હીંદુ બુઅર્ઝવાઝી (Hindu Bourgeoisie) કોને કહેવાય? ભાગ–૧
તેની ઓળખ કેવી હોય? તેની જીવન પધ્ધતી અને આર્થીક હીતો લોકશાહી કે બંધારણીય મુલ્યો આધારીત હોય કે વિરોધી?
સૌ પ્રથમ આપણે આ ફ્રેન્ચ ભાષાના શબ્દ 'બુઅર્ઝવાઝી'ના અર્થને વિગતે સમજીએ. સને ૧૮મી સદીમાં થયેલ ફ્રાંસની જનક્રાંતીનો તે જન્મદાતા,અને પછીઅગ્રેસર(Vanguard) હતો. આ સુત્રધારે માનવ સમાજને અને વ્યક્તીગત ધોરણે વિશ્વભરના માનવીઓને વર્તમાન વ્યવસ્થામાં મુળભુત ફેરફારો કરવા માટેના સદાબહાર સુત્રોની દેન આપી હતી. સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ.( Liberty or Freedom, Equality & Fraternity).
બુઅર્ઝવાઝી તે જમાનામાં જમીનદારોનો ગુલામ ગણોતીયો નહતો, વળી તે રાજાશાહીથી પોષાતો પરોપજીવી નહતો. તે ખ્રીસ્તીચર્ચની મહેરબાની પર જીવતો નહતો.સાથે સાથે તે મુડીવાદે સર્જન કરેલો માર્કસવાદી સર્વહારા પણ ન હતો. બુઅર્ઝવાઝી એ ગણોતીયા અને જમીનદાર વચ્ચેની આર્થીક સાંકળ– કડીરૂપ વિનિમય કરતો સ્વતંત્ર આર્થીક હીત ધરાવતો શહેરની ચાર દિવાલની અંદર જીવન જીવતો એજંટ હતો. જેની બચત અને મુડી રોકણના ઉપયોગથી યુરોપના સમગ્ર દેશોમાં ઔધ્યોગીક ક્રાંતી થઇ હતી.
બુઅર્ઝવાઝી વર્ગ,તે જમાનાના ફ્રાંસના તત્વજ્ઞાનીઓ રૂસો, વોલ્તેર, ડીડેરો અને જ્ઞાનપ્રબોધન મુલ્યો (Enlighten movement)પ્રસ્થાપીત વિચારો આધારીત ક્રાંતી કરવાનો ચાલક હતો.તે બધા તત્વજ્ઞાનીઓ પોષીત (nourish)ને પ્રસ્થાપીત ' જેકોબીયન કલ્બ'નો સભ્ય અને વીચારોનો વાહક હતો. જે કલ્બોની સંખ્યા ફ્રાંસ દેશમાં તે જમાનામાં ૧૦૦૦૦ કરતાં વધારે હતી.પેલા ત્રણ, રાજા,(King) પાદરી( GOD's Agent) ને જમીનદારોના( Feudal Lord) હીતો તેના મધ્યમવર્ગીય બુઅર્ઝવાઝી હીતોની Class Interests) વિરૂધ્ધ હતા. જેકોબીયન કલ્બની વીચારધારાએ દેશના સાચા અર્થમાં દુશ્મનો કોણ છે તે ઓળખી બતાવ્યા અને જાહેર કર્યા હતા.
બુઅર્ઝવાઝીને જમીન વિહોણા ગણોતીયા અથવા ખેડુતોનો સંપુર્ણ સાથ હતો.કારણકે જમીનદાર અને ચર્ચાના એજંટોના શોષણની તમામ પ્રકારની અમાનવીય દુ:ખદ અસરો રોજ ભોગવતો હતો. તે બંને વર્ગોની પકડમાંથી ખેડુત– ગણોતીયાને પોતાની જમીન મુક્ત કરાવવી હતી.જમીનના માલીક બનવું હતું.
જે મુક્તી,ફ્રાંસની આ જનક્રાંતી હતી. જેમાં કેન્દ્રસ્થાને ફ્રાંસના તમામ નાગરીકોનું સર્વોપરી ભૌતીક, દુન્યવી અને વાસ્તવીક માનવ હીત હતું. કોઇ રાજા, જમીનદાર, કે પૃથ્વીપરના ઇશ્વરી એજંટોનું હીત ન હતું.
ખરેખર તો સદર રૂઢીચુસ્ત ત્રણેય વર્ગોના હીતો ફ્રાંસની સંપુર્ણ પ્રજા (૯૮%)ના હીતોની વીરૂધ્ધના હતા. ફ્રાંસની ક્રાંતીએ માનવીને, ઇશ્વર અને ધર્મ સંચાલીત તમામ પરોપજીવી સમાજવ્યવસ્થામાંથી કાયમ માટે મુક્તી અપાવી દીધી હતી. રાજ્ય સત્તા અને ધર્મ સત્તાના સંવનનને કાયમ માટે નપુંસક બનાવી દીધુ હતું. જે સેક્યુલર વીચાર આજે પણ ફ્રાંસમાં સદાબહાર છે.
હવે આપણે ઉપરની ચર્ચાને આધારે ભારત દેશમાં ને ૨૧મીસદીથી ગુજરાતમાંથી શરૂ થયેલી ધર્મ અને રાજ્ય સત્તાના ગઠબંધનવાળી ઉન્માદી હીંદુત્વએ પેદા કરેલ બુઅર્ઝવાઝી મધ્યમવર્ગીય માનસીકતાને સમજીએ. જેથી તેના તમામ હીતોને પણ આપણે સમજી શકીશું.
(1) ફ્રાંસના તે જમાનાના વાતવરણે રૂસો, વોલ્તેર, દીદેરો જેવા તત્વજ્ઞાનીઓ મદદથી એ ધર્મપરસ્ત સમાજને કેવી રીતે મુક્ત કરાય તેના માટેનો ભૌતીક વિચારસરણીનો (ધર્મનીરપેક્ષ Secular) પાયો નાંખ્યો. એટલું જ નહી ઉપરાંત ફ્રાંસની સામાન્ય પ્રજાને સમજાવવામાં સફળ થયા કે તેમના ખરાઅર્થમાં દુશ્મનો રાજાશાહી, સામંતશાહી અને ધર્મશાહીને કાબુ રાખી સિતમ ગુજારનારા પરોપજીવીઓ છીએ. દેશ અને ગુજરાતમાં સ્થાનીક હીંદુ મધ્યમવર્ગીય બુઅર્ઝવાઝી પોતે પેલા ફ્રાંસની ક્રાંતીના ત્રણ પરોપજીવીઓ( જમીનદાર, પાદરી અને રાજાશાહી) જેવા જ પ્રત્યાઘાતી પરીબળોનો પોષક છે.
(2) સૌ પ્રથમ આપણા માટે એ શોધવું સરળ છે કે કોણ હીંદુ મધ્યમવર્ગીય બુઅર્ઝવાઝી નથી.
(3) દેશની કુલ વસ્તીના ૮૦ ટકા પાંચ કીલોના માસીક અનાજની સરકારી મફત વહેંચણી પર જીવનારા આશરે ૧૦૦ કરોડ લોકો નવી વસ્તી ગણતરી પ્રમાણે હીંદુ મધ્યમવર્ગીય બુઅર્ઝવાઝી નથી.
(4) દેશના જંગલોમાં જીવતા "આદીવાસી મુળનીવાસી" આશરે કુલ વસ્તીના ૧૪ ટકા હીંદુ મધ્યમવર્ગીય બુઅર્ઝવાઝી નથી.
(5) દેશના હીંદુ ધર્મ પુરસ્કૃત કૃષ્ણ ભગવાને સર્જન કરેલ ભગવત ગીતાના ચાર વર્ણોમાં બ્રાહ્મણ– વૈશ્ય સિવાયની તમામ વર્ણોના શુદ્ર, ક્ષત્રીય,અને ઉપલી વર્ગોના હીતોના સંરક્ષણ કરતા તમામ વ્યવસાયો(વેઠ કરતા)લુહાર,મોચી, કુંભાર, સુથાર વિ. હીંદુ મધ્યમવર્ગીય બુઅર્ઝવાઝી નથી.
(6) દેશની કુલ વસ્તીમાં ૫૦ ટકાવારી ધરાવતી સ્રીઓ પણ હીંદુ મધ્યમવર્ગીય બુઅર્ઝવાઝી નથી.
(7) દેશની તમામ લઘુમતી ધર્મો ધરાવતી વસ્તી પણ હીંદુ મધ્યમવર્ગીય બુઅર્ઝવાઝી નથી.
(8) હવે તમે તમારી આજુબાજુ રહેનારા હીંદુ મધ્યમવર્ગીય બુઅર્ઝવાઝીને ઓળખી લો!. તેમની જીવન પધ્ધતી, રહેણીકરણી વિ. અને તમામ હીતો કોની સાથે છે? ખરેખર તે બધાને પેલી ફ્રાંસની ક્રાંતીના બુઅર્ઝવાઝી મુલ્યો સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ, તથા રાજ્ય સત્તા અને ધર્મ સત્તા વચ્ચે સંપુર્ણ વિયોજન વિ. ને કોઇ સ્નાનસુતકનો સંબંધ છે ખરો?
(9) અમને એ માહીતી છે કે ગુજરાતના નવાપ્રધાન મંડળને આશીર્વાદ આપવા ૧૭૨ ધર્મસંતો હાજર રહ્યા હતા.
(10) અમે દરરોજ પેલા પ્રમુખસ્વામી શતાબ્દી ઉજવણી પ્રસંગે સ્વામીઓને સાક્ષાતદંડવંત પ્રણામ કરતા રાજકીય સત્તાધારીઓના ફોટાઓ અખબારી દૈનીકોમાં જોઇએ છે.
(11) હીંદુ મધ્યમવર્ગીય પ્રત્યાઘાતી બુઅર્ઝવાઝીના સ્થાપીય હીતોથી બચવા માટે કોઇ રસ્તો છે ખરો?.... આવતા લેખમાં...
હીંદુ મધ્યમવર્ગીય પ્રત્યાઘાતી બુઅર્ઝવાઝી. ભાગ–૨.
ગુજરાતી મધ્યમ વર્ગ અંબાણી કે અદાણી નથી. તે જમીનદાર કે ખેડુત પણ નથી. તેની વર્તમાન કે તેના પહેલાંની પેઢી ગ્રામીણ જીવનપધ્ધતીની માનસીકતા સાથે સ્થળાંતર કરીને શહેરી(ગુજરાતી)બની છે. સામાજીક સ્થળાંતર માનસીક અસલામતીની જન્મદાતા છે.પોષણકર્તા કરે છે.આ વર્ગનો સતત પ્રયત્ન વીશ્વભરમાં શહેરી સંસ્કૃતીની અસ્તીત્વ ટકાવી રાખવાની અસલામત જીવન પ્રથામાં સલામતી શોધવામાં હોય છે. પોતાની મુળ ગ્રામીણ સંસ્કૃતીએ બક્ષેલી સામાજીક સલામતી જેવી સંયુક્ત કુટુંબ, જ્ઞાતીપ્રથા,અને સામાજીક સંકુચીત માનસીકતાએ (Parochialism) બક્ષેલી સદીઓની સલામતી એક જ ઝાટકે શહેરીજીવન પધ્ધતીની વ્યક્તીવાદી સામાજીક પ્રથાએ તેને એકલો અટુલો (Alienated) અસલામત બનાવી દીધો છે.
શહેરી મધ્યમવર્ગના ટોળાને કાયદાના શાસનથી જે સલામતી મળતી નથી તે સલામતી ઉગ્રહીંદુત્વવાદી નેતાઓના ઉદ્રગારોમાં મલે છે. " બે દાયકા પહેલાં અમે પેલાઓને સબક શીખવાડી દીધો છે.માટે અમારા શાસનમાંજ તમારી મા– બહેનોની સલામતી છેં ".
૧૫૦ રૂ લીટર પેટ્રોલ,૧૪૦૦ રૂ ગેસનો બોટલ, મોંઘવારી કે બેરોજગારી જેવા કોઇ મુદ્દા મહત્વના છે જ નહી. આપણી ૮૦ ટકા હીંદુ બહુમતી વસ્તીને પેલા પંદર વીસ ટકાના ભયમાંથી સલામતી તો અમારા સિવાય કોણ આપી શકવાનું હતું?
શહેરી ઔધ્યોગીક સંસ્કૃતીની દેન રૂપ તમામ આધુનીક વ્યવસાયો જેવાકે વકીલાત,ચાર્ટડ– એકાઉન્ટન્ટ, પ્રોફેસર,તમામ પ્રકારના બુધ્ધીજીવીઓ, એન્જીન્યર,બેંન્કીંગ,તમામ ઔધ્યોગીક સાહસો જેવાકે હીરા અને ટેક્ષટાઇલ ઉધ્યોગના સંચાલકો,અને શહેરી બજારી માનસીકતા આધારીત, White collars People– વી. એ બીજેપી– આરએસએસ પ્રેરીત ઉગ્ર હીંદુ રાજ્યસત્તાને પોતાનો કમ્ફર્ટ ઝોન ગણે છે. બાકી તો આ ' ન્યુ રીચ' ને લોકશાહી–સંસદીય પ્રણાલીવાળા કલ્યાણરાજ્યમાં(Welfare State) ફક્ત રાજકીય અસ્થીરતા, સામાજીક અંધાધુધી, અને રાજ્ય સંચાલીત આર્થીક નાદારી જ દેખાય છે.
ફ્રાંસની બુઅર્ઝવાઝી જનક્રાંતીએ વીકસાવેલા માનવ મુલ્યો(જેવા કે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ)સામે સતત બળવત્તર બની રહેલી આ મધ્યમવર્ગીય પ્રત્યાઘાતી માનસીકતાથી ભયંકર જોખમ પેદા થઇ ગયું છે. છેલ્લા ત્રણસો વર્ષમાં વીશ્વના તમામ લોકશાહી દેશોમાં (અમેરીકા, ઇગ્લેંડ અને ભારત સહીત)વીકસેલી લોકપ્રતીનીધી સ્વરૂપની સંસદીય કે પ્રમુખશાહી પ્રથાને બચાવપક્ષના પાંજરામાં ઉભી કરી દીધી છે.
મધ્યમવર્ગીય માનસીકતા એક જમાનામાં જે તમામ પ્રકારના ' જેસે થે' વાદીઓ સામે ઉગ્રપરીવર્તનના મશાલચી તરીકે ઉભરી આવી હતી તે આજે લોકશાહી જગતમાં ઘડીયાળના કાંટા પાછા ફેરવવા સતત શક્તીશાળી બનતી જાય છે. સદર તમામ દેશોની રાષ્ટ્રીય– જાહેર સંપત્તીનું આધીપત્ય, ઉપભોગ અને વહેંચણીનું થોડાક ' ન્યુરીચ' વર્ગમાં કેન્દ્રીકરણ થઇ જાય તેવી રાજકીય વ્યવસ્થાને મધ્યીમ વર્ગીય માનસીકતાનો ફક્ત ટેકો નથી.તેનું પોતાનું હીત પણ તેમાં સમાયેલું છે તે હકીકત બરાબર સમજી ગયો છે.
તેણે તમામ પ્રકારના એટલકે સામાજીક, રાજકીય, આર્થીક અને ધાર્મીક એકહથ્થુસત્તાવાદને પોતાનો કાયમી સલામતી માટેનો બંકર (Bunker) બનાવી દીધો છે.તે સામાજીક અસમાનતાને ઇશ્વરદત્ત ગણે છે.સમાજમાં સ્થાપીત હીતોએ બે નાગરીકો વચ્ચે સર્જન કરેલી નફરતની દીવાલોમાં આ 'ન્યુરીચને'(હીંદુ મધ્યમવર્ગીય પ્રત્યાઘાતી બુઅર્ઝવાઝીને) અન્ય ની:સહાયોની ક્રુરતાના આર્તનાદમાં(Sadistic Pleasure)આનંદ માણવો ગમે છે.
માનવવાદી મુલ્યોની વર્તમાનસદીમાં ચીંતાજનક પીછેહઠએ ફક્ત ભારતની સમસ્યા નથી. સમસ્યા વૈશ્વીક છે. રોગની અસરો જો કોવીડ–૧૯ની માફક વૈશ્વીક(Pandemic) હશે તો સ્થાનીક કક્ષાએ થાળી વગાડવાથી, મશાલ સળગાવવાથી કે ગો કોરોના ગો કોરોનાના નારા લગાવવાથી ઉપાય નહી સુઝે! .રેનેશાંવાળા વૈશ્વીક ચીંતનની જરૂરત છે.