Tuesday, July 3, 2018

પૌરાણીક કથા ( Mythology) અને ઇતીહાસ ( History) વચ્ચે શું તફાવત છે?

 પૌરાણીક કથા ( Mythology) અને ઇતીહાસ ( History) વચ્ચે શું તફાવત છે?

સૌ પ્રથમ આપણે પૌરાણીક કથા અથવા પ્રાચીન દંતકથા ( Mythology) કોને કહેવાય તે સમજીયે. પૌરાણીક કથા તેને કહેવાય જેને લોકો ધારી લે, કલ્પના કરે કે દંતકથામાં વર્ણન કરલી ઘટનાઓ ભુતકાળમાં બની હશે. દંતકથાઓ (મોટેભાગે) સાચી હોતીજ નથી. Myths are not (mostly) true. વાસ્તવીક હકીકત કે સત્યને છુપાઇને દંતકથા બનાવનાર પોતાને મનઘડંત કથા બનાવી દે છે.

 ઇતીહાસ, જે ભુતકાળમાં બન્યુ છે, જેના પુરાવા છે, જેને સ્વતંત્ર અને તટસ્થ રીતે તપાસી શકાય તેમ છે. તેમજ જેને વ્યક્તીગત ગમા અણગમા કે પસંદગી સાથે કોઇ સંબંધ હોતો નથી. તેને ઇતીહાસ કહેવાય છે. ઇતીહાસ એટલે સત્ય અને પૌરાણીક દંતકથા એટલે સત્યના આધાર સીવાયની કથા.History= Truth, Myth= Falsehood.

ઇતીહાસ વાસ્તવીક સત્ય આધારીત છે. જેમાં અનીશ્ચીતતા, દ્રવીઅર્થ કે સંદીગ્ધપણું હોતું નથી. તેની હકીકતો પુરાતત્વવીધ્યા,શીલાલેખ, પુરાણા સીક્કાઓ, સ્મારકો, સ્તંભ જેવા બીજા અનેક પુરાવાઓની મદદથી સાબીત થઇ શકે તેમ હોય છે. અને તેમાં સંશોધન આધારીત નવી માહીતીઓ એકત્ર થતા, તે સત્યોમાં બીલકુલ જ્ઞાન અને તર્ક આધારીત ફેરફાર થઇ શકે છે.( History tells us as it really happened.")તેમાં કશું મનઘડંત કે કાલ્પનીક, તરંગી હોઇ શકે નહી.જ્યાં ઐતીહાસીક બીના બની હોય તે ઐહીક કે દુન્યવી ભૌગોલીક સ્થાનીક સ્થળનું મુળ બતાવેલું હોય છે.

આની સામે પૌરાણીક દંતકથાઓને ઐતીહાસીક હકીકતો જેવો કોઇ વાસ્તવીક આધાર હોતો નથી.તે બધી દંતકથાઓ ઉપજાવી કે જોડી કાઢેલી અથવા માની લીધેલી હોય છે.તેને આપણી વીવેકબુધ્ધી કે વૈજ્ઞાનીક ઢબે બારીકાઇથી કે ઝીણવટથી ઉંડી તપાસ થઇ શકતી નથી.દંતકથાઓનો આધાર ફક્ત અને ફક્ત વ્યક્તીગત લાગણીઓ

અને માન્યતાઓ પર અવલંબીત હોય છે. લગભગ બધાજ ધર્મોની પૌરાણીક કથાઓના ગ્રંથો ટીકાત્મક અને વૈજ્ઞાનીક ઢબે ઇતીહાસ ની રચના થઇ તે પહેલાંના છે.તેનો અર્થ એ નથી કે તે ગ્રંથોની કથાઓમાં સત્ય છે.

જ્યારે પૌરાણીક દંતકથાઓ અને ઇતીહાસ વીષે ચર્ચા કરીએ ત્યારે એક વસ્તુ સ્પષ્ટ  સમજી લેવાની જરૂર છે કે આપણે માનવ ઇતીહાસ ( હ્યુમન હીસ્ટ્રી) અને તેપણ આ પૃથ્વી પર કે દેશમાં હકીકતમાં ભુતકાળમાં બની ગયેલી ઘટનાઓની ચર્ચા કરીએ. તેમાં સ્વર્ગ, નર્ક, પાપ પુન્ય કે દેવો દાનવો,રાક્ષસો, ઇન્દ્ર,વરૂણ રાવણ, બકાસુર કે પછી દૈવી ચમત્કારોની વાતો ન આવે! આપણા પૌરાણીક ગ્રંથો જેવાકે રામાયણ અને મહાભારતમાં માનવ ઇતીહાસ સાથે દેવતાઓ અને રાક્ષસોની પણ ઘણી વાતો આવે છે. દેવતાઓ અને રાક્ષસોનો ઇતીહાસ એ માનવસંસ્કૃતીના વીકાસના ઇતીહાસ તરીકે કયારેય ગણી શકીએ નહી. પણ તે બે ગ્રંથો પૌરાણીક દંતકથાઓના જ ભાગ છે.    સામાન્ય રીતે ઇતીહાસના અધીકૃત લેખો કે દસ્તાવેજમાં જે તે સમયની પ્રજાની સામાજીક, આર્થીક, રાજકીય અને સાંસ્કૃતીક બનાવોની નોંધો હોય છે. તેમાંના કોઇ દસ્તાવેજોમાં સ્વર્ગ કે નર્કમાં બનેલા વર્ણનોની નોંધ હોઇ શકે નહી. આવા દૈવી બનાવો માનવીય તપાસથી પર હોય છે.

 મહાભારત અને રામાયણમાં કેટલાક બનાવોની નોંધ દેશમાં બનેલી હોય તેવી નોંધ છે. ઉપરાંત એવી પણ નોંધ છે કે ' જે પૃથ્વી પર નહી પણ સ્વર્ગ કે નર્કમાં બની હોય'.દા.ત.મહાભારતનું એક અગત્યનું પાત્ર અર્જુન એક વર્ષ માટે સ્વર્ગમાં જાય છે.દશરથ રાજા ઇન્દ્રને યુધ્ધમાં મદદ કરવા સ્વર્ગમાં જાય છે. યુધીષ્ઠીર પોતાના શરીર સાથે મુલાકાતી તરીકે નર્કમાં જઇને પાછા આવે છે. કૃષ્ણ બ્રાહ્મણના મરેલા દીકરાને સજીવન કરી પાછા લાવે છે. આ બધી ઘટનાઓ માનવીય સમજશક્તીથી પર છે. તેથી તેને ઇતીહાસના વીભાગમાં ગણવાને બદલે દંતકથાઓ તરીકે જ ઓળખાય કે મુકાય. ઇતીહાસના દસ્તાવેજોને કોઇ પણ જાતનાઅર્થઘટન કે મુલ્યાંકન સીવાય જે છે તેમ જ મુકવામાં આવે છે. દા;ત રાજા અશોકે કલીંગના યુધ્ધમાં ઘણો માનવસંહાર કર્યો હતો. તેણે બુધ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. અને તે ધર્મનો વીશ્વમાં પ્રચાર થાય તેવા પ્રયત્નો રાજા અશોકે કર્યા હતા. પણ બુધ્ધધર્મના ઉપદેશો તે ઇતીહાસનો ભાગ નથી. તે જુદા જ્ઞાનની શાખા છે. તેવીજ રીતે મહાભારતના ચાલુ યુધ્ધમાં કૃષ્ણ અને અર્જુનનો સંવાદ જે ગીતામાં છે તેને આપણે ઐતીહાસીક ઘટનાને બદલે તત્વજ્ઞાન, નૈતીક અને આધ્યાત્મીક ચર્ચા તરીકે ઓળખાવી શકીએ. અથવા તો તે સંવાદને ઇતીહાસ કે પૌરાણીક દંતકથાને બદલે તત્વજ્ઞાનના એક વીભાગની શાખા તરીકે ઓળખાવી શકીએ.

કોઇપણ જ્ઞાન કે તેની શાખામાં સાતત્યતા ( Consistency) અને સુસંગતપણુ અનીવાર્ય છે. જે જ્ઞાનમાં તે બંને ન હોય તેને જ્ઞાન તરીકે ઓળખાય નહી. ઇતીહાસના બધાજ  લેખકોના લખાણો અને પુસ્તકોમાં ઐતીહાસીક બનાવનો સમય અને ઘટનાક્રમમાં અનુક્રમતા અને અખંડીતતા જળવાવી જોઇએ.

ઇતીહાસ હોવાની પુર્વશરતોની દ્રષ્ટીએ તપાસીએતો રામાયણ અને મહાભારતમાં ઘણીબધી અસંવાદીતોઓ, સાતત્યતાઅને સુસંગપણાનો અભાવ છે. દા.ત રામાયણમાં એવો ઉલ્લેખ છે કે રાજા રામે ૧૧૦૦૦ વર્ષ રાજ્ય કર્યું હતું. રામના પીતાજી દશરથ રાજા ૧૬૦૦૦ વર્ષ જીવ્યા હતા તેવો ઉલ્લેખ છે. ત્રેતાયુગમાં કૃષ્ણ જામબુવતીને મળ્યા હતા. કૃષ્ણ એકી સાથે ૧૬૦૦૦ ગોપીઓ સાથે નૃત્ય કરતા હતા. ત્યારબાદ કૃષ્ણે બીજી ૧૬૦૦૦ સાથે લગ્ન કર્યા હતા. મહાભારતમાં ક્યાંય કૃષ્ણની પ્રીયતમા રાધાનો કોઇ ઉલ્લેખ નથી. પણ આજે કૃષ્ણ મંદીરોમાં રાધાનું સ્થાન અગત્યનું બની ગયું છે. કેટલાક વૈષ્ણવ પંથોની( દા.ત રાધાવલ્લભસંપ્રદાય.) એવી રીતીનીતી છે કે  રાધાનું જ ભજન કરીએ તો કૃષ્ણને રીઝવી શકીએ. વીવેકબુધ્ધી આધારીત મન ( રેશનલ માઇન્ડ) આ બધાને પૌરાણીક દંતકથાઓના સમુહમાં મુકે છે. તેને આપણે ઐતીહાસીક સત્યોના વર્ગીકરણમાં ન મુકી શકીએ.( So rational mind considers those as mythology.)

 ટુંકમાં ઇતીહાસ એ ભુતકાળમાં હકીકતમાં બનેલા પ્રસંગોની નોંધ હોય છે. તેમાં કોઇ ચમત્કારોને સ્થાન હોય શકે નહી.

પૌરાણીક ગ્રંથો મહાભારત અને રામાયણમાં ઘણી બધી ચમત્કારોની વાતો આવે છે. દા;ત બાળ કૃષ્ણે પોતાની ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉચક્યો હતો. રાવણ પોતાના આકાશમાં ઉડે તેવા જાદુઇ રથમાં ઉડતો હતો. હનુમાન કુદકો મારીને આકાશમાં ઉડીને સમુદ્ર પસાર કર્યો હતો વગેરે. આવા, વીજ્ઞાનથી સાબીત ન થઇ શકે તેવા ચમત્કારીક બનાવોમાં લોકો વીશ્વાસ રાખતા નથી. આપણે આ બે મહાન ગ્રંથોને ઇતીહાસ તરીકે સ્વીકારવા હોય તો તેમાંથી આવા ચમત્કારો કરનારા ઘણાપાત્રોની બાદબાકી કરવી પડે!

 કોઇપણ જ્ઞાનની શાખામાં (ઇતીહાસ સહીત) વીશ્વાસપાત્રતા કે પ્રમાણભુતતા હોવી અનીવાર્ય છે. આપણને ગૌતમબુધ્ધના એતીહાસીક અસ્તીત્વ અંગે એટલા માટે શંકા નથી કારણકે તેઓના પુરાવા શીલાલેખ, ધાતુ અને જમીની પુરાવા એકત્ર કરવાથી મળી રહે છે.દા.ત હરપ્પન સંસ્કૃતી કે મોહન જો ડેરોની સંસ્કૃતી.

  તેની સામે રામાયણ અને મહાભારતમાં જે બનાવો અને તેને લગતા સ્થળોના જે વર્ણન કરી ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે બધામાં પ્રમાણભુતતા કે વીશ્ચાસપાત્રતાની ગેરહાજરી છે. દા;ત રાવણની લંકા ને આપણે આજના શ્રીલંકા તરીકે ઓળખી શકીએ? શું આખી લંકા સોનાની બનેલી હોઇ શકે? શું રામનો જન્મ વર્તમાન અયોધ્યામાં થયેલો હતો કે બીજા કોઇ સ્થળે? તે જ રીતે કૃષ્ણનું જન્મ સ્થળ કયું? આ બધા બનાવોના પ્રશ્નોના જવાબો આપણને એક સરખા મળતા નથી. તેથી આ પૌરાણીક ગ્રંથોમાં જણાવેલ સ્થળો અને બનાવોના ખરાપણા માટે શંકાઓ પેદા થતી હોય છે.

 આ બધા ગ્રંથોના લખનારા કોણ? લેખક સીવાયની માહીતીઓમાં સત્ય કેટલું અને ક્લ્પનાઓ કેટલી? ઇતીહાસ કે કોઇપણ જ્ઞાનની શાખાનું ખરાપણું ચકાસવા માટે લેખકનું નામ ઠેકાણું પ્રકાશનનું વર્ષ વી. માહીતી અનીવાર્ય હોય છે.

સંસ્કૃત અને સ્થાનીક ભાષાઓમાં સેંકડો રામાયણો લખાયેલા છે. તેવું જ મહાભારતની બાબતમાં છે. અ બધા ગ્રંથોમાં પૌરાણીક પાત્રોના કાર્યો વીષે પણ એકબીજાથી પ્રત્યક્ષ વીરોધી વાતો રજુ કરવામાં આવી છે.

ધાર્મીકવીધીઓ અને કર્મકાંડોમાં પણ એકરૂપતા કે સાતત્ય હોતું નથી.દા;ત રામાયણમાં અશ્વમેઘયજ્ઞ, રાજસુયયજ્ઞ અને પુત્ર કામેષ્ટીયજ્ઞ મહીનાઓ સુધી ચાલુ રહેવાની વાતો લખી છે. આખો દીવસ લોકો કાંઇ મંત્રૌચાર કરી શકે નહી. માટે વચ્ચેના આરામના સમયમાં રામાયણ મહાભારતની વાતો કરવામાં આવતી હતી.જે વાર્તા કહેનાર હતો તે પોતાનું મહત્વ બતાવવા પોતાનું તેમાં ઘણુ બધુ ઉમેરતો હતો.આ બધા ઉપદેશકોએ મુખ્ય વાર્તાની સાથે સાથ તેમાં ઘણી બધી ચમત્કારોની વાતો અંદર મુકી દીધી હતી. જેથી કથા સાંભળનાર લોકોમાં પોતાની શાન બાન અને આબરૂ વધે! ધાર્મીક વીધીઓ અને કર્મકાંડોનું ઇતીહાસમાં કોઇ સ્થાન હોઇ શકે નહી. તે બધુ તો પૌરાણીક દંતકથાનો એક ભાગ જ ગણાય.

અગાઉ જણાવ્યું તે પ્રમાણે ઇતીહાસ આપણા માટે દુન્યવી કે ઐહીક,સેક્યુલર હકીકતોના પુરાવા છે. તેમાં યોગ, વેદાંત કે અદ્રેત જેવા આધ્યાત્મીક વીષયોનું સ્થાન ન હોઇ શકે. તમે ઇતીહાસમાં સંતપુરૂષોનું જીવન ચરીત્રને આમેજ કરી શકો. પણ તેમની સાધના કે પંથ– ઉપદેશોને સમાવી શકો નહી.

 રામાયણ મહાભારતમાં ધર્મ, ધાર્મીક રૂઢી રીવાજો, કર્મકાંડ,જ્ઞાતીપ્રથા, જ્ઞાતી આધારીત દરેકનો સ્વધર્મ,વગેરે વીષયોની ચર્ચાને હીંદુ ધર્મના વીષયોમાં સમાવવા પડે. જેમાં બૌધધર્મ કે જૈન ધર્મની બાદબાકી થઇ જાય તે બીજા લોકો સ્વીકારે નહી. આ બંને પૌરાણીક ગ્રંથો આધારીત ધર્મ ક્યારેય વૈશ્વીક ધર્મ ન બની શકે. સદર ગ્રંથોનો સંદેશો પોતાના ધર્મીઓ પુરતો મર્યાદીત થઇ જાય છે.તે ગ્રંથો વૈશ્વીક ઇતીહાસની ચોપડીઓ પણ બની ન શકે.

 આપણે ત્યાં જ્ઞાનનું પુરાવા આધારીત પુસ્તકોમાં મુકવાની પધ્ધતી વીકસી ન હતી. ભારતનો પૌરાણીક ઇતીહાસ આપણે ને હ્યુએન સેન(ચીની મુસાફર–વીધ્યાર્થી) અને અલ– બરુની જેવા પરદેશી વીધ્યાર્થીના પુસ્તકોમાંથી મળ્યો છે. આપણી પાસે વારસામાં તો થોડાક સંસ્કૃતના પુસ્તકો છે.

ભારતીય સંસ્કૃત પુસ્તકોમાં સમયનો ખ્યાલ એક ગોળવર્તુળ કે (Cyclic) અંતવીનાનો છે. સત્ય–ત્રેતા, દ્વાપર અને કલીયુગમાં વહેંચી નાંખવામાં આવ્યો છે. આમ સમયનું ચક્ર સતત એકયુગમાંથી બીજા યુગમાં ફર્યાજ કરે છે.જેનો કોઇ છેડો કે અંત ન હોઇ શકે. ભારતીય સમય મુજબ માનવીય વીકાસ બાહ્ય રીતે ઉત્ક્રાંતીત થાય છે.પણ સાથે સાથે  આંતરીક રીતે તે વર્તુળમાં વીંટયાળાયેલો ( Involution) રહે છે.જ્યારે પશ્ચીમી સમાજમાં સમય સીધી લીટીમાં ચાલે છે. તેમજ ગોળ વર્તુળની અંદર ફરતો નથી. ભારતીયો સમયને લાગેવળગ છે ત્યાંસુધી પૌરાણીક સમયમાં(Purana centric) શ્રધ્ધા ધરાવી પોતાના કાર્યો, વ્યવહારો અને નૈતીક મુલ્યો નક્કી કરે છે.જ્યારે પશ્ચીમી સમયએ ઇતીહાસ(history centric) કેન્દ્રી હોવાથી તેમના દુન્યવી સંબંધો તે પ્રમાણે વીકસેલા છે.શું ભારતીયો તરીકે આપણે સમયના પૌરાણીક કેન્દ્રીત ખ્યાલમાથી બહાર નીકળી ઇતીહાસ કેન્દ્રીત સમય પ્રમાણે નવેસરથી મુલ્યાંકન કરી શકીએ તેમ છે?

પૌરાણીક કથાઓ અને ઇતીહાસમાં સામાન્ય માનવીનું સ્થાન–

પૌરાણીક કથાઓ રાજા,તેમના રાજકુંવરો, રાજમહેલોની ખટપટો અને એકબીજા નજીકના સગાવહાલાના હીતોના ટકરાવની આસપાસ ગુંથાયેલી હોય છે. જે તે રાજાના સમયમાં સામાન્ય પ્રજા જીવન, તેમના સામાજીક,આર્થીક અને અરસપરસના આંતરીક વ્યવહારો વીષે કોઇ વાતો રજુ થયેલી હોતી જ નથી. રામાયણમાં સામાન્ય પ્રજાજીવન સામે રાજકીય સત્તાના નૈતીક વ્યવહારો આપણને શંબુક, નાવીક કેવત કે શબરીના પાત્રોથી જાણવા મળે છે. તેવીજ રીતે મહાભારતમાં એકલવ્ય આદીવાસી હોવાથી ધનુષ્યવીધ્યા ન શીખી શકે. પણ રાજકુંવરોને ધનુષ્યવીધ્યા શીખવાડનાર ગુરૂ દ્રોણાચાર્ય પેલા એકલવ્યનો જમણા હાથનો અંગુઠો ગુરૂદક્ષીણામાં માંગી શકે! તેની સામે ઇતીહાસમાં રાજા મહારાજાઓના શાસન ઉપરાંત પ્રજાજનોનું સામાન્ય રોજબરોજના જીવનના વ્યચહારો ઉપરાંત ધંધા–ઉધ્યોગ,કલા,સાહીત્ય વીષે પણ વીગતે માહીતી મળે છે. દેશની સામાન્ય હીંદુ પ્રજા પોતાના આદર્શ અને પુજનીય વ્યક્તીઓ તરીકે રામ,કૃષ્ણ, પાંડવો,ભીષ્મપીતામહ વી. ને માને છે. તે બધા દૈવી કે ઇશ્વરી શક્તી ધરાવે છે તેવી શ્રધ્ધા સામાન્ય હીંદુમાં છે.

આમ આપણા પૌરાણીક ગ્રંથો રામાયણ મહાભારતમાં ઐતીહાસીક પુસ્તકોની માફક ભુતકાળની બની ગયેલી ઘટનાઓના વર્ણનો છે તેમજ આધ્યાત્મીક, ધાર્મીક, તથા દેવો, રાક્ષસો અને ચમત્કારોના વર્ણનો પણ છે.પૌરાણીક દંતકથાઓ અને ઐતીહાસીક ઘટનાઓને જ્ઞાન વીજ્ઞાનની મદદથી એકબીજાથી છુટા પાડવાનું કામ ખુબજ કપરૂ છે, સરળ નથી. કારણકે બીજી હકીકત એ બની છે તે બંને ના સંમીશ્રણથી ભારતીય સંસ્કૃતી અને સમાજ વ્યવહાર બન્યો છે. ( ગુગલ સર્ચના સૌજન્યથી)

 

 

 

 



--