Sunday, February 11, 2018

વીશ્વના બધાજ ધર્મો ચાર્લ્સ ડાર્વીનના ઉત્ક્રાંતીવાદના સંશોધનો સામે કેમ છે?

વીશ્વના બધાજ ધર્મો ચાર્લ્સ ડાર્વીનના ઉત્ક્રાંતીવાદના સંશોધનો સામે કેમ છે?

૧૨મી ફેબ્રુઆરી આજે  ચાર્લ્સ ડાર્વીનનો જન્મ દીવસ છે (૧૨–૦૨– ૧૮૦૯ મૃત્યુ ૧૯–૦૪– ૧૮૮૨) . ખાસ કરીને પશ્ચીમી જગતના બધાજ દેશો આ દીવસને 'ડાર્વીન ડે' તરીકે ઉજવે છે. તેની સામે ખ્રીસ્તી, હીંદુ અને ઇસ્લામ ધર્માના અનુયાઇઓ ડાર્વીનના 'કુદરતી પસંદગી અને સજીવોના જીવવા માટેના સંઘર્ષ' ના સીધ્ધાંતોને સંપુર્ણ રીતે અસ્વીકાર કરીને જબ્બર વીરોધ કરે છે. કેમ?

 દરેક ધર્મે આ પૃથ્વીપર માનવ સહીત સમગ્ર સજીવ સૃષ્ટીનું સર્જન પોતાના ઇશ્વરે કેવી રીતે કર્યું છે તેની વીગતો પોતાના ધર્મ પુસ્તકોમાં આપી છે. અને તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે  તે બધા ઇશ્વરી તારણો છે. જે માનવીય શંકા–કુશંકાઓથી પર છે. તેની કોઇ પુરાવા કે જ્ઞાન આધારીત તપાસ ન હોઇ શકે! તે તારણો અને તેના આધારીત ઉપદેશો અને રીતી–રીવાજો અમલમાંજ મુકવાના હોય! કારણકે માનવ સહીત દરેક સજીવની ઉત્પત્તી તે ઇશ્વરી ઇચ્છાનું જ પરીણામ છે. માનવીનો જન્મ, જીવન અને મૃત્યુ પછીનું જીવન બધુ જ ઇશ્વર સર્જીત છે. માનવી જો દૈવી નીયમો સામે બળવો પોકારે તો તેને આજીવનમાં તો ખરૂ જ પણ મૃત્યુ બાદ કેવી કેવી શીક્ષાઓ થાય અને મોક્ષ કે મુક્તી ન મળે. તેની અસંખ્ય દંતકથાઓથી દરેક ધર્મપુસ્તકો ચીક્કાર ભરેલા છે. દરેક ધર્મોના ઠેકેદારોનું ખાસ કામ અને ફરજ ઇશ્વરદત્ત હોય છે. તે બધા ઉપદેશોને આધારે પોતાના ધર્મના અનુયાઇઓની તમામ સામાજીક, રાજકીય, આર્થીક, નૈતીક, કૌટુબીક જેવી તમામ ઐહીક કે દુન્યવી પ્રવૃત્તીઓનું સંચાલન અને વ્યવહારો તે મુજબ જ થવા જોઇએ. બધાજ ધર્મોએ  તેના પ્રતીનીધ્ઓની મદદથી સદીઓથી માનવ પ્રવૃત્તોઓને નીયંત્રણમાં રાખી હતી. વધારામાં એક ખાસ અમાનવીય અને અતીનીંદનીય અને હીંસક શીખ દરેક ધમોએ પોતાના અનુયાઇઓને આપી છે કે " તેનો ધર્મજ સાચો ધર્મ છે,તેથી શ્રૈષ્ઠ છે અને સામાનો ધર્મ વર્જ્ય છે." માટે વીશ્વના બધાજ ધર્મોના અનુયાઇઓને તેમના ધર્મના સંરક્ષકોઓ સદીઓથી એક બીજા સામે હીંસક રીતે લડાવ્યા રાખ્યા જ છે. હજુ પણ લડાવે રાખે છે. ગાંધીજીએ પોતાનું સમગ્ર જીંવન ' હીંદુ– મુસ્લીમ એકતા અને સર્વધર્મ સમભાવ ' અને તેના આધારે એકબીજાના હ્રદય પરીવર્તનના પ્રયત્નો તેમની હયાતીમાં અને આજે પણ 'જળકમળવત' જ રહ્યા છે. સફળ થયા નથી.

  વીશ્વના તમામ ધર્મોની આ ધાર્મીક, સામાજીક અને બૌધ્ધીક વાસ્તવીક અને નગ્ન હકીકતો છે. આવા ધર્મોને ટકાવી રાખવામાંજ તે બધા પરોપજીવીઓનું અસ્તીત્વ અને સ્થાપીત હીતો રહેલાં છે.

 તેની સામે ચાર્લ્સ ડાર્વીને સને ૧૮૫૯માં એક જગવીખ્યાત પુસ્તક બહાર પાડયું,  તેનું નામ ' ઓરીજન ઓફ સ્પીસીસ એન્ડ થીયરી ઓફ નેચરલ સીલેક્શન' છે. સને ૧૮૭૧માં ડાર્વીને બીજુ પુસ્તક બહાર પાડયુ હતું. ' ધી ડીસેન્ટ ઓફ મેન'. ઉપરના જીવવીજ્ઞાનના બે પુસ્તકોના તારણોને સ્વીકારવા માટે એક વીસ્તૃત વૈચારીક ક્રાંતીની જરૂર છે. બીજા કોઇપણ જીવવીજ્ઞાની કરતાં ચાર્લસ ડાર્વીન એક માત્ર એવો જીવવૈજ્ઞાનીક હતો કે જેણે  સામાન્ય માણસના આ જગત વીશેના ખ્યાલને ધરમુળથી બદલવા કારણભુત બન્યો.

 ડાર્વીને જીવવીજ્ઞાનમાં ' જૈવીક ઉત્ક્રાંતી' નામની નવીજ્ઞાનની શાખાની શોધ કરી. આ જૈવીક ઉત્ક્રાંતીની શાખાની શોધનું મહત્વ એ છે કે તેની વ્યાપક અસરો જીવવીજ્ઞાનના ક્ષેત્રની બહાર પણ ઘણી જ અસરકારક છે, એક તો ડાર્વીને ઉત્ક્રાંતીવાદનો નવો ખ્યાલ વીકસાવ્યો. બીજુ તેણે સજીવ જૈવીક ઉત્ક્રાંતીના જુદા જુદા ફાંટાઓ–વીભાગો ( બ્રાન્ચીઝ ઓફ ઇવોલ્યુશન)શોધી કાઢયા. એટલું જ નહી પણ દરેક સજીવ જાતીને બીજી સજીવ જાતીસાથે ઉત્ક્રાંતીની દ્ર્ષ્ટીએ શું સંબંધ તે પણ શોધી કાઢયું. આ વીભાગીય જૈવીક સજીવ જાતીઓના દરેક ફાંટાઓ એક બીજા સાથે કેવી રીતે જોડાયેલા છે તે પણ શોધી કાઢયુ હતું. છેલ્લે તેણે આ પૃથ્વી પરની દરેક સજીવ જાતીનું મુળ જૈવીક એકમ શું છે તે પણ શોધી કાઢયું. એક જૈવીક વંશમાંથી સમગ્ર જૈવીક જગત પેદા થયું છે તેવો ધર્મના આધાર સીવાયનો સીધ્ધાંત શોધનાર ડાર્વીન પ્રથમ વૈજ્ઞાનીક બન્યો.

વધુમાં ડાર્વીને એવું તારણ કાઢયું કે આ ઉત્ક્રાંતીની પ્રક્રીયાનો વીકાસ લાખો વરસથી ક્રમશ થતો આવ્યો છે. આ ઉત્કાંતીની જીવવીકાસ અને તેમાં થતા જૈવીક ફેરફારોની સાંકળ કોઇ જગ્યા એ થી તુટેલી કે વેરણછેરણ નથી. આ ઉત્ક્રાંતીનું કારણ  'કુદરતી પસંદગીનો સીધ્ધાંત' ( ધી પ્રીન્સીપલ ઓફ નેચરલ સીલેક્શન) છે.

આમ  જીવઉત્પત્તીના ધર્મનીરપેક્ષ ખ્યાલે ( સેક્યુલર વે ઓફ લાઇફ) બધાજ ધર્મોએ પોતાના ધર્મપુસ્તકોમાં દર્શાવેલા જીવઉત્પત્તી અને માનવ ઉત્પત્તીના ખ્યાલોને બીલકુલ ખોટા, દંભી, પોકળ અને પુરાવા વીનાના સાબીત કરી દીધા. કોઇપણ સજીવના સર્જનમાં કશું દૈવી, ઇશ્વર આધીન નથી. દરેક સજીવનું અસ્તીત્વ ભૌતીક જ તેમ સ્પષ્ટ સાબીત કરી દીધુ છે.

ડાર્વીનના ઉપરના વીચારોની સ્ફોટક અસર વૈજ્ઞાનીક જગતમાં થઇ. વીજ્ઞાનના ક્ષેત્રમાંથી ઇશ્વરના ખ્યાલની બાદબાકી થતાં જ્ઞાન–વીજ્ઞાનના બધા જ ક્ષેત્રોમાં હકારાત્મક રીતે કુદરતી પરીબળોને સમજાવવાનું જ્ઞાન અને સંશોધન શરૂ થયું. ડાર્વીને તો  પોતાના વીચારોથી જ્ઞાન આધારીત વીશ્વ બનાવવાની ઇમારતનો પાયો નાંખી દીધો. તેણે તો બૌધ્ધીક ક્રાંતી પેદા કરી. ઇશ્વરને બદલે આ વીશ્વના સર્જનહાર તરીકે માનવીને કેન્દ્રમાં મુકી દીધો. માનવીય પ્રયત્નોની શરૂ થયેલી વીશ્વના સર્જનની પ્રક્રીયા માનવજાત જેટલી જ પુરાણી છે તેવું ડાર્વીનના ઉત્ક્રાંતીવાદે સાબીત કરી દીધું.  તેમજ તે માનવજાત જ્યાંસુધી આ પૃથ્વી પર અસ્તીત્વ ધરાવતી રહેશે ત્યાં સુધીતે માનવીય પ્રયત્નોથી વીશ્વ સર્જનની પ્રક્રીયા ચાલુ રહેવાની છે. આમ ડાર્વીને ઇશ્વરની જગ્યાએ માનવીને સર્જનહાર તરીકે કેન્દ્રમાં મુકીને  તેને ઇશ્વર કરતાંપણ વધુ સર્વશક્તીમાન બનાવી દીધો. ડાર્વીને ઉત્ક્રાંતીવાદની મદદથી માનવવાદનો પાયો દૈવી સર્જનને બદલે ભૌતીક બનાવી દીધો. બધાજ ધર્મો અને તેના સ્થાપીતહીત ધરાવતા તત્વોના ડાર્વીનના ઉત્ક્રાંતીવાદના વીરોધના મુળીયા અહીંયા રહેલા છે....................



--
Sent with Mailtrack