દુર્વુત્તીઓ જે જગવે જનોની, તે ખેલ માંડે ભયનો ભરેલો,
ભર્યા તલાવો તણી પાળ ખોદી, રોકી શક્યા છે જળધોધ કોણ!
સૌ. પાન ૩૭–રાઇનો પર્વત ( નાટક) પ્રકાશન વર્ષ સન ૧૯૧૩. – રમણભાઇ નીલકંઠ
ઉત્તર ગુજરાતના કોઇ એક ગામમાં એક નાની ૧૪ માસની બાળકી પર એક બીહાર રાજ્યના મજુરે બળાત્કાર કર્યો અને પછી બુરી હાલતામાં તે માસુમ બાળકીને કોઇ અવાવરી જગ્યાએ ફેંકી દીધી. આવું અમાનવીય,પીશાચી કૃત્ય કરનાર પકડાઇ ગયો. પોલીસ હીરાસતમાં છે. છેલ્લા સમાચાર મુજબ ન્યાયીક પ્રક્રીયા ઝડપી થાય માટે 'Fast Track Courtની રચના કરવામાં આવી છે. આમ તો આ એક અમાનુષી ફોજદારી કાયદાકીય અને સામાજીક ઘટના હતી. પણ સાથે સાથે તે એક આપણા સામાજીક રીતે બીમાર સમાજનું ચીન્હ પણ છે.
તેને કેવી રીતે એક ભયંકર સામાજીક, આર્થીક અને રાષટ્ીય કક્ષાનો મુદ્દો બનાવી દેવામાં આવ્યો? એક બીહારી મજદુરે આવું અમાનવીય કૃત્ય કર્યું એટલે જાણે બધાજ બીહારી અને ઉત્તર પ્રદેશના મજદુર લોકો બળાત્કારી થઇ ગયા હોય તેમ સોસીઅલ મીડીયા પર સંદેશા મોકલવા માંડયા કે ગુજરાતમાં મજદુરી કરતા નામે બીહારી,– યુપી વી. રાજ્યોના લોકો ૪૮ કલાકમાં ગુજરાત છોડીને પોતાના વતનમાં સ્થળાંતર કરી દેવું.
આવી ધમકીઓ અને અફવાઓમાં ફેલાવવામાં કાબેલીયાત મેળવેલાને સારી રીતે ખબર હતી કે પરપ્રાંતીય લોકો કયા કયા સ્થળે નોકરીઓ કરે છે. આ નીષણાતોએ ગુજરાતની જુદી ઔધ્યોગીક વસાહતોના દરવાજે જઇને શોધી શોધીને બીહારી મજુરોને મારવા માંડયા. અમદાવાદની પુ્ર્વ વીસ્તારના જમીન અને મીલકતો પડાવી લેનારા ' ભાઇ ' લોગને " અંધે કે હાથ બટેર મીલ ગયા" જેવી તક મળી ગઇ. સાબરકાંઠા થી શરૂ થયેલી કાયદો હાથમાં લઇને મારપીટ કરવાની બીનાઓ આણંદના અમુલના ચીઝ પ્લાંટના બીહારી મજુરોને મારવાથી માંડીને દક્ષીણ ગુજરાતમાં વાપીની ઔધ્યોગીક વસાહત સુધી પહોંચી ગઇ.
હજારો બીહારી, રાજસ્થાની અને યુપીના મજુરોને પોતાના વતન તરફ મજબુરીથી પરત જતા આપણે સૌ ગુજરાતીઓએ ટીવીના પડદે અને દૈનીક પેપરોમાં બસોના છાપરા પર પણ મુસાફરી માટે બેઠેલા જોયા. જે લોકો ગુજરાતને મહાત્મા ગાંધીનું ગુજરાત સમજે છે તે બીચારા દીવા સ્વપ્નોમાં રાચે છે. હવે બાબરીધ્વંસ અને ગોધરા કાંડ પછી આ ગુજરાતને ગાંધીએ નહી પણ નરેન્દ્ર્ મોદી અને તેમની વીચારસરણીએ ઉછેર્યુ છે, સીંચ્યુ છે અને પુખ્ત બનાવ્યું છે.
મુખ્યમંત્રી રૂપાણી અને નીતીન પટેલને દીલ્હીમાં બેઠેલા વડાપ્રધાન શ્રી મોદી સાહેબે અને પક્ષ પ્રમુખ અમીત શાહે આડે હાથ લીધા. ' એેક નાના સરખા એકલદોકલ બનાવથી' સમગ્ર ગુજરાતમાં આટલા મોટા પાયે બીહાર અને યુપી વી. રાજ્યોના મજુરોને ની:સહાય સ્થીતીમાં ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦ ની સંખ્યામાં સ્થળાંતર કરી ગુજરાત છોડવું પડે તો તમે કયો '"રાજ ધર્મ " નીભાવો છો? આ કેવો ગુજરાતી સમાજ છે કે જે એકલદોકલ ઘટનાઓને સામુહીક અરાજકતાઓમાં ફેરવી નાંખે છે? દીલ્હીમાં બેઠેલા સાહેબોને કોણ સમજાવે કે ' સાહેબ! અમે ગુજરાતમાં રાજ્ય કરનારાઓ, અટલ બીહારી બાજપાઇજીએ આપશ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સને ૨૦૦૨ના 'ગોધરાકાંડ' માં 'રાજધર્મ' પાળવાની વીનંતી કરી હતી. તે સલાહને બદલે આપશ્રીએ નક્કી કરેલો 'રાજધર્મ' પાળ્યો હતો. તો આપને દીલ્હીની ગાદી મળી ! કારણકે આપશ્રીનું નેતૃત્વ ગોધરાની ઘટનાને સ્થાનીકમાંથી રાજ્ય અને રાષટ્ની ઘટના બનાવવામાં સફળ થયું. આજે ભયના માર્યા બીહારી મજુરોએ સ્થળાંતર કર્યું આપના સમયકાળમાં ભયના માર્યા ગજરાતની લઘુમતી કોમની પ્રજાએ 'ઠેર ઠેર જુહાપુરા ' બનાવ્યા. તે સમયે ગોધરા કાંડની ઘટનાને રાજ્ય વ્યાપી કેમ બની તે માટે આપશ્રીએ વૈગ્નાનીક ન્યુટનનો બીજો નીયમ રમતો મુકેલો કે ' આઘાત અને પ્રત્યાધાત સરખા હોય છે સાથેસાથે તે વીરોધાભાસી પણ હોય છે. ( Actions and reactions are equal and opposite.)
સાહેબ, અમે તો આપના ચાતરેલા 'રાજધર્મ' ના માર્ગે ગુજરાતનું રાજ્ય ચલાવીએ છીએ. બાકી સ્વ. બાજપાઇજીની સ્મૃતીમાં તો ઘણા બધી શૈક્ષણીક અને આરોગ્યની સંસ્થાઓ અને રોડના નામો ની યાદી તો આપને ત્યાં પીએમઓ ઓફીસમાં મોકલાવી દીધી છે.
સાહેબ! માફ કરજો. અમે પણ પામર રાજકારણી મનુષયો છે, અમને થોડીક આશા છે કે આપ ગુજરાતમાં સ્વ રાજ્ય ધર્મે ચાલ્યા તો દીલ્હીની ગાદી મળી તો તે માર્ગે અમે ચાલીએ તો ભવીષયમાં દીલ્હીમાં કંઇક તો મળશે ને !
એક અસત્યથી જન્મે અસત્યો બહુ જુજવાં, રોપે અસત્ય જે તેને પડે એ ઝુંડ વેઠવાં'
પાનુ ૫૧ રાઇનો પર્વત.
આવા ધંધા કરવામાં દેશનો કોઇ રાજકીય પક્ષ બાકાત નથી.