Wednesday, September 21, 2016

ભુતપુર્વ રાષ્ટ્રપતી અબ્દુલ કલામની ગૌરવશાળી વાતો–

આપણા ભુતપુર્વ રાષ્ટ્રપતી એપીજે અબ્દુલ કલામ કેવા ગૌરવશાળી માનવ હતા?

તેઓના સેક્રેટરી શ્રી પી.એમ નાયરે ' કલામ ઇફેક્ટ' (Kalam Effect) નામની પ્રકાશીત કરેલ ચોપડીમાં નીચે જણાવેલ માહીતીઓ અમે રજુ કરી છે.
(1)
સામાન્ય રીતે જ્યારે કોઇપણ દેશના સર્વોચ્ચ વડા બીજા દેશની મુલાકાતે જાય ત્યારે તેઓને હોદ્દાની રૂએ ઘણી કીંમતી ભેટો યજમાન દેશ તરફથી આપવામાં આવતી હોય છે. તે એક રીવાજ કે શીષ્ટાચાર છે.શ્રી કલામ સાહેબ માટે તે ભેટ– સોગાદો લેવી અને લેવી તો તે બધાનું શું કરવું તે પ્રશ્ન સતત સતાવવો હતો. જો તે ભેટોનો અસ્વીકાર કરવામાં આવે તો તે રાષ્ટ્ર માટે અવીવેક ગણાય. યજમાન દેશને શરમીંદુ બનવું પડે. આ બાબત કલામ સાહેબ માટે ખુબજ અગવડ ભરી સ્થીતી હતી.

 તેઓએ નક્કી કર્યું કે આવી ભેટ– સોગાદો સ્વીકારવી. પણ  દેશ પરત આવતાં જ  તે  ભેટોના ફોટા પાડી, તેની વ્યવસ્થીત યાદી બનાવી અને પછી રાષ્ટ્રીય દફતર ભંડાર ( નેશનલ આર્કાઇવ્ઝ)ને સોંપી દેવી. ત્યારબાદ તેઓએ ક્યારેય તે ભેટ–સોગાદો તરફ જોયું જ નથી. જ્યારે તેઓએ રાષ્ટ્રપતીભવન છોડી દીધું ત્યારે પોતાને મળેલ ભેટોમાંથી એક પેનસીલ સરખી પણ તેઓએ લીધી ન હતી.

(2) સને ૨૦૦૨માં તેઓ રાષ્ટ્રપતી બન્યા ત્યારે જુલાઇ–ઓગસ્ટ માસમાં રમઝાન મહીનો આવતો હતો. દરેક રાષ્ટ્રપતી ઇફતાર પાર્ટી રાખતા હતા. તે એક રીવાજ બની ગયો હતો. શ્રી કલામે પુસ્તકના લેખક નાયરને પુછયું કે જે લોકો ખાધેપીધે સંપન્ન છે તે બધા માટે ઇફતાર પાર્ટી શા માટે રાખવી જોઇએ? તે પાર્ટીનો અંદાજી ખર્ચ કેટલો થશે તે મને જણાવો? નાયરે જણાવ્યું કે આશરે ૨૨ લાખ રૂપીયા. શ્રી કલામે નાયરને જણાવ્યું કે કેટલાક અનાથ અને જરૂરમંત લોકોને શોધી કાઢી તે બધાને તેટલી રકમનાં અનાજ, કપડાં અને ધાબડા વી. દાનમાં મોકલી આપો. આ રીતે ઇફતાર પાર્ટીનો વીકલ્પ શોધાઇ ગયા પછી તેઓએ નાયરને પોતાની રૂમમાં બોલાવી પોતાના અંગત ખાતામાંથી રૂપીયા એક લાખનો ચેક આપ્યો. અને ખાસ સુચના આપી આ વાત કોઇને કહેવાની નથી. પણ નાયરને એકદમ માનસીક ઝાટકો લાગ્યો. ને કહ્યું કે " સાહેબ! હું રૂમમાંથી બહાર નીકળીને બધાને કહીશ." લોકોને જાણવા દો કે આ એ માણસ છે જેને પોતાના હોદ્દાની રૂએ જે ખર્ચ કરવાનો છે તે તો કરતો નથી પણ પોતાના પૈસા પણ મદદમાં આપે છે. શ્રી કલામ પાક મુસ્લીમ હોવા છતાં પોતાના રાષ્ટ્રપતી પદના સમયગાળામાં કોઇ ઇફતાર પાર્ટી રાખી નહી.

(3)  ડૉ કલામ ને ક્યારેય ' યસ સર કહેનાર' ટાઇપના માણસો બીલકુલ ગમતા ન હતા. એક વાર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ આવ્યા હતા.  કોઇ મુદ્દા પર શ્રી કલામે પોતાનો અભીપ્રાય આપ્યો અને પછી નાયરને પુછયું કે '' તમે સંમત છો?' નાયરે જવાબ 'ના, સાહેબ, હું તમારા મત સાથે સંમત થતો નથી.'

ચીફ જસ્ટીસ ઓફ ઇંડીયાને મારી રજુઆતથી એકદમ 'સોક' આઘાત લાગ્યો. અને તેમને લાગ્યું કે તેઓના કાને બરાબર સાંભળ્યું તો છે ને! કોઇ સીવીલ સર્વંટ જે રાજ્યનો કર્મચારી છે તે આવી અસંમતી રાષ્ટ્રપ્રમુખના મતની વીરૂધ્ધ અને જાહેરમાં આપી શકે તે માન્યામાં આવે તેવી વાત ન હતી. પછી શ્રીકલામ શા માટે મારો મત તેમના મતની વીરૂધ્ધનો હતો તે સમજવા મને પુછે. જો  તેમાં મારી હકીકત તર્કબધ્ધ ૯૯ ટકા લાગે તો તે પોતાનો મત ચોક્કસ બદલતા.

(4) શ્રી કલામે પોતાના ૫૦ સબંધીઓને દીલ્હી બોલાવ્યા. જે બધા રાષ્ટ્રપતી ભવનમાં રહ્યા. તેઓએ તે બધા માટે ભાડે બસ કરીને દીલ્હી બતાવ્યું. જેના ભાડાના પૈસા પોતે આપ્યા હતા. આ બધા દીવસો દરમ્યાન કોઇ વાહન રાષ્ટ્રપતી ભવનનું વાપરવામાં આવ્યું ન હતું. અમને બધાને તેમની પાછળ જમવાના વી.ના થતા ખર્ચની ગણતરી બરાબર રાખવાનું કહ્યું હતું. તે બીલ રૂપીયા બે લાખનું આવ્યું જે શ્રી કલામે આપ્યું હતું. આ દેશના ઇતીહાસમાં આવું કોઇએ કર્યું નથી.

(5) શ્રી કલામસાહેબની પ્રમાણીકતાની હવે ચરમસીમા જુઓ.

એક અઠવાડીયાસુધી શ્રીકલામ સાહેબના મોટાભાઇ તેમની પોતાની રૂમમાં જ સાથે રહ્યા. તેઓની ઇચ્છા હતી કે અમે બંને ભાઇઓ સાથે જ રહીએ. પછી તે બંને છુટા પડયા. શ્રીકલામ તે રૂમનું ભાડુ પણ આપવા માંગતા હતા. આપણે કલ્પના પણ કરી શકીએ છીએ ખરા કે  જે  દેશનો રાષ્ટ્રપતી પોતાના રૂમમાં રહેતો હોય તેનું પણ ભાડુ આપવા તૈયાર થાય! રાષ્ટ્રપતી ભવનના સ્ટાફે તે વાત સ્વીકારી નહી કારણકે આવી પ્રમાણીકતાનું સંચાલન કરવું તે બધા માટે શક્ય નહતું.

(6) જયારે કલામ સાહેબની રાષ્ટ્રપતી તરીકે મુદત પુરી થઇ અને તે વીદાય લેવાના હતા ત્યારે દરેક સ્ટાફ મેમ્બર તેઓને મળ્યા અને તેઓને બધાએ ભાવભીનું માન આપ્યું. આ પુસ્તકના લેખક નાયર, પોતાની પત્ની જેને પગે ફેક્ચર થયું હતું અને પથારી વશ હતી, તેથી તેણીને લીધા સીવાય એકલા શુભેચ્છા પાઠવવા આવ્યા. તેઓએ પુછયું કે કેમ તમારી પત્ની આવી નથી? મેં તેણીના અકસ્માતની વાત કહી. બીજે દીવસે સવારે નાયરે જોયુ કે તેમના ઘરની આસપાસ ઘણી પોલીસ હતી. મેં પોલીસને પુછયું કે શું છે? તેમનો જવાબ હતો કે શ્રી કલામ સાહેબ, રાષ્ટ્રપતી તમારા ઘરે મુલાકાતે આવે છે. તેઓ મારે ઘરે આવ્યા ને મારી પત્નીની તબીયતની પૃચ્છા કરી. થોડોક સમય રોકાઇ ને તે ગયા. નાયરે લખ્યું છે કે  વીશ્વના કોઇ દેશનો વડો પોતાના સીવીલ સર્વંટના ઘરે આવા બહાના હેઠળ મળવા આવે તે સંભવ છે ખરૂ ?

(7) શ્રી કલામ સાહેબનો નાનો ભાઇ છત્રીઓ રીપેર કરવાની દુકાન ચલાવતો હતો. નાયર શ્રી કલામ સાહેબના અંતીમ વીધી સમયે તે નાનાભાઇને મળ્યા. તેણે લાગણીસભર બનીને નાયરના પગને સ્પર્શ કર્યો  અને કહ્યુંકે તેણે " હું મારા ભાઇ અને તમારા પ્રત્યેના આદરભાવમાં આ કર્યા સીવાય રહી શકતો નથી.



--