Thursday, April 29, 2021

શ્વાસનાસોદાગરો અને મોતના સોદાગરો વચ્ચેનો તફાવત અમને સમજાવો–

હૈ દેશવાસીઓ, ભારતમાતાના સપુતો,

શ્વાસના સોદાગરો અને મોતના સોદાગરો વચ્ચેનો તફાવત અમને સમજાવો–

આજના દિવ્યભાસ્કરના પહેલા પાને ૨૯–૦૪–૨૧ નારોજ સમાચાર છે " શ્વાસના સોદાગર– સુરતમાં પહેલીવાર સિવિલ હોસ્પીટલના દરવાજા દર્દીઓ માટે બંધ " સુરતની મથુરા ગેટ સીવીલ હોસ્પીટલના દરવાજે " બોક્ષરો " ચોકી કરે છે. નો ફોટો પણ મુકેલ છે. વધુમાં "  સુરત માટેનો ઓક્સિજન મધ્યપ્રદેશમાં મોકલીને ગુજરાત સરકારે શ્વાસનો સોદો કરી નાંખ્યો, સુરતની ૬૦ટનની જરૂર સામે માત્ર ૪૬ ટન મળ્યો છે." રાજ્યના આરોગ્યમંત્રીશ્રી કુમાર કાનાણી અને ગુજરાત રાજ્યના ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ  અનુક્રમે ૧૫ ને ૮ કોલ કર્યા છતાં જવાબ મલ્યા ન હતા.

...વધુમાં...(વિશેષ ટિપ્પણી કોલમ પાન–૧) હા, સરકાર અમારે મરી જવું જોઇએ! તમે અમારા શ્વાસના સોદા કરી નાંખ્યા છે એટલે અમારે હવે મરી જવું જોઇએ. ક્યારે દવાખાનામાં બેડ (ખાટલો) નહી મલવાથી, તો ક્યારેક ઇન્જેકશન નહી મલવાથી, અને હવે સુરતમાં ઓક્સિજન નહી મલવાથી કોરોનાના દર્દી એવા અમારા સ્વજનોએ મરી જવું જોઇએ. સરકારો સોદાગરો બને ત્યારે જાનમાલની ફિકર કરવાને બદલે  એની ઉંચી કિંમત ઉપજાવવાના કારસા કરતી હોય છે.તમને બીજા રાજ્યો વખાણશે,જીવન અને મૃત્યુની આ શતરંજમાં તમારી પ્રસિધ્ધિના હાથી નીચે અમારે હવે પ્યાદાની માફક કચડાઇને મરી જવાનું?

પુરમાં અમે તરીને બચી ગયેલા, પ્લેગથી ડરીને બચી ગયેલા, પણ હવે તમે અમારાં ફેફસાંમાંથી શ્વાસ છીનવી લીધો છે.

અમે તમારા માટે નાગરીકો નહી પણ મતદારો તરીકે તમારા મતનું માર્જીન છીએ તો ક્યારેક મોતનો આંકડો છીએ. તમારા ડેશબોર્ડ  ઉપર અમારુ અસ્તીત્વ બસ આટલું જ છે.....સૌ. દી. ભાસ્કર પેજ૧ તા. ૨૯ એપ્રીલ ૨૦૨૧.


--

Wednesday, April 14, 2021

બાબાસહેબઆંબેડકરનો વારસો– પુસ્તકના લેખક– લોર્ડ પ્રો. ભીખુ પારેખ–

બાબાસહેબ આંબેડકરનો વારસો– પુસ્તકના લેખક– લોર્ડ પ્રો. ભીખુ પારેખ–

 ભાવાનુવાદ કરનાર – બીપીન શ્રોફ.

 સને ૨૦૦૯ની સાલમાં પ્રો ભીખુભાઇ પારેખે  દીલ્હીમાં આવેલી  ' ધી ભારતરત્ન ડૉ .બી.આર. આંબેડકર વીશ્વવીધ્યાલયમાં '" બાબાસાહેબ આંબેડકરનો વારસો" એ વીષય પર એક અભ્યાસપુર્ણ પ્રવચન અંગ્રેજીમાં આપેલું હતું. અમારા માસીક ' વૈશ્વીક માનવવાદ' માં  પ્રો. ભીખુભાઇની પરવાનગી લઇને ત્રણ ભાગમાં પ્રકાશીત કરેલું હતું. ત્યારબાદ તેની ૨૦૦૦ કોપી નાની પુસ્તીકા સ્વરૂપે પણ પ્રકાશીત કરેલી હતી. પ્રો. ભીખુભાઇ પારેખ રાજ્યશાસ્રના વીષયના વીશ્વવીખ્યાત વીવેચક તરીકે જાણીતા છે. કોઇપણ રાજ્યશાસ્રના વીષય પર તેમનું ચીંતન તાર્કીક, મૌલીક અને વાસ્તવીક આધાર પર હોય છે. સદર પ્રવચન તૈયાર કરવામાં બાબસાહેબને સંલગ્ન ૫૮ સંદર્ભગ્રથોની મદદ પણ લીધી હતી. તેઓ ઇગ્લેંડની વીખ્યાત તમામ વીશ્વવીધ્યાલયોમાં રાજ્યશાસ્રના પ્રોફેસર તરીકે કામ કરી ચુક્યા છે. તેમજ બ્રીટનની સરકારમાં તે લેબરપાર્ટી તરફથી હાઉસ ઓફ લૉર્ડમાં કાયમી સભ્ય છે.

આ નાની સરખી પુસ્તીકામાંથી  બાબાસાહેબ અંગે જે વીચારો પ્રો. ભીખુભાઇએ રજુ કરેલા હતા તેના કેટલાક પસંદ કરેલા ફકરાઓ મેં બાબાસાહેબના જન્મદીવસ નીમીત્તે આજે ૧૪મી એપ્રીલના રોજ રજુ કર્યા છે. આશા રાખું કે તે વીચારો આપ સૌ વાંચી– સમજીને તે બધાને યથાર્થ સ્વરૂપે મુલ્યાંકન કરશો. ફક્ત ભક્તીભાવે નહી.

(1)    બાબાસાહેબે જે રીતે એક ચીંતક ને કર્મનીષ્ઠ તરીકે હીંદુ સમાજને તેના મુળીયામાંથી હચમચાવી નાંખ્યો હતો તેમજ ભારતનું ભાવી ઘડવામાં તેમનું જે પ્રદાન હતું તે બંને કારણસર હું તેમને ગૌરવ આપું છું. તથા મારી જાતને ઉપકારવશ ગણું છું. ભારતે ૨૦મી સદીમાં જે સામાજીક અને રાજકીય ચીંતકો પેદા કર્યા છે તેમાં બાબાસાહેબનું સ્થાન મોખરે અને અદ્રીતીય છે.અતી સામાન્ય કુટુંબમાં જન્મી તેઓએ જે શૈક્ષણીક સીધ્ધીઓ કે ડીગ્રીઓ પ્રાપ્ત કરી હતી; તેવી શૈક્ષણીક લાયકાતો કોઇ કયારેય આપણા દેશમાં મેળવી શકશે કે કેમ તે કાયમનો પ્રશ્ન રહેવાનો છે. દેશના વીસમી સદીના કોઇપણ નેતાઓ કે અન્ય વીધ્વાનોએ જે અભ્યાસપુર્ણ પુસ્તકો લખ્યાં છે તેના કરતાં અનેક ગણાં પુસ્તકો બાબા સાહેબે લખેલાં છે.( પુસ્તકના છેલ્લા ટાયટલ પેજપરથી સાભાર.)

(2)   તેમની પ્રચંડ અને મેઘાવી બૌધ્ધીક નીપુણતાને આધારે તેમનું મુલ્યાંકન કરવાને બદલે  હીંદુસમાજ સામે  દલીતોમાં વીદ્રોહ પેદા કરનારા નેતા તરીકે ગણીને તેમના વ્યક્તીત્વને અમાપ નુકશાન કર્યું છે. તેઓ ક્યારેય બ્રીટીશ સરકારના 'વેચાઇ ગયેલા' (સ્ટુજ) ન હતા. દેશની સ્વતંત્રતાની ચળવળમાં તેમની વફાદારી અન્ય રાષ્ટ્રીય નેતાઓ કરતાં લેશ માત્ર ઉતરતી કક્ષા ન હતી.... તે દેશના તમામ નાગરીકોને તેમના વીકાસની આડે આવતાં સામાજીક, રાજકીય અને આર્થીક પરીબળોમાંથી  સાચી સ્વતંત્રતા કેવી રીતે પ્રાપ્ત થાય તેના વૈચારીક મંથનમાં સતત રોકાયેલા રહેતા હતા... પાનુ–૨.

(3)   વ્યક્તીપુજા–  જો તેને ઉગતી જ ડામી દેવામાં ન આવે તો –જેની પુજા કરતા હોય તેનો તથા વ્યક્તીપુજા કરનારનો બંનેનો સર્વપ્રકારનો વીનાશ નોતરે છે.ખરેખર માનવસમાજ માટે જરૂરી છે  તે વ્યક્તીના ક્રાંતીકારી વીચારો, નહી કે તેનું ભૌતીક શરીર! તેમના વીચારોને આધારે આપણે તો તેમનાથી બાકી રહી ગયેલો સંઘર્ષ આગળ લઇ જવાનો છે.વ્યક્તીપુજા કે વ્યક્તીગત નેતાની ભક્તી આપણા દેશના રાજકારણમાં જે ભાગ ભજવે છે તેવો ભાગ વીશ્વના કોઇ દેશના રાજકારણમાં ભજવતી નથી... પાન–૩.

(4)   જ્ઞાતી આધારીત અસમાનતા હીંદુ સમાજ સીવાય વીશ્વમાં બીજા કોઇ સમાજમાં અસ્તીત્વ ધરાવતી નથી.... તે જન્મ આધારીત છે...મૃત્યુ સુધી ચાલુ રહે છે.....દરેક જ્ઞાતીના સામાજીક એકમને તેના ઉંચનીચના સ્તરમાં, ચઢતા ઉતરતી ક્રમમાં કાયમ માટે ગોઠવવામાં આવેલ છે. પવીત્ર–અપવીત્ર, છુત–અછુતના સંબંધો કે રીવાજો એ હીંદુ સમાજની દેન છે.... દરેક જ્ઞાતીને તેનું સામાજીક સ્થાન હોય છે.અને તેની સામાજીક  ચોક્કસ મુકરર કરેલી ઉંચ–નીચ ની ઓળખ હોય છે....આ રીતે જ્ઞાતી આધારીત અસમાનતાને સહેલાઇથી  અમલમાં મુકી શકાય છે. તેની જંજીરોમાંથી કોઇ છટકી શકતું નથી.... આ પ્રથા ખુબજ દમનકારી છે. પાનુ..૪.

(5)   હીંદુ, તારૂ બીજુ નામ અસમાનતા છે. તમે હીંદુ જ્ઞાતી ત્યજયા વિના અસમાનતા દુર કરી શકો નહી. તમે હીંદુ મટી ગયા સીવાય તમારી જ્ઞાતી ત્યજી શકો નહી. જો તમારે અસ્પૃશયતા નાબુદ કરવી હશે તો  તો તેને જન્મ આપનાર ને ટકાવી રાખનાર હીંદુ સમાજ વ્યવસ્થાનો નાશ કરવો પડશે...એક સમયે બાબાસાહેબના મતે મનસ્મૃતી અસ્પૃશ્યતાની જન્મદાતા હતી. તેથી ૨૪–૧૨–૧૯૨૭ના રોજ મનુસ્મૃતીના દહનનો કાર્યક્રમ રાખી તે પુસ્તકનું જાહેરમાં દહન કરેલુ હતું.. પરંતુ સત્યશોધક બાબાસાહેબે શોધી કાઢયું કે અસ્પૃશ્યતા મનુસ્મૃતી કરતાં પણ જુની છે. તે માટે તેઓએ બે અંગ્રેજી  પુસ્તકો લખ્યા છે. (૧)  The Untouchables- Who were they? & Why they become untouchables? (૨)  Who were Shudras? તેની થોડી વીગત ઇ–બુકના  પાન.૫ અને ૬ પર મલશે..

(6)    આ હીંદુ ધાર્મીક વિચારસરણીએ, આર્થીક અને રાજકીય પરીબળોને એકત્ર કરીને  એકબીજાના સંયુક્ત હીતો સાચવવા સામાજીક જોડાણ કરીને સદીઓ સુધી ટકી રહે તેવી અસ્પૃશ્યતા જે અમાનવીય શોષણખોર સમાજવ્યવસ્થા છે તેનું સર્જન કર્યું હતું....પાન–૬.

(7)   બાબાસાહેબની દ્રષ્ટીએ હીંદુ વ્યવસ્થાનો અંત સામાજીક ક્રાંતી સીવાય આવવો અશક્ય છે. તેની સામે થાક્યા વીના અવીરત સંઘર્ષ જ અનીવાર્ય છે. તેના ટેકામાં બાબાસાહેબે વારંવાર કહ્યું છે કે  " ગુલામોને  એવો દ્રઢ અહેસાસ જ્યાં સુધી નહી થાય કે અમારે ગુલામ રહેવું જ નથી " ત્યારે જ તેમની ગુલામીનો  અંત આવવો શક્ય છે. તે અંત લાવવો તેમના જ હાથની વાત છે. તે જ તેમની મુક્તીનું પ્રથમ સોપાન છે..... સમગ્ર હીંદુ સમાજ સામે સંઘર્ષ કરતાં પહેલાં તેમણે પોતાની જાત સામે સંઘર્ષ કરી  સ્વતંત્ર માનવીઓને પ્રાપ્ય હોય તેવી બૌધ્ધીક અને નૈતીક નીપુણતા પ્રાપ્ત કરવી પડશે....પાનું ૭અને ૮.

(8)    દલીત સમાજ એક નકારાત્મક, બીનગણનાપાત્ર કે બીનઅસરકારક હીંદુસમાજનો એકભાગ બની ગયો છે. પણ તેણે હીંદુસમાજમાં અસ્તીત્વ ધરાવતા  તમામ શોષીત–વંચીત– સ્રીઓ સહીત વર્ગોના અગ્રેસર (Vanguard) બનવાની જરૂર છે. સૌ શોષીત– વંચીત લોકોનો સહકાર મેળવી સામાજીક અને રાજકીય ક્રાંતી કરવા માટે તે બધાને તૈયાર કરવાની જરૂર છે. ભારતમાં દલીત વસ્તી અને અન્ય પછાત કોમોની બહુમતી છે. તો પછી કોઇ જવાબદાર કારણ ન હોય તેમ છતાં દેશની રાજ્યવ્યવસ્થા કેમ તેમના દ્રારા સંચાલીત નથી? પાન–૯.

(9)    સને ૧૯૩૫ પછી બાબાસાહેબે હીંદુ સમાજપ્રથામાં સુધારાવાદી પ્રયત્નોથી સર્વપ્રકારની સ્થીતીમાં ફેરફાર લાવી શકાય તે આશા ત્યજી દીધી..... તેવી આશા એક દીવાસ્વપ્ન જ છે.... પછી તેઓએ એક પ્રવચનમાં જણાવી દીધું કે ભલે તેઓ હીંદુ તરીકે જન્મયા પણ હીંદુ તરીકે મૃત્યુ પામશે નહી!

દેશ માટે બાબાસાહેબનું વૈચારીક દ્રષ્ટી બીંદુ ( વીઝન)–

(૧) દેશ માટે બાબાસાહેબના વૈચારીક સ્વપ્નનો આધાર ફ્રેંચ ક્રાંતીના ત્રણ માનવ મુલ્યો પર હતો. સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ. ભારતમાં તેનો અર્થ ' સામાજીક લોકશાહી' જ થાય છે. ફક્ત રાજકીય લોકશાહી કે મુડીવાદી પુરસ્કૃત લોકશાહી નહી. રાજકીય અને આર્થીક સત્તાનું મહત્ત્મ શક્ય હોય તેટલું વીકેન્દ્રીકરણ. પક્ષશાહી નહી પ્રજાશાહી .

(૨)  આગામી ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના દીવસે આપણે પ્રથમ પ્રજાસત્તાક દેશ તરીકે આંતરીક વીરોધાભાસી સ્થીતીમાં પ્રવેશ કરીએ છીએ..... ક્યાંસુધી આપણે આર્થીક ને સામાજીક  અસમાનતોઓને સ્વીકારીને ચાલ્યા કરીશું? જો લાંબા સમય સુધી  આ વીષમતાઓ ચાલુ રહેશે તો તે આપણી લોકશાહી પ્રથાને ભયમાં મુકી દેશે!

(૩) બાબાસાહેબનો બંધુત્વનો ખ્યાલ– સંઘર્ષના સાથીઓ વચ્ચે બંધુત્વની ભાવના સતત લડત માટેની પ્રેરણા પુરી પાડે છે. સંઘર્ષ માટેના વાસ્તવીક અનુભવોમાંથી વીકસેલી નૈતીક લાગણી તર્ક આધારીત કે કેવળ બુધ્ધીપ્રેરીત લાગણી કરતાં અનેકગણી પ્રતીબધ્ધ હોય છે. હવે પછીનો ભારતનો સંગ્રામ તેના સમાજે ઉભા કરેલા  દમનખોર સામાજીક વ્યવસ્થાથી અલગપણે કે આઇસોલેશન માં લડી શકાય નહી....પાનું ..૧૭.

(૪) બાબાસાહેબનો રાષ્ટ્રીયતાનો ખ્યાલ–  આજનું રાષ્ટ્ર  વર્તમાનમાં જીવનારા  સામુહીક લોકોની સક્રીય ભાગીદારીનું બનેલું છે. તે બધા જ દેશના તમામ નાગરીકોનું સર્જન છે. કોઇ વર્ગની બાદબાકી કરવાથી  રાષ્ટ્રનું નીર્માણ થઇ શકે નહી. રવીન્દ્રનાથ ટાગોર અને ગાંધીજીની માફક  બાબાસાહેબની રાષ્ટ્રીયતાનો ખ્યાલ માનવકેન્દ્રીત ( હ્યુમેનીસ્ટ) હતો. રાષ્ટ્રીયતાના ખ્યાલ સાથે સામાન્ય રીતે  સામુહીકતા, સંકીર્ણતા, અસહીષ્ણુતા અને ઉગ્રતા જેવાં લક્ષણો જોડાયેલાં હોય છે. પરંતુ બાબાસાહેબનો રાષ્ટ્રીયતાનો ખ્યાલ  તે બધા સામુહીકતા જેવા નકારાત્મક ખ્યાલોથી જોજનો દુર હતો........................પાનું ૧૮.

બાબાસાહેબના ચીંતન અને કાર્યોની મર્યાદાઓ–

(૧) તેઓએ રાજ્ય સંચાલીત વહીવટી સંસ્થાઓ દલિતોના હીતોનું રક્ષણ અને વિકાસ કરશે તેવા ખ્યાલ પર મોટો મદાર રાખ્યો હતો. હીંદુ સમાજમાં દલીતોનું સ્થાન તે પ્રશ્ન રાજકીય ને બદલે સામાજીક હતો. તેઓએ સમગ્ર  હીંદુ સમાજનું નૈતીક અને સાંસ્કૃતીક પરીવર્તન કેવી રીતે થાય તે પર જરૂરી ભાર મુક્યો ન હતો. તેઓએ વારંવાર પોતાના લખાણો અને પ્રવચનોમાં  કહ્યું હતું કે "  Hindu mentality needed to be changed." હીંદુની માનસીકતા બદલવાની જરૂર છે. But how?  જો હીંદુ બહુમતી પ્રજા જ્ઞાતી અને વર્ણવ્યવસ્થા અંગે પોતાના વ્યવહાર અને બદલાવમાં ફેરફાર ન લાવે  તો માત્ર સંસ્થાકીય કે માળખાગત રાજકીય ફેરફારોથી દલીતોના પ્રશ્નો કેવી રીતે ઉકેલી શકાય? શું તેમના પરના અમાનુષી શોષણમાં કોઇ ફેર પડે ખરો?...પાનું ૧૮. (૨૧મી સદીના  છેલ્લા પાંચ વર્ષોમાં ગુજરાત, ઉત્તરપ્રદેશ વી. અન્ય રાજ્યોના  દલીત સમાજ સામેના અમાનવીય અને હીંસક બનાવોનું પૃથ્થકરણ કરી જુઓ? ભાવાનુવાદકનું નીરીક્ષણ.)

(૨) પ્રો. ભીખુ પારેખના તારણ પ્રમાણે તેનો ઉકેલ ગાંધી અને આંબેડકરના વીચારોના સમનવ્યમાં રહેલો છે. ગાંધીજીએ પોતાની આઝાદીની ચળવળમાં  હીંદુ કાર્યકરોમાં અસ્પૃશ્યતા હીંદુ ધર્મનું કલંક છે  તેવી ગુનાહીત અને શરમજનક લાગણી પેદા કરાવી શક્યા હતા. બાબાસાહેબે  અસ્પૃશ્યતા સામે જે વીદ્રોહ પેદા કર્યો હતો તેમાં ગાંધીના ચીંતન અને કાર્યે સરળતા સર્જી આપી હતી. ખરેખર બંને મહાનુભાવોનો ફાળો એક બીજાનો પુરક અને મદદ કરતા હતો. એકે હીંદુ જ્ઞાતી પ્રથા સામે અને બીજાએ અસ્પૃશ્યતા સામે, એકે  નૈતીકતા અને સાંસ્કૃતીક મુલ્યો પ્રમાણે અને જ્યારે બીજાએ આર્થીક અને રાજકીય દ્રષ્ટીકોણથી પરીવર્તન લાવવા પ્રમાણીક અને ગંભીર પ્રયત્નો કર્યા હતા.

(૩) બાબાસાહેબનું તારણ એ હતું કે મજબુત– શક્તીશાળી રાજ્ય  અને તેને અનુરૂપ સદર કલંકને દુર કરવાવાળી  ચુનંદી નેતાગીરીથી આ કામ થાય! પ્રો. ભીખુ પારેખની દ્રષ્ટીએ આ કલંકને દુર કરવા રાજકીય સત્તા મહત્વની છે તે અંગે કોઇ બે મત નથી. પણ  અસ્પૃશ્યતા જેવા હીંદુ સમાજના સદીઓથી જડઘાલીની વીકરાળ બનેલા સામાજીક પ્રશ્નને ઉકેલવા માટે  ફક્ત રાજકીય ઇચ્છા અને તંત્ર શક્તી પુરતી નથી. હીંદુ સમાજનું તેની જ્ઞાતી પ્રથા, વર્ણવ્યવસ્થા વી. સામેના પરીવર્તનો અંગેનું વલણ પ્રત્યાઘાતી અને હીંસક છે તે કોણ નથી જાણતું?

 (૪) સદર પુસ્તકના ભાવાનુવાદકનો અભીપ્રાય– " મારા મત મુજબ ભારતના દલીતોની સામાજીક અને આર્થીક મુક્તીનો આધાર તેમને કૃષી આધારીત જીવન પધ્ધતીમાંથી મુક્તી પર રહેલો છે. આધુનીક ઔધ્યોગીક સાંસ્કૃતીએ સર્જન કરેલ સામાજીક ઓળખ તેમને માનવીય ઓળખ તરફ લઇ જાય છે. જે વીશ્વના તમામ દેશોના સમાજોમાં બન્યું છે. આપણા દેશ માટે અને તેના તમામ વંચીતોના લલાટે વર્તમાન રાજકીય સત્તાના હીતો–પરીબળો આધુનીક અને ઔધ્યોગીક સાંસ્કૃતીકના પાયાના મુલ્યો સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની સામે પડેલા છે. તે જ  દલીતો સહીતના દેશના તમામ વંચીતો માટેના સંઘર્ષનું ઇજન પુરૂ પાડે છે.  

આપણા સૌ માટે આનંદની  વાત છે કે  સદર સમગ્ર પુસ્તકને  અમારા નવસારીના સાથી ગોવીંદભાઇ મારૂએ આજે  " ઇ–બુક" તરીકે બાબાસાહેબને શ્રધ્ધાંજલી રૂપે પ્રકાશીત કરી છે. તેથી સહેલાઇથી ડાઉનલોડ કરી વાંચી શકાશે. શુભેચ્છા સાથે...

ઇ–બુકની લીંક આ છે https://govindmaru.files.wordpress.com/2021/04/ebook_46_baabaasaaheb_aambedkarno_vaaraso_2021-04-14.pdf પરથી આ ઈ.બુક ડાઉનલોડ કરવા વીનન્તી છે. *ગોવીન્દ મારુ*

 


--

Saturday, April 10, 2021

એકાએક આપણાદેશમાં વેક્સીનના પુરવઠાનો પ્રશ્ન કેમ પેદા થઇ ગયો?

એકાએક આપણા દેશમાં વેક્સીનના પુરવઠાનો પ્રશ્ન કેમ પેદા થઇ ગયો?

કે કરવામાં આવ્યો?

 કેન્દ્ર સરકારે હવે વેકસીનના પુરવઠા માટે નીતિ નક્કી કરી–  " જેને જરૂરત છે તેને વેક્સીન મલશે પણ જે ઇચ્છે છે તેને વેક્સીન નહી મલે"! ( Centre's criteria  – those who need the vaccine, not those who want it)

શરૂઆતને તબક્કે એ યોગ્ય હતું કે  જેને આપણે ' કોરોના વોરીયર્સ' તરીકે ઓળખતા હતા તે બધાને પ્રથમ વેક્સીનના ડોઝ આપવાના નક્કી કર્યા હતા. પણ પછી ' સીનીયર સીટીઝન્સ,અને ૪૫ વર્ષની ઉપરની ઉંમરનાને કેટલીક શર્તોએ. પણ હવે આગળ કોને?  પુખ્ત ઉંમરના ને જેને રસી મુકાવી હોય તેને હવે કેમ નહી?

આજને તબક્કે દેશ, તેની કુલ વસ્તી આશરે ૧૩૫ થી ૧૪૦ કરોડના એક ટકાને પુરા બે ડોઝ વેક્સીન આપી શક્યો નથી. સરકાર ફક્ત દેશની કુલ વસ્તીના છ ટકા લોકોને પરાણે એક ડોઝ વેક્સીનનો આપી શકી  છે.એક તબક્કો આ વિષયમાં એવો હતો કે વિશ્વના દેશો સમક્ષ સૌથી ( સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇંડીયા અને અન્ય કું ના સહકારથી) વધુ વેકસીન ઉત્પાદન કરનાર આપણો દેશ હતો. ભારતના વડાપ્રધાન તે માટે ગૌરવ લેતાં અને આપતાં થાકતા ન હતા! આપણા પડોશી દેશો તથા અન્ય ગરીબ દેશોને ભારતે મફત વેક્સીનના લાખો ડોઝ આપીને મોટી માનવ સેવા કરી હતી.  કેન્દ્ર સરકારે તેના ચાલુ વર્ષે રજુ કરેલા નાણાંકીય બજેટમાં રૂપીયા–૩૫૦૦૦/ કરોડની જોગવાઇ વેક્સીન ખરીદી અને મફત નાગરીકોને આપવાની જોગવાઇ સ્પષ્ટ રીતે કરી હતી.

 હવે જ્યારે દેશમાં કોવીડ–૧૯ થી સંક્રમીત નાગરીકોની સંખ્યા દરેક રાજ્યમાં કુદકે અને ભુસકે વધી રહી છે, ત્યારે કેન્દ્ર સરકારની  નવી નીતિ " જેને જરૂરત હશે તેને રસી મલશે પણ જેની રસી મુકાવવાની ઇચ્છા હશે તેને નહી મલે " તે નીતીના પરિણામો દુરોગામી કેવા આવશે તેના વિષેનો વિચાર કરવો જ ધ્રુજારી ઉપજાવે તેવો છે.  

દેશના મોટાભાગના રાજ્યોમાં વેક્સીનના પુરવઠાનો પ્રશ્ન ગંભીર બનતો જાય છે. મુંબઇ જેવા મહાનગરમાં વેક્સીન મુકવા માટે ઉભા કરેલા કેન્દ્રો વેક્સીનના  પુરવઠાના અભાવ ને કારણે બંધ કરવા પડયા છે. આજનાતા. ૧૦–૦૪–૨૧.ટા ઓફ ઇં ના પહેલા પાને સમાચાર છે કે ગુજ– ના મુખ્યમંત્રી કહે છે કે " છેલ્લા ચાર દિવસથી  વેક્સીનનો પુરવઠો રાજ્યમાં પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ નહી હોવાથી રસીકરણનો કાર્યક્રમ મંદ પડી ગયો છે. આવું બોલ્યા પછી  ડે. સી. એમ. નિતીન પટેલ જણાવે છે કે છેલ્લા ત્રણ દિવસમાં ૧૫લાખ ડોઝનો પુરવઠો આવી ગયો છે." બંને સમાચારો  સાથે જ પ્રકાશીત થયા છે !

આ હકિકતને પુષ્ટી આપે તેવા સમાચાર કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી હર્ષવર્ધને આપ્યા છે. સરકારી બાબુઓએ નક્કી કર્યુ છે અને આરોગ્ય મંત્રીનો ટેકો છે કે  જે રાજ્યોમાં કોવીડ–૧૯નો ' સેંકડ વેવ' ની અસર ઉગ્ર છે ત્યાં અમે તાત્કાલીક ડોઝ મોકલીશું. તેનો તર્ક અને તારણ કાઢી શકો કે સમગ્ર દેશના તમામ નાગરીકો માટે વેકસીનનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી.

વધુમાં ટા. ઓફ. ઇ. પોતાના તંત્રી લેખમાં સ્પષ્ટ લખે છે કે  સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇંડીયાએ મોદી સરકારને લેખીત જણાવ્યું છે કે અમારે વેક્સીનના ડોઝની સખત વધતી માંગને પહોંચી વળવા અને ઉત્પાદન વધારવા માટે ૩૦૦૦ કરોડ રૂપીયાની અનિવાર્ય જરૂર છે તો મદદ કરો.. પ્રતિ ડોઝની રૂ/ ૧૫૦ની કિંમત તો અમને પોષાય તેમ જ નથી. અમારે ઉત્પાદન સ્થગીત કરી દેવું પડશે અને દેશમાં બીજી વેક્સીન બનાવનાર કુંપની માટે તો જો વેક્સીન આ ભાવે વેચવી પડે તેમ હોય તો  આ ધંધામાંથી જ બહાર નીકળી જવું પડશે.

 મોદી સરકારને કોણ યાદ કરાવશે કે  નાણાંમત્રી નિર્મલા સીતારામનજીએ તો ચાલુ વર્ષના બજેટમાં ૩૫૦૦૦ કરોડ રૂપિયા ફક્ત કોવીડ–૧૯ની વેક્સીન ખરીદવા માટે રોકટોક વગર ફાળવેલા ( The Centre must recall it had earmarked Rs 35000 crores in this year's budget for Covid-19 vaccine sales.) જ છે. 

તંત્રી લેખમાં વધુમાં લખેલું છે કે  સીરમની માંગણી તો સરકારના નાણાંકીય સગવડ સામે તો કાંઇ નથી.  મોદી સરકારને ખબર છે  ખરી કે  આ દેશ વ્યાપી બીજા વાયરસની અસર તેના અર્થતંત્ર પર  કેટલી મોટી પડી રહી છે? મોદીજી ! અને દેશના નાગરીકોને તંત્રીલેખ વધુમાં જણાવે છે કે  દેશવાસીઓ! સીરમે  ઇન્સ્ટીટયુટે વેક્સીન બનાવવાની જવાબદારી  એકલે હાથે ' કોવીશિલ્ડ'  બજાર કે સરકારની માન્યતા મલે તે પહેલાં પોતાના નાણાંકીય સાધનોમાંથી બનાવવાનું નક્કી કરવાનું જોખમ લઇ જ લીધું હતું. (  SII has shouldered most of the vaccination burden, including a risky Covishield manufacture much ahead of market approval.)

ભારત સરકાર, અમેરીકાની નવી સરકારે વેક્સીન અંગે જે તાત્કાલીક પગલાં લીધાં છે તેને સમજે. અમેરીકાના પ્રમુખ જો બાઇડેનની સરકાર જે ૨૦ જાન્યઆરી પછી વહીવટમાં આવ્યા કે તરતજ તેણે વેક્સીન સાથે સંલગ્ન તમામ ક્ષેત્રોને પોતાના દેશમાં  વેક્સીન બનાવતી ખાનગી કુંપનીઓ સહિત ને પણ સરકારી નાણાંકીય મદદ અવિરત પુરી પાડી છે. અમેરીકાની ૧૮ વર્ષ ઉપરના તમામ દેશના ત્રીજા ભાગના નાગરીકોને (૧૦ કરોડ લોકોને) વેક્સીનનો પ્રથમ ડોઝ આપી દીધો છે. પ્રતિ દિન ૩૦ લાખ નાગરીકોને વેક્સીન અમેરીકાની સરકાર મફત આપે છે. ૪ જુલાઇના રોજ, પોતાના સ્વાતંત્રય દિવસે અમેરીકાને રાષ્ટ્ર પ્રમુખ જો બાઇડેનને દેશને સંપુર્ણ કોરોના–૧૯ મુક્ત બનાવી દેવાનું વચન આપ્યું છે. ડોમેસ્ટીક અને ફોરેન એરફ્લાઇટ પણ કેટલીક શરતોને આધીન શરૂ કરી દીધી છે.(The government must take a cue from US's Operation Warp Speed, accelerating public funding for vaccine companies.The trust in private sector initiative has culminated in President Biden commencing universal adult vaccination from April 19. )

 સરકારને સંબોધીને તંત્રીલેખમાં વધુ લખવામાં આવ્યું છે દેશની વસ્તી પ્રમાણમાં વેકસીન ઉત્પન્ન કરતી બીજી વિદેશી કું ઓ પાસેથી પણ વેક્સીનનો પુરવઠો તાત્કાલીક ધોરણે મંગાવવો જોઇએ . કયા કારણોસર સરકાર કોવિક્ષીન વેક્સીન બનાવનાર ' ભારત બાયોટેક ' કુંપનીને  સરકાર મંજુરી આપીને બજારમાં વેચાણ માટે લાવતી નથી? તે કું એ તો પોતાના ત્રણ ટ્રાયલ તો પુરા કરી દીધા છે.કદાચ તાત્કાલીક પરવાનગી આપે તો પણ બજારમાં આવતાં તેને ૧૦ થી ૧૫ દિવસ લાગી જાય!  

લોક મનોરંજક ઉપાયો ( Populists solutions) જેવાકે  મર્યાદિત લોકડાઉન કે રાત્રી કરફ્યુ અને જેને જરૂરત હોય તેને આપવી અને ઇચ્છા હોય તેને ન આપવી, આ બધા પગલાંથી કોવૌડ–૧૯ના સેંકડ વેવને નિયંત્રણમાં રાખવામં કોઇ મદદ મલવાની નથી.

 આપણને એક સરકારી તંત્ર તરીકે લગભગ એક વર્ષનો સમય ઓક્સીજનનો પુરવઠો વધારવા, હોસ્પીટલમાં બેડ અને તેની સંલગ્ન સગવડો  તથા વેન્ટીલેટર્સની સંખ્યામાં વધારો કરવા તથા એન–૯૫ગુણવત્તા ધરાવતા માસ્કનો પુરવઠો વધારવા મલ્યો હતો. આ બાબતે કોઇ જવાબદાર? તંત્રની બેદરકારી કે લાંબી દ્રષ્ટી ( વિઝીન)ની ગેરહાજરીના પરિણામો માટે  કોને શોધવા જઇશું?

આજ દિવસના ઇન્ડીયન એક્ષ્પ્રેસનો તંત્રી લેખ જણાવે છે કે અમારો ધંધો આજને તબક્કે કોવીડ–૧૯ના બીજા તબક્કાના બેકાબુ બનવા માટે કોઇને જવાબદાર શોધી કાઢવાની પેલી ચલકચલાણીની રમત રમવી નથી. તેનાથી કોઇ પ્રશ્ન ઉકેલાવાનો નથી. બીજુ કે શરૂઆતને તબક્કે જેને વેક્સીન આપવાની  જરૂરત સૌથી વધારે હતી  તે કામ તંત્રે પુરૂ કરી દીધું છે. હાલ તો કોરોના વાયરસ સામેનું યુધ્ધ લડીને પ્રજાને મોતના ઢગલા બનતી અટકાવાની છે. માટે એકજ નીતિ જોઇએ. જ્યાં જે મલે અને વેક્સીન લેવા તૈયાર હોય તેને  વેકસીન આપી જ દો. જરૂર પડે તો ઇન્ડીયન એક્ષપ્રેસના તંત્રી ગંભીર બની ને સુચન આપે છે કે  આ મુદ્દે રાજ્ય સરકારો કેન્દ્રી નીતિવિષયક નિષ્ફળ ગયેલી નીતિને ફગાવી દઇને પોતાના રાજ્યના નાગરીકોને કોરોના વાયરસના મૃત્યુના મુખમાંથી બચાવવા જે ઉપાયો શોધવા હોય તો તે તમામ ઉપાયો કરીને પોતાના નિર્દોષ નાગરીકોને મોતના મુખમાંથી બચાવે!. ( The last thing India need is the breakdown of Centre-State cooperation that has marked many successes against COVID so far) આ મહામરીથી દેશને બચવવા વિજ્ઞાનનું હોકાયંત્ર (COMPASS) જરૂરી છે. રાજકારણ બિલકુલ જરૂરનું નથી જ. ( સૌજન્ય.  તા. ૮–૦૪–૨૧ના ટાઇમ્સ ઓફ ઇંડીયા તથા  ઇન્ડીયન એક્ષપ્રેસના બંનેના તંત્રી લેખોનો ભાવાનુવાદ તે પણ ટુંકાવીને આભાર સહ.)

 


--

Wednesday, April 7, 2021

માનવીય ઇચ્છા બલવાન કે ઇશ્વર ઇચ્છા બલવાન!

માનવીય ઇચ્છા બલવાન – ક્યાં? અમેરીકામાં ! જે બાયડન આવ્યા પછી અને ટ્રમ્પના ગયા પછી!

અમેરીકાની કોરોના વાયરસ અંગે  દેશના નાગરીકોને  જબ્બર ક્રાંતીકારી સલાહ આપી છે. કોણે? દેશની સરકાર તરફથી સંચાલીત સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન ના ડીરેક્ટર સાહેબે..( Dr. Rochelle Walensky, director of the Centers for Disease Control and Prevention, told reporters at a White House news conference on 2nd April.Friday.)

(૧) અમેરીકાના જે નાગરીકોએ બે ડોઝ વેક્સીનના લીધા હોય તે બધાને દેશની અંદર અને પરદેશમાં વિમાની યાત્રા કરવામાં કોઇ જોખમ નથી. પરંતુ  સલામતી તરીકે તે બધાએ માસ્ક પહેરવો તથા યોગ્ય દુરી ( ડીસ્ટન્સ) રાખવું જરૂરી છે. અગાઉ આજ સંસ્થાએ ડોમેસ્ટીક એન્ડ ફોરેન એર ટ્રાવેલ પર પ્રતીબંધ જાહેર કર્યો હતો.

(૨) વિશ્વ પ્રમાણભુત દૈનીક ' ન્યુયોર્ક ટાઇમ્સ ના ડેટાબેઝ પ્રમાણે નવા વાયરસની સામાન્ય અસર અને  મૃત્યની અસરમાં પણ ઘણો બધો નોંધપાત્ર ઘટાડો થયો છે. દેશની કુલ વસ્તીના૩૦ કરોડ લોકોમાંથી ૧૦ કરોડ લોકોએ (૩૩ટકા લોકોએ) સફળતાપુર્વક પ્રથમ ડોઝ લઇ લીધો છે. અને ત્યાંના નાગરીકોમાંથી ૩૦ લાખ લોકો વેકસીન પ્રતિદિને લે છે તેવા આંકડા છે. વધારામાં આ દૈનીક લખે છે કે હોસ્પીટલમાં દાખલ થયેલા જુના દર્દીઓ સાજા થઇને ઘેર જાય છે. અને નવા દર્દીઓ હોસ્પીટલમાં દાખલ થવાની સંખ્યામાં સતત ઘટાડો થતો જાય છે. (the agency said on Friday that about 101.8 million people — nearly one-third of the total U.S. population — had received at least one dose of a Covid-19 vaccine.) સીડીએસના બોલ્ડ તારણ સામે વૈજ્ઞાનીકો અને બીજા ડૉકટર્સ સાવધાન રહેવું જણાવે છે. જેને સદર સંસ્થા એકલ દોકલ કોઇ બનાવને બિનગંભીર  ગણી મહત્વ આપતી નથી. (Dr. Walensky said. "Yet on the other hand we are saying that if you are vaccinated, evolving data suggests that traveling is likely lower risk.")

ઇશ્વર ઇચ્છા બલવાન ( મોદી ઇચ્છા બલવાન) ભારતમાં.

 કોરાના ભગાવ– થાલી બજાવ, દીઆ જલાવ, મશાલ જલાવ– કોરાના ભગાવ– મોદીજીએ શરૂઆત કરી. હવે આજની પરિસ્થિતિ– કોરોના અંગે દીવ્યભાસ્કરના સમાચારો–

(1)   કોરોના નિયંત્રણ બહાર  જઇ રહ્યો છે. શું જોઇએ? તમે જ નક્કી કરો! તા–૦૧–૦૪– ૨૧ .

(2)   )  કોરોનાથી મૃત્યુ પામેલ પત્નીને શબવાહીનીમાં લઇ પતિ ૪ કલાક સુધી ૩ સ્મશાને રઝળયો, અંતે ચોથા સ્મશાનમાં અંતિમવિધિ– શબવાહિનાના ડ્રાયવરે સેનિટાઇઝ કરવાનો ખર્ચ માંગ્યો. ૨–૪–૨૧.

(3)   ખાનગી હોસ્પી–માં દર્દીઓ ૧૦ દિવસના  એકથી અઢીલાખ ચુકવવા મજબુર. પાનું–૨તા. ઉપર મુજબની.

(4)   કોરોના થી દેશ બેહાલ– દેશમાં પ્રતિરોજના ૮૮ હજાર કેસ. ૫૮૧ મોત.– પાનું૧– તા. ૩–૦૪–૨૧

(5)   )  મોરબીની સીરેમીક ફેકટરીના ૮ કામદારોની હોસ્પી–માં જગ્યા ન હોવાથી જે તે કારખાનામાં સારવાર કરાઇ– પાનું ૮ દિ.ભા. ૩ એપ્રીલ.૨૦૨૧.

(6)    ખેડાજીલ્લામાં કોરોનાનો હાહાકાર– કોરોના વાયરસની બીજી લહેર ઘાતક– વગર લક્ષણે  શરીરનું ઓક્સીજન લેવલ ૫૦% થઇ જાય છે. આજના દી. ભા. ની ચરોતર આવૃત્તી પાન–૧

(7)   હરિદ્રાર કુંભ મેળામાં પ્રતીદિને ૫૦,૦૦૦ નવા શ્રધ્ધાળુ પહોંચે છે. દેશમાં કુંભમેળો કોરોના ફેલાવવાનો ' સુપર સ્પ્રેડર ' બની શકે છે. પાન નં ૧૨,

(8)    ડૉક્ટરોએ કહ્યું વાયરસ મ્યુટેશનને લીધે હાલ કોરોનાનો ચેપ ઝડપી ફેલાઇ રહ્યો છે. અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં ૧૨૦૦ બેડમાંથી ૧૦૦૦ ભરાઇ ગયા, ખાનગી હોસ્પીટલમાં  ૩૯૪૫ બેડ માંથી ૩૨૦૧ ભરાઇ ગયા. પહેલા ચાર હજાર કેસ થતાં ૪૫ દિવસ લાગ્યા, હવે માત્ર છ દિવસ લાગ્યા.. પાનું–૨.

(9)   રાજકોટમાં ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમ્યાન  ૧૯ના મોત... સી એમ રૂપાણીના મોટોભાઇનો આખો પરિવાર કોરોના પોઝેટીવ. પાન ન ૧૬.

(10)                     ચીફ જસ્ટીસ ઓફ ગુજરાત;  માત્ર ૯થી ૬નો કફર્યૂની હવે કોઇ પરિણામ આપી શકે તેમ નથી..

સરકાર; લોકોએ સમજવાનું છે, આ લડાઇ હવે કોરોના અને લોકો વચ્ચેની છે.

 હાઇકોર્ટે કહ્યું; ઝડપથી નીતિ બનાવી નિર્ણય લો નહીં તો તમારા હાથમાંથી કોરોનાને કાબુમાં રાખવાની સ્થિતિ જતી રહે છે. લોકડાઉન લગાવવું પડશે.

કોર્ટે બપોરે કહ્યું–૩–૪ દિવસનો કફ્ર્યૂ લગાવો, સરકારે રાત્રે ૨૦ શહેરમાં રાત્રે કરફ્યૂ લગાવ્યો. પાન નં–૧ તા. ૦૭–૦૪–૨૧.

(11)                    કોરોના પાછળ  સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી જવાબદાર– ઉવાચ– " કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું પાન વિ. એકજ...

(12)                    ૩૦મી. એપ્રિલ સુધી મોટા રાજકીય અને સામજિક મેળાવડા પર પ્રતિબંધ સૌજન્ય. ઉપર મુજબ.

(13)                    સરકાર વધુ ૩ લાખ રેમડીસીવિર ઇન્જ્કેશન ખરીદશે. પાનું–૧૬

(14)                    આ ફોટાઓ મધ્યપ્રદેશની છે. જ્યાં રાજ્યના ગૃહમંત્રી માસ્ક પહેરતા નથી, અને રિક્ષા ચાલકને માસ્ક ન પહેરવા બદલ ઇન્દોરની પોલીસ ફટકારે છે. પાનું ૧૨.

 

 

  


--

Thursday, April 1, 2021

વીશ્વ આધુનિક કેવી રીતે બન્યું?

પુસ્તકના લેખક–ડો પ્રવીણ જે. પટેલ ( સરદાર પટેલ યુની. વિધ્યાનગરના માજીવાઇસચાન્સેલર અને  ભુતપુર્વ પ્રો. સમાજશાસ, એમ. એસ. યુની. વડોદરા.)

સદર પુસ્તકનું આમુખ યુ કે સ્થિત લોર્ડ પ્રો. ભિખુભાઇ પારેખે લખ્યું છે. પુસ્તકનું અર્પણ – એક સમયના ક્રાંતીકારી વિચારક અને બરોડા રેનાંશા કલ્બના આધ્યસ્થાપક, વડોદરાના રાવજીભાઇ પટેલ ( મોટા) અને પ્રો.ડૉ વિનુભાઇ કોઠારી, ભુતપુર્વ વડા અર્થશાસ્ર વિભાગ એમ. એસ. યુની. વડોદરા ને અર્પણ કરેલ છે.

લેખક પ્રવીણભાઇએ સદર પુસ્તકમાં એકી સાથે બે પ્રશ્નો ઉકેલવાનો ખુબજ બૌધ્ધીક અને ગંભીર પ્રયત્ન કરેલ છે. એક વિશ્વ આધુનિક કેવી રીતે બન્યું  અને બે ભારત કેમ આધુનીક રાષ્ટ્ર ન બન્યું?  બંને પ્રશ્નોના જવાબ લેખકે સરસ રીતે આપ્યા છે. આ અંગેના પૃથ્થકરણમાં લેખકે પોતાનું બૌધ્ધીક સાતત્ય જાળવી રાખ્યું છે.

(1) ભારતનું અધુરુ આધુનીકરણ –ભારતના સમાજ જીવનમાં હજુ પણ ધર્માંધાતા, અંધશ્રધ્ધા, વહેમ, મંત્ર–તંત્ર, ચમત્કાર,તથા બનાવટી સાધુબાવાઓનું વલણ બેસુમાર છે. આઝાદીના ૭૦ વર્ષ પછી પણ આપણી સદીઓ પુરાણી સંસ્કૃતિ અને સમાજ વ્યવસ્થામાંથી ઉભા થતા કેટલાક પ્રશ્નો આપણો કેડો જ છોડતા નથી. જ્ઞાતીપ્રથા અને તેમાંથી ઉપજતા સંઘર્ષો, ભાષાકિય અને ધાર્મીક ઓળખના( Identity) સંકીર્ણ ખ્યાલોને લઇને છાશવારે થતાં કોમી હુલ્લડો; ખાપ જ્ઞાતી(પંચાયતો) દ્રારા વ્યક્તીઓના અંગત જીવનમાં થતી બિનજરૂરી દખલ, જ્ઞાતી કે પરિવારના  સન્માન ખાતર કરાતી હત્યાઓ ( Honour killings), સ્રીઓ, દલિતો અને અન્ય નબળા વર્ગોની દયનીય સ્થિતિ, દિકરીઓને જન્મના અધિકારથી વંચીત રાખવા માટે થતી ભૃણહત્યાઓ; આપણી સરકારોની અક્ષમ્ય બિનકાર્યક્ષમતા; લોકશાહીના નામે સંસદની અંદર અને બહાર થતી વરવી અથડામણો વગેરે આવા પ્રશ્નોના કેટલાક ઉદાહરણો છે. તેથી સ્વાભાવીક રીતે જ કોઇપણ ચિંતનશીલ વ્યક્તીને થાય કે  એકવીસમી સદીમાં પણ આપણે આધુનીક સભ્યતાથી આટલા બધા દુર કેમ છીએ ? પાન–૮.

(2) પશ્ચિમની આધુનીક સંસ્કૃતીમાં આજે માનવ ગરીમા ( ડીગનીટી ઓફ ધી ઇન્ડીવીડયુઅલ), લોકશાહી સ્વતંત્રતા, સામાજીક ન્યાયનો સિધ્ધાંત,વિજ્ઞાન, નિત્ય નવી નવી ટેકનોલોજી,વગેરેને સાહજીકતાથી લેવામાં આવે છે. પણ તેના મુળિયાં લગભગ અઢીહજાર વર્ષ પહેલાં પ્રાચીન ગ્રીસના વિદ્વાનોએ શરૂ કરેલ તર્કયુક્ત અને અનુભવજન્ય વિચારધારામાં રહેલાં છે. આ હજારો વર્ષો પુર્વેની વિચારધારાને સહારે પશ્ચિમના જગતે છેલ્લાં ચારસો–પાંચસો વર્ષોમાં અનેક હેરત પમાડનારી વૈજ્ઞાનીક અને તકનીકી શોધો કરી છે. તેને લઇને પશ્ચમી જગત ફક્ત સમૃધ્ધ જ નહી પણ તાકાતવર બન્યું છે. તેણે ખેતીપ્રધાન અર્થતંત્રમાંથી આધુનીક ઔધ્યોગીક અર્થવ્યવસ્થા તરફ પ્રયાણ કર્યું. અને સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પોતાની આણ વર્તાવી છે. તદ્ઉપરાંત તેમના સામાજીક આર્થીક જીવન વિશે તાર્કીક ને વસ્તુલક્ષી ( Objective) રીતે વિચારી અને અનેક સુધારા કર્યા. સામંતશાહી રાજ્યપધ્ધતિનો ત્યાગ કરીને  ઉદારમતવાદી લોકશાહી પ્રથાનો વિકાસ કર્યો. આ બધા જ પરિવર્તનોએ  યુરોપના દેશોને આધુનીક બનાવ્યા છે.  પાન.૯

(3) અંગ્રેજ રાજ દરમ્યાન, આપણા દેશમાં ૧૯મી સદી સુધી આધુનીક યુરોપીયન વિચારોનો પરિચય ન થયો ત્યાં સુધી ભારતની  સનાતન વિચારધારા સામે  કોઇ મોટા પડકારો ઉભા થયા નહી. પરિણામે જેને પાયાના કે ક્રાંતીકારી વિચારો ફ્રાન્સ અને અમેરીકન ક્રાંતી પછી સમગ્ર પશ્ચીમ દેશોમાં થયા તેવા મોટા વિચારપલટાઓ (Paradigm shifts) ભારતની વિચાર પરંપરામાં આવ્યા નહી.પાન–૧૦.

(4) પશ્ચીમનો વિચાર વારસો–પ્રાચીન કાળથી પશ્ચીમના વિચારકો દૈવીતત્વોને વચ્ચે લાવ્યા વિના ભૌતીક જગતનું જ્ઞાન મેળવવા સતત મથામણ કરતા આવ્યા છે.ભૌતીક વિશ્વ અનેક પરીમાણી (Multidimensional) તથા સતત પરિવર્તનશીલ (Dynamic) હોવાથી  સ્વાભાવીક રીતે જ તે અંગે જુદા જુદા દ્ર્ષ્ટીકોણથી જોઇ શકાય છે. આવા જુદા જુદા અવલોકનોને લીધે  ભૌતીક જગતના અસલી કે આદર્શ સ્વરૂપ અંગે પશ્ચીમમાં અનેક વાદવિવાદો કે મતમતાંતરો સતત ઉભા થતા આવ્યા છે. કેટલાક વિદ્વાનોના મતે  આવા અવિરત ચાલતા વાદવિવાદ એ પશ્ચીમી સંસ્કૃતીનું આગવું લક્ષણ છે. આવા વિચારવલોણાને લીધે પશ્ચીમમાં અનેક મોટા વિચારપલટાઓ ( Paradigm Shifts) આવ્યા છે. આવા વિચારપલટાઓને સમજવા માટે લેખકે સરસ રીતે ટુંકમાં પશ્ચીમીવિચારધારાને ત્રણ ભાગમાં વિભાજીત કરી છે. એક પ્રાચીન યુગ, બે મધ્યયુગ અને ત્રણ આધુનીક યુગ. પાન–૧૧.

(5) આમ  સમય જતાં પશ્ચીમી જગતમાં લોકોની ધર્મ પ્રત્ત્યેની વફાદારીનું સ્થાન રાષ્ટ્ર પ્રત્યેની વફાદારીમાં પરિવર્તન થઇ ગયું....અસમાનતા અને અન્યાયને પોષક એવી  સામંતશાહી રાજનીતિને સ્થાને સમાનતા અને લોકશાહી મુલ્યો અસ્તિત્વમાં આવ્યા. ખેતી આધારીત અર્થવ્યવસ્થા તથા સમાજવ્યવસ્થાના સ્થાને  મુડીવાદી ઔધ્યોગીક અર્થવ્યવસ્થા અમલમાં આવી ગઇ..... સામાજીક ન્યાય અને નાગરીકતાનો ખ્યાલ વિકસ્યો....પાન.૧૭.

ઉપર જણાવેલા માનવ પરિવર્તનના પ્રવાહોને સમજવા માટે લેખકે  પુસ્તકને ત્રણ જુદા જુદા ખંડોમાં વહેંચી નાંખ્યું છે.

પ્રથમ જ્ઞાન મિમાંસા, બે સામાજીક મિમાંસા અને ત્રણ રાજકીય મિમાંસા.

(અ)ખંડ એક– જ્ઞાન મિમાંસામાં લેખકે  જ્ઞાન, વિજ્ઞાન અને સત્યની વિભાવનાઓની પુસ્તકના મુખ્ય વિચાર વૈશ્વીક આધુનીકતાને ન્યાય મલે તે દ્રષ્ટીએ ખુબજ સરસ અને સરળ નિરૂપણ કરેલ છે. ભારતીય વિચારજગતમાં અને પશ્ચીમી વિચાર જગતમાં જ્ઞાન–વિજ્ઞાન– અને સત્યના ખ્યાલોનો વિકાસ કેવો થયો છે, આપણા દેશમાં ભૌતીક વાસ્તવીકતાને બદલે જગતને માયા ગણીને મોક્ષ–અધ્યાત્મ– અને પાપ–પુન્ય વીના ખ્યાલોમાં સમાજને ગળાડુબ રાખીને માનવ સહજ વિકાસને અવળા પાટે કેવી રીતે લઇ જવામાં આવ્યો તેના પરિણામો કેવા આપણે ભોગવી રહ્યા છે તેનું બૌધ્ધિક પણ ખુબજ સરળ સામાન્ય માણસ સમજી શકે તે રીતે લેખકે  આ બધા વિષયોને ન્યાય આપ્યો છે.

(બ) ખંડ બે– સામાજીક મીમાંસામાં લેખકે મનુષ્ય, સારુ જીવન,  સામાજીક અસમાનતા, ન્યાય, અને  સામાજીક ન્યાય જેવા વિષયોની સરસ ચર્ચા કરેલ છે. મનુષ્ય એટલે શું? ભારતિય ચિંતન પ્રણાલીમાં માનવી એક  પુર્વજન્મ, વર્તમાન જન્મ અને પુર્નજન્મના વર્તુળકાર સમયનું કે ( Circular Time)૮૪લાખ જન્મના ફેરામાં 'કરોળીયાના જાળામાં' ફસાયેલું એકમ. તેની સામે પશ્ચીમી જ્ઞાન આધારીત માનવની વિભાવનાને ક્રમશ; સાર્વભૌમ (Sovereign) પોતાનો ભાગ્ય વિધાતા પોતે જ છે તેવીરીતે સત્તાધીશ બનાવ્યો. અંગ્રેજીમાં જેને " Life, liberty & pursuit of happiness જેવા ભૌતીક અને માનવીય મુલ્યોને પોતાના માર્ગદર્શક બનાવીને માનવકેન્દ્રી સમાજ, અર્થ અને રાજ્યવ્યવસ્થાનું નિર્માણ કર્યું. જન્મજાત કે સામાજીક અસમાનતાથી પેદા થતા સંઘર્ષોને હકારાત્મક રીતે ઉકેલ્યા. તેની સામે ભારતીય સમાજમાં અસમાનતાના પોતે જે અશાંતી, હિંસા અને સામાસામી હિતોના સંઘર્ષોનું બુધ્ધીગમ્ય પૃથ્થકરણ કરેલ છે. તેવીજ રીતે લેખકે કુદરતીન્યાયના સિધ્ધાંતનો ક્રમશ વિકાસ કેવી રીતે થયો અને કેવી રીતે  તે અબાધિત કુદરતી માનવ અધિકારો બની ગયા તેનું પણ સરસ નિરૂપણ કરેલ છે. સારુ જીવન એટલે સાદુ જીવન નહી તે મુદ્દો પણ લેખકે લીધો છે.

(ક) ખંડ ત્રણ– રાજકીય મીમાંસામાં  લેખકે સરકાર, લોકશાહી  સ્વતંત્રતા અને  નાગરીકની ચર્ચા કરેલ છે. વર્તમાન સરકાર એટલે લોકો પર શાસન કરતી સરકાર. સરકાર અને રાજ્ય વચ્ચે તફાવત હોય છે. રાજ્ય કાયમી છે. જ્યારે સરકારમાં સત્તા પરિવર્તનો નિહિત હોય છે. રાજ્યનું સત્તાવિહીન બનવું, ચીમળાઇ જવું, ( The State shall weather away) તે ખ્યાલ જ અરાજકતા તરફ સમાજને દોરી જનારો છે. સમાજમાં શાંતી અને  વ્યવસ્થા માટે રાજ્ય અનિવાર્ય છે... જીસ કી લાઠી ઉસકી ભેંસ તેવી વ્યવસ્થાનો ખ્યાલ જ વ્યક્તિગત હિત અને સામુહિક હિત માટે બિલકુલ અયોગ્ય છે.... ભારતીય  પ્રાચીન વિચારધારામાં રાજ્ય એટલે રાજાશાહી રાજ્યવ્યવસ્થા. તેમાં રાજાને પ્રજાપર રાજ્ય કરવાના દૈવી હક્ક્ને અનુમોદન આપવામાં આવેલ હતું. જે ભારત સને ૧૯૫૦માં પ્રજાસત્તાક બનતાં નાબુદ કરવામાં આવેલ છે. સ્વતંત્રતતાના ખ્યાલને લેખકે વ્યાજબી નિયંત્રણ સાથે યોગ્ય ગણયો છે. જે પ્રજાના જાહેરહિત માટે  જરૂરી છે.

લેખકે વધુમાં ખાસ કરીને ઇગ્લેંડમાં લોકશાહી પ્રથા ક્રમશ સને ૧૨૧૫ કે તેરમી સદીથી ' મેગ્ના કાર્ટા' કેવી રીતે રાજાના અબાધિત દૈવી હક્ક્ને નિયમન કરીને પ્રજામાં લોકશાહી મુલ્યો પ્રસ્થાપિત કર્યા તેની પણ નોંધ આ વિષયના પૃથ્થકરણમાં લેવાનું ભુલ્યા નથી.રાજકીય મીમાંસાના આ પ્રકરણમાં માનવી કેવી રીતે પ્રાચીન સામાજીક ઓળખ જેવી કે ટોળી, કબીલો, જ્ઞાતી, જાતી, પ્રાદેશીક ઓળખમાંથી તે નાગરીક ( DEMOS) બની અને  ઇશ્વર અને રાજ્યસત્તાધીશોની ઢુંસરીમાંથી મુક્ત બની તે બધાનો નિયામક બન્યો તેની ઉત્ક્રાંતિ પણ તેમાં ચર્ચી છે.

આમ જોઇએ તો સૌ રેશનાલીસ્ટ, માનવવાદી, લોકશાહીના ચાહકો માટે તેમજ રાજકારણ, સમાજકારણ અને તત્વજ્ઞાનના વિધ્યાર્થીઓ માટે પણ " વિશ્વ આધુનિક કેવી રીતે બન્યું? " પુસ્તક માર્ગદર્શક, મિત્ર અને ધ્રુવતારક બની શકવાની ક્ષમતા ધરાવે છે.

પુસ્તકનુંપ્રાપ્તિ સ્થાન–  પ્રવીણ જેં પટેલ, ૧૦૦૧, "પવનવીર" પ્રતાપગંજ, વડોદરા–૩૯૦૦૦૨. મો. 98797 63083 .

પુસ્તકની સહયોગ રાશી ૨૦૦/ (બસો).

પ્રકાશક–ગૂર્જર સાહિત્ય પ્રકાશન,૧૦૨, લેન્ડમાર્ક બીલ્ડીંગ, 'ટાઇટેનીયમ' , સીટી સેન્ટર પાસે , સીમા હોલ સામે , ૧૦૦ ફુટનો રોડ, પ્રહલાદનગર, અમદાવાદ-380015. Mo- 98252 68759.

બીપીન શ્રોફ. 97246 88733.

 


--