હાઉડી મોદીનો અમેરીકન ડોલર મહારાષ્ટ્ર અને હરીયાણામાં કેમ ચાલ્યો નહી? પેલી કાશ્મીરની ૩૭૦ની કલમનો નાશ અને સ્વરચીત રાષ્ટ્રવાદના વીસા સર્ટીફીકેટ પણ બંને રાજયોના મતદારોને બીજેપીની તરફેણમાં મત આપવા કેમ પ્રેરણાસ્રોત ન બન્યા? મોદી– શાહની બેલડીની વીધ્યુતવેગી ચુંટણી સભાઓ કેમ અમને અર્થશાસ્રમાં ભણાવવામાં આવતા Father of Economics- Adam Smithના ' ઘટતી સીમાંન્તતાના સીધ્ધાંત ( The law of diminishing return)નો ભોગ બન્યા.? " જેટલી વધુ ચુંટણી સભાઓ એટલી બીજેપીની ઓછી સીટોની જીત. બંને રાજ્યોમાં તમામ વીરોધ પક્ષોની ચુંટણી લડવા માટેની ગણી ગણાય નહી તેટલી મજબુરીઓ છતાં મતોનો કળશ (કમળ નહી) તે બધાના શીરપર જ કેમ ઢોળ્યો? બીજેપીનું નહી પણ મોદીજીનું અંગત વોટ કેચીંગ મશીન 'વ્યક્તી પુજા' ( Personality Cult) ના અફીણી ઘેનનો જાદુ પેલા ઇવીએમ ચુંટણી મશીનોમાં મતદારોને આકર્ષવામાં કેમ સફળ ન થયો? છેલ્લે ઘણા સમયથી બીજેપીનું રાજકીય પ્રચાર કાર્ડ કાયમ માટે મતદારોની વાસ્તવીક આર્થીક મજબુરીઓ પર હાવી જતું હતું તેમાં કેમ પંચર પડયું? મહારાષ્ટ્રના મરાઠાવાડા, વીદર્ભ, આર એસ એસ ના નાગપુર જેવા વીસ્તારો જેમાં બીગ શોટ નીતીન ગડકરી, વર્તમાન મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડન્વીસ વી. ની ગૃહભુમીમાં તેમના બીજેપીના પ્રધાનો અને વર્તમાન ધારાસભ્યો કેમ હાર્યા?
મોદીજી, સમજીલો કે તમારા નોટબંદી અને કમસમયની અણઘઢ જીએસટીના અમલે તમારી સંપુર્ણ રાજકીય કારકીર્દીની અને તમારા રાજકીય પક્ષના ભવીષ્યની ઘોર ખોદી નાંખી છે. આપ સાહેબ! કેમ હમેંશાં હાર્વર્ડ અને ક્રેમબ્રીજનાના આર્થીક ભારતીય તજજ્ઞનો અને અન્ય બૌધ્ધીકોની સરખામણીમાં કેવા માણસોને પસંદ કરો છો?
જુઓ ભાઇ! વીશ્વના જુદા જુદા દેશોના ટોચના નેતાઓ, તમારા જેવા સમાજ અને વ્યક્તીના આમુલ પરીવર્તનમાં રાજકીય સત્તાના ઉપયોગથી પ્રમાણીક રીતે મથનારઓને મુડીવાદી બજાર વ્યવસ્થાએ ફગાવી દીધા છે.કારણકે તમે બજારના નીયમોની સામે પડેલા છો. જે નગ્ન સત્યને હજુ પણ તમે, તમારી સરકાર અને આર એસ એસના વડા મોહન ભાગવત સ્વીકારવા તૈયાર નથી.
સામ્યવાદના પ્રણેતા કાર્લમાર્કસ, ત્યારબાદ તેના સૈધ્ધાંતીક ચીલે ચાલનાર, લેનીન, સ્ટાલીન, માઉત્સે તુંગ, અને સ્વદેશી અર્થકારણના પ્રણેતા ગાંધીજી વગેરે બજાર વ્યવસ્થાની સામે પડયા તો તે બધા અત્યારે ક્યાં છે?. સામ્યવાદી સોવીયેત સોશીયાલ્સ્ટ રશીયામાંથી ફક્ત રશીયા થઇ ગયુ. ચીને સામ્યવાદ છોડયો અને મુડીવાદ પસંદ કર્યો તો તાકાતવાન બન્યો છે. વીશ્વના શેર બજારોમાં(શેર માર્કેટ) એક સત્ય શાશ્વત છે. " જે બજારની સામે પડે છે તેની કબર પણ શેર બજારનાં પગથીયા નીચે જ બને છે."
તમારા આર્થીક નીર્ણયોથી જે મંદી દેશમાં પેદા થઇ છે તેની જવાબદારીમાંથી છટકવા મહેરબાની કરીને જુદા જુદા બાના ન શોધશો.મંદી કોર્પોરેટ ક્ષેત્રના કરવેરા ઘટાડવાથી ક્યારે દુર નહીં થાય! તે ક્ષેત્રની કુંપનીના માલીકોને પુછો તો ખરા ભાઇ! કેમ તમે ઉત્પાદન ઓછું કરી દીધું કે બંધ કરી દીધું છે? " અમારા માલ કે ઉત્પાદનને ખરીદનાર નથી!" મંદીને ઓળખવાનું એક જ લક્ષણ છે– સતત માંગનો ઘટાડો. દેશના ખેતી ક્ષેત્રથી માંડીને ટોચના પાંચ ટકા માલેતુજાર વર્ગને બાદ કરતાં તમામ આર્થીક સંગઠીત– અસંગઠીત ક્ષેત્રો (Unorganized sectors)પર આધારીત પ્રજાની આવકમાં જબ્બરજસ્ત ઘટાડો થઇ ગયો છે. લોકો પોતાની ખરીદશક્તીના ઘટાડાને કારણે જીવવા માટે જેટલું મજબુરીથી ખરીદવું પડે તેનાથી વધુ ખરીદવાનો નીર્ણય મુલતવી રાખે છે. અથવા લંબાવે છે.
દેશની મોટાભાગની પ્રજાની આવકમાં સતત ઘટાડો, સરકારની ખેતી ક્ષેત્રની સમસ્યો સુલઝાવવામાં સરીયામ નીષ્ફળતાઓ અને અસંગઠીત ક્ષેત્રના લોકોની આવકમાં (નોટબંધી અને જીએસટીના પરીણામોને કારણે) સતત અચોક્ક્સતાઓ, દેશની મંદી માટે કારણભુત બનેલ છે. બેરોજગારી,યુવાનોમાટેનું અનીશ્ચીત ભાવી જેવા પરીબળોમાં તેમાં ઇધન પુરુ પાડે છે.
ખાલી હરીયાણા રાજ્યમાં બીજેપીનો કુલ મતદાનમાં લોકસભાની ચુંટણી સમયે ફાળો ૫૮ ટકા હતો તે ઘટીને વીધાનસભામાં ૩૬ ટકા થઇ ગયો છે. તેવુંજ મહારાષ્ટ્રમાં પણ બન્યું છે. કોઇપણ દેશમાં મંદીના પરીબળો રાતોરાત પેદા થતાં નથી તેજ પ્રમાણે મંદીને કોઇ રાતોરાત દુર કરી શકતું પણ નથી. ક્રમશ; મંદીનો અસરો તમારી સૌનું રાજકીય ભવીષ્ય આ બે રાજ્યોના પરીણામોની માફક નક્કી કરશે. આવા સંજોગોમાં તમારા ચુંટણી જીતવવાના તમામ જુના સાધનો અને વ્યુહ રચનાઓ કામમાં ઉપયોગી નીવડતી નથી તે બોધપાઠ આપણને સૌને આ બે રાજ્યોની ચુંટણીના પરીણામો આપે છે.