Saturday, January 22, 2022

ઇ – બુકને આવકાર. “ શોષણ અને વૈશ્વીક પ્રવાહો”

 બુકને આવકાર. " શોષણ અને વૈશ્વીક પ્રવાહો" મુરજી ગડા. (1944-2021)

 અભિવ્યક્તી બ્લોગના સાથી ગોવિંદ મારુએ પોતાના ઇબુકના ખજાનામાં એક ખુબજ વિચારપ્રેરક પુસ્તક ઉમેરવાનું પસંદ કર્યુ છે. આ પુસ્તક આપણી હ્યુમેનીસ્ટરેશનાલીસ્ટ પ્રવૃત્તીના ઉદ્દીપક, મુરજભાઇ ગડા દ્રારા સને ૨૦૧૬માં તૈયાર કરીને પ્રકાશિત કરવામાં આવેલં હતું. આ પુસ્તકને વાંચતા નહી પણ તેનો અભ્યાસ કરતાં લેખકની ખુબજ મુશ્કેલ અને તત્વગ્નાનથી ભરેલા સિધ્ધાંતો ને ગુજરાતી ભાષામાં સરળમાં સરળ રીતે  મુકવાની કળા કેટલી હસ્તગત કરેલી છે તે આપણને સદર ચોપડીનો અભ્યાસ કરતાં આંખે ઉડીને વળગે છે. લગભગ પોતાની મોટાભાગની જીંદગી અમેરીકામાં ગાળી અને તે પણ ટેકનોલીજી અને વિગ્નાન ક્ષેત્રમાં , અંગ્રેજી ભાષામાં. તેમ છતાં તળપદી અને સરળ ગુજરાતી ભાષામાં પોતાના વિચારો રજુ કરવાની કાબેલીયાત પ્રાપ્ત કરવી તે મુરજીભાઇની એક અનોખી સિધ્ધી હતી.

 જુદા જુદા માનવ સંબંધી પ્રશ્નોને ઉકેલવા, વૈચારીક તત્વગ્નાનના તારણોનો બોજ ઉભા કર્યા સિવાય પણ તે બધા સિધ્ધાંતો સાધન તરીકે ઉપયોગ કરીને પોતાની વાત રજુ કરવામાં મુરજીભાઇએ સર્વોપરીતા કેળવી હતી. તેમના માટે આવી વાત કરવામાં કશી અતિશયોક્તિ નથી.

સદર પુસ્તકમાંથી પસંદ કરેલા કેટલાક પેરાગ્રાફ આપની જાણ માટે

 ()  પરિવર્તનનો ખ્યાલ" આ ઝડપી સામાજીક, સાંકૃતિક અને આર્થીક પરિવર્તન પાછળનું સોથી મોટું પરિબળ રહ્યું છે શહેરીકરણ અને ઘેરબેઠાં મળતી માહિતી... પરિવર્તન મોટા શહેરોથી શરૂ થાય છે, ... જે લોકો ગામડામાં રહે છે એમના માટે સ્વતંત્રતા અને આબાદી ઘણા ધીમા હોય  છે............. ભુતકાળમાં ધાર્મીક, સામાજીક, રાજકીય  વિચારધારા આધારિત પરિવર્તનોએ  લોકોને વિભાજીત કર્યા હતા. વર્તમાન પરિવર્તન પહેલાં કરતાં જુદુ છે. તેની દિશા અને ધ્યેય દુનિયાના એકત્રીકરણ તરફ છે......  કુદરતી વાવાઝોડા સામે જે ઝાડ ઝુકતુ નથી તે મોટા ભાગે  સમુળગુ નાશ પામે છે. પરિવર્તનના આ જબરજસ્ત વાવાઝોડા સામે  જડ અંધશ્રધ્ધા અને અગ્નાન  ટકી રહેશે, ઝુકશે કે સમુળગુ નાશ પામશે તે તો સમય જ બતાવશે........" પાનુથી .

() " અસ્પૃશ્યતા નિવારવામાં ગાંધીજી અને આંબેડકર કે અન્ય કોઇએ જેટલો ભાગ ભજવ્યો છે  તેના કરતાં ઘણો વધારે ફાળો શહેરીકરણનો છે. ગામડાઓમાં હજી મોજુદ અસ્પુશ્યતા, શહેરોમાં ઝડપથી ભુંસાઇ રહી છે. વધતું શહેરીકરણ એ વર્ણવ્યવસ્થા અને અસ્પૃશ્યતાના અંતની શરૂઆત છે. વધારે પડતા શહેરીકરણના ગેરફાયદા એ જુદો વિષય છે." પાનુ૧૫.

() આ શોષણને અટકાવવાની શરૂઆત પણ નોંધનીય છે. એના માટે શોષણ કરતા વર્ગેના એક ભાગે (કાળા માલીકોના એક ભાગે) પોતાના જ વર્ગના બીજા ભાગ સાથે લોહીયાળ યુધ્ધ કર્યું હતું. અમેરીકન તત્કાલીન પ્રમુખ અબ્રહામ લિંકનની આગેવાનીમાં થયેલા આંતરવિગ્રહમાં ત્રણલાખ કરતાં વધારે અમેરીકન લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા.

() દુનિયાનું દરેક સામ્રાજ્ય, હારેલી પ્રજાના ગુલામો વડે રચાયુ છે અને વિકસ્યુ છે. પ્રાચીન ઇજીપ્તના ફેરો અને રોમન સામ્રાજ્યથી લઇને હાલના સરમુખત્યારી દેશોની લઘુમતી પ્રજાનું શોષણ આના દાખલા છે. ધીરે ધીરે સરમુખત્યારોનો પણ અંત આવી રહ્યો છે... પાનુ.૧૬.

()  સામાજીક અન્યાયના બે કીસ્સા એવા છે કે જે કોઇ વ્યવસ્થાનું સર્જન નથી. પણ માનવ પ્રકૃતિનો જન્મજાત દુર્ગુણ છે. એક વર્ગ વિગ્રહ અને બીજો છે કૌટુંબિક સ્થળે માળખાકીય અન્યાય અને શોષણ. પુરૂષ પ્રધાન સમાજમાં સ્રીનું નીચું સ્થાન. સ્રીને ત્યાગ અને ક્ષમાની મુર્તિ તરીકે બિરદાવીને તેણીની જરૂરીયાતો અને હક્કોને સિફતથી ઝુંટવી લેવામાં આવ્યા છે. સ્રીઓ માટે નાનપણમાં પિતા,પછી પતિ, અને છેલ્લે દિકરાના આશરે રહેવાનું.......પાનુ૧૭.

() કૌટુંબિક સ્તરે જોવા મળતો એક અન્યાય છે ભારતિય સંસ્કૃતિમાં જયેષઠ પુત્રને મળતું મહત્વ. આને કારણે સંયુક્ત કુટુંબનો બધો કારભાર મોટાભાઇના હાથમાં આવતાં ઘણા વિખવાદ સર્જાયા છે...... મોટાભાઇથી ઉંમરમાં  બે કે ત્રણ વર્ષ નાનો એટલે હંમેશ માટે "નાનો" ગણવો યોગ્ય નથી..... કુંટુંબના સ્તરે જોવા મળતો બીજો અન્યાય છે;  કુટુંબમાં જન્મેલ પ્રત્યે આંધળો વિશ્વાસ અને કુટુંબમાં પરણીને આવતી વ્યક્તિ પ્રત્યેનો અવિશ્વાસ. કુટુંબના તમામ સભ્યોની પ્રમાણિકતા નક્કી કરવા લોહીની સગાઇનો માપ દંડ ભયંકર શોષણખોર અને નિંદનીય છે. ભલે તે અન્યાય સુક્ષમ લાગે પણ તે અન્યાય માળખાગત છે..... પાનું ૧૯.

() ધર્મ અને શાસ્રોને નામે ,દરેક પ્રકારની શોષણ વ્યવસ્થાને વાજબી ઠરાવીને એમને દ્રઢ બનાવવામાં કેટલાક ધર્મોના રખેવાળોએ મોટો ભાગ ભજવ્યો છે. ધર્મે વર્ણવ્યવસ્થાને પોષી છે; પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થાએ તેને ટેકો આપ્યો છે. ઉંચનીચના ભેદોને સમર્થન આપ્યું છે. પુર્વ જન્મના કર્મફળની વાતો કરીને, ભય બતાવીને  એમનું શોષણ કરેલ છે..... જ્યાં સુધી કોઇપણ શોષણવ્યવસ્થાને ધર્મની ઓથ છે ત્યાં તેનો અંત લાવવો સરળ નથી. ધાર્મીક નૈતીકતાને નામશેષ કરાવ્યા વિના સામાજીક ક્ષેત્રે માળખાગત શોષણનો અંત લાવવો અશક્ય કહી શકાય તેટલો મુશ્કેલ છે.

ઉપર મુજબના તારણો મુરજીભાઇના સદર પુસ્તકના જુદા જુદા પ્રકરણોના લેખોમાં  આવે છે.

 હું, સૌ મિત્રો, રેશનાલીસ્ટ અને અન્ય વાંચક મિત્રોને પણ વિનંતી કરુ છું કે ઇબુક " શોષણ અને વૈશ્વીક પ્રવાહો " નો વાંચે ને વંચાવે નહી પરંતુ અભ્યાસ કરે ને કરાવે. મુરજીભાઇએ લખેલા આ સિવાયના ત્રણ પુસ્તકો, વિચારવા જેવી વાતો અને માન્યતાની બીજી બાજુ (પ્રકાશિત વર્ષ૨૦૧૫) અને કુદરતને સમજીએ અને છેલ્લુ પુસ્તક શોષણ અને વૈશ્વીક પ્રવાહો (પ્રકાશિત વર્ષ૨૦૧૬) આપણા સૌ માટે એક રેશનાલીસ્ટ વિચારજગત ની રચના કરવા માટે બૌધ્ધીક પાયાની ઇંટ સમાન છે તેટલું ભુલીયે નહી.

ઇ બુકની લીંકથી તમે આ પુસ્તક ડાઉનલોડ કરી શકશો.
https://govindmaru.files.wordpress.com/2022/01/ebook_56_murji_gada_shoshan_ane_vaishvik_pravaaho_2022-01-22.pdf


--