Friday, August 26, 2016

આપણી રેશનાલીઝમ અંગેની સુઝ કે સમજશક્તી(પર્સેપ્શન) કેવી છે?

What's your perception of rationalism?

        આપણી રેશનાલીઝમ અંગેની સુઝ કે સમજશક્તી(પર્સેપ્શન) કેવી  છે?

        રેશનાલીઝમ એક વીચારસરણી છે. તે એક જીવન પધ્ધતી છે. સાથે સાથે તે એક દુન્યવી સત્ય(આધ્યાત્મીક     સત્ય નહી.)શોધવાનું સાધન છે. તેના પાયા ત્રણ છે. એક વૈજ્ઞાનીક અભીગમ, બે, ધર્મનીરપેક્ષ માનવવાદ( સેક્યુલર હ્યુમેનીઝમ) અને ત્રણ,માનવકેન્દ્રીત, (ઇશ્વર કેન્દ્રીત નહી) જગતનો દ્રષ્ટીબીંદુ. રાજ્ય, રાષ્ટ્ર, સમાજ કે ધર્મ, જાતી, જ્ઞાતી જેવા કોઇપણ કાલ્પનીક સમુહમાટે વ્યક્તીનું બલીદાન કે ભોગ લેવાય નહી તેવી વીચારસરણી.વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત માનવીનું સશક્તીકરણ થાય તેવી વીચાર પધ્ધતી. હવે રેશનાલીઝમના ત્રણ પાયાઓને વીગતે સમજીએ.

     વૈજ્ઞાનીક અભીગમ એટલે શું?

(૧) રેશનાલીસ્ટ કોઇપણ બનાવ કે પ્રસંગને કોઇપણ જાતના પુર્વગ્રણ સીવાય ખુલ્લામનથી ( એન ઓપન માઇન્ડડેડ)પૃથ્થકરણ કરે છે. ધર્મ પુસ્તકમાં લખ્યું છે, નેતા, વડીલ કે મા–બાપ, શીક્ષક, કહેવાતા ગુરૂઓએ ઉપદેશ આપ્યો છે, માટે તે સત્ય તેવું રેશનાલીસ્ટ કયારેય સ્વીકારતો નથી. પરંપરાથી ચાલુ આવે છે, સમાજના બહુમતી લોકોએ રોજબરોજના જીવનમાં સ્વીકારી લીધું છે માટે સત્ય તેવું રેશનાલીસ્ટ ક્યારેય સ્વીકારતો નથી. તે પોતાની તર્કવીવેકબુધ્ધી આધારીત કારણની સર્વોપરીતાને સ્વીકારે છે. સત્ય શોધવાની તેની પધ્ધતી તટસ્થ, હકીકત કે પુરાવા આધારીત વૈશ્વીક હોય છે. આ રીતે રેશનાલીસ્ટે શોધી કાઢેલા સત્યો વૈજ્ઞાનીક પધ્ધતી આધારીત  હોવાથી જગતના કોઇપણ ખુણે વૈજ્ઞાનીક ઢબે પૃથ્થકરણ કરતા કોઇપણ માનવીના તારણોથી ક્યારેય જુદા હોઇ શકે નહી. જગતમાં બનતી કોઇપણ ઘટનાને વૈજ્ઞાનીક પધ્ધતી પ્રમાણે પૃથ્થકરણ કરવાથી તારણ જુદુ આવી શકે નહી. વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત શોધી કાઢેલા સત્યો શાશ્વત હોય છે.  આ સત્યોનો આધાર તેના શોધકોથી પણ સંપુર્ણ સ્વતંત્ર અને નીરપેક્ષ હોય છે.  વૈજ્ઞાનીક સત્યો શોધનારના મૃત્યુ સાથે તેણે શોધેલા સત્યો ક્યારેય મૃત્યુ પામાતા નથી. જયારે ધાર્મીક ધર્મગુરૂઓના સત્યો કે ઉપદેશો તેમના મૃત્યુ સાથેજ મૃત્યુપામે છે. કારણકે તે બધાનો આધાર વૈજ્ઞાનીક અભીગમ હોતો નથી. તેમના તારણો સાબીત ન થઇ શકે તેવા અંગત તારણો પર આધારીત હોય છે. ધર્મગુરૂઓના સત્યોનો આધાર તેમની ધાર્મીક અંગત સત્તા હોય છે જેને વૈજ્ઞાનીક પધ્ધતીને આધારે તપાસી શકાતા નથી.આવા સત્યનો આધાર કુદરતી પરીબળોની સમજણને બદલે અલૌકીક (સુપરનેચરલ) પરીબળોમાં શ્રધ્ધા હોય છે.

વૈજ્ઞાનીક અભીગમનું પ્રેરકબળ અલૌકીક પરીબળોમાં સંપુર્ણ અવીશ્વાસ છે. રેશનાલીસ્ટને દ્રઢ વીશ્વાસ હોય છે કે આ વીશ્વમાં બનતી કોઇપણ કુદરતી ઘટનાને વૈજ્ઞાનીક નીયમોને આધારે સમજાવી શકાય છે. કદાચ જે કોઇ કુદરતી રહસ્યો આજે સમજાતા નથી તે વૈજ્ઞાનીક પધ્ધતી આધારીત માનવીય પ્રયત્નોથી આવતી કાલે ચોક્ક્સ સમજાશે. દરેક ઘટના કાર્યકારણના નીયમનું જ પરીણામ હોય છે. ભલે વ્યક્તીગત ધોરેણે તે સમજાય કે નહી. તેમાં કશું અલૌકીક કે દૈવી હોતું જ નથી. ખરેખર વૈજ્ઞાનીક જ્ઞાનને જાણવા માટે પધ્ધતી છે, તે મુક્ત અને ખુલ્લી હોય છે, તે જુનવાણી કે પ્રત્યાઘાતી ને બદલે પ્રગતીશીલ હોય છે. તે વૈશ્વીક અને સ્વસુધારાવાદી ક્ષમતા( સેલ્ફકરેક્ટીંગ) ધરાવતી હોય છે. તે ધારણાઓકે કલ્પનાઓ કરતાં પુરાવા આધારીત હોય છે.

મુદ્દા નંબર બે, ધર્મનીરપેક્ષ માનવવાદ અને ત્રણ માનવકેન્દ્રીત જગતનું દ્રષ્ટીબીંદુ હવે પછીની ચર્ચામાં.


--