Tuesday, March 8, 2022

૮૦% હિંદુઓને પેલા ૨૦% મુસ્લીમોનો ભય છે!



--અમને ૮૦ ટકા હિંદુઓને પેલા ૨૦ ટકા મુસ્લીમોનો ભય છે!

આ દલીલનો અર્થ એટલો જ કે હવે બીજેપી અને આર એસ એસના ટેકાવાળી સંસ્થાઓની પાસે સમાજકારણ અને રાજકારણમાં ઉભા રહેવાની જમીન સરકતી જાય છે. થોડા લોકોને થોડા સમય માટે મૂર્ખ બનાવી શકાય છે પણ બધા લોકોને કાયમ માટે મૂર્ખ બનાવી શકતા નથી. બહુમતી હિંદુ પ્રજાને  પોતાની તમામ મુશ્કેલીઓ માટે  ફક્ત અને ફક્ત ૨૦ ટકા મુસ્લીમ અને તેના કરતાં પણ સૂક્ષ્મ સંખ્યા અન્ય લઘુમતીઓ માથે  શિરપાવ નાંખી દઇને તમે ક્યાં સુધી છટકી જવાના છો?

 જ્યારે તમને કોઇ હિંદુ પ્રજામાંથી નવો વટલાયેલો હિંદુત્વવાદી દલીલ કરે કે ભાઈ ! તમને ખબર છે કે આપણને હિંદુઓને પેલા લોકોનો ભય છે? ત્યારે શાંતિથી ઠંડે કલેજે તે દલીલ કરનાર સામે જોઇને  તેના વ્યક્તિત્વનું નિરિક્ષણ કરજો. તેના લક્ષણો લગભગ નીચે મુજબ હશે.

(1)   તે દલીત, આદીવાસી, ઓબીસી કે કોઇપણ વંચિત સમાજનો નહીં હોય. અભણ નહીં હોય.

(2)    તે ઘર વિહોણો,નોકરી વિહોણો,બેકાર, ઉચ્ચશિક્ષણ વિહિન નહી હોય, આધુનિક ભારતના વિકાસના ફળો અંકે કરીને,બોલકણો માલેતુજાર પ્રતિનિધિ તે ચોક્કસ હશે.

(3)    તેને જાગૃત કે મદહોશ ગમે તે હાલાતમાં પુછશો તો ખુબજ ખીલીને ઉવાચશે કે હિંદુ વર્ણવ્યવસ્થા આધારીત તમામ પ્રકારની સામાજિક, આર્થીક, રાજકીય, વિ. અસમાનતાઓ અને  સ્થાપિત હિતો નું સંરક્ષણ બીજેપી અને આર એસ એસ ના વિચારો અને વર્તન સિવાય ક્યાંય નહી દેખાય. બીજા બધા રાજકીય પક્ષો દંભી કે સુડો સેક્યુલારીસ્ટ છે.

(4)    આર એસ એસ અને બીજેપી સત્તા સંચાલિત રાજ્ય વ્યવસ્થા ન હોય તો ? અરે ! તમને ખબર છે હું કે તમે બહાર નીકળી ન શકીએ?  આપણી મા– બહેન દિકરીઓની કોઇ સલામતી જ નહી !  આપણા ધંધા– રોજગારી બધું પેલા લોકો લુટીં જાય  ! આવું બોલ્યા પછી બીજી દલીલો માટે તેને બોંચી ખંજવાળવાનો ટાઇમ આપો ને તમે આટલા સત્યો રજુ કરો . પછી શું થાય છે તે ધીરજ થી રાહ જુઓ!

(5)   મહારાષ્ટ્ર, તામિલનાડુ ,આંધ્ર, કેરાલા, પશ્ચીમબંગાળ, રાજસ્થાન, ઓડીસા, દિલ્હી , આ બધા રાજ્યો તો ભારતનો અભિન્ન હિસ્સો કે ભાગ છે ને જ્યાં બીજેપી ની રાજ્ય સરકારો નથી ? ત્યાં ૮૦ ટકા પ્રજાતો હિંદુ મતદારોની બનેલી છે ને ?

(6)    શાંતી, સલામતી અને બિનદાસ રીતે પ્રજા ત્યાં જીવે છે કે પછી? બોલો ! તમારે ત્યાં દંગા કરાવવા જવું છે?

(7)   અરે ! તમને ખબર જ નથી , પણ શું ? અરે આપણા બે વત્તા બે બરાબર ત્રણ અને તેમના પાંચ વત્તા પાંચ એટલે પચ્ચીસ! બોલો શું કહેવું છે હવે તમારે?

(8)   બીજેપી સંચાલિત ભારત સરકારના વસ્તી અંગેના આંકડાઓ શું સુચવે છે તે આવું ઢોલકું વગાડનારાને ખબર છે? દેશના લગભગ તમામ રાજ્યોમાં છેલ્લા વીસ કરતાં વધારે વર્ષોથી વસ્તી વધારાના દર સતત ઘટતો જાય છે. સને ૨૦૨૨માં અંદાજી  નેટ વસ્તી વધારાનો દર ૧.૧૭ ટકા થઇ ગયો છે. ચાવીરૂપ નેટ ફર્ટીલીટી દર ઓછામાં ઓછો ૨.૧૦૯ જોઇએ. આપણો નેટ વસ્તી વધારાનો રાષ્ટ્રીય દર નકારાત્મક થઇ ગયો છે. પ્રજોપ્તિ વર્ષોમાંથી પસાર થતી વસ્તી ( ૨૦ વર્ષથી ૪૦ વર્ષની વયવાળા) ના ૭૦ ટકા લોકો કુટુંબનિયોજનના સાધનો વાપરે છે. દેશની ૩૫% વસ્તી શહેરી ભારતમાં જીવે છે. જ્યાં  મારા આ લેખમાં જણાવેલ મુદ્દા બે ની દલીલ પ્રમાણે  આ 'ન્યુ રીચ'  " NEW RICH" ને ફક્ત એક જ બાળક નિયમ છે અને બે બાળકો  અપવાદ હશે!. તેમાં તમામ ધર્મોની વસ્તીનો સમાવેશ થઇ જાય છે.

(9)   આ વસ્તી વધારાનો દર એટલે વાર્ષિક જન્મ દર અને મૃત્યુ દર વચ્ચે સરખામણી. નો સરપ્લસ. તમે હિંદુ– મુસ્લીમ કસબાના શહેરો કે ગામમાં નિવાસ કરતા હોય તો પેલા લોકોના કુટુંબોમાં જઇને જરા જોઇ આવજો . તટસ્થ,સત્ય ને ખાસ જ્ઞાન આધારીત તપાસ કરી આવજો. કે કયા કયા મુસ્લીમ કુટુંબોમાં ચાર સ્રીઓ સાથે એક મુસ્લીમ પુરુષ રહે છે.

(10)                     હિંદુત્વની ફોજ બનીને ' બલીના બકરા' બનવા નીકળી પડેલા માર્ગ ભુલેલા, દોસ્તો, તમારા નેતાઓની જુમલેબાજીથી સાવધાન થઇ જજો..ધર્માંધ સરમુખ્તયારશાહી તેના બલીના બકરાઓ કે સ્ટ્રીટ કે ફુટ સોલ્જરથી જ પોતાના સ્થાનિક વિરોધી પરિબળોમાં ભય પેદા કરી શકે છે.  તમે બધા તો તેમની ગ્રાન્ડ ડિઝાઇન ' હિંદુ રાષ્ટ્ર ' ના સ્વપ્નના એક નાચીજ પ્યાદાથી વધારે   તમારી કોઇ ઉપયોગીતા નથી.

(11)                     માનવ જાતનો ઇતિહાસ જે માનવી અને સજીવ ઉત્ક્રાંતિ જેટલો જુનો છે. તેમાં તમારા હિંદુત્વનાં ગાંડપણ કે મદહોશતાનું કોઇ સ્થાન જ નથી. માનવ ઉત્ક્રાંતિનો સંઘર્ષ તે સ્વતંત્રતાનો સંધર્ષ છે, ધર્મનું અફિણ પાઇને લોકોને ગુલામો બનાવવા માટેનો સંઘર્ષ બિલકુલ નથી.. માનવ ઉત્ક્રાંતીનો સંઘર્ષ તે માનવીની તર્કબુધ્ધી કે ઇન્દ્રીયજન્ય અનુભવોમાંથી, તમામ ધર્મોના આધાર સિવાય ( ધર્મનીરપેક્ષ નૈતીકતા) માનવ અને તેની સંસ્કૃતી ૨૧મી સદી સુધી આવી પહોંચી છે. વિશ્વના તમામ ધર્મોની દુકાનો ફક્ત પાંચ હજાર વર્ષથી વધારે જુની નથી.

(12)                      તમારી ધર્મ ને રાજકીય સત્તાની ગાડી  માનવ સંસ્કૃત્તીથી વિરૂધ્ધ વર્ણવ્યવસ્થા આધીરીત સમાજ વ્યવસ્થાના ટેકામાં ચાલે છે. તમે પોતે પસંદ કરેલા આ અસમાન શોષણખોર  સામાજીક માળખાનું કોઇ ભવિષ્ય નથી. પણ તેમાં તમારૂ જબ્બર  તમામ પ્રકારોનું સ્થાપિત હિત છે.

(13)                     માટે જ તમને યુક્રેનના ઝેલેન્સકી સામે રશિયાના પુટિન સાથેનું સંવનન યોગ્ય લાગે છે. જે લોકો પોતાના દેશોમાં તમામ પ્રકારની લોકશાહી મુલ્યો ધારીત નાગરીક પ્રવૃત્તીઓને સખત  નિયંત્રણ રાખતા તેમને કોણ બચાવશે? યાદ રાખજો તમે રશિયાના કદાચ મિત્ર બની શકશો પણ  ચીન રશિયાનો ભાઇ છે. તે બંનેનું લોહી જુદુ નથી. અંગ્રેજીમાં એક કહેવત છે કે " Blood is thicker than water."