Thursday, December 4, 2025

Last articles on Origin of Religion. ભાગ–૪.


Last  articles on Origin of Religion. ભાગ–૪.

આ પહેલાંના ધર્મ ઉપરના ત્રણ લેખોનું સામાન્ય તારણ છે કે ધર્મનો ખ્યાલ, કલ્પના કે વિભાવના જ માનવસર્જી ત છે. ઉપરાંત ઇશ્વર, ગોડ કે અલ્લાહ એક માનવીની પરિકલ્પનાથી વિશેષ કાંઇ ખાસ નથી. તો પછી પ્રકૃતિ અને પરમાત્મા એક કે જુદા? તો પછી તત્વજ્ઞાનની દ્રષ્ટીએ સત્ય શું છે?

તત્વજ્ઞાનની દ્રષ્ટીએ આ કોયડાના ઉકેલ માટે બે દિશામાં ચિંતન કરવામાં આવેલું છે. એક દ્વૈત( Dualism) અને બીજુ અદ્વૈત.(Monism).

દ્વૈતવાદ– આ વિચારસરણીમાં ભૌતિકવાદ અને આધ્યાત્મીકવાદ, પ્રકૃતિ અને તેના સંચાલક પરમાત્મા, શરીર અને આત્માના ખ્યાલો વિકસાવવામાં આવ્યા છે. શરુઆતના વર્ષોમાં માનવી માટે માનવ જીજ્ઞાસાના સ્વરુપે એક કોયડો હતો. પ્રકૃતિના(કુદરતના) જુદાજુદા પરિબળો જેવાકે સુર્ય, ચંદ્ર, વરસાદ, અગ્નિ, પવન વિ.નું સંચાલન કોણ કરતું હશે! આ પરિબળોની અસર ગરમી, ઠંડી, આગ, વિ અનુભવતા હતી પણ તેનું સર્જન– સંચાલન કોણ કેવી રીતે થાય છે તે સમજવું તે તબક્કે માનવ મનના બસની વાત નહતી. આમ એક પ્રકૃતિ અને બીજો તેનો સંચાલક, જન્મદાતા,પરમાત્મા કે કર્તાહર્તા જે નામ આપવું હોય તે આપો. દ્વૈત (બે)વાદી વિચારસરણી અને તેના એકબીજા સાથે ઘનિષટ સંબંધોએ જુદાજુદા ધર્મોની રચના માટેની ફળદ્રુપ જમીન તૈયાર કરી દીધી. સદર ફળદ્રુપ જમીનમાં અંધશ્રધ્ધા, ભય અને પછી લાલચના બિયારણો વાવો અને સદીઓ સુધી તેના ફળ અને પાક લીધા જ કરો.

     પણ તત્વજ્ઞાને દ્વેતવાદને પડકાર આપ્યો કે પ્રકત્તિનો રચયિતા કે સર્જક પરમાત્મા હોય તો પરમાત્માનો સર્જક કોણ? કારણકે દ્વૈતવાદી ઇમારતનો પાયો જ પ્રકૃતિ અને પરમાત્મા જેવા બે તત્વોનો બનેલો છે. જો પરમાત્મા સ્વયંભુ હોય તો પ્રકૃતિ કેમ સ્વયંભુ નહી! આ દલીલથી પ્રકૃતિનો ખ્યાલ જ સ્વયંભુ બની જતા પરમાત્માના સર્વસત્તાધીશના ખ્યાલ જ અસમર્થ કે અપ્રસતુત બની જાય છે. ત્યારથી ક્રમશ: પ્રકૃતિની નિયમબધ્ધતાને સમજીને માનવીએ જીજીવિષા ટકાવી રાખવાના  અન્યના સહકારથી સંઘર્ષને સરળ બનાવતો ગયો.

અદ્વૈતવાદ– પ્રકૃતિ અને પરમાત્મા બંને જુદા નથી. એક જ છે જેને એકાત્મવાદ(Monism) તરીકે ઓળખવામાં આવે છે.. તેના સર્જન, સંચાલન માટે ઇશ્વર જેવી બહારની શક્તિની જરુર બિલકુલ નથી. પ્રકૃતિના નિયમો સમજો અને સમૃધ્ધ બનો! તેમછતાં  હજુ આજે પણ દુનિયાભરમાં એવા માનવ સમુહો છે કે જે પ્રકૃતિની પરમાત્મા તરીકે પુજા કરે છે. જેમાં સુર્ય, ચંદ્ર્,અગ્નિ, વરસાદ, સુમુદ્ર્, જમીન, વિ પ્રકૃતિના પરિબળોની પુજા કરે છે. એકાત્મવાદનું બીજુ નામ ભૌતિકવાદ( Materialism)છે. જે શરીર અને તેનાથી જુદા આત્માના અસ્તિત્વને નકારે છે. માનવી પોતે જ પ્રકૃતીનો એક ભાગ છે. માટે તે પ્રકૃતિના તમામ પરિબળોની માફક તેનું સંચાલન પણ પ્રકૃતિના નિયમ આધીન છે. પ્રકૃતિના અન્ય નિયમોની માફક શરીર સંચાલનના નિયમોને સમજી શકાય અને તેના પ્રશ્નો પણ ઉકેલી શકાય! માનવીય સમસ્યાઓના કારણો છે. તે સમસ્યાઓ ઇશ્વર સર્જીત નથી. માટે ઇશ્વરની લેશમાત્ર મદદ વિનાજ ચોક્ક્સ ઉકેલી શકાય! જેમ પ્રકૃતિ ભૌતીક અનેઅદ્વૈત છે, તેવી જ રીતે માનવ શરીર પણ ભૌતીક છે,અદ્વૈત છે.

આત્માનો ખ્યાલ– શરીરના સંચાલનમાં માનવ મગજ, ( હ્યુમન બ્રેઇન પાવર)નો ફાળો છે.માનવ મગજને આત્મા ન કહી શકાય! તેમાંસભાનતા, નિર્ણય લેવાની સમજશક્તિ અને જ્ઞાનબોધ જેવા નિર્ણયોમાં મદદરુપ પાંચ ઇન્દ્રીયોજન્ય સંદેશા વ્યવહારનું જ મહત્વ હોય છે. હ્યુમન બ્રેઇન ડેડ થતાં શરીર પણ ડેડ થઇ જાય છે. હ્યુમન બ્રેઇન પણ ભૌતીક શરીરનો જુદાજુદા અંગો જેવાકે હ્રદય, ફેફસાં, કિડની  જેવો જ એક ભાગ છે. તેમાં આત્મા જેવા અશરીરી તત્વનું સ્થાન હ્યુમન બ્રેઇનમાં નથી.

માનવ ધર્મ– કહેવાતા તમામ ઇશ્વરી ધર્મોએ માનવજાતને જે હિંસક નુુકશાન કર્યું છે અને હજુ ૨૧મી સદીમાં આજે પણ કરી રહ્યા છે તે અમાપ છે. ઇશ્વરી ધર્મોના સંગઠનોને પોતાનું સ્થાપિત હિત મજબુત કરવા જુદા જુદા માનવ સમુહોમાં ભાગલા પાડી, દ્વેષ, નફરત,ભેદભાવ વિ. લાગણીઓ બહેકાવીને માનવ સંસ્કૃતિને અશાંતિ, હિંસા અને યુધ્ધના વાતવરણમાં રોકેલી રાખે છે. માનવ સર્જિત મહામુલ્ય બચત–આવક–કલ્યાણકારી સંશોધનો માનવસુખાકારીને બદલે વિનાશ ફેલાવવામાં વાપરે છે.

માનવધર્મ કહે છે કે વીશ્વના તમામ માનવો એક છે . માટે તેમની સમસ્યાઓ અને હિતો પણ સમાન છેે. કોઇ માનવ માનવ વચ્ચે ધર્મ, પ્રદેશ, રાષ્ટ્ર, ભાષા, રંગ, લિંગ વિ ને આધારે કોઇ ભિન્નતા નથી. આ બધી સંકુચિતતામાંથી બહાર નીકળી માનવકેન્દ્રી સશક્તિકરણ (Empowerment)ની તાતી જરુર છે. વિશ્વના તમામ સંસાધનોનો ઉપયોગ સ્વતંત્રતા,તર્કવિવેક( રેશનાલીટી)અને ધર્મનિરપેક્ષ નૈતિકતા (સેક્યુલર મોરાલીટી)જેવા માનવ મુલ્યોની મદદથી ઇશ્વર સર્જત નહી પણ માનવ સર્જિત સુજલામ સુફલામ વિશ્વ બનાવવાનું છે.



--