Thursday, December 8, 2016

મોદીજીએ ખેલેલો નોટબંધીના જુગારના પરીણામો––––


મોદીજી, તમે ખેલેલા નોટબંધીના જુગારમાં તમારા પત્તા દુરી,(કાળાબજાર) તીરી(ભ્રષ્ટાચાર) અને પંજો ( ત્રાસવાદ) નીકળ્યા છે. તે પણ જુદા જુદા રંગના છે. જયારે સામે પક્ષે એટલે રાજકીય વીરોધ પક્ષો નહી પણ અર્થશાસ્રના નીયમો પાસે ત્રણ એક્કાઓ નીકળ્યા છે. (૧) કાળીનો એક્કો:આપને માહીતી પુરી પાડવામાં આવી હતી કે 'કાલાધન' સંબંધીત લોકોએ પોતાના ઘરોમાં ગાદલા ગોદળા તળીયે સંતાડેલું છે. જે ૮મી નવેંબરના રાતના બાર વાગ્યા પછી ફક્ત કાગળના ટુકડાઓ બની જશે. આજની તારીખ ૮મી ડીસેંબરના રીઝર્વ બેંકના સત્તાવાર રીપોર્ટ પ્રમાણે દેશમાંથી ૫૦૦ ને ૧૦૦૦ ની નોટો જે ચલણમાં હતી તેની ૯૦ ટકા નોટો બેકોમાં લોકોએ જમા કરાવી દીધી છે. હજુ તમારી આજ નોટો ભરવાની છેલ્લી તારીખ ૩૧મી ડીસેમ્બર છે. તો પછી કઇ નોટો લોકો પાસે રહેશે?દેશનું કાળુધન ક્યાં હતું તે પેલા આપને સલાહ આપનારાઓને ફરીથી પુછી જુઓ? જેથી બીજી યોજના જાહેર કરવાની તક મળશે. તે રાત્રે આપના તરફથી કોઇ જાહેરાત " કેસલેસ ઇકોનોમી"  અને ૫૦ ટકા કાળાનાણાંને આપની સરકાર તરફથી જ સફેદ બનાવવાની યોજના જાહેર કરવામાં આવી ન હતી.

 (૨) લાલનો એક્કો:  દેશમાંથી આટલું બધું નાણાંકીય ચલણ બેંકોમાં જમા થઇ ગયું હોવા છતાં રીઝર્વ બેંક ઓફ ઇંડીયાએ  બેંકોને આરબીઆઇ પાસે ફરજીયાત રાખવો પડતો, જે દરેક બેંકની કુલ ડિપોઝીટના આશરે ચારટકા(રેપો રેટ, કેસ રીઝર્વ રેશીયો) જેટલો છે તેમાં ઘટાડો કર્યો નથી. જેથી બેંકો પાસે નાણાંકીય જથ્થો થાણદારોને વહેંચવા વધુ મળે. હજુ નાણાના અપુરતા જથ્થા ને કારણે દરરોજ બેંકના થાપણદારોને બપોરે એક વાગે  'કેસ ખલાસ થઇ ગઇ છે' તેનાં બોર્ડ વાંચીને ' તમારા રાષ્ટ્રહીત અને રાષ્ટ્રપ્રેમ' ના ગુણગાન ગાતાં ગાતાં ખાલી હાથે ઘેર જવું પડે છે. આ બધા થાપણદારોનું કેટલું ભવ્ય સ્વાગત તેમના બાળકો, પત્ની અને ઘરડાં મા–બાપો કરતાં હશે! આ બધાને 'અચ્છેદીન' જે આઝદી પછી છેલ્લા ૭૦ વર્ષથી જોવાના ન મળ્યા હતા, તે આપના વડાપ્રધાન બન્યા પછી ફક્ત અઢીવર્ષમાં તમે બતાવી દીધા.

((૩) ચરકટનો એક્કો :   દેશના ભુતપુર્વ વડાપ્રધાન અને જગવીખ્યાત અર્થશાસ્રી મનમોહન સીંઘે  રાજયસભામાં પોતાના ધીર ગંભીરઅને બીલકુલ બુમબરાડા વીનાના શાંત,અને ફક્ત સાત મીનીટના મુદ્દે રજુઆત કરતાં જણાંવ્યું હતું કે નોટબંધી તે મોદી સરકારનું દેશમાં ગેરવ્યવસ્થા પેદા કરનારું  નીષ્ફળ સ્મારક બની રહેવાનું છે.( " monumental mismanagement failure.")  વધુમાં જણાવ્યું હતું કે દેશનો ગ્રોસ જીડીપી ( દેશના કુલ આંતરીક ઉત્પાદન)માં ઓછામાં ઓછો બે ટકાનો ઘટાડો થશે. નોટબંધીની સૌથી વધારે અસર કૃષીક્ષેત્ર, નાનાઅને ગૃહઉધ્યોગો અને અસંગઠીત ક્ષેત્રમાં થશે જેનો વ્યાપ અર્થતંત્રમાં ૫૦ ટકા ઉપર છે. નોટબંધીની ખુબજ અમાપ નીષ્ફળતાકારક કે ભયંકર વીનાશક અસર (disastrous effect on economy) સંપુર્ણ અર્થતંત્રપર પડશે.

આજના અંગ્રેજી પેપર ઇન્ડીયન એક્ષપ્રેસના તંત્રી લેખમાં આરબીઆઇનો આધાર લઇને લખવામાં આવ્યું છે કે  દેશની સર્વૌચ્ચ બેંક કેહે છે દેશનો જીડીપી આગામી દીવસોમાં એક ટકોતો ચૌક્ક્સ ઘટશે. પણ અમારી આગામી નીતીઓ કે નવાં પગલાં લઇને તે અટકાવવાની કોષીશ કરીશું.

 મોદીજીના દુરી, તીરી, અને પંજાવાળા ભોંપીલા જુગારથી આગામી દીવસોમાં  ભારતના રાજકીય અને આર્થીક જગતમાં મોટા રીચર સ્કેલના ધરતીકંપ પેદા થવાના છે. જે નીર્વીવાદ છે. તંત્રી લેખની છેલ્લી લીટી ભવીષ્યભાખે છે કે જો નોટબંધીના નીર્ણયથી દેશનો આર્થીક વીકાસ બીલકુલ સ્થગીત કે નકારાત્મક થઇ ગયો તેના પરીણામો દેશ માટે આત્મઘાતી બની જશે.

--