Hindutav & Naxlites
નક્ષલવાદ એક વિચારસરણી તરીકે શું છે તે સમજવાની કોશીષ અગાઉના લેખમાં કરી. મિલકતની વહેંચણી અને માર્કસવાદી અર્થશાસ્રના આધારે શસ્રો અને હિંસાનો ઉપયોગ કરીને નવી રાજ્ય વ્યવસ્થા પેદા કરવા માટે શું કરવું જોઇએ તેની ચર્ચા કરી હતી.
આર એસ એસ,તેના સંચાલીત અસંખ્ય સંસ્થાઓ અને ભારતીય જનતા પાર્ટી પોતે પણ વ્યુહાત્મક અને વૈચારીક રીતે સ્પષ્ટ છે કે ભારતમાં અમારો આખરી ધ્યેય હિંદુ રાજ્યની સ્થાપના કરવાનો છે. હિંદુ રાજ્યનું વૈચારીક મોડેલ મનુસ્મૃતિ અને વર્ણવ્યવ્સ્થા આધારીત દેશના તમામ નાગરિકોના સંબંધો નક્કી થશે. હિંદુ– વર્ણવ્યવસ્થા સિવાયના કોઇ અન્ય ' ઘર બાહિરે 'નું તેમાં સ્થાન અસ્વીકાર્ય છે. આ વિચારસરણીનો મુખ્ય આધાર સ્તંભ ' જગત મિથ્યા ને બ્રહ્મ સત્ય ' છે. જે હકીકત, ભૌતીક કે વાસ્તવિક છે તે માયા છે ને જે કાલ્પનિક, આભાસી છે ,ઇન્દ્રીયાતીત છે તે સત્ય છે. વધુમાં શરીર નાશવંત છે આત્મા નહી. વર્તમાન જન્મ, પુર્વજન્મના કર્મો, ને પુનર્જન્મ, આ બધુ વર્તુળ આકારે અનંતકાળથી ચાલ્યું આવે છે. ટુંકમાં આ અમારુ હિંદુ વૈચારીક મોડેલ છે. તેને અસ્થિર કરવાના પ્રયત્નો સદીઓથી ,લોકાયન, ચાર્વાક, ગૌતમબુધ્ધ અને છેલ્લે આંબેડકર વિગેરેએ કર્યા છે.પણ અમે તે પ્રયત્નોને સફળ થવા દેતા નથી.
શું ભારત એક દેશ તરીકે હિંદુત્વવાદી નક્ષલવાદનો શિકાર બની ગયું છે? હા, તો કેવી રીતે?
ઉપરના લેખની ચર્ચામાં આપણે નક્ષલવાદની તમામ વ્યવસ્થા પરિવર્તન માટે ની વિભાવના સમજી ગયા છે. નક્ષલવાદ એક વિચારસરણી તરીકે લોકશાહી મુલ્યો સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, બંધારણીય નૈતીકતા, બંધારણીય રાષ્ટ્રવાદ, વૈજ્ઞાનીક અભિગમ, સત્તા અને નિર્ણયોના વિકેન્દ્રીકરણમાં બિલકુલ વિશ્વાસ ધરાવતો નથી. તે લોકભાગીદારીથી નાગરિકો પોતાનો વિકાસ કરી શકે છે તેમાં વિશ્વાસ નથી. તે કાયદાના શાસન તથા બંધારણીય દ્રારા વિકસીત ન્યાયતંત્રમાં વિશ્વાસ ધરાવતા નથી. નક્ષલવાદીઓના વર્તનમાં સતત અહેસાસ થાય છે કે હિંસા દ્રારા રાજ્યનો કબજો મેળવી શકાય છે. હિંસા અને સત્તાના ભયથી પ્રજાને નિયંત્રણમાં રાખી શકાય છે. તેમના નેતાએ કે તેમની પ્રવૃત્તીઓને સંચાલન કરતી ટોળકીના નિર્ણયો અપરિવર્તનશીલ, ચર્ચા કે સંવાદથી પર અને ઉપરથી નીચે તરફ (TOP – DOWN) સભ્યોએ કે કેડરે પોતાની વિવેકશક્તિ કે નવા જ્ઞાન કે માહિતીનો ઉપયોગ કર્યા સિવાય લશ્કરી શિસ્ત પ્રમાણે માત્ર અમલ જ કરવાનો હોય છે.
હવે આપણે દેશના હિંદુત્વવાદીઓ અને તેમની વિચારસરણી કઇ રીતે નક્ષલવાદથી જુદી નથી તેનો તટસ્થ અભ્યાસ કરીએ.
(1) હિંદુત્વવાદીઓનું એક નંબરનું દુશ્મન દેશની લોકશાહી સમાજ અને રાજ્ય વ્યવ્સ્થા છે. સને ૧૯૫૦માં ૨૬મી જાન્યુઆરીએ જે પ્રજાસત્તાક વ્યવસ્થા અમલમાં આવી છે તે વચગાળાની અને હંગામી છે. તે તંત્રનો એકવાર કબજો મળે પછી શામ. દામ. દંડ અને ભયનો ઉપયોગ કરીને પછી તેમનું ધ્યેય કે સ્વપ્ન દેશને હિંદુ રાષ્ટ્ર માં રૂપાંતર કરવાનું છે.
(2) પ્રજાસત્તાક,સાર્વભૌમ,ધર્મનીરપેક્ષ, અને દરેકને બંધારણીણ સમાનતા બક્ષતું રાજ્ય ન જોઇએ.
(3) દેશની તમામ રાજકીય, સામાજીક, આર્થીક,શૈક્ષણીક, વહીવટી, ન્યાયીક વ્યવહારો મનુસ્મૃતી અને વર્ણવ્યવ્સ્થા આધારીત હોવા જોઇએ. રાષ્ટ્ર ધ્વજ તિરંગો ન જોઇએ પણ ભગવો ઝંડો લહેરાવો જોઇએ.
(4) લોકશાહીનો મુળભુત અને પાયાનો ખ્યાલ માનવ માત્ર સમાન છે તે હિંદુત્વને માન્ય નથી. હિંદુ રાજ્ય વ્યવસ્થામાં સ્રીઓએ ફક્ત બે કામ કરવાનાં છે. રાષ્ટ્ર માટે બાળકો પેદા કરવાના અને ઘરમાં જ રહીને હિંદુ સંયુક્ત કુટુંબ વ્યવ્સ્થા અને તેના આધારીત નૈતીક જીવન જીવવાનું છે, વ્યવહારો કરવાના છે.સ્રીઓએ ઘરની બહાર કોઇપણ પ્રવૃત્તી કરવાની નથી. રાજા રામ મોહનરાય, મહાત્મા જ્યોતિબા ફુલે ને સાવિત્ર બા ફુલેના સંદેશાઓ હિંદુ વર્ણવ્યવસ્થાના સ્ટીમરોલર સામે કિસ ગિનતીમેં !
(5) છેલ્લા આશરે ૭૫ વર્ષોથી સતત બંધાતા આવેલા પ્રજાસત્તાક પીરીમીડને યેનકેન પ્રકારે અમારે જમીનદોસ્ત કરવાનો છે. તે માટેની કોઇ સાધન શુધ્ધી અમને માન્ય નથી.પેલા માઓવાદી નક્ષલવાદીઓની પ્રવૃત્તી ' સત્તા બંદુકના નાળચામાંથી નીકળે છે તે માન્ય છે. અમાન્ય નથી.' તે માટેના અમારા પ્રેરક બળો હીટલર, મુસોલિની ને માઓ વિ છે. મનુસ્મૃતી અને વર્ણવ્યવ્સ્થા આધારીત ઉંચનીચ અને અસમાન સમાજ પેદા કરવામાં અમારે ક્યાં દાણી છુપાવવાની છે.
(6) હિંદુ રાજાશાહીમાં, જેમ સમાજની બચત ફક્ત રાજાઓ, જમીનદારો, શાહુકારો,અને અમીર ઉમરાવો પાસે કેન્દ્રીત હતી તેમ વર્તમાનમાં અમારી રાજ્ય સત્તાનો ઉપયોગ અદાણી– અંબાણી જેવા મુડીવાદી કોર્પોરેટ અને રાજ્ય પ્રેરીત ધર્મસંસ્થાનોમાં એકત્રીત હશે. જ્યારે પ્રજા પાસે તે બધાના સ્થાપિત હિતો સાચવવા ભૌતિક શ્રમ સિવાય કોઇ જાતની બચત જ ન હોય તે પ્રમાણે નીતીઓ તૈયાર કરવા અમારુ નીતી આયોગ તૈયાર છે.એક સમયે નીતી આયોગના ટોચની કક્ષાના સક્ષમ અધિકારીએ ખુલ્લે આમ જાહેર કર્યુ હતું કે દેશના નાગરીકોને કેટલી સ્વતંત્રતા જોઇએ છીએ? દલિતો, આદિવાસીઓ,ઓબીસી,ઇબીસી, સ્રીઓ, લઘુમતીઓ અને તમામ આધુનીક શિક્ષણ લઇને પશ્ચીમી ભૌતીક–કમ ભોગવાદીનું સ્થાન અમારા ઉપર પ્રમાણેના હિંદુ રાજ્યમાં ક્યાં હોય તે પુના– ભીમા –કોરેગાંવ– વાળા ત્રણ ચાર વર્ષોથી જેલમાં સબડતા કર્મશીલોને પુછી જુઓ? હિંદુત્વ સામેના વિરોધનો અંજામ તમે ન સમજો તો તમારાં નસીબ!
(7) અમારૂ મિશને હિંદને વૈદીક સમયના જ્ઞાન–વિજ્ઞાન, તબીબીજ્ઞાન, ખગોળશાસ્ર્ આધારિત તમામ માહિતીઓને સજીવન કરીને તેના આધારીત દેશના વર્તમાન યુવા ધનને પલોટવાનું રહેશે.
(8) હિંદુ ધર્મ સિવાય વર્તમાન તમામ ધર્મોની લઘુમતીઓને બીજી કક્ષાના નાગિરીકો ગણીને તેમની સાથેનો વ્યવહાર કરવા –કરાવવામાં આવશે. ' અમે ભારતના લોકો' એ બંધારણના આમુખની પહેલી લીટીના પ્રથમ શબ્દોને ખાસ તૈયાર કરવામાં આવેલી ' ટાઇમ કેપસ્યુલ' સાથે ભવિષ્યની પેઢીઓને ક્યારેય હાથ ન લાગે તે રીતે દાટી દેવામાં આવશે.
(9) હિંદુ વિચારસરણી આધારીત તમામ પ્રવૃત્તીઓના પ્રચાર પ્રસાર માટે,તેના ફંડ ફાળા માટે પરદેશ સ્થિર હિંદુ– એન આર– આઇ, પશ્ચીમી સંસ્કૃતીના રંગે રંગાઇને ભોગવાદી ન બની જાય, વટલાઇ ન જાય તે પહેલાં તે બધાના કબીલા અને ટોળીઓ બનાવી સંગઠીત કરી દઇશું. કારણ કે તે બધી દુજણી ગાયો છે. તે પહેલાં તેવા પ્રથમ જનરેશન એન્ડ કુંપનીને, તેની માદરે વતનની ઓળખ સતત સતેજ રહ્યા કરે માટે મા ભારતીને ત્યાંથી મોરારીદાસ, પ્રમુખ સ્વામીઓ, શ્રી શ્રી, પુ પુ ધુધુ, તથા પાડુંરંગ, ગાયત્રી વિ. ના વેપાર કરનારાને બિનરોક આ બધા દેશોમાં મોકલ્યા કરીશુ. ભારતમાતાના દેશમાંથી પોતાના મુળીયા ઉખડી ગયેલાઓને (Socially Rootless) માનસિક સથવારો આપવા અને અપાવવાનો પેલા વીઝિટર વિઝા પર આવેલા પેલા પવિત્ર પુરૂષોને ધંધો હશે. જે એકલતા, અતડાપણું, પશ્ચીમી સમાજમાં વેગળાપણું, જુદાઇ જે વ્યક્તિવાદ પેદા કરે છે તેમાંથી બચાવવાની કંઠીઓ, માળાઓ અને જુદા જુદા આડા ઉભા ટીલાં ટપકાં વહેંચીને દુર કરવામાં આવશે.
(10) માતૃભુમીને હિંદુત્વ આધારીત સાંસ્કૃતિક પુન;ઉધ્ધાર માટે (For Cultural Hindu Revivalism) ડોલરીયુ ધન, વિશ્વના બધા દેશોમાંથી જુદી જુદી હિંદુધર્મ પુરસ્કૃત સંસ્થાઓના લેબલ લગાડી મોકલી આપીશુ. મોદીજી, તમે બાકીની દેશની સાચા અર્થમાં માનવ કલ્યાણ કરતી સંસ્થાઓને ડોલરીયુ ધન ન મળે માટે ' ફોરેન રેમીટન્સ કાયદો કરીને બંધ કરાવી દો. કારણકે આપણે એ પણ જોવાનું છે કે જો બાંસ ન રહે, તો ફિર બાંસુરી કૈસે બજેગી!
(11) આ પ્રોજેક્ટને અમલમાં મુકવા અમારા ચુનંદા સ્પોક-પર્સન્સ તાજતરમાં હરિદ્રારની ધર્મસંસદના એક ભગવા કપડાં પહેરલા બાવાએ લઘુમતીઓનું કેટલી સંખ્યામાં નિકદંન કરવું પડશે તેની સંખ્યા આપેલી છે, અથવા તો અમેરીકાના ભુતપુર્વ પ્રમખ ટ્રમ્પની વિદાય સમયે જ દિલ્હીથી એક ભગવા કાર્યકરે જાહેર કરેલું કે ' ગોલી મારો.... દેશ કે ગદ્દારો ને.
(12) ઉપરની ચર્ચા પરથી તારણ નીકળશે કે માઓવાદી નક્ષલવાદ ખુલ્લા હિંસક સંઘર્ષની પ્રવૃત્તીઓ કરે છે, જ્યારે હિંદુત્વવાદીઓ ફુંક મારીને કેવી રીતે કરડાય તેમજ સમય આવે સીધો જ ઝેરી ડંખ કેવી રીતે વપરાય તેમાં પણ નિપુણતા મેળવી લીધી છે.
(13) હિંદુત્વ આધારીત રાજ્ય વ્યવસ્થા ઉભી કરવામાં સહકાર આપવો કે તેની સામે સંઘર્ષ કરવો તે મારે અને તમારે નક્કી કરવાનું છે.
(14) આજના ઇ. એકપ્રેસના સ્ટોપ પ્રેસ ન્યુઝ– પ્રતિવર્ષે દેશમાંથી ફક્ત આઠ લાખ વિધ્યાર્થોઓ ઉચ્ચશિક્ષણ લેવા ૪૫૦૦૦ કરોડ રૂપિયા ખર્ચીને પરદેશ જાય છે. જેમાંથી મોટાભાગના જે તે દેશમાં જ સ્થાયી થઇ જાય છે.
મેરા ભારત મહાન.. આત્મનિર્ભર ભારત ઝીંદાબાદ.