Friday, December 28, 2018

આ અમારૂ ઘર (દેશ) છે. અમને કોણ તે ઘરમાંથી કાઢી શકે તેમ છે? નસરૂદ્દીન શાહ.

આ અમારૂ ઘર (દેશ) છે. અમને કોણ તે ઘરમાંથી કાઢી શકે તેમ છે?
નસરૂદ્દીન શાહ.
એક લોક વાયકા છે " એક વાર જીન બાટલીમાંથી બહાર નીકળી ગયા પછી તેને ફરીથી તે બોટલમાં પાછો પુરી શકાતો નથી."
આ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ઇરાદાપુર્વક દેશના સામાજીક પોતમાં ઝેર ફેલાવવામાં આવી રહ્યું છે. સમાજના કહેવાતા બહુમતી ધર્મપરસ્ત પરીબળોને કાયદો હાથમાં લઇને જાણે હીંસા ફેલાવવાનું લાયસન્સ કે પરવાનો મલી ગયો છે; કાંતો લવ–જેહાદ નામે, તો પછી તમારા ઘરના ફ્રીજમાં ગૌ માંસ છે અથવા તો પછી તમે ગાય અને તેના વંશનો વેચવાનો કે હેરેફેરીનો ધંધો કરો છો. તાજેતરમાંજ ઉત્તરપ્રદેશના બુંલંદશહેરમાં ગાયની બાબતે એક બાહોશ, પ્રમાણીક અને કાયદા મુજબ સોંપાયેલ ફરજ પ્રમાણે કામ કરનાર અધીકારીને ગેરકાયદેસર ટોળઆએ એકત્ર થઇને ગોળીથી મારી નાંખવાનું અમાનવીય કૃત્ય કર્યું છે. જાણે આ દેશમાં ગાયની સરખામણીમાં પોલીસ અધીકારીના જાન ની કોઇ જ કીંમત નથી.
ભારત દેશના નાગરીકને નાગરીક તરીકે કૌટુંબીક, સામાજીક, આર્થીક ને રાજકીય જીવન શાંતી અને સુખ ચેનથી પસાર કરવાને બદલે તેને તેની ધાર્મીક ઓળખને આધારે ઓળખાવાનું મોટું રાજકારણ ખેલાઇ રહ્યું છે. " એક જ દેશના નાગરીકોને અમે( WE) અને પેલા( THEY),તેવા રાજકીય ખાનામાં ગોઠવીને એક બીજા પ્રત્યે ધીક્કાર, અસહીષ્ણુતા, સામસામી હીંસાના વેરઝેરનો એક મોટો મોહોલ ઇરાદાપુર્વક પેદા કરી દેવામાં આવ્યો છે. તેને સતત ધાર્મીક નફરતનું ઇંધન સીંચીને બેકાબુ બનાવી દેવામાં આવેલ છે. આ એક જ થીયરી પર સને ૨૦૧૯ ની લોકસભાની ચુંટણી જીતવાની વૈતરણી નદી પાર થઇ જશે તેવા ખ્વાબોમાં જીવવા માંડયું છે.
ધાર્મીક ઓળખના રાજકારણમાં જે 'અમારી સાથે નથી તે પેલા લોકોની સાથે છે માટે અમારી સામે છે ' તેવું સરળ સમીકરણ મુકીને ભયનું વાતાવરણ પેદા કરી દીધું છે.અમે એટલે રાષ્ટ્રપ્રેમી, પેલા અને બીજા જે અમારી સામે અવાજ ઉઠાવનારા છે તે બધા 'દેશદ્રોહીઓ' પાકીસ્તાની એજંટો, આખરે આતંકવાદીઓના ટેકેદારો. તે બધાને પાકીસ્તાનમાં મોકલી દેવા જોઇએ! અમારી રાષ્ટ્ર,રાષ્ટ્રપ્રેમની અને રાષ્ટ્રની વફાદારીની વ્યાખ્યામાં વીધર્મીઓનું કોઇ સ્થાન જ હોતું નથી. સદર વ્યાખ્યાની બહાર અરે! જન્મે હીંદુઓ કે ધર્મનીરપેક્ષવાદીઓ, નીરઇશ્વરવાદીઓ કે પછી સામ્યવાદીઓ કોઇની ભારત દેશની વફાદારી અમને માન્ય નથી. દેશના બંધારણના આમુખમાં જણાવેલ પાયાના મુલ્યો સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, ધર્મનીરપેક્ષતા અને વૈજ્ઞાનીક અભીગમને આધારે પોતાનું જીવન જીવતા, વીચારો ફેલાવતા દા;ત મહારાષ્ટ્રના અંધશ્રધ્ધા નાબુદીની ચળવળ ચલાવવા માટે શહીદ થયેલા નરેન્દ્ર દાભોલકર, ગોવીંદ પાનસરે, કર્ણાટકના પ્રો કલબુર્ગી, પત્રકાર ગૌરી લંકેશ અને બીજા નસરુદ્દીનશાહ, આમીરખાન જેવા હજારો નાગરીકોનું તેમાં કોઇજ સ્થાન હોઇ શકે નહી.
નસરૂદ્દીન શાહના નીરીક્ષણ પ્રમાણે તમે તમારા બાળકોને માનવ માનવ વચ્ચે કોઇપણ જાતના મતભેદ રાખ્યા સીવાય ફક્ત સારા મનુષ્યો બનવાનો પાઠ શીખવાડો તે પણ આ હીદુંત્વવાદીઓને અમાન્ય છે.જાણે કે વીશ્વમાં કોઇ બીનધાર્મીક નાગરીક હોઇ શકે જ નહી. વીશ્વના દેશો સમક્ષ ધાર્મીક પ્રશ્નો સીવાય જાણે કે કોઇ દુન્યવી પ્રશ્નો જેવાકે 'રોટી કપડાં ઓર મકાન' હોઇ શકે જ નહી.ખરેખરતો ભારતને એક દેશ તરીકે તેને સર્વાંગી રીતે સમજે તે ભારતીય. બીજુ જે ભારતીય બંધારણીય મુલ્યો પ્રમાણે જીવન જીવે અને તેવો સંદેશો આપ તે જ ભારતીય હોઇ શકે!


--

Saturday, December 1, 2018

ધર્મ, એક ફક્ત નાણાં કમાવવા માટે સારામાં સારો ધંધો છે

ધર્મ, એક ફક્ત નાણાં કમાવવા માટે સારામાં સારો ધંધો છે એટલું જ નહી . કારણકે તેમાં શરૂઆતનું મુડી રોકાણ ઓછામાં ઓછુ હોય છે. તેમાં ક્યારેય તૈયાર માલનો પુરવઠો વધી ગયો હોય તેવો પ્રશ્ન થતો જ નથી. આ ધંધો કરનાર પાસે કેટલો પુરવઠો વપરાઇ ગયો અને કેટલો પુરવઠો વપરાવાનો બાકી છે તેની કોઇ સુચી– યાદી( સ્ટોક–ઇનવેન્ટરી રજીસ્ટર) પણ બનાવવી પડતી નથી. આધ્યાત્મીક વાતો કરવાની અને ભૌતીક ચીજ વસ્તુઓ બદલા કે અવેજમાં હોંશે હોંશે લઇ જવાની. માલની ગુણવત્તા જાળવવાની કે જીએસટી ક્યારેય ભરવાનો ઉજાગરો નહી. આ માલની માંગ સ્થાનીક,પ્રાદેશીક, રાષ્ટ્રીય અને વૈશ્વીક હંમેશાં હોય છે. તેના ગ્રાહકો કોણ નથી એ મુળભુત સવાલ છે. રાષ્ટ્રના નાણાંમંત્રી કે અર્થશાસ્રીઓ રાષ્ટ્રીય આવકમાં અને જીડીપી બીડીપીમાં ગણે છે કે નહી તેની અમને માહીતી નથી.–સૌ. The God Market ( In India) by Meera Nanda  પાન નં ૧૦૮ના પ્રથમ ફકરાનો મુક્ત ભાવાનુવાદ.


--