Tuesday, July 24, 2018

૨૭મી જુલાઇ ૨૦૧૮ને શુક્રવારે સંપુર્ણ ચંદ્રગ્રહણ છે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ નથી.

બે અગત્યના સમાચારો–

(૧)  ૨૭મી જુલાઇ ૨૦૧૮ને શુક્રવારે સંપુર્ણ ચંદ્રગ્રહણ છે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ નથી.

 (૨)  ક્યારે ચંદ્રગ્રહણ થવાનું છે તેના જ્ઞાને ક્રીસ્ટોફર કોલંબસનો જીવ બચાવ્યો.( ૨૯મી ફેબ્રુઆરીને ગુરૂવારે.સને ૧૫૦૪ ના દીવસે)

 (૧) ૨૭મી જુલાઇ ૨૦૧૮ને શુક્રવારે સંપુર્ણ ચંદ્રગ્રહણ  છે. ચંદ્ર પૃથ્વીના બરાબર મધ્યભાગના પડછાયામાંથી પસાર થશે. ૨૧મી સદીનું તે સમયના માપ પ્રમાણે લાંબામાં લાંબું ચંદ્રગ્રહણ હશે. આ ચંદ્ર ગ્રહણ કુલ ૧૦૩ મીનીટનું છે.. તે પૃથ્વીની પુર્વઉત્તર દીશામાથી પ્રવેશ કરીને પશ્ચીમ દીશામાં વીષુવવૃત્તના ઉત્તર ભાગ પાસે સમાપ્ત થઇ જશે. ભારત સહીત પુર્વએશીઆના બધાજ દેશોમાં, ઓસ્ટ્રેલીઆ, મધ્ય એશીઆ, યુરોપ, પુર્વ અને પશ્રીમ આફ્રીકાના દેશો અને દક્ષીણ અમેરીકાના દેશોમાં દેખાશે. આ માહીતી ખગોળ વીજ્ઞાન આધારીત છે. તેની સામે  આજ ગ્રહણ અંગેના આપણા દેશના ધાર્મીક સમાચાર અને ધાર્મીક માનસીકતાને સમજીએ.

"  તારીખ ૨૭મી જુલાઇના રોજ શુક્રવારે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ છે. ગ્રહણને લીધે બપોરના બે વાગ્યા બાદ અમદાવાદ શહેરના તમામ મંદીરોના દ્રાર બંધ કરી દેવામાં આવશે. ગુરૂપુર્ણીમાના દીવસે ગ્રહણ હોવાથી બે વાગ્યા પહેલાં ગુરૂપુજન ( ગુરૂ દક્ષીણા સાથે!)કરવામાં આવશે. સૌ. પાન નં-  દીવ્ય ભાસ્કર અમદાવાદ આવૃત્તી.૨૪ જુલાઇને મંગળવાર. ૨૦૧૮.

(૨) અમેરીકા, ક્રીસ્ટોફર કોલંબસની યાદમાં દરવર્ષે ઓકટોબર માસના બીજા સોમવારને 'કોલંબસ ડે 'તરીકે ગણીને રજા રાખે છે.

 હકીકતમાં કોલંબસે અમેરીકા ( નવી દુનીયા) નહી, પણ દક્ષીણ અમેરીકાના કેટલાક દેશો અને વેસ્ટ ઇન્ડીઝના ટાપુઓ શોધી કાઢયા હતા. સને ૧૪૯૨થી ૧૫૦૨ સુધીમાં તેણે દક્ષીણ અમેરીકાના જુદા જુદા દેશોનો દસ વર્ષોમાં ચાર વાર પ્રવાસ ખેડેલો હતો. છેલ્લો પ્રવાસ સ્પેનથી ચાર વહાણો (શીપ્સ) લઇને ૧૧મી મે સને ૧૫૦૨માં મધ્ય અમેરીકાનો પ્રવાસ કરેલો હતો. જેમાં તે એક પછીએક મુશ્કેલીઓમાં ફસાઇ ગયેલો હતો. આ વહાણો સ્ટીમ એન્જીનથી ચાલતા નહતા. દરીયાઇ પવનને આધારે ચાલતા હતા. શરૂઆતમાં તેના બે વહાણો દરીયાઇ ઉધઇ (shipworms)થી નાશ પામ્યા. આ દરીયાઇ પ્રવાસ તેને અધવચ્ચે પડતો મુકીને  જમૈકા ટાપુ પર મુકામ કરવો પડયો. શરૂઆતના દીવસોમાં જમૈકાના ટાપુવાસીઓએ કોલંબસના કાફલાને છ માસ સુધી ખોરાક અને રહેઠાણની જરૂરી સગવડો પુરી પાડી. ત્યારબાદ કોલંબસના  કાફલાના માણસોએ ક્યારે પરત જઇએ છીએ તે મુદ્દે તેની સામે આંતરીક બળવો કર્યો. જમૈકા ટાપુના સ્થાનીક નીવાસોને લુંટવા માંડયા, કેટલાકને તો બંદુકની ગોળીઓથી મારી નાંખ્યા. સ્થાનીક નીવાસીઓ સાથે સાટા પધ્ધતીથી (બારટર સીસ્ટીમથી) જે વીનીમય કે વ્યવહાર ચાલતો હતો તે બંધ થઇ ગયો. લગભગ કોલંબસ અને તેની ટીમ માટે ભુખમરા જેવી સ્થીતી પેદા થઇ ગઇ. આવી હતાશ કે નીરાશાજનક સ્થીતીમાં તેના કુશાગ્ર મગજે એક પ્લાન બનાવ્યો.

તે જમાનામાં એક જર્મન ગણીતશાસ્રી, ખગોળવીદ્ જ્હોન મુલરે એક વાર્ષીક પંચાગ  જેમાં સને ૧૪૭૫થી સને ૧૫૦૫ (૩૦ વર્ષોનું) બનાવેલું હતું. તેમાં સુર્ય, ચંદ્ર, બીજા ગ્રહોની વીગતે માહીતી દરેક દીવસ અને વર્ષવાર આપી હતી.આ ઉપરાંત નક્ષત્રો અને તારાઓની અવકાશી સ્થીતી અને ગતીઓના ટેબલ પણ બતાવ્યા હતા. જે દરીયાઇ ખેડુઓ માટે આશીર્વાદ રૂપ હતી. આ દરીયાઇ સાહસવીરોને આ પંચાગે દરીયાઇ જુના માર્ગોને બદલે નવા અને વણખેડાયેલા માર્ગો અને પ્રદેશો શોધવાની ભુમીકા તૈયાર કરી આપી કે જ્ઞાન આપ્યું.

કોલંબસ પાસે ખગોં\ળવીદ્ જ્હોન મુલરનું પંચાગ (Almanac) હતું. તેમાંથી તેણે ગણતરી કરીને  શોધી કાઢયું કે ૨૯મીફેબ્રુઆરીના સાંજનાચંદ્રોદય સમયે સને ૧૫૦૪ના રોજ સંપુર્ણ ચંદ્ર ગ્રહણ શરૂ થવાનું છે.ચંદ્રગ્રહણની આ માહીતી સાથે સજ્જ થઇને તેણે જમૈકા ટાપુના લોકોના મુખીયા ( Chieftain) સાથે  બેઠક ગોઠવીને જણાવ્યું કે " અમારા ખ્રીસ્તીદેવ તમારા ટાપુ પરના રહેવાસીઓ પર ખુબજ ગુસ્સે થયા છે. કારણકે તેના અનુયાઇઓને તમે ખાવા અને બીજી સગવડો પુરી પાડતા નથી." તેથી તે દેવ પોતાની નારાજગી બતાવવા આજથી ત્રણ રાત્રી પછી પુનમના દીવસે જ્યારે ચંદ્રમા સંપુર્ણ ગોળ અને બીજા અન્ય રાત્રીઓ કરતાં સૌથી વધારે મોટો હોય ત્યારે તે ચંદ્રનું પૃથ્વી પરથી નામોનીશાન મીટાવી દેશે. તે ધગધગતો લાલ ગોળો બની જશે. જે તમારી બધાની સામે તેની નારાજગી બતાવશે! તરતજ તમારા ટાપુપરના બધાજ લોકો પર સામુહીક અનીષ્ટ  ફેલાઇ જશે.

       નક્કીકરેલા દીવસે સાંજના પશ્ચીમદીશામાં સુર્યાઅસ્તપછી જેવો પુર્વદીશાની ક્ષીતીજમાં ચંદ્રે ઉગવાનું શરૂ કર્યુ કે તરતજ ચંદ્રની નીચેની ધાર અદ્રશ્ય થઇ ગઇ. એકાદ કલાક પછી ટાપુપર સંપુર્ણ અંધકાર છવાઇ ગયો. અને ચંદ્રનો પ્રકાશ પુર્ણીમાની સાંજે ગાયબ થઇ ગયો. તેની જગ્યાએ લાલ ધગધગતો ગોળો આકાશમાં દેખાયો.

    કોલંબસના દીકરા ફેરદીનાંદ ( Ferdinand )ના મત પ્રમાણે " તે ટાપુપરના રહેવાસીઓ આવી અવકાશી સ્થીતી જોઇને ભયંકર ભયભીત થઇ ગયા.આત્યંતીક રીતે રડારડ,આક્રંદ અને કલ્પાંત કરતા ટાપુના દરેક ખુણેથી અમારા વહાણ તરફ દોડતા આવવા માંડયા. સાથે સાથે તે અમારા માટે  અનાજ અને ખોરાકની ચીજો જે હાથવગી હતી તે લઇને વહાણને કેપટ્નને કાલાવાલા કરવા લાગ્યા કે તમે અમને તમારા ખ્રીસ્તી દેવના કોપમાંથી બચાવો. વધુમાં તે બધાએ વચન આપ્યું કે અમે બધા પ્રેમથી કોલંબસ તથા તેના માણસોને સહકાર આપીશું; જો તે ચંદ્રને તેની મુળસ્થીતીમાં લાવી આપે તો!" કોલંબસે તે સ્થાનીક લોકોને જણાવ્યું કે દેવની સાથે ખાનગીમાં વાતચીત અને સલાહસુચન માટે તેણે પોતાની કેબીનમાં જઇને સંપર્ક કરવો પડશે. પછી તે પોતાની કેબીન બંધ કરીને ૫૦ મીનીટ સુધી અંદર બેસી રહ્યો.

 કેબીનમાં જઇને તેણે કલાક માપવાની રેતીવાળી શીશી ( An hourgalss) પેલા વાર્ષીક પંચાગની ગણતરીઓના આધારે ચંદ્રગ્રહણની જુદીજુદી સ્થીતોનો અભ્યાસ કર્યો. ચંદ્રગ્રહણ પુરૂ થવાના થોડા સમય પહેલાં તેણે વહાણમાંથી બહાર આવીને જણાવ્યું કે તેણે તેના દેવ સાથે ચર્ચા કરી લીધી છે. તમારા બધાના કોલંબસ અને તેના માણસોના સાથેના ખરાબ વ્યવહાર માટે ટાપુવાસીઓને માફ કરી દીધા છે. થોડા સમયમાં તે ચંદ્રને પોતાની મુળ સ્થીતીમાં પાછો મુકી દેશે! આ શબ્દો પુરા થાય તે પહેલાંજ ચંદ્રની નીચલી ધારેથી જેવો પૃથ્વીનો પડછાયો દુર થવા માંડયો કે તરતજ તેનો પ્રકાશ આવવાનો શરૂ થઇ ગયો. ટાપુવાસીઓને લાગ્યું દેવના કોપમાંથી કોલંબસે તે બધાને બચાવ્યા છે. ટાપુવાસીઓએ કોલંબસને ૨૯મી ફેબ્રુઆરીથી માંડીને ૨૯મી જુન સુધી પુરા ચાર મહીના ટાપુ પર પુરો સહકાર આપીને રાખ્યા હતા. કોલંબસ સહીત તેના કાફલાને બચાવવા બીજુ વહાણ આવતાં ૭મી નવેંબર ૧૫૦૪ના રોજ સ્પેન પહોંચ્યો હતો.

ક્રીષ્ટોફર કોલંબસ કે વાસ્કો દા ગામા ભારતમાં કેમ જન્મ લેતા નથી? અમે તો હવે વીશ્વગુરૂ બનવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે? તારીખ ૨૭મી જુલાઇ ૨૦૧૮ના ચંદ્રગ્રહણ અને કોલંબસના ફોટો મુકયા છે.

 

 

.



--