માણસ કુદરતનો એક ભાગ છે. જો કુદરત નીયમબધ્ધ હોય તો પછી માણસ નીયમબધ્ધ ( રેશનલ) કેમ ન હોય? ભાગ–૨
હવે આપણે જોઇએ કે માનવી કુદરતનો એક ભાગ જ હોવાથી અને ઇશ્વરી સર્જન નહી હોવાથી તે કઇરીતે નીયમબધ્ધ છે. પ્રથમતો ઉપરની ચર્ચામાં સમજી લીધું કે કુદરત એક ભૌતીક પરીબળ છે દૈવી પરીબળ નથી. હવે જો માનવ અને દરેક સજીવ પણ કુદરતના ભાગ જ હોય તો તે બધા જ ભૌતીક પદાર્થના બનેલા છે. તે બધાના સર્જનમાં પણ ભૌતીકતા જ જવાબદાર છે. તેથી કુદરતી ભૌતીક નીયમો તેને પણ બંધનકર્તા જ હોય. તે બધાના સર્જનમાં કશું જ દૈવી હોઇ શકે નહી.
આ માટે પૃથ્વીના સર્જનકાળના સમયનો અભ્યાસ કરતાં સાબીત થયું કે પૃથ્વીપર સૌ પ્રથમ એક કોષી સજીવ બે નીર્જીવ પદાર્થોના સંયોજનથી અસ્તીત્વમાં આવેલો હતો. એમોનીયા અને મીથેલ સાથે પાણીનું સંમીશ્રણ થતાં અમીબા જેવા સ્વપ્રજનન થઇ શકે તેવા સજીવનું સર્જન થયું હતું. પણ તે સમયે હવામાં ઓકસીજનનું અસ્તીત્વ ન હતું. આજે ઘણા મોટા પ્રમાણમાં ઓકસીજનનું પ્રમાણ છે. તેનાથી જ પૃથ્વીની સપાટીથી ૨૦ માઇલ ઉંચે સુધી ઓઝોનનું પડ બન્યું છે. આ ઓઝોનનું પડ સુર્યના વીઘાતક એવા અલ્ટ્રાવાયોલેટ વીકીરણોથી પૃથ્વીનું રક્ષણ કરે છે. તે સમયે પૃથ્વી પર ઓઝોનના પડની ગેરહાજરીને કારણે સુર્યના અલ્ટ્રાવાયોલેટ વીકરણો સીધા જ પોતાની પુરી શક્તીથી પડતાં હતા. આ ઉપરાંત તે સમયે પૃથ્વીનું ઉષ્ણતામાન અત્યંત ગરમ હતું. દરીયાના પાણીનું તાપમાન પણ ઘણું ગરમ હતું. વૈજ્ઞાનીકો જણાવે છે કે આ ત્રણેય કારણોને લીધે નીર્જીવમાંથી સજીવ અમુક પ્રકારના જટીલ કાર્બન અણુઓ પેદા થયા, જેમને આપણે જીવનના પુરોગામી તત્વો તરીકે ગણી શકીએ.
નીર્જીવ પદાર્થમાંથી સજીવ સૃષ્ટીના સર્જનને સહાયરૂપ સ્થીતીઓનું અસ્ત્તીત્વ પેલા ઓઝોનના પડને કારણે ક્યારનુંય નાશ પામ્યું હતુ. વનસ્પતી– સૃષ્ટીના અનેક સ્વરૂપોને કારણે ક્લોરોફીલના વધારાએ વાતાવરણમાં સતત પ્રાણવાયુનું પ્રમાણ વધતું ગયુ. આપણને સૌને માહીતી છે કે વનસ્પતીમાં રહેલું લીલું ક્લોરોફીલ પોતાનામાં રહેલા પાણીમાંથી પ્રાણવાયુને છુટો પાડવા સુર્યપ્રકાશનો ઉપયોગ કરે છે. આ રીતે છુટો પડેલો પ્રાણવાયુ પૃથ્વીના વાતાવરણમાં સંઘરાતો ગયો.અને પૃથ્વીની પર ઓઝોનનું પડ રચવામાં ઘણી કીંમતી મદદ કરી. તેને કારણે જૈવીક ઉત્ક્રાંતી શક્ય બની. પોતાના શ્વાસમાં પ્રાણવાયુ લેતાં પ્રાણીઓ તેમાંથી પેદા થયા અને વીકાસ પામ્યા. સાથે સાથે નીર્જીવમાંથી સજીવ કરવાની જે સ્થીતીઓ હતી તેનો કાયમ માટેનો અંત આવી ગયો. હવે નીર્જીવમાંથી સજીવ પેદા કરવાની સ્થીતી જૈવીક અને રાસાયણીક વૈજ્ઞાનીકો પ્રયોગશાળામાં બનાવે છે. આપણા માટે સજીવમાંથી જ સજીવ બને તેવી સ્થીતીનું નીર્માણ થઇ ગયું છે. હા ,સીવાય કે ૨૧મી સદીમાં માનવે પેદા કરેલા અતીસમૃધ્ધીના સંસાધનોથી પેલા ઓઝોનના પડને તોડી નાંખે, તેવા વાયુનો જથ્થો ખુબજ મોટા પ્રમાણમાં પૃથ્વીના વાતાવરણમાં મોકલે. જેની શક્યતાઓ મોટે પાયે ઉભી થઇ જ રહી છે.
હવે આપણને ૧૯મી સદીમાં થઇ ગયેલા મહાન જીવવીજ્ઞાની ચાર્લ્સ ડાર્વીને સને ૧૮૫૯માં પ્રકાશીત થયેલા તેના વીશ્વ વીખ્યાત પુસ્તક ' ઓરીજીન ઓફ સ્પીશીઝ' મા વીગતે સમજાવ્યું છે કે પૃથ્વી પરના માનવ સહીત દરેક સજીવો કેવી રીતે ઉત્ક્રાંત થયા. દરેક સજીવની વીવીધ જાતીઓ, પ્રજાતીઓ અને ઉપ–ઉપ જાતીઓમાં કેવી રીતે ફેરફારો સાથે, તે બધાનો જૈવીક વીકાસ થયો. ડાર્વીને સાબીત કરી દીધું કે પૃથ્વી પરના દરેક સજીવોની ઉત્ક્રાંતીમાં એક કુદરતી પસંદગીનો સીધ્ધાંત ( Principle of Natural selection) અને બીજો સીધ્ધાંત, જીવન ટકાવી રાખવાની અદમ્ય જીજીવીષાએ ( Struggle for existence or urge to exist & survival of the fittest) આ બધા ફેરફાર સજીવોમાં પેદા કર્યા છે. સજીવોની આ બધીજ ઉત્ક્રાંતી ફક્ત ને ફક્ત ભૌતીક હતી. તેમાં કશું જ દૈવી, ઇશ્વરી કે આધીભૌતીક ન હતું. ડાર્વીનનું વધારાનું તારણ હતું કે જે સજીવો પોતાના કુદરતી વાતવરણ સામે ટકી રહેવામાં,કે અનુકુલન સાધવામાં સફળ થયા તે જ ટકી રહ્યા. બાકીની હજારો લાખો જાતીઓ જે કુદરતી વાતવરણ સાથે અનુકુલન સાધવામાં નીષ્ફળ ગઇ તે બધીજ જાતીઓ નાશ પામી.
ડાર્વીનને આ પુસ્તક સને ૧૮૪૯માં સંપુર્ણ તૈયાર કરી દીધુ હતું. પરંતુ ખ્રીસ્તી ધર્મની રૂઢીચુસ્તાના ઠેકેદારોની હવે પછી આ પુસ્તકનું સત્યશોધન ભવીષ્યમાં કેવી પરીસ્થીતી પેદા કરશે તેના ભયે પુસ્તકને પ્રજા સમક્ષ મુકતાં તેને બીજા દસ વર્ષો લાગ્યા હતા.કારણકે તેના જૈવીક સંશોધનોએ પૃથ્વી અને તેના તમામ સજીવોના સર્જનમાં ઇશ્વરની સંપુર્ણ બાદબાકી કરી નાંખી હતી.
ત્યારબાદ ડાર્વીનના સમકાલીન જીવવૈજ્ઞાનીક ગ્રેગામેન્ડેલે પોતાના સંશોધનથી દરેક સજીવનાં આનુવંશીક લક્ષણો, વારસાગત લક્ષણો જે દરેક જુની પેઢી નવી પેઢીમાં કેવીરીતે હસ્તાંતર કરે છે તે શોધી કાઢયું. ( જનીનતત્વો.)સને ૧૯૪૦માં થયેલી ડી એન એ શોધે ડાર્વીનના ઉત્ક્રાંતીવાદની ખુટતી કડીઓ પુરી પાડી દીધી. માણસના ગર્ભ અને અન્ય સસ્તન પ્રાણીઓના ગર્ભ વચ્ચેની નીકટતા ડાર્વીને શોધી કાઢી. ગર્ભાઅવસ્થામાં મનુષ્યની ખોપરી, તેના વીવીધ અંગ–ઉપાંગો અને તેનો આખો ઢાંચો અન્ય સસ્તન પ્રાણીઓની ગર્ભાવસ્થાના અંગો કરતાં જુદો હોતો નથી. આ ઉપરાંત માનવી ઘણીબધી બાજુએથી તે સસ્તન પ્રાણી જેવો જ હોય છે. આમ મનુષ્ય સમાન પુરોગામીમાંથી ઉદ્ભવેલા અન્ય સસ્તન પ્રાણીઓનો સહોદર છે.વનસ્પતીમાં જોવા મળતા લીલા રંગના ક્લોરોફીલ અને મનુષ્યના લોહીમાં રહેલ લાલ હીમોગ્લોબીન વચ્ચે આશ્ચર્યકારક સામ્યતા જોવા મળે છે. જીવવીજ્ઞાન મુજબ તે બંને 'પીત્રાઇ' ભાઇઓ છે.
હવે માનવી કઇ રીતે તેના વીશાળ અને હજારો વર્ષોના સજીવોના જૈવીક વારસામાંથી અસ્તીત્વ ટકાવી રાખવા વીકસેલી જુદી જુદી ઇન્દ્રીયોની મદદથી ( આંખ નાક, કાન જીભ અને ચામડી અથવા ઇન્દ્રીયજન્ય અનુભવ)તર્કવીવેક શક્તીનો(રેશનાલીઝમ)ઉપયોગ કરીને પોતાના દુન્યવી કે ભૌતીક સત્યો શોધીને પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવામાં અને વીકસાવવામાં સફળ રહ્યો .તે વીષે થોડું જોઇએ.
બીજા અન્ય સજીવોની સરખામણીમાં માનવીની ભાષાની શોધે અને તેને જ્ઞાનની વૃધ્ધીએ તે કુદરતી વાતાવરણ પ્રમાણે જીવવાને બદલે પોતાને અનુકુળ હોય તે પ્રમાણે વાતાવરણ બનાવતો ગયો. ડાર્વીનના જીવશાસ્રીય વારસામાંથી તે મુક્ત બની ગયો. હવે તેને તેનો સામાજીક અને સાંસ્કૃતીક વારસો તેના જીવનને અસર કરે છે. ડાર્વીનના જૈવીક લક્ષણોને બદલે રીચાર્ડ ડોકીન્સના સામાજીક 'સેલ્ફીશ જીન્સ' તેના મા બાપોની પરંપરાઓમાંથી ચાલુ આવતા ધાર્મીક અને અન્ય લક્ષણો તેનું વર્તમાન વર્તન નક્કી કરે છે. માનવી કુદરતી પરીબળોના સંચાલનની નીયમબધ્ધતા સમજીને સ્વતંત્ર બન્યો છે. પણ તેને સામાજીક અને સાંસ્કૃતીક પરીબળોની માનવ મુલ્યો વીરોધી પરંપરાઓમાંથી મુક્તી મેળવવાની બાકી છે. હવેના માનવીનો સંઘર્ષ જૈવીક નથી પણ સામાજીક છે. પોતાની માનવીય સંભવીત શક્તીઓના વીકાસની આડે આવતા સામાજીક સંઘર્ષના પરીબળોમાંથી મુક્તી મેળવવામાં માનવીને પેલા જૈવીક સંઘર્ષમાંથી બહાર નીકળતા જે હજારો કે બલ્કે લાખો વરસ કાઢવા પડયા તેટલો સમય તો તેને નહીં જ લાગે. કારણકે " The man is not rational animal but he has enough potenalities to become the rational being."