Monday, January 13, 2020

હમ દેખેગેં , લાજીમ હૈ કી હમ દેખેંગે

            હમ દેખેગેં , લાજીમ હૈ કી હમ દેખેંગે ( A protest Anthem ) ફૈઝ અહેમદ ફૈઝ (૧૯૧૧– ૧૯૮૪)

         આ ગઝલે દેશમાં આપણી સંસદના બંને ગૃહોમાં પસાર કરેલ નાગરીક સંશોધન બીલ(કાયદો) ના વીરોધમાં બૌધ્ધીક જગતમાં ઘણું મહત્વ પેદા કર્યુ છે. સત્તાપક્ષ અને તેના ટેકેદારોને આ ગઝલમાં હીંદુ વીરોધી તેથી દેશ વીરોધી છે તેવી ગંધ આવે છે. ફૈઝ સાહેબની આ ગઝલ દેશમાં શાસનકર્તાઓના વીરોધમાં પ્રથમવાર જ ગાઇને પ્રજામત કેળવવા ઉપયોગ થતો હોય તેવું પણ નથી.

        ગાંધીજીની આઝાદીની ચળવળથી શરૂઆત કરીને, સને ૧૯૭૪થી–૧૯૭૭ સુધી નવનીર્માણ આંદોલન અને કટોકટી સામે જયપ્રકાશ નારાયણના નેતૃત્વ નીચે પ્રજામત કેળવવા માટે તેઓના સાથીદારોએ ફૈઝ સાહેબના જેવી ગુજરાતી, હીંદી ને ઉર્દું ગઝલો અને કવીતાઓ અને પ્રસંગને અનુરૂપ શૌર્ય ગીતોનો ભરપેટ ઉપયોગ કરેલો હતો. તાજેતરના અન્ના હજારેના ' India against Corruption movement ' આંદોલનમાં પણ આ ગઝલનો ખુબજ ઉપયોગ કરવામાં આવેલો હતો. જયપ્રકાશજી તથા અન્ના હજારેના આંદોલનમાં જે લોકો હાલને તબક્કે સત્તામાં છે તે બધાએ પણ આ ગઝલ અને તેની નગમોનો ઉપયોગ કરતાં તેમાં હીંદુ ધર્મ કે દેશવીરોધી કોઇને જે તે સમયે દેખાયું ન હતું.

        સૌ પ્રથમ આ ગઝલના સર્જક ફૈઝ અહેમદ ફૈઝના જીવન અને તેમની વીચારસરણીનો થોડો પરીચય કેળવીએ. જેથી આ સર્જક અને તેના સંઘર્ષનો પરીચય થાય. ત્યારબાદ આપણે તે ગઝલને શબ્શ; રજુ કરીને તેના અર્થ સાથે સમજવાની કોશીષ કરીશું. ફૈઝ અહેમદ ફૈઝના જીવનની આપણા માટે જરૂરી માહીતી ટુંકમાં નીચે મુજબની મેં પસંદ કરી છે.

         સને ૧૯૪૨માં, બીજા વીશ્વયુધ્ધમાં હીટલર અને મુસોલીનીના લશ્કર સામે ફૈઝ સાહેબે બ્રીર્ટીશ લશ્કરમાં સ્વતંત્રતા પહેલાંના હીંદુસ્તાન તરફથી ભાગ લીધો હતો. હીંદુસ્તાનની સ્વતંત્રતા પહેલાંની પ્રોગ્રેસીવ રાયટર્સ મુવમેંટનાતે અગ્રણી હતા. સને ૧૯૪૭ પછી તેઓ પાકીસ્તાની  નાગરીક બનીને ડાબેરી (સામ્યવાદી), નીરીઇશ્વરવાદી અને ઇસ્લામ વીરોધી સક્રીય રાજકારણી પણ બન્યા હતા. તે સમયથી પાકીસ્તાન દેશતો ચુસ્ત ઇસ્લામી દેશ હતો. ૧૯૫૨–૫૩માં ' રાવલપીંડી બળવા 'તરીકે જાણીતા નીષ્ફળ બળવામાં ભાગ લેવા બદલ ઘણા વર્ષો સુધી જેલમાં રહ્યા હતા. સને ૧૯૪૭થી માંડીને ૧૯૮૪ સુધીના તેમના દેહાંત સુધીના જીવનમાંથી પચાસ ટકા ઉપર જીવન ફૈઝ સાફેબે પોતાના વીચારોને કારણે જેલમાં વીતાવ્યું હતું. ફેઝ સાહેબને પાકીસ્તાનમાં અમેરીકન પીઠુ સરકારો સામે ડાબેરી રશીયા તરફી લશ્કરી શાસનની રચના કરવી હતી. તે માટે તેઓને જેલમાં પુરી દેવામાં આવ્યા હતા. ફૈઝ સાહેબને કાયમ માટે પાકીસ્તાન છોડી દેવાની શરતે મુક્ત કરવામાં આવ્યા હતા. તે સમયે સામ્યવાદી રશીયાએ તેઓને આશ્રય આપ્યો હતો. સોવીયત રશીયાએ તેમને મુડીવાદી દેશો સંચાલીત નોબેલ પ્રાઇઝ જેટલું સમકક્ષ સામ્યવાદી દેશોમાં પ્રતીષ્ઠા ધરાવતું લેનીન પીસ પ્રાઇઝ પણ આપ્યું હતું.

         ત્યારબાદ ઝુલ્ફઅલી ભુટ્ટો સાથેની મીત્રતાના કારણે તે ફરી પોતાના દેશમાં આવી શક્યા.પણ સને ૧૯૭૯માં ઝીઆઉલ હક્કની સરમુખ્ત્યારી રાજ્ય સત્તા, જે ફન્ડામેન્ટલીસ્ટ, માનવીય મુલ્યો વીરોધી અને પ્રત્યાઘાતી  હતી. તેની સામે ફરીથી તેઓએ વીદ્રોહ પોકાર્યો હતો. પાકીસ્તાની પ્રજા પણ ઝીઆના જુલ્મી શાસનથી ત્રાહીમ પોકારી ગઇ હતી. તેની સામે " હમે દેખેગેં " ગઝલની રચના સને ૧૯૭૯માં કરી હતી. જે ગઝલ પર ઝીઆ ઉલ હક્ક સરકારે પ્રતીબંધ મુક્યો હતો. તેના વીરોધમાં લાહોરના સ્ટેડીયમમાં ઇકબાલ બાનુ કવીયત્રીએ આ ગઝલના પ્રથમ વાર્ષીક દીવસે  ઝીઆ ઉલ્લ હક્ક સરકારના હુકમોનો અનાદર કરીને  ૫૦,૦૦૦ લોકો ભેગા કરીને આ ગઝલને લલકારી હતી. આમ આ ગઝલનો જન્મ ઝીઆ ઉલ હક્કની જુલ્મી સરકાર સામે, અને પ્રજા વીરોધી શાસન સામેના પ્રતીકાર તરીકે થયો હતો. તેના સંદર્ભમાં હવે આ ગઝલને સમજીશું.

 હમ દેખેંગે, લાજીમ હૈ કી હમ દેખેં ગે;

 જો દિન જીસ કા વાદા હૈ, જો લોહે અજલ મેં લીખા હૈ ;

જબ જુલ્મ–ઓ–સીતમ કે કોહે–એ ગરાં, રૂઇ કી તરહ ઉડ જાયેગેં;

હમ મહેકુમો કે પાંવ તલે, એ ધરતી ધડ ધડ ધડકેગી;

ઔર અહલ–એ –હકમ કે સર પર, જબ બીજલી કડકડ કડકેગી ;

જબ અર્જે ખુદા કે કાબે સે,  સબ બુત ઉડાયે જાયેગેં;

હમ અહલ–એ–સફા– મરદુદે– એ –હરમ મસનદ પે બીઠાએ જાયેગે ;

સબ તાજ ઉછાલે જાયેગેં, સબ તખ્ત ગીરાએ જાયેગેં ; 

બસ નામ રહેંગા અલ્લાહ કા,જો ગાયબ ભી હૈ, હાજીર ભી, જો મંજરભી હૈ, નાજીર ભી;

ઉઠેગા અન–અલ–હક કા નારા, મેં ભી હું ઔર તુમ ભી હૈ;

રાજ કરેગી ખુલ્ક– એ ખુદા, જો મૈ ભી હું ઔર તુમ ભી હો.

હમ દેખેં ગે– લાજીમ હૈ કી હમ દેખેં ગે....

આ ગઝલમાં ઘણા શબ્દો ઉર્દુ છે. આ ગઝલમાં વપરાયેલ રૂપકો, અલંકારો (Metaphor) તે બધાને એક યા બીજા સ્વરૂપે ઇસ્લામી તત્વજ્ઞાનની લાક્ષણીકતા (Ethos)માંથી લઇને ઉપયોગ કર્યો છે. ફક્ત ને ફક્ત પાકીસ્તાની તાનાશાહ ઝીયા ઉલ હક્કના જુલ્મી શાસનને સમજાવવા તે રૂપકો વીગેરે વાપર્યા છે. તેમજ તખ્તને ઉથલાવીને પ્રજાલક્ષી રાજ્ય વ્યવસ્થાના સર્જન માટેના સ્વપ્નાઓ ફૈઝ સાહેબે આ ગઝલમાં સેવ્યા છે.

(૧) સૌ પ્રથમ ફૈઝ સાહેબે, પોતાના માનવજાતના ઇતીહાસના અભ્યાસને આધારે તારણ કાઢયું કે જુલ્મી શાસનોનો બુરો અંત નક્કી જ છે. તે પ્રમાણેનું તે બધાનું ભાવી તેમના જુલ્મી કાર્યોને કારણે નક્કી જ નીર્માણ થયેલું છે.( જો લોહે આજમ મેં લીખા હૈ) પણ હા, એ હકીકત છે કે સવારની પહોરના પહેલાની રાત્રી વધુ અંધકારમય હોય છે.

(૨) દેશમાં જુલ્મી શાસનના જે મોટા મોટા પહાડ( કોહ–એ– ગરાં) બની ગયા છે, તે બધા એક રૂ ના ઢગલાની માફક ક્યાંય ઉડી જશે. ત્યારબાદ જુલ્મી શાસનથી આઝાદ થયેલા નાગરીકોના( મહેકુમો) પગતળે પેલું મૃતપ્રાય થયેલું શાસન થરથર કાંપતું (યે ધરતી ધડધડ ધડકેગી) હશે.

(૩) શાસનકર્તાની માથા ઉપર( અહલ– એ– હકમ) પ્રજાના બળવાની વીદ્રોહ રૂપી વીજળીના કડાકા સતત પડતા હશે. જે શાસનકર્તા લોકો પોતાની જાતને પૃથ્વીપરના ખુદા માની બેઠા છે ( અર્જે–એ–ખુદા કે કાબે સે) તે બધાઓને ફગાવી દેવામાં આવશે.( સબ બુત ઉઠવાએ જાએગેં) મક્કા શરીફમાં જે કાબા છે તેનો ઉલ્લેખ બીલકુલ નથી.

(૪) પછી શું થશે? જે લોકો જુલ્મી શાસનથી સર્વહારા બન્યા છે (અહલ–એ–સફા), ની;સહાય બન્યા છે ( મરદુદે હરમ) પ્રજા, મુસ્લીમ બાદશાહો જે ગોળ તકીયા ( મસનદ્) પર બેસે છે તેના પર બેસીને પ્રજા રાજ્ય કરશે.

(૫) તેમની બધા સત્તાઓને જળમુળથી ફગાવી દેવામાં આવશે. ફક્ત પ્રજા જ રહેશે.( બસ નામ રહેગા અલ્લાહ કા.) જે નીરકાર છે,અને જેનો આકાર પણ છે. જેનાથી હકુમત ચાલેશે.

(૬)  જે દીવસે પ્રજાને અહેસાસ થશે કે ' તે જ સર્વસત્તાધીશ છે ( ઉઠેગા અન–અલ–હક્ક કા નારા),  તે પોતેજ પોતાના ભાગ્યનો વીધાતા છે, તેની પાસે જ પ્રજા તરીકે સત્ય શોધવાની શક્તી છે. માટે આપણે બંને માનવી તરીકે પોતે જ અલ્લાહ, ઇશ્વર,કે ગોડ છે.( મેં ભી હું ઓર તુમ ભી હૈ) તે રીતે સાચા અર્થમાં પ્રજાસત્તાક સરકારનું રાજ્ય આવશે. (ઔર રાજ કરેગી ખુલ્ક– એ–ખુદા). ભાવનુવાદ– બીપીન શ્રોફ.

જાવીદ અખ્તરના નીરીક્ષણની વાત કરવાની.

આ સમગ્ર ગઝલમાં જાવીદ સાહેબને કોઇ શબ્દો સૌથી વિવાદાસ્પદ હોય તો નીચે મુજબના શબ્દો છે.

" ઉઠેગા અન–અલ–હક્ક કા નારા" કેમ?

આ અન–અલ–હક્ક નારા નો અર્થ છે ' અહમ બ્રહ્માસ્મી ' માનવી પોતે જ સર્જનહાર છે. માનવીની સર્જન શક્તી કાલ્પનીક ઇશ્વરની સર્જનશક્તી કરતાં લેશ માત્ર ઓછી નથી. આ તત્વજ્ઞાન વૈદીક, અદ્વૈત તથા સુફી વીચારસરણીમાંથી ઉત્પન્ન થયેલ છે. તેમાં માનવીને ઇશ્વરનો ગુલામ કે તારણહાર છે તેમ સર્વસત્તાધીશ  તરીકે સ્વીકારવામાં આવતો નથી. તેમાં ઇશ્વરી સત્તાને પડકાર છે. તેની સામે ઇસ્લામ, ખ્રીસ્તી અને યહુદી ( સેમેટીક ધર્મો) માં એક જ ઇશ્વરના ખ્યાલને વીકસાવ્યો છે. અને તે ધાર્મીક સત્યને કદાપી પડકારાય નહી. આ આખી ગઝલમાં ફૈઝ અહેમદ ફૈઝ સાહેબે જુલ્મી સરમુખ્તયાર સામે પ્રજાકીય બળવાની જ વાત કરી છે.

 બીજી અગત્યની દલીલ જાવીદ અખ્તરે ' અન–અલ–હક્ક ' શબ્દસમુહને ઇસ્લામી સત્તાધીશોમાં એટલુ બધું મહત્વ છે કે તેને ઉગતું જ ડામીદેવામાં, નીકંદન કાઢી નાંખવામાં અગ્રીમતા આપવામાં આવે છે. જાવીદ અખ્તરે વધુ માહતી આપતાં કહ્યુ હતું કે સને ૯૨૨માં મનસુર અલ હલ્લાજ(Mansur al-Hallaj) નામના સુફી સંતને અન અલ હક્કના પ્રચાર માટે શીરચ્છેદ કરી દીધો હતો.( Mansur al-Hallaj, a Sufi mystic put to death in 922 AD during the reign of the Abbasid caliph Al-Muqtadir bi-llāh.) હીદુસ્તાનમાં મોગલ બાદશાહ ઔરંગઝેબે પણ પોતાની જાતને અન અલ હક્ક કે અહ્મ બ્રહ્માસ્મી કહેવા માટે પણ એક સુફી સંતનો શીરચ્છેદ કરી નાંખ્યો હતો. અંતમા પોતાની દલીલ રજુ કરતાં જાવેદ અખ્તરે ભારપુર્વક જણાવ્યું હતું કે ભારતમાં જે લોકો ' હમ દેખેગેં' ગઝલનો વીરોધ કરે છે તે બધા જાણે અજાણે શું ઔરંગઝેબની માનસીકતાના ટેકેદારો નથી?    સૌ. ગુગલ સર્ચ.   

 

 

                                                                            

 


--