Tuesday, March 19, 2019

શું ભારતમાં નજીક્ના ભવીષ્યમાં ફાસીવાદ સરળતા આવી શકેે?

 

શું ભારતમાં નજીક્ના ભવીષ્યમાં ફાસીવાદ સરળતા આવી શકે તેની ફસલ છેલ્લા પાંચ વર્ષોમાં તૈયાર કરવામાં આવી છે ખરી? આકાશ બેનરજી.

આકાશ બેનરજીએ પોતાની યુ ટયુબમાં ૧૪ મુદ્દાની વીસ્તૃત ચર્ચા કરી છે કે કેવી રીતે આ દેશમાં ખુબજ નજીકના  ભવીષ્યમાં ફાસીવાદ  આવી શકે તેમ છે.

સૌજન્ય–––https://www.youtube.com/watch?v=JpVTmlSXRck

(૧) દેશ ભક્તી– બેનરજીનું કહેવું છે કે જો આપણે ઇતીહાસના પાનામાં ફાસીવાદના ઉદય અને સત્તા પ્રાપ્તીના સમયનો અભ્યાસ કરીશું તો સહેલાઇથી એક સત્ય શોધી શકીશું કે કોઇપણ દેશમાં ફાસીવાદ રાતોરાત દેખા દેતો નથી. તે એક દીવસમાં જે તે દેશની સત્તા કબજે કરતો નથી. તે દેશના અગત્યના અંગો રાજકારણ, સમાજકારણ, અર્થતંત્ર, શીક્ષણ,ધર્મ. આધુનીક સંસ્થાઓ જેવી કે ન્યાયતંત્ર, કાયદાનું શાસન. ફીલ્મ ઉધ્યોગ, લશ્કર, દેશનું વહીવટ તંત્ર વગેરમાં ઘુસી જઇને, કેન્સરની માફક ધીમે ધીમે ફેલાઇ જાય છે. તે દેશને દેશ બનાવનાર બધાજ તંત્રોને લુણો લગાડીને અંદરથી ઉધઇની માફક ઓંહીંયા કરીને અંતમાં લોકશાહીનો જ મૃત્યુ ઘંટ બોલાવી દે છે.

રાષ્ટ્રીય ફાસીવાદીને ઓળખવાનું પ્રથમ લક્ષણ એ કે તેનો ઠેકેદાર પક્ષએ રાષ્ટ્રવાદનો ઠેકેદાર અથવા કોન્ટ્રાક્ટર છે. તે નક્કી કરે છે કે દેશના નાગરીકો અને ખાસ કરીને તેની પોતાની આપખુદ સત્તા પ્રાપ્તીની આડે આવતા દુશ્મનો કોણ છે તે બધાના તમામ કાર્યોને દેશદ્રોહીની વ્યાખ્યામાં સમાવી દેવામાં આવે છે. દેશના દરેક નાગરીક પાસેથી પોતાની રાષ્ટ્રભક્તીની પોતે નક્કી કરેલી વ્યાખ્યા પ્રમાણે વફાદારીનું પ્રમાણપત્ર માંગવામાં આવે છે. " દેશમાં રહેના હૈ તો વંદેમાતરમ્ બોલના નહી, ચીલ્લાના પડેગા ઓર ભારત માતાકી જય બોલના પડેગા". નહી તો દેશ વીરોધી, પાકીસ્તાની દલાલ, એંજટ. " હીંદુસ્તાન કા ખાતા હૈ ઔર પાકીસ્તાન કા ગાતા હૈ.... રવી બાત્રા બીજેપી ટીવી સ્પોકપર્સન.

(૨) માનવ અધીકારનું શું મહત્વ છે? આ તો કઇ બલા છે? તેના તો કોઇ ગુણગાન ગાવાના હોય! દેશનું હીત મહત્વનું કે એક ક્ષુલ્લક નાગરીકના અધીકારોનું? તમે બધા માનવીના અધીકારોના સંરક્ષણની વાત કરો છો તો શું આ દેશમાં ગાય ઇન્સાન નથી? તે તો માનવ કરતાં પણ વધારે પવીત્ર છે તેવું તો આપણા શાસ્રોમાં કહ્યું છે. ગાયના અધીકારોનું શું? માનવી અને ગાયના બંનેના અસ્તીત્વને ટકાવી રાખવાના અધીકારમાં આપણે શું પસંદ કરીશું? કેમ શાથી?

(૩) ફાસીવાદનો દુશ્મન કોણ? ફાસીવાદે પોતાના દેશના નાગરીકોને ઓળખી બતાવવો પડે છે કે દેશના દુશ્મનો કોણ છે? દેશનો દુશ્મન એ જ બહુમતી પ્રજાનો દુશ્મન. ઇટાલીના ફાસીવાદી નેતા બેનીટો મુસોલીનીએ  ફ્રાંસમાંથી પોતાને ત્યાં રોજગારીએ આવતા મજુરોને પોતાના દુશ્મન તરીકે જાહેર કર્યા હતા. જર્મનીના નાઝીવાદના નેતા એડોલ્ફ હીટલરે દેશની લઘુમતી પ્રજા યહુદીઓને દેશના દુશ્મન તરીકે જાહેર કર્યા હતા.  

      ફાસીવાદીઓ દેશના બહુમતી નાગરીકોની અંદર સતત બીનસલામતીની લાગણી ફેલાવી પોતાના હીત સાધવા ભયભીત બનાવે છે. ફાસીવાદી નેતૃત્વ પ્રજાને એમ શીખવાડે છે કે દેશની અંદરના દુશ્મનો બાહ્ય દુશ્મનો કરતાં દેશ માટે વધુ જોખમી છે. તે બધા દેશના વીકાસના દુશ્મનો છે, દેશની તરક્કીની આડે આવે છે. જે લોકો અમારી ફાસીવાદી ગ્રાન્ડ યોજનામાં પ્રશ્નો પુછે છે તે બધા દેશની એકતા અને અખંડીતતાને તોડનારા અને દેશના ટુકડે ટુકડે કરનારા છે. ફાસીવાદ તે બધાને ' સબક શીખવાડવાનું કામ કરશે– વો સબ આપકે પૈસે સે પઢાઇ કરતે હૈ ઔર આપ કે પૈસે સે દેશકી બુરાઇ કરતે હૈ.' ઉમર ખલીફ, કનૈયાકુમાર અને જવાહરલાલ નહેરૂ યુનીવર્સીટી આ બધા દેશદ્રોહીઓ છે. તેમનામાં કેટલી દેશ વીરોધી 'સોચ' છે તેનો ડીએનએ ટેસ્ટ કરાવવાની જરૂર છે.આશરે ૮૩૦૦ વીધ્યાર્થીઓ જે એન યુ માં અભ્યાસ કરે છે. સરકાર તેમની પાછળ પ્રતીવર્ષે ૨૪૪ કરોડ રૂપીયા તેમની પાછળ ખર્ચે છે. આ પૈસા તો લોકોના ટેક્ષના છે. અને પાછા દેશ વીરોધી સુત્રો ત્યાંના વીધ્યાથીઓ બોલાવે છે.

(૪) દેશમાં લશ્કરની સર્વોપરીતા– લશ્કરને કોઇ પ્રશ્ન પુછાય જ નહી. સેનાનો રંગ ભગવો થઇ જાય કે નહી તે ખબર નથી. પણ ભગવો પહેરનારા  પોતાનો રંગ બદલીને લશ્કરના ગણવેશમાં તમારી સામે દેશ પ્રેમ બતાવવા સામે આવીને ખડા થઇ જાય!. સરકારને કે તેના સંરક્ષણ ખાતાને રાફેલના સોદા–કરારની શર્તો માટે પ્રશ્નો કરો એટલે દેશના લશ્કર વીરૂધ્ધ અને તેથી દેશની સલામતી વીરૂધ્ધ.

(૫) ફાસીવાદમાં સ્રીઓનું સ્થાન– " સ્રીઓનું કાર્ય બાળકો પેદા કરવાનું છે જેથી આગળ જતાં સૈનીકો બની શકે.... રણભુમીમાં લડતાં લડતાં ખપી જવું, એના કરતાં વધુ ઉચ્ચ આદર્શ જીવનમાં બીજો એકેય નથી.".. એડોલ્ફ હીટલર. " આપણા મહાકાવ્યોમાં રણભુમીમાં લડતાં લડતાં વીરગતી પ્રાપ્ત કરવી તેને અત્યંત ગૌરવપુર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. ગીતામાં અર્જુનનો વીષાદ જે ખરેખર વ્યાજબી હતો કે હું મારા નજીકના બાંધવો, આચાર્યો, વડીલો સામે યુધ્ધ કરવા માંગતો નથી. ત્યારે મહાભારતના વીષ્ટીકાર કૃષ્ણે અર્જુનને તેનો ક્ષાત્રધર્મ યાદ કરાવ્યો હતો." એમ . એન રોય.

આપણા દેશના વર્તમાન ફાસીવાદી નેતૃત્વને મન સ્રી પુરૂષ સમોવડી હોઇ શકે તે વીચાર જ અમાન્ય છે. તે બધા નૈતીક પોલીસો, ભારતીય નારીઓ જીન્સ પહેરે છે કે સાડી તે પરથી તેનું ચારીત્ર નક્કી કરે છે.  ભારતીય સ્રીઓ પાસે કોઇ કૌશ્લય હોય તો તે મા બનવાનું. તે સીવાયનું બૌધ્ધીક, શૈક્ષણીક કૌશલ્ય, કલા, નીપુણતા તેમને અમાન્ય અને નીષેધ છે.

(૬) દેશના તમામ પ્રકારના સમાચારના સાધનો( મીડીય)પર ફાસીવાદી તંત્રનો સીધો કે પ્રછન્ન કાબુ– પ્રજાને અને તમામ પ્રકારના રીપોર્ટરને સુચના આપવામાં આવે છે કે સરકાર અને તેની સત્તાકીય રીતીનીતીઓ સામે સવાલ મત પુછો! સરકાર અને તેના નેતા સીવાય 'કોઇની મનકી બાત' સાંભળવી નહી.અને રાજ્ય તરફથી જે માહીતી આપવામાં આવે તેના પર શંકા કરવી નહી. બનાવટી સમાચારો અને ગોદીમીડીયા( સોલ્ડ આઉટ ચેનલો) ફાસીવાદ માટે ફળદ્રુપ જમીન છે.કોઇપણ સરકાર અને મીડીયા તંત્રની મીલીભગત નવું ભારત બનાવવાની પુર્વશરત જ બની શકે! " નયાભારતમેં બીનાસવાલ પુછે બુલેટ ટ્રેઇનમેં સફર કરને આપ જાના ચાહતૈ હૌ યા નહી!"

(૭)  રાષ્ટ્રીય સલામતીનો સતત ભય ઉભો કરીને પ્રજાને માનસીક રીતે ઘેરાયેલી રાખવી( obsession with National security)  દેશને કોનો ભય છે? દેશને તેના બહારના દુશ્મનો કરતાં વધારે મોટો ભય દેશના આંતરીક દુશ્મનોથી છે. આંતરીક દુશ્મનો કોણ છે? બૌધ્ધીકો, અર્બન નક્ષલ, સામ્યવાદીઓ, રેશનાલીસ્ટો, નાસ્તીકો, નવાવૈજ્ઞાનીકો, એવોર્ડ વાપસી કરનારા, જે એન યુ,ના ટીચીંગ સ્ટાફ અને વીધ્યાર્થીઓ અને તમામ લઘુમતીઓ. આ બધાજ ' એન્ટીનેશનલ' દેશ વીરોધી કાવતરાં કરનારા છે.આ બધા આપણી ભારતમાતાના ઘરમાં ઘુસી ગયેલા ગદ્દારો છે. " સબ મીલકે ઇંડીયા કો ખતમ કરને કા ચક્કરમેં પડ ગયેં હૈ ."

અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના દેશમાં મેકસીકન ગેરકાયદેસર વસવાટીઓ ઘુસી ન જાય માટે દીવાલ બનાવવા માંગે છે. આપણી સરકારે દેશમાં જે એન યુ વાળી સંસ્કૃતી દેશમાં ફેલાઇ ન જાય માટે તે યુનીવર્સીટીની ચોફેર બાજુથી મોટી દીવાલ બનાવવી જોઇએ. બર્માથી આવતા રોહીંગયાઆ નીર્વાસીતોના જથ્થાને દેશમાં એકઠ્ઠા કરવાની જરૂર નથી. તે દેશની સલામતી માટે ભયરૂપ છે.

(૮) ધર્મ અને રાજ્યનું ગઠબંધન–

ભારતે સ્વતંત્રતા પછીના છેલ્લા ૭૦ વર્ષમાં નહી અનુભવેલુ રાજ્ય અને ધર્મનું ગઠબંધન છેલ્લા પાંચ વર્ષોમાં સ્પષટ જોવા અને અનુભવવા મળ્યું છે.માનવજાતે  છેલ્લા એકહજાર વર્ષોના સંઘર્ષ પછી જે રાજ્ય અને ધર્મ વચ્ચેનું સંપુર્ણ વીયોજન વીકસાવેલું છે તેને દેશના ઉભરી રહેલા ફાસીવાદી પરબળો નષ્ટ કરવા મેદાને પડયા છે. બંધારણીય રાષ્ટ્રવાદ અને બંધારણીય નેતીકતાને બાજુપર કે હોંસીયામાં હડસેલી દઇને  હીંદુ રાષ્ટ્રવાદ અને હીંદુધર્મ આધારીત નૈતીકતાની દુહાઇ આ ફાસીવાદી પરીબળો કરવા મચી પડ્ડયા છે. દેશનો કોઇ ધર્મ સને ૧૯૫૦ના માન્ય કરેલ બંધારણ પછી હોય તો તે બંધારણીય ધર્મ છે. તેને સર્વોપરી ગણવો જોઇએ. તે પ્રમાણે રાજ્યસત્તા અને પ્રજાના તમામ વ્યવહારો થવા જોઇએ.

ફાસીવાદીઓના આ તર્કને સમજીએ. છેલ્લી ઘણી બધી સદીઓથી દેશમાં મુસ્લીમ સત્તા અને ત્યારબાદ ખ્રીસ્તી ધર્માના શાસકોના હાથમાં રાજકીય સત્તા હતી. ત્યારે દેશનો હીંદુધર્મ ખતરામાં ન હતો. તેને માથે પોતાનું અસ્તીતવ ટકાવી રાખવા માટેનું જોખમ તે સમયે પેદા થયું ન હતું. દેશની ૮૦ ટકા વસ્તી તે સમયે અને આજે પણ હીંદુ જ રહી છે. " અબ હીંદુ પ્રજા ખતરમેં આ ગઇ". માટે એક મજબુત નેતાની જરૂર ઉભી થઇ છે. લોકશાહીમાં સત્તાનું વીકેન્દ્ર્કરણ હોવાને કારણે નેતાગીરી સહીયારી અને વહેંચાયેલી હોય છે. ફાસીવાદીની સત્તા ફક્ત એક જ મજબુત નેતાથી જ ટકી રહે છે. આવો નેતા હોવો તેમાં ઇશ્વરી સંકેત હોય છે તેવા પાઠ ફાસીવાદ જે તે દેશની પ્રજાને ભણાવે છે.

(૯) ફાસીવાદની આર્થીક નીતી દેશના દસ–બાર ઔધ્યોગીક ગૃહો ( કોર્પોરેટ હાઉસીસ)ની હંમેશાં તરફેણ કરનારી જ હોય છે. ફાસીવાદી નેતા અને અને તેનો પક્ષના બધાજ હીતો સાથે આ બધા ઔધ્યોગીક ગૃહોને નીજી સંબંધો હોય છે. એક બીજાની પ્રવૃત્તીઓ એક બીજાની પુરક હોય છે.

" દેશકા કીસાન સબકો રોટી દેતા હૈ, મગર દેશ કે ઉધ્યોગપતીઓ દેશકે રાજકીય પક્ષોકો ચુનાવ કે લીએ ચંદા દેતા હૈ ." આ ફાસીવાદી રાજકીય નેતાઓ અને પક્ષો કીસનના હળ ને બચાવશે કે પેલા ઉધ્યોગપતીના હેલીકોપ્ટરને જે ચુંટણી લડવા કામમાં આવવાનું છે? દેશના કીસાનના આપઘાત અને અસંતોષથી ફાસીવાદના દોડતા અશ્વમેઘને કોઇ ફરક પડતો નથી. " પહેલે ભી કીસાન મરતે થે આજ ભી કીસાન મરતે હૈ.મગર પહેલે કીસાન આસમાનકી બુરાઇ સે મરતે થે, આજ કીસાન સલ્તનતકી બુરાઇસે મરતે હૈ." તેમની સરકારોતો 'સુટબુટ'ની અને 'બુલેટ ટ્રેઇન' સરકારો છે. આ ફાસીવાદી સરકારો ખેડુતોની જમીનો ' પ્રજાહીત'ના નામે જમીન સંપાદન કરીને જમીન વીહોણા બનાવી દે છે.

(૧૦) મજુરચળવળોને કચડી નાંખીને દબાવી દેવી– ફાસીવાદીઓને મુડીપતીઓના હીતોને ટકાવી રાખવા રાજયનીતીઓ મજુરવીરોધી હોવી અનીવાર્ય છે.ફાસીવાદની નીતીરીતીઓને કારણે આ વધતી મજુર બેકારોની ફોજ તો ફાસીવાદીઓને સરહદ પરના દુશ્મનો સામે રાષ્ટ્રભક્તી અને રાષ્ટ્રપ્રેમના નામે બલી ચઢાવવા ખુબજ કામમાં લાગે છે. ખેતીમાંથી ફેંકાઇ ગયેલા જમીન વીહોણા ખેડુતોના છોકરાઓ હળને બદલે બંદુક પકડે તેમાં પેલો ફાસીવાદી કાળમુખો પોતાની મુછો અને દાઢીમાં મુસ્કરાય છે!

ફાસીવાદી સરકારોને જાહેર ક્ષેત્ર (પબ્લીક સેકટર)ના ઉધ્યોગોના ખાનગીકરણમાં અમાપ હીત હોય છે. જાહેર ક્ષેત્રના ઉધ્યોગો ન રહે તો પછી તેના મજુરસંગઠનો કેવી રીતે પોતાનું અસ્તીત્વ ટકાવી રાખે? " જબ  ન રહેગા બાંસ તબ બાંસુરી કેસે બજેગી." શીક્ષીત બેકારોની ભીડતો ફાસીવાદઓને દેશના આંતરીક દુશ્મનો સાથે હીસાબ ચુકવવાની સડકપરની ફૌજ( Strom troopers) છે.

(૧૧) ફાસીવાદના એક નંબર દુશ્મનો દેશના બૌધ્ધીકો, કલાસર્જકો વી.–

 જે વીચારે તે દુશ્મન અને ફાસીવાદ સાથે 'કદમતાલ' ( માર્ચ) કરે તે તેનો ટેકેદાર. ફાસીવાદને સૌથી મોટા પડકારનો ભય હોત તો તે અગાઉ જણાવ્યું તે પ્રમાણે સરહદ પારના દુશ્મનોનો નહી પણ દેશના આ બધા માની લીધેલા ગદ્દારોનો. " દેશકે બુધ્ધીજીવીઓ, ઐવોર્ડ વાપસી વાલે, કલાકારો, અર્બન નક્ષલ( કોણ છે? શહેરી પ્રોફેસર, શીક્ષક, જર્નાલીસ્ટ,લેખક વી.) અને પેલા જેએનયુ વાલે સબ ફાસીવાદકે લીયે બારુદી સુરંગ હૈ !"  "સવાલ પુછ કર દેશકી તરક્કીમેં બાધા ડાલનેકા કામ કરતે હૈ".

(૧૨) ફાસીવાદ માને છે કે આ બધા તેમના વીરોધીઓ સામે કામ લેવા કાયદાના રાજયની અને બંધારણ આધારીત કામ કરતા ન્યાયલયોની બીલકુલ જરૂર નથી. ' હમ હૈ ઔર અમારી કેડર હી પુરતી હૈ.'  મહારાષ્ટ્રના અંધશ્રધ્ધા નીર્મુલનની ચળવળ ચલાવતા ડૉ નરેન્દ્ર દાભોલકર, કોલ્હાપુરના ગોવીંદ પાનસરે, કર્ણાટકના ધારવાડના ભુતપુર્વ વાઇસ ચાન્સેલર એમ. એમ કલબુર્ગી અને બેંગલોરની પત્રકાર ગૌરૌલંકેશ વી ના અવાજોને કાયમ માટે શાંત કરવા આ બધાએ કાયદા અને ન્યાયતંત્રનો સહારો લીધો ન હતો.

(૧૩) ફાસીવાદની જીવાદોરી ભ્રષ્ટાચાર અને નીજી મુડીપતીઓ ( Crony Capitalism ) છે.

(૧૪) ચુંટણીમાં ગોટાળા કરી અને સત્તા કબજે કરવા તમામ સાધનોનો ઉપયોગ ( દુરઉપયોગ)–

તે ફાસીવાદની નેતાગીરી માટે સામાન્ય બાબત હોય છે. નાગરીકો પોતાના જોખમે આ બધાને તેમના સાચા રંગથી ન ઓળખે તેમાં વાંક કોનો?  તમારો અને મારો!............ The End………ભાવાનુવાદક – બીપીન શ્રોફ.


--