જ્યારે આપણે રાષ્ટ્રના સંદર્ભમાં સ્વતંત્રતાની ચર્ચા કરતા હોઇએ છીએ ત્યારે આપણી લાગણીને આપણે શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી. આપણી તે લાગણીનો સંબંધ અતુટ (ઇનવીઝીબલ બોન્ડ) છે. રાષ્ટ્રીય સ્વતંત્રતા એ આપણી આઝાદીની ચળવળના રાષ્ટ્રીય નામાંકીત નેતાઓએ આપેલી તે એક (સ્વતંત્રતા)અમુલ્ય ભેટ છે. તે સન્માનીય આઝાદીના નેતાઓનો બ્રીટીશ સલ્તનત સામેનો સંઘર્ષ પોતાના નીજી સ્વાર્થો માટે કર્યો ન હતો. તે બધાને ભારતને એક આઝાદ દેશ બનાવવો હતો જેમાં દેશના નાગરીકોનું જ્ઞાતી, વંશ, જાતી, ધર્મ કે લીંગના આધારે કોઇપણ પ્રકારનો ભેદભાવ (ડીસક્રીમીનેશન) ન હોય.
તેઓની સ્વાધીનતાની લડત કોઇ ખાસ ભારતીય નાગરીક કે દેશના કોઇ ધાર્મીક કે વંશીય જુથ માટેની ક્યારેય ન હતી. તે દેશના દરેક નાગરીક માટેની હતી. મારે માટે આઝાદી એટલે ભુલો કરવાની અને કરેલ ભુલોમાંથી શીખવાની આઝાદી. તેનો સાદો સીધો અર્થ છે કે તમે મારા વીચારવાના અને તે રજુકરવાની સ્વતંત્રતાના મોંઢે ડુચો મારી શકો નહી જયાંસુધી મારા વીચારો અને કાર્યો બીજાને હાની પહોંચડાતા ન હોય. સ્વતંત્રતાનો અર્થ પણ જેમ જેમ આપણે પુખ્ત અને બૌધ્ધીક રીતે પરીવર્તન પામીએ છીએ તેમ બદલાતો પણ જાય છે.
હું જ્યારે પ્રાથમીક શાળામાં એક બાળક તરીકે ભણતો હતો ત્યારે મને બે રજાઓની ખાસ ઇંતેજારી રહેતી હતી. એક ૧૫મી ઓગસ્ટ આપણો સ્વાતંત્ર દીવસ અને બીજો દીવસ ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દીવસ. કારણકે તે બે દીવસોએ કાર્યક્રમ પુરો થયા પછી મીઠાઇ વહેંચવામાં આવતી હતી. આ રાષ્ટ્રીયપર્વના કાર્યક્રમોમાં હું હંમેશાં ' યે દેશ હે વીર જવાનોકા અલબેલોકા મસ્તાનોકા' ગાતો હતો. અને શાળાના સાંસ્કૃતીક કાર્યક્રમમાં જ્યારે હું ' એ મેરે વતન કે લોગો, જરા આંખમે ભરલો પાની, જો શહીદ હુંએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની' ગીત સાંભળીને રડી પડતો હતો. આ કાર્યક્રમોમાંથી મને દેશને માટે કંઇક મહાન કરી છુટવાની સતત પ્રેરણા મળતી હતી. હું ચંદ્રશેખર આઝાદ, ભગતસીંહ અને સુભાષચંદ્ર બોઝ જેવો બનવા માંગતો હતો. તે બધા મારા અતીપ્રીય પ્રેરણા મુર્તીઓ હતા.
બાળપણમાં મારા આઝાદીના ખ્યાલમાં બે વસ્તુઓ હતી. એક સ્કુલમાંથી આપેલું હોમવર્ક ન કરવું અને બીજું જેટલું મન થાય તેટલું રમવાની આઝાદી.પણ હું જ્યારે ૧૦મી શ્રેણીમાં આવ્યો ત્યારે સમજણ પડી કે દેશ માટે પણ કંઇ કરવું હશે તો ભણવું પડશે. હું ધોરણ દસ અને બારમામાં મારી સ્કુલમાં સૌથી વધારે માર્કસ મેળવી પહેલે નંબરે પાસ થયો.
હું જ્યારે કોલેજમાં ભણતો થયો ત્યારે ફરી મારી આઝાદીનો ખ્યાલ બદલાઇ ગયો. તે સમયે મારા મનમાં કોઇપણ રીતે મારા કુટુંબને આર્થીકરીતે મદદરૂપ કેવી રીતે થવાય તે મુદ્દો સૌથી મહત્વનો બની ગયો. કોલેજના પ્રથમ વર્ષે હું 'એરફોર્સ ટેકનીકલ ટ્રેડ એક્ઝામીનેશ' માં બેઠો. તેમાં હું પસંદ થયો અને ટ્રેંઇનીંગમાં બેલગામ (કર્ણાટક) ગયો.
ટ્રેઇનીંગ દરમ્યાન હું ખુબજ ખુશ હતો, કારણકે મને મારા બાળપણનું સ્વપ્ન ખરૂ પડતું લાગ્યું. હું સીધોજ 'એર ફોર્સ'નામની દેશની લશ્કરની શાખામાં રાષ્ટ્રની સેવા કરવા માંડયો. મારી આ લશ્કરી સર્વીસથી મારા કુટુંબે ગૌરવ અનુભવ્યું. હું જ્યારે ઘરેથી સર્વીસ માટે જતો હોઉ ત્યારે મારા પીતાજી પોતાની હેટ ઉતારી મને સલામ કરતા હતા.
જ્યારે આપણે રાષ્ટ્રના સંદર્ભમાં સ્વતંત્રતાની ચર્ચા કરતા હોઇએ છીએ ત્યારે આપણી તે લાગણીને આપણે શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી. આપણી તે લાગણીનો સંબંધ અતુટ(ઇનવીઝીબલ બોન્ડ) છે. જેમ જેમ તમને દેશ પ્રત્યે વધુ ને વધુ પ્રેમ થાય અથવા તો તમે તમારી જાતને દેશ માટે વધુ ને વધુ સમર્પીત થઇ જાવ ત્યારે દેશમાટેની લાગણી વધુ ને વધુ મજબુત થતી હોય છે.
આજના આ વાતવરણમાં કેટલાક કહેવાતા દેશભક્તો (સો કોલ્ડ દેશભક્તો) ખાસ એક કોમ કે સમાજની 'દેશભક્તી'ને તપાસવા મેદાને પડયા છે. તમારે તેમની હાજરીમાં તમારી દેશભક્તીની સાબીતી આપવાની હોય છે. મઝાની વાત એ છે કે તમારી દેશભક્તી માપવાનો કોઇ માપદંડ તેમની પાસે નથી. તે બધા તમારી દેશભક્તીને તમારા નામ, ધર્મ કે જ્ઞાતીથી ઓળખે છે. જ્યારે આવા પરીબળો તમારો દેશપ્રેમ માપવાની કોષીશ કરે છે ત્યારે તમારી આઝાદીનો ખ્યાલ જે બચપણથી વીકસાવેલો હતો તે જ મૃતપાય થઇ જાય છે. આ કહેવાતા દેશભક્તોના કાર્યોથી હું ગુગળાઇ જવા બેઠો છું. મને સતત એમ જ અનુભવાય છે કે હું અને મારો દેશ ફરીથી ગુલામ બનવા તરફ જઇ રહ્યા છે. વધુમાં હું ભારતીય તરીકે મારી ઓળખ ગુમાવતો હોઉ તેવો મને ડગલે ને પગલે અહેસાસ થવા માંડયો છે. જયારે રાજકારણીઓ એવા સુત્રો પોકારે છે કે અમારે ' કોંગ્રેસ મુક્ત ભારત –અને મુસ્લીમ મુક્ત ભારત' બનાવવું છે ત્યારે મને એમ લાગે છે કે હું મારી મહામુલી મેળવેલી સ્વતંત્રતા ખોઇ રહ્યો છું. મને વીચાર આવે છે કે તમે કેવી રીતે સમાજના એક ભાગ માટે આવા સુત્રો ઉચ્ચારી શકો? જયારે દેશમાં કહેવાતા દેશભક્તો તરફથી આવી વાતો વ્યવસ્થીત ફેલાવવામાં આવે છે ત્યારે મને અનુભવાય છે કે ફરીથી ગુલામીનો યુગ શરૂ થયો છે. શું આવા પરીબળોએ સ્વતંત્રતા અને રાષ્ટ્રપ્રેમ કોને કહેવાય તેનો ' કોપીરાઇટ' દેશના નાગરીકો પાસેથી ખુંચવી લીધો છે? ખરેખરતો તે અધીકાર દેશના દરેક નાગરીકોનો મુળભુત અધીકાર છે. તે કોઇની દેન નથી કે જેથી ખુંચવી શકાય!.
લોકશાહી, સ્વતંત્રતા અને દેશભક્તી એકબીજા ઉપર અવલંબીત છે. તમારૂ લોકશાહી ભર્યું વલણ તમને વધુ દેશભક્ત બનાવે છે. જેનાથી તમે વધુ આઝાદ બનો છો કે સ્વતંત્ર બનો છો. પણ આઝાદી સાથે કાર્ય કે વર્તનની જવાબદારી પણ આમેજ હોય છે. 'સબકા સાથ સબકા વીકાસ' નો પાયો સામાજીક સહીષ્ણુતાપર આધારીત છે. રાષ્ટ્રીય સ્વતંત્રતાનો ઉદય ,અસ્તીત્વ અને વીકાસ આઝાદીના લડવૈયાના સંઘર્ષ અને બલીદાનનું પરીણામ છે. આપણા લશ્કરી બળો તે આઝાદીનું સંરક્ષણ કરે છે અને સાચવી પણ રાખે છે. આવી આઝાદીનો ઉપયોગ ખુબજ સાચવીને સમજ– પુર્વક કરવી જોઇએ.
( લેખના લેખક ઇન્ડીયન એરફોર્સમાં સાર્જન્ટ છે.અને તે મહંમદ અખલક નો પુત્ર છે. જેને ઉત્તરપ્રદેશના દાદરી ગામમાંતારીખ ૨૮મી સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ તેમના ફીજમાં ગૌ માંસ છે તેવો આક્ષેપ મુકીને મારી નાંખવામાં આવ્યા હતા.) સૌ. ઇન્ડીયન એકસપ્રેસ,
અંગ્રેજી લેખનો ભાવાનુવાદ. ૧૨–૯– ૨૦૧૬.