Wednesday, January 27, 2021

Kisan Movement

સત્તાધારી હીંદુત્વના અફીણીઓને , કીસાનોની રોટીના સંઘર્ષે પરાસ્ત કરી દીધા.

ગઇકાલે તા.૨૬મી જાન્યુઆરીના ૭૨મા પ્રજાસત્તાક દિવસે છેલ્લા બે માસથી ચાલતા સંયુક્ત મોરચા કીસાન આંદોલનની ટ્રેક્ટર પરેડે સરકારની ચીલાચાલુ પરેડને બીલકુલ ઝાંખી પાડી દીધી હતી. દેશના સત્તાધારી માંધતાઓને પ્રજાસત્તાકનો ખરો અર્થ સમજાવી દીધો. પ્રજાસત્તાક દેશમાં આખરી સત્તા વડાપ્રધાન ,પીએમઓ ઓફીસ,ગૃહખાતા પાસે નથી પણ લોકો પાસે છે. પ્રજાસત્તાનો સંદેશો હજુ રાજ્યકર્તાઓએ વાંચવો હોય, સમજવો હોય તો દીલ્હીની ત્રણે સીમાઓ પર બે માસથી વધુ સમયથી શાંતીપુર્વક આંદોલન કરતા કીસાનો પાસે જાવ.ગઇકાલે પાટનગરના તમામ રીંગરોડ પર ઉમટી પડેલા પરીવર્તનના મશાલચી તરીકે પુરા આત્મવીશ્વાસ સાથે ટ્રેકટરોના ધસમસતા પ્રવાહ અને તેમની સાથેનો ' માનવ મહેરામણનો' અદ્ભુત નજારોનો સંદેશો વાંચો, સમજો ને અન્યને સમજાવો.

(૧) સંસદમાં મળેલી બહુમતીને આધારે નહી, પણ  પ્રજાહીતને આધારે કાયદો બનાવતા પહેલાં, સંસદની અંદર ને બહાર ચર્ચાના તમામ ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરવાનો પુરો અવકાશ આપો.

(૨) ખેતી એ બંધારણની અંદર સત્તાની વહેંચણીમાં સ્પષ્ટ રીતે રાજ્યહસ્તક હોવા છતાં તેના પર કેન્દ્ર સરકાર કાયદો કરે તે  તો ' ચોરી પર સીના ચોરી' જેવી વાત છે. સરકાર પોતે આ મુદ્દે ગેરબંધારણીય રીતે વર્તે તો પ્રજાએ શું કરવું ! કયા સાધનોનો ઉપયોગ કરીને આ સત્તા–મદ્હોશી રાજકારણીને સતર્ક કે તર્કવિવેકબુધ્ધીથી સમજાવવા?

(૩) દેશની સર્વૌચ્ચ અદાલતે ત્રણેય કાયદાઓના અમલ પર હંગામી ધોરણે મનાઇ હુકમ મુકેલ છે. કીસાનો સાથેની મીટીંગમાં કૃષી પ્રધાને સદર કાયદાઓ દોઢ થી બે વર્ષ માટે મોકુફ રાખવા સંમત થયા હતા.દેશના કોઇ કીસાન સંગઠનોએ પોતે આવા કાયદા ગઢવાની કોઇ રજુઆત ક્યારેય કરી નહતી.

(૪) દેશમાં સત્તા પક્ષ સામે  કોઇપણ પ્રકારનો વિરોધ સત્તાધારીઓને માન્ય નથી. વિરોધ પક્ષો સામે વિરોધની ભાષામાં કેટલા શબ્દો અને વાક્યો સૌજન્યશીલ, સંસદીય અને બંધારણીય નૈતીક્તાને ધ્યાનમાં રાખીને  વાપરવામાં આવ્યા હોય તે એક સંશોધનનો વિષય બની જાય છે.

(૫) સત્તાપક્ષ સામેના તમામ વિરોધી દેશદ્રોહી, પાકીસ્તાની એજંટ, નક્ષલવાદી, ટુકડે ટુકડે ગેંગના પ્રતીનીધી, વિદેશી એજંટ, ખાલીસ્તાની, આતંકવાદી, વિધર્મી, લવજેહાદવાળા વી, વી. પોતાની સામેના તમામ વિરોધને યેનકેન પ્રકારે ( " BUY, BORROW & OR STEAL") ખત્મ કરી નાખો.

(૬) મઝાની વાત એવી બની છે કે ઉપરના તમામ શસ્રો સંયુક્ત કિસાન મોરચાની કિસાન ચળવળને  વેરવિખેર કરવામાં સુંપુર્ણ નીષ્ફળ ગયા છે. બુઠઠા થઇ ગયા.એટલું જ નહી સત્તાપક્ષના નેતઓના બેફામ અને બિનજવાબદાર વચનોથી સદર ચળવળ દિવસે દિવસે વધારે ને વધારે મજુબત બનતી ગઇ છે.

(૬)  કાર્લ માર્કસનું એક સરસ અને ચીર;સ્મરણીય વાક્ય છે.  ' માનવી ધર્મને બનાવે છે. પણ ધર્મ માનવીને બનાવતો નથી. ( Man makes religion;  religion does not make man .")  તેવીજ રીતે સંસદ અને વડાપ્રધાનને પ્રજા બનાવે છે. પણ  પ્રજાને સંસદ કે વડાપ્રધાન બનાવી શકતી નથી. જે સર્જનહાર હોય છે તેને પોતાના સર્જનમાં ફેરફાર કરવાનો કે નાશ કરવાનો પણ અબાધીત અધિકાર ધરાવે છે તેની ગવાહી માનવજાતનો ઇતીહાસ પુરી પાડે છે.   

(૭) મોદીજી, સંયુક્ત કિસાન ચળવળના નેતા રાકેશ ટીક્કેતને તેની બોલીમાં સમજો. ખુબજ શાંતીથી ખુબજ ઠંડે કલેજે અને પરીપ્ક્વ નેતા તરીકે  જણાવે છે કે અમારી કીસાનીયતની વિચારસરણીને સમજો. તમારા હિંદુ–મુસ્લીમ– શીખ વચ્ચે ભાગલા પાડવાની રીતરસમોતો  આઉટડેટેડ થઇ ગઇ છે. ભારતના સદીઓ જુના હિદું રાજોની ઉપરા ઉપરી નામોશીભરી હારો અને તેને કારણે પ્રજાની સદીઓની ગુલામી તેમના યુધ્ધના શસ્રૌ પુરાપર્વથી ચાલુ હતા તે જ વાપરતા આવ્યા જ્યારે વીદેશીઓના શસ્રો આધુનીક હતા.. તમારા શસ્રો કઇરીતે તમારા પૌરાણીક વારસાથી જુદા હોય? જયશ્રી રામના નારા મંદીરઓમાં અને કથા– પારાયણોમાં સારા લાગે અને શોભે! પણ નેતાજી સુભાષની સભામાં તો સુભાષજીને જ અપમાનજનક લાગે!  માટે તમારૂ ભાવી પણ રાકેશ તીક્કેત મન નક્કી છે. જુઓ ! તે બધા તો સને ૨૦૨૪ સુધીની અહીંસક લડાઇની તૈયાર કરીને આવ્યા છે. તેની ઝાંખી દેશ અને દુનીયાને  કીસાનયતે પ્રજા સત્તાક દિને બતાવી દીધી છે.

 તે બધાની વૈચારીક પરિપક્વતાને જેટલી કાચી કે ઓછી આંકશો તેમાં નુકશાન તમારા પક્ષે જ છે. 


--

Thursday, January 21, 2021

The God Market in India

 તમે અમને રાજકીય હીંદુ ધાર્મીકતાના ફક્ત પુરસકર્તા તરીકે જ ઓળખો!

એક સમાચાર–  વારાણસી (ગંગા),દિલ્હી (યમુના) સહિત ૮ શહેરથી કેવડીયા (નર્મદા)સુધી ટ્રેન શરૂ. ઇતિહાસમાં પહેલીવાર એક સાથે અલગ અલગ જગ્યાઓથી ૮ ટ્રેનને વડાપ્રધાને લીલી ઝંડી વીડીયો કોન્ફરન્સથી આપી.( સૌ. દી. ભાસ્કર ૧૮મી જાન્યુઆરી સોમવાર)

હવે, આ સમાચાર રેલ્વે સ્ટેશનોને નીસ્બત ધરાવે છે. તેમાં જે તે શહેરની નદીઓના નામો મુકવાની શી જરૂરત હતી? અને આવું પરાક્રમી કાર્ય કરવા માટે દેશના વડાપ્રધાન જ સમય ફાળવી શકે! પરંતુ રાજકીય ધાર્મીકતાનો આંચળ દરેક પ્રવૃતીને લગાવવો તે હીંદુ બહુમતી માનસને મજબુત બનાવવા ખાસ જરૂરી છે. અરે કહો કે તે અનીવાર્ય છે. વાંચકવર્ગને જે સંદેશો પહોંચાડવાનો છે કે , જુઓ આ સ્ટેશનો જે નદીઓના કિનારે વસેલા છે, તે આધારીત જે હીંદુ સંસ્કૃતી વિકસી છે તેને અમે રાજકીયસત્તા આધારીત મળેલા સાધનોથી  સંગઠીત કરીએ છીએ.

સાથે સાથે બીજો એક જબ્બરજસ્ત પ્રવાહ  શરૂ થઇ ગયો છે. તે છે વૈશ્વીકરણ. તેના કારણે પેદા થયેલા  ક્મ્પ્યુટર, ઇન્ટરનેટ, મોબાઇલ અને કૃત્રીમ બુધ્ધીએ (Artificial Intelligence) આર્થીક વીકાસ સાથે વીશ્વના જુદા જુદા ધર્મોની પ્રજાને પણ વધુ ધાર્મીક બનાવી છે. જેમાં ફ્રાન્સના પેરીસના પરગણાની સ્કુલના શિક્ષકનું તેના જ મુસ્લીમ વીધ્યાર્થી દ્ર્રારા ખુન અને અમેરીકાના ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણમાં તા. ૬– જાન્યુઆરીના અમેરીકાની રાજધાનીમાં ખ્રીસ્તી જમણેરીઓના હુમલાને પણ ગણાવી શકીએ.રાષ્ટ્રીય સીમાઓની પાર તે બધાને ધર્મના નામ પર સંગઠીત બનાવે છે. જે પોતાના ધર્મને નામે ઉશ્કેરાટ અને હીંસા ફેલાવી શકે તેવા યોધ્ધાઓ ( વોરિયર્સ) પેદા કરી શક્યા છે. તેણે રોજબરોજની ધાર્મીક વીધીવિધાનોને બદલે પોતાના દેશની રાજકીય, આર્થીક, સામાજીક, શૈક્ષણીક, ન્યાયતંત્ર, વહીવટ તંત્રોને પણ મુળભુત રીતે બદલી નાંખ્યાં છે. રાજ્ય– ધર્મ– આર્થીક સત્તાનું શક્તીશાળી ગઠબંધન ( State-Temple- Corporate Complex)પેદા કરી દીધું છે. પરદેશમાં સ્થાયી થયેલા આધુનીક (?) હીંદુઓએ પોતાના દેવ–દેવીઓ અને તેમની ધાર્મીક સંસ્કૃતીને પણ બીજા અન્ય ધાર્મીકોની માફક  જે તે રાષ્ટ્રોની ઉદારમતવાદી–વૈશ્વીકરણ વાળી નીતીઓને કારણે તે બધાનું સ્થળાંતર અને એકત્રીકરણ કરી શક્યા છે.

શહેરી હીંદુ મધ્યમવર્ગને માટે વર્તમાન રાજકીય વ્યવસ્થાએ નવા નવા ધાર્મીકસ્થળો વીકસાવી અને જુનાઓનો જીર્ણોધ્ધાર કરીને  જાત્રાના ધામો વીકસાવવા માંડીને તે આધારીત ધાર્મીક પ્રવાસો માટેના માળખાઓ ઉભા કરવા માંડયા છે. દેશનો મોટો પર્યટનનો ધંધો વીકસાવી દીધો છે.સને ૨૦૦૪માં બે કરોડ ત્રીસલાખ લોકોએ તીરૂપતી બાલાજી ને વૈષ્ણદેવીમાં એક કરોડ સીત્તેરલાખ લોકોએ મુલાકત લીધી હતી. સને ૨૦૦૦ની સાલમાં દેશમાં આશરે ૨૫લાખ રજીસ્ટર્ડ મંદીરો હતા. જ્યારે દેશમાં કુલ સ્કુલો ૧૫લાખ અને હોસ્પીટલ ફક્ત૭૫૦૦૦ હતી.( આ બધા આંકડાઓ જુના છે. તેમાં સને ૨૦૧૪ થી ૨૦૨૦ સુધી માં ખુબજ વધારો થયો છે.)

સાથે સાથે નવા હીંદુ મધ્યમવર્ગની ધાર્મીક વીધીવીધાનોની જરૂરીયાત પુરી કરવા પ્રતીવર્ષે નીષ્ણાત ગ્રેજ્યુએટ યુવાન પુરોહીતોની ફોજ પેદા કરવા માંડી છે. તે માટે ખાસ નિષ્ણાત કોલેજો ને વીશ્વવીધ્યાલયો  જરૂરી વીષયોના પ્રોફેસરો સાથે તૈયાર કરવા માંડયા છે.હરીદ્ર્રારમાં ગાયત્રી પરીવારના સંચાલકો તરફથી ધ્યાન અને યોગનાવીષયો પર સંશોધન કરવા ડીમ યુની છે. તેની શાખાઓ નોઇડા અને મથુરામાં પણ છે. આ બધા વીશ્વશાંતી માટે યજ્ઞો કરવા –કરવવામાં નિપુણ છે.

વોઇસ ઓફ ઇંડીયા નામની પુસ્તક પ્રકાશન સંસ્થા દીલ્હીમાં આ માટે ઉભી કરવામાં આવેલી છે. રાજ્ય સંચાલીત મંદીરોના પુજારીઓને ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કરવેરા દ્રારા એકત્ર કરાયેલા નાણાંમાંથી નિયમિત માસીક પગાર ચુકવવામાં આવે છે. આ મંદીરોની પોતાની આવકમાંથી પુજારીઓના પગાર ચુકવાય તેવી સ્થિતી નથી. કેન્દ્ર સરકાર તરફથી હીમાચલ પ્રદેશની સરકારને યાત્રાધામ વિકસાવવા અને જાણીતા મંદિરના સંચાલન માટે વાર્ષીક આઠથી દસ કરોડ રૂપીયા વર્ષોથી આપવામાં આવે છે.

મીરા નંદા નામની લેખીકાએ એક પુસ્તક બહાર પાડયું છે. તેનું નામ છે " The God Market".( How Globalization is making India More Hindu.}

 આ લેખની તમામ વીગતો તે પુસ્તકમાંથી સાભાર લીધેલી છે.

(1)     બધાજ ધંધાઓમાં સારામાં સારો ધર્મનો ધંધો છે. શરૂઆતનું મુડી રોકાણ તેમાં નહીવત હોય છે. તેમાં ક્યારેય માલના પુરવઠો કે માલ સામાનની વિગતવાર યાદી રાખવાની( Inventory) બીલકુલ જરૂર હોતી નથી. ધર્મ, તેના ગ્રાહકો પાસેથી રોકડમાં, ભૌતીક વસ્તુઓ ( Tangible)જેવી કે સોનુ,ચાંદી, હીરા, મોતી વી લે છે અને સામે (intangible)  સ્વર્ગ, પુન્ય, મોક્ષ વી.મલવાના તપાસી ન શકાય તેવા આધ્યાત્મીક વચનો આપવામાં આવે છે. પાન નં ૧૦૮.

(2)      જુના અને નવા ગોડ–મેન ( સત્ય શાંઇ બાબા પણ શીરડીવાળા નહી), બાબા રામદેવ, આશારામ, બાબા રામરહીમ, શ્રી શ્રી રવીશંકર, મોરારીબાપુ,( ૧૦ કરોડ રૂપીયા અયોધ્યાના રામમંદીર માટે એકત્ર કરી શક્યા),રમેશ ભાઇ ઓઝા,અને બીજા ગ્ણયા ગણાય નહી તેટલા થઇ ગયા છે. તે બધાનો આધ્યાત્મીક સુપરમાર્કેટનો ધંધો કુદકે અને ભુસકે વધતો ધંધો છે. તે બધાજ રામચરીત માનસ, ભગ્વદ ગીતા અને વેદાન્ત ઉપર વ્યાખ્યાનો, વી  ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેંટના શિક્ષણને બાજુ પર મુકી દે તેવી મેનેજમેંટ સાથે કરી રહ્યા છે. પાનું ૧૦૭.

 

 

(3)     આપણા દેશની ૯૦ ટકા પ્રજા હીંદુ ધાર્મીક છે. અમે તે ધાર્મીકતાને હીંદુ વોટ બેંકમાં સરળતાથી રૂપાંતર કરી નાંખીશું. પ્રવીણ તોગડીયા. પાનું ૧૦૮.

(4)      તીરૂપતી બાલાજીનો વહીવટ સુપ્રીમ કોર્ટના હુકમથી સને ૧૯૯૬માં તીરૂમાલા તીરૂપતી દેવસ્થાન નામનું ટ્રસ્ટ બનાવી સોંપ્યો તે પહેલાં તેના ૧૨ સંચાલકોની લાડુ વેચવાની આવક ફક્ત વાર્ષીક સાડા ચાર કરોડ હતી. દાનમાં મલતી આવક કેટલી હતી તેની માહિતી ન હતી. પાનુ. ૧૧૨.

(5)     દેશમાં  દરેક પ્રકારના ગુરૂકુલ, રૂશીકુલ,કર્મકાંડી અને વેદાંતી પાઠશાલાઓનો રાફાડો ફાટયો છે. તેમાંથી ડીગ્રીધારી પુરોહીતો બહાર પડે છે..... વૈદીક વીજ્ઞાનને અનુકુલ આધુનીક વીજ્ઞાનનો ઉપયોગ તેમાં કરવામાં આવે છે. પણ  આધુનીક વીજ્ઞાનના પાયા તરીકે કોઇપણ થીયરીનું તાર્કીક મુલ્યાંકન ( Critical Thinking) કરાવવામાં આવતું નથી.... આ બધા ધંધાકીય રીતે શીક્ષીત થયેલા ભારતીય સંસ્કૃતીના સંરક્ષકો છે.... તે બધા આધુનીક પુરોહીતો છે જે અંગ્રેજી ( પરદેશમાં જવાની તક મલે માટે) બોલી શકે છે, વૈજ્ઞાનીક સુત્રો જેવાકે સર આઇઝેક ન્યુટન ના ગતીના નિયમોના તથા આઇનસ્ટાઇનના રીલેટીવીટીના સુત્રો અને કહેવતો પણ પોતાની વીધી કરતાં–

 કરવાતાં બોલી શકે છે....પાનું..૧૨૧.

(6)      બીજેપી સરકારની મદદથી અને દેશની સુપ્રીમ કોર્ટના આશીર્વાદથી યુનીવર્સીટી ગ્રાંટ કમીશને ફલજ્યોતીષ, વાસ્તુશાસ્ર, હસ્તજ્યોતીષ,વી ને કોલેજ શિક્ષણના અભ્યાસક્રમમાં સામેલ કરી દીધા છે. રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન ( જેની સ્થાપના ૧૯૭૦માં થયેલી અને તેની આઠ શાખાઓ છે)અને મહર્ષી સાંદપની વેદ વીધ્યા પ્રતીષ્ઠાન ને આ બધા વિષયો શીખવાડનાર પ્રાધ્યાપકોને ગ્રાંન્ટેબલ પગાર મલે છે. ..૧૨૪.

(7)     સને  ૨૦૦૬માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે પોરબંદર મુકામે એરોડ્રામની નજીક, ૮૫ એકર જમીન નજીવા ભાવે (  Very Generously granted 85 Acres land) કથાકાર રમેશભાઇ ઓઝા જે અંબાણી કુટુંબના અંગત ગુરૂ છે.તેઓને આ જમીન  સાંદીપની વીધ્યાનીકેતન દ્ર્રારા પુરોહીતો બનાવવા આપી હતી. ...૧૨૬.

(8)      ટેલી– યોગ ગુરૂ બાબા રામદેવ જે હવે અબજો રૂપીયાની આર્યુવૈદીક અને યોગને લગતી દવાઓ વેચે છે તેને મધ્યપ્રેદશ અને ઉત્તરાંચલની સરકારોએ બે વિશ્વવીધ્યાલયો બનાવવા મબલખ જમીનો દાનમાં આપી દીધી છે. ઝારખંડની સરકારે હમણાંજ રામદેવને ૧૦૦ એકર જમીન દાનમાં આપી દીધી છે.....૧૨૬.

(9)     વિશ્વહીંદુ પરીષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દેશ વ્યાપી ટુંકાગાળાના હિંદુ ધાર્મીક કર્મકાંડ શીખવાડવાના પુરોહીતો કે ગોર મહારાજો બનાવવાના અભ્યાસક્રમો કર્યા જ કરે છે. ( Short term priest training camps) તેમાં ગુરૂકુલો અને મઠાધિપતીઓનો પુરો સહકાર હોય છે. પરિણામ સ્વરૂપે તેમાંથી ઘરગથ્થુ અને સ્થાનીક જરૂરરીયાતો ઉપયોગી ગોરમહારાજો,  જ્યોતીષશાસ્રીઓ,યોગ શીક્ષકો,વાસ્તુશાસ્રીઓ,અને પાનના ગલ્લેથી માંડીને હાલતા ચાલતા દરેક પ્રકારની આર્યુવૈદીક દવા વેચનારાઓ,ની ફોજ તૈયાર કરવામાં આવે છે. ....૧૨૭.

(10)આ બધા ગુરૂકુલો અને આશ્રમશાળાઓનું મુખ્ય ધ્યેય દેશમાં મવાળ હીંદુત્વવાદી (સોફ્ટ હીંદુત્વ) જીવનપધ્ધતી અને વીચારસરણીનાં ધરૂવાડીયા બનાવવાનું જ હોય છે. ચીનમાયાનંદ મીશન અને આર્ટ ઓફ લીવીંગ ' નવી બોટલમાં જુનો દારૂ પિરસવામાં આ બધામાં સર્વશ્રૈષ્ઠ સાબીત થયા છે.....૧૩૦.

મીરા નંદાનું આ પુસ્તક " ધી ગોડ માર્કેટ" ૨૪૦ પાનાનું પુસ્તક છે. જે ઉપર જણાવેલા ઇશ્વરી બજારોના  જુદા જુદા ગ્રાહકોને ઉપયોગી ચુંબકીય માલોની માહિતીથી ભરચક છે. તેના પ્રકાશકનું નામ " Random House Publishers India PVT Ltd."   અત્રે રજુ કરેલી માહીતી અમે અંગ્રજીનો ભાવાનુવાદ કરીને અત્રે રજુ કરી છે. માટે અમે તેમના આભારી છે.અમારો હેતુ આ રજુ કરવામાં શૈક્ષણીક અને બૌધ્ધીક છે.

 



--

Friday, January 8, 2021

કોવીડ–૧૯ ના વાયરસથી સંરક્ષણ મેળવવા કઇ વેક્સીન સારી ? કેમ?

કોવીડ– ૧૯ ના વાયરસથી સંરક્ષણ મેળવવા કઇ વેક્સીન સારી ? કેમ?

કોવીડ–૧૯ વાયરસના સંક્રમણથી બચવા હવે આપણી પાસે એક દેશ તરીકે જુદી જુદી ત્રણ કુંપનીની વેક્સીન  મલશે. બીજા શબ્દોમાં કહીએ તો આપણા દેશમાં ત્રણ કુંપનોઓ આ વાયરસ સામે પ્રતીકાર રસી તૈયાર કરી રહી છે.(૧) સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇંડીયા–પુના  મહારાષ્ટ્ર ( સી આઇ આઇ) (૨)  ભારત બાયોટેક –હૈદ્રાબાદ , તેલંગાણા (૩) ઝાયડસ –કેડીલા અમદાવાદ, ગુજરાત.  ત્રણેય કુંપનીઓના વેક્સીનના બજારમાં મુકવાના નામો અનુક્રમે આ પ્રમાણે છે.. સીરમ પુના– કોવી શીલ્ડ, બાયોમેડીટેક–  કોવાક્ષીન– અને ઝાયડસ–કેડીલા  ઝાયકો–વી.

કોવીડ–૧૯ ના વાયરસ સામે વેક્સીન બનાવવા આ ત્રણે ય કુંપનીઓએ પોતાના વૈજ્ઞાનીક સંશોધનના માર્ગો તદ્દન જુદા અને એક બીજાથી સંપુર્ણ સ્વતંત્ર બનાવ્યા છે. તેવીજ રીતે વીશ્વભરમાં આજે આ ખતરાનાક વાયરસ સામે વેક્સીન બનાવનાર ઉત્પાદકો આશરે ૧૦૦ની આસાપાસ છે. તેમાં કામ કરતા દરેક વૈજ્ઞાનીકો પોતાની રીતે તેની વેક્સીન બનાવવા રાતદિવસ કામ કરી રહ્યા છે. વૈજ્ઞાનીક સત્યની મઝા એ છે કે જેમાં ધર્મની માફક કોઇ આખરી, કાયમી  અને અપરીવર્તનશીલ સત્ય હોતું નથી. નવી માહિતી, નવો અનુભવ, નવી ટેકનોલોજી, સંશોધન અને તે બધાનું માનવીય વીવેકશક્તીથી સંકલન કરીને, વૈજ્ઞાનીક પધ્ધતીથી  સત્ય શોધવાની ક્ષીતીજો હંમેશાં વધારતા જાય છે. ચીન, રશીયા, ભારત, જર્મની, અમેરીકા જેવા દેશો તેમાં ઘણા આગળ છે.

(૧) સીરમ ની વેક્સીન અંગે– આ રસીનું નામ છે ' કોવીશીલ્ડ'.  આ રસીને બ્રીટનમાં  ઓક્ષફર્ડ યુની  Prof. Andril Hill તથા  Jenner Institute of Vaccine research ના સંયુક્ત પ્રયત્નોથી શોધી કાઢવામાં આવ્યું છે. આ રસીની વિશીષ્ટતા છે કે  તે ચીપ્માનઝી ના ડીએનએ અને  કોવીડ–૧૯ ના વાયરસ ને બદલે તેની ઉપલી સપાટીના પ્રોટીનનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. બ્રીટનની 'Astro Zenaca ' નામની ફાર્મા કુંપનીના સંયુક્ત સહકારથી સીરમ કુંપનીએ વેપારી ધોરણે રસી બનાવવાનું સાહસ કર્યું છે.

સીરમ કુંપનીને અમેરીકાના બીલગેટસ મેલિન્ડા ફાઉન્ડેશને ૧૫૦ મીલીયન અમેરીકન ડોલરર્સનું દાન આપ્યું છે. આ દાનનો હેતુ, સીરમે ભારત અને બીજા વીશ્વના ગરીબ ૭૮ દેશોમાં ફક્ત ત્રણ ડોલરના ભાવથી આ વેકસીન વેચવી. ભારત સરકાર ને સીરમે ફક્ત ૨૦૦/ રૂપીયે વેક્સીનનો એક ડોઝ આપવાનો કરાર કર્યો છે.

તા,૭મી જાન્યુઆરી એટલે ગઇકાલથી સીરમે આવતા ચાર દીવસોમાં દેશના ચાર મુખ્ય એરોડ્રામ  મુંબઇ, કોલકત્તા, ચૈન્નઇ ને  ઉત્તરમાં કરનાલ  શહેરમાં કુલ બે કરોડ વેકસીનના ડોઝ મોકલવાનું શરૂ કરી દીધું છે. આ ચાર એરોડ્રામ દ્રારા પોતાની નજીકના ૩૭ વીમાની મથકો પર આ વેક્સીન મોકલી આપવામાં આવશે. સીરમ પાસે બીજા ત્રણ કરોડ વેકસીનના ડોઝ તૈયાર છે. આ વેક્સીન આપણા ઘરના ફ્રીજના હવામાન આશરે બે થી આઠ સેન્ટ્રીગ્રેડ પર સહેલાઇથી પોતાની તમામ ક્ષમતા ટકાવી રાખી શકે છે.જ્યારે અમેરીકાની ફાયઝર કુંપનીએ જે રસી બનાવી છે તેને માયનસ ૭૦ ડીગ્રીએ  રાખવી અનીવાર્ય છે.

(૨) ભારત બાયોટેક–  કોવીક્ષીન– આ કુંપનીને પણ ભારત સરકારે ઇમરજીન્સીમાં વેચવાની પરવાનગી આપી છે. તેણે  પોતાની વેક્સીન કોરાના વાયરસના  ડેડ સેલમાંથી  બનાવી છે. તે પધ્ધતીથી એનટી બોડીઝ અથવા રોગપ્રતીકાર પરીબળો  પેદા કરે છે. પત્રકાર શેખર ગુપ્તાના અભીપ્રાય પ્રમાણે આ રસીના ઉત્પાદનની પ્ર્ક્રીયા સરળ, ટકાઉ અને  સમજી શકાય તેવી છે.

(૩) ઝાયડસ–કેડીલા– ઝાયકો– વી. સદર કુંપનીએ કોવીડ–૧૯ના વાયરસના ડીએન એ નો ઉપયોગ  એન્ટીબોડીઝ ઉત્તપન્ન કરવા કરેલ છે.  માનવ શરીરમાં એન્ટીબોડીઝ પેદા કરવા માટે પેલા વાયરસના ડીએનએ  આ રસી આર એન એ માં રૂપાંતર કરીને  કોવીડ–૧૯ના વાયરસનો નાશ કરે છે.

 હવે આપણે નાગરીક તરીકે આ રસી અંગે જાણવા જેવી કેટલીક માહીતીઓ ટુંકમાં રજુ કરુ છું.

આ રસીના બે ડોઝ લેવા અનીવાર્ય છે. બે ડોઝ વચ્ચેનો ગાળો આશરે અઢીમાસથી ત્રણ માસનો હોય તો સારુ. કારણકે પ્રથમ ડોઝ લીધા પછી આપણા શરીરમાં કોવીડ–૧૯ સામે ધીમે ધીમે રોગપ્રતીકાર શક્તી અથવા એન્ટી બોડીઝ પેદા થવાનું શરૂ થાય છે. હવે આ એન્ટીબોડીઝ એક વાર બનાવવાનું શરૂ કર્યા પછી તે પ્રકીયામાં ખલેલ પહોંચાડવાની જરૂર નથી. પ્રથમ ડોઝ લીધા પછી કોરાના વાયરસ સામે આશરે ૬૦ ટકા સંરક્ષણ મલે છે. જ્યારે અઢીકે ત્રણ માસ પછી બુસ્ટઅપ ડોઝ લેવાથી આશરે ૯૦ ટકા ઉપરાંત નું સંરક્ષણ મલે છે. બીજુ પ્રથમ ડોઝ લીધા પછી અને બીજો ડોઝ ન લીધો હોય ત્યાં સુધી માસ્ક પહેરવો અને સોસીઅલ ડીસ્ટન્સીસ પણ ચાલુ રાખવું જોઇએ.

આપણા દેશના કેરાલા રાજ્યના વેલોર શહેરના શ્રીમતી ડૉ  ગંગદીપ  કેંગ જે આ વીષયમાં ( વેક્સીન વૈજ્ઞાનીક) આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવે છે તેમના મત પ્રમાણે  વેક્સીન લીધા પછી આડ અસર કે સાઇડ ઇફેક્ટ બહુ ગંભીર હોતી નથી. સામાન્ય હોય છે. તેને કારણે માનસીક ભય કે બીક રાખીને રસી ન લેવા જેટલું જોખમ ઉઠાવવાની બીલકુલ જરૂર નથી.  ડૉ. કેંગ વધુ માં જણાવે છે કે  રસીની અસર કોરોનાને કાબુ માં રાખવા પ્રથમ ડોઝમાં ૬૦ ટકા હોય તે ખુબજ આવકાર્ય છે. તે ચીંતાનો વીષય ન હોવો જોઇએ. વેક્સીન વૈજ્ઞાનીક તરીકે મારો અભ્યાસ એમ કહે છે કે વેક્સીનના ક્ષેત્રે મેલેરીયાની રસીની અસકારતા  ૩૦ ટકા, પોલીયોની રસીની અસરકારતા ૬૦ ટકાથી ઓછી હોવા છતાં આપણા દેશમાંથી પોલીયોને સંપુર્ણ નાબુદ કરી શક્યા છે.

બીજુ, કેટલાક ની દલીલ એવી છે કે તમે બે જ ટ્રાયલ પછી રસી આપવાની કેમ જાહેરાત કરી? ભલે થોડો સમય વધુ લંબાતો!  ડૉ. કેગનું એ નીરીક્ષણ છે કે  એમ એમ આરની રસીને ચાર વર્ષ,  ઇબોલાની રસીને પાંચ વર્ષ, ચીકન ગુનીયાની રસીને ૨૮ વર્ષના સંશોધન તેમજ ટ્રાયલ પછી ઉપયોગ શરૂ કર્યો હતો. પણ આ બધી રસી સને ૧૯૬૭ ની આસપાસ શરૂ થઇ હતી. હાલ અમારુ વીજ્ઞાન અને સંશોધન ઘણી બધી રીતે  આગળ નીકળી ગયા  છે. તેથી આજનો છ માસ કે ૧૦ માસનો સમય પણ હવે પછી વધારે લાગશે.

સદર લેખ તૈયાર કરવામાં મને મીત્રોએ યુ ટયુબ અને ન્યુઝ પેપર દ્રારા માહીતીઓ પુરી પાડી છે. તે બધાનો હું  આભાર માનું છું. 

 

 

 

 

 

 

 

 

 


--

Sunday, January 3, 2021

મનુસ્મૃતી આધારીત બ્રાહ્મણવાદી વર્ણવ્યવસ્થાના પરીણામો–




મનુસ્મૃતી આધારીત  બ્રાહ્મણવાદી વર્ણવ્યવસ્થાના પરીણામો

 

આ અગાઉના લેખમાં આપણે જોયું કે કઇ રીતે મનુસ્મૃતીના કાયદાઓએ ચાર વર્ણો આધારીત  હીંદુ સમાજ વ્યવસ્થા બનાવી હતી. આ વર્ણવ્યવસ્થાને ટકાવી રાખવામાં ભગવદ ગીતા દ્રારા રચવામાં આવેલી વીચારસરણીનો  ફાળો નાનો સુનો ન હતો.

 કેવી રીતે?

(૧) શ્રી કૃષ્ણે ગીતામાં અર્જુનને પોતાનું મોઢું ખોલીને  વીરાટ સ્વરૂપ બતાવીને કહ્યું કે હૈ, અર્જુન! તું તો નીમીત માત્ર છું.  તારા અને તારા જેવા પૃથ્વી પરના તમામ મનુષ્યોના કાર્યો મેં નક્કી કરેલા છે. તે બધા પુર્વ નીર્ણીત છે. માનવીય પ્રયત્નોથી  માનવ વ્યવસ્થા બદલાવી શકાય નહી. માટે  જે વર્ણ કે જ્ઞાતી ને જાતી (સ્રી કે પુરૂષ) માં તમારો જન્મ થયો હોય તે વર્ણમાં નક્કી કરેલા કાર્યો  કરવા પડે કે ફરજ બજાવવી પડે . તેની વીરૂધ્ધ બળવો કે વીદ્રોહ ન થાય.

 (૨) ' કર્મેણે વાધીકારસ્તે મા ફલેષુ કદાચન. વર્ણ પ્રમાણે કામ કરવામાં ફળ કે વેતન (Reward)ની આશા ન રાખવી. 'નીષ્કામ કર્મ' કરવું. સાથે સાથે  તે કામ ' સ્થીતપ્રજ્ઞ'ની શારીરીક સ્થીતીમાં કરવું. એટલે કે  વર્ણ આધારીત કામ કરતાં શારીરીક દુ;ખ પડે, ત્રાસ પડે, ઇજા થાય , તો પણ માનસીક  રીતે તે દુ;ખને નજરઅંદાજ કરવાનું છે. કારણકે  હીંદુધર્મમાં દરેક હીંદુનો જન્મ તેના પુર્વજન્મમાં કરેલા કર્મોનું પરીણામ છે.

(૩)  મનુસ્મૃતી આધારીત વર્ણવ્યવસ્થાને  જબ્બરજસ્ત નૈતીક અને ધાર્મીક આધાર મલી ગયો. ભગવદ ગીતાએ પુર્વજન્મ, વર્તમાન જન્મ, પુનર્જન્મ અને માનવ શરીરમાં આત્માના અસ્તીત્વનો ખ્યાલ મુકીને  વર્તુળ આકારની સમયનીથીયેરી (  Circular time theory) મુકી દીધી.

 સમય જતાં ચાર વર્ણ આધારીત સમાજ કેવો બન્યો તે જોઇએ. આ સમાજ બીલકુલ પરોપજીવી સમાજ બની ગયો. ખાસ કરીને રાજા તથા બ્રાહ્મણ વર્ણનો, અન્યવર્ણોની મહેનત,ઉત્પાદન અને બચત કેવા કેવા જુદા નુસકા કાઢીને  ભેગી કરી લેવી  તે જ મુખ્ય ધંધો બની ગયો. અન્યવર્ણોની પ્રજાને આ વ્યવસ્થામાં પોતાનું કોઇ આશાસ્પદ ભાવી ન દેખાતાં તે બધા નસીબવાદી બની ગયા. બૌધ્ધ ધર્મના આગમન પહેલાં હીંદુ સમાજ ચાર સામાજીક  બદીઓ કે દુષણોનો ભોગ બની ગયો હતો.. ઇતીહાસમાં આ પ્રજાને આર્યપ્રજા તરીકે ઓળખવામાં આવે છે. 

ચાર બદીઓજુગાર, મદીરા સેવનનીરકુંશ જાતીય વ્યવહારો, અને બ્રાહ્મણોના અનૈતીક માર્ગા તથા સાધનો દ્રારા અન્યવર્ગોનું શોષણ.

 

(અ) જુગાર

  આર્યોની અંદર જુગારની બદી  વ્યાપક પ્રમાણમાં ફેલાઇ ગઇ હતી. કારણકે જે કોઇ આવક  ખાસ કરીને રાજા તેમજ બ્રાહ્મણ વર્ગોમાં આવતી હતી તે અન્યવર્ણોની મહેનતનું પરીણામ હતું. તે વગર મહેનતની ને બીજાના શ્રમનું પરીણામ હોવાથી તેનો ઉપયોગ  આ રીતે કરવાનો ધંધો બની ગયો હતો.

 દરેક રાજા પાસે  જુગાર રમનાર ( an expert gambler)  નીષ્ણાત પગારથી રાખવામાં આવતો હતો. વીરાટ નામના રાજાએ કનક નામના જુગારમાં  નીષ્ણાતને પગારથી રોક્યો હતો. કૌરવોને પાંડવો સામે જુગારમાં હરાવનાર દુર્યોધનનો મામો શકુની હતો. તે જુગાર નીષ્ણાત હતો. આ રાજાઓ મોટા મોટા દાવ જુગારમાં ખેલતા હતા. નાલા કરીને એક રાજાએ જુગારમાં પોતાનું સંપુર્ણ રાજપાટ (પત્ની સીવાય) ગુમાવી દીધું હતું . મહાભારતમાં પાંડવોના જ્યેષ્ઠ પુત્ર યુધીષ્ઠીરે  રાજપાટ ,પોતાના ભાઇઓ અને પત્ની દ્રોપદીને પણ જુગારના દાવમાં મુકી દીધી હતી. જે જગ જાહેર છે. શું આ પાંડવોના પુર્વજન્મના કર્મોનું પરીણામ હતું કે પછી વગર મહેનતે ભેગી કરેલી સંપત્તીનું પરીણામ હતું? જુગાર રમવો એ તો આર્યોનો એક સદ્ગુણ ગણાતો હતો. કૌટીલ્યના સમયમાં જુગાર  એક રાજાની સંમતીથી ચાલતો ધંધો હતૌ. અને રાજાને તે ધંધા ઉપર નાખેલા કરવેરામાંથી મોટા પ્રમાણમાં આવક મલતી હતી.

(બ) મદીરા સેવન

આર્યોમાં દારૂનું સેવન અનીયંત્રીત અને નીરકુંશ હતું. તે સમાજમાં બે પ્રકારના દારુ બનાવવામાં આવતા હતા. એક સોમ રસ જે ફળફળાદીમાંથી બનતો અને  સુરા જે ગોળમાંથી બનતો હતો. ચલો! મનુ સ્મુતી આધારીત સમાજવ્યવસ્થામાં  સોમ અને સુરા બનાવવાની કલા તો કમસે કમ વીકસી હતી! શરૂઆતની અંદર સોમરસ પીવાનો કે માણવાનો અધિકાર બ્રાહ્મણ સીવાય કોઇ અન્ય વર્ગને  ન હતો. પછી આ આધ્યાત્મીક પીણું (!) માણવાની છુટ રાજા, ક્ષત્રીયો તથા વૈશ્યોને પણ મલી હતી. શુદ્રો સુધી તેની સુંગધ પણ ન જાય તેવી વ્યવસ્થા આ સમાજમાં હતી. બીજુ સોમરસ બનાવવાની કળા કે તેના વીષય નીષ્ણાત ફક્ત બ્રાહ્મણ વર્ણ હતો. (. Its manufacture was a secret known only to the Brahmins.) જ્યારે સુરા તમામ વર્ણો માટે સહેલાઇથી ઉપલ્બધ હતી. ઘણા એવો પ્રસંગો નોંધવામાં આવેલા છે  જેમાં દારૂ ,દારૂ પીનારને જ પી જતો હતો. આ સદ્ગુણ (?) માં ઉચ્ચવર્ણ પ્રથમ નંબરે હતો.

 આર્ય સમાજમાં સ્રીઓ પણ સોમ– સુરાની બંધાણીઓ હતી.( The most shameful part of it was that even the Aryan women were addicted to drink.) સાથે નાચ ગાન પણ ચાલતુ હતું.

(ક) બહુપત્નીત્વ,બહુપતીત્વ અને ભાઇબહેન, પીતાપુત્રી સાથે બેરોકટોક જાતીય વ્યવહારો.

જાતીય અનૈતીક્તાના તે સમયના આર્ય સમાજના વ્યવહારો તેમના વર્તમાન વારસદારોને ભયંકર આઘાત આપે તેવા હતા. જેના અંગે જેટલું ઓછું લખુ તે જ યોગ્ય કહેવાશે. (The sexual immorality of the Aryan Society must shock their present day descendants. The Aryans of pre-Buddhist days had no such rule of prohibited degrees as we have today to govern their sexual or matrimonial relationship.) કુંવારી માતા બનવું તે કોઇ સામાજીક રીતે અનૈતીક હીનપતભર્યુ કામ ગણાતું નહતું. કુંતી પુત્ર કર્ણ તેનો મોટો દાખલો છે. રામાયણનું મુખ્ય સ્રી પાત્ર સીતાજીના માતા કોણ છે તેનો ઉલ્લ્ખ નથી. પણ જમીન ખેડતા ચાસમાંથી મળ્યાની દંત કથા છે. (Ayoni means conceived out of the house i.e. in the open. That there was nothing deemed to be wrong in this is clear from the fact that both Sita and Draupadi were Ayonija.)

 

(ડ) ગૌરવહીન પુરોહીતપણુમનુ સ્મૃતી આધારીત બ્રાહ્મણ વર્ણના વર્ચસ્વનો દુરોપયોગ.

 પુરોહીતપણુ–

 સામાન્યરીતે બ્રાહ્મણ વર્ણનું સમાજના મીત્ર, માર્ગદર્શક ને બૌધ્ધીક વીચારક તરીકે  સમાજમાં સ્થાન હતું. શું બ્રાહ્મણ વર્ગે સમાજની તે અપેક્ષા પ્રમાણે પોતાનો ઐતીહાસીક ફાળો આપ્યો હતો ખરો કમનસીબે બધા જ પુરાવા આ અંગે તેમની વીરૂધ્ધ જાય છે. ખરેખર નૈતીક અધપતનની કોઇ સીમા હોય તો તેનાથી પણ આ વર્ગ ઘણો નીચે ઉતરી ગયો હતો.

 જે કાર્યો અન્ય વર્ણો માટે પ્રતીબંધ હતા તે બધા જ કાર્યોમાં તે વર્ણે ભાગ લેવાનો શરૂ કર્યો. આ  ઉપરાંત બ્રાહ્મણ વર્ણે પોતાની આજીવકા માટે લોકોના અજ્ઞાન, ભીરૂતા, અસલામતી વી. મજબુરીઓનો ઉપયોગ  મોટા પાયે કરવા માંડયો. જ્યોતીષ, હસ્તરેખા, શુભઅશુભ દિવસો અને ચોઘડીયા શોધી કાઢવા, અવકાશી પદાર્થોની કુદરતી ગતીઓનો ઉપયોગસુર્ય,ચંદ્ર ગ્રહણો, નક્ષત્રો, ભુત પ્રેત, મુર્હુત, વરસાદ વધારે કે ઓછો, ધરતીકંપ, વાદળોનો ગડગડાટ, આ બધામાં પોતે સર્વગુણ સંપન્ન હોય તે રીતે સમાજના દરેક વર્ગનું સંચાલનું કરતો હતો. તે વર્ણની આજીવકાનો આધાર મોટેભાગે  દાનદક્ષીણા બની ગયો.પોતાના હિતો માટે જરૂર પડે તેને અનુકુળ પ્રસંગો પણ પેદા કરી શકતો. કુદરતી પ્રસંગો કે બનાવોનું પોતાના નીજી હીતોમાં ઉપયોગ કરવા, અથવા અર્થઘટન કરવામાં આ વર્ગે કાબેલીયાત પ્રાપ્ત કરી લીધી હતી.

આપણા દેશને ભૌતીકવાદી નહી પણ આધ્યાત્મીકવાદી હોવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ તે સમાજ બીલકુલ સાચા અર્થમાં આધ્યાત્મીકવાદી તો ઠીક પણ પુરેપુરો ભોગવાદી  બની ગયો હતો. તેને કારણે  સાતમી સદી પછી શરૂ થયેલા પરદેશી આક્રમણનો ભોગ જ બનતો આવ્યો હતો. દેશના પછાતપણા માટે ખરેખર અગ્રવર્ગની ભોગવાદી જીવન પધ્ધતી જવાબદાર હતી.

ભૌતીકવાદનો ખરો અર્થ એટલો છે કે  કુદરતી પરીબળો જે બધા ભૌતીક પદાર્થો છે તેના સંચાલનના નીયમો સમજી અને માનવીના તમામ જૈવીક અસ્તીત્વના પ્રશ્નો ઉકેલવા. માનવીનો જન્મ કોઇ બ્રહ્મા જેવા કોઇ કપોળ કલ્પનીક  દેવની ઇચ્છાનું પરીણામ નથી. માટે  જે વર્ણવ્યવસ્થા આધારીત સમાજ, ધાર્મીકતા અને નૈતીક  વ્યવહારો પેદા કરવામાં આવ્યા છે તેમાંથી મુક્તીમાં જ દેશના નાગરીકોનું વ્યક્તિગત અને સામુહીક કલ્યાણ રહેલું છે.

૨૧મી સદીના શરૂ થયેલા ત્રીજા દસકાના પ્રથમ વર્ષનો આ પડકાર છે. હીંદુરાષ્ટ્રના ટેકેદારો અને તેમના ઉન્માદ ભર્યા કૃત્યોથી સાવધાન રહેવામાં દેશની પ્રજાનું હીત છે  તે કોણ કોને સમજાવશે!

 

(સૌ. Revolution and Counter-Revolution in Ancient India by B. Ambedkar. Total Pages 227.

 

 





--

Friday, January 1, 2021

મનુસ્મૃતીઅને ભારતીય બંધારણ આમને સામને કેમ?


મનુસ્મૃતી અને ભારતીય બંધારણ આમને સામને કેમ?

સને ૨૦૧૯માં નરેન્દ્ર મોદી બીજીવાર વડાપ્રધાન બન્યા પછી દેશના હીદુત્વવાદી પરીબળો તરફથી સતત એવી માંગ થતી રહી છે કે હવે દેશના બંધારણને બદલે હીંદુરાજ્યને અનુકુળ 'મનુસમૃતી' આધારીત રાજ્યનું સંચાલન થવું જોઇએ. મનુસ્મૃતી ખરેખર શું છે, તે સમજાવવાનો અત્રે પ્રયત્ન કરવામાં આવેલ છે.

  મનુસ્મૃતીની રચના આશરે ૨૫૦૦ વર્ષની આસપાસ થયેલી હતી. તેવો અંદાજ ગુગલસર્ચમાંથી મલ્યો છે. સ્મૃતીનો અર્થ થાય છે સાંભળીને, યાદ રાખીને એક પેઢી એ પોતાની પાછળ આવનારી બીજી પેઢીને તે માહિતી પસાર કરવી. મનુસ્મૃતીમાં  વર્ણવ્યવસ્થા આધારીત હિંદુ સમાજના જુદા જુદા વર્ણોના લોકોએ તથા સ્રીઓ  એકબીજા સાથેના તમામ કૌટુંબીક, સામાજીક, આર્થીક,રાજકીય, ધાર્મીક વી વ્યવહારો કેવી રીતે કરવા તેની માટેના નિયમો અથવા કાયદાઓ ઘડવામાં આવ્યા છે. તેના ઉલ્લઘંન માટેની સજાઓની જોગવાઇ પણ તેમાં કરવામાં આવી છે. આ તમામ નિયમોનો અભ્યાસ કરતાં એક સાદુ તારણ ઉપસી આવે છે કે  મનુસ્મૃતી એક ગ્રંથ તરીકે ' બ્રાહ્મણવાદી' અસમાન સત્તાલક્ષી રચનાને ટકાવી રાખાનાર ગ્રંથ તરીકે રચવામાં આવેલ છે. આ લેખમાં આપણે મનુસ્મૃતી આધારીત કાયદાઓની ચર્ચા કરીશુ.  હવે પછીના લેખમાં  મનુસ્મૃતી આધારીત અસ્તીત્વમાં આવેલ  બ્રાહ્મણવાદી હીદુસમાજ વ્યવસ્થાનીની ચર્ચા કરીશું.

મનુસ્મૃતીના રચનાકારે તેના કાયદાઓના અમલ માટે, તથા તે આધારીત અસ્ત્તીવમાં આવેલ રાજ્યવ્યવસ્થા વિ. ને ટકાવી રાખવા  ધર્મ, ધાર્મીક નૈતીકતા અને ઇશ્વરની સત્તાનો ઉપયોગ કરેલ છે.  બીજા શબ્દોમાં મુકીએ તો મનુસ્મૃતી એટલે ઇશ્વરી કે દૈવી શક્તીના પ્રમાણનો ઉપયોગ કરીને  કાયદો, હીંદુધર્મ અને નૈતીકતાનું સર્જન કરીને વર્ણવ્યવસ્થા આધારીત જડબેસલાક  રચવામાં આવેલ હિંદુ સમાજ. મનુસ્મૃતીમાં વર્ણવ્યવસ્થાને  દૈવી સર્જન મનાવવા માટે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વર્ણવ્યવસ્થાના ચાર વર્ણોનું  ઇશ્વરે પોતે આ પ્રમાણે સર્જન કરેલ છે. બ્રાહ્મણ, દેવના મુખમાંથી, ક્ષત્રીય તેના બાહુમાંથી, વૈશ્ય તેની જાંઘમાંથી અને શુદ્ર તેના પગમાંથી જન્મેલા છે.

ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને  ક્ષત્રીયવર્ણમાં જન્મેલ હોવાથી તેની ક્ષત્રીય તરીકે ફરજ બજાવવા સમજાવતાં કહ્યું હતું  આ ચારવર્ણની વ્યવસ્થાએ મારુ પોતાનું સર્જન છે.

મનુસ્મૃતીમાં રાજા કરતાં પણ બ્રાહ્મણને  ઉચ્ચ સ્થાન આપવામાં આવેલ છે. બીજુ, સમાજ ઉપર એવી હકીકત ઉભી કરવામાં આવી કે  બ્રાહ્મણનું સર્જન ભગવાનના મુખમાંથી થયેલું હોવાથી જે  લોકો બ્રાહ્મણને દાન સ્વરૂપે જે આપે તે  સીધે સીધું ભગવાનને મલે. અને તેથી  તેના અવેજમાં સ્વયંભુ ભગવાનની કૃપા પેલા દાન આપનારની તરફેણમાં થઇ જાય! આ તાર્કીક સત્ય પ્રમાણે રાજાથી માંડીને ચારેય વર્ણની પ્રજા મનુવાદી  કાયદાઓ પ્રમાણે પોતાનો વ્યવહાર કરવા માંડી હતી.

હવે આપણે મનુસ્મૃતી આધારીત કાયદાઓ તથા તેના અમલ માટે જે શીક્ષા અને દંડ પ્રથા હતી તેનો અભ્યાસ કરીએ. હીંદુધર્મના તમામ વર્ણોના વ્યવહારો પેલી મનુસ્મૃતીના સમર્થનમાં હતા.એટલું જ નહી પરંતુ મનુસ્મૃતી આધારીત લોકોએ વર્તન કરવાથી તે બધાને આ જન્મમાં તથા આવતા જન્મમાં પુન્ય અને પાપ કે શીક્ષા થશે. આમ મનુસ્મૃતી દ્રારા સમાજના નૈતીક, કાયદાકીય ને ધાર્મીક ત્રણેય વિભાગો પર  સંપુર્ણ વર્ચસ્વ હતું. સમય જતાં વર્ણ અને જ્ઞાતી બંને એકબીજાના પર્યાય થઇ ગયા. જે હીદુધર્મમાં જન્મે તે મનુસ્મૃતી આધારીત ચાર વર્ણમાંથી ગમેતે એક વર્ણમાં જ જન્મે. વર્ણ કે જ્ઞાતી સિવાયનો જન્મેલો કોઇ હીંદુ ન હોઇ શકે! જ્ઞાતી અને હીંદુ ધર્મ બંને એકબીજાના અવીભાજ્ય અંગો છે.

(૧) મનુસ્મૃતી પ્રમાણે બ્રાહ્મણ દેવાધી દેવ છે. તે પૃથ્વીપરનો ભુદેવ છે. સબભુમી ગોપાલકી નહીં પણ પૃથ્વી પર જે કાંઇ મિલકત તરીકે છે તે વર્ણ તરીકે બ્રાહ્મણની છે. તે  વધુમાં જણાવે છે કે  બ્રાહ્મણ વેદવીધ્યામાં પારંગત હોય કે પછી બીલકુલ અભણ, પણ તે બ્રાહ્મણ તરીકે જન્મેલો છે માટે દેવનો અવતાર છે માટે પુજનીય છે. તે વધારામાં કાયદાથી અને રાજયની હકુમતથી પર છે. પૃથ્વીપર ઇશ્વરની અવેજીમાં બ્રાહ્મણ સર્જક,પાલક ને પુરોહિત કે ત્રીવેદી( ત્રણ વેદોને જાણકાર છે). તેથી અન્ય વર્ણોના લોકોએ બ્રાહ્મણ વીરૂધ્ધ સહેજ પણ બોલાય નહી.

(૨) બીજી વર્ણ ક્ષત્રીયની છે. મનુસ્મૃતી પ્રમાણે તેનું કાર્ય કે ફરજ પ્રજા અને રાજાનું સંરક્ષણ કરવું, દાન આપવું જાતીય પ્રલોભનોમાંથી દુર રહેવુ વિ છે.

(૩) ત્રીજી વર્ણ વૈશ્યની છે. મનુસ્મૃતી પ્રમાણે તેની ફરજ વેપાર ધંધો કરવો, વ્યાજે ધિરાણ કરવું, પશુપાલન તથા ખેતી પણ  કરવી. પણ દિલથી દોલાપણું રાખી દાન દક્ષીણા કરવી. કારણકે રાજા પછી મિલકત વૈશ્ય સિવાય કોઇની પાસે રહે તેવી જોગવાઇ મનુસ્મૃતીમાં ન હતી.

(૪) ચોથી વર્ણ શુદ્રની છે. મનુસ્મૃતી તથા પૃથ્વીના સર્જકે શુદ્રના લલાટે  ઉપરના ત્રણ વર્ણોની સેવા કરવી અને તે પણ તે બધાનું ગૌરવ જાળવીવું. ( પોતાના ગૌરવના ભોગે). શુદ્ર પાસે બુધ્ધી, શકતી, કુનેહ હોય તો પણ તે સંપત્તીનો માલીક બની શકે નહી. કારણકે તેનો જન્મ ઉપલા ત્રણ વર્ણોનું દાસત્વ કરવા થયેલો છે.

(૫) જે રાજાના રાજ્યમાં બ્રાહ્મણ દુ;ખી હોય તે રાજ્યમાં થોડા જ વખતમાં રોગચાળો  સમયમાંજ ફાટી નીકળશે.

(૬) મનુસ્મૃતીના કાયદા પ્રમાણે કોઇપણ રાજા તેના રાજ્યમાં બ્રાહ્મણની મીલકત કોઇપણ સંજોગોમાં લઇ શકશે નહી. કારણકે તે બધા જ વર્ણોનો પણ દેવ છે. બ્રાહ્મણનું ગૌરવ તેના જન્મને કારણે છે. ભલે તેનામાં બીજા દુન્યવી સદ્ગુણો હોય કે નહી?

(૭) મનુસ્મૃતી પ્રમાણે શુદ્ર અને સ્રીઓ પવીત્ર ગ્રંથોનો અભ્યાસ કરી શકે નહી. આ બંને વર્ગો સ્વપ્રયત્નથી પણ વેદો અને ધર્મશાસ્રોનો અભ્યાસ કરી શકે નહી. તેમજ બ્રાહ્મણો શુદ્રો અને સ્રીઓને વેદ વી.નો અભ્યાસ એટલા માટે ન કરાવી શકે કારણકે મનુ ભગવાને તે બંને તમામ પ્રકારનું જ્ઞાન શીખવામાંથી બહીષ્કૃત કરેલા છે.

(૮) મનુસ્મુતી પ્રમાણે સજાઅને દંડનું માળખું–  સૈનીક કે ક્ષત્રીય બ્રાહ્મણનું અપમાન કરે તો ૧૦૦/ રૂપીયા દંડ, વૈશ્ય કરેતો ૧૫૦/ અથવા ૨૦૦/ પણ જો શુદ્ર્ બ્રાહ્મણનું અપમાન કરે તો ચામડાની ચાબુકથી ફટકારવો.

 

મનુના કાયદા પ્રમાણે શુદ્ર જો કોઇપણ ઉપલા વર્ણોના માણસોન પર હુમલો કરે નુકશાન કરે તો હાથ થી હુમલો કર્યો હોય તો હાથ અને પગથીહુમલો કર્યો હોય તો પગ કાપી નાંખવો. થુંક્યો હોય તો તેની જીભ કાપી નાંખવી.શુદ્ર જો બ્રાહ્મણની સ્રી સાથે દેહગમન કરે તો દેહાંત દંડની સજા. પણ આજ કૃત્ય જો વૈશ્ય કરે તો ૫૦૦/ અને ક્ષત્રીય કરેતો ૧૦૦૦/ દંડ લઇને મુક્ત કરાવા. પરંતુ આ કૃત્ય બ્રાહ્મણ, બાકીના ત્રણ વર્ણોમાંની કોઇની પણ સ્રી સાથે કરે તો તેને તેની મીલકત અકબંધ, સુરક્ષીત રાખીને દેશનીકાલ કે રાજ્યબહાર કાઢી મુકવો.

મનુના કાયદાઓ શાશ્વત, સનાતન અને કાયમી છે. તેની રચના વર્ણ આધારીત સમાજવ્યવસ્થા ચલાવવા માટે છે. મનુસ્મૃતીમાં ઘણા કાયદાઓ માનવીય સમાનતા, સ્વતંત્રતા વિરૂધ્ધના છે. આ લેખમાં પસંદ કરીને કેટલાક જ મુકવામાં આવેલા છે.

 

 બાબા સાહેબ આંબેડકરે ૨૫મી ડીસેમ્બર ૧૯૨૭ના રોજ પોતાના ગામ મહાડ જે કોંકણ જીલ્લાના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલુ હતું ત્યાં મનુસ્મૃતિના દહનનો કાર્યક્રમ હજારો માણસોની રૂબરૂમાં રાખ્યો હતો. ખાસ શમીયાણુ બાંધવામાં આવ્યુ હતું. મંચ પર યજ્ઞની વેદીની માફક ' Funeral Pyre' બનાવવામાં આવી હતી. મનુસ્મુતી દહનનો ઠરાવ  ચળવળના સાથીદાર બ્રાહ્મણ ગંગાધર નીલકંઠ સહશ્રબુધ્ધે મુક્યો હતો. મનુસ્મૃતી પુસ્તકને સુખડના લાકડામાં  યજ્ઞની વેદીની માફક દહન કરવામાં આવ્યું. હાજર રહેલા હજારો લોકોએ નીચે મુજબની પ્રતીજ્ઞા પણ લીધી હતી.

  • (૧) હું જન્મ આધારીત ચારવર્ણવ્યવસ્થામાં માનતો નથી.
  • (૨)  હું જ્ઞાતી આધારીત ઉંચનીચના ભેદભાવમાં માનતો નથી.
  • (૩) હું માનું છું કે હીંદુધર્મમાં અસ્પૃશ્યતા એક કલંક છે. ધૃણીત વસ્તુ છે. તેથી તેનો નાશ કરવા હું પ્રમાણીક રીતે સંપુર્ણ પ્રયત્ન કરીશ.
  • (૪) હું હીંદુધર્મે જે જ્ઞાતી જ્ઞાતી વચ્ચે અને હીંદુ હીંદુ વચ્ચે જે 'ખાનીપીની' જે  પ્રતીબંધો છે તેને હું ક્યારેય પાળીશ નહી.
  • (૫)  મારી દ્રઢ માન્યતા છે કે તમામ અછુતોને મંદીર પ્રવેશ, પાણીના પુરવઠાના સાધનોનો  અન્યોની સાથે સમાનઉપયોગ કરવાનો, પોતાના બાળકોને નીશાળે મોકલવાનો તેમજ બીજી સગવડોનો ઉપયોગ કરવાનો દેશના અન્ય નાગરીકોની માફક સમાન અધીકાર હોવો જોઇએ.
  •  બાબા સાહેબે મનુસ્મૃતીના દહન ના કાર્યક્રમને ગાંધીજીના ' વીદેશી વસ્તુઓં'ની હોળીના કાર્યક્રમની સમકક્ષ ગણાવ્યો હતો.

o        મંચ પર ફક્ત ગાંધીજી સીવાય બીજા કોઇનો ફોટો ન હતો. અત્રે સમગ્ર ઘટનાનું રીપોર્ટીંગ કરનારે પુસ્તકમાં છેલ્લે નોંધ કરી હતી કે તે સમયે બાબા સાહેબ ગાંધીજીને  રાજકીય આઝાદીના લડવૈયાની સાથે સાથે હીદુ ધર્મે પેદા કરેલ વર્ણવ્યવસ્થાના  સામાજીક અને આર્થીક શોષણ ,તથા અસમાનતાના પણ વીરોધી હશે તેવી માન્યતા હશે. તેથી તેમનો ફોટો મુક્યો હશે. જે ખોટી પડી. ( સૌ References:The Social Context of an Ideology, Ambedkar's Social and Political Thought, MS Gore, Sage Publications ) સાભાર.

 


--