પુસ્તક પરિચય – " માનવવાદ " (ઇતિહાસ, વર્તમાન, સિધ્ધાંતો અને પ્રસતુતા.)
ગુજરાતી સાહિત્યમાં માનવવાદ અને રેશનાલીઝમ ઉપર તાત્વીક રજુઆત કરનારા આંગળીના વેઢે ગણાવી શકાય તેવા પુસ્તકો ઉપલબ્ધ છે. તેનાથી જુદી સ્થિતિ ભારતીય અંગ્રેજી સાહિત્યમાં પણ આ વિષયમાં નથી. એક સમયે એનડીટીવીના સન્માનીય પત્રકાર શ્રી રવીશકુમારને પોતાના વિષયના ટેકામાં અંગ્રેજીમાં રેફરન્સ માટે ' રેશનાલીઝમ' પર પુસ્તક સહેલાઇથી મલ્યું ન હતું તેવો ઉલ્લ્ખ તેઓશ્રીએ પોતાની અખબારી યાદીમાં જણાવેલો..
અમે, પ્રો. અશ્વીનભાઇ કારીઆ અને મેં સંયુક્ત રીતે ગુજરાતી સાહિત્યમાં ' માનવવાદ' ના વિષય પર સદર પુસ્તક તૈયાર કરીને તે જરૂરીયાતને નમ્ર પણે પુરી કરવાની કોશીષ કરી છે. અમે બંને એ આ વિષય પર શક્ય તેટલી માહિતી પણ સંક્ષીપ્તમાં રજુ કરીને વિષયને ન્યાય આપવાનો પ્રયત્ન કરેલ છે. પુસ્તક વિષે વિગતે લખવાને બદલે આ પુસ્તકમાં જુદા જુદા લેખકોએ પોતે તૈયાર કરેલા વિષયોને ખુબજ ટુંકમાં ક્રમશ વાંચીએ અને સમજીએ.
(૧) માનવવાદનો સંક્ષિપ્ત ઐતિહાસિક પરિચય– લે– બિપીન શ્રોફ. (અ) માનવવાદી વિચારસરણી ઘણા માટે આ નવી વિચારસરણી લાગતી હશે. પરંતુ તેના મુળ ઘણા ઉંડા છે.તેનો પાયાનો સિધ્ધાંત એ છે કે માનવવાદ એક વિચારસરણી તરીકે ઇશ્વર,ધર્મ અને તેના એંજટોના કામોને માનવહિત વિરૂધ્ધના ગણીને નકારે છે. તે બધાના ઉપદેશો સિવાય માનવી નૈતીક, પ્રામણીક અને સદાચારવાળું જીવન સરળતાથી જીવી શકે છે. આવા વિચારો માનવજાત પાસે હજારો વર્ષોથી હતા. પાનું–૧.
(૨) આશરે ૨૭૦૦ વર્ષો પહેલા થઇ ગયેલા ગ્રીક તત્વચીંતક એપિક્યુરસે માનવવાદ અંગે નીચે મુજબના વિચારો તે જમાનામાં પ્રગટ કર્યા હતા. ( અ) સમગ્ર બ્રહ્માંડ કોઇ ઇશ્વરી રચનના નથી પણ સંપુર્ણ ભૌતીક પદાર્થનું બનેલું છે. (બ) ઇશ્વરથી ડરવાની જરૂર નથી. (ક) મૃત્યુને કંઇ અનુભવવાનું ન હોય. (ડ) સુખ, આનંદ અને સમૃધ્ધી આ જીવનમાં જ પ્રાપ્ત થઇ શકે તેમ છે.(ઇ) દુ;ખો સહન થઇ શકે અને તેના ઉપાયો પણ થઇ શકે.....પાનું–૩...
(૩) માનવવાદી જીવન પધ્ધતીએ ત્રણ પાયાના પ્રશ્નો જે સદીઓથી વણઉકેલ્યા ચાલ્યા આવતા હતા તેના જવાબો શોધી કાઢયા છે. એક– આ જગતનું જ્ઞાન આપણને કેવી રીતે મળે છે અથવા તેને કેવી રીતે ઓળખી શકીએ? જ– આ જગતને આપણો ઇન્દ્રીયજન્ય અનુભવ તથા બાહ્ય તાર્કીક નિરીક્ષણોને આધારે ઓળખી શકીએ. બે– આ બ્રહ્માંડનું સ્વરૂપ કેવું છે? ખગોળવિધ્યા અને ભૌતીકશાસ્રની મદદથી તે આ વિશ્વ અને બ્રહ્માંડની ઉત્પત્તિ ને વિકાસને સમજાવે છે. જ્યારે માનવ ઉત્પત્તિ અને તેના સર્જન– વિકાસ ને સમજાવવા જીવવિધ્યા ( બાયોલોજી) ને માનવશાસ્ર્ ( સાયકોલોજી)નો આધાર લે છે. ત્રણ–હું મારી જીંદગી કેવી રીતે જીવું ? માનવવાદ એક નૈતીક વિચારસરણી છે. તે માનવ શક્તિ અને પ્રયત્નોમાં વિશ્વાસ રાખી દરેક માનવીને પોતાની શક્તિ મુજબ શ્રૈષ્ઠ જીવન જીવવાની તક આપે છે...પાન..૯.
(૪) માનવવાદ–ત્રીજા વિશ્વની જરૂરીયાત . લે– ડૉ ઇન્દુમતી પારેખ– માજી પ્રમુખ, ઇન્ડીયન રેડીકલ હ્યુમેનીસ્ટ એસો. " આજે આપણે ગરીબી, અજ્ઞાનતા, વસ્તી વિસ્ફોટ, ધાર્મીક કટ્ટરવાદ, અને નસીબવાદી વલણના વિષચક્રમાં ફસાયેલા છીએ. માનવવાદી દ્રષ્ટીકોણ આ વિષચક્રને તોડવામાં આપણને મદદરૂપ થશે."...પાનુ..૧૨.
(૫) માનવવાદના સિધ્ધાંતો અને મુલ્યો– લે– પોલ કુત્સ, તંત્રી " ફ્રી ઇન્કાવયરી" યુ એસ એ. પ્રો પોલ કુત્સે માનવવાદી ઉદ્ઘોષણાઓ તરીકે ૨૦ સિધ્ધાંતો ઘણા બધા બૌધ્ધીકો તથા નોબેલ પ્રાઇઝ વિજેતા વૈજ્ઞાનીકોની મદદથી તૈયાર કર્યા છે. તેનો બિપીન શ્રોફે જે ભાવાનુવાદ તૈયાર કરેલો હતો તે અત્રે મુકવામાં આવ્યો છે. પાનું– ૧૧થી ૧૫.
(૬) સદર માનવવાદી ઉદ્ઘોષણોનું ખુબજ સરસ રીતે શ્રી પ્રેમનાથ બજાજ જેઓ એક સમયના કાશ્મીરમાં ભારતની આઝાદી પહેલાં, સ્વતંત્રતા માટેની ચળવળમાં સંઘર્ષ કરતા રેડીકલ હ્યુમેનીસ્ટ હતા, તેઓએ અંગ્રેજીમાં મુલ્યાંકન કરેલું છે. તેનું શ્રી અશ્વિનભાઇ ખુબજ સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ કરેલ છે. તેમના લેખમાં મોક્ષ અંગે આ પ્રકારના વિચારો રજુ કર્યા છે. " મોક્ષ અથવા નર્કની બીક ભ્રામક છે. તેથી નુકશાનકારક છે. આ બંને ખ્યાલો માનવીને તેના વર્તમાન જીવનની ચિંતા કરતા અટકાવે છે. આ વલણથી સામાજીક અન્યાયો દુર કરવાની હિંમત લોકોમાં પેદા થતી નથી. માનવીને કે તેથી કોઇપણ સજીવના મૃત્યુ પછી જીવનના અસ્તીત્વનો કોઇ વિશ્વાસનીય પુરાવો ઉપલબ્ધ નથી.પાનું ૧૯. વધુમાં જણાવ્યું છે કે ધર્મ અને રાજ્ય વચ્ચે સ્પષ્ટ ભેદરેખા જરૂરી છે. રાજ્યે એક ધર્મની તરફેણ કરવી જોઇએ નહી.સરકારી નાણાં કોઇધર્મના પ્રચાર માટે ખર્ચી શકાય નહી.ધાર્મીક સ્વાતંત્રય અધિકારમાં કોઇ ધર્મમાં ન માનવાની પણ છુટ હોવી જોઇએ. નાસ્તીકો તરફે રાજ્યનું તિરસ્કૃત વલણ ન હોવું જોઇએ. પાનું.૨૧.
(૭) માનવવાદ શું છે? લે. માજી જસ્ટીસ વી. એમ. તારકુંડે. અનુવાદક પ્રો. દિનેશ શુક્લ. મનુષ્ય બધી જ વસ્તુઓનો માપદંડ છે. મનુષ્ય સ્વંયમેવ ધ્યેય છે. કોઇ નેતા, વિચારસરણી કે રાષ્ટ્રવાદ જેવા સમુહના ધ્યેય સિધ્ધ કરવાનું તે કોઇ સાધન નથી... સ્વાતંત્ર્યના મુલ્યનું ઉદ્ગમસ્થાન માનવીના અસ્તીત્વ માટેના સંઘર્ષમાં રહેલું છે. તે સમગ્ર સજીવ જૈવીક જગતનું પાયાનું કે મુળભુત લક્ષણ છે...દરેક ઇષ્ટ સામાજીક ક્રાંતી કરતાં પહેલાં સાંસ્કૃતીક પરિવર્તન અનિવાર્ય છે..પાનું..૨૬.૨૭.
(૮) ભારતીય રેનેશાં પુર્નજાગરણ( દુન્યવી જ્ઞાન આધારીત) ક્રાંતી ની કસુવાડ. પ્રો. દિનેશ શુક્લ– ભારતમાં લગભગ આઠમીસદીની આસપાસ ઇહલોકને (વાસ્તવીક જીવન) બદલે પરલોક પર વિશેષ ભાર મુકતાં પ્રજા એવું માનવા લાગી કે ભૌતીક જગત એ માયા છે. માનવ શરીર આત્માને કેદમાં પુરનાર એક જેલ છે. જન્મમરણના ફેરામાંથી મુક્તિ એજ મનુષ્યના જીવનનો શ્રૈષ્ઠ આદર્શ છે. સંયમ, બ્રહ્મચર્ય, અનાશક્તિ, ધ્યાન વગેરે સમાજના સર્વશ્રૈષ્ઠ આદર્શો ગણાયા...આખો સમાજ કર્મના સિધ્ધાંતના પ્રભુત્વ નીચે જબ્બરજસ્ત આવી ગયો. તેણે પ્રવર્તમાન જ્ઞાતીપ્રથાના ભાગરૂપે જેને જંગલી કહેવાય તેવી અસ્પૃશ્યતાને દ્રઢીભુત કરવાનું કામ કર્યું. યુરોપના અંધકાર યુગ જેવો જ સમય ભારત માટે હતો. સાંસ્કૃતીક અને બૌધ્ધીક અંધકાર આખા દેશપર છવાઇ ગયો.... પાનું–૩૨.
(૯) એમ.એન. રોયના ગ્રુપ રેડીકલ હ્યુમેનીસ્ટ દ્રારા સને ૧૯૪૬માં પ્રકાશીત કરેલ હ્યમેનીસ્ટ મેનીફેસ્ટોના ૨૨ સીધ્ધાંતો– કાર્લ માર્કસે સને ૧૮૪૮માં કોમ્યુનીસ્ટ મેનીફેસ્ટો બહાર પાડયો હતો. ત્યારબાદ બરાબર આશરે ૧૦૦ વર્ષ પછી એમ. એન. રોયે પોતે અન્ય સાથીઓ સાથે લંબાણપુર્વક ચર્ચા કરીને માનવવાદી ઢંઢેરો સને ૧૯૪૬માં બહાર પાડયો હતો. જે માનવવાદી મુલ્યો કે સિધ્ધાંતો આધારીત વ્યક્તીગત જીવન અને રાજકીય, સામાજીક અને આર્થિક સમાજની ક્રાંતીકારી નવરચનાનું માળખું પુરુ પાડે છે. તેના બે અગત્યના બે સિધ્ધાંતો અત્રે તે પણ ટુંકમાં રજુ કરૂ છું.
સિધ્ધાંત નં–૨. " સ્વાતંત્ર્યની ઝંખના અને સત્ય માટેની ખોજ એ મનુષ્ય– પ્રગતી પાછળની મુળભુત પ્રેરણાઓ છે. સ્વાતંત્રયની ઝંખના એ ઉચ્ચ સ્તરે એટલે કે બુધ્ધી અને ભાવનાના સ્તરે ખેલાતી અસ્તીત્વ માટેની જૈવીક લડાઇ છે. સત્ય માટેની ખોજ પણ તેની આનુષિંગીકતા છે. પ્રકૃતી સંબંધી વધતું જતું જ્ઞાન, માનવીને પ્રાકૃતીક ઘટનાઓ, તેમજ ભૌતીક અને સામાજીક વાતાવરણના જકડી રાખતા પરિબળોથી ઉત્તરોત્તર મુક્તિ બક્ષે છે. જ્ઞાનનું વિષય વસ્તુ જ સત્ય છે."
સિધ્ધાંત નં ૪. " નિયત–નિયંત્રિત ભૌતીક પ્રકૃતિની પશ્ચાદભૂમીકામાંથી મનુષ્યનો આવિર્ભાવ થયો હોવાથી માનવી પણ તત્વત; બૌધ્ધીક ( રેશનલ) છે.. તે તેનો જૈવીક ગુણધર્મ હોવાથી તે મનુષ્યની સંકલ્પશક્તિથી વિપરીત ન હોઇ શકે. બુધ્ધીમત્તા અને ભાવના એકજ જીવશાસ્રીય ઉદ્ગમસ્થાન ધરાવે છે એમ ઘટાવી શકાય! હકીકતમાં મનુષ્યની સંકલ્પશક્તી એ ઇતીહાસનું સર્જન કરવામાં સૌથી નિર્ણાયક પરિબળ છે..... પાનું–૪૮.
(૧૦) આમુલ ક્રાંતીનો માર્ગ– લે– ભુતપુર્વ પ્રો. જયંતી પટેલ સમાજવીધ્યા ભવન ગુજ યુની. માજી પ્રમુખ, ઇન્ડીયન રેડીકલ હ્યુમેનીસ્ટ એસો. –– " ક્રાંતિઓના ઇતીહાસના અભ્યાસમાંથી તારણ નીકળે છે કે ક્રાંતીનું પ્રેરક બળ સમગ્ર પ્રજા અથવા / અને અમુક વર્ગની વંચિતાની લાગણી જવાબદાર હોય છે......વિચારો અને સંસ્કારો માત્ર સમાજનું ઉપલકનું તંત્ર( સુપરસ્ટ્રક્ચર ) નથી. પણ તે પણ માનવ ઇતીહાસનું પ્રેરક બળ છે.....ભૌતીકવાદ અનુસાર પ્રથમ પદાર્થ અસ્તીત્વમાં આવ્યો ત્યારબાદ સભાનતા ( કોન્સીયસનેસ) કે ચેતનાનો તેમાંથી વિકાસ થયો..ખરેખરતો સભાનતા કે ચેતના, મગજ અને વિચાર પદાર્થના જ શ્રૈષ્ઠ સ્વરૂપો છે.
આ ઉપરાંત ઇન્દુકુમાર જાનીએ કોમવાદ અને જાતીવાદના પ્રશ્નો કેવી રીતે માનવવાદી વિચારસરણી દ્રારા ઉકેલી શકાય તે વાત ખુબજ સરસ રીતે પોતાના લેખમાં સમજાવી છે. સક્રીય કર્મનીષ્ઠ મનીષી જાની(અમદાવાદ) તથા પ્રો મિહિર દવે( પાલનપુર) એ માનવતાવાદ અને માનવવાદ વચ્ચે તાત્વીક રીતે કયો તફાવત છે તે બે તજજ્ઞોએ પોતાની રીતે ખુબજ સરસ રીતે સમજાવ્યું છે. માનવવાદી વિચારસરણીમાં કેવી રીતે લૈગિંક સમાનતા અભિપ્રેત ( ઇન બીલ્ટ) છે તે તાર્કીક રીતે હિમાશીં શેલતે સમજાવી છે. આ ઉપરાંત દેશના રાષ્ટ્રીય કક્ષાના માનવવાદી વિચારસરણીના વિચારકો તેમજ કર્મનીષ્ઠો જેવા કે ડૉ. ઇન્નૈઆહજી, પ્રો નિરંજન ધર, આબે સોલોમન,ઇદ ડોએર, માજી વાઇસ ચાન્સેલર આંધ્ર યુની. પ્રો.એચ નરસીંહૈયાહ વી. ના અભ્યાસપુર્ણ લેખોનો ભાવાનુવાદ પ્રો. કારીઆ સાહેબે કર્યો છે.
મારા મત મુજબ સમગ્ર પુસ્તકને ત્રણેક ભાગમાં વહેંચી નાંખીને તે બધા વિષયો પર અભ્યાસ શિબિરો કરવાની જરૂર છે.
માનવવાદ પુસ્તક કુલ ૮૮ પાનાનું છે. સહયોગ ધનરાશી રૂ–૭૦ છે.
પ્રકાશક અને પુસ્તકનું પ્રાપ્તિ સ્થાન ગીરીશ સુંઢીયા, મહામંત્રી, બનાસકાંઠા જીલ્લા અંધશ્રધ્ધા નિર્મૂલન સમિતિ, ૬૯/૨ ચાણક્ય સોસાયટી,પાલનપુર( ૩૮૫૦૦૧) મો.94266 63821.
--