ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટના બે અઠવાડીયા–
નવા વર્ષની વીસમી જાન્યુઆરીના દીવસે અમેરીકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ બન્યા. આજે તે હકીકતને બે અઠવાડીયા પુરા થયા છે. ' પુત્રના લક્ષણ પારણામાંથી'ની માફક એક પછી એક ટ્રમ્પના નીર્ણયોની અસર અમેરીકા દેશમાં તેમજ વીશ્વ ફલક પર આંખે ઉડીને વળગે તેવી દેખાવા માંડી છે. વીશ્વ અને તેમના દેશમાં પણ, માનવ અધીકારો, લોકશાહી મુલ્યો,અખબારી સ્વાયતત્તા,અને અમેરીકામા પ્રવેશ બંધી વગેરે મુદ્દાઓ, બાબતે તેઓએ લીધેલા નીર્ણયોને કારણે જાણે એકદમ રાજકીય અંધાધુધી જેવો મોહોલ પેદા થઇ ગયો છે. તેની સામે વીશ્વના કેટલાક ખાસ દેશોએ ટ્રમ્પના નીર્ણયોને આવકાર્યા છે. જુદા જુદા દેશના વડાઓએ કયા કયા કારણોસર ડોનાલ્ડ ટ્રમ્પ અને તેઓના નીર્ણયોને આવકાર્યા છે તે આપણે સમજી શકીશું તો આપણે નવા અમેરીકાના પ્રમુખને વધુ સરળતાથી ઓળખી શકીશું. તે બધાએ તો ટ્રમ્પના સુરે નાચવાનું શરૂ કરી દીધું છે.
(૧) ફીલીપાઇન્સ, ઇજીપ્ત અને તુર્કી (Turkey), ત્રણેય રાજયોના વડાઓએ ટ્રમ્પ અને રશીયાના પ્રમુખ પુટીનના 'મૈત્રી કરાર'ને 'બીગ બ્રધર'ના સંબંધો ગણીને આવકાર્યા છે. કારણકે સ્થાનીક રીતે આ બધા દેશોના વડાઓને એવું લાગવા માંડયું છે કે માનવ અધીકાર, અખબારી સ્વાતંત્રય, કાયદાના શાસન તથા શરણાર્થીઓના માનવીય હીતોના ઉલ્લંઘનના મુદ્દે તે એકલા જ નથી.
(૨) કમ્બોડીયાના વડાપ્રધાન એસ.હુન. સેન જેણે પોતાના દેશની પ્રજાતથા મીડીયા વી.ને છેલ્લા ત્રીસ કરતાં વધારે વર્ષોથી લોખંડની બેડી નીચે ગુલામ રાખ્યો છે તેણે ટ્રમ્પને ખાસ અભીનંદન પાઠવ્યા છે.
· (૩) જે પોતાની જાતને 'યુરોપના છેલ્લા સરમુખ્તયાર તરીકે ઓળખાવે છે તે યુરોપના નાના દેશ 'બેલારૂસીઅન' પ્રમુખ એલેકઝેન્ડર લુકાશેનકો જે સને ૧૯૯૪થી સત્તારૂઢ છે તેણે ટ્રમ્પને આવકાર્યા છે કારણકેપોતાના દેશની પ્રજા માટે કોઇ રાજકીય અને આર્થીક આઝાદી નામ સરખી પણ રાખી નથી.આજ પ્રકારનો હ્રદયનો ઉમંગ ઝીમ્બાવેના પ્રમુખ રોબર્ટ મુગાબે જે વર્ષોથી લશ્કરી સરમુખત્યાર છે તેણે બતાવ્યો છે.
(૪) અરે! વીશ્વમાં સૌથી વધારે મુસ્લીમ વસ્તી ધરાવતા દેશ ઇન્ડોનેશીયા અને તેના પડોશી દેશ મલેશીયા જેની બહુમતી વસ્તી મુસ્લીમ છે, તે બંને દેશોએ અમેરીકન પ્રમુખ ટ્રમ્પના મુસ્લીમ વીરોધી બાનનો વીરોધ કર્યો નથી. આ બંને દેશો માટે એ ભુલવાની જરૂર નથીકે તે દેશોમાં માનવઅધીકારોને સતત ડબાવી દઇને પોતાની સત્તાઓ ટકાવી રાખી છે. તે બંને દેશોને એમ લાગે છે કે નવા પ્રમુખ ટ્રમ્પ સાથે સારા સંબંધો રાખવાથી તેમની આપખુદશાહીને કોઇ મુશ્કેલી પડવાની નથી.
(૫) કુવૈતએ પાંચ આરબ દેશોને વીસા નહી આપવાનો નીર્ણય કર્યો છે, જયારે યુનાઇટેડ આરબ અમીરાતે ટ્રમ્પના પરદેશી વસાહતીઓના પ્રવેશબંધના નીર્ણયને આવકાર્યો છે. જે
પરદેશી નીર્વાસીતો પોતાનાદેશમાં પેદા થયેલા મજબુર સંજોગોને કારણે રાજકીય આશ્રય અમેરીકમાં શોધતા હતા તે બધાનાં ભાવીપર ઘોર નીરાશાના કાળાવાદળો છવાઇ ગયા છે.
(૬) માનવ અધીકારો માટે વૈશ્વીક સ્તરપર સૌથી આધારભુત અને ગૌરવશાળી સંસ્થા 'હ્યુમન રાઇટસ વોચ'એ પોતાના તાજેતરના રીપોર્ટમાં જણાવ્યું છે કે છેલ્લા ૨૭ વર્ષના તેના ઇતીહાસમાં અમેરીકા એક રાષ્ટ્ર તરીકે માનવ અધીકારોના જતન અને સંવર્ધનમાં છેક તળીએ બેસી ગયું છે જેના માટે નવા પ્રમુખ ટ્રમ્પ જવાબદાર છે. હ્યુમન રાઇટ વોચ સંસ્થાના વડા કેનેથ રોથનું તારણ છે કે ટ્રમ્પ એવું માને છે કે અમેરીકના માનવીય સ્વતંત્રતાનો વારસો, અમેરીકન નાગરીકોએ ડોનાલ્ડ ટ્રમ્પને આપેલા જનઆદેશની વીરૂધ્ધ છે. જેને કારણે તેઓએ આપેલા ચુંટણી વચનોને અમલ કરાવવામાં મોડુ થાય છે.
આવા અમેરીકન રાષ્ટ્રપ્રમુખના ફોનથી આપણા વડાપ્રધાન ગેલમાં આવી જઇને ગૌરવ ન અનુભવે અને દેશના નાગરીકો સમક્ષ પોતાનું ગૌરવ (અહમ) ન દેખાડે તો જ નવાઇ કહેવાય!