શું માનવવાદ અને માનવતા બંને એક જ છે? તફાવત છે તો કયા કયા તફાવતો બંને વચ્ચે છે.
માનવવાદ એક માનવકેન્દ્રી વિચારસરણી છે. તે એક ધર્મનીરપેક્ષ વિચારસરણી છે. તેનું તારણ છે કે વીશ્વ ને બ્રહ્માંડમાં બનતા દરેક બનાવો કે ઘટનાઓ નિયમબધ્ધ છે. તેમાં દૈવી કે ઇશ્વરી સંચાલન હોતું નથી. માનવીના વૈજ્ઞાનીક ને બૌધ્ધીક પ્રયત્નોથી કોઇપણ ઘટનાને સમજાવી શકાય છે. તેના માટે ઇશ્વર કે દૈવી પરિબળોની જરૂર નથી. તે બધાની સમજણ માટે માનવીય પ્રયત્નો જરૂરી અને પુરતા છે.
માનવી પોતે જ પોતાના ભાગ્યનો વિધાતા છે. તેનું ભાવી પુર્વનિર્ણીત બીલકુલ નથી. માટે તે તેના જેવાજ અન્ય માનવીના સહકારથી તમામ ભૌતીક સર્જનો,વિસર્જનો ને નવસર્જનો કરતો આવ્યો છે અને ભવિષ્યમાં પણ કરતો રહેવાનો છે. દુન્યવી તમામ અસમાનતાઓ જેવીકે સામાજીક, આર્થીક અને રાજકીય વી. માનવસર્જીત હોવાથી તે સંયુક્ત માનવ પ્રયત્નોથી પરિવર્તનશીલ જ હોય છે.
તમામ માનવીય સંસ્થાઓનું કેન્દ્ર ઐહીક માનવ સુખ છે. માટે બધીજ સંસ્થાઓ માનવના કલ્યાણ માટે છે. પણ માનવીનો (બલી) સંસ્થાઓના હિત માટે ક્યારેય ઉપયોગ થાય નહી. ઐહીક માનવસુખ એટલે મોક્ષ, પુન્ય, દાન જેવી પ્રવૃત્તીઓ નહી પરંતુ માનવી તરીકેનો તેનો ભૌતીક સંઘર્ષ કે જૈવીક સંઘર્ષને તેના જેવા અન્યના સહકારોથી સરળ બનાવવો.કુદરતી વિઘાતક પરીબળોમાંથી ક્રમશ; મુક્તી.
માનવવાદના તે માટેના માર્ગદર્શક મુલ્યો સ્વતંત્રતા, તર્કવિવેકબુધ્ધી અને ધર્મના આધાર સિવાયનો નૈતીક વ્યવહાર.
માનવતા એટલે શું? ધર્મ કે ધર્મના આધાર સિવાયની મદદ, દાન. જેમાં મદદ કે દાન લેનારનો હાથ નીચે હોય છે અને આપનારનો હાથ ઉપર હોય છે.માનવતામાં માનવીય અસમાનતાઓ અને તેને ટેકામાં સર્જન પામેલી તમામ સંસ્થો ક્યારેય માનવ સશક્તીકરણ ( Human Empowerment) માટે પ્રયત્ન કરતી નથી. કારણકે માનવીય સશક્તીકરણ તો માનવીને તે બધાના પરાવલંબનથી સ્વાવલંબન તરફ દોરી જાય છે. સ્વાવલંબી ક્યારેય પરોપજીવી હોતો નથી. સ્વાવલંબી પોતાના સશક્તીકરણ માટે સંસ્થાઓનું સર્જન કરે છે. માનવતાના ટેકેદારો અપરીવર્તનશીલ ને જૈસેથે વાદીઓ હોય છે. તે બધા હંમેશાં ભવ્યભુતકાળના પુજકો હોય છે.