Wednesday, January 25, 2017

૬૭માં પ્રજાસત્તાક દીવસની આગલી સાંજે થોડું ચીંતન


૬૭માં પ્રજાસત્તાક દીવસની આગલી સાંજે થોડું ચીંતન 
દેશની લોકશાહી પક્ષસત્તાક કે પ્રજાસત્તાક!
આપણા દેશે લોકશાહી પ્રજાસત્તાક રાજયવ્યવસ્થા પસંદ કરે ૬૬વર્ષ થઇ ગયાં.આ સમય ગાળો કોઇપણ દેશની રાજ્યવ્યવસ્થાના મુલ્યાંકન માટે પુરતો ગણાય.પ્રજાસત્તાકનો સામાન્ય અર્થ એ થાય છે કે આ દેશનું રાજ્યસંચાલન પ્રજા તેમના પ્રતીનીધીઓને ચુંટણી દ્રારા પસંદ કરી ને કરે છે.પ્રજા પોતાના સાર્વભૌમ હક્કનું હસ્તાંતર પોતાના પ્રતીનીધીને ચુંટીને કરે છે. કયા હીત માટે પ્રજા કે નાગરીકો મતદાર તરીકે પોતાની પવીત્ર ને મહામુલ્ય નાગરીક સત્તાનું હસ્તાંતર કરે છે
   માનવજાતના ઇતીહાસમાં લોકશાહી પ્રજાસત્તાક રાજ્યવ્યવસ્થાનો ક્રમશ; જે વીકાસ થયો છે તે રાજાશાહી, ધર્મશાહી, સામંતશાહી ને લશ્કરશાહી રાજ્યવ્યવસ્થાઓના અનુભવો અને પરીણામો ભોગવીને થયો છે. બધીજ વ્યવસ્થાઓ માનવ સર્જીત હતી અને માનવ હીત માટે અસ્તીત્વમાં આવેલી હતી. સમય જતાં આ બધી રાજ્ય વ્યવસ્થાઓમાં તેનો સર્જનહાર જે માનવી હતો તેને બાજુપર મુકીને કાંતો રાજા,પોપ, પુરોહીત, મૌલવી, જમીનદાર કે લશ્કરી સેનાપતી પ્રજાના ખભાપર બેસી ગયો અને પ્રજાને બદલે તેના પોતાના હીતો માટે પ્રજાનું જ સર્વપ્રકારનું શોષણ કરવા માંડયો. સાથે તે બધા લોકો પ્રજાને એવી પ્રતીતી કરાવવામાં સફળ થયા કે તેમના દ્રારા સંચાલીત રાજ્ય વ્યવસ્થા બહુજન સમાજના હીતાર્થે જ છે. આ ઉપરાંત પોતાની યેનકેન પ્રકારે મેળવેલી રાજયસત્તા સામે પ્રજા બળવો ન કરે માટે તમામ પ્રકારના લશ્કરી, હીંસક અને અન્યપ્રકારના સાધનોનો બેફામ ઉપયોગ સદીઓ સુધી કર્યા કર્યો છે.પ્રજાને પોતાની એડી નીચે સર્વપ્રકારે દબાવેલી રાખી હતી. હજુ કેટલાક દેશોમાં આ બધા સ્થાપીત હીતોની સત્તાઓ બેરોકટોક ચાલુ છે.જ્યાં નથી ત્યાં લાવવા માટે સીધા કે આડકતારા પ્રયત્નો આધુનીક સાધનોનો જેવાકે ઇન્ટેરનેટ,ટીવી, ફેસબુક, ટીવ્ટર અને અન્ય પ્રસાર માધ્યમોનો ઉપયોગ કરીને મોટાપાયે લાવવા કોશીષ કરવામાં આવે છે.
અઢારમી સદીના છેલ્લા દસકાઓમાં થયેલ ફ્રાંસની ક્રાંતી સાથે માનવ કેન્દ્રીત રાજ્યવ્યવસ્થાઓના પ્રયોગો શરૂ થયા. રાજ્ય વ્યવસ્થાનું સંચાલન ભગવાન કે તેના પૃથ્વીપરના પ્રતીનીધીઓ માટે નહી, રાજા માટે નહી, કોઇ લશ્કરી સેનાપતી કે જમીનદારના હીતો માટે નહી પણ જીવતા જાગતા સદેહે બે પગથી ચાલતા ફરતા માણસના સુખ, કલ્યાણ માટે રાજ્યવ્યવસ્થા કેવી હોઇ શકે તેના પ્રયોગો નહી પણ મોટા પાયે અમલ શરૂ થયા. લોક માટેની આ રાજ્યવ્યવસ્થા હોવાથી તે લોકશાહી રાજ્યવ્યવસ્થા તરીકે ઓળખાઇ ને વીકાસ પામી.આધુનીક રાજ્યનો વીસ્તાર પ્રાચીન ગ્રીક નગર રાજ્યો( સીટી સ્ટેટસ) કરતાં અનેક ગણો મોટો બની ગયો છે. આધુનીક રાજ્યની લોકહીતાર્થે કરવાના કામોની યાદી ખુબ મોટી બની ગઇ છે. તેમજ આધુનીક રાજ્યની વસ્તી સેંકડો કે હજારોને બદલે લાખ્ખો નહી પણ કરોડોની સંખ્યામાં થઇ ગઇ છે. લોકોનું સીધુ રાજ્યસંચાલન કે સીધી લોકભાગીદારી રાજ્યપ્રથા ને બદલે લોકપ્રતીનીધીવાળી પરોક્ષસ્વરૂપની પ્રજાસત્તાક રાજ્યવ્યવસ્થાઓ વીકસી. નાગરીક તરીકેની લોકોની સાર્વભૌમ સત્તા જે રાજાશાહી, સામંતશાહી કે ધર્મશાહી સામે બળવો કરી મહામહેનતે મેળવેલી તેને પ્રતીનીધી સ્વરૂપની ચુંટણી અને મતદાન પ્રથામાં પરોક્ષ રીતે પોતાના પ્રતીનીધોઓમાં પરીર્વતન થઇ ગઇ. પ્રજાસત્તાકના સાર્વભૌમ સીધ્ધાંતનું હસ્તાંતર પરોક્ષ પ્રતીનીધીવાળી રાજ્યવ્યવસ્થામાં થઇ ગયું.
આધુનીક રાજ્યમાં લોકોની સંખ્યા કરોડોમાં થયેલ હોવાથી રાજ્ય સંચાલન માટે લોકપ્રતીનીધીત્વનો દાવો કરનારા રાજકીય પક્ષો અસ્તીત્વમાં આવ્યા. લોકોએ નાગરીક હીતાર્થે જે રાજ્યસત્તા મેળવી હતી તે પરોક્ષરીતે સાવકાઇથી રાજકીય પક્ષોના પ્રતીનીધીઓમાં રૂપાંતર થઇ ગઇ. સમાંયતરે લોકોના મતથી ચુંટાયેલા લોકપ્રતીનીધો પક્ષપ્રતીનીધો બની ગયા છે. તેમના મુખ્ય કામો લોક હીતાર્થે ને બદલે પક્ષ હીતાર્થે બની ગયા. પેલા લોકશાહીના હીતેચ્છુ અબ્રેહામ લીંકને જે લોકશાહીની વ્યાખ્યા કરી હતી કે " લોકશાહી એટલે લોકો માટે, લોકો દ્રારા ને લોકોના મત વડે સત્તામાં આવે તે લોકશાહી" . હવે લોકશાહી એટલે પક્ષશાહી જે પક્ષ માટે, પક્ષદ્રારા અને ચુંટણીમાં ચુંટણી લડતા બધા ઉમેદવારોમાંથી સૌથી વધારે મત મેળવનાર પક્ષીય ઉમેદવારના સરવાળાથી મેળવેલ પક્ષીય બહુમતીની રાજ્ય સત્તા. લોકશાહીમાં લોકોની સત્તા સર્વોપરી કહેવાય પણ લોકોએ પોતાનો મત, રાજકીય પક્ષોએ પસંદ કરેલા પોતાના ઉમેદવારોમાંથી ગમેતે એક ને જ આપવાનો હોય છે. પક્ષશાહીમાં નાગરીકોને મત આપવાનો અધીકાર છે પણ રાજકીયપક્ષોએ પસંદ કરેલા ઉમેદવારોમાંથીજ. આ ઉમેદવારોની પસંદગી જે તે રાજકીય પક્ષોએ કરેલી હોય છે. નાગરીકોએ નહી. મને અને તમને સૌને ખબર છે કે આ બધા પક્ષીય ઉમેદવારોને રાજકીયપક્ષો તેમની કઇ કઇ લાયકાતોને આધારે પોતાના પક્ષીય ઉમેદવાર તરીકે પસંદ કરે છે. એક જ વાક્યમાં કહેવું હોય તો એમ કહેવાય કે સામન્ય નાગરીકના બધા હીતો બાજુપર મુકીને પોતાના ઉમેદવારને ,જ્ઞાતી,ધર્મ.પૈસા, બાહુબળ,અને પક્ષીય વફાદારી જેવી લાયકાતોને આધારે પસંદ કરવામાં આવે છે. જે રાજકીય પક્ષ અને તેના નેતાઓ નાગરીકોને ઠાલાં વચનો આપીને, આકાશના તારા હાથની હથેળીમાં બતાવી શકે તે પક્ષ રાજકીય સત્તા મેળવી શકે! દર પાંચવર્ષે આવતી ચુંટણીઓમાં દરેક રાજકીય પક્ષ અને તેના નેતાએ મળેલી સત્તા ટકાવી રાખવા વધુ ને વધુ બહેકાવનારા અને લોકરંજન વચનોની લ્હાણી કર્યા સીવાય બીજો કોઇ તેમનો છુટકો નથી.આવી રીતે મહામુલી જે નાગરીક સત્તા મેળવી હતી તે રાજકીય પક્ષોના સ્થાપીત હીતોને ગીરવે મુકાઇ ગઇ છે.
આપણા ૬૭માં પ્રજાસત્તાક દીવસે આપણી સમક્ષ ગંભીર પડકાર ઉભો થયો છે કે કેવી રીતે દેશ ને દુનીયાની લોકશાહી રાજયપ્રથાઓને રાજકીય પક્ષશાહી પ્રથાની પકડોમાંથી છોડાવીને નાગરીક હાથોમાં સલામતરીતે પાછી મુકવી! આપણે એવી વીચારસરણી વીકસાવી પડશે કે જેના મુખ્ય કેન્દ્રમાં કોઇ ધર્મ, પક્ષ, પ્રદેશ કે રાષ્ટ્ર ને બદલે માનવી હોય! માનવી માટે પક્ષ,ધર્મ કે દેશ હોય. પણ માનવીને કોઇ રાજકીય પક્ષો, ધર્મો કે કલ્પીત રાષ્ટ્રીય સામુહીક હીતોના ઝનુન માટે બલી બનવાનો ન હોય! કોઇપણ સામુહીક એકમો સમાજ, કુટુંબ,જ્ઞાતી, ટોળું,રાજકીય પક્ષો, પ્રદેશ કે દેશ વગેરે સુખ કે દુ;ખ અનુભવી શકતા નથી, વીચારી શકતા નથી. આ બધા સામુહીક એકમો અત્યારસુધી એક યા બીજા સ્વરૂપે નક્કી કરતા આવ્યા છે કે માનવી માટે સારૂ શું છે ખોટું શુ છે? ઘણા સામુહીક એકમો જેવા કે ધર્મો, તેમના સંપ્રદાયો, રાજકીય પક્ષો કે તે બધાનું સંચાલન કરતી મુઠઠીભર ટોળકીઓ આજદીન સુધી પોતાના સામુહીક હીતો માટે વ્યક્તીગત નાગરીકોના વીચારો, સંશોધનો અને સત્યોનો બલી વધેરતા આવ્યા છે.આપણી પાસે સવૈજ્ઞાનીક સત્યોને આધારે પુરાવા છે કે માનવી કોઇ ઇશ્વર, અલ્લાહ કે ગોડનું બનાવેલું સર્જન નથી. માનવી પોતે તેની આસપાસ કુદરતી પરીબળોના સંચાલનના નીયમો સમજીને પોતાનું અસ્તીત્વ તેના જેવા અન્ય માનવીઓનો સહકાર મેળવીને ટકાવી રાખતો અને વીકાસ કરતો આવ્યો છે. આપણે સૌ માટે નવેસરથી વીચારવાની જવાબદારી ઉભી થઇ ગઇ છે કે કેવીરીતે પેલી ફ્રાંસની માનવ ક્રાંતીએ આપેલા મુલ્યો ' સ્વતંત્રતા, સમાનતા અને ભાઇચારો( બંધુત્વ)ને આધારે માનવ કેન્દ્રી નવી રાજયવ્યવસ્થા પેદા કરવી જેમાં માનવીનો બલી કોઇ ધર્મ, રાજકીય પક્ષ કે રાષ્ટ્ર ન લેતુ હોય! આપણને ૨૧મી સદીના જ્ઞાન આધારીત માનવીય વારસામાં સંપુર્ણ વીશ્ચાસ હોવો જોઇએ કે વર્તમાનમાં મોટા પાયે ઉપલબ્ધ હાથવગા સાધનોની સરખામણીમાં જયારે માનવી પાસે ઘણા બધા પ્રકારની મર્યાદાઓ હતી તેમ છતાં તે બધા સંઘર્ષોમાથીં બહાર નીકળીને અહીંસુધી આવી શક્યો છે. તો આ રાજકીય પક્ષોની ચુંગાલમાંથી પણ તે ચોક્ક્સ બહાર નીકળી શકશે. દરેક માનવીય ક્રાંતી પોતાની સમસ્યો પ્રમાણે ક્રાંતીના નવા સાધનો અને માર્ગદર્શકો શોધી કાઢે છે. આવી માનવીય શક્તીઓમાં વીશ્વાસ રાખી વર્તમાન પડકારનો રસ્તો શોધી કાઢવામાં જ આપણા સૌનું શ્રેય સમાયેલું છે.

 

--