બાપના કુવામાં ડુબી ન મરાય !
The nest leaving is the must. જે માળામાં પક્ષીઓ જન્મે છે તે બધા ને પાંખો આવતાં તે માળા છોડી દે છે. અને પછી પોતાનો નવો માળો બનાવે છે. તે બધાને પોતાનું જન્મ સ્થળ કાયમ માટે ભુલી જવાનો આનંદ જ અનેરો હોય છે.
માનવબાળ (?) કેમ? તે ગમે ઉંમરનો થાય છતાં બાપના કુવામાં જ પડી રહે છે? માતાના પેટમાંથી બહાર નીકળ્યા કે તરત જ નાભી–નાળ, માતા સાથેનું છેલ્લું અને આખરી જોડાણ વાસ્તવીક રીતે કાપી નાંખ્યા પછી પણ તે ન્યાતો કે સંબંધ શારીરક નહી તો માનસીક રીતે કેમ ચાલુ રહે છે? તે જોડાણ ચાલુ રાખવામાં ફક્ત મા–બાપ ને રસ હોય છે ? કે પછી પેલા દિકરાને બાપના ધોતીયાનો છેડો અને દિકરીને મા ના સાલ્લાનો છેડો કેમ છોડવો ગમતો નથી? સાલુ ! પાછુ તો ગર્ભમાં જવાય તેમ નથી, ( One cannot go back to one's mother's womb.) માનસીક કે અન્ય અસલામતીની ભાવનાનો અંત કેમ બંને પક્ષો નો ઓછો થતો કે નાબુદ થતો નથી?
જૈવીક ઉત્ક્રાંતીના સંઘર્ષના વારસામાં જીવન ટકાવી રાખવું એટલે જ બંધનોમાંથી મુક્ત થવું! જેવો માનવી, તેવું તેનું કુટુંબ, કબીલો, તેવો તેનો સમાજ અને આખરે દેશ. માનવ સમુહો, ભાત ભાતના અને જાત જાતના બંધનોના ગુણગાન ગાઇ કે, તેની સ્વરચિત જંજીરો, બેડીઓ ને ચકચકાટ કરીને તેની ભક્તી કરતો હોય છે. પ્રશસ્તિ અને પુજા કરતો હોય છે. " કુવામાં ડુબકા મારવાની અને પોતાના વારસોને પણ વારસામાં ડુબકીઓ મારવાની નિપુણતા આપીને જવાની સંસ્કૃતી કેટલી મહાન હતી તે છેલ્લા પાંચ હજાર વર્ષોથી અનુભવતા આવ્યા છે." તેના પરિણામો ભરપેટ ભોગવ્યા છે, હજુ ભોગવીએ છીએ અને પાછા વારસામાં તે આપીને જવાના છીએ. જે કોઇ પેલા કુવામાંથી બહાર નીકળવાની કોશીષ કરે, અન્યનો સહકાર લેવાનો તે માટે પ્રયત્ન કરે છે તેનું પેલું ટોળુ ડબલ જોરથી સીડી ગોઠવીને પાછો નીચે પટકી પાડે અને પછી તેનો ઉત્સવ ઉજવે!
બાપના કુવામાં ડુબી મરવાને બદલે તેમાંથી બહાર નીકળવું કેવી રીતે? અન્ય સજીવોમાંથી બોધપાઠ લઇ શકાશે ખરો? માનવીય સ્તર પર જીજીવીષા ટકાવી રાખવાનો સંઘર્ષ એટલે પોતાના બાળકોને નાનપણથી સાચુ શું છે કે ખોટું શું છે તેના નિર્ણય કરવાની, તે પધ્ધતીએ ( તર્કવિવેક બુધ્ધીથી) ભૌતીક સત્ય, (મૃત્યુ પછીના આધ્યાત્મીક સત્ય માટે ઝોળો લઇને ભીખ માંગવાનું નહી) શોધવાની તાલીમ જાગૃત અજાગૃત રીતે શીખવાડવાની ! નિર્ણય કરવાના જોખમમાંથી ભવિષયમાં તે તેને પોતાનો માળો બનાવવી તાકાત મલશે. પછી તે ગૌરવ થી કહી શકશે " That is my Dady"s house but I will create my own. Now This is my dream since my childhood. "
મારે મારા બાપના કુવામાં થીંગડા મારીને કે પ્લાસ્ટર કરીને, ભાઇએ ભાગ પાડીને કે પાર્ટીશન દિવાલ કરીને જીવવું નથી જ. સ્વતંત્રતા માટેના રચનાત્મક સંઘર્ષમાંથી મળેલા સુખનો મારો આનંદ પેલા આભાસી વારસાને ટકાવી રાખવા કરતો અતિભવ્ય હોય છે.
પ્રયત્ન કરી જુઓ દોસ્તો! પશ્ચીમી જગતે આશરે ૫૦૦ વર્ષ પહેલાં કોલંબસને અમેરીકા અને વાસ્કોડી ગામાને ભારત અને ચાર્લસ ડાર્વીને બસો વર્ષ પહેલાં સજીવ ઉત્કાંતીનું ભૌતીક મુળ શોધવા પોતાના માબાપોના માળા ત્યજીને મોકલ્યા હતા. પરિણામ તમારી સામે છે.