Saturday, February 18, 2017

અમારા દેશની જેલો ખાલી છે. કોઇ દેશને જોઇએ તો ભાડે આપવાની છે!

 અમારા દેશની જેલો ખાલી છે. કોઇ દેશને જોઇએ તો ભાડે આપવાની છે!

વીશ્વના નકશામાં નેધરલેંડસ નામનો દેશ પશ્ચીમી યુરોપમાં આવેલો છે. ત્યાં લોકશાહી શાસન વ્યવસ્થા છે. ત્રણ રાજકીય પક્ષો છે. ગમે તે બે રાજકીય પક્ષો ભેગા મળીને બહુમતી મેળવી સંયુક્ત સરકારો બનાવી ને છેલ્લા ૧૫૦ વર્ષથી લોકાભીમુખ સુશાસન ચલાવે છે. બીજા દેશોના રાજ્યશાસન કર્તાઓને વીચાર કે સ્વપ્ન પણ ન આવે તેવો આ દેશ છે. નેધરલેંડસ દેશની કુલ જેલોમાંથી ૩૩ ટકા જેલો બીલકુલ ખાલી પડેલી છે. આવતા ચાર વર્ષોમાં દેશના ૨૬૦૦ જેલઅધીકારીઓને કાયમ માટે છુટા કરવાના છે. કારણકે તેઓ માટે કોઇ અર્થપુર્ણ કામ જેલોમાં રહ્યું જ નથી.  પડોશી દેશ નોર્વે સાથે ત્રણવર્ષનો કરાર આ મુજબનો કરવામાં આવ્યો છે. " નોર્વે દેશના ૨૪૨ કેદીઓને અઢી કરોડ યુરો ડોલર પ્રતીવર્ષના ભાડે પોતાની જેલમાં રાખવાના છે." આ પહેલાં બીજા પડોશી દેશ બેલજીયમે પોતાના ૫૦૦ કેદીઓને  નેધરલેંડસની જેલોમાં રાખ્યા હતા. ખાલી પડેલી જેલોમાં સરકારે રહેઠાણ માટેના ફેલ્ટસ, રમતગમતના મેદાનો અને રાજકીય શરણાર્થીઓ માટેની સુવીધા પુરી પાડવા ઉપયોગ કરે છે.

પોતાના દેશમાં ઓછા ગુનાઓ થવા પાછળના ઘણા કારણો જવાબદાર છે. ત્યાંની પ્રજા સંપુર્ણ ૧૦૦ ટકા શીક્ષીત છે. સૌથી વધુ જે ઉંમરમાં ગુના બને છે  તે ૧૨ થી ૧૮ વર્ષના વીધ્યાર્થીઓ પોતાના ઘરમાં કમ્પ્યુટર બંધાણી ( કમ્પ્યુટર સેવી) થઇ ગયા છે. શહેરની શેરીમાં રખડતા જ બંધ થઇ ગયા છે. તેને કારણે ગુનાઓનું પ્રમાણ જ ઘણું ઓછું થઇ ગયું છે.આ સ્થીતીએ પહોંચતાં નેધરલેંડસને વીસ વર્ષ થયાં છે. ગુનેગારને કારાવાસમાં પુરી રાખવાને બદલે તેમનો અભીગમ પુર્નવસન (રીહેબીલીટેશન) કરવાનો છે.

 આ દેશને હોલેંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની કેટલીક વીશીષ્ટતાઓ જોઇએ. તેનું અર્થતંત્ર મીશ્રઅર્થતંત્ર એટલેકે જાહેર –ખાનગી ક્ષેત્રોમાં વહેંચાઇ ગયેલું છે. તેની માથાદીઠ આવકમાં વીશ્વમાં ૧૩મા નંબરે છે. વીશ્વનાવીકસીત મુક્તઅર્થતંત્રોમાં ૧૭૭ દેશમાંથી નેધરલેંડસનો નંબર ૧૭મો છે. તેની કુલ વસ્તી કફ્ત એક કરોડ છે. યુનાઇટેડ નેશન્સ વર્લડ હેપીનેસ ઇન્ડેક્ષ પ્રમાણે તે વીશ્વનો સૌથી આનંદી તથા સુખીસમૃધ્ધ  દેશ તરીકે ૭ મે નંબરે આવે છે. તેના જીવનની રહેણીકરણીની સમૃધ્ધીની ગણનામાં તે ટોચના શીખરે આવે છે.વૈશ્વીક કક્ષાએ માનવ વીકાસ આંકમાં તે દેશમાં લેશમાત્ર સામાજીક અસમાનતા નથી. પ્રતી કીલોમીટરે ત્યાં ૪૦૦ માણસો રહે છે. વીશ્વમાં વસ્તીની ગીચતામાં આ દેશનો નંબર ચોથો છે.

નેધરલેંડસ ભૌગોલીક દ્રષ્ટીએ બીલકુલ સપાટ દેશ છે.ત્યાં કોઇ પર્વત નથી, દેશની બધીજ જમીન દરીયાની સપાટી થી ફક્ત ત્રણ ફુટ ઉંચી છે. દેશની ખેતી લાયક જમીનમાંથી ૧૮ ટકાજમીન એવી હતી કે જે દરીયાઇ ખારાશવાળી હતી. તેને ખેતીલાયક દરીયાને ભીતીક રીતે દુર કરીને બનાવી છે. તે માનવ સર્જીત છે. આવી ખેતીલાયક બનેલી જમીનનું લેવલ હજુ દરીયા કરતાં નીચુ છે. આવી ખેતીલાયક જમીનની વાસ્તવીક સ્થીતી હોવા છતાં નેધરલેંડસ અનાજ અને ખેતપેદાશોની નીકાસ કરવામાં વીશ્વમાં અમેરીકા પછી બીજે નંબરે છે.

નેધરલેંડસ સામજીક સહીષ્ણુતામાં ( સોસીયલ ટોલરન્સ)માં પણ વીશ્વમાં અવ્વલ નંબરે છે.વીશ્વમાં તેની પહેચાન એક મોટા ઉદારમતવાદી રાષ્ટ્ર તરીકેની છે. આ દેશમાં ગર્ભપાત,વેશ્યાવૃતી (prostitution) અને સ્વૈચ્છીક મૃત્યુ (euthanasia) કાયદેસર છે. તેની નશીલી દવાઓ અંગેની નીતી પ્રગતીશીલ છે.સને ૨૦૦૧ની સાલથી તે વીશ્વનો પ્રથમ દેશ છે જ્યાં સજાતીય સંબંધોને કાયદેસરની માન્યતા  આપેલી છે. દારૂબંધી નામની નથી.

નેધરલેંડસ યુરોપમાં યુરોપીયન યુનીયનની( ઇ યુ) સ્થાપના કરનાર આધ્યસ્થાપક દેશ છે. આ ઉપરાંત જી–૧૦, વર્લડ ટ્રેડ ઓરગેનાઇઝેશન ( ડબલ્યુ ટી ઓ), વી. નો પણ ફાઉન્ડર મેમ્બર છે. આ ઉપરાંત તેના પાટનગર હેગમાં આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટીસ જેવી પાંચ વૈશ્વીક સંસ્થાઓનું હેડક્વાટર્સ આવેલું છે. નેધરલેંડનું પાટનગર હેગ આમ :વૈશ્વીક ન્યાયતંત્રનું પાટનગર પણ બની ગયું છે. 


નેધરલેંડસ દેશમાં આટલી ઉંચી નૈતીક્તા કેમ છે કે જયાં ગુના બનતા નથી માટે જેલો બંધ કરવી પડે છે?


આ દેશમાં નૈતીકતાનું પ્રમાણ આટલુ બધુ ઉચું કેમ છે?  દેશની ૬૬ ટકા વસ્તીને કોઇપણ ધર્મ નથી. અથવા ધર્મમાં બીલકુલ શ્રધ્ધા નથી. મોટાભાગના નાગરીકોનો સ્પષ્ટ મત છે કે ધર્મ અને રાજય વચ્ચે કોઇ સંબંધ જ ન હોવો જોઇએ. આ બધામાંથી દેશના ૨૫ ટકા નાગરીકોએ જણાવ્યું છે કે તે બધા જ સંપુર્ણ નીરઇશ્વરવાદી કે નાસ્તીક છે. દેશના ૨૫ ટકા નાગરીકો ખ્રીસ્તી ધર્મ પાળે છે.૫ ટકા વસ્તી મુસ્લીમ છે. ૨ ટકા લોકો અન્ય ધર્મોમાં શ્રધ્ધા રાખે છે.

 

 

 

 

Bipin Shroff