Friday, June 29, 2018

એક રેશનાલીસ્ટ તરીકે ઇશ્વરના ઇન્કાર પછી શું?

એક રેશનાલીસ્ટ તરીકે ઇશ્વરના ઇન્કાર પછી શું?

ગુજરાતમાં રેશનાલીસ્ટ ચળવળનું થોડુંક મુલ્યાંકન કરવાની જરૂર છે. આમ તો ગુજરાતમાં ઇશ્વર, તેના એજંટો અને તેમના દ્રારા સંચાલીત સંસ્થાઓ સામેનો  બળવો વીર નર્મદ, કરસનમુળજી અને નરસીંહભાઇ પટેલ જેટલો જુનો છે. તાજેતરમાં ચારેક દાયકા પહેલાં સીલોનવાળા અબ્રહામ કવુર,વડોદરાવાળા કમળાશંકર પંડયા, ગોધરાવાળા યાહ્યાભાઇ લોખંડવાલા અને બારડોલીવાળા રમણભાઇ પાઠકના સ્વતંત્ર અને સંયુક્ત પ્રયત્નોથી રેશનાલીઝમના વીચારોએ નવી યુવા પેઢીને નીરઇશ્વરવાદી બનાવવામાં ઘણું બૌધ્ધીક ઇંધન પુરુ પાડયું છે. માર્ગદર્શન પુરૂ પાડયું .

અબ્રહામ કવુર પ્રેરીત વીજ્ઞાન યાત્રાએ ગુજરાતમાં ઠેરઠેર વીજ્ઞાન કેન્દ્રો, ચમત્કાર ચકાસણી કેન્દ્રો, સત્યશોધક સભાઓ અને રેશનાલીસ્ટ એસોસીયેશનની સ્થાપનાઓ કરવામાં ઉદ્દીપક (પ્રેરકબળ) તરીકે કામ કર્યુ છે. રેશનાલીસ્ટ મીત્રો અને સંસ્થાઓની મદદથી, કપટ કે લુચ્ચાઇ વીના ચમત્કાર કરી આપનાર માટે લાખો નહી પણ કરોડો રૂપીયાના ઇનામો જાહેર કરવામાં આવ્યા છે. જે પડકારને હજુ સુધી કોઇએ પડકાર્યો નથી. કહેવાતા ચમત્કારોના  ઠેરઠેર પર્દાફાશ કરીને, ઉપરાંત સાથે સાથે વીજ્ઞાનના  પ્રયોગો ગ્રામ્ય અને શહેર સ્તરે બતાવીને લોકોને તર્ક અને પ્રયોગના આધારે ' દૈવી ચમત્કાર' જેવી કોઇ વસ્તુ હોઇ ન શકે તેવું જ્ઞાન સતત આપવામાં આવે છે. પોતાની આવી રેશનલ પ્રવૃત્તીના ટેકામાં પુસ્તકો, પ્રચારની પત્રીકાઓ, નાની ફીલ્મ કે ડોક્યુમેન્ટરી અને નીયમીત ' સત્યાનવેષણ (સુરત), વેશ્વીક માનવવાદ' (મહેમદાવાદ)અને વીવેકપંથી (મુંબઇ) માસીકો ત્રણ દાયકાઓથી નીયમીત રીતે બહાર પાડવામાં આવે છે. એરુ–નવસારીવાળા ગોવીંદ મારૂના ' અભીવ્યક્તી બ્લોગે' પણ ઇન્ટરનેટ અને આધુનીક સોસાઅલ મીડીયાનો ઉપયોગ કરીને ગુજરાત, અને દેશ–પરદેશમાં રેશનલ વીચારોના પ્રચાર પ્રસારનું ઘણું મોટું કામ કરેલ છે. બારડોલીવાળા રમણભાઇ પાઠકની સુરતના દૈનીક 'ગુજરાત મીત્ર'ની શનીવારની કોલમ 'રમણભ્રમણ' દ્રારા તો  ખાસ કરીને દક્ષીણ ગુજરાતની બે થી ત્રણ યુવા પેઢીને નીરઇશ્વરવાદી બનાવવામાં તે પ્રેરણામુર્તી બની ગઇ હતી.

 રમણભાઇ પાઠકે પોતાની લાંબી પણ  ઇશ્વરના હોવા પણા સામે વીદ્રોહી જીંદગી જીવતાં જીવતાં ઇશ્વરનો  આ બ્રહ્માંડ, પૃથ્વી, સમાજ અને માનવીના સર્જનહાર તરીકે પુરેપુરી બાદબાકી કરી નાંખી હતી. આ હકીકતોને  લક્ષમાં લઇને પોતાની 'રમણભ્રમણ' કોલમમાં રમણભાઇએ હીંદુધર્મ સહીત બધાજ ધર્મોના ધર્મપુસ્તકોના ઇશ્વરના અસ્તીત્વ અને સર્જનહાર તરીકેના દાવોઓને બૌધ્ધીક પણ સજ્જન અને સુશીલ ભાષામાં અપ્રસતુત બનાવી દીધા હતા. દલીલોથી  તેના અવેજમાં બીગબેંગ થીયરી, ડાર્વીનનો ઉત્કાંતીવાદ અને કાર્લ માર્કસના ભૌતીકવાદના સીધ્ધાંતોને આધારે માનવ જીવનના સામાજીક અને વ્યક્તીગત પ્રશ્નો ઉકેલવામાં નીરંતર મથામણ કરી હતી. તેથી તેઓ આપણા બધાના મીત્ર, માર્ગદર્શક અને બૌધ્ધીક ચીંતક બન્યા હતા.નાગરીક જીવન, વ્યક્તીગત જીવન, સ્રી પુરૂષના અરસપરસના સંબંધો, બાળઉછેર, રાજકારણ, સમાજકારણ વગેરે વીષયો પર સતત રેશનાલીઝમ અને માનવમુલ્યોને આધારે પોતાની કલમ દ્રારા સમજાવવાનો પ્રયત્ન કરતા હતા. કોઇની પણ શેહશરમ રાખ્યા વીના ઐહીક માનવીય સુખ અને વૈજ્ઞાનીક અભીગમને આધારે  સત્ય શોધી આપણી સમક્ષ મુકતા ગયા. તેમનું વ્યક્તીત્વ આપણા બધા માટે ધ્રુવતારક બની ગયું હતું. રમણભાઇનું નીવાસ સ્થાન ૪૦૧, નટરાજ એપાર્ટમેંટ બારડોલી, ગુજરાતભરના રેશનાલીસ્ટ અને વીદ્રોહી વીચાર ધરાવનારાઓ માટેનું એક બૌધ્ધીક આશ્રય સ્થાન હતું.

આવા વીચારપુરૂષની બૌધ્ધીક જ્યોતને જલતી કેવી રીતે રાખવી? જેથી ગુજરાત અને દેશ આજે જે હીંદુ ધર્મના પુન:ઉત્થાનવાદી ( રીલીજીયસ રીવાઇવાલીસ્ટ) પરીબળોની આઠપગા જેવી પકડમાંથી બહાર નીકળી શકે. રેશનલ અને વૈજ્ઞાનીક મીજાજ કેળવે. આ બધા માધ્યમોનો ઉપયોગ કરીને  માનવમુલ્યોને ધ્યેય બનાવી પોતાની માનવીય મંઝીલની હરહંમેશ નવી ક્ષીતીજોનું સંશોધન કરીને આગળ વધતો જ રહે.

ઉપરની ચર્ચાને આધારે આપણા ગુજરાત અને દેશની સાંપ્રત સમસ્યાઓ અને તે અંગેનો આપણો રેશનલ અભીગમ–

(1)    રાજ્યના સંચાલનમાં હીંદુધર્મ (બહુમતી કે અન્ય ધર્મની)ની દખલગીરી. કે પછી રાજ્ય અને ધર્મનું સંપુર્ણ વીયોજન (સેપરેશન)

(2)    રાજકીય પક્ષો અને તેના નેતાઓનો દેશની પ્રજાને આંતરીક રીતે જ્ઞાતી,જાતી, પ્રદેશ, સંપ્રદાય આધારીત રાજકીય સત્તા માટે ભાગબટાઇ.

(3)     રાજ્ય અને દેશની આધુનીક સંસ્થાઓ જેવીકે શીક્ષણ, આરોગ્ય, અર્થતંત્ર, બેંકીંગ, લશ્કર, ન્યાયતંત્ર, વહીવટી તંત્ર વગેરે સંસ્થાઓનું સરીયામ પક્ષીયકરણ અને ભગવાકરણ.

(4)     નાગરીક તરીકે તમારા રસોડામાં તમારે કઇ રસોઇ તૈયાર કરવી તે ખાસ વીશીષ્ટ જુથો દખલગીરી કરી શકે.

(5)    પહેરવેશ, દાઢી, ચોટી વી. ને આધારે નાગરીક ઓળખ નક્કી કરી હીંસક હુમલા કરવા.

(6)    ગામડાઓમાં દલીતો પર આયોજીત અન્ય શક્તીશાળી અને સંગઠીત કોમોના હુમલાઓ.

(7)    ડૉ નરેન્દ્ર્ દાભોલકર, ગોવીંદ પાનસરે, પ્રો. એમ એમ. કલબુર્ગી અને ગૌરી લંકેશ જેવા રેશનાલીસ્ટો પરના ખુની હુમલાઓ.

(8)    ધર્મ કે સંપ્રદાય આધારીત સેનાઓ.દલ,વાહીનીઓ કે શેરીઓના બાહુબલીઓનો નીર્દોષ અને અસુરક્ષીત નાગરીકો પર વ્યવસ્થીયત અને આતંકી હુમલાઓ.

(9)    દેશમાં ગો–રક્ષકો દ્રારા ઢોરોના વેપાર કરનારા પર આયોજનબધ્ધ રીતે થતા હુમલાઓ.

(10) સતત પાકીસ્તાની બોર્ડર પરની તનાવ ભરી સ્થીતી.

(11) રાજકીય પક્ષો દ્રારા પરોક્ષ અથવા પ્રત્યક્ષ રીતે આશારામ, રામરહીમ શ્રી શ્રી રવીશંકર જેવા અનેક ને રાજ્ય આશ્રય અને નાણાંકીય સહાય.

આવા અને તેના જેવા બીજા ઘણા બધા પ્રશ્નોમાં આપણા સૌ રેશનલ મીત્રોનો અભીગમ કેવો  હોઇ શકે? તે માટે આપણી સ્થાનીક અને અન્ય સંસ્થાકીય પ્રવૃત્તો સાથે સાથે વૈચારીક સ્પષ્ટતા ઉપર જણાવેલા મુદ્દાઓ પર જરૂરી છે. તે માટે બૌધ્ધીક ચર્ચા અને તે આધારીત એકશન પણ અનીવાર્ય છે.

 લેખનો હેતુ આ જ છે. તે આશા રાખવી અસ્થાને નથી કે આ લેખને આધારે આપણા સ્થાનીક અને પ્રાદેશીક એકમોમાં ચર્ચા કરીને અમલમાં મુકવાનો એજન્ડા પણ નક્કી કરીશું.



--