Wednesday, October 30, 2019

એક હતો આલ્બેરકામૂ

એક હતો આલ્બેર કામૂ– (શું ઇશ્વર વીના માનવી સંત બની શકે ખરો? નાસ્તીક સંત બની શકાય ખરૂ?)

આ કામૂ કોણ હતો? પહેલા વિશ્વયુધ્ધ પછી યુરોપીયન સાહીત્યમાં અસ્તીવાદી વૈચારીક ચળવળ ચાલી, તેનો તે અગ્રેસર હતો. તેમાં ઝયાંપોલ સાત્રે,( 1905-1980 ફ્રાન્સ) આલ્બેર કામૂ (1913-1960 જર્મની) ફ્રાંઝ કાફ્કા ( 1883-1924.પોલેંડ) જેવા લેખકો હતા.ઔધ્યોગીક મુડીવાદે જે એકલાવાયાપણાની ( Alienation) પશ્ચીમી સમાજને ભેટ આપી તેના પ્રતીકાર તરીકે જે અસ્તીત્વાદની તરફેણ કરતું સાહીત્ય પેદા થયું તેના તે બધા છડી પોકારનાર હતા. ખાસ કરીને સાત્રેને તો માર્કસના સામ્યવાદી ચીંતનમાં અને સોવિયેત રશીયામાં થઇ રહેલા તેના અમલમાં માનવ જાત માટે બીજો વીકલ્પ દેખાયો હતો. સાત્રે અને કામૂને તો સાહિત્યનું નોબેલ પ્રાઇઝ મળેલું હતું.

પણ આજે મારે વાત કરવી છે આલ્બેર કામૂની.

ગુજરાતી સાહીત્યમાં છેલ્લા સાડા છ વર્ષથી પ્રતી છ માસે એક (પુસ્તક) મેગેઝીન બહાર પડે છે. તેનું નામ છે 'સાર્થક જલસો'. જેની વીગત લેખના અંતે મુકી છે. તેની ટીમના સુકાનીઓ છે ઉર્વીશ કોઠારી, દીપક સોલીયા અને બીરેન કોઠારી. તેના ૧૩મા અંકમાં દીપક સોલીયાએ એક વીચારપ્રેરક લેખ લખ્યો છે. લેખનું ટાઇટલ છે ' આ કામૂ કોણ હતો' ? આ લેખના કુલ ૧૩ પાના મઝાના છે. દરેક પાનાને તેની આગવી વીશીષ્ટતાઓ છે. લેખના લેખક ભાઇ સોલીયાએ જે કામૂના પ્રથમ ફકરામાં જણાવેલ વૈચારીક સંઘર્ષનું નીરૂપણ કર્યું છે તે પોતેજ અતી કામણગારુ છે. તે લખાણ અને તેના લેખકના પ્રેમમાં ના પડી જવાય તો જ નવાઇ! વધુ ચર્ચાને બદલે સીધા આપણે સોલીયાએ કરેલ કામૂના વીચારોની કરેલ આતશબાજીને દીવાળીના દીવસોમાં અચુક માણી લઇએ.

(1) આ એક જુની જાણીતી મુંઝવણ છે કે અન્યાય, શોષણ, કુસંપ, સરમુખત્યારશાહી વગેરે સામે કઇ રીતે લડવું? શાસકો બહેરા હોય ત્યારે તેમને કઇ રીતે જગાડવા? આ માટે મુખ્ય બે રસ્તા વીચારાતા હોય છે. (અ)  ગાંધી માર્ગ જેમાં સત્યાગ્રહથી, સૌમ્ય મક્કમતાથી અન્યાયીઓને ઝુકવવાની નીતી અપનાવાય છે.

(બ) ભગતસીંઘનો માર્ગ, જેમાં બહેરા શાસકોને જગાડવા માટે મોટા ધમાકા કરવામાં આવે છે. આ થઇ સામાજીક મુંઝવણ. આ ઉપરાંત બીજી એક વ્યક્તીગત મુંઝવણ ઘણી જુની અને જાણીતી છે. તે એ છે કે  જીંદગી જો આટલી દુ;ખમય હોય, ગમે ત્યારે મોત ટપકી પડવાની સંભાવના ધરાવતું હોય, સરવાળે માણસ ગાંધી–કૃષ્ણ કે હીટલર સુધ્ધાં હોય તો પણ એમનું જીવનકાર્ય એક હદથી વધુ પ્રભાવ પાડી શકતું નથી. તો પછી સામાન્ય માણસ આ ધરતી પર સતત અસ્તીત્વ ટકાવવાનો કીડાઓ જેવો સંઘર્ષ વેઠીને  છેવટે શો કાંદો કાઢી લે છે? બીજા શબ્દોમાં કહીએ તો શું જીવન સાર્થક છે ખરૂ?

આ બંને મુદ્દે ઉડું ચીંતન કરનાર ૨૦મી સદીના વીચારકનું નામ છે ' આલ્બેર કામૂ'.  પાનુ ...૧.

(2)  એક દીવસ એવું બન્યું કે તેના પીતા સવારે વહેલા ઉઠયા અને નગરમાં એક જણનો શીરચ્છેદ થવાનો હતો એ ઘટનાજોવા ગયા..... આલ્બેરના પીતાએ તે વીધી જોઇ. પછી ઘેર પાછા આવ્યા ત્યારે કશી વાત કરવાને બદલે  એમણે થોડી વાર લંબાવ્યું અને પછી ઉભા થઇને ઉલટી કરી..... કામૂને સમજાયું કે  હીંસામાં કશોક લોચો છે તેનાથી ઉલટી થાય છે....પાનુ. ૨...

(3) શાસક ડાબેરી ( સામ્યવાદતરફી) હોય કે જમણેરી (ધાર્મીક) તે બધાને યેનકેન પ્રકારે  સત્તા મેળવવા– ટકાવવામાં જ રસ છે એવું સમજતાં કામૂએ સામ્યવાદી પાર્ટીનો સાથ તો છોડી દીધો. પરંતુ નૈતીકતા અને રાજનીતી વચ્ચે મેળ કેમ બેસાડવો એ વીશે કામૂનું મંથન જીવનભેર ચાલ્યું.... " કુદરત નીષ્પક્ષ છે. પ્રકૃતીમાં નૈતીકતા નથી. શીષ્ટાચાર નથી.અને સાર્થકતા પણ નથી." કામૂના એક પાત્રે સૃષ્ટી સામે બળવો પોકારવા  તમામ પ્રકારની નૈતીકતા ફગાવીને  બેફામ ક્રુરતાનો માર્ગ અપનાવ્યો. એણે કારણ વીના અનેક લોકોની હત્યા કરાવી... તેનું પાત્ર સંવાદમાં આગળ બોલે છે " ઇશ્વર સમકક્ષ બનવું હોય તો  એક જ રસ્તો છે...એના જેવુ ક્રુર બનવું પડશે... નાટકના અંતે તેજ પાત્ર હળવેકથી બોલે છે ' સાલો ખુનખરાબો પણ ઇલાજ તો નથી જ ' પાન ..૩.

(૪)   જીંદગી પોતે નીરર્થક હોય તો પણ એમાંના સંઘર્ષ માણસને જીવવા માટેનું બળ પુરું પાડે છે...પાન–૪

(૫) અંગત તેમ જ વ્યાપક નીરર્થકતાનો માણસ પર કેવો કેવો પ્રભાવ પડી શકે એ વીશે કામૂએ ખુબ વીચારેલું. અમુક ચોક્ક્સ પ્રકારની નીર્લેપતા ધરાવતો માણસ  કેવો હોઇ શકે  તેની કલ્પના કરીને  કામૂએ બે નવલકથા લખેલી. એમાંની પહેલી હતી ' એ હેપી ડેથ ' એક સુખી મોત ....તેમાંનો હીરો બોલે છે  ' ખુન એ મૌલીક છે કે પ્રેરીત એ બાબતે ભલે અસ્પષ્ટ છે'. એટલું સ્પષ્ટ છે કે આખી વાતમાં નૈતીકતા ક્યાંય નથી આવતી . ખુનનો હીસાબ સાદો છે; સુખી થવા માટે ' જે કરવા જેવું લાગે છે એ માટે પેલો હીરો ખુન કરે છે. તે અમીર બની જાય છે. પૈસાના જોરે ફુરસદ મેળવે છે '....પાન..૫.

(૬) પૈસાના જોરે ખરીદેલા સમયની મદદથી જાત અને જગત સાથેના લાંબા સંઘર્ષને અંતે  હીરો છેવટે સુખેને પામે છે ખરો? પછી એ માંદો પડે છે. અને મરી જાય છે. ઉત્પાતીયા માનવીની માટી છેવટે સ્થીર શાશ્વત માટીમાં મળી જાય છે... પાન.. ૬.

(૭) અ હેપી ડેથની નવલકથાનો હીરો ખુન કરે છે. તેની એક જ રીવોલ્વરની ગોળીએ સામાનું મૃત્યુ થાય છે. પણ થોડીવાર હીરો ઉભો રહી સામાના મૃત્ત શરીર પર બીજી ચાર ગોળીઓ છોડે છે. પછી પાછો સ્વગતોક્તી ( Soliloquy) બોલે છે; " એક ગોળીથી મરેલો માણસ બીજી ચાર ગોળીઓથી 'વધુ' થોડો મરી જવાનો છે."... તેના પર કેસ ચાલે છે. ફરીયાદી વકીલ કોર્ટને સમજાવવાની કોશીષ કરે છે કે ખુની લાગણી શુન્ય રાક્ષસ છે. કારણકે પેલો વકીલ દલીલ કરે છે કે મી લોર્ડ " આ માણસે તેની માતાના મોત સમયે સહેજ પણ લાગણી  નહોતી દર્શાવી! ખુનની ઘટનાને બદલે માતાની અંતીમવીધી વીશે કોર્ટમાં ચર્ચા વધુ થાય છે. છેવટે જજ ચુકાદો આપે છે " જાહેરમાં આ માણસનું માથુ ધડથી અલગ કરી દો..... પાછો તે બોલે છે કે મારી એકલતા ઓછી થાય એટલા ખાતર ઇચ્છું છું કે મને જ્યારે દેહાંત દંડ અપાય ત્યારે બહુ બધા લોકો હાજર રહી અને બરાડી બરાડી ને મને બદદુઆ દે....".. પાન..૭

(૮)આલ્બેર કામૂની એક બીજી વીશ્વવીખ્યાત નવલકથા છે ' ધ આઉટસાઇડર'. આ નવલકથામાં માણસ ટુંકમાં સૃષ્ટીમાં અમથેઅમથું જીવન જીવતો માણસ અમથેઅમથા નૈતીક નીયમોના વર્તુળની બહાર રહીને જીવે તો તેનું જીવન કેવું હોઇ શકે એની ચોંકાવનારી કલ્પના આ નવલકથામાં છે....પાનુ ૮

(૯) તેની બીજી નવલકથાનું નામ છે ' પ્લેગ'. એક ગામમાં પ્લેગ ફાટી નીક્ળે છે. માણસો ટપોટપ મરવા માંડે છે. આખા શહેરને જગતથી વીખૂટું પાડી દેવામાં આવે છે. ન કોઇ શહેરમાંથી બહાર જઇ શકે કે પછી ન કોઇ બહારનો માણસ શહેરમાં આવી શકે! ... ગામનો પાદરી પ્લેગને " માણસોના પાપની ઇશ્વરે ફટકારેલી સજા ગણાવે છે." રોગનો ભોગ સૌથી વધારે ગામના બાળકો બને છે. બાળકો તો હજુ પાપ કરવા જેટલા  મોટા પણ થયા નથી હોતાં તો પછી તેમને ઇશ્વર કયા પાપોની સજા આપતો હશે?  આ સવાલનો જવાબ પેલા પાદરી પાસે નથી. બાળમૃત્યુના મામલે પેલા પાદરીની શ્રધ્ધા સહેજ ડગે છે. અને તે માંદા પડે છે. તેને પ્લેગ થયો નથી. લેખકનો ઇશારો એવો છે કે  પાદરી પ્લેગથી નહી પણ શ્રધ્ધાના મોતથી મૃત્યુ પામે છે. પાનુ..૯

(૧૦) પ્લેગની નવલકથાના હીરોનું નામ છે ટેરો. તે ગામના ડૉ રીઓ ને પુછી નાંખે છે કે હે! ડૉકટર તમે આસ્તીક ન હોવા છતાં કઇ રીતે થાક્યાકંટાળ્યા વીના હોસ્પીટલમાં દર્દીઓની સારવાર બસ કર્યા જ કરો છો? હીરો ટેરોનું માનવું છે કે ઇશ્વરીય આદેશ ધમકી પ્રલોભનો ના નામે ધર્મ માણસને 'સીધો' રાખવા મથે છે. હીરો પોતાના મનમાં વીચારી રહ્યો છે કે " ધર્મને વચ્ચે લાવ્યા વીના સમાજમાં નૈતીકતા જાળવી શકાય?" શું ધર્મ અને ઇશ્વર વીના માણસના હ્રદયમાંથી પ્લેગના રોગ જેવા લોભ– ધીક્કાર– હીંસા દુર કરી શકાય ..ખરા? આપણો હીરો પેલા ડૉ રીઓને પુછી નાંખે છે ' શું ઇશ્વર વીના માનવી સંત બની શકે ખરો? નાસ્તીક સંત બની શકાય ખરૂ? ...પાનુ.૧૦

(૧૧) નવલકથામાં ગામના પ્લેગના રોગથી વ્યથીત માણસો જે બધાએ પોતાના આપ્તજનો ગુમાવ્યા છે. તેઓ વીચારે છે કે તર્કબધ્ધ અને અર્થસભર જીવન જ હોય નહી ( જેમ ગમેતે માણસ પેલા પ્લેગના ભરડાનો ભોગ બની જાય છે) તેનો અર્થ એટલો જ કે માણસના હાથમાં કશું છે જ નહી. આશા રાખવાનો કોઇ અર્થ નથી. માટે આ બધી વાતે ત્રાસેલા લોકો  છેવટે ધર્મને ફગાવી દઇને જલસા અને ઐયાશી પર ઉતરી આવે છે. પાનું.૧૧

(૧૨)કામૂની નવલકથા " ધી રીબેલ' પછી કામૂ અને વીચારક સાર્ત્રે વચ્ચે સાધન અને સાધ્યના મુદ્દે ખુબજ ગંભીર મતભેદો ફ્રાન્સના વીચાર જગતમાં બહાર આવે છે. કામૂ તેમાં ગાંધીજીના પક્ષે રહે છે. સાધ્ય ગમે તેટલું ઉમદા હોય તેમછતાં તે સીધ્ધ કરવા હીંસાને કામૂ વર્જય ગણે છે. કામૂને મન માનવતા પહેલી. ક્રાંતી કે બળવા પાછળનો આદર્શ ભલે ગમે તેટલો ઉંચો હોય ,પણ તેના પાયામાં નીતીમત્તા તો હોવીજ જોઇએ. પનુ. ૧૨..

(૧૩) સાર્ત્રે ઉવાચ– ક્રાંતીકારી સત્તા જો પ્રેસ પર થોડો અંકુશ લાદે, લોકો પાસે  બળજબરીથી મજુરી કરાવે અને જરૂર લાગે તો ફટાફટ  મોતની સજા પણ ફટકારી દે ..તો એમાં ખોટું શું છે? ક્રાંતીને આગળ ધપાવવા આવું બધું કરવું પડે...ક્રાંતીના લડવૈયાઓએ નેતાને અનુસરવું જ રહ્યું....શીસ્ત તો જોઇએ..સાચા ખોટા અંગે  સૌ જાતે જ નીર્ણય લેવા લાગે એ તો કેમ ચાલે? ...પાનું ૧૩.

સૌજન્ય–સાર્થક જલસો–૧૩. તેમાં જુદા જુદા લેખોમાં કેટલાક ' ફીલ્મ હેલ્લારો,( લે. અભીષેક શાહ) હોમાયા વ્યારાવાલા તમારા શું થાય? (પરેશ પ્રજાપતી) જ્યારે અસ્તીત્વની સમગ્ર ચેતના સ્પંદન બનીને  વહેવા માંડે ( આશીષ કક્ક્ડ) મેમરી ટ્રઝર( રજનીકુમાર પંડયા) હોંગકોંગનો સંઘર્ષ( રૂતુલ જોષી), માધવબાગની સભા ખરેખર કેવી હતી ( ઉર્વીશ કોઠારી) છે. સંપર્ક– બુકશેલ્ફ, ૧૬ સીટી સેન્ટર, સ્વસ્તીક ચાર રસ્તા પાસે, સીજી રોડ, નવરંગપુરા, અમદાવાદ–(૩૮૦૦૦૯) ફોન–૦૭૯–૨૬૪૪ ૧૮૨૬.

  


--