Sunday, April 30, 2017

ગુ મુ રે એસો નો રીપોર્ટ

                 ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસોસીયેશન આયોજીત( ૨૫–૨૬ માર્ચ) પરીસંવાદનો રીપોર્ટ.

                        ઇશ્વરની ઇચ્છા વીનાજ  પાંદડુ હલે છે. 

બીપીન શ્રોફ( પ્રમુખ ગુ મુ રે એસો)– આપ સૌને જણાવતાં આનંદ થાયછે કે આ પરીસંવાદમાં ગુજરાતના લગભગ બધાજ ભૌગોલીક વીસ્તારોમાંથી પ્રતીનીધીઓ આવ્યા હતા.અન્ય દ્રષ્ટીએ જોઇએ તો પરીસંવાદમાં ભાગ લેનાર પ્રતીનીધીઓમાં જુદા જુદા ટ્રેડ યુનીયન પ્રતીનીધીઓ, અખબારી કૉલમ્નીસ્ટ અને પત્રકારો, નીરીક્ષક, નયા માર્ગ , દલીત અધીકાર જેવા ગુજરાતી બૌધ્ધીક પખવાડીકોના તંત્રીઓ, ગુજરાતની જુદી જુદી યુનીર્વસીટીઓના પ્રોફેસરો, શીક્ષકો, વકીલો, ડૉક્ટર્સ, કર્મનીષ્ઠો અને અમારી સંસ્થાના રેશનાલીસ્ટ સભ્યશ્રીઓ સાથે કુલ પ્રતીનીધીઓની સંખ્યા બંને દીવસ માટે આશરે ૯૦ ઉપર હતી.

 સંસ્થાના પ્રમુખે પરીસંવાદનો હેતુ સમજાવતાં જણાવ્યું હતું કે રેશનાલીસ્ટ પ્રવૃતીનો વ્યાપ એક ચળવળ રૂપે વધારવા માટે સંસ્થાના સાથીઓમાં વૈચારીક સ્પષ્ટતાની ખાસ જરૂર છે. વધુમાં આ અંગે વીગતે છણાવટ કરતાં તેઓએ જણાવ્યું હતું કે રેશનાલીઝમ અન્ય માનવવાદી મુલ્યો જેવા કે સ્વતંત્રતા,ધર્મનીરપેક્ષ નીતી, સમાનતા અને બંધુતા જેવું જ એક માનવવાદી મુલ્ય છે. રેશનાલીઝમનું એક માનવમુલ્ય તરીકે સર્જન જૈવીકઉત્ક્રાંતી(  Biological Evolution) અને કુદરતી નીયમબધ્ધતા( Universe is law governed)ના સંયોજનમાંથી વીકસેલું છે. જેણે માનવીને કુદરતી પરીબળોને સમજવાની તક પુરી પાડી છે. તેથી તેનું જૈવીક અને સાંસ્કૃતીક અસ્તીત્વ ટકી રહ્યું છે અને વીકસ્યું છે. રેશનાલીઝમનું મુખ્ય કાર્ય સત્યશોધન જ છે.

  અમારા એક અગ્રણી સાથી અને સુરત સત્ય શોધક સભાના માજીપ્રમુખ બાબુભાઇ દેસાઇ, જેઓનું નજીકના ભુતકાળમાં અવસાન થયું છે; તે બાબુભાઇની દ્રઢ પ્રતીતી હતી કે રેશનાલીસ્ટ મીત્રોમાં માનવવાદી મુલ્યો આધારીત બૌધ્ધીક સજજતા કેળવાય તો જ રેશનાલીસ્ટ ચળવળ વીકસી શકે. તેમની યાદ કે સ્મરણ સાથે અમારી સંસ્થાએ, આ હકીકતને ધ્યાનમાં રાખીને બે દીવસના પરીસંવાદના વીષયો અને વક્તાઓનું આયોજન કરેલ છે. પરીસંવાદના વીષયો (૧) ઉત્ક્રાંતીવાદ (૨) ભૌતીકવાદ (૩) કુદરત નીયમબધ્ધ છે. (૪) રેશનાલીઝમ અને લોકશાહી જીવન પધ્ધતી,(૫)અમેરીકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ઉગ્રરાષ્ટ્રવાદ અને તેવા જ અન્યદેશોમાં ઉભરતા ઉગ્રરાષ્ટ્રવાદી પ્રવાહોનું મુલ્યાંકન (૬) ભારતીય બંધારણના મુલ્ય બંધુતા ( concept of Fraternity)  ઉપર ચર્ચા.                   

  ચાર્લસ ડાર્વીનનો ઉત્ક્રાંતીવાદ–વક્તા પ્રો. નીતીન પ્રજાપતી.

આજે આપણે સરળતાથી ઘણી બધી જે ખરેખર વૈજ્ઞાનીક અને કુદરતી ઘટનાઓ છે  જેવીકે સુર્ય ઉગે છે, તે આથમે છે,પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, તે બધી ઘટનાઓને આજથી ૫૦૦ વર્ષ પહેલાં તે રીતે સ્વીકારવામાં આવતી નહતી. તે જમાનામાં પ્રવર્તમાન ધાર્મીક–રાજકીય માળખું વીજ્ઞાન વીરોધી હતું. તે જમાનાની ધાર્મીક માન્યતા હતી કે આપણી પૃથ્વી બ્રહ્માંડનું કેન્દ્ર છે. અને સુર્યથી માંડીને તમામ અવકાશી પદાર્થો પૃથ્વીની આજુબાજુ ફરે છે. આ ધાર્મીક માન્યાતાને ખ્રીસ્તી ધર્મગુરૂઓ અને તેમના ધાર્મીક પુસ્તક બાયબલનો આધાર હતો. ગેલેલીયો, કોપનીકસ અને બ્રુનો જેવા તે સમયના વૈજ્ઞાનીકોએ આ બધા ધાર્મીક સત્યોને પડકાર્યા હતા. તે બધાએ ખગોળવીધ્યા અને ભૌતીકશાસ્રની મદદથી શોધી કાઢયું કે " પૃથ્વી બ્રહ્માંડનું કેન્દ્ર નથી. પૃથ્વી સુર્યમંડળના બીજા ગ્રહોની માફક તે પણ સુર્યની આસપાસ ભ્રમણ કરતો એક ગ્રહ જ છે. પૃથ્વીતો સુર્યમંડળના એક ગ્રહથી વધારે કાંઇ નથી. અને અવકાશમાં સુર્ય જેવા હજારો કે લાખો નહી પણ ગણયા ગણાય નહી તેટલી સંખ્યામાં સુર્યથી પણ અનેક ગણા મોટા તારાઓ છે."  આવા વૈજ્ઞાનીક સત્યને પ્રજા સમક્ષ મુકવા માટે, તથા સમાજના ચીલાચાલુ ધાર્મીક માન્યતાઓને પડકારવા માટે, ચર્ચના ટેકાવાળી રોમની ધાર્મીક સત્તાએ બ્રુનોને જીવતો સળગાવી દીધો, ગેલેલીયોને આજીવન એકાંતવાસની સજા ફરમાવી  અને કોપરનીકસે ચર્ચસત્તાના ભયને કારણે પોતાના મૃત્યુબાદ પોતાની શોધખોળો આધારીત પુસ્તકો બહાર પાડવાનું નક્કી કર્યુ હતું.

બરાબર આ અવકાશી સંશોધનોની સાથે સાથે પૃથ્વીપરની સજીવસૃષ્ટીના સર્જનને માટે પણ જે તે ક્ષેત્રોના વૈજ્ઞાનીકોએ સંશોધન કરવાનું ચાલુ કર્યું. આવા બધા વૈજ્ઞાનીક ક્ષેત્રોમાં તે સમયે કામ કરનારા ઘણા બધા ધાર્મીક ખ્રીસ્ર્તી પાદરીઓ પણ હતા.આ ઉપરાંત યુરોપીયન પ્રજાએ વીશાળ દરીયાને ખેડીને જુદા જુદા ભૌગોલીક પ્રદેશો, લોકો,તેમની અલગ સંસ્કૃતીઓ જોઇ અને ક્યારેય ન જોયા તેવી વનસ્પતી,  પ્રાણી સુષ્ટી અને સોના– ચાંદી અને કોલસા વી.ની ખાણો શોધી કાઢી. અત્યાર સુધી બાયબલ અને અન્ય રીતે પૃથ્વી વીશેની જે માહીતીઓ રજુ કરવામાં આવી હતી તેનાં કરતાં બીલકુલ જુદી જ દુનીયા જોવા મળી. જેમ ગેલેલીયો, કોપરનીકસ અને ન્યુટને  ભૌતીકશાસ્ર અને ખગોળશાસ્રની નવી શોધખોળોની મદદથી ધાર્મીક સત્તાને પડકારી તેજ રીતે નવી દુનીયા જાણવા–જોવા માટેના દરીયાઇ સાહસોએ સજીવસૃષ્ટીના સર્જન માટેની ધાર્મીક માન્યતાઓને પડકારવા માટેની પુર્વભુમીકા પેદા કરી.

આ બધાની સાથે ફ્રાંસની ક્રાંતી થઇ. રાજાશાહી, સામંતશાહી અને ધાર્મીક સત્તાઓને  પડકારવામાં આવી. તે બધાનો વીકલ્પ નાગરીક કેન્દ્રી મુલ્યો 'સ્વતંત્રતા, સમાનતા અને બંધુતામાં દેખાયો. લોકશાહી રાજ્યવ્યવસ્થાનો જન્મ થયો.

ચાર્લસ ડાર્વીનના દાદા ઇરેમસ ડાર્વીન(૧૭૩૧–૧૮૦૨) અને ઉત્ક્રાતીવાદી ફ્રાન્સના વૈજ્ઞાનીક જે.બી.લામાર્કે (૧૭૪૪–૧૮૨૯) ચાર્લસ ડાર્વીન માટેની જીવવીજ્ઞનની ભુમીકા તૈયાર કરી આપી. આર્થર વોલેસ અને ચાર્લસ ડાર્વીને કુદરતી પસંદગીનો સીધ્ધાંત શોધી કાઢયો. આ ઉત્ક્રાંતીવાદી સંશોધનોએ સજીવસૃષ્ટી અને માનવ સર્જનનો ઇશ્વરની મદદ સીવાયનો આધાર બતાવ્યો. તેને કારણે યુરોપના ધાર્મીક અને રાજકીય  જગતમાં મોડો ખડભડાટ મચી ગયો હતો. આવા પાયાના, જમીની વૈજ્ઞાનીક સત્યો આધારીત તારણો સામે ખ્રીસ્તી અને અન્ય ધર્મોના રૂઢીચુસ્તોએ ડાર્વીના સીધ્ધાંતોનું ખોટું અર્થઘટન કરીને ' ઇન્ટલીજન્ટ ડીઝાઇન અને ક્રીએટીવીની થીયેરી' બહાર પાડી. અને તે પ્રમાણે શાળા કોલેજોમાં શીક્ષણ આપવાનું શરૂ કરી દીધુ.આ ઉપરાંત ડાર્વીનના સીધ્ધાંત જૈવીક સંઘર્ષનું ખોટું અર્થઘટન કરીને સોસીઅલ ડાર્વીનીઝમનો વીચાર પણ વીકસાવ્યો છે.

 


--