સાહેબ! રાષ્ટ્રગીતના અપમાન માટે જનતાને પકડી લાવ્યા છે.
દેશમાં સને ૧૯૭૫–૭૭ના કટોકટીના દીવસો હતા.મહેમદાવાદમાં અમારા જુના પોળના ઘરના પાછળના ભાગનું એક બારણું દરજીવાડના બજારમાં પડતું હતું. તે બજારમાં એક દુકાનના પાટીયા ઉપર બેસીને યાસીન બુખારી પ્રાયમસ રીપેરીંગનું કામ કરતો હતો. યાસીનના પેન્ટનો રંગ ખાખી અને શર્ટનો રંગ સફેદ હતો કે કેમ તે તમે નક્કી ન કરી શકો. કારણકે પેલા પ્રાયમસના લવીંગની કાળીમેશ અને વાયસલનું કાળુ બળી ગયેલું ઓઇલ બધું સાફ કરવા માટેનો નેપકીન, ડુચો કે કકડો તે આ ખાખીપેન્ટ અને સફેદ શર્ટ જ હતા. ઘણા વાર જાણતાં અજાણતાં તેના મોંઢા અને હાથ પગ પર તેના સ્ટવરીપેરીંગ ધંધાની નીશાનીઓ ખુબજ નોંખી આપણી આંખોને ઉડીને ખુબજ દુ:ખદ રીતે સ્પર્શી જતી હતી.
મારા બા હંમેશાં તે યાસીનના ઘરની નાની મોટી ચીંતા કરતા હતા. યાસીન બાના પ્રાયમસના લવિંગમાંથી કચરો સાફ કરી આપતો, સ્ટવને પંપ મારવાનું વાયસલ બદલી આપતો હતો. તે સમયે કેરોસીન પણ સફેદ પારદર્શકને બદલે સર્વગુણોથી ભરેલું રંગીન આવતું હતું. યાસીન અને બા ના સંબંધો ખુબજ આત્મીય હતા એક બીજા પોતાની નીજી વાતોની આપલે કરતા.
એક દીવસે યાસીને બા ને કહ્યુ કે હું સીનેમાના થીયેટરમાં કોઇ દીવસ સીનેમા જોવા ગયો નથી. આજે ટોકીઝમાં કયું સીનેમા પડયું છે તેની લારી અને સાથે પેલો કાલીયો ઢોલ વગાડનારો ગાંગરતો હતો કે " આજે નાદીયા–જોનકાવસનું સીનેમા છે અને તેના પોસ્ટરમાં પેલી નાદીયા ઘોડાપર હંટર સાથે બેઠેલી હતી."
બા, " મને ભાઇ પાસેથી પાંચ રૂપીયા અપાવો અને હું બપોરના શો માં પેલી પાટલીઓવાળી બેઠકો ઉપરની ટીકીટ લઇને સીનેમા જોઇને તરતજ દોડતો પાછો આવી જઇશ અને તમારા સાંજના ખાવા કરવાના સમય પહેલાં હું તમને સ્ટવ રીપેર કરીને પાછો આપી દઇશ." લે ભાઇ, હું જ તને પાંચ રૂપીયા આપું છું, તું પાછો આપણા આવા વ્યવહારની વાતો મારા દીકરાને ના કહીશ. ( તે સમયે ડી– મોનિટાઇઝેશનની નોટો બદલી ની ધમાલ ન હતી એટલે બા ની સાડી નીચે સંતાડેલી નોટો ઘરના બધાથી સલામત અને ખાનગી હતી.)
યાસીન સીનેમાના થીયેટરમાં પાટલીઓની હરોળમાં છેલ્લી પાટલીઓ પર છેલ્લો બેઠો હતો. જેથી સીનેમા છુટે ( માણસો નહી) એટલો દોડતો આવી સ્ટવ રીપેર કરીને બા ને આપી દે.
સીનેમા પુરૂ થયું કે તરતજ યાસીન દોડતો બહાર નીકળી ગયો. સીનેમાના લાલાએ તેને પકડીને શેઠ ને હવાલે સોંપી દીધો. શેઠે પોલીસ બોલાવી અમારા યાસીનને સીનેમા પુરૂ થયા પછી રાષ્ટ્રગીતના અપમાન કર્યા માટે અદબવાળીને ઉભો ન રહેવા માટે પકડી લીધો. યાસીન, પેલા લાલા, સીનેમાના માલીક અને પોલીસ સામે બાઘો બની ને જોઇ રહ્યો હતો કે તેણે કયો ગુનો કર્યો છે? પેલા તાજના સાક્ષીઓ યાસીનના મોંઢા, હાથ અને કપડાં પરના કાળા ડાઘાઓને જોઇ રહ્યા હતા! મેજીસ્ટ્રેટ સાહેબે તેને ગંભીર ઠપકો આપી પહેલી વારનો ગુનો ગણી જવા દીધો. આ બધામાં મારી બા નો રીપરે કરેલો પ્રાયમસ ત્રણ દીવસ પછી મળ્યો કારણકે વચ્ચે શની–રવી આવી ગયો અને કોર્ટ બંધ હતી. મજબુર યાસીનને પેલી " નાદીયા હંટરવાળીની સીનેમા ખુબજ બધી રીતે મોંઘી પડી ગઇ.