Tuesday, November 21, 2023

નૈતિકતા -ધાર્મિક નૈતિકતા - બંધારણીય નૈતિકતા -

નૈતિકતા -ધાર્મિક નૈતિકતા - બંધારણીય નૈતિકતા -


નાગરિક તરીકે શું પસંદ કરશો? કેમ? શાથી?

સૌ પ્રથમ ધર્મનિરપેક્ષ માનવવાદી તરીકે મારા ત્રણ પાયાના મૂલ્યો છે.સ્વતંત્રતા,રેશનાલિટી(તર્કવિવેકબુદ્ધિ)અને ધર્મનિરપેક્ષ નૈતિકતા.

  1.  સ્વતંત્રતા એક પાયાના માનવ મૂલ્ય તરીકે તે સજીવ ઉત્ક્રાતિની દેન છે.જીજીવિષા ટકાવી રાખવાના જૈવિક સંઘર્ષમાંથી તે વિકસી છે.આમ આ મુલ્ય બધા મૂલ્યોનું મૂલ્ય છે.બાકીના તમામ મૂલ્યો તેમાંથી વિકસ્યાં છે. સ્વતંત્રતા કોઈ પણ પ્રકારના સામાજિક, રાજકીય કે ધાર્મિક એકમની ભેટ કે દેન કે ઉપકાર નથી જ. તમામ સામુહિક એકમોની તે જનેતા છે. તે બધા સામુહિક એકમો માનવ કલ્યાણ માટે છે. માનવી તેમના કલ્યાણ કે હિતો માટેનું સાધન હરગિજ નથી.  

  2. જૈવિક સંઘર્ષમાં કુદરતી નિયમબધ્ધતાએ માનવીને રેશનલ બનાવ્યો છે. જીજીવિષા ટકાવી રાખવા તે સત્યશોધક બન્યો.જીવવા માટે સારું શું છે અને ખોટું શું છે તેવી તર્કવિવેકબુદ્ધિ તેણે કુદરતી પરિબળોના નિયમોને સમજીને વિકસાવી છે.

  3. " The man is moral because he is a rational being." માનવીય નૈતિકતા એટલે (સમૂહ જીવન જીવવા માટેના વ્યવહારો) માનવી તરીકે રેશનાલિટીને આધારે સારું અને સમૃદ્ધ જીવન જીવવું.

  4.  હવે આપણે ધાર્મિક નૈતિકતાના ખ્યાલને સમજીએ. માનવવાદી નૈતિકતાના ખ્યાલને કોઈ સ્નાનસૂતકનો સંબંધ ધાર્મિક નૈતિકતાના ખ્યાલ સાથે  હોઈ શકે નહીં. માનવીય નૈતિકતા ઐહિક છે.તેમાં  માનવ માનવ વચ્ચે સહકાર, સુમેળભર્યા અને સમૃદ્ધ સંબંધો કેળવાય તેવું અપેક્ષિત છે. તેને ક્યારેય ધાર્મિક નૈતિકતાના બીબામાં ગોઠવી શકાય નહીં. માટે તાર્કિક રીતે માનવ માનવ વચ્ચેના સંબંધો ક્યારેય ધાર્મિક હોઈ જ ન શકે ! 

  5. ધાર્મિક નૈતિકતા માનવીના મૃત્યુ પછીના વ્યવહારો માટે છે. કોઈપણ સમાજ,દેશ અને દુનિયામાં વસતા નાગરિકો માટે ધાર્મિક નૈતિકતાના સંબધો એક માનવીને બીજા માનવી સાથેના વ્યવહારમાં હિંસક અને  અસહિષ્ણુ બનાવે છે. એકબીજા સાથેના  નફરતભર્યા વ્યવહારોને પેદા કરે છે,પોષે છે અને પોતાના વારસોને તેના ઝેરી બીજ મિલ્કત તરીકે આપીને જાય છે. 

  6. દેશના સંક્રાંતિકાળમાં આજે સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયાધીશ શ્રી ચંદ્રચુડ સાહેબ બંધારણીય નૈતિકતાના(Constitutional Morality) ખ્યાલના સૌથી મોટા ટેકેદાર છે. આપણા દેશમાં જે ધર્મોના ટેકાવાળા નૈતિકતાના વ્યવહારો છે તે બંધારણીય નૈતિકતાના મૂલ્યોથી વિરોધી છે.ધાર્મિક,જ્ઞાતિય,જાતીય,અને વંશિય ઓળખો,ચિન્હો, નિશાનીઓ બંધારણીય આમુખના  મૂલ્યો જેવા કે સામાજિક ન્યાય,સમાનતા, બંધુત્વ અને સ્વતંત્રતાના અમલની વચ્ચે આવે છે. બંધારણીય નૈતિકતા આધારિત સમાજ સુધારાની રચના કરવામાં આ બધા ધાર્મિક નૈતિકતાની ઓળખો મોટા પાયે અડચણ રૂપ બની જાય છે.વૈજ્ઞાનિક અભિગમ, તાર્કિકવિચારપઘ્ધતિ અને માનવવાદી જીવનપદ્ધતિ આધારિત નાગરિકોની ફરજો વિકસાવવામાં બાધારૂપ બને છે. અસ્પૃશ્યતા નિવારણ,સમાન નાગરિકધારો,શિક્ષણ અને આરોગ્ય સેવાઓને મૂળભૂત અધિકારોનો દરજ્જો આપવો,વગેરે બાબતોમાં પેલી બધી ધાર્મિક ઓળખોના સામાજિક દબાણો લોકસભા અને રાજ્યસભાઓના કામકાજોને અવરોધે છે. રોકે છે.  

  7. સદર બંધારણીય નૈતિક મૂલ્યો વૈશ્વિક છે, માનવ સહજ છે. જયારે ધાર્મિક નૈતિકતાના મૂલ્યો પારલોકિક છે. તેથી આપણી દિશા અને ધ્યેય બંધારણીય મૂલ્યો આધારિત સમાજ સુધારાની તરફેણની જ હોઈ શકે.

—------------------------------------------------------------------------------         





--