Thursday, September 8, 2022

માનવીય નૈતીતા એટલે શું?

૨૧મી સદીમાં ધાર્મીક અને નાસ્તીક નૈતીકતા નહી પણ માનવીય નૈતીકતાની તાતી જરૂર છે.

(1)    ધાર્મીક નૈતીકતા એટલે ધર્મ આધારીત માનવ માનવ વચ્ચે વ્યવહાર. ઉપરાંત વ્યક્તીગત કે નીજી સ્વાર્થ માટે ધર્મ સુચીત મૃત્યુ પછીના જીવન માટેનો વર્તમાન જીવનનો વ્યવહાર.

(2)     નાસ્તીક નૈતીક વ્યવહાર ૧૯મી સદીના જર્મન તત્વજ્ઞાની ફેડરલ નિત્શેના પ્રચલીત સુત્ર "The God is dead " આધારીત માનવ માનવ વચ્ચેનો વ્યવહાર. એટલે કે ઇશ્વર પોતે જ જો મરી ગયો હોય તો આ માનવજાત ઇશ્વર વીના જીવી કેવી રીતે શકે? ઇશ્વરના વિકલ્પે આપણામાંથી કોઇને 'સુપરમેન' બનાવી દો. તેની ભક્તી,અર્ચના,પુજા શરૂ કરી દો. નાસ્તીક નૈતીકતાને કોઇ વીચારસરણીનું બંધન હોતું નથી. તેના કાર્યો અને વર્તનથી તેને ઓળખવામાં આવે છે.આપણા સૌના માટે ઇશ્વરે પસંદ કરલો સુપરમેન( Chosen Man) મોકલ્યો છે.તેના તાબામાં કુટુંબ, દેશના તમામ નાગરીકોની બૌધ્ધીક અને ભૌતીક વફાદારી હોવી જોઇએ. ન હોય તો પેદા કરવી જોઇએ. રાજકીય પક્ષ, ધર્મ, રાજ્ય અને રાષ્ટ્ર તમામને તેની એડી નીચે સમર્પીત કરી દો. એક જમાનામાં સુત્ર હતું " The king can do no wrong ." આવી નૈતીકતાના વ્યવહારથી બનાવવામાં આવેલો આપણામાંનો એક સુપરમેનના નીર્ણયો પણ કદાપી ખોટા ન હોઇ શકે!

(3)    આધુનીક સુપરમેનના લક્ષણો– તે ઇશ્વરી અંશ છે તેમ તેનો પ્રચાર શરૂ કરી દો. તેનો વીરોધ એટલે પેલા મારા તમારા 'દેવ'નો વીરોધ. સુપરમેનની ઇચ્છા એટલે 'દૈવી' ઇચ્છા. દૈવી ચમત્કારોની માફક આપણા સુપરમેનના ચમત્કારોના પરચા આધુનીક ઢોલ નગારાની મદદથી સવારથી સાંજ સુધી તે અવાજ દરેક નાગરીકોના જીવનનો એક ભાગ બની જાય ત્યાં સુધી વગાડો.તેની ખાસ વ્યવસ્થા પેલો આપણો પસંદ કરેલા સુપરમેનનો "One point agenda" છે તેવું જાહેર કરે કરાવે.

(4)    સુપરમેન છે પછી આપણે ચીંતા શેની?  તેનામાં 'તનમનધન' ન્યોચ્છાવર કરી દો. પછી સ્વતંત્રતા કીસ બલા કા નામ હૈ. કેટલી સ્વતંત્રતા જોઇએ? શા માટે જોઇએ ? જેમ ઇશ્વરમાં શ્રધ્ધા(અંધશ્રધ્ધા) હતી ત્યારે સ્વતંત્રતાની જરૂર પડી ન હતી. ' મેરે તો ગીરધર ગોપાલ દુસરા ન કોઇ ' ઇશ્વરી પસંદ કરેલા  સુપરમેનની શક્તીમાં શ્રધ્ધા( અંધશ્રધ્ધા) રાખીએ તો સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ અને કાયદાના શાસન જેવા બંધારણીય મુલ્યનો ભાર શા માટે નાગરીકોએ પોતાના શિરે ઉંચકીને ફરવું જોઇએ? નાગરીકોએ સુપરમેનના રાજ્યમાં વીચારવું એટલે સુપરમેનની ભક્તી( ચીંતન) કરવી તે સિવાય બીજું કાંઇચોવીસ કલાકમાં કરવાનું લલાટે લખવામાં આવેલ નથી.

(5)    માનવજાતે પોતાના ઇતીહાસમાં ' ઇશ્વર મૃત્યુ પામ્યો હોવાથી' ઘણા બધા સુપરમેન બનાવ્યા હતા. જર્મનીનો હીટલર, ઇટલીનો મુસોલીની, રશીયાનો સ્ટાલીન ને ચીનનો માઉત્સે તુંગ.તે બધા નાસ્તીક નૈતીકવાદીઓ હતા.પણ તે બધા માનવ કેન્દ્રીત નૈતીકતાના ટેકેદારો ન હતા. દા;ત હીટલરના સને ૧૯૩૦ થી ૧૯૪૫ સુધી જર્મનીના સુપરમેન તરીકે જે અમાનવીય કૃત્યો કર્યા હતા. તેને કારણે સમગ્ર યુનો સહીત પશ્ચીમી જગતે આજે પણ તેનું નામ, તેનો ઝંડો અને તેના નામની ભક્તી પર પ્રતીબંધ મુકી દીધો છે.

(6)    માનવીય નૈતીકતા એટલે છું? તેનો આધાર કયો? The man is a rational being so he is moral being. માનવી એક પોતાની તર્કવીવેક બુધ્ધીથી(Rationality) સારુ શું કે ખોટું શું તે નક્કી કરનારું સજીવ છે.તેની આ તર્કવીવેક શક્તીમાં મદદ કરનાર ત્રણ પરીબળો છે.ઇન્દ્રીયજન્ય અનુભવ પાંચ ઇન્દ્રીયો દ્રારા જાણવાની શક્તિ(Sense Perception),પાંચ ઇન્દ્રીયોની મદદથી બાહ્ય નીરીક્ષણ(External Observation),તે બંનેની મદદથી માનસીક જ્ઞાનબોધ અથવા સમજશક્તી કેળવવી, નીર્ણય કરવો. (Cognition). તમે ચોક્કસ વીચારી શકશો કે આ ત્રણે પરીબળો કુદરતી( Natural) છે, તેથી ભૌતીક છે.તેમાં કશું ઇશ્વરી કે અલૌકીક( Supernatural) નથી. તેમાં કુદરતી નીયમબધ્ધતા છે.( The nature is law- governed). માટે માનવીય સમજશક્તીથી પર નથી.દા;ત આંખો બંધ કરીએ તો ન દેખાય. પાણી ઉપરની સપાટી પરથી નીચેની સપાટી તરફ વહે છે.

(7)    માનવીય નૈતીકતાની જરૂરીયાત શા માટે? ઇશ્વરી કે ધાર્મીક નૈતીકતાનો વ્યવહાર મૃત્યુ પછીના સારા જીવન માટે. માનવીય નૈતીકતાની જરૂરીયાત પૃથ્વી પર સારુ જીવન જીવવા માટે છે..પૃથ્વી પરનું સારુ જીવન તમામ માનવો માટે કોને કહીશું? બીજું સારુ જીવન કોના માટે?

(8)    પૃથ્વી પરના તમામ માનવો જૈવીક ઉત્ક્રાંતી પ્રમાણે એક છે. માટે સમાન છે. ઉંચનીચની તમામ અસમાનતાઓ માનવ સર્જીત છે. માટે ચોક્કસ દુર કરી શકાય તેમ છે. સજીવો માટેનો જૈવીક સંઘર્ષ માનવીય સ્તરપર સ્વતંત્રતા માટેના સંઘર્ષમાં રૂપાંતર થઇ જાય છે. માનવી માટે વ્યક્તીગત ને સામુહીક સ્વતંત્રતા માટે સારુ શું ને ખરાબ શું તે માનવીય તર્કવીવેકશક્તી નક્કી કરે. અને તેમાં જે નક્કી થાય તે નૈતીકતા ગણાય. માનવ માનવ વચ્ચે જે વ્યવહાર, સંબંધોથી માનવીય સ્વતંત્રતાના ગુણો ઉજાગર થાય તેને આપણે માનવીય નૈતીક વ્યવહાર તરીકે ઓળખીશું. માનવીય નૈતીકતા એટલે  જે વ્યવહારોથી માનવીય સ્વતંત્રતા સામેના તમામ સામાજીક, આર્થીક ને રાજકીય પરીબળોની કાયમી નાબુદી. અને સાથે સાથે જે માનવીય નૈતીક વ્યવહારોથી માનવીમાં રહેલ સંભવીત શક્તીઓના વીકાસ માટેની અનીયંત્રીત તકોની સવલતો પુરી પાડતી સામાજીક, આર્થીક અને રાજકીય વ્યવસ્થાઓ.

(9)    માનવીય નૈતીકતાને ધર્મનીરપેક્ષ નૈતીકતા( Secular Morality) તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણા તમામ માનવીય વ્યવહારોને ઉપરની ચર્ચાને આધારે મુલ્યાંકન કરીને આપણો પોતાનો નૈતીક વ્યવહાર ક્રમશ વીકસાવી શકાય તેમ છે.


--