Thursday, April 1, 2021

વીશ્વ આધુનિક કેવી રીતે બન્યું?

પુસ્તકના લેખક–ડો પ્રવીણ જે. પટેલ ( સરદાર પટેલ યુની. વિધ્યાનગરના માજીવાઇસચાન્સેલર અને  ભુતપુર્વ પ્રો. સમાજશાસ, એમ. એસ. યુની. વડોદરા.)

સદર પુસ્તકનું આમુખ યુ કે સ્થિત લોર્ડ પ્રો. ભિખુભાઇ પારેખે લખ્યું છે. પુસ્તકનું અર્પણ – એક સમયના ક્રાંતીકારી વિચારક અને બરોડા રેનાંશા કલ્બના આધ્યસ્થાપક, વડોદરાના રાવજીભાઇ પટેલ ( મોટા) અને પ્રો.ડૉ વિનુભાઇ કોઠારી, ભુતપુર્વ વડા અર્થશાસ્ર વિભાગ એમ. એસ. યુની. વડોદરા ને અર્પણ કરેલ છે.

લેખક પ્રવીણભાઇએ સદર પુસ્તકમાં એકી સાથે બે પ્રશ્નો ઉકેલવાનો ખુબજ બૌધ્ધીક અને ગંભીર પ્રયત્ન કરેલ છે. એક વિશ્વ આધુનિક કેવી રીતે બન્યું  અને બે ભારત કેમ આધુનીક રાષ્ટ્ર ન બન્યું?  બંને પ્રશ્નોના જવાબ લેખકે સરસ રીતે આપ્યા છે. આ અંગેના પૃથ્થકરણમાં લેખકે પોતાનું બૌધ્ધીક સાતત્ય જાળવી રાખ્યું છે.

(1) ભારતનું અધુરુ આધુનીકરણ –ભારતના સમાજ જીવનમાં હજુ પણ ધર્માંધાતા, અંધશ્રધ્ધા, વહેમ, મંત્ર–તંત્ર, ચમત્કાર,તથા બનાવટી સાધુબાવાઓનું વલણ બેસુમાર છે. આઝાદીના ૭૦ વર્ષ પછી પણ આપણી સદીઓ પુરાણી સંસ્કૃતિ અને સમાજ વ્યવસ્થામાંથી ઉભા થતા કેટલાક પ્રશ્નો આપણો કેડો જ છોડતા નથી. જ્ઞાતીપ્રથા અને તેમાંથી ઉપજતા સંઘર્ષો, ભાષાકિય અને ધાર્મીક ઓળખના( Identity) સંકીર્ણ ખ્યાલોને લઇને છાશવારે થતાં કોમી હુલ્લડો; ખાપ જ્ઞાતી(પંચાયતો) દ્રારા વ્યક્તીઓના અંગત જીવનમાં થતી બિનજરૂરી દખલ, જ્ઞાતી કે પરિવારના  સન્માન ખાતર કરાતી હત્યાઓ ( Honour killings), સ્રીઓ, દલિતો અને અન્ય નબળા વર્ગોની દયનીય સ્થિતિ, દિકરીઓને જન્મના અધિકારથી વંચીત રાખવા માટે થતી ભૃણહત્યાઓ; આપણી સરકારોની અક્ષમ્ય બિનકાર્યક્ષમતા; લોકશાહીના નામે સંસદની અંદર અને બહાર થતી વરવી અથડામણો વગેરે આવા પ્રશ્નોના કેટલાક ઉદાહરણો છે. તેથી સ્વાભાવીક રીતે જ કોઇપણ ચિંતનશીલ વ્યક્તીને થાય કે  એકવીસમી સદીમાં પણ આપણે આધુનીક સભ્યતાથી આટલા બધા દુર કેમ છીએ ? પાન–૮.

(2) પશ્ચિમની આધુનીક સંસ્કૃતીમાં આજે માનવ ગરીમા ( ડીગનીટી ઓફ ધી ઇન્ડીવીડયુઅલ), લોકશાહી સ્વતંત્રતા, સામાજીક ન્યાયનો સિધ્ધાંત,વિજ્ઞાન, નિત્ય નવી નવી ટેકનોલોજી,વગેરેને સાહજીકતાથી લેવામાં આવે છે. પણ તેના મુળિયાં લગભગ અઢીહજાર વર્ષ પહેલાં પ્રાચીન ગ્રીસના વિદ્વાનોએ શરૂ કરેલ તર્કયુક્ત અને અનુભવજન્ય વિચારધારામાં રહેલાં છે. આ હજારો વર્ષો પુર્વેની વિચારધારાને સહારે પશ્ચિમના જગતે છેલ્લાં ચારસો–પાંચસો વર્ષોમાં અનેક હેરત પમાડનારી વૈજ્ઞાનીક અને તકનીકી શોધો કરી છે. તેને લઇને પશ્ચમી જગત ફક્ત સમૃધ્ધ જ નહી પણ તાકાતવર બન્યું છે. તેણે ખેતીપ્રધાન અર્થતંત્રમાંથી આધુનીક ઔધ્યોગીક અર્થવ્યવસ્થા તરફ પ્રયાણ કર્યું. અને સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પોતાની આણ વર્તાવી છે. તદ્ઉપરાંત તેમના સામાજીક આર્થીક જીવન વિશે તાર્કીક ને વસ્તુલક્ષી ( Objective) રીતે વિચારી અને અનેક સુધારા કર્યા. સામંતશાહી રાજ્યપધ્ધતિનો ત્યાગ કરીને  ઉદારમતવાદી લોકશાહી પ્રથાનો વિકાસ કર્યો. આ બધા જ પરિવર્તનોએ  યુરોપના દેશોને આધુનીક બનાવ્યા છે.  પાન.૯

(3) અંગ્રેજ રાજ દરમ્યાન, આપણા દેશમાં ૧૯મી સદી સુધી આધુનીક યુરોપીયન વિચારોનો પરિચય ન થયો ત્યાં સુધી ભારતની  સનાતન વિચારધારા સામે  કોઇ મોટા પડકારો ઉભા થયા નહી. પરિણામે જેને પાયાના કે ક્રાંતીકારી વિચારો ફ્રાન્સ અને અમેરીકન ક્રાંતી પછી સમગ્ર પશ્ચીમ દેશોમાં થયા તેવા મોટા વિચારપલટાઓ (Paradigm shifts) ભારતની વિચાર પરંપરામાં આવ્યા નહી.પાન–૧૦.

(4) પશ્ચીમનો વિચાર વારસો–પ્રાચીન કાળથી પશ્ચીમના વિચારકો દૈવીતત્વોને વચ્ચે લાવ્યા વિના ભૌતીક જગતનું જ્ઞાન મેળવવા સતત મથામણ કરતા આવ્યા છે.ભૌતીક વિશ્વ અનેક પરીમાણી (Multidimensional) તથા સતત પરિવર્તનશીલ (Dynamic) હોવાથી  સ્વાભાવીક રીતે જ તે અંગે જુદા જુદા દ્ર્ષ્ટીકોણથી જોઇ શકાય છે. આવા જુદા જુદા અવલોકનોને લીધે  ભૌતીક જગતના અસલી કે આદર્શ સ્વરૂપ અંગે પશ્ચીમમાં અનેક વાદવિવાદો કે મતમતાંતરો સતત ઉભા થતા આવ્યા છે. કેટલાક વિદ્વાનોના મતે  આવા અવિરત ચાલતા વાદવિવાદ એ પશ્ચીમી સંસ્કૃતીનું આગવું લક્ષણ છે. આવા વિચારવલોણાને લીધે પશ્ચીમમાં અનેક મોટા વિચારપલટાઓ ( Paradigm Shifts) આવ્યા છે. આવા વિચારપલટાઓને સમજવા માટે લેખકે સરસ રીતે ટુંકમાં પશ્ચીમીવિચારધારાને ત્રણ ભાગમાં વિભાજીત કરી છે. એક પ્રાચીન યુગ, બે મધ્યયુગ અને ત્રણ આધુનીક યુગ. પાન–૧૧.

(5) આમ  સમય જતાં પશ્ચીમી જગતમાં લોકોની ધર્મ પ્રત્ત્યેની વફાદારીનું સ્થાન રાષ્ટ્ર પ્રત્યેની વફાદારીમાં પરિવર્તન થઇ ગયું....અસમાનતા અને અન્યાયને પોષક એવી  સામંતશાહી રાજનીતિને સ્થાને સમાનતા અને લોકશાહી મુલ્યો અસ્તિત્વમાં આવ્યા. ખેતી આધારીત અર્થવ્યવસ્થા તથા સમાજવ્યવસ્થાના સ્થાને  મુડીવાદી ઔધ્યોગીક અર્થવ્યવસ્થા અમલમાં આવી ગઇ..... સામાજીક ન્યાય અને નાગરીકતાનો ખ્યાલ વિકસ્યો....પાન.૧૭.

ઉપર જણાવેલા માનવ પરિવર્તનના પ્રવાહોને સમજવા માટે લેખકે  પુસ્તકને ત્રણ જુદા જુદા ખંડોમાં વહેંચી નાંખ્યું છે.

પ્રથમ જ્ઞાન મિમાંસા, બે સામાજીક મિમાંસા અને ત્રણ રાજકીય મિમાંસા.

(અ)ખંડ એક– જ્ઞાન મિમાંસામાં લેખકે  જ્ઞાન, વિજ્ઞાન અને સત્યની વિભાવનાઓની પુસ્તકના મુખ્ય વિચાર વૈશ્વીક આધુનીકતાને ન્યાય મલે તે દ્રષ્ટીએ ખુબજ સરસ અને સરળ નિરૂપણ કરેલ છે. ભારતીય વિચારજગતમાં અને પશ્ચીમી વિચાર જગતમાં જ્ઞાન–વિજ્ઞાન– અને સત્યના ખ્યાલોનો વિકાસ કેવો થયો છે, આપણા દેશમાં ભૌતીક વાસ્તવીકતાને બદલે જગતને માયા ગણીને મોક્ષ–અધ્યાત્મ– અને પાપ–પુન્ય વીના ખ્યાલોમાં સમાજને ગળાડુબ રાખીને માનવ સહજ વિકાસને અવળા પાટે કેવી રીતે લઇ જવામાં આવ્યો તેના પરિણામો કેવા આપણે ભોગવી રહ્યા છે તેનું બૌધ્ધિક પણ ખુબજ સરળ સામાન્ય માણસ સમજી શકે તે રીતે લેખકે  આ બધા વિષયોને ન્યાય આપ્યો છે.

(બ) ખંડ બે– સામાજીક મીમાંસામાં લેખકે મનુષ્ય, સારુ જીવન,  સામાજીક અસમાનતા, ન્યાય, અને  સામાજીક ન્યાય જેવા વિષયોની સરસ ચર્ચા કરેલ છે. મનુષ્ય એટલે શું? ભારતિય ચિંતન પ્રણાલીમાં માનવી એક  પુર્વજન્મ, વર્તમાન જન્મ અને પુર્નજન્મના વર્તુળકાર સમયનું કે ( Circular Time)૮૪લાખ જન્મના ફેરામાં 'કરોળીયાના જાળામાં' ફસાયેલું એકમ. તેની સામે પશ્ચીમી જ્ઞાન આધારીત માનવની વિભાવનાને ક્રમશ; સાર્વભૌમ (Sovereign) પોતાનો ભાગ્ય વિધાતા પોતે જ છે તેવીરીતે સત્તાધીશ બનાવ્યો. અંગ્રેજીમાં જેને " Life, liberty & pursuit of happiness જેવા ભૌતીક અને માનવીય મુલ્યોને પોતાના માર્ગદર્શક બનાવીને માનવકેન્દ્રી સમાજ, અર્થ અને રાજ્યવ્યવસ્થાનું નિર્માણ કર્યું. જન્મજાત કે સામાજીક અસમાનતાથી પેદા થતા સંઘર્ષોને હકારાત્મક રીતે ઉકેલ્યા. તેની સામે ભારતીય સમાજમાં અસમાનતાના પોતે જે અશાંતી, હિંસા અને સામાસામી હિતોના સંઘર્ષોનું બુધ્ધીગમ્ય પૃથ્થકરણ કરેલ છે. તેવીજ રીતે લેખકે કુદરતીન્યાયના સિધ્ધાંતનો ક્રમશ વિકાસ કેવી રીતે થયો અને કેવી રીતે  તે અબાધિત કુદરતી માનવ અધિકારો બની ગયા તેનું પણ સરસ નિરૂપણ કરેલ છે. સારુ જીવન એટલે સાદુ જીવન નહી તે મુદ્દો પણ લેખકે લીધો છે.

(ક) ખંડ ત્રણ– રાજકીય મીમાંસામાં  લેખકે સરકાર, લોકશાહી  સ્વતંત્રતા અને  નાગરીકની ચર્ચા કરેલ છે. વર્તમાન સરકાર એટલે લોકો પર શાસન કરતી સરકાર. સરકાર અને રાજ્ય વચ્ચે તફાવત હોય છે. રાજ્ય કાયમી છે. જ્યારે સરકારમાં સત્તા પરિવર્તનો નિહિત હોય છે. રાજ્યનું સત્તાવિહીન બનવું, ચીમળાઇ જવું, ( The State shall weather away) તે ખ્યાલ જ અરાજકતા તરફ સમાજને દોરી જનારો છે. સમાજમાં શાંતી અને  વ્યવસ્થા માટે રાજ્ય અનિવાર્ય છે... જીસ કી લાઠી ઉસકી ભેંસ તેવી વ્યવસ્થાનો ખ્યાલ જ વ્યક્તિગત હિત અને સામુહિક હિત માટે બિલકુલ અયોગ્ય છે.... ભારતીય  પ્રાચીન વિચારધારામાં રાજ્ય એટલે રાજાશાહી રાજ્યવ્યવસ્થા. તેમાં રાજાને પ્રજાપર રાજ્ય કરવાના દૈવી હક્ક્ને અનુમોદન આપવામાં આવેલ હતું. જે ભારત સને ૧૯૫૦માં પ્રજાસત્તાક બનતાં નાબુદ કરવામાં આવેલ છે. સ્વતંત્રતતાના ખ્યાલને લેખકે વ્યાજબી નિયંત્રણ સાથે યોગ્ય ગણયો છે. જે પ્રજાના જાહેરહિત માટે  જરૂરી છે.

લેખકે વધુમાં ખાસ કરીને ઇગ્લેંડમાં લોકશાહી પ્રથા ક્રમશ સને ૧૨૧૫ કે તેરમી સદીથી ' મેગ્ના કાર્ટા' કેવી રીતે રાજાના અબાધિત દૈવી હક્ક્ને નિયમન કરીને પ્રજામાં લોકશાહી મુલ્યો પ્રસ્થાપિત કર્યા તેની પણ નોંધ આ વિષયના પૃથ્થકરણમાં લેવાનું ભુલ્યા નથી.રાજકીય મીમાંસાના આ પ્રકરણમાં માનવી કેવી રીતે પ્રાચીન સામાજીક ઓળખ જેવી કે ટોળી, કબીલો, જ્ઞાતી, જાતી, પ્રાદેશીક ઓળખમાંથી તે નાગરીક ( DEMOS) બની અને  ઇશ્વર અને રાજ્યસત્તાધીશોની ઢુંસરીમાંથી મુક્ત બની તે બધાનો નિયામક બન્યો તેની ઉત્ક્રાંતિ પણ તેમાં ચર્ચી છે.

આમ જોઇએ તો સૌ રેશનાલીસ્ટ, માનવવાદી, લોકશાહીના ચાહકો માટે તેમજ રાજકારણ, સમાજકારણ અને તત્વજ્ઞાનના વિધ્યાર્થીઓ માટે પણ " વિશ્વ આધુનિક કેવી રીતે બન્યું? " પુસ્તક માર્ગદર્શક, મિત્ર અને ધ્રુવતારક બની શકવાની ક્ષમતા ધરાવે છે.

પુસ્તકનુંપ્રાપ્તિ સ્થાન–  પ્રવીણ જેં પટેલ, ૧૦૦૧, "પવનવીર" પ્રતાપગંજ, વડોદરા–૩૯૦૦૦૨. મો. 98797 63083 .

પુસ્તકની સહયોગ રાશી ૨૦૦/ (બસો).

પ્રકાશક–ગૂર્જર સાહિત્ય પ્રકાશન,૧૦૨, લેન્ડમાર્ક બીલ્ડીંગ, 'ટાઇટેનીયમ' , સીટી સેન્ટર પાસે , સીમા હોલ સામે , ૧૦૦ ફુટનો રોડ, પ્રહલાદનગર, અમદાવાદ-380015. Mo- 98252 68759.

બીપીન શ્રોફ. 97246 88733.

 


--