Monday, February 15, 2021

ગુજરાતમાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીઓ.

ગુજરાતમાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીઓ–  " મને ટિકીટ આપો, પેલાને ન આપશો, મારા દિકરાને ખુલ્લે બારણે ટીકીટ ન આપી તો હું પાછલે બારણેથી ટીકીટ મેળવીને રહીશ (ટીકીટ આપવાનાં કેટલા બારણાં રાખવામાં આવતા હશે )"... આ બધા પ્રવાહો પર એક વિહાંગલોકન...

આપણા રાજ્યમાં તારીખ ૨૧મી ફેબ્રુઆરી ૬ મહાનગરપાલીકા જેવી કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત,વી,અને૨૮મી ફેબ્રુઆરીના દિવસે ૮૧ નગરપાલીકાઓ, ૩૧જીલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતની ચુંટણી થવાની છે. લગભગ આપણે કહી શકીએ કે સદર ચુંટણી આ ગુજરાત વિધાનસભાની મધ્યસત્ર ચુંટણી જેટલા મતદાર વીસ્તારોને આવરી લેવાની છે. માટે તેનું મહત્વ લેશ માત્ર ઓછું નથી.

લોકશાહી ચુંટણીપ્રથામાં નાગરીકો સાર્વભૌમ ( Sovereign) એટલે કે સર્વસત્તાધીશ છે. તેમના મતથી પ્રતીનીધીઓ ચુંટાઇને પોતાના વિસ્તારના પ્રજાલક્ષી પાયાના તથા જે તે વિસ્તારના વિકાસના કામો કરે છે. પ્રતીનીધી સ્વરૂપની ચુંટણી પ્રથાની એક અતિ દુ;ખદ સ્થિતિ એ છે કે પેલા સાર્વભૌમ મતદારોએ દર પાંચ વર્ષે ચુંટણીના મંડપમાં જઇને મત આપ્યા પછી પોતાના મતથી જીતેલા ઉમેદવાર પર કે તેના કાર્યો કે પ્રવૃત્તીઓ પર કોઇજ નિયંત્રણ રહેતું જ નથી. આ પરિણામ સદર ચુંટણી પ્રથામાં લગભગ વૈશ્વીક છે. જે પક્ષ અને તેનો નેતા, મતદારોને લોલીપપ, લાલચ કે આકાશમાંના ચાંદ–તારા હથેળીમાં બતાવી શકે તે જ આવી ચુંટણીઓ જિતાડી શકે.  

 ખરેખર સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં મુદ્દાઓ પણ સ્થાનીક હોવા જોઇએ! હવે આવી રહેલી સદર ચુંટણીને લોકભાગીદારવાળી કે લોકસમિતીને બદલે રાજકીય પક્ષોએ આ ચુંટણીપ્રથાને હાઇજેક કરીને  કેવી રીતે પક્ષશાહી ચુંટણી બનાવી દીધી છે તેનો અભ્યાસ કરીએ. બીજું આ ચુંટણીમાં ચુંટણી લડતા ઉમેદવારો કે રાજકીય પક્ષો કયા કયા મુદ્દાઓ લઇને ચુંટણી લડે છે તે બધું છેલ્લા પંદર દિવસોના સ્થાનીક ગુજરાતી પેપરોમાં આવતા સમાચારોના મર્યાદિત અભ્યાસ પરથી સમજવાનો પ્રયત્ન કરીએ. આ ચુંટણીમાં તે લડવા માટે મતો લેવાના મતદારોના પણ  ઉમેદવારો બનવાનું રાજકીય પક્ષોનું ! વાહ ભાઇ! તો પછી આ ચુંટાયેલા રાવબહાદુરોની વફાદારી કોની? ટીકીટ મળેલ રાજકીય પક્ષની કે જે મતદારોના મતોથી ચુંટણી જીત્યા છે તે બધાની! તમે સ્થાનીક પેપરોના સમાચારો પરથી સરળ તારણ કાઢી શકશો કે પક્ષની ટીકીટ લેવા જે ધસારો, પડાપડી ને બાહુબળોની સર્વોપરીતા દેખાઇ આવે છે તે પેલા મતદારોની સર્વોપરીતા જેવા, લોકશાહી મુલ્યોનું તો તેમણે ક્યારનું બાષ્પીભવન કરી નાંખ્યું છે. બીજું કે યેનકેન પ્રકારે ચુંટણી જીતીને રાજકીય સત્તા મેળવવી એ ખુબજ ટુંકાગાળમાં  મર્યાદિત મુડીમાં આર્થીક– નાણાંકીય સામ્રરાજ્ય પેદા કરવાનો આપણા દેશમાં ૨૧મી સદીમાં સૌથી નફાકારક ધંધો બની ગયો છે. જેમાં ઉધારી,વ્યાજખાધ, દેવું, બાકીદારી અને આર્થીક બજારોની તેજીમંદીનો અવકાશ જ નથી. હવે ઉપરના તારણોને ન્યાયી ઠેરવતા સમાચારો જોઇએ.

(1)     નડીયાદ નગરપાલીકાની ચુંટણીમાં સગાવાદ– પુર્વ–સાંસદના પુત્ર, પક્ષપ્રમુખના પત્નિ અને સભાપતિના ટીકીટની લ્હાણી.

(2)    કપડવંજ, કઠલાલ અને કંજણરીમાં ક્ષત્રીય જ્ઞાતીના ઉમેદવારોને સૌથી વધુ ટીકીટ આપી.

(3)    મહાનગરપાલીકઓ બાદ જીલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલીકાના ભારતીય જનતા પક્ષના ઉમેદવારોની યાદી જાહેર થતાં પક્ષમાં ભડકો–– બુધવારે યાદી જાહેર થઇ હોત તો ભાજપના પક્ષની કચેરીઓ સળગી હોત ! એક સમયનો કહેવાતો શિસ્તબધ્ધ, કેડરબેઝ પક્ષ.

(4)    ખેડાજીલ્લાના કોંગ્રેસપક્ષના મહામંત્રી આ તબક્કે ભાજપમાં ભવ્ય આવકાર કે વાજતે–ગાજતે જોડાયા.

(5)    ખેડાજીલ્લાના પેટલાદ નગરપાલીકા માટે ભાજપના ઉમેદવારોનો રાફડો, કોંગ્રેસને ઉમેદવારો શોધવાના ફાંફા..

(6)    બોરસદ નગરપાલીકામાં ચુંટણી લડી નગરસેવકો બનવાની આશા રાખનારાઓએ બે દિવસમાં ૮ લાખ રૂપીયાનો વર્ષો જુનો પોતાનો બાકી તમામ કરવેરા ભર્યા!

(7)    અમદાવાદ મહાનગરપાલીકા– ભાજપમાં જમાલપુર, ગોમતીપુર, મકનપુરામાં અસંતોષીઓનો બળવો થવાની આશંકા...

(8)     મારો પુત્ર આપણા પક્ષ( ભાજપ) માટે છેલ્લા ૧૨ વર્ષોથી કામ કરે છે. તેના માટે ટીકીટ માંગવાનો મારો અધિકાર છે. ... ભુતપુર્વ મેયર અમદાવાદ મહાનગરપાલીકા.

(9)     વયમર્યાદા અને ૩ ટર્મ પછી નો રીપીટના મુદ્દે બંનેપક્ષોમાં ભારે ખેંચતાણ તથા અપક્ષ તરીકે ચુંટણી લડવાનું આયોજન...

(10) અમદા–મહા–નગર પેલા જુના ૧૭૧ સભ્યોએ પોતાના મતવીસ્તારમાં ૧૦ કરોડના બેસવાના બાંકડા બનાવી, પ્રજાના કરવેરાના પૈસાનું આધણ કર્યુ....

(11) અમદા–મહા– નગરના જુના ૩૯ કોર્પોરટર્સની ટીકીટો કપાશે.

(12) ગુજરાતની તમામ સ્થાનીક ચુંટણીઓમાં  પ્રથમવાર લેઉઆ– કડવા પટેલો એક મંચ પર....ફરી પાટીદાર પાવરની તૈયારી..

(13) ભાજપના કાર્યકરોના કાર્યાલય (કમલક) પરના ધસારાથી બચવા ગુજ–સરકારના ગૃહ્યમંત્રી જાડેજાએ હોટેલમાં જઇને મીટીંગ કરવી પડી.

(14) કોંગ્રસે પક્ષીય બળવાને ટાળવા માટે  પોતાના ઉમેદવારોના ઘરે  મેન્ડેટ મોકલવા પડયા.

(15) ભાજપે ગોમતીપુરમાં કોંગ્રેસ, બહુજન સમાજપાર્ટી અને અપક્ષ માંથી આવેલાને ટીકીટ આપી....

(16) સુરત મહા–નગરપાલીકા.. બીજેપીના ૧૫૦ કાર્યકરોને ટીકીટ ન મલતાં પક્ષમાંથી રાજીનામું ! પક્ષની ઓફીસે કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન બનતાં પોલીસ બોલાવવી પડી.

(17)રાજકોટ, સુરત ને અમદાવાદના બંને પક્ષોના ચુંટણી લડતા ઉમેદવારોએ ફુટપાથો પર મંડપોબાંધી ચુંટણી કાર્યાલયોના ઉદ્રઘાટન કર્યા.

(18) શૈક્ષણીક લાયકાતો––અમદા–મહા– નગરમાં ચુંટણી લડતા ૮૦ પક્ષીય ઉમેદવારોની શૈક્ષણીક લાયકાત ધોરણ ૧૨ પાસની પણ નથી. કેટલાક ધો–૭,૮,૯, ધોરણ પાસ છે. ગઇ ટર્મમાં કુલ ૧૯૨ સભ્યોમાંથી  ત્રીજા ભાગના સભ્યો ધો–૧૨થી ઓછું ભણેલા હતા.

(19) ઓવેસી જે મુસ્લીમ નેતા છે તેઓએ અમદા–મહા–નગર ની ચુંટણીમાં મુસ્લીમ બહુમતી મતદાર વિસ્તારો જેમાં ભાજપ કાયમ હારતી હતી ત્યાં પોતાના પક્ષના મુસ્લીમ ઉમેદવારો સ્થાનીક મુસ્લીમ ઉમેદવારો સામે ઉભા રાખ્યા. તેના પક્ષને રાજકીય વિવેચકો ભાજપની બી ટીમ તરીકે ઓળખાવે છે.

(20) ગુજ– તમામ છ મહા નગરપાલિકામાં ચુંટણી લડતા ઉમેદવારોનો ચુંટણી ખર્ચ ૨લાખ હતો વધારી ૬ લાખ કરી દીધા.

 

આ ચુંટણીઓના હાકોટા, લોલીપપ અને બાહુબળોમાંથી આવતી કાલનું ગુજરાત કેવું હશે? તેમાં શિક્ષણ, આરોગ્ય, રોજગારી, ઔધ્યોગીક વીકાસ અને કાયદો–વ્યવસ્થા વી ની સ્થીતી કેવી હશે?......


--