Monday, January 2, 2017

હું બોલ બોલ કરૂ એ જ જ્ઞાન બાકીના બીજા બધાનો–– બકવાસ (અજ્ઞાન.)


 હું બોલ બોલ કરૂ  એ જ જ્ઞાન બાકીના બીજા બધાનો–– બકવાસ (અજ્ઞાન.)

સને ૨૦૧૬ની સાલને વૈશ્વીક ફલક પર જોતાં એમ લાગે છે કે જે પ્રજાને તમે સતત તમારા સાચા કે કાલ્પનીક દુશ્મનો બતાવવાના સ્વપ્ના વેચી શકો, તો તમે તે પ્રજા પાસેથી રાજકીય સત્તા સરળતાથી પ્રાપ્ત કરી શકો. શરૂઆત આપણે તાજેતરની અમેરીકાની ચુંટણીથી કરીએ. અમેરીકાની ચુંટણીમાં તે દેશના બધાજ ઓપીનીયન પોલ અને ન્યુઝ મીડીયા ડોનાલ્ડ ટ્રમ્પ ચુંટણી જીતી જશે તેવા પ્રવાહો જોવામાં સરેયામ નીષ્ફળ સાબીત થયા. કોઇને તે દેશમાં અને વીશ્વભરમાં એમ લાગતું  નહોતું કે બૌધ્ધીક રીતે કે અભ્યાસથી હીલેરી કીલટ્ન ચુંટણી હારી જશે. ડોનાલ્ડ ટ્રમ્પે એવાં કયા સ્વપ્નાં પ્રજાને બતાવ્યાં જેથી જે અશક્ય હતું તેને શક્ય બનાવી દીધુ!

ટ્રમ્પે અમેરીકન ગોરી પ્રજાને અને અન્ય સુખી સમૃધ્ધ નીર્વાસીત મતદારો ( જુદાજુદા દેશોમાંથી આવેલા ઇમીગ્રન્ટસ) તેવા અમેરીકન નાગરીકોને બતાવ્યું કે તમારી બેરોજગારી, અસલામતી અને ત્રાસવાદ માટે કોણ કોણ જવાબદાર છે? તેઓએ જણાવ્યું કે દેશની ઉપરમુજબની આંતરીક અસ્થીરતા માટે ગેરકાયદેસર પ્રવેશ પામેલા મેક્ષીકન અને તે દેશ માટે  દરેક આતંકવાદી મુસ્લીમ હોવાથી હું સત્તાપર આવીશ નામે મુસ્લીમને દેશમાં આવવાનો પ્રતીબંધ મુકી દઇશ. દેશમાંથી સ્થળાંતર થયેલા ઉધ્યોગોને પાછા લાવીને નવી મજબુત ઇકોનોમી પેદા કરીશ. મેક્ષીકો અને અમેરીકા વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ જે ફક્ત ૨૫૦૦ માઇલ લાંબી છે તેના પર એટલી ઉંચી દીવાલ ચણી લઇશ કે તેને કુદીને કોઇ આવી ન આવી શકે. બરાક ઓબામાએ ' ઓબામા કેર' નામની જે દરેક અમેરીકન નાગરીક માટેની હેલ્થ કેર ની યોજના મુકી છે તે ભલે બંધારણીય રીતે કાયદેસર હોય તેને બંધ કરી દઇશ!  કારણકે તે ' હેલ્થ કેર' યોજના ચાલે છે સુખી સમૃધ્ધ અમેરીકન કરદાતાઓના પૈસાથી જ. અમેરીકન પ્રજાને ઉપરના સ્વપ્નાને આધારે દેશના દુશ્મન કોણ છે તે ટ્રમ્પ બતાવવામાં સફળ થયા. શું પરીણામ આવ્યું તે આપણને સૌને ખબર છે.

યુરોપમાં યુરોપીયન કોમન માર્કેટ નામની એક રાજકીય આર્થીક સંસ્થાની રચના આશરે ૨૫ વર્ષો પહેલાં કરવામાં આવી હતી. તેમાં યુરોપના ૨૮ દેશો સભ્યો હતા. જેની કુલ બધાજ દેશો મળીને તેની વસ્તી આશરે ૫૦ કરોડની છે. તે એક એવો રાજકીય– આર્થીક સમુહ હતો જેમાં મુક્ત વેપાર, માલ અને મજુરની હેરફેર તેમજ એકબીજા દેશોના નાગરીકો માટે ' નો વીસા' પધ્ધતી અમલમાં મુકવામાં આવી હતી.  તેના ચલણનું નામ 'યુરો' છે. જે ડોલર કે પાઉન્ડની માફક આંતરરાષ્ટ્રીય સ્વીકૃત ચલણ છે. તેના મુખ્ય સભ્યદેશો બ્રીટન, ફ્રાંસ, જર્મની વી છે.

ગ્રેટ બ્રીટન જેમાં ઇગ્લેંડ, વેલ્સ અને આયરલેંડ ત્રણ સમવાયતંત્રવાળા ( ફેડરલ) રાજયો છે તેમાં એવી ચળવળ ઉભી થઇ કે  ઇગ્લેંડની રોજગારી, બેકારી, આતંકવાદ અને અન્ય પ્રશ્નો માટે ઉપરનું  જેનું ટુકું નામ ' ઇ યુ'( યુરોપયન યુનીયન) છે તે જવાબદાર છે. તે જોડાણમાંથી બ્રીટને તેમાંથી નીકળી જવું જોઇએ કે જોડાણ ચાલુ રાખવું જોઇએ તેના પર પ્રજામત ( રફરન્ડમ) લેવાનું બ્રીટીશ સંસદે નકકી કર્યું. ઇગ્લેંડના બોરીસ જહોનસન નામના કેથોલીક ધર્મ અને ચર્ચ પ્રેરીત રૂઢીચુસ્ત પક્ષના લંડનના મેયરે ઇગ્લેંડની પ્રજાને રાષ્ટ્રવાદનો એવો દારૂ પાયો કે તેણે બ્રીટનવાસીઓને બતાવ્યું કે દેશનો દુશ્મન કોણ છે?પ્રજાએ રાજકીય પક્ષોને બાજુ પર મુકીને એકહથ્થુ સત્તાની ખ્વાઇશ ધરાવતા નેતામાં વીશ્વાસ રાખીને લેબરપાર્ટીની બહુમતી ધરાવતા વડાપ્રધાન ક્રેમલીન જે ઇ યુ ના જોડાણનું સમર્થન કરતા હતા તેની વીરૂધ્ધ જનઆદેશ આપ્યો અને ક્રેમલીન હારી ગયા. તેઓને રાજીનામું આપવું પડયું.

ભારતમાં મોદી વડાપ્રધાને સત્તા પ્રાપ્ત કરવા અને હવે ટકાવી રાખવા પ્રજાને જુદા જુદા સમયે પોતાના જુદા જુદા દુશ્મનો બતાવવા પડે છે. હવે નોટબંધીના મુદ્દા આધારીત પોતાની રાજકીય સત્તા ટકાવી રાખવા તેઓએ પ્રજાને નવા દુશ્મનો બતાવ્યા, જેવાંકે કાલાધન, ભ્રષ્ટાચાર, આતંકવાદ પ્રેરીત બનાવટી નોટોની સરહદપારની હેરાફેરી. સંસદમાં પોતાની સ્પષ્ટ અને મોટી બહુમતી છે. નોટબંધીનો મુદ્દો નાણાંકીય, આર્થીક અને કાર્યક્ષેત્રની દ્રષ્ટીએ જોઇએ તો આર બી આઇ અને નાણાંમંત્રાલયનો છે. તમે કયા કારણોસર નોટબંધી લાવ્યા તેની સરળ અને તેમની વાકચાર્તુયથી સંસદમાં પોતાની હકીકત રજુ કરી શક્યા હોત! મુદ્દો આર્થીક અને નાણાંકીય હોવાને નાણાંમંત્રાલયના પ્રધાન અરૂણ જેટલી સાહેબપાસે રજુ કરાવી શક્યા હોત. સંસદીય લોકશાહીમાંતો સત્તાનું વીકેન્દ્રીકરણ તો એક અનીવાર્ય અંતર્ગત  ભાગ છે. બીજું જે વીરોધ પક્ષોની બહુમતી નથી જેમાં કોઇ એકતા નથી તે સમુહ 'મને સંસદમાં બોલવા દેતો નથી' તેવો હુમલો કરવામાં તો તે માહેર જ છે. તેઓને ક્યારે ભુતકળમાં અને ભવીષ્યમાં પણ બંધારણીય માર્ગો દ્રારા પક્ષની અંદર કે સંસદીય પ્રણાલીમાં કામ કરવું ફાવે તેમ જ નથી. દા;ત ૩૧મી ડીસેમ્બરની સાંજે ૫૦ દીવસ પછી પોતાનું તંત્ર નોટબંધીની અસરોમાંથી પ્રજાને મુક્ત કરવા હવે કેશનો પુરવઠો વધારશે, લોકોને પોતાના નાણાં મેળવવા લાઇનોમાંથી ક્યારે મુક્તી મળશે તેના અંગે પોતાના ૪૪ મીનીટના ભાષણમાં એક લીટી પણ બોલવાની  નહી. અને જાણે  સંસદમાં નાણામંત્રી બજેટ રજુ કરતાં હોય તેમ જુદી જુદી યોજનાઓના મણકા મુકવાના. હજુ આ માણસ કોને, કેટલા પ્રમાણમાં અને ક્યાં સુધી ઉલ્લુ બનાવી શકે છે? 'મન કી બાત, મારા એક અબજ અને પચ્ચીસ કરોડ દેશવાસી ભાઇઓ અને બહેનો નામે એક તરફી પોતાને બોલાવાનું અને બીજાએ સાંભળવાનું તેઓને ગમે છે. જે બંધારણની વફાદારીના  સોંગદખાઇને વડાપ્રધાન પદ મેળવ્યું છે તેનાજ નીયમોનું વારંવાર ઉલ્લ્ઘંન કરવાનું તેઓને સરળ થઇ પડયું છે.

 આમ આપણે બધા જોઇ શકીએ છીએ કે અમેરીકા, બ્રીટન, જર્મની,ફ્રાંસ અને ભારતમાં એવા નેતૃત્વનો ઉદય થયો છે જે સંપુર્ણ વ્યક્તી કેન્દ્રીત છે. તે બધાએ પક્ષ. સંસદીય પ્રતીનીધીત્વવાળી ઉદાર લોકશાહી પધ્ધતીને  હોંશીયામાં ધકેલી દઇને  વ્યક્તીકેન્દ્રી રાજકીય સત્તા કબજે કરેલ છે. જેના માઠા પરીણામોથી કોણ અજાણ છે. પરંતુ દરેક દેશની પ્રજાને એમ જ મહેસુસ થાય છે કે આપણું સૌનું કલ્યાણ એક જ તારણહારના ખોળામાં માથું મુકી દેવાથી સલામત છે.આવા નેતાઓનાં મંદીરો ન બને તો જ નવાઇ લાગે!

--