Saturday, September 3, 2016

જૈન દીગંબર મુની તરૂણ સાગરે હરીયાણા વીધાનસભામાં રજુ કરેલ વીચારો–

જૈન દીગંબર મુની તરૂણ સાગરે હરીયાણા વીધાનસભામાં રજુ કરેલ વીચારો–

આપણે  અહીંયા હરીયાણા વીધાનસભામાં મુળ આર એસ એસમાંથી તૈયાર થયેલા અને  હરીયાણા રાજ્યના   મુખ્યમંત્રી બનેલા શ્રી ખટ્ટરે કોઇ ધાર્મીક નેતાને પોતાની વીધાનસભામાં શ્રી રાજ્યપાલના કરતાં પણ ઉંચે આસને બેસાડી " ધર્મ અને રાજ્ય" ના સંબંધો જેવા મુદ્દે કેમ પ્રવચન આપવા બોલાવ્યા તેની ચર્ચા કરવા માંગતા નથી. અમે તેનો ચોક્ક્સ અને ગંભીર રીતે વીરોધ તો કરીએ જ છીએ. કારણકે દેશના લોકશાહી બંધારણ મુજબ રાજ્ય અને ધર્મના કાર્યો સ્પષ્ટ રીતે સ્વતંત્ર છે તેવું જણાવવામાં આવેલું છે. બંધારણે બક્ષેલા મુળભુત અધીકારોની કલમ ૧૯ અને ૨૫ મુજબ ધાર્મીક સ્વતંત્રતા એ દરેક નાગરીકનો અધીકાર છે. બંધારણ મુજબ રાજ્યની પ્રવૃત્તીઓમાં ધર્મએ દખલગીરી ન કરવી જોઇએ. અને તેવીજ રીતે ધર્મના ક્ષેત્રોમાં રાજ્યે દખલગીરી ન કરવી જોઇએ.

હવે શ્રી તરૂણસાગરે પોતાના આ પ્રવચનમાં  ' પ્રેસ રીપોર્ટ'  પ્રમાણે બે અગત્યની વાતો કરી છે. એક રાજ્ય અને ધર્મના સંબંધોમાં ધર્મની સર્વોપરીતાની તરફેણ કરી છે. રાજ્યશાસન ધર્મ પ્રેરીત અને સંચાલીત હોવું જોઇએ. આ સંબંધોની વધુ ચોખવટ કરતાં તેઓએ જણાવ્યું હતું કે ' જેમ પતીનું આધીપત્ય પોતાની પત્ની ઉપર છે તેવું ધર્મનું આધીપત્ય રાજ્ય પર હોવું જોઇએ.'  એટલે કે રાજ્યશાસન તેના જન્મદાતા અને  કર્તા ધર્મના દાસ, અને ગુલામ હોવા જોઇએ.  આ મુનીના ક્રાંતીકારી કડવા વીચારોમાં ' સ્રી–પુરૂષ' સમાનતા હજુ જોજનો દુર છે. તે જેમ પુરૂષના સ્રી પરના આધીપત્યને ધાર્મીક ગણે છે તેમ તેમને ધર્મનું આધીપત્ય રાજ્ય પર જોઇએ છીએ. હજુ તેમને માહીતી નથી અથવા આ સત્ય સ્વીકાર્ય નહી હોય કે ભારતના રાજ્યનું સર્જન દેશમાં પ્રવર્તમાન કોઇ ધર્મોએ કરેલું જ નથી. પણ ' વી ધી પીપલ ઓફ ઇંડીયા' એ બંધારણ મુજબ રાજ્યનું સર્જન કરેલ છે. ભારત દેશમાં રહેતા લોકો બંધારણ મુજબ પ્રથમ ભારતીય નાગરીક છે પછી હીંદુ કે મુસલમાન વગેરે. આ બધા ધર્મના ઠેકેદારોને દેશના નાગરીકો( સીટીઝન્સ)ને નાગરીકમાંથી હીંદુ, મુસલમાન, ખ્રીસ્તી અને જૈન બનાવવા છે. તમને ઘડીયાળના કાંટાને સને ૧૯૪૭ સાલ પહેલાંની તરફ લઇ જવા છે. પછી આ બધા ધાર્મીક ઠેકેદારોને પોતાના ધર્મના અનુયાયીઓ પર પોતાના ધર્મોની દુકાનો ચલાવવી છે. તે બધાના હીતો ધાર્મીકને બદલે ધંધાકીય થઇ ગયા છે. તેમના અનુયાયીઓ ધાર્મીકને બદલે ધાર્મીક ગ્રાહકો છે. તેમના સંબંધો મુડીવાદી સમાજ વ્યવસ્થામાં જે સંબંધો  ઉત્પાદક અને ગ્રાહકના છે  તેનાથી લેશ માત્ર જુદા હોતા નથી.

આ બંને વીચારોનું પૃથ્થકરણ કરતાં આ જૈનગુરૂની માનસીકતા અને વીચારપધ્ધ્તી શું છે તે સ્પ્ષ્ટ રીતે ખબર પડે છે.

એક, તેઓને રાજ્યવ્યવસ્થાની સામે ધર્મવ્યવસ્થાનું પ્રભુત્વ જોઇએ છીએ. આવો ખ્યાલ ફક્ત તેઓનો છે એવું બીલકુલ નથી. તેવો ખ્યાલ કોઇપણ ધર્મના વડાનો સામાન્ય રીતે હોય છે. અરે! આવો ખ્યાલ આર એસ એસના વડા મોહન ભાગવત અને તેમની ઉપરથી નીચે સુધી પ્રસરેલી ફોજનો પણ છે. તે બધાને દેશમાં હીંદુ ધર્મ પાળતી બહુમતી હીંદુઓની હોવાથી તે બધાને દેશને કાયદા મુજબના અસ્તીત્વમાં આવેલ બંધારણીય રાજ્યમાંથી  હીંદુ રાજ્યમાં રૂપાંતર કરવું છે. દેશને લોકો માટેનું કલ્યાણ રાજ્ય બનાવવાને બદલે હીંદુ ધર્મના મનુસ્મૃતીના નીયમો પ્રમાણેનું હીંદુ રાજ્ય બનાવવું છે. દેશ અને દુનીયાના દરેક ધર્મોના ધર્મગુરૂઓને, ખ્રીસ્તીઓને બાયબલ, મુસલમાનોને  કુરાન અને શરીઅત, હીંદુઓ માટે મનુસ્મૃતી અને ભગવત ગીતા પુરસ્કૃત વર્ણવ્યવસ્થાના ટેકાવાળું અને જૈનોને મહાવીર સ્વામી અને અન્ય તીર્થંકરોએ સુચવેલ પ્રમાણેનું જૈનોનું રાજ્ય શાસન જોઇએ છીએ. ૨૧મી સદીની, ખાસ કરીને નાગરીક લોકશાહી પ્રથા તે બધાને આંખના કણાની માફક સતત ખુંચે છે. લોકશાહી રાજ્યપ્રથામાં રાજ્ય પોતાના કોઇપણ નાગરીકનો ધર્મ જોવાને બદલે નાગરીક તરીકે ગણીને તેના કલ્યાણ માટેનો અધાર્મીક નહી પણ ઐહીક (સેક્યુલર) વ્યવહાર કરે છે.

જૈન દીગંબર મુની તરૂણ સાગરના વીચારો અને કાર્યો એ કોઇપણ ધર્મના વડાઓના વીચારોથી બીલકુલ જુદા નથી. તેથી આપણા પડકારો તે બધા જ સામે જ હોય. તેમાં કોઇ વધારે વીરોધી કે ઓછા વીરોધી હોઇ  શકે નહી. તે રીતે જ આપણે તે બધાના, જાગૃત અને અજાગૃત મનમાંથી વ્યક્ત થતા અમાનવીય મુલ્યો જેવાકે લોકોની ધાર્મીક ગુલામી, સ્રી–પુરૂષ અને માનવ માનવ વચ્ચે ધર્મ પ્રેરીત અસમાનતા અને સંપન્ન માણસોનો વંચીતો સામેનો અન્યાયી વ્યવહાર, વર્તન વીગેરે સામેના પડકારો ઝીલવા બહુજ ઝડપથી તૈયાર થવાનો સમય આવી ગયો છે.સ્વતંત્રતા,સમાનતા અને બંધુત્વ માનવ મુલ્યો છે.આવા મુલ્યોને બચાવવા માટેનો સંઘર્ષ લાંબા ગાળાનો છે. જેમાં આપણા પક્ષે જ્ઞાન–વીજ્ઞાન અને આધુનીક ટેકનોલોજીનો સાથ છે. પણ તે બધા તેનો યેનકેન પ્રકારે જ્ઞાન–વીજ્ઞાનનો વીનાશ કરવામાં સફળ ન થાય તો! આવા સ્થાપીત હીતો ધરાવતા ધાર્મીકોને તેમના સાચા પ્રકટ અને અપ્રકટ વર્તનો સામે આપણે આપણા નાગરીક જોખમોએ જ નજરઅંદાજ કરી શકીએ.

હરીયાણાની ખટ્ટર સરકાર તરુણ સાગરને બોલાવવામાં પહેલી નથી. શીવરાજ પાટીલની મધ્યપ્રદેશની સરકારે આ જૈન સ્વામીને વીધાનસભામાં જ પ્રવચન આપવા બોલાયા હતા. તરુણસાગર અને આર એસ એસ–બીજેપી સંચાલીત આ બધાના વૈચારીક એજન્ડા બીલકુલ જુદા નથી.બીજી એક અગત્યની હકીકત છે કે લોકસભા અને રાજ્યસભા ગૃહનો 'લેક્ચર હોલ' તરીકે બીલકુલ ઉપયોગ ન થઇ શકે તેવી કાયદાકીય જોગવાઇ છે. તો કયા કારણોસર દેશના રાજ્યોની વીધાનસભા ગૃહોને આવા કાયદામાંથી બાકાત રાખવામાં આવી છે. વધારામાં આ મુનીને હરીયાણાની વીધાનસભામાં પ્રવચન આપવા બધાજ રાજકીય પક્ષોએ અનુમતી આપી હતી.  

 હરીયાણા સરકાર દેશના બંધારણ વીરૂધ્ધ કેવીરીતે બીન્દાસ વર્તી રહી છે તે જોઇએ.એક તેણે વીધાનસભામાં બીલ પસાર કરીને રાજ્યના અશીક્ષીત અને અભણ પુખ્ત ઉંમરના નાગરીકોનો મત આપવાનો અધીકાર છીનવી લીધો છે. બે થી વધુ બાળકો હોય તે મતદાર ઉમેદવાર તરીકે કોઇપણ સ્થાનીક, કે રાજ્યની ચુંટણી ન લડી શકે તેવું પણ બીલ પસાર કર્ય્રુ છે. દેશના બધા રાજ્યોમાં જે રાજકીય અને માનવ અધીકારો નાગરીકો ભોગવતા હોય તેને હરીયાણા સરકાર પોતાના માની લીધેલા સામાજીક આદર્શો રાજ્યના દરેક નાગરીક પર થોપી દીધા છે.

 આપણે તરુણ સાગર મુનીને પ્રશ્ન પુછી શકીએ ખરા કે જૈનોના દીગંબર સંપ્રદાયમાં પુરૂષો જ કેમ દીંગંબર અને સ્રીઓ કેમ નહી? પુરૂષ દીગંબર બને તો મોક્ષ મળે પણ સ્રી દીગંબર મહીલા મુની બને તો શું ઉપર આભમાંથી સ્વર્ગ ફાટીને નીચે આવી જાય? જૈનધર્મના બીજા ફીરકા શ્વેતાંબરમાંતો સ્રીઓને બાળદીક્ષા અપાવી દુન્યવી પ્રલોભનોમાંથી મુક્ત બનાવી મોક્ષને લાયક બનાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે.    દીગંબરો એ સમાજ બીલકુલ ત્યજી દીધો છે. તો પછી તમારી દીગંબર શારીરીક અવસ્થા જાહેરમાં શું કામ પ્રદર્શીત કરીને બીજા બધાને મુશ્કેલીમાં મુકો છો?

 

 

 

 

 


--