના સ્પોકપર્સન છે. તેણી તો મારા મતમુજબ ગૌરવશાળી વારસાવાળા પોલીસ કુટુંબમાંથી આવે છે. એવું કહેવાય છે કે તેણીના દાદાએ તો સૌથી મહત્તમ સમય સુધી મુંબઇના પોલીસ કમીશ્નર તરીકે હોદ્દા પર હતા. જેઓએ મારા લગ્ન સમયે પ્રથમ 'ટોસ્ટ સેરમની' કરી પ્રોત્સાહીત કરી મારૂ અભીવાદન કર્યું હતું.

મજબુર અને ની:સહાય સૈઇનાને કહેવામાં આવ્યું કે સ્પોકપર્શન તરીકે જાહેર કર કે કાયદો અને વ્યવસ્થા જાળવવા કરણ જોહર, રાજઠાકરે અને મુખ્યમંત્રી ત્રણેય સાથે મળીને આ ડીલ કરવામાં આવ્યું હતું. જયારે હકીકત બીલકુલ ભીન્ન જ હતી. મને સંપુર્ણ ખાત્રી છે કે સૈઇના ને એકલાને પોતાની વીવેકબુધ્ધી પ્રમાણે નીર્ણય કરવા દીધો હોત તો તેણીએ ક્યારેય આવો મુર્ખામીભર્યો અભીગમ (a preposterous stand) ન લીધો હોત! ( સૌ. ઇન્ડીયન એકપ્રેસ) ભાવાનુવાદ. બીપીન શ્રોફ.

 

--