Saturday, March 5, 2022

ચાલો ! રશિયાના રાષ્ટ્રપ્રમુખને તેના સાચાસ્વરૂપે ઓળખીએ.


 ચાલો ! રશિયાના રાષ્ટ્રપ્રમુખને તેના સાચા સ્વરૂપે ઓળખીએ ! વી. પુટિન( જન્મ ૧૯૫૨).

પુટિને પોતાની સક્રીય સત્તાના રાજકારણની સીડીઓ એક પછી એક સિધ્ધ કરવા માંડી તે પહેલાં તેઓ રશીયન જાસુસી સંસ્થા કે.જી. બી.ના સર્વેસર્વા તરીકે લેફ્ટન્ટ કર્નલ (lieutenant colonel,) હતા. સને ૧૯૯૬માં પુટિન રશિયાની રાજધાની મોસ્કોમાં તે સમયના પ્રમુખ બોરીસ યેલ્તસીનના વહીવટી તંત્રમાં અગત્યના સ્થાન પર પસંદ થયા. સમે ૧૯૯૯માં તે રશિયાના પહેલીવાર  વડાપ્રધાન બન્યા.

પુટીન સને ૨૦૦૦ની સાલથી ૨૦૦૮ સુધી રશિયાના રાષ્ટ્રપ્રમુખ બન્યા. રશિયાના બંધારણ મુજબ કોઇપણ નાગરીક અમેરીકાના બંધારણની માફક બે ટર્મ સુધી જ રાષ્ટ્ર પ્રમુખ બની શકે. પુટિને પોતાની સને ૨૦૦૦થી ૨૦૦૮ પ્રમુખની સત્તા દરમ્યાન જે વડાપ્રધાન( રબ્બર સ્ટેમ્પ) હતા તેને રાષ્ટ્રપ્રમુખ બનાવી દીધા અને પોતે દેશના વડાપ્રધાન ( ૨૦૦૮થી ૨૦૧૨)બની ગયા.અને સત્તાનું સુકાન તો પોતાની પાસે જ રાખી મુક્યું હતું. પછી બંધારણમાં સુધારો કરીને રાષ્ટ્રપ્રમુખની ટર્મ છ વર્ષની કરી દીધી. જે ૨૦૧૨ થી ૨૦૧૮ ને પછી ૨૦૨૪ સુધી  રાષ્ટ્રપ્રમુખ બની રહ્યા.

ફરી પુટીનની રાજકીય નફ્ફટતાને સમજીએ. સને ૨૦૧૮ થી ૨૦૨૪ સુધી બંધારણીય રીતે તે રાષ્ટ્રપ્રમુખ બની ગયા. કારણકે બંધારણમાં આવી રીતે ફરી સત્તા હાંસલ કરવા પાબંધી નહતી.પેલા રાષ્ટ્રપ્રમુખને વડોપ્રધાન બનાવી દીધો.તેનું નામ હતું–  દમિત્રિ મેડવેદવે DMITRI MEDVEDEV ( રશિયન નામ હોવાથી  નામ ગુજરાતીમાં બરાબર ન લખાયું હોય તો ક્ષમા.) અને સાથે સાથે બંધારણમાં સુધારો કરીને  રાષ્ટ્રપ્રમુખની ટર્મ જે બે ટર્મની હતી તે નાબુદ કરી નાંખી. હવે તે જીવે ત્યાં સુધી અને ઇચ્છે ત્યાં સુધી રાષ્ટ્રપ્રમખ બની રહેશે. હાલ પુરતી પોતાની ગાદી સને ૨૦૩૬ સુધી બરોકટોક સલામત કરી દીધી છે. સને ૨૦૦૦ની સાલથી ચુંટણી જીતવા જે કાંઇ કરવું પડે તે બધુ કરીને સખત વિરોધને સંપુર્ણ નજરઅંદાજ કરીને પોતાની સત્તા પુટિને અંકે કરી લીધી છે. પુટિનને સ્ટાલીન અને પીટર ધી ગ્રેટ, બે  ઐતીહાસીક સત્તાધીશો કરતાં, વધુ સત્તા ધારણ કરતાં રશીયાના ઇતિહાસમાં પોતાનું નામ મુકીને જવું છે.  સસ્તી લોકપ્રિયતા માટે પુટિને  પોતાના દેશમાં ગે મેરેજ અને હોમો સેક્યુઆલીટી પર પ્રતિબંધ મુક્યો છે. બીજા વિશ્વયુધ્ધમાં  રશીયા લીધેલા પગલાંની ટીકા ન થઇ શકે તેવી બંધારણીય જોગવાઇ કરી દીધી છે. વધુમાં પુટિને સામ્યવાદ અંગે પોતાનું તારણ કાઢયું છે કે ' સામ્યવાદ એક માર્ગવિહીન રસ્તો  છે જે માનવ સભ્યતાને  તેના મુખ્ય પ્રવાહથી આડે માર્ગે લઇ જાય છે.' સીરીયા, લીબીયા, વેનેઝુએલા, અફઘાનીસ્તાન વિ. દેશોમાં  અમેરીકા વિરૂધ્ધ પોતાની રૂઢીચુસ્ત રાષ્ટ્રવાદની વિચારસરણી પ્રમાણે લશ્કરી દખલગીરી કરી હતી. નાટોની સામે  યુક્રેનને પોતાની બગલમાં લઇ લેવું છે. અને પછી ફરીથી યુરોપ અને આરબ દેશોમાં શીતયુધ્ધની ( કોલ્ડ વોર) માનસિકતાનું સર્જન  કરી, શસ્રોનો નિકાસ કરીને, અમેરીકા, ચીન અને વિશ્વની ત્રીજી લશ્કરી પ્રભુત્વ વાળી સત્તા બની જવું છે.

 પુટિનના પ્રમુખપણા નીચે રશિયાનો જે આર્થીક વિકાસ થયો છે તે આંતરરાષ્ટ્રીય બજારમાં ખનીજ તેલ અને કુદરતી ગેસના પ્રતિ બેરેલે પાંચ ગણા ભાવ વધારાને આભારી છે. રશિયાની નિકાસ ફક્ત ખનીજ ઓઇલ,ગેસ ને લશ્કરી શસ્રોની બનેલી છે. રશિયા એ ભારત સામેના ચીન યુધ્ધમાં જે મશીન ટેંક ચીનને નિકાસમાં આપી છે તેવીજ તમામ સમકક્ષ શક્તી ધરાવતી નામ પણ એકજ વાળી મશીન ટેંક ચીન સામેના યુધ્ધમાં લડવા ભારતને નિકાસ કરી છે. જે બંને ટેંકો હિમાલયમાં લડાખ– સિક્કીમ સરહદે એકબીજાની સામ સામે આજે  ઉભી છે. જે ટેંકનો ફોટો અત્રે લેખની નીચે મુકેલો છે.

પોતાના પ્રમુખપણા હેઠળ પુટિને  પોતાના પડોશી દેશો ચેચનીયા તથા જ્યોર્જજીયા સામે લશ્કરી હુમલા કરીને તે બંને દેશોમાં પોતાની કઠપુતલી સરકારો મુકી દીધી છે. સને ૨૦૧૪માં યુક્રેનના એક પ્રાંત  ક્રીમીયાને (annexed Crimea) પોતાના રાષ્ટ્રનો એક ભાગ બનાવી દીધો છે. ત્યારબાદ  સતત રશિયન અર્થતંત્ર નેગેટીવ દીશામાં ખુબજ ઝડપથી જઇ રહ્યું હતું તેમાં કોવીડ –૧૯ના વાયરસે તેના સમગ્ર અર્થતંત્રની કરોડરજ્જુ તોડી નાંખી હતી.

 હવે ૨૪મી ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ રશિયાના પુટિને  યુક્રેન સામે  સંપુર્ણ યુધ્ધ જાહેર કરી દીધું છે. આશરે ૨૦ થી ૨૨ વર્ષના પોતાના સત્તાકાળમાં પુટિને  લેનિન, સ્ટાલિનના તમામ કાર્યો અને સામ્યવાદી વિચારસરણીને નામશેષ કરી નાંખી છે. પોતાની સામેના વિરોધી સામે ખુબજ ઘાતકી અને ક્રુર રીતરસમો અપનાવીને શાંત પાડી નાંખ્યા છે.

આવા સ્થિતિમાં પણ પુટિનના યુક્રેન સામેના યુધ્ધનો વિરોધ કરવા રશિયાના આશરે  ૯૦ જેટલા શહેરોમાં હજારો લોકો  સડકપર ઉતરી આવ્યા હતા. એકલા મોસ્કોમાં આશરે પુટિનની પોલીસે ૧૦૦૦ માણસોની ધરપકડ કરી છે.

 રાજકીય નિરિક્ષકોનું તારણ છે કે પુટિનનું રશિયા એક સંપુર્ણ સરમુખ્તાયરશાહી દેશ બની ગયો છે. તે એક બિલકુલ લોકશાહી દેશ રહ્યો નથી. પુટિનના વિરોધીઓ માટે જેલ, દમન, ચુંટણીઓમાં સત્તા પ્રાપ્ત કરવા ૧૦૦ ટકા ભ્રષ્ટાચાર અને અખબારી સ્વાતંત્રયનો કાયમી મૃત્યુ ઘંટ એ પુટિનની રાજય વ્યવસ્થાનું મુલ્યાંકન છે. વહીવટી પારદર્શીકતા, લોકશાહી માપદંડોની ઇન્ડેક્ષ અને માનવમુલ્યો આધારિત જીવન ઇન્ડેક્ષમાં વૈશ્વિક સ્તર પર પુટિનના રશિયાનું સ્થાન તળીયે પહોંચી ગયું છે.

 

--