કેટલાક મિત્રો તરફથી નીચે મુજબના પ્રશ્નો પુછવામાં આવ્યા છે. આ સોસીયલ મીડીયાના માધ્યમમાં ખુબજ ટુંકમાં જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. પ્રથમ પ્રશ્ન અને પ્રશ્ન ચારમાં લગભગ સામ્યતા છે. તેથી બે પ્રશ્નોનો એક જવાબ આપ્યો છે.
(૧) માર્કસવાદ(MARXISM) અને માનવવાદમાં શું તફાવત છે?
(૨)માનવવાદમાં હિંસાનો શું ખ્યાલ છે?
(૩) માનવવાદની રાજનીતીમાં વ્યક્તિગત સંપત્તીના અધિકારનું શું સ્થાન છે?
(૪) સમાજવાદ અને માનવવાદમાં શું તફાવત છે?
(૫) ગાંધીવાદ અને માનવવાદમાં શું તફાવત છે.
(1) માર્કસવાદ અને સમાજવાદમાં સમાજપરિવર્તનના સાધન તરીકે ઉત્પાદનના સાધનો ( Means of production) અને તેની માલીકીને પ્રાધાન્ય આપેલ છે.માનવીને નહી. માર્કસે માનવજાતના ઇતિહાસને મિલકત આધારીત વર્ગીય સંઘર્ષના ઇતિહાસનું પરિણામ ગણ્યો છે.( The history of the mankind is the history of the class struggle). કાર્લમાર્કસના વર્ગીય હિતોના સંઘર્ષવાળા અર્થઘટન અને તાર્કીક કારણને આધારે કોઇ ક્રાંતી તેમના જીવન દરમ્યાન કોઇ દેશમાં થઇ ન હતી.સમગ્ર યુરોપમાં તે સમયે સૌથી વધારે ઔધ્યોગીક રીતે વિકસિત દેશો જેવા કે ઇગ્લેંડ, જર્મની, ને ફ્રાંસ વિ.માં જેમાં કામદારો અને માલીકોના હિતો બિલકુલ એકબીજાના આર્થીક હિતો ઉત્તર દક્ષીણ હતાં તેવા દેશોમાં ક્રાંતી થઇ ન હતી. સને ૧૯૧૭માં માર્કસના તારણથી વિરૂધ્ધ ઔધ્યોગીક વિકાસના તમામ માપદંડોથી નક્કી કરવામાં આવે તો પછાત ગણાય તેવા દેશ રશીયામાં ક્રાંતી કરનાર કોમ્યુનીસ્ટ પાર્ટી ઓફ રશીયાના નેતૃત્વ દ્રારા કરવામાં આવી હતી.
(2) માનવવાદમાં કેન્દ્ર સ્થાને માનવ છે. કોઇ પક્ષ, રાજ્ય, ધર્મ, સમાજ, કે કુટુંબ જેવા અન્ય કોઇ સમુહ નથી. માનવજાતના ઇતિહાસનું અર્થઘટન તમામ પ્રકારના સામુહિક હિતો સામેના માનવ કેન્દ્રી મુક્તિ સંઘર્ષનું છે. માનવ મુક્તિ સંઘર્ષનો ઇતિહાસ ભૌતીક જ્ઞાન આધારીત છે. તેમાં માનવનો વિદ્રોહ જે કોઇ સામુહિક પરિબળો તેને ગુલામીની જંજીરોમાં કોઇપણ પ્રકારના સમુહ કે જુથના સાધન તરીકે ઉપયોગ કરવા પ્રયત્નશીલ હતા અને આજે પણ છે તેની સામે છે. તમામ સામુહીક એકમો માનવીએ પોતાના અસ્તિત્વ ટકાવી રાખવા અને પોતાની જૈવીક શક્તિઓ આધારીત સતત વિકાસ કરવા સર્જન કરેલ છે. માટે માનવી તે તમામ સામુહિક એકમોનો માલિક છે. બોસ છે. ગુલામ કે તે સામુહિક એકમોનો પ્યાદુ નથી.
(3) માનવવાદ એક એવી વિચારસરણી છે જે માનવ સશક્તિકરણને સર્વાંગી રીતે ઉજાગર કરે છે. ભારતમાં ગાંધીજી, દક્ષિણ આફ્રીકામાં નેલ્સન મંડેલા અને અમેરીકમાં જુનીયર માર્ટીન લ્યુથર કીંગ અહીંસક સાધનો દ્રારા સફળ એટલા માટે થયા હતા કે સામે પક્ષે સત્તા સમુહો લોકશાહી મુલ્યો આધારીત સંચાલિત હતા.જ્યાં આધનિક રાજ્યો લશ્કર,ધર્મ અને વ્યક્તિ કે પક્ષની સરમુખત્યારીથી સત્તા ધરાવતાં હોય ત્યાં અહીંસક અને લોકશાહી મુલ્યોના માર્ગે માનવવાદ કેન્દ્રી રાજ્યવ્યવસ્થાનું સર્જન કરવું અશક્ય છે તેની ગવાહી માનવજાતનો ઇતિહાસ પુરી પાડે છે.
(4) માનવવાદમાં અર્થતંત્રનું મોડેલ સહકારી અર્થવ્યવસ્થાવાળુ વિકેન્દ્રત છે. કેન્દ્રીકરણવાળુ નહી. રાજકીય સત્તા અને સંપત્તીના તમામ પ્રકારના કેન્દ્રીકરણની વિરૂધ્ધ માનવવાદી પ્રવૃત્તીઓ હોય છે. મિલકત કે સંપત્તિનું સર્જન અને માલીકી માનવીને વ્યક્તિગત કક્ષાએ તેના જૈવીક સંઘર્ષને સલામતી બક્ષે છે. પણ તેમાં માનવીય નિયમન વ્યક્તિગત હિતમાં આવકાર્ય અને અનિવાર્ય છે.
(5) ગાંધીવાદ અને માનવવાદમાં શું તફાવત છે? ગાંધીજીએ સમગ્ર જીવન દરમ્યાન તમામ સમસ્યાઓના ઉકેલ માટે અથવા વ્યક્તી અને સમાજ પરિવર્તન માટે હ્રદય પરિવર્તનના માધ્યમને પ્રાથમિકતા આપી હતી. માનવવાદની દ્રષ્ટીએ માનવ અને સામુહિક સમસ્યાઓના ઉકેલ જ્ઞાન આધારીત જ હોઇ શકે.