Saturday, May 1, 2021

શું મોદી સરકાર સંચાલિત રાજ્યવ્યવસ્થા તુટી ગઇ છે?


શું મોદી સરકાર સંચાલિત રાજ્યવ્યવસ્થા  તુટી ગઇ છે? How far is it true that the Indian state has collapsed? રાજ્યવ્યવસ્થાનું પડી ભાગવું, ધબડકો થઇ જવું એટલે શું?

ભારતના બંધારણના મુળભુત અધિકારોમાં અધિકારની કલમ ૨૧ મુજબ  ' આપણા દેશના દરેક નાગરીકને  'ગૌરવભેર જીવવાનો'( Right to life with dignity) મુળભુત અધિકાર છે. સદર અધિકાર કોઇને તબદીલ કે ટ્રાન્સફર ન થઇ શકે ( Inalienable Individual rights) તેવો અધિકાર છે.. નાગરીક તરીકે જીવવું એટલે શું ઓકસિજન વિના જીવવું શક્ય છે?  જે કોઇ સરકારો અને તેના સંચાલકોની બંધારણીય ફરજ થઇ પડે છે કે  દેશના નાગરીકોમાંથી જેને જરૂર હોય તો તેને બિલકુલ સરળતાથી અને વિના મુલ્યે પ્રાણવાયુ મલી રહે. દેશના સત્તાધીશોને એ માહિતી તો હોય જ કે નાગરીકોએ રાજ્યના સંચાલકોને પોતાનો સાર્વભૌમત્વનો અધિકાર ચુંટાયેલા પ્રતિનિધિઓને  નાગરીકોની સુખાકારી માટે વાપરવા આપેલો છે. હવે રાજ્યના સત્તાધીશો જેના હાથમાં નાગરીકોનું જીવન બચાવવાની કાયદાકીય પહેલી અને બીજી નૈતીક ફરજ હોય તે બધા પોતે પોતાની અક્ષમ્ય બેદરકારી, સંચાલનની સંપુર્ણ બિનકાર્યક્ષમતા અને ભવિષ્યના આયોજનમાં માટે નિષ્ફળ જઇને કરોડો નાગરીકોના જીવનને ભયમાં મુકી દે તે સત્તાધીશો કેવી રીતે રાજ્ય ચલાવવાને લાયક છે?

આ લખાણ લખી રહ્યો છું ત્યારે સમાચાર મલે છે કે આજે ૧લી મે ૨૦૨૧ની સાંજના ૪–૦૦વાગે રાજધાની દીલ્હીમાં આવેલી બાત્રા હોસ્પીટલમાં ૮ દર્દીઓનું ઓક્સીજન નહી મલવાને કારણે મોત થયું છે. તેમાં  તે જ હોસ્પીટલના ગેસ્ટ્રોએન્ટરીટિસ ડૉ .આર. કે હીમથાનીનું  ઓછા દબાણવાળા ઓકસીજન મલવાથી મોત થયું છે. તેવી હકકીત સદર હોસ્પીટલના મેડીકલ ડીરેક્ટર ડૉ એસસીએલ ગુપ્તા સાહેબે ફોન ઉપર ઇન્ડીયન એક્સપ્રેસને જણાવી છે. હજુ બીજા ૪૮ દર્દીઓ સદર હોસ્પીટલના ICU વોર્ડમાં આજ કારણોસર જીવન અને મૃત્ય વચ્ચે ઝોલાં ખાય છે.

માનનીય દીલ્હી હાઇકોર્ટે આ જીવવાના અધિકારના સંરક્ષણ માટે ઓકસિજનના પુરવઠા અંગે દીલ્હીની કેજરીવાલ સરકારને સત્તા આપી છે કે " Buy, borrow or steal ; It is a national emergency " ખરીદો, ઉછીનો લાવો, અરે ચોરી કરીને પણ જીવન–મૃત્યુ વચ્ચે ઝોલા ખાતા દર્દીઓને ઓક્સિજન પુરો પાડો. જે લોકો આવા કાર્યમાં રૂકાવટ કરતા હોય તેને અમે ફાંસીએ લટકાવી દઇશું. ત્યાં સુધી જાહેર કરી દીધુ છે.

ભારતનું કોઇ રાજ્ય બાકી નથી જેમાં રાજધાની દિલ્હીથી જુદી પરિસ્થિતિ કોરાનાથી સંક્રમીત દર્દીઓની હોય! ગઇકાલે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર પાસે કોરાના મહામારીના જુદા જુદા અગત્યના ક્ષેત્રો અંગે તાત્કાલીક માહિતી માંગી છે. જેમાં રાષ્ટ્રીય હોસ્પીટલમાં કોરોના દર્દીઓને દાખલ થવા માટેની નીતી, વેક્સીનની કિંમત અને પુરવઠા નીતી,,રાજ્ય અને જીલ્લાવાર ICU બેડની ઉપલબ્ધી,, સ્મશાનનો વહીવટ,તેના કર્મચારીઓની સંખ્યા, જરૂરી દવાઓના વિતરણની પારદર્શક વ્યવસ્થા આ બધા પ્રશ્નોના કોઇ જવાબ કેન્દ્ર સરકારના એટોર્નીજનરલ તુષાર મહેતા સાહેબ પાસે ન હોવાથી સત્વરે આપવા ૧૦મી મે ની તારીખે જણાવ્યું છે.

યોગી આદીત્યનાથની સરકારે  ઓકસીજન બાબત રાજયની ટીકા કરનાર સામે નેશનલ સીક્યોરીટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા અંગે સર્વોચ્ચ અદાલતે તે નિર્ણયની સખત ટીકા કરી છે. દેશના તમામ રાજ્યોના  ડીજીપી એસપીને કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી છે કે  " દેશના તમામ નાગરીકોને  ઓક્સીજન, વેક્સીન, વેન્ટીલેર અને કોવીડ–૧૯ના સંક્રમણ અંગે જે સોસીઅલ મીડીયામાં લખવું હોય  તે નાગરીકોને મળેલા માહીતી અધીકાર કલમ ૧૯ મુજબ છે." કોઇપણ પોલીસ તંત્ર દ્રારા  તેને અટકાવવાની કોશીષ કરવામાં આવશે તો જે તે અધિકારી સામે સર્વોચ્ચ અદાલતના હુકમનો અનાદર ગણીને ( કન્ટેમ્ટ) સખત કાર્યવાહી કરવામાં આવશે. સર્વોચ્ચ અદાલતે પોલીસતંત્રને જે આડેહાથ લઇને ગંભીર સુચના આપી ત્યારે કેન્દ્ર સરકારના એટોર્ની જનરલે તેની વિરૂધ્ધમાં એક પણ શબ્દ બોલ્યા ન હતા.

દેશની મોદી સરકાર નાગરીકોને જણાવે કે તમે દેશના નાગરીકોમાંથી અડધી વસ્તી કે પચાસ ટકાને કેટલા સમયમાં બંને ડોઝ પુરા પાડવાના છો? બજેટમાં વેક્સીન માટે નાણાંમંત્રીએ ૩૫૦૦૦ કરોડની સ્પષ્ટ જોગવાઇ કરી હતી તેમાંથી કેટલા વપરાયા અને બાકીના નાણાંનું વેક્સીન ખરીદવા શું આયોજન છે?  શા માટે કેન્દ્ર ,રાજ્ય અને ખાનગી નાગરીકો માટેના વેકસીન બનાવતી બંને કુંપનીઓના જુદા જુદા ભાવો છે? વિશ્વભરના દેશો અને તેના વડાપ્રધાનો કે રાષ્ટ્રપ્રમુખો પોતાના તમામ નાગરીકોને મફત કે ફ્રી માં વેક્સીન આપતા હોય તો આ મુદ્દે મોદી સરકાર તમે ક્યાં ઉભા છો? ' ગરીબ રસીનો ખર્ચ ઉઠાવી શકે નહી ' સુપ્રીમ કોર્ટ ! શું આ બધું અમારે સરકારને સમજાવવાનું હોય!. તા ૧૦મી મે ને દિવસે કે તે પહેલાં જવાબ આપો.

દેશના જાહેર શિક્ષણ, આરોગ્ય, સ્થળાંતરીત મજદુરો, નાગરીકોનું સામાન્ય જીવન ક્યારે શરૂ થશે? શું આયોજન છે તમારી પાસે? તમે ૧૦૮ સિવાય આવનાર દર્દીઓને કેમ દાખલ કરતા નથી? આવા તરંગી, તઘલગી, અને બેજવાબદાર નિર્ણયો કરી મોતની લાશોના ઢગલા પર શું તમે રાજ્ય કરી શકશો? હોસ્પીટલની બહાર રેકડીમાં, લારીઓમાં સડકો પર અને સ્મશાનોની અંદર લાશોના ઢગલાઓ ના ફોટાઓ, અધિકૃત સમાચારો, મોદીજી, તમારા આવા વહીવટના સમાચારો વીશ્વવ્યાપી સોસીઅલ મીડીઆ પર વાયરલ થઇ ગયા છે. અમારા પરદેશ સ્થિત સગાવહાલા, ભાઇભાંડુઓ અને ભારતના નાગરીકોની સુખાકારી ઇચ્છતા ભારતીયમુળના લોકો આ બધુ ' વીશ્વગુરૂ' ભારતમાં થઇ રહેલું નરી આંખે જોઇ શકતા નથી. અમને જણાવી શકશો ખરા કે વીશ્વના તમામ દેશોએ જેવા કે અમેરીકા, કેનેડા, ઇગ્લેંડ, ફ્રાન્સ, ઇટાલી, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેંડ, જપાન , ચીન, અરે ઇન્ડોનેશિયા, બંગલા દેશ જેવા દેશોએ ભારતમાં આવતી તમામ વિમાની સેવાઓ બંધ કરી દિધી છે. તે તમારી સરકાર ક્યારે ચાલુ કરાવી શકશો? અમેરીકાની જો બાઇડન સરકારે ભારતમાં રહી ગયેલા તમામ અમેરીકન નાગરીકોને  પોતાના દેશમાં આવી જવા ખાસ સ્પેશીઅલ કાયદા હેઠળ જાહેરાત કરી છે.

આવા સંજોગોમાં  આપણા દેશમાં કોણ સ્થાનીક કે વિદેશી મુડી રોકાણકારો ગરીબ અને અસંગઠીત કામદારોની ઝુંટવાઇ ગયેલી રોજીરોટી પાછી લાવી આપશે? આપશ્રીને માહિતી તો હશે જ કે સમગ્ર વિશ્વ આજે ૧લી મે ને શ્રમજીવી દિવસ (Labour Day) તરીકે  ઉજવે છે. ત્યારે આપણા દેશના આ શ્રમજીવીઓના ભવિષ્ય અંગે આપની સરકાર શું કરવા માંગે છે?  અમને  માહિતી છે કે તમારી ગુજરાત રાજ્ય અને ઉત્તરપ્રદેશની બીજેપી સરકારોએ મજુરોને ૧૨ કલાક કામ અને ૮કલાકમાં મલતું હતું તે જ વેતન મલે તેવી જોગવાઇ વટહુકમ બહાર પાડીને કરી છે.

 મોદી સરકાર અને તમારી રાજ્ય સરકારોના કોઇપણ પ્રકારના આંકડાઓ આધારીતે સત્યો પર દેશની કોઇપણ હાઇકોર્ટસ કે સર્વોચ્ચ અદાલતોને બિલકુલ વિશ્વાસ નથી. છેલ્લાં સાત વર્ષોમાં આ દેશને તમે ક્યાં લઇ ગયા છો? દેશને તમે પાછા ન આવી શકાય તેવી સ્થિતિએ દેશને ( Point of no return)  પહોંચાડી દીધો છે.

હું તો કોઇ રાજકીય પક્ષનો ટેકેદાર કે સભ્ય નથી પણ દેશના ભુતપુર્વ વડાપ્રધાન મનમોહનસીંહે સને ૨૦૧૪ મોદીજી આપના માટે એક ભવિષ્યવાણી પોતાના જ્ઞાન આધારીત કરેલી હતી .  Narendra Modi as the Prime Minister of the nation will lead to the nation towards a MOMUMENTAL GREAT DISASTER after 7 years of his rule.

 સાત વર્ષ પછી  માનનીય મનમોહનજી સાચા પડતા લાગે છે કારણકે ભારતીય રાજ્ય ચારે ય બાજુથી ત્રણ સાંધે અને તેર તુટે તેવી દિશામાં ઝડપથી રાજ્યવિહિનતા તરફ ઢસડાઇ રહ્યુ છે. ઉપર જણાવેલા વાસ્તવીક કારણોના પરિણામોમાંથી બચવા કોઇ ચમત્કાર થવાનો નથી. મોટી માનવહાનિની કિંમત ચુકવી ક્યારે બહાર નીકળીશું તે પણ અત્રે જાણી શકાય તેમ નથી જ.  

--