જુની – નવી સોનાવાલા હાઇસ્કુલનો વિવાદ– કિતના સચ– કિતના જુઠ.
બીપીન શ્રોફ. લુહારવાડ, મહેમદાવાદ. મો. 97246 88733.
છેલ્લા થોડાક દિવસોથી નામ વિનાની પત્રીકા તથા વોટસપર નામ વિનના મેસેજ દ્ર્રારા સોનાવાલા હાઇસ્કુલના જુના મકાનને નહી તોડવાના અંગે આપણા ગામના નગરજનો સમક્ષ કેટલીક વાતો રજુ કરવામાં આવે છે. સૌથી ખુબીની કે આશ્ચર્યજનક હકીકત આ વિવાદમાં મહત્વની બાબત એ છે કે પત્રીકાઓ બહાર પાડનારા અને વોટસઅપ મેસેજ મુકનારાઓને પોતાના નામો જાહેર કરવાની હિંમત નથી. જો સત્ય તેમની દલીલોમાં હોય તો કયા કયા કારણોસર આ રાવબહાદુરો પોતાના નામો પ્રજા સમક્ષ જાહેર કરવામાં ગભરાય છે. શા માટે ગભરાવ છો? તેમને ખબર હશે કે નહી પણ હું તે બધાની જાણ માટે જણાવું છું કે નનામી પત્રીકા અને પત્રીકામાં પ્રેસનું નામ ન લખવું તે પોતે જ એક ક્રીમીનલ ગુનો બની ગયો છે. જેમાંથી તમે છટકી શકશો નહી. જો કે તે મારો વિષય નથી.
(૧) સૌ પ્રથમ સમસ્ત ગામના નગરજનોની માહિતી માટે જણાવું છું કે આ સ્કુલનું મકાન સને ૧૯૪૦–૪૨માં બનેલ છે. આશરે ૮૦ વર્ષો પહેલાં અને તે પણ જે તે સમયની ઉપલબ્ધ ટેકનોલોજીને આધારે. દા.ત સ્કુલના ધાબાનું તળિયું આર સી સીનું બનેલું નથી.
(૨) આવા જુના મકાનમાં આશરે પાંચ– સાત વર્ષ પહેલાં એક રાત્રે ધાબા પરનો એક મોટો ટુકડો પહેલા માળની વહીવટી ઓફીસના બાજુના ક્લાસરૂમમાં શિક્ષકના ઉભા રહેવાના બેસવાના ટેબલ ખુરશી પર તુટી પડયો હતો.
(૩) તે સમયે સોનાવાલા હાઇસ્કુલ બોર્ડઓફ મેનેજમેંટનો વહીવટ ટ્રસ્ટડીડની જોગવાઇઓ પ્રમાણે ચાલુ ન હતો. કારણકે નગરપાલીકાનો વહીવટ તાલુકા મામલતદાર સાહેબ પાસે હતો . જે તે સમયના આચાર્યે બીજે દિવસે સવારે મામલતદાર સાહેબને બોલાવીને સ્કુલના ધાબાનો કેટલોક ભાગ તુટવાની હકિકતથી સ્થળ પર લઇ જઇને વાકેફ કર્યા હતા. મામલતદાર સાહેબે તાત્કાલીક જીલ્લા કલેકટરને પરિસ્થીતીથી વાકેફ કર્યા.
(૪) નવી સ્કુલબોર્ડની રચના થતાં બોર્ડના તમામ સભ્યોએ ( દાતા સોનાવાલા શેઠના પ્રતીનીધીઓ સહિત) સ્કુલ જમીનના આજ સર્વે નંબર ૯૩૭માં જેને ટ્રસ્ટની જોગવાઇઓ પ્રમાણ 'ફર્સ્ટ પ્રોપર્ટી' જાહેર કરી છે તેમાંજ નવું મકાન બાંધવાનો નીર્ણય સદર જુના મકાનના પાછળના ભાગમાં કર્યો હતો. કારણકે ટ્રસ્ટડીડની જોગવાઇઓ મુજબ તેના સંલ્ગન સર્વે નંબર ૩૧૩–એ–૨ ' સેકંડ પ્રોપર્ટી ' તરીકે રમતગમતના મેદાન માટે ' ઓપન ટુ સ્કાય' ખુલ્લો રાખવાનો છે. નવા મકાન તૈયાર થતાં વીધ્યાર્થીઓને તાત્કાલીક જુના મકાનમાંથી નવા મકાનમાં ટ્રાન્સફર કરી દેવા. જેથી જુના મકાનમાં કોઇ અકસ્માત થાય તો વિધ્યાર્થીઓની જાન હાની થાય નહી. અને જુનું મકાન જમીનદોસ્ત કરી દેવું. આ બધીજ કાર્યવાહીમાં મુંબઇના સોનાવાલા શેઠના પ્રતીનીધીઓની ઠરાવોમાં સહીસીકકાઓ છે.નિર્ણય લેતા સમયે હાજરી પણ હતી.
(૫) સ્કુલનું નવું મકાન આશરે ત્રણ કરોડ અને ૭૦ લાખ રૂપીયા મહેમદાવાદ નગરપાલીકાના સ્વભંડોળમાંથી જોગવાઇ કરીને માનનીય કલેક્ટર સાહેબે બાંધકામ માટે પોતાની સંપુર્ણ દેખરેખ નીચે ખર્ચ્યા છે.
(૬) નવા બિલ્ડીંગનું નામ જુના બિલ્દીંગ પ્રમાણે શેઠ જે એચ સોનાવાલા હાઇસ્કુલ જ રાખેલ છે. સોનાવાલા શેઠના કુટુંબના જે ફોટાઓ હતા તે બધા જ ફોટાઓ સન્માનીય રીતે નવા બિલ્ડીંગના પ્રવેશદ્રાર નજીકની દિવાલો પર મુકેલ છે.
(૭) સોનાવાલા શેઠના પ્રતિનિધીઓ દ્રારા મહેમદાવાદની સીવીલ કોર્ટમાં જુનું મકાન ન તોડવા માટે મનાઇહુકમની માંગણી કરેલી. જેને બંને પક્ષકારોની રજુઆતો સાંભળીને નામદાર કોર્ટે ના મંજુર કરી છે. તેનો સાદો અર્થ થાય છે કે જુના જોખમકારક જર્જરીત મકાનને ઉતારી લેવાની સત્તા ટ્રસ્ટી તરીકે નગરપાલીકાને છે. જે પ્રમાણે કામ કરવું મહેમદાવાદ નગરપાલીકાની કાયદાકીય અને નૈતીક ફરજ થઇ પડે છે..
(૮) નવા બિલ્ડીંગની લોકાર્પણવિધીમાં મુંબઇવાળા સોનાવાલા શેઠના પ્રપૌત્ર માનનીય શ્રી અન્શુમનભાઇ મુકુલભાઇ સોનાવાલા હાજર રહ્યા હતા તેવી નોધં સ્કુલના રેકર્ડમાં છે.
(૯) ટ્રસ્ટડીડની કલમ૨૩ની જોગવાઇ મુજબ ગુજરાત સરકારના શિક્ષણખાતાના માન્ય અભ્યાસક્રમ અને પરવાનગીથી મળેલ ફરજો પ્રમાણે જ સદર સ્કુલનો વહીવટ સોનાવાલા હાઇસ્કુલ બોર્ડ ઓફ મેનેજમેંટ ( મહેમદાવાદ નગરપાલીકા–ટ્રસ્ટી) દ્રારા કરવો ફરજીયાત છે.જે છેલ્લા આઠ દાયકાથી ચાલતો આવેલો છે. તેથી વોટસઅપ પત્રીકામાં જણાવેલ ' માનવ ચેતના ટ્રસ્ટ' જેવી ખાનગી સંસ્થા સાથે આ પત્રીકાના લખનારાઓએ જુના મકાનનો ઉપયોગ કરીને કરેલા સોદામાં ગામના બાળકો અને વાલીઓના શૈક્ષણીક કલ્યાણની વાત કરતાં પોતાના કલ્યાણની મહેક વધારે આવે છે. આપણા ગામમાં નીજી ધંધા તરીકે ચાલુ શૈક્ષણીક સંસ્થઓની સંખ્યા આશરે ૨૨થી વધારે છે.
(૧૦) અમને વીશ્વાસ છે કે પત્રીકામાં વાપરેલી ભાષામાં ગામના નાગરીકો માટે જે લાગણીસભર શબ્દો વાપરવામાં આવ્યા છે તેનાથી સાવધાન અને જાગૃત બની જો. તે તેમની બૌધ્ધીક કે શૈક્ષણીક લાયકાત કે ક્ષમતા બતાવે છે. નહી તો શા માટે આ બહાદુરોએ પોતાના નામો છુપાવ્યા છે. પ્રજા હિતમાં કામ કરનારાઓએ જે કામો કરેલ છે તેમાં છુપાવવાનો શો અર્થ?
મારે હેતુ આ પ્રશ્નમાં ગામના નાગરીકોને જાગૃત કરવા સિવાયનો કોઇ નથી.