૨૧મી સદીમાં તમામ ધર્મોની અપ્રસુતતા–કેમ?
આપણે કોઇપણ સામાન્ય માણસને પુછીએ કે, ભાઇ! તારે શા માટે ઇશ્વર અને તેના આધારીત ધર્મની જરૂરીયાત છે? શું જવાબ મળશે? મોટાભાગે જવાબ હશે મારે મારી ભૌતીક જરૂરીયાતો પુરી કરવા ઇશ્વર,ધર્મ અને તેના એજંટની જરૂરીયાત છે. તમે શાંતીથી વીચાર કરશો તો ખબર પડશે કે મારી વાત ખોટી નથી. ઇશ્વર સામેની માનવી તરીકેની તમારી જરૂરીયાતોનું લીસ્ટ બનાવો! તેમાં શોધી કાઢો કે આપણામાંથી કેટલાને આ જીવનના અંત પછી સ્વર્ગ, મોક્ષ, જન્નત, હેવન, મુક્તી જોઇએ છીએ.તેથી તમે વર્તમાનમાં ઇશ્વરની બંદગીથી માંડીને પુજા અર્ચના વગેરે કરો છો!
આજની આપણી ૨૧મી સદી તે માનવી માટે પોતાના વીકાસ કે તકોની સદી છે.માનવી તરીકે તે પોતાના પ્રયત્નો અને અન્ય તેના જેવા માનવીઓના સહકારથી આપણા માબાપો, વડીલો અને પુર્વજોએ જે ભૌતીક સીધ્ધીઓ ન મેળવી હોય તેવી સીધ્ધીઓ તે બધાની સરખામણીમાં ઘણા સરળ પ્રયત્નોથી પ્રાપ્ત કરવા ઉત્તરોત્તર વધુ ને વધુ સશ્કત અને સફળ બનતો જાય છે.
આ અંગે થોડું વધુ ચીંતન કરીએ. આપણા દેશમાં અને વીશ્વમાં સરેરાશ માનવીનો આયુષ્ય દર વધતો જાય છે. બાળમુત્યુ અને સ્રીઓની પ્રસુતા સમયનો મુત્યુદર પણ ઘટતો જાય છે. ઘણા બધા સામુહીક ચેપી રોગો પર નીયંત્રણ મેળવી લીધું છે. બાકીના ચેપીરોગો પર નીયંત્રણ પ્રાપ્ત કરવાના સખત પ્રયત્નો ચાલુ છે. તે અંગે સભાનતા પણ છે. ટુંકમાં જેને રોટી કપડાં મકાન ગણીએ તેવી બધીજ જરૂરીયાતોના પ્રશ્નો માનવજાત લગભગ ઉકેલી શકે તેવી તમામ ક્ષમતા ધરાવે છે.
બધાજ ધર્મો, સંપ્રદાયો,વર્ણો,જ્ઞાતી અને સામાજીક સમુહોઓની નવી યુવાન પેઢીઓના સંબંધો અને ઓળખો અરસપર કેવી છે? તેમની ઓળખો એક બીજા સદર સમુહોના યુવાનો સાથે, વધુ ને વધુ ધર્મનીરપેક્ષ,સહીષ્ણુ, ભૌતીક ( ભોગવાદી નહી) અને લાગણી પ્રધાન બનતી જાય છે. આવા આધુનીકતાના પ્રવાહોને, રોકવાનું કામ વીશ્વના દરેક દેશો અને પ્રદેશોમાં પેલા જુના બધાજ ધર્મોના રૂઢીચુસ્તો સંગઠીત બનીને રોકવા માટે મેદાને પડેલા છે.
ભારત જેવા દેશ માટે કાંતો વીનાશ પામો અથવા સમૃધ્ધ બનો (Perish or prosper). બીજો કોઇ માર્ગ ઉપલબ્ધ છે જ નહી. તમારી પાસે એક પ્રજા તરીકે ઉપર જણાવેલ વૈશ્વીક આધુનીક ધર્મનીરપેક્ષ સંસ્કૃતીના ભાગીદાર બન્યા સીવાય બીજો કોઇ વીકલ્પ નથી. વૈશ્વીક સંસ્કૃતીના છડીદારો બે છે. આધુનીક ઓધ્યોગીક ટેકનોલોજી અને જ્ઞાન આધારીત વૈજ્ઞાનીક અભીગમ. પ્રજા તરીકે આપણે આધ્યાત્મીક છે માટે નહી. પણ માનવી તરીકે આપણો જૈવીક વારસો તર્કવીવેક અને બૌધ્ધીક છે માટે આપણે પેલા પ્રવાહોનો ઉપયોગ કરીને ધાર્મીક પરીબળોની અપ્રસતુતા સમજી વીચારીને તેમાંથી રસ્તો કાઢી શકીએ તેમ છીએ. બાકી ૨૧મી સદીના આધુનીક પ્રવાહોને પોતાના તાર્કીક પરીણામોમાં કોઇ લાગણી કે માનવીય ઓળખ હોતી નથી. બે જ વીકલ્પ. તેની સામે પડીને વીનાશ પામો અથવા તે બધાને સમજીને અનુકુળ થઇને અન્ય પ્રજા અને સંસ્કૃતીઓની માફક સમૃધ્ધ બનો.આપણી યુવા પેઢીએ સમૃધ્ધ (PORSPER) કેવી રીતે થવું તે માર્ગ પસંદ કર્યો છે. કારણકે તે બધાએ ફક્ત જીવવું જ નથી પણ સારી રીતે જીવવું છે. તે માટે દેશના યુવાનોની પ્રથમ પસંદગી કોઇપણ હીસાબે ભારત છોડીને વીશ્વના કોઇપણ ખુણે સ્થાયી થવુ! તે શક્ય ન બને તો આધુનીક શહેરીકરણના ધસમસતા પ્રવાહમાં પોતાની સ્વઓળખના ભોગે સંપુર્ણ ભળી જવું....... વાચક મીત્રોને વીનંતી, તમારી પાસે વીકલ્પ હોય તો જણાવવા આગ્રહભરી વીનંતી છે.
--