Thursday, February 11, 2021

સીમ્પલ લીવીંગ એન્ડ હાઇથીકીંગ–

સીમ્પલ લીવીંગ એન્ડ હાઇથીકીંગ–

શું સાદુ જિવન ઉચ્ચવિચાર કરવા માટેની પુર્વશરત છે? આ વિચાર આપણા વ્યક્તીગત અને સમાજ જીવનના માપદંડનો જાણે એક અનિવાર્ય ભાગ બની ગયો છે. ઔધ્યોગીકરણ, મુડીવાદ,ઉપભોક્તાવાદ ( Consumerism) અને આધુનીકતા જેવા ખ્યાલો જાણે ' સીમ્પલ લીવીગ અને હાઇથીકીંગ ' વિચારસરણીના પાયાના દુશ્મનો બની ગયા હોય તેવી રીતે ગોઠવી દેવામાં આવ્યા છે.

પ્રથમ આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે વ્યક્તીગત સાદુ જીવન કોને કહેવાય? શું તેણે પોતાના જીવનની જીવવા માટેની કે ટકાવી રાખવાની તમામ પ્રવૃત્તીઓ સ્વપ્રયત્નથી જ કરવાની હોય? કે તેમાં બીજાથી ઉત્પન્ન કરેલ ઉપયોગી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવાનો હોય! માનવી તરીકે  આપણી પાયાની જરૂરીયાતોનો વિચાર કરીએ તો " રોટી કપડાં અને મકાન" જેવી અનીવાર્યતાઓ માટે અન્યનો સહકાર કેટલા પ્રમાણમાં જોઇએ. પેલા શિકારયુગના માણસની માફક જો આપણે ખોરાક માટે શિકાર, રહેઠાણ ને ખેતી બધું જ એકલદોકલ માણસે તેના પોતાના સ્વપ્રયત્નોથી કરવાનું હોય તો તે જીંદગી કેવી હોય! આપણો આ માણસ પોતાનું અસ્તીત્વ ટકાવવાના પ્રાથમીક જરૂરીયાતોના સંઘર્ષમાંથી જ જો સમય ન બચાવી શકતો હોય તો તે બીજા કયા ઉચ્ચ કે કહેવાતા આધ્યાત્મીક વીચારો કરી શકવાનો હતો?

આપણા દેશના ૨૧મી સદીના સામાન્ય નાગરીકની વાત કરીએ! બોલો ! તેના સાદા જીવન માટે ઘર જોઇશે રાજ મહેલ નહી, બાળકોના શિક્ષણ માટે કેટલી ફી  વાર્ષીક ભરવા માટેની સગવડ કરવી પડશે, મધ્યમ વર્ગના માણસની સ્થાયી નિયમીત આવક કેટલી જોઇશે, માંદગી અને અસલામતી માટેની નાણાંકીય જોગવાઇ કેટલી જોઇશે, નોકરી કે વ્યવસાયનું સ્થળ અને રહેવાનું સ્થળ બંને વચ્ચેના સતત વધતા જતા અંતર માટે કોઇ ટુ વ્હીલર, ચાર વ્હીલર જોઇશે ખરૂ? આવું સાદુજીવન જીવવા માટેના બે છેડા ભેગા કરવાના સંઘર્ષ સાથે પુછો તો ખરા ભાઇ! તેને કેવા અદ્ભુત ઉચ્ચ વિચારો આવે છે ! સાદા જીવન માટેની આપણી લઘુતમ યાદીનું લિસ્ટ  પેલા આપણને સાદા જીવનની સલાહ આપનારને પુછી જુઓ તો ખરા!  

હવે આપણે એ શોધવું જોઇએ કે આવી ઉત્તમ સલાહ આપનાર રાવબહાદુર કોણ છે? તે પોતે કેટલું સાદુ અને કહેવાતું ઉચ્ચ વિચારવાળું–કમ– પવિત્ર જીવન જીવે છે? આપણા સામાન્ય નાગરીક તરીકેના જીવવા માટેના સંઘર્ષમાંથી જે આપણી બચત મહામુશીબતે  ભેગી કરેલી હોય છે તેને આપણી આજુબાજુના કોણ પરોપજીવીઓ હા! પરોપજીવીઓ ફક્ત આપણા જ કલ્યાણ માટે કેવી સિફતભરી રીતે ઉઠાવી જાય છે? દરેક દેશના કાયદાઓ , બંધારણે તથા ન્યાયતંત્રે આવી લુંટને સદીઓથી કાયદેસરતા બક્ષી છે.

 જે દેશ અને દુનીયામાં મંદીરો, મસ્જીદો,ચર્ચો અને તમામ ધાર્મીક સ્થળો ભવ્ય નહી પણ ભવ્યાતીત હોય છે, તે દેશની મોટાભાગની પ્રજાને માથે છાપરુ પણ આ બધા ઉચ્ચ વીચારના ટેકેદારોએ રાખ્યું જ હોતું નથી. તમારે જો ઉચ્ચ વિચારવાળાઓની જમાતમાં ભળવું હોય તો તમે જેટલો બની શકે તેટલો પ્રજાના તારણહાર તરીકે  સાદાઇ ભર્યા જીવનનો દંભ કરો ! તેવી તમારી ઓળખનું પ્રતીક શોધી કાઢો!  તે પ્રમાણે પેલા મહેનતકશ  સાદુ જીવન જીવવા સંઘર્ષ કરનારા  લાખો–કરોડો લોકો તમારી પાસેથી ઉચ્ચવિચાર (?) મેળવવા સર્વસ્વ ન્યોચ્છાવર કરવા લાઇનો લગાવશે.

ખરેખર તો આપણો માનવી તરીકેનો સંઘર્ષ ભૌતીક જ છે. જે સંઘર્ષ તે સદીઓથી કરતો આવ્યો છે અને અત્યારે તે ૨૧મી સદી સુધીમાં પણ કર્યા કરે છે. પેલી પરોપજીવી જમાતે આ માનવીના જૈવીક સંઘર્ષને  પોતાના નીજી પણ નગ્ન સ્વાર્થ માટે તેને ઉચ્ચવિચારવાળો, આધ્યાત્મીક, પરલૌકીક, પાપ– પુન્ય વી.ના ચોકઠામાં ગોઠવીને આડાફાંટે કે રસ્તે ચઢાવી દીધો છે. તેમાંથી બહાર નીકળવું પેલા સાદાજીવનવાળા લાખો– કરોડો નાગરીકો માટે ખુબજ મુશ્કેલ બનાવી દીધું છે. આપણા કહેવાતા આ બધા ઉધ્ધારક ને ઉપકારક પરોપજીવીઓએ પોતે સમગ્ર સમાજના તારણહારો છે તેવો લેબાસ, વર્તન, વાણી અને તેમની જીવન પધ્ધતી આપણને સતત આધુનીક પ્રચારના સાધનોથી આપણા માથમાં દરરોજ આપણા પૈસાથી જ મારે છે.

 માનવીય ભૌતીક( જૈવીક) સંઘર્ષ એટલે શું? તેનો સાદો અર્થ ( ઉચ્ચવિચારવાળો નહી) એટલો જ કે તમામ કુદરતી પરીબળોના નિયમો સમજીને  માનવી તરીકે પોતાના જીવનને સુરક્ષીત અને બૌધ્ધીકરીતે ( મોક્ષ માટે નહિ) સતત વિકસતું બનાવતા જવું. પણ તે માટે કહેવાતા ઉચ્ચવિચારોની બિલકુલ જરૂર નથી. તેમજ તેવા વિચારોના ઠેકેદારો પેલા પરોપજીવીઓની જરૂર તો બિલકુલ નથી.

અરે દોસ્તો! આટલું તો વિચારો– કોરાના વાયરસ સામેની વેક્સીન માનવજાતનો જીવ બચાવવા કેટલી બધી મહત્વની છે કે તે માટે પેલા પરોપજીવીઓના બુમરાણો! આ વેક્સીનના સંશોધનો કેમ દેશ અને દુનીયાના કોઇ મંદીરો. મસ્જીદો, ચર્ચો કે સંસદ ભવનોને બદલે માનવ સર્જીત લંડન, ઓકસફર્ડ અને વીશ્વની પ્રયોગશાળાઓ અને વૈજ્ઞાનીક સંશોધન કેન્દો માં જ શોધાઇ! ૨૧મી સદીના સાદા સીધા મનુષ્ય માટે, આપણા માથાપર યેનકેન પ્રકારે ચઢી બેસીને આપણા વિચારોનો કબજો કરી દીધેલા પરોપજીવીઓને સાચા અર્થમાં  વ્યક્તીગત કલ્યાણ માટે આંદોલનજીવી બનીને આપણા માથેથી ફગાવી દેવાની  જરૂર છે.    

સાદર. આજનો લેખ જૈવીક ઉત્ક્રાંતીના શોધક ચાર્લસ ડાર્વીનની સ્મૃતીમાં. કારણકે આવતી કાલે તેઓનો જન્મદિવસ છે . ૧૨મી ફેબ્રુઆરી સને ૧૮૦૯.

 


--