વૈશ્વીક નિસ્બત ધરાવતો વૈશ્વીક માનવ એટલે સેમ પિત્રોડા.
ભાઇ સેમ પિત્રોડા તરફથી તાજેતરમાં એક પુસ્તક પ્રકાશીત કરવામાં આવ્યું છે. પુસ્તકનું નામ છે.
REDESIGN THE WORLD. (A GLOBAL CALL TO ACTION). BY- SAM PITRODA.
પુસ્તકનો રીવ્યુ ભાગ–૧.
પુસ્તકનું મથાળું ઘણું સુચક છે. આપણું વિશ્વ, બીજા વિશ્વયુધ્ધ પછી આજથી આશરે ૭૫ વર્ષ પહેલાં કેવા આયોજન સાથે ચાલવું જોઇએ તેનું આયોજન કરવામાં આવેલું હતું. કારણકે બીજા વિશ્વયુધ્ધની તારજી સૌની નજર સમક્ષ હતી.પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેમાં ભાગીદારી દરેકની હતી. તે યુધ્ધ ઇટાલીના ફાસીવાદી મુસોલીની, જર્મનીના નાઝીવાદી હીટલર અને તેના સાથી દેશો સામે વૈશ્વિક લોકશાહી મીત્ર દેશો બ્રીટન, ફ્રાંસ, અમેરીકાને રશીયા વિ.પણ હતા.વૈશ્વિક શાંતીની પોકાર પણ વેશ્વિક હતી.
(1) સેમભાઇના પુસ્તકની પ્રસ્તાવનાનું પ્રથમ વાક્ય, લેખક, જાણે પૃથ્વીના મધ્યબિંદુ, આફ્રીકાના કોંગોના સવાનાના જંગલની જમીન પર(છાતી પર) સ્ટેથોસ્કોપ મુકીને સાંભળીને પછી લખે છે " હે માનવ! તું સાંભળ! આ પૃથ્વીનો માલીક તું નથી. પણ પૃથ્વી તારી માલીક છે. માલીકનો તું નાશ કરીશ તો તું કેવી રીતે બચીશ!.( The earth does not belong to the man, but the man belongs to the earth.) દોસ્ત! સેમભાઇ, ભલે તમે રાષ્ટ્રીય સંકુચીતતાથી( National Parochialism) જોજન દુર નીકળી ગયા હોય પણ તમારા ચિંતનમાં તો અમારા ગાંધીના હ્રદયનો જીવંત ધબકાર સંભળાય છે.
(2) અમને ખબર પડે છે કે તમારા વૈશ્વીક ચિંતન અને માનવીય સશક્તીકરણના(Human Empowerment)માપદંડના કેન્દ્રમાં અમેરીક્ના હાઇરાઇઝ બિલ્ડીંગ, કે બાય વન ગેટ વન, પ્રેરીત ઉપભોગવાદ( Consumerism) નથી. તમારા ચિંતનનું ચાલકબળ કે ઉદ્દીપક(Catalyst Agent) ગાંધીજીનો છેવાડો માણસ( Gandhiji's Tailsman) જ છે.
(3) શાંતિભર્યા માર્ગે વિશ્વની પ્રજાની સુખાકારી ને આબાદી વધે તે માટે વૈશ્વીક સ્તર પર યુનો, આઇએમએફ, નાટો, ડબલ્યુટીઓ વિ. સંસ્થાઓની રચના કરવામાં આવી હતી. અમેરીકાના ટેકાથી સદર ઉદારમતવાદી વૈશ્વિક વ્યવસ્થાના પરિણામ સ્વરૂપે વસ્તી વધારો, ઔધ્યોગીક વિકાસ અને વૈશ્વીક સંદેશા વ્યવહારમાં અત્યંત ઝડપ(Hyper connectivity) અને વિકેન્દ્રીકરણ પ્રાપ્ત થયું છે. સાથે સાથે ટેકનોલીજીએ જીવનની ગુણવત્તામાં સુધારો કર્યો છે પણ તેના તાર્કીક સ્વરૂપે ખુબજ આર્થીક સંપત્તી અને રાજકીય સત્તાનું ખુબજ થોડાક હાથોમાં કેન્દ્રીકરણ અને અસમાન વહેંચણી થઇ છે.
(4) બીજી બાજુએ, ઇન્ટરનેટ, મોબાઇલ, ફેસબુક, ને સોસીઅલમીડીઆ વિ.સાધનોની સરળ. સસ્તી ને મોટાપાયે ઉપલબ્ધીએ સમગ્ર વિશ્વને એક સંપન્ન વિકેન્દ્રીત 'ગ્લોબલ વીલેજ 'માં રૂપાંતર કરી દીધું છે.
(5) સોવીયેત રશીયાના સને ૧૯૯૧માં થયેલ વિઘટન પછી, અમેરીકન મુડીવાદી મુક્ત–ખુલ્લો વૈચારીક બ્લોક ને ચીનનો સામ્યવાદી બંધીયાર બ્લોકમાં વિશ્વ વહેંચાઇ ગયું છે. હવે આવતા ૭૫ વર્ષમાં વૈશ્વીક 'રીડીઝાઇન' આપણે કેવી કરવા માંગીએ છીએ તે નક્કી કરવાનો સમય આવી ગયો છે.કારણકે સને ૧૯૪૫ની વિશ્વ ડીઝાઇન હવે ૨૧મી સદીના પ્રશ્નોના ઉકેલ માટે અપ્રસતુત અને બિનઅસરકારક બની ગઇ છે. વિશ્વના માનવી, પ્રાણી,વનસ્પતી અને દરીયાઇ જીવો સહિત તમામ સજીવોનું અસ્તીત્વ એકબીજાની તમામ દ્ર્ષ્ટીએ સંલગ્ન બની ગયું છે. કોવીડ–૧૯ની વૈશ્વીક અસરોએ માનવ માનવ વચ્ચેનો અને વિશ્વના તમામ વ્યવહારને ઠપ કરવાની શક્તી પ્રથમવાર આપણે સૌ એ નિ;સહાય બનીને અનુભવી છે. ગ્લોબલ વોર્મીંગની અસરોને આપણા માનવીય અસ્તીત્વના ભોગે જ નજરઅંદાજ કરી શકીએ તેમ છે.
(6) બીજા વિશ્વયુધ્ધ પછી છેલ્લા ૭૫ વર્ષોથી અમલમાં આવેલા ઉદારમતવાદી વિકાસ મોડેલે મને અને તમને, સમગ્ર વિશ્વની પ્રજાને'માહિતી યુગ' (Information Age) માં લાવીને મુકી દિધી છે. વિશ્વની ૮ અબજની વસ્તી પાસે ૧૦ અબજ મોબાઇલ ફોન આવી ગયા છે. આપણા માહિતી આધારીત સંબંધો કે વ્યવહારો એકબીજા માનવ– માનવ સાથે (People To People) અરસપરસ,મશીન અને મશીન (Machine to Machine)વચ્ચે તથા માનવ અને મશીન( People to Machine) સાથેના સંદેશા વ્યવહારો બિલકુલ આંગળીના ટેરવેના સ્પર્શ પર આધારીત થઇ ગયા છે.
(7) સદર માહિતી યુગના જોડાણમાંથી( connectivity) પેદા થયેલો જથ્થો(Content) તમામ પ્રકારની સ્થાનીક માનવ જરૂરીયાતોમાં, સ્થાનીક ભાષાઓમાં સૌ પ્રથમવાર માનવજાત પાસે ઉપલબ્ધ થઇ ગયો છે.તેનો સંદર્ભ(Context) વ્યક્તીગત પસંદગી, ગમા–અણગમા, નિજી જરૂરીયાતો લક્ષી થઇ ગયો છે.
(8) માહિતીયુગે પેદા કરેલ ત્રિવીધ પરિમાણ,અનુક્રમે જોડાણ,જથ્થો અને સંદર્ભની મદદથી આધુનીક માનવ ફક્ત સ્વપ્ન સેવતો જ નહી પણ તે સ્વપ્નને સાકાર કરતો થઇ ગયો છે. તેના ઉપયોગથી માનવી પોતે સ્વયંભૂ સ્થાનીક કક્ષાએજ સશક્ત(Empower) થઇ ગયો છે. માહિતીયુગે માનવીને કેન્દ્રીત સત્તા ને નિર્ણયના માળખામાંથી લોકકેન્દ્રીત સ્થાનીક, સ્વંયભૂ નિર્ણય લેતો ને નાણાંકીય વિનીમયના વ્યવહારને બદલે નાણાંકીય ડીજટલ હસ્તાંતર સંબંધો વિકસાવતો થઇ ગયો છે. માહિતીયુગની આ વૈશ્વીક દેન છે.
રીડીઝાઇન ધી વર્લ્ડ ભાગ–૨.સેમ પિત્રોડાની કલમે.
હવે આ વિભાગમાં આપણે સને ૧૯૪૫ પછી જે મોડેલને પ્રમાણે વિશ્વનો છેલ્લા ૭૫વર્ષમાં વિકાસ થયો તેની ચર્ચા કરીશું. જેથી તેનો બોધ પાઠ લઇને હવે પછીના આગામી ૭૫ વર્ષનું માનવીય આયોજન કરી શકીએ.
(1) સેમભાઈના નિરિક્ષણ પ્રમાણે બીજા વિશ્વયુધ્ધ પછી વૈશ્વિક વિકાસનું આયોજન અમેરીકન ડીઝાઇનના પાંચ આધાર સ્તંભો પર થયું હતું. (૧) લોકશાહી(૨) માનવ અધિકારો,(૩) મુડીવાદ,(૪) ઉપભોગવાદ(Consumption) (૫) લશ્કર. સમગ્ર યુરોપના રાષ્ટ્રો તથા વિશ્વના અન્ય લોકશાહી દેશોએ પોતાનો આર્થીક વિકાસ સદર વિકાસ મોડેલને આધારે છેલ્લા સાત દાયકામાં કર્યો હતો. યુનોની તમામ સંસ્થઓનો ઉપયોગ સદર પાંચ આધાર સ્તંભોના પ્રત્યક્ષ કે પરોક્ષ હિતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.
(2) તેની સામે રશીયા અને ચીનના વિકાસ મોડેલના આધાર સ્તંભો હતા એક સરમુખત્યારશાહી, બે સમાજવાદ,ત્રણ, રાજ્ય સંચાલિત અને નિયંત્રિત માનવ અધિકારો, ચાર,નિયંત્રિત બજારવાદ,અને પાંચમું લશ્કરી માળખું.
(3) અમેરીકન ડીઝાઇનના મોડેલે લોકશાહી વિશ્વ બનાવવામાં રાષ્ટ્રોના પુન;નિર્માણમાં સિંહ ફાળો આપેલ છે.સદર મોડેલની બે અગત્યની પાંખો હતી. લોકશાહીમુલ્યો આધારીત રાજ્યવ્યવસ્થા અને તે આધારીત મુડીવાદી આર્થીક વિકાસ. તેનાથી વિશ્વ વેપાર, નવા આર્થીક બજારો અને સદર ડીઝાઇન અનુસાર વિશ્વને મઠારવામાં જરૂરી લશ્કરી સાધન સંપત્તિનો ઉપયોગ કરેલ છે.આજે વિશ્વમાં કુલ ૨૨૦ દેશોમાંથી આશરે ૧૨૩ દેશોમાં એક યા બીજા સ્વરૂપની લોકશાહી રાજ્ય વ્યવસ્થા અસ્તીત્વમાં છે.
છેલ્લા ૭૫ વર્ષોમાં ભલે નાનાં દેખાય પણ તેવા સાત પરિબળોએ વિશ્વની તાસીરને પાયામાંથી બદલી નાંખી છે.
(A) સંસ્થાનવાદનો અંત– બીજાવિશ્વયુધ્ધના અંત પછી યુરોપીયન દેશોની હકુમતમાંથી આફ્રીકા, એશિયા, મધ્યપુર્વ અને દક્ષીણ અમેરીકાના સાંસ્થાનીક દેશોમાંથી મુક્તી. ઉપનિવેશકવાદ(End of Imperialism)નો અંત. પરંતુ નુતન કે આધુનીક સંસ્થાનવાદે (Neocolonialism) તાજેતરમાં સ્વતંત્ર બનેલા પણ નાણાંકીય કે આર્થીક રીતે નબળા દેશો પર રાજકીય ગુલામ બનાવ્યા સિવાય તમામ પ્રભુત્વ મેળવી લીધું છે. નુતન સંસ્થાનવાદે ખુબજ ટુંકા સમયમાં બહુરાષ્ટ્રીય કુંપનીઓનું સંચાલન કરીને વિશ્વની વસ્તીના એક ટકા લોકો પાસે ૯૯ ટકા વિશ્વમુડીનું કેન્દ્રીકરણ કરીને માલીકીકરણ પ્રાપ્ત કરી લીધું છે.આર્થીક અસમાનતાએ રાજકીય અસમાનતાનું સર્જન કરીને વૈશ્વીક સત્તા પ્રાપ્ત કરી લીધી છે. વળી ભુતકાળના સંસ્થાનવાદી દેશોની પ્રજા, સદીઓથી વારસામાં મળેલી પોતાની સંસ્થાનવાદી માનસીકતામાંથી હજુ બહાર નીકળી શકી નથી.
(B) ચીનનો આર્થીક મહાસત્તા તરીકે ઉદય– કોમ્યુનીસ્ટ પાર્ટી ઓફ ચાઇનાએ સાબીત કરી દીધું કે ફક્ત ત્રણ દાયકાના સમયગાળામાં લોકશાહી રાજ્યપ્રથા સિવાય પણ વૈશ્વીક મેન્યુફેક્ચરીંગ પાવરહાઉસ કે 'હબ' બની શકાય છે. ચીને આ સમયગાળામાં વિશ્વના દરેક દેશના સ્થાનીક મશીન ઉત્પાદનના પુરવઠા અને માંગને વાસ્તવીક રીતે લુંટી લીધી છે. મુડીવાદી દેશોની લેટેસ્ટ અને સોફેસ્ટીકેટેડ ટેકનોલોજીનું પોતાના દેશમાં ટ્રાન્સફર કરવામાં સફળતા પ્રાપ્ત કરી લીધી છે.ચીનનો સદર આર્થીક વિકાસ કામચલાઉ નથી પણ વાસ્તવીક અને કાયમી બની ગયો છે.
(C) યુએસએસઆર(સોવીયેત રશીયા)નું રાજકીય વિસર્જન–વિઘટન. ચીન જેવા આર્થીક સુધારા અને સીધ્ધી પ્રાપ્ત કરતાં પહેલાં રશીયન પ્રમુખ મીખાઇલ ગોર્બેચોવે રાજકીય સુધારા દાખલ કરીને પોતાના સામ્રાજ્યના વિસર્જન માટેનો રસ્તો તૈયાર કરી દીધો. તેની હકુમત નીચેના આશરે ૧૭ દેશોએ સંપુર્ણ રાજકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરી લીધી.આ બધા દેશોમાં એક રાજ્યપ્રથા તરીકે સામ્યવાદનો કાયમી અંત આવી ગયો છે.
(D) ૯/૧૧ ન્યુયોર્ક– વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો દ્વંસ– ઇસ્લામીક આતંકવાદીઓએ ન્યુયોર્કના વર્લ્ડ ટ્રેડસેન્ટર અને લશ્કરી સ્થળ પેન્ટાગોન પર વીમાની હુમલા કરીને તેમને ભસ્મીભુત કરી નાંખ્યા. આશરે ૩૦૦૦ કરતાં વધુ અમેરીકન નાગરીકો કમોતે મૃત્યુ પામ્યા. અમેરીકન સંસ્કૃતી પર સદર હુમલાની અસરને કારણે પેદા થયેલો સામુહીક માનસીક આધાત દાયકાઓ સુધી ભુલાશે નહિ.
(E) નવી ટેકનોલોજીનો ઉદય– અમેરીકા એક દેશ તરીકે છેલ્લા પચાસ વર્ષ સુધી નવા ઔધ્યોગીક સંશોધનો અને વિજ્ઞાનની શોધોનો વ્યવહારમાં ઉપયોગ કરીને વૈશ્વીક ટેકનોલોજીકલ પરિવર્તનનો અગ્રેસર બની ગયું છે. છેલ્લા ૧૫૦૦૦ વર્ષોમાં માનવજાતની ભાષાની શોધ પછી પ્રથમવાર 'નવા ઝડપી જોડાણે' (New Hyper Connectivity) સમગ્ર માનવજાતને એકીસાથે જોડી દિધી છે. સદર નવી ટેકનોલીજીએ વિશ્વની તમામ પ્રજાને સુખાકારી, સમૃધ્ધી, વિવિધતા અને સરળ તકો પુરી પાડી છે. તેનો યશ વિજ્ઞાન અને વૈજ્ઞાનીકોને જાય છે. તેમના સહકાર સિવાય ઝડપી વિકાસ અશક્ય છે. તેના પાયામાં વૈજ્ઞાનીક અભિગમ છે. ધાર્મીક વિચારસરણી આધારીત અવૈજ્ઞાનીક અભિગમ લેશમાત્ર ન ચાલે!
(F) આર્થીક અસમાનતાનો પણ બેલગામ ઝડપી વિકાસ– છેલ્લા સાત દશકમાં વૈશ્વીક મુડીવાદે જે મુડી અને સંપત્તીની અસમાનતાનું સર્જન કર્યું છે તે ખુબજ ચીંતાજનક સ્તરે પહોંચી ગયું છે. આજે વીશ્વમાં ૨૭૦ કરોડ લોકોની દૈનીક આવક ફક્ત બે ડોલર છે,-૨૫૦ કરોડ લોકો પાસે જાજરૂની સગવડ નથી, કરોડો લોકો પાસે ચોખ્ખા પીવાના પાણીની સગવડ નથી.૯૦ કરોડ લોકોને દરરોજ બે ટંકનું ભોજન મલતું નથી, ભુખ્યા સુઇ રહે છે. પ્રતિવર્ષે,બાળકો અને મહીલાઓ સહિત ૧કરોડ અને ૧૦ લાખ લોકો કુપોષણથી મૃત્યુ પામે છે. જાતી, ધર્મ, જ્ઞાતી, રંગભેદ અને રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે અસહ્ય અસમાનતાઓ પેદા કરે છે. ઉપલા વર્ગની સમૃધ્ધી ઝમણ થઇને નીચલા વર્ગ સુધી પહોંચે છે તે દલીલ બિલકુલ ભ્રામક સાબીત થઇ છે. અસમાન આર્થીક આવક અને સંપત્તીનું વિષચક્ર તોડયા સિવાય બહુજન સમાજની આવક વધી શકે તેમ નથી.
(G) કોવીડ–૧૯ની વૈશ્વીક જીવન ઠબ કરવાની અસરો.– સને ૨૦૨૦ના વર્ષમાં સદર વિશ્વ વ્યાપી કોવીડ–૧૯ વાયરસની અસરમાંથી દેશ અને દુનીયાનો કોઇખુણો બાકી રહ્યો ન હતો. તમામ દેશોના આરોગ્ય તંત્રો તમામ પ્રકારની સામગ્રીના પુરવઠામાં બિલકુલ નિષ્ફળ નીવડયા હતા. વૈશ્વીક પડકાર તેણે ઉભો કર્યો હતો.
આ વિશ્વ આપણને છેલ્લા ૭૫ વર્ષ પહેલાં નક્કી કરેલ ડીઝાઇનને આધારે મલ્યું છે. તેની રીડીઝાઇન આવતા અને અંતીમ લેખમાં સેમ પિત્રોડાની કલમે...