Sunday, February 27, 2022

અમારે ભારતને ફરી સ્વતંત્ર નહીં પણ મુક્ત બનાવવાનું છે.

અમારે ભારતને ફરીથી સ્વતંત્ર નહી પણ મુક્ત બનાવવું છે.

અરે ભાઇ! આપણો દેશ તો સ્વતંત્ર છે, આઝાદ છે, પ્રજાના મતથી ચુંટાયેલી સરકાર છે, સને ૧૯૪૭ પછી અને ૨૦૨૨ સુધી ' આપણા દેશમાં આપણું રાજ્ય નથી તો કોનું રાજ્ય છે?'

(1)     અમારે તો ગાંધી વિચાર મુક્ત ભારત બનાવવું છે.

(2)    અમારે નહેરૂ મુક્ત ભારત બનાવવું છે.

(3)    અમારે કોંગ્રેસ મુક્ત ભારત બનાવવું છે.

(4)    અમારે નામશેષ વિરોધ પક્ષવાળુ ભારત બનાવવુ છે.

(5)    અમારે બંધારણ મુક્ત ભારત બનાવવું છે.

(6)    અમારે સામાજીક ન્યાય મુક્ત ભારત બનાવવું છે.

(7)    અમારે લોકપ્રતિનિધિ પ્રથા મુક્ત ભારત બનાવવું છે.

(8)    અમારે કોઇપણ પ્રકારની અભિવ્યક્તિ સ્વાતંત્રય મુક્ત ભારત બનાવવું છે.

(9)    અમારે કાયદાના શાસન મુક્ત ભારત બનાવવું છે.

(10) માનવ માત્ર જન્મથી જ સમાન છે તેવા પુર્વગ્રહ મુક્ત  ભારત બનાવવું છે.

(11) રાજ્ય સત્તાનું સર્જન પ્રજાકીય હિત માટે છે તે પુર્વગ્રહ મુક્ત ભારત બનાવવાનું છે.

(12) પ્રજાની વર્તમાન સ્થિતિ માટે રાજ્યકર્તા જવાબદાર છે તે પુર્વગ્રહ મુક્ત ભારત બનાવવાનું છે. ખરેખર તો પ્રજા તેના કર્મો અને નસીબ પ્રમાણે ભોગવે છે.

(13) કુદરતી સંસાધનો (  Natural Resources or nature itself) ના ઉપયોગથી માનવ સુખાકારી વધે છે તે પુર્વગ્રહ મુક્ત ભારત બનાવવાનું છે. કુદરતી પરિબળો ને ભજાય, પુજા અને અર્ચના જ થાય!

(14) હેપી વેલેનટાઇલ ડે , હેપી ન્યુ યર, વાળી માનસીકતા મુક્ત ભારતને બનાવવાનું છે.

(15) દેશનું ભાવિ હાર્વર્ડ, બોસ્ટન કે કેમ્બ્રીજ  રિર્ટન થી જ નક્કી થાય એ પુર્વગ્રહ મુક્ત દેશે બનવાનું છે. ખરેખર ભારતનું ભાવિ શાસન કર્તાના હાર્ડ વર્ક થી જ નક્કી થાય છે.

(16) ભારતના આધુનિક મંદિરો  ભાખરા નંગલ ડેમ, રૂરકેલા, ભીલાઇ સ્ટીલ પ્લાન, આઇ આઇ ટી, આઇ આઇ એમ અને જેએનયુ છે , એ બધા પુર્વગ્રહ મુક્ત ભારત બનાવવાનું છે;  ભારતનો સાંસ્કૃતીક સાચો જીર્ણોધ્ધાર કાશી, મથુરા અને અયોધ્યા માં છે. 

--

Saturday, February 26, 2022

Hindutav & Naxlites

Hindutav & Naxlites

નક્ષલવાદ એક વિચારસરણી તરીકે શું છે તે સમજવાની કોશીષ અગાઉના લેખમાં કરી. મિલકતની વહેંચણી અને માર્કસવાદી અર્થશાસ્રના આધારે શસ્રો અને હિંસાનો ઉપયોગ કરીને નવી રાજ્ય વ્યવસ્થા પેદા કરવા માટે શું કરવું જોઇએ તેની ચર્ચા કરી હતી.

આર એસ એસ,તેના સંચાલીત અસંખ્ય સંસ્થાઓ અને ભારતીય જનતા પાર્ટી પોતે પણ વ્યુહાત્મક અને વૈચારીક રીતે સ્પષ્ટ છે કે ભારતમાં અમારો આખરી ધ્યેય હિંદુ રાજ્યની  સ્થાપના કરવાનો છે. હિંદુ રાજ્યનું વૈચારીક મોડેલ મનુસ્મૃતિ અને વર્ણવ્યવ્સ્થા આધારીત દેશના તમામ નાગરિકોના સંબંધો નક્કી થશે. હિંદુ– વર્ણવ્યવસ્થા સિવાયના કોઇ અન્ય ' ઘર બાહિરે 'નું તેમાં સ્થાન અસ્વીકાર્ય છે. આ વિચારસરણીનો મુખ્ય આધાર સ્તંભ ' જગત મિથ્યા ને બ્રહ્મ સત્ય ' છે. જે હકીકત, ભૌતીક કે વાસ્તવિક છે તે માયા છે ને જે કાલ્પનિક, આભાસી છે ,ઇન્દ્રીયાતીત છે તે સત્ય છે. વધુમાં શરીર નાશવંત છે આત્મા નહી. વર્તમાન જન્મ, પુર્વજન્મના કર્મો, ને પુનર્જન્મ, આ બધુ વર્તુળ આકારે અનંતકાળથી ચાલ્યું આવે છે. ટુંકમાં આ અમારુ હિંદુ વૈચારીક મોડેલ છે. તેને અસ્થિર કરવાના પ્રયત્નો સદીઓથી ,લોકાયન, ચાર્વાક, ગૌતમબુધ્ધ  અને છેલ્લે આંબેડકર વિગેરેએ કર્યા છે.પણ અમે તે પ્રયત્નોને સફળ થવા દેતા નથી.

શું ભારત એક દેશ તરીકે હિંદુત્વવાદી નક્ષલવાદનો શિકાર બની ગયું છે? હા, તો કેવી રીતે?

ઉપરના લેખની ચર્ચામાં આપણે નક્ષલવાદની તમામ વ્યવસ્થા પરિવર્તન માટે ની વિભાવના સમજી ગયા છે. નક્ષલવાદ એક વિચારસરણી તરીકે લોકશાહી મુલ્યો સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, બંધારણીય નૈતીકતા, બંધારણીય રાષ્ટ્રવાદ, વૈજ્ઞાનીક અભિગમ, સત્તા અને નિર્ણયોના વિકેન્દ્રીકરણમાં બિલકુલ વિશ્વાસ ધરાવતો નથી. તે લોકભાગીદારીથી નાગરિકો પોતાનો વિકાસ કરી શકે છે તેમાં વિશ્વાસ નથી. તે કાયદાના શાસન તથા બંધારણીય દ્રારા વિકસીત ન્યાયતંત્રમાં વિશ્વાસ ધરાવતા નથી. નક્ષલવાદીઓના વર્તનમાં સતત અહેસાસ થાય છે કે હિંસા  દ્રારા રાજ્યનો  કબજો મેળવી શકાય છે. હિંસા અને સત્તાના ભયથી પ્રજાને નિયંત્રણમાં રાખી શકાય છે. તેમના નેતાએ કે તેમની પ્રવૃત્તીઓને સંચાલન કરતી ટોળકીના નિર્ણયો અપરિવર્તનશીલ, ચર્ચા કે સંવાદથી પર અને ઉપરથી નીચે તરફ (TOP – DOWN) સભ્યોએ કે કેડરે પોતાની વિવેકશક્તિ કે નવા જ્ઞાન કે માહિતીનો ઉપયોગ કર્યા સિવાય લશ્કરી શિસ્ત પ્રમાણે માત્ર અમલ જ કરવાનો હોય છે.

 હવે આપણે દેશના હિંદુત્વવાદીઓ અને તેમની વિચારસરણી કઇ રીતે નક્ષલવાદથી જુદી  નથી તેનો તટસ્થ અભ્યાસ કરીએ.

(1)  હિંદુત્વવાદીઓનું એક નંબરનું દુશ્મન દેશની લોકશાહી સમાજ અને રાજ્ય વ્યવ્સ્થા છે.  સને ૧૯૫૦માં ૨૬મી જાન્યુઆરીએ જે પ્રજાસત્તાક વ્યવસ્થા અમલમાં આવી છે તે વચગાળાની અને હંગામી છે. તે તંત્રનો એકવાર કબજો મળે પછી શામ. દામ. દંડ અને ભયનો ઉપયોગ કરીને પછી તેમનું ધ્યેય કે સ્વપ્ન દેશને હિંદુ રાષ્ટ્ર માં રૂપાંતર કરવાનું છે.

(2)  પ્રજાસત્તાક,સાર્વભૌમ,ધર્મનીરપેક્ષ, અને દરેકને બંધારણીણ સમાનતા બક્ષતું રાજ્ય ન જોઇએ.

(3) દેશની તમામ રાજકીય, સામાજીક, આર્થીક,શૈક્ષણીક, વહીવટી, ન્યાયીક વ્યવહારો મનુસ્મૃતી અને વર્ણવ્યવ્સ્થા આધારીત હોવા જોઇએ. રાષ્ટ્ર ધ્વજ તિરંગો ન જોઇએ પણ ભગવો ઝંડો લહેરાવો જોઇએ.

(4) લોકશાહીનો મુળભુત અને પાયાનો ખ્યાલ માનવ માત્ર સમાન છે તે  હિંદુત્વને માન્ય નથી. હિંદુ રાજ્ય વ્યવસ્થામાં સ્રીઓએ ફક્ત બે કામ કરવાનાં છે. રાષ્ટ્ર માટે બાળકો પેદા કરવાના અને ઘરમાં જ રહીને હિંદુ સંયુક્ત કુટુંબ વ્યવ્સ્થા અને તેના આધારીત  નૈતીક જીવન જીવવાનું છે, વ્યવહારો કરવાના છે.સ્રીઓએ ઘરની બહાર કોઇપણ પ્રવૃત્તી કરવાની નથી. રાજા રામ મોહનરાય, મહાત્મા જ્યોતિબા ફુલે ને સાવિત્ર બા ફુલેના સંદેશાઓ હિંદુ વર્ણવ્યવસ્થાના સ્ટીમરોલર સામે કિસ ગિનતીમેં !

(5)   છેલ્લા આશરે ૭૫ વર્ષોથી સતત બંધાતા આવેલા  પ્રજાસત્તાક પીરીમીડને  યેનકેન પ્રકારે અમારે જમીનદોસ્ત કરવાનો છે. તે માટેની કોઇ સાધન શુધ્ધી અમને માન્ય નથી.પેલા માઓવાદી નક્ષલવાદીઓની પ્રવૃત્તી ' સત્તા બંદુકના નાળચામાંથી નીકળે છે તે માન્ય છે. અમાન્ય નથી.'  તે માટેના અમારા પ્રેરક બળો હીટલર, મુસોલિની ને માઓ વિ છે. મનુસ્મૃતી અને વર્ણવ્યવ્સ્થા આધારીત ઉંચનીચ અને અસમાન  સમાજ પેદા કરવામાં અમારે ક્યાં દાણી છુપાવવાની છે.

(6) હિંદુ રાજાશાહીમાં, જેમ સમાજની બચત ફક્ત રાજાઓ, જમીનદારો, શાહુકારો,અને અમીર ઉમરાવો પાસે કેન્દ્રીત હતી તેમ વર્તમાનમાં અમારી રાજ્ય સત્તાનો ઉપયોગ અદાણી– અંબાણી જેવા  મુડીવાદી કોર્પોરેટ અને રાજ્ય પ્રેરીત ધર્મસંસ્થાનોમાં એકત્રીત હશે. જ્યારે પ્રજા પાસે તે બધાના સ્થાપિત હિતો સાચવવા ભૌતિક શ્રમ સિવાય કોઇ જાતની બચત જ ન હોય  તે પ્રમાણે નીતીઓ તૈયાર કરવા અમારુ નીતી આયોગ તૈયાર છે.એક સમયે નીતી આયોગના ટોચની કક્ષાના સક્ષમ અધિકારીએ ખુલ્લે આમ જાહેર કર્યુ હતું કે  દેશના નાગરીકોને કેટલી સ્વતંત્રતા જોઇએ છીએ? દલિતો, આદિવાસીઓ,ઓબીસી,ઇબીસી, સ્રીઓ, લઘુમતીઓ અને તમામ આધુનીક શિક્ષણ લઇને પશ્ચીમી ભૌતીક–કમ ભોગવાદીનું સ્થાન અમારા ઉપર પ્રમાણેના હિંદુ રાજ્યમાં ક્યાં હોય તે પુના– ભીમા –કોરેગાંવ– વાળા  ત્રણ ચાર વર્ષોથી જેલમાં સબડતા કર્મશીલોને પુછી જુઓ? હિંદુત્વ સામેના વિરોધનો અંજામ તમે ન સમજો તો તમારાં નસીબ!

(7) અમારૂ મિશને હિંદને વૈદીક સમયના જ્ઞાન–વિજ્ઞાન, તબીબીજ્ઞાન, ખગોળશાસ્ર્ આધારિત તમામ માહિતીઓને સજીવન કરીને તેના આધારીત દેશના વર્તમાન યુવા ધનને પલોટવાનું રહેશે.

(8) હિંદુ ધર્મ સિવાય વર્તમાન તમામ ધર્મોની લઘુમતીઓને બીજી કક્ષાના નાગિરીકો ગણીને તેમની સાથેનો વ્યવહાર કરવા –કરાવવામાં આવશે. ' અમે ભારતના લોકો' એ બંધારણના આમુખની પહેલી લીટીના પ્રથમ શબ્દોને ખાસ તૈયાર કરવામાં આવેલી ' ટાઇમ કેપસ્યુલ' સાથે ભવિષ્યની પેઢીઓને ક્યારેય હાથ ન લાગે તે રીતે દાટી દેવામાં આવશે.

(9) હિંદુ વિચારસરણી આધારીત તમામ પ્રવૃત્તીઓના પ્રચાર પ્રસાર માટે,તેના ફંડ ફાળા માટે પરદેશ સ્થિર હિંદુ– એન આર– આઇ, પશ્ચીમી સંસ્કૃતીના રંગે રંગાઇને ભોગવાદી ન બની જાય, વટલાઇ ન જાય  તે પહેલાં તે બધાના કબીલા અને ટોળીઓ બનાવી સંગઠીત કરી દઇશું. કારણ કે તે બધી દુજણી ગાયો છે. તે પહેલાં તેવા પ્રથમ જનરેશન એન્ડ કુંપનીને, તેની માદરે વતનની ઓળખ સતત સતેજ રહ્યા કરે માટે  મા ભારતીને ત્યાંથી મોરારીદાસ, પ્રમુખ સ્વામીઓ, શ્રી શ્રી, પુ પુ ધુધુ, તથા પાડુંરંગ, ગાયત્રી વિ. ના વેપાર કરનારાને બિનરોક આ બધા દેશોમાં મોકલ્યા કરીશુ. ભારતમાતાના દેશમાંથી પોતાના મુળીયા ઉખડી ગયેલાઓને (Socially Rootless) માનસિક સથવારો આપવા અને અપાવવાનો પેલા વીઝિટર વિઝા પર આવેલા પેલા પવિત્ર પુરૂષોને ધંધો હશે. જે એકલતા, અતડાપણું, પશ્ચીમી સમાજમાં વેગળાપણું, જુદાઇ જે વ્યક્તિવાદ પેદા કરે છે તેમાંથી બચાવવાની કંઠીઓ, માળાઓ અને જુદા જુદા આડા ઉભા ટીલાં ટપકાં વહેંચીને દુર કરવામાં આવશે.

(10)                    માતૃભુમીને હિંદુત્વ આધારીત સાંસ્કૃતિક પુન;ઉધ્ધાર માટે (For  Cultural Hindu Revivalism) ડોલરીયુ ધન, વિશ્વના બધા દેશોમાંથી જુદી જુદી હિંદુધર્મ પુરસ્કૃત સંસ્થાઓના લેબલ લગાડી મોકલી આપીશુ. મોદીજી, તમે બાકીની દેશની સાચા અર્થમાં માનવ કલ્યાણ કરતી સંસ્થાઓને ડોલરીયુ ધન ન મળે માટે ' ફોરેન રેમીટન્સ કાયદો કરીને બંધ કરાવી દો. કારણકે આપણે એ પણ જોવાનું છે કે જો બાંસ ન રહે, તો ફિર બાંસુરી કૈસે બજેગી!

(11)                    આ પ્રોજેક્ટને અમલમાં મુકવા અમારા ચુનંદા સ્પોક-પર્સન્સ તાજતરમાં હરિદ્રારની ધર્મસંસદના એક ભગવા કપડાં પહેરલા બાવાએ લઘુમતીઓનું કેટલી સંખ્યામાં નિકદંન કરવું પડશે તેની સંખ્યા આપેલી છે, અથવા તો અમેરીકાના ભુતપુર્વ પ્રમખ  ટ્રમ્પની વિદાય સમયે જ દિલ્હીથી એક ભગવા કાર્યકરે જાહેર કરેલું કે ' ગોલી મારો.... દેશ કે ગદ્દારો ને.

(12)                    ઉપરની ચર્ચા પરથી તારણ નીકળશે કે  માઓવાદી નક્ષલવાદ ખુલ્લા હિંસક સંઘર્ષની પ્રવૃત્તીઓ કરે છે, જ્યારે હિંદુત્વવાદીઓ ફુંક મારીને કેવી રીતે કરડાય તેમજ સમય આવે સીધો જ ઝેરી ડંખ કેવી રીતે વપરાય તેમાં પણ નિપુણતા મેળવી લીધી છે.

(13)                    હિંદુત્વ આધારીત રાજ્ય વ્યવસ્થા ઉભી કરવામાં સહકાર આપવો કે તેની સામે સંઘર્ષ કરવો તે મારે અને તમારે નક્કી કરવાનું છે.

(14)                    આજના ઇ. એકપ્રેસના સ્ટોપ પ્રેસ ન્યુઝ– પ્રતિવર્ષે દેશમાંથી ફક્ત આઠ લાખ વિધ્યાર્થોઓ ઉચ્ચશિક્ષણ લેવા ૪૫૦૦૦ કરોડ રૂપિયા ખર્ચીને પરદેશ જાય છે. જેમાંથી મોટાભાગના જે તે દેશમાં જ સ્થાયી થઇ જાય છે.

 મેરા ભારત મહાન.. આત્મનિર્ભર ભારત ઝીંદાબાદ.

 

 


--

Friday, February 25, 2022

પેલા માઓવાદી નક્ષલવાદી....

પેલા માઓવાદી નક્ષલવાદી. રાહુલ ગાંધી વાળા અર્બન નક્ષલવાદી અને અમે હિંદુત્વવાદી પણ નક્ષલવાદી.

 નક્ષલવાદ એક હિંસક રાજકીય વિચારસરણી તરીકે ઓળખાય છે. સદર વિચારસરણી લોકશાહી, બંધારણીય માર્ગે તથા અહિંસક પરિવર્તનમાં વિશ્વાસ ધરાવતી નથી. માઓવાદી નક્ષલો માને છે કે  " ક્રાંતિ બંદુકના નાળચા કે બેરેલ ( હિંસા) માંથી જ નીકળે છે. અથવા શક્ય છે. ભારતમાં માઓવાદી નક્ષલો ખાસ કરીને છત્રીસગઢ, ઓડીસા, મહારાષ્ટ્, આંધ્ર અને તેલંગણાના જુદા જુદા જીલ્લાઓમાં સક્રીય હતા. ક્રમશ તેમની વર્ષવાર હિંસક પ્રવૃત્તીઓમાં હવે ઘટાડો થઇ રહ્યો છે. તેમનું વૈચારીક પ્રેરકબળ ભારતના ગામડાઓમાં પ્રવર્તમાન અસમાન જમીન માલિકીના સંબંધો છે. આ ઉપરાંત આ બધા રાજ્યોમાં આદીવાસીઓને  પોતાની ભુમિમાંથી વિકાસને  નામે વિસ્થાપિતો બનાવી દેવામાં આવે છે. જમીનના  મુળ માલીકોને  જમીન વિહોણા બનાવતાં માઓવાદીઓ નક્ષલવાદ આધારીત હિંસાકત્મક માર્ગો દ્ર્રારા જમીન માલીકો પાસેથી જમીન પરત અપાવવા જે હિંસક–રાજકીય પ્રવૃત્તીઓ કરે છે તેને માઓવાદી નક્ષલવાદ તરીકે ઓળખવામાં આવે છે. કારણકે ચીન જેવા એક જમાનાના ખેતી પ્રધાન દેશમાં માઓત્સે તુંગે સને ૧૯૪૮માં જમીન વિહોણા ખેડુતોને હથીયારો આપીને, ચીનના સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે હિંસક ક્રાંતિ દ્રારા સત્તા પલટો કરાવ્યો હતો. અને જમીનદારી પ્રથાનો કાયમ માટે અંત લાવ્યા હતા. ભારતમાં માઓવાદી–નક્ષલવાદીઓ છેલ્લા ચાર પાંચ દાયકા કરતાં વધારે સમયથી આ જીલ્લાઓમાં જમીન વિહોણા અને વિસ્થાપિતોને મદદ કરીને હિંસક પ્રવૃત્તી દ્રારા આધુનીક રાજ્યને ઉથલાવવાની કોશીષ કરે છે જે હજુ સુધી સફળ થઇ નથી.

તાજેતરમાં સંસદમાં કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારની આર્થીક નીતીઓની ટીકા કરતાં જણાવ્યં હતું કે દેશમાં દસ ઉધ્યોગપતિઓના હાથમાં પચાસ ટકા ઉપરની મિલકત એકત્ર થઇ ગઇ છે. છેલ્લા સાત વર્ષોના મોદી સરકારના વહીવટમાં ગરીબી રેખા નીચે જીવન નિર્વાહ કરનારી વસ્તીની સંખ્યા કુલ વસ્તીના આશરે ૨૩ ટકા થઇ ગઇ છે. દેશમાં નાના–અને મધ્યમ સ્તરના ઉધ્યોગો તથા અસંગઠિત આર્થીક ક્ષેત્રોની હાલત ખુબજ દયનીય બની ગઇ છે. આ માહિતી સંસદ સમક્ષ સરકારના નીતી આયોગે પ્રકાશિત કરેલા આંકડાઓને આધારે  રજુ કરેલ છે.

વડાપ્રધાન મોદી પાસે તે આંકડાકીય સત્યને પડકારવા કોઇ વ્યાજબી દલીલ ન હોવાથી એક ભયંકર જુઠ્ઠાણું સંસદમાં સમક્ષ રજુ કર્યુ. " રાહુલની કોંગ્રેસપાર્ટી વાળા બધા અર્બન નક્ષલ છે. " હવે  આ જુઠ્ઠાણા સામે રાહુલ અને તેની પાર્ટી સાબીત કરે કે કેવી રીતે તે બધા અર્બન નક્ષલ નથી.

વિશ્વમાં કાર્લ માર્કસના વિચારો પર કોઇ ક્રાંતિ થઇ નથી. રશિયામાં સને ૧૯૧૭ અને ચીન માં સને ૧૯૪૮માં જે સામ્યવાદી ક્રાંતિઓ થઇ છે તે  ઔધ્યોગીક રીતે પછાત દેશોમાં અને સંગઠીત ઔધ્યોગીક મજુરોના ( પ્રોલોતેરીયટ) (અર્બન નક્ષલોની) ગેરહાજરીમાં થઇ હતી. માર્કસની ક્રાંતિનો વાહક તો આધુનીક શહેરોના ઔધ્યોગીક મજુરો હતા.  ભારતમાં બેરોજગાર કે રોજગાર ઔધ્યોગીક કામદારોના કોઇ સંગઠીત અન હિંસક બળવો કરી વર્તમાન મોદી સરકારને  ઉથલાવી શકે તેવા કોઇ સંગઠનો હોય અને તેની નેતાગીરી કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી પાસે હોય, અને તે બધા કાર્લ માર્કસની ભાષામાં સર્વહારા હોય તો તે બધાને રાજ્યશાસ્રના અભ્યાસક્રમમાં અર્બન નક્ષલ તરીકે ભણાવવામાં આવે છે. આ વડાપ્રધાન મોદી કઇ યુની. ના રાજ્યશાસોના અભ્યાસક્રમમાં અર્બન નક્ષલની વિભાવના ( Political Concept) શીખ્યા હશે તે તો તેમને ખબર છે. પણ ગુજરાત યુની. ના તે સમયના એમ એ.રાજ્યશાસ્રના પ્રોફેસરો મારા નજીકના મિત્રો હતા અને છે. અને તેમની બૌધ્ધક નિપુણતાથી હું પુરો માહિતગાર છું. આ મુદ્દે કદાચ એવું હશે કે સત્તાની સાથે બેફામ અને બેજવાબદાર બોલવાનો આ વડાપ્રધાનનો ઇજારો થઇ ગયો લાગે છે. હવે તે વાયરસ તેમના સાથીદારો અને  પક્ષની રેન્ક એન્ડ ફાઇલ સુધી પહોંચી ગયું છે.

બે દિવસ પહેલાં જ ઇન્ડીયન એક્સેપ્રેસના તંત્રી એ પોતાના તંત્રી લેખમાં દેશના વડાપ્રધાનન મોદીને વિનંતી, ચેતવણી અને પોતાના પદ અને ગરીમાને શોભે નહી છાજે તેવી ભાષા બોલવાથી દુર રહેવા ખાસ વિનંતી કરી હતી. આ ટીકા સદર અખબારના તંત્રીએ મોદીએ ' ગુજરાતમાં સાયકલપર  બોમ્બ મુકીને જે હીંસા કરનારાઓને  ફાંસીની સજા જાહેર કરવામાં આવી હતી, તે સંદર્ભનો ' મારી મચેડીને ' ઉ. પ્રદેશની ચુંટણીમાં સમાજવાદી પક્ષના ચુંટણી પ્રતિક સાયકલ હોવાથી તે પક્ષ અને તેના નેતા અખિલેશ યાદવ આતંકવાદના ટેકેદારો છે. આવું આક્ષેપ , આ મોદી સિવાય બીજું કોણ કરી શકે?

ઇન્ડીયન એકસપ્રેસના તંત્રીએ શું ટીકા લખી છે તે તેના મુળ સ્વરૂપે જ સમજવાની કોશીષ કરીએ.   પ્રથમ તંત્રી લેખના મથાળાને સમજીએ.

" PM's linking SP's poll symbol cycle, to vehicle used for bombs tars and disrespects the opposition".

" In a democracy disrespect shown to the opposition can end up, becoming disrespects to people's right to chose to democracy itself. For a campaigner of the PM's stature to loose sight of these vital distinctions, in the heat of election battle is dispiriting and disheartening."

ભાવાનુવાદ– ભાઇ! વડાપ્રધાનની કક્ષા ધરાવતા સન્માનીય વ્યક્તીએ ચુંટણીના ઉત્તેજીત વાતાવરણમાં પણ લોકશાહી રાજ્યવ્યવસ્થામાં વિરોધપક્ષ અને તેના ચુંટણી પ્રતિક પ્રત્યે આવી નારાજગી બતાવવી 

એ તો ખરેખર તેઓને લોકોને લોકશાહી રાજ્ય વ્યવસ્થા પસંદ કરી છે તેનો અણગમો કે નારાજગી છે એમ જ સાબિત કરે છે. આવું વલણ તો ખુબજ હ્રદય દ્રાવક( Disheartening) અને સમગ્ર લોકશાહી વ્યવ્સ્થાને વેરવિખેર( Dispiriting) કરનારુ છે. ( હિંદુત્વવાદી નક્ષલવાદની ચર્ચા આવતી કાલે.)


--

Saturday, February 19, 2022

મને અંધારા બોલાવે– મનીષી જાની

 મને અંધારા બોલાવે– મનીષી જાની.

આપણી પાસે ગુજરાતી  સાહિત્યમાં એક વિચારપ્રેરક પુસ્તક પરિપક્વ વિચારક પાસેથી મલ્યું છે.ખરેખર આ પુસ્તક તેમના જીવન વિકાસની એક તવારીખ સમાન છે. પુસ્તકના મથાળામાં કવિની વૈચારીક પ્રતિબધ્ધ્તાને કારણે પુસ્તકના પ્રેમમાં પડી જવાય તેવું છે. 'મને અંધારા બોલાવે' એ શબ્દ પ્રયોગ આપણને કવિ તરફથી એક વિચાર સંદેશાનો તણખો (એક સ્પાર્ક) મોકલે છે.

' મને અંધારા બોલાવે છે' તેનો અર્થ ખુબજ નિસ્બત ધરાવતો વ્યાપક છે. જ્યાં જ્યાં માનવ સમસ્યાઓ છે, ખાસ કરીને શોષણ, અન્યાય ને ભેદભાવને પોષક વર્તન અને વિચારો છે ત્યાં મનીષીનો સંઘર્ષ સ્વાભાવીક હોવાનો. બીજું તે ઘણા વર્ષોથી નવા ઉગતા લેખકો, કવિઓ નિબંધકારો ને વાર્તાકારો માટે એક ગુજરાત લેખક મંડળ કરીને સંસ્થાના પ્રમુખ છે. સદર સંસ્થા નવોદિત લેખકોને એક માનસીક આત્મવિશ્વાસ પેદા કરવાનું સતત સિંચન કર્યા કરે છે. તેઓનું તારણ છે કે સર્જક જન્મતા નથી પણ બને છે. સર્જકતા એ કોઇ ઘરાનાની પેદાશ નથી. કોઇ જાતિ કે સામાજીક સ્તર વિશેષની જન્મગત પેદાશ નથી. વ્યક્તિ ને સમાજની સમસ્યાઓના બૌધ્ધીક પૃથ્થકરણના મથામણમાંથી મનીષીની પ્રતિબધ્ધતા અંધારાઓને ઉલેચવા ઉજાગરા કરે છે.  તેવો સંદશો નવોદિત લેખકોને મનીષીનો છે.

નીરવ પટેલ અને સરુપ ધ્રુવ ના કેટલાક નિરિક્ષણો સાથે પુસ્તકની કવિતાઓનો સીધો આસ્વાદ લઇએ. પણ શરૂઆત તો મનીષી થી જ કરીએ.

"  આવા માહોલમાં અમારે અભિવ્યક્તિ કરવાની હતી.

 અમારે અમારી જાતે  દિશાવિહીન વાતાવરણમાં દિશા નક્કી કરવાની હતી..

...હું લડત લડનારો માણસ છું,કોઇ લડાવે એટલે લડનારો નહી. હું લડનારો માણસ છું..

 કોઇ કાંકરીચાળો કરે ને સામે પથ્થર ફેંકું એવો લડનારો હું નથી.

 કોઇ નફરતથી બૉમ્બ ફેંકે ને એના ઘરમાં બૉમ્બ મૂકું એવો લડનારો હું નથી.

 હું વિચારથી વિચાર ટકરાવી આઝાદી પેદા કરનારો માણસ છું.

હું લડનારો છું, હું માણસ છું." મનીષી પાનું ૨૦.

મનીષી જાનીની કવિતા એટલે  સામ્ર્પતની કાળી મીંઢ દીવાલોને ભાંગવા બુલંદ બનેલો એક મુક્કીઉછાળ અવાજ....   

દુધ– દહીંમાં તે કેવી મઝા?  મઝા જ મઝા,

 દુધ –દહીમાં છબછબીયાંની કેવી મઝા....

કવિતાની અભિવ્યક્તિ પર કવિનો ભરોસો જુઓ;

" હું કવિતાની પીઠ પર ઉભો ઉભો કવિતાની કરોડરજ્જુની તાકાતને અનુભવતો હતો;

 હું નીચે ઉતર્યો, કવિતાની આંગળI પકડતાં કહેવા માંડયુ ;

કવિતા તારી કરોડરજ્જુ મજબુત છે. કવિતા તને સલામ... ( ૨ માર્ચ વિશ્વકવિતા દિવસ)

 મનીષી રેશનાલીસ્ટ પણ ખરા ; એમની રચનાઓમાં અખાનો મિજાજ શોધવો ન પડે; જેમ કે

" મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી જ્યારે વનવાસમાં વિરાજતા હતા

  ત્યારે  વાંદરાઓ માટે  પ્રોઢશિક્ષણના વર્ગો ચલાવતા હતા.

( કદાચ કથાકાર મોરારીદાસને તે માહિતી નહી હોય! બી. શ્રોફ)

વર્તમાનનો એક બીજો પણ તાતો પ્રશ્ન છે ઇતિહાસ– ઇતિહાસની તોડમરોડ. મનીષી શું કહે છે એના વિશે–

" વર્તમાનને ભુતકાળ બનાવી દેવાનો કેટલાક લોકોનો ધંધો  છે.

 અમોને  ઇતિહાસની ખીચડી બનાવવામાં અને ખવડાવવામાં રસ છે.

 અમોને અમારી બનાવેલ ખીચડીને

 રાષ્ટ્રીય વાનગી બનાવવામાં ને ખવડાવવામાં રસ છે.

 ને ખીચડીમાં રાષ્ટ્ર ઇતિહાસની ખીચડી ને ખીચડીમાં ઇતિહાસ.

" જેમ અડધી આલમને બંધનની બંગડીઓમાં પુરી રખાઇ છે

 એમ જ દેશની લોકશાહીને  બંગડી આકારની પાર્લામેન્ટમાં પુરી દેવાઇ છે.

 મારી પાસે મત છે  લોકશાહી નથી."

 ભુખ્યાં તરસ્યાં લોકોની ખાલી થાળીઓની ઉઠાંતરી કરી

 ભક્તો થાળીઓના મંજીરા બનાવી લોકશાહીના ભજનો ભસી રહ્યા છે.

"ગાયને અમે ખાતા નથી

 હા, પણ ગૌચર જમીન અમે  ભચડક ભચડક ચાવી જઇએ છીએ "

 " શું અંધકારનાં પણ ગીત ગવાશે? હા! અંધકારમાં અંધારાનાં યે ગીત ગવાશે." – સરુપ ધ્રુવ. 

કલાને સામાજીક નિસ્બત હોવી જોઇએ એ વાત ઘુંટાતી ચાલી અને સાથે સાથે  સમાજ પરિવર્તન માટે કંઇક કરવું જોઇએ એ વાત પણ દ્ર્ઢ બનતી ગઇ.

 હું ગુના વગરનો ગુનેગાર છું,

મેં લોક સરઘસની આગેવાની કરતું ,

ભડભડતી મશાલનું ચિત્ર દોર્યું

 હું ગુના વગરનો ગુનેગાર છું,,,,,

મધરાતે મધરાતે અંધારે,

આંખ કશું ભાળી શકતી ન હતી ,

ત્યારે  કોયલના ટહુકામાં મેં ક્રાંતિનું ગીત જોયું,

 હું ગુના વગરનો ગુનેગાર છું...

 ઘરમાં ચારેય બાજુ, પુસ્તકો છાપાં ને  પત્રિકાઓના  ઢગલા

ને મા સરસ્વતીદેવીના મૂર્તિ કે ફોટા એકે ય નહી,

 હું ગુના વગરનો ગુનેગાર છું.

પોલીસ પૂછે છે :

 ઘરમાં તેત્રીસ કરોડ દેવ દેવીઓ માંથી એકે ય ના ફોટા કેમ નથી?

કોટ ટાઇવાળા આંબેડકર ને દાઢીવાળા દાદા માર્કસના ફોટા કેમ છે?

હું ગુના વગરનો ગુનેગાર છું.

 હું અંતહીન મુક્ત માનવસાંકળમાં હાથમાં હાથ પરોવી ઉભો છું.

 હું ગુના વગરનો ગુનેગાર છું. ( ૨૮મી ઓગસ્ટ ૨૦૧૮, વડાપ્રધાનને ખતમ કરવા માટેના કાવતરાખોર ગણાવી દેશભરમાં માનવ અધિકાર માટે ઝઝુમતા  કેટલાક કર્મશીલો– કવિ,પત્રકાર વકીલની ધરપકડ કરાઇ..)

  છે ! મારી પાસે છત્રી છે... વરસાદ નથી..

 મારી પાસે બીજ છે  ખેતર નથી,

 મારી પાસે સુરજ છે આકાશ નથી..

 મારી પાસે મત છે લોકશાહી નથી.

 ડ્રાઉ ડ્રાઉ.  વિજ્ઞાનની પ્રયોગશાળામાં..

 ટેબલની ફરતે ઉભા રહી વિધ્યાર્થીઓ.

ટેબલ પર ખોલીને મુકેલા  દેડકાનું હ્રદય અને મગજ સમજી રહ્યા હતા.

 ત્યાં તો કુવામાંના દેડકાઓએ..

 ટેબલને, વિધ્યાર્થોઓને ઘેરી વળી ડ્રાઉ ડ્રાઉ મચાવી મુક્યું,

 ધાર્મીક લાગણી ડ્રાઉ ડ્રાઉ, જીવ હીંસા ડ્રાઉ ડ્રાઉ,

અને પ્રયોગશાળાનું ટેબલ કાયમ માટે  ઉંધુ પાડી દીધું..

 દીવો.. ઘોર અંધારા .. નથી એની પાસે  તણખો, નથી તેલ,

 કે નથી દિલેરી આગ, ને નથી દિલેરી દાઝ..

હાથમાં દિવેટનાં દોરડાં પકડી દોડયા કરે

 ચારે કોર, ચારે કોર, ડાકલાં ડાકલાં  પડકાર્યા કરે છે:

  મેં દિવો કર્યો, મેં દિવો કર્યો..

 વધુ  સંપર્ક માટે – પુસ્તકનું નામ– મને અંધારા બોલાવે– લેખક–પ્રકાશક. મનીષી જાની, કુલ પાનાં ૧૫૦. સરનામુ– ૨૪/ ૨૪૯, પરિશ્રમ એપાર્ટમેંટ, વીમાનગર પાછળ, સેટેલાઇટ, અમદાવાદ ૩૮૦૦૧૫. મો. 94270 10011. manishijani@hotmail.com      

 


--