બૌધ્ધ ધમ્માનું મુલ્યાંકન –બાબા સાહેબ આંબેડકરની દ્રષ્ટીએ. ભાગ–૧.
"તથાગત બુધ્ધ મોક્ષ દાતા નહી, મુક્તિ દાતા હતા" ––– બાબાસાહેબ આંબેડકર.
બાબાસાહેબ બુધ્ધને કોઇ દૈવી પુરુષ, ઇશ્વરી અવતાર તરીકે કદાપી સ્વીકારતા ન હતા. પણ તેમના વિચારોને એક માનવીના શાણપણ (Wisdom derived from earthly observation & its logical deduction)ભર્યા વિચારો તરીકે માન આપતા હતા. બુધ્ધને તે માનવજાતના મોક્ષ દાતા તરીકે નહી માર્ગદાતા તરીકે સ્વીકારતા હતા. પૃથ્વી પર આપણે ઇન્સાન તરીકે જન્મયા છીએ માટે દુ;ખ એ આપણા જીવનનો ભાગ છે. દુન્યવી દુ:ખોથી ભાગવાનું નથી. પણ દુ:ખના કારણો શોધી અને તેના ઉપાયો શોધવાના છે. આ દુ:ખોથી ગભરાઇને દુન્યવી જીવનનો ત્યાગ કે તેમાંથી છટકી જવાનો માર્ગ બોધ્ધનો ધમ્મ નથી. બાબાસાહેબે બુધ્ધને પોતાના માર્ગદાતા તરીકે સ્વીકારીને અને પોતાના શાણપણ અને તર્કને આધારે બુધ્ધના ધમ્મમાં વ્યક્તિગત અને સમાજના પ્રશ્નોનું નિરાકરણ શોધ્યું હતું.
બુધ્ધના ગૃહત્યાગમાં સામાન્ય લોકવાયકાના ચાર પ્રસંગો, ઘરડો માણસ,એક બિમાર આદમી,સંન્યાસી અને શબ જે જોવાથી દુન્યવી દુ:ખો દુર કરવાનો માર્ગ શોધવા ગૃહત્યાગ કર્યો હતો. બાબાસાહેબનું આ મુદ્દે એક ક્રાંતીકારી અને તર્કબધ્ધ તારણ જુદુ છે. તેમનું તાર્કીક મન એ સ્વીકારવા તૈયાર નથી કે બુધ્ધના માટે પેલા જન્મ પછી રાજ જોષીએ જે ભવિષ્ય વાણી કરેલી કે આ રાજકુંવર તરીકે મહેલોની ઐયાશીથી પ્રભાવિત નહી થાય અને ગૃહત્યાગ કરીને મહાન રુષી બનશે. આ સરળ લોકવાયકા બાબાસાહેબને અસ્વીકાર્ય છે.
બાબાસાહેબની પ્રજ્ઞા ઉપરની હકીકતને તાર્કીક રીતે એટલા માટે સ્વીકારવા તૈયાર નથી.કારણકે સિધ્ધાર્થ જેવો મેઘાવી વ્યક્તિત્વ ધરાવનાર રાજકુંવર, જેને તે ઉંમરમાં તમામ પ્રકારની રાજ્ય સંચાલનની તાલિમ ન મળી હોય? ૨૯ વર્ષ સુધી દુનીયાના પેલા ચાર દુ:ખોની માહીતીથી અજાણ હોય! સહેલાઇથી મનમાં ઉતરી જાય તેવી દલીલ નથી. સિધ્ધાર્થના ગૃહત્યાગ પાછળ કોઇ વ્યક્તીગત કારણને બદલે કોઇ ગંભીર સામાજીક કે રાજકીય ઘટના ખરેખર જવાબદાર હોવી જોઇએ.
શાક્ય ગણરાજ્ય(સિધ્ધાર્થનું ગણરાજ્ય) અને કોહીલી ગણરાજ્યની વચ્ચે રોહીણી નદીના પાણીની વહેંચણીનો વિવાદ ઘણા વર્ષોથી ચાલુ હતો. તે વર્ષ દુકાળ પડયો અને તે પાણીની વહેંચણી વિવાદ બે રાજ્યો વચ્ચે એટલો ગંભીર બની ગયો કે સામસામી યુધ્ધની નોબત આવી ગઇ! શાક્યોના સેનાપતિએ પોતાના ગણરાજ્યની સભામાં સદર યુધ્ધના પ્રસ્તાવની દરખાસ્ત મુકી.ગણરાજ્યના મોટાભાગની પ્રતિનિધિઓ યુધ્ધની તરફેણમાં હતા! શાક્ય રાજ્ય સિધ્ધાર્થનું ગણરાજ્ય હતું. તેમણે વિરોધ કર્યો કે કોઇપણ પ્રશ્નનો ઉકેલ યુધ્ધ તો ન હોવો જોઇએ! યુધ્ધમાં તો બંને પક્ષકારો વચ્ચે કાયમી નફરતનાં બી નાં વાવેતર થાય છે. નફરતથી નફરતનો અંત આવતો નથી. તેનો અંત તો પ્રેમથી આવે! અને અંતે બંને પક્ષોની ખુવારી જ થાય છે.સંઘ કે સભાના સભ્યો સિધ્ધાર્થની વાત માનવા તૈયાર ન હતા.બહુમતીને યુધ્ધ કરવું હતું.
શાક્યની સભાએ સિધ્ધાર્થ સમક્ષ ત્રણ શરતો મુકી. એક યુધ્ધમાં ભરતી થઇ જાવ. બે યુધ્ધમાં ના જોડાવું હોય તો શાક્યગણ રાજ્યમાંથી કાયમી દેશ નિકાલ. ત્રણ તમારા પરિવારનો કાયમી સામાજીક બહિષ્કાર ઉપરાંત તમારી તમામ સંપત્તિ જપ્ત કરી લેવામાં આવશે.સમગ્ર સભાથી વિરુધ્ધ જઇને સિધ્ધાર્થે શું નિર્ણય કર્યો? એક બાજુ પોતાનો સિધ્ધાંત અને બીજીબાજુ અમલ ન કરે તો સર્વનાશ! બાબાસાહેબના તારણ પ્રમાણે આ કોઇ એકાએક સ્વયંભુ પેદા થયેલ વૈરાગ્ય ન હતો.સિધ્ધાર્થ માટે આ એક સામાજીક અને નૈતીક સંઘર્ષ હતો.એકબાજુ સિધ્ધાંતનો અમલ કરવાની પ્રતિબધ્ધતા અને બીજીબાજુએ પોતાના કુુટુંબની સ્થિરતા, શાંતિ અને પ્રેમ વચ્ચે પસંદગી કરવાની હતી. સિધ્ધાર્થે યુધ્ધમાં જોડાવાને બદલે સામુહિક માનવતાના કલ્યાણનો માર્ગ પસંદ કર્યો! પરિવ્રાજક(સંન્યાસ) બનવાનો માર્ગ પસંદ કર્યો.
ડૉ. બાબાસાહેબના મત પ્રમાણે આ કોઇ એકાએક ચમત્કારીક રીતે કે પેલા ચાર દુન્યવી દુ:ખો જોઇને ભાવનાત્મક બનીને ગૃહત્યાગનો નિર્ણય ન હતો. તે સિધ્ધર્થના શાણપણ, નૈતિક અને સામાજીક સંઘર્ષનું પરિણામ હતું.યુધ્ધમાં ભાગ લેવાનો ઇન્કાર કર્યો! માનવતાના કલ્યાણ માટે રાજપાટ,કુટુંબ અને ગૃહત્યાગ કર્યો. બાબાસાહેબનું દર્શન તર્ક અને સામાજીક ન્યાય પર આધારીત છે.તેમના માટે બુધ્ધ એક ક્રાંતિના પ્રતિક હતા. બુધ્ધનો યુધ્ધનો વિરોધ એક વ્યક્તિગત નિર્ણયને બદલે રાજનૈતિક આખરીનામું (અલ્ટિમેટમ) હતું. તે સમાજના બુધ્ધ એક જનનાયક બની ગયા . જેને પ્રજાએ એક એવા જનનાયક કે જે પ્રજા સાચાકલ્યાણ માટે નિજી સર્વસ્વનો ત્યાગ કરે છે.જે માનવ કલ્યાણ અને શાંતિ વિરુધ્ધના બહુમતના નિર્ણય સામે ઝુકવાનો ઇન્કાર કરે છે. બુધ્ધના આ નિર્ણયને કારણે તેઓ સમગ્ર સંઘર્ષની સ્થિતિમાં મુકપ્રેક્ષકને બદલે સક્રીયરીતે અન્યાયપુર્ણ યુધ્ધની સામે પ્રતિકાર કરવા કટીબધ્ધ રીતે ઉભા રહે છે. સદર નિર્ણય બુધ્ધના ચારિત્ર્યને વધારે સક્રિય અને સંઘર્ષશીલ બનાવે છે. બસ ત્યાર પછી સિધ્ધાર્થમાંથી તથાગતબુધ્ધ બનવા માટેનું મહાભિનિષ્કરણ શરુ થાય છે. જેણે એક ઉદ્દેશને સિધ્ધ કરવા માટેનો નીજી સંબંંધો અને રાજપાટથી ભરેલા જીવનનો ત્યાગ હતો.
મહાભિનિષ્કરણ પહેલી નજરે એક લાંબી અંતવિહિન યાત્રાની શરુઆત હતી. સૌ પ્રથમ તે સમયના રુષિમુનીઓ, ધર્મગુરુઓ વિ.પાસેથી સત્યશાોધક તરીકે સંવાદ, ચર્ચા, કઠોર તપશ્ચર્યા, શરીર દમન વિ. માધ્યમો દ્વારા માનવીના વ્યક્તિગત અને સામુહિક પ્રશ્નોના ઉત્તરો શોધવા પ્રયત્નો કર્યા જે સફળ ન થયા. " શરીરને કષ્ટ આપીને મનના પ્રશ્નો ઉકેલી ન શકાય" તેવા દ્રઢ તારણ પણ તે આવી ગયા. સત્યશોધક તરીકે ખુબજ સહજતાથી તે સમજી ગયા કે શરીર દમન એ વ્યક્તિ કે સામુહિક મુક્તિનો માર્ગ બની શકે નહી. " આત્યંતિક ભોગવિલાસ કે આત્યંતિક સ્વદમન કે પરદમનનો માર્ગ માનવીય સમસ્યાના ઉકેલનો માર્ગ ન બની શકે." બંનેની વચ્ચેનો મધ્યમ માર્ગ જ શ્રૈષ્ઠ માર્ગ છે.
અંતિમ પડાવ ગયા મુકામે પિપળાના વૃક્ષ નીચે જે પરમ જ્ઞાન પ્રાપ્ત થયાની માન્યતા છે તેનો અર્થ એટલો જ છે કે તે દિવસથી દિવ્ય જ્ઞાન, પરમ જ્ઞાન, ચમત્કાર કે ઇશ્વરી કૃપાની શોધના માર્ગો ભુલીને " આત્મ દિપો ભવ" નો માર્ગ જ શ્રૈષ્ઠ માર્ગ છે તેને આધારે બાકીનું જીવન જીવવાનું નક્કી કર્યો. તે નિર્ણયે જ ગૌતમ કે સિધ્ધાર્થને "તથાગત બુધ્ધ" બનાવી દીધા. ૨૯ વર્ષની ઉંમરે તથાગત બુધ્ધ બનતાં શાણપણ લાધ્યું કે " મારે જ મારા ભાગ્યના વિધાતા બનવાનું છે." કોઇ મને મોક્ષ માર્ગ શોધી આપશે જ નહી. માટે મારે મારા મોક્ષ દાતાને બદલે મારા પોતાના જ મુક્તિ દાતા બનવાનું છે.
—--------------------------------------------------------xxxxxxxxxxxxxxxxxxx—-------------------------------------
બૌધ્ધ ધમ્માનું મુલ્યાંકન –બાબા સાહેબ આંબેડકરની દ્રષ્ટીએ. ભાગ–૨
હવે તથાગત બુધ્ધે શોધી કાઢયું હતું કે જેને શોધવામાં રાજગાદી, પત્નિ યશોધરા, પુત્ર રાહુલ વિ. નો ત્યાગ કર્યો હતો! માનવ માત્રના દુ:ખનું કારણ શું છે? અને તેનો ઉપાય પણ શું છે? તેમણે શોધી કાઢયું કે માનવ માત્રના દુ:ખનું કારણ "તૃષ્ણા" ( Insatiable human wants) છે. તેના સંતોષ માટેની અજ્ઞાનતા કે અવિધ્યા– આધારિત સાધનોનો બેરોકટોક ઉપયોગ છે. માનવ જીવનમાં વ્યક્તિગત અને સામાજીક દુ:ખોના કારણો પાંચ ઇન્દ્રીયોની મદદ લઇને, નિરિક્ષણો કરીને પ્રજ્ઞા, વિવેક–સમજનો ઉપયોગ કરીને તર્કને આધારે શોધી શકાય છે. માનવીય સમસ્યાઓના ઉપાયો માટે કોઇ આકાશી દેવોને રિઝવવાની જરુર બિલકુલ નથી. ઇન્દ્રીયજન્ય અનુભવનું સત્ય શોધવા માટે વિવેક–સમજ–પ્રજ્ઞાનો ઉપયોગ કરવાની જરુર છે. શું માનવ સમાજની સામુહિક સમસ્યાઓના ઉપાય પણ નીજી સમસ્યાઓના ઉકેલની માફક ચોક્ક્સ થઇ શકે? માટે તો પેલા પોતાના ગણ રાજ્ય શાક્યના કોહલી ગણ રાજ્યની સાથેના પાણીની વહેંચણીના પ્રશ્ને શાંતિ,ધૈર્ય, વિવેક અને જ્ઞાન કે પ્રજ્ઞા આધારીત ઉકેલી શકાય તેવી પોતાના જ્ઞાન આધારિત તારણની તરફેણમાં રાજ્ય, ગૃહત્યાગ વિ.સહજતાથી કરીને તે સત્યને આધારે સર્વસ્વ ન્યોચ્છાવર કરી દઇને આખરે તથાગત બુધ્ધ બન્યા.
બુધ્ધને માટે, જે છ વર્ષો સુધી મહાભિનિષ્ક્રમણ કરીને જે માનવ દુ:ખોના વ્યક્તિગત અને સામુહિક કારણો અને ઉપાયો શોધી કાઢયા તેને કેવી રીતે વ્યક્તિગત અને સમાજ પરિવર્તનની ચળવળ કે ક્રાંતિમાં રુપાંતર થઇ શકે તે એક ખુબ જ ગંભીર પ્રશ્ન હતો. કારણકે તેઓને પોતાના પહેલાંના છેલ્લા એક હજાર વર્ષોથી જે વેદો–ઉપનિષદો વિ. આધારીત બ્રાહ્મણવાદી– સનાતની ધાર્મીક વિચારસરણીએ જે સમાજમાં સામુહિક અને વ્યક્તિગત સ્થગિતતા, બંધિયારપણું અને પરોપજીવી કર્મકાંડી પ્રણાલીઓ પેદા કરી હતી તેનો માનવીય પ્રજ્ઞાનો ઉપયોગ કરીને વિકલ્પ –અવેજ પુરો પાડવો હતો.બુધ્ધને મન વેદિક ધર્મ માનવીને ઇશ્વરનો ઉપયોગ એક ક્ષણિક પીડાશામક તરીકે અથવા થોડા સમય માટેના 'પેઇન કીલર' તરીકે ઉપયોગ કરવાનું શીખવાડતો હતો. તેઓના મનમાં આ મુદ્દે પણ ખુબજ મહામંથન ચાલતું હતું. માનવ દુ:ખો (કર્મો) તમામ ભૌતીકવાદી છે. દુન્યવી છે. તેના સર્જન માટે માનવ અજ્ઞાન,અંધશ્રધ્ધા અને ઇન્દ્રીયજન્ય અનુભવોના ખોટા તારણ જવાબદાર છે.માટે બુધ્ધ એ જમાનામાં કદાચ વિશ્વના પ્રથમ ભોતીકવાદી દાર્શનીક– ધર્મનિપેક્ષ માનવવાદી( Secular Humanist) હતા જેણે માનવ સમસ્યાઓના ઉકેલ માટે તમામ ઇશ્વરી દાવાઓને ફગાવી દઇને માનવ પ્રજ્ઞાને સત્ય શોધવાના માર્ગ તરીકે ધમ્મ બનાવ્યો.
બાબાસાહેબને મન તથાગત બૌધ્ધ કોઇ ઇશ્વરી પેગંબર,મોક્ષ દાતા,કે કોઇ દિવ્ય ચમત્કારી પુરુષ ન હતા. પણ એક સામાજીક વૈજ્ઞાનીક કે ભૌતીકવાદી દાર્શનિક હતા. બુધ્ધે પોતે ઇશ્વરી સંદેશાવાહક તરીકેનો કોઇ દાવો કર્યો જ નહતો. બાબાસાહેબને મન બુધ્ધ એક આપણા સૌના જેવાજ હાડ–માંસ–અને ચામડીથી બનેલા સિર્ફ એક પ્રબુધ્ધ ઇન્સાન હતા. જેણે પોતાની પ્રજ્ઞા–સમજ–શાણપણ નો ઉપયોગ કરીને માનવ દુ:ખોના કારણો શોધી કાઢીને માનવીય સહકારથી તેના ઉપાયો શોધી કાઢયા હતા.ખરેખર બુધ્ધે છ વર્ષના મહાભિનિષ્ક્રમણમાં કોઇ રાતોરાત, એકાએક આંખ મીચી, પલાઠીવાળી ધ્યાન કરવા બેઠા અને પછી ચમત્કાર થઇ ગયો, દિવ્યપ્રકાશ દેખાયો કે ઇશ્વરી સત્ય લાધ્યુ તેવો કોઇ દાવો કર્યો જ નથી. હા! આવી વેદીક ધર્મે સદીઓથી પેદા કરેલ આવી અંધશ્રધ્ધાને પડકારી. સાથે સાથે માનવ દુ:ખોના પેદા થવાના કારણો શોધી કાઢયા અને માનવ પ્રજ્ઞા, તર્ક અને સમજનો ઉપયોગ કરીને કુદરતી નિયમબધ્ધતાના સંચાલન કરતા જ્ઞાન આધારીત નિયમો શોધી કાઢીને એક નવાજ ધમ્મનું સર્જન કર્યું.બુધ્ધ બનવાની એક લાંબી સતત વિકસતી જતી બૌધ્ધીક પ્રક્રીયા છે. સતત આત્મ ચિંતન,અનુભવ અને સુધારનું પરિણામ છે; પણ તે એક માનવીય પ્રક્રીયા છે. તેમાં કોઇ ઇશ્વરી મદદ કે ચમત્કારનું સ્થાન બિલકુલ નથી.
હવે બુધ્ધને માટે એક ખુબજ વિશાળ સમસ્યા પેદા થઇ ગઇ! એક હજાર કરતાં વધુ સમયથી બંધિયાર બનેલા, યજ્ઞો, બલી, દાન, સુરા અને સુંદરીમાં એકબાજુ ભોગવિલાસ ભોગવતા સ્થાપિત હિતોના સંરક્ષક અને સાથે સાથે કર્મકાંડી નસીબવાદી બનેલા વેદીક સમાજમાં "તું તારા દિલનો દિવો બન! આત્મ દિપો ભવ:" તે તત્વજ્ઞાન આધારીત "બુધ્ધમ શરણંમ ગચ્છામિ, ધમ્મ શરણંમ ગચ્છામિઅને સંઘમ શરણંમ ગચ્છામી."ના માનવીય સત્યોનું સર્જન તે બધામાં કેવી રીતે કરવું? બ્રાહ્મણ ધર્મના "મોક્ષ"ના ખ્યાલ સામે બુધ્ધે " કરુણા" આધારીત ધમ્મનું સર્જન કરવાનો વિકલ્પ પેદા કર્યો.
બુધ્ધના ધમ્મમાં પેલા વેદીક ધર્મે પેદા કરેલ સામાજીક વિકૃતીઓ જેવી કે એક બાજુ આમ પ્રજાનું ધાર્મીક શોષણ કરીને એકત્ર કરેલ સાધન સંપત્તીમાં ભોગ વિલાસમાં ઉપયોગ કરવો અને બીજુ મૃત્યુ પછીના જીવનમાં મોક્ષ પ્રાપ્ત કરવા માટે વર્તમાન વ્યવસ્થામાં પોતાના શરીરનું દમન કરવું. બંને માર્ગ યોગ્ય નથી. જીવનમાં દુ:ખના ઉપાયો માટે સદર બંને આત્યંતિક માર્ગો ન ચાલે! યોગ્યતો મધ્યમ માર્ગ જ શ્રૈષ્ઠ માર્ગ છે. હું ઉપરના બંને માર્ગો માંથી પસાર થયો છું. અને ત્યારબાદ મેં મધ્યમ માર્ગ પસંદ કર્યો છે.
મધ્યમ માર્ગના ત્રણ ભાગો છે. એક અષ્ટાંગિક માર્ગ– બેે શીલ માર્ગ અને ત્રણ પ્રજ્ઞાનો માર્ગ.બુધ્ધના ધમ્મમાં અંધશ્રધ્ધાને કોઇ સ્થાન નથી. વૈજ્ઞાનિક અનુભવને સ્થાન છે.ઇન્દ્રીયજન્ય આત્મ અનુભવ, તેના આધારિત ચિંતન પછી તર્કનો ઉપયોગ કરીને સત્ય શોધવું અને તેનો માપદંડ "કરુણા". માનવીમાં તે પ્રમાણે ક્ષમતા પેદા કરીને પોતાનામાં પરિવર્તન લાવવું અને પછી તેવા અન્ય સાથીઓને પેદા કરીને સમાજમાં પરિવર્તન લાવવું. બુધ્ધના ધમ્મનું સત્ય નિરિક્ષણ, તર્ક અને માનવ અનુભવ પર આધારીત છે.તેમાં કોઇ પારલૌકીકતાનો અંશ લેશ માત્ર નથી.બુધ્ધનો ધમ્મ કોઇ વ્યક્તિગત મોક્ષનો માર્ગ નથી. પણ આ જીવનમાં સારુ જીવન કઇ રીતે જીવાય તેના માટેનો ક્રાંતિકારી માર્ગ છે.તે ધર્મપુસ્તકને બદલે દુન્યવી દુ:ખોનો તર્ક આધારિત માર્ગ શોધી કાઢીને જીવન કેવી રીતે તે પણ સંપન્નતાથી જીવાય તેનો માનવીય ઢંઢેરો હતો.
પરંપારિક ધર્મ અને બુધ્ધના ધમ્મ વચ્ચે મુળભુત તફાવત કયા કયા છે? શું ધર્મનો અર્થ દુન્યવી વાસ્તવિકતાઓને સમજી અને તેના ઉકેલ માટે મથવું કે પછી કે તે દુનિયાની બધી વાસ્તવિકતાઓથી ભાગવું? બુધ્ધે ક્યારેય દૈવી વાણી પ્રાપ્ત થઇ કે તપ–જપ–ત્યાગના સમયે કોઇ ઇશ્વરી સંદેશો મલ્યો અને બુધ્ધ તેના વાહક, શોધક હતા તેવો દાવો ક્યારેય કર્યો ન હતો. તે મોક્ષ દાતા નહી પણ માર્ગદાતા હતા તે તેમના ધમ્મનો મુળભુત પાયો હતો! માનવીએ આ પૃથ્વીપર સારુ,સુખ–શાંતિમય જીવન જીવવા માટે કોઇ પુજારી, ગુરુ કે ચમત્કારી નો હાથ તારણહાર તરીકે પકડવાની જરુર નથી.આત્મ દિપોભવ: માનવ મુક્તિ કે નિર્માણનો આધાર માનવીના સ્વપ્રયત્નો પર છે. કોઇ બાહ્ય માનવીયત્તર પરિબળ પર બિલકુલ નહી. માટે જ બોધ્ધ ધમ્મ એક ભૌતીકવાદી, નિરઇશ્વરવાદી દુન્યવી ધમ્મ હતો.તે કોઇ આસમાનથી ઉતરી આવેલો ધર્મ નહતો.એક ઇન્સાન દ્વારા ઇન્સાનો માટે શોધી કાઢેલો તર્ક સંગત માર્ગ હતો.તે એક માનવકેન્દ્રીત માનવધમ્મ હતો.
–––––––––––––––––––––––––xxxxxxxxxxxxxxxxxxxxxxxxxx—-----------------------------------
હવે પછી –બૌધ્ધ ધમ્માનું મુલ્યાંકન –બાબા સાહેબ આંબેડકરની દ્રષ્ટીએ. ભાગ–૩.